પ્રકરણ ૨ હિમાલય જેવડી ભૂલ.
"મનુષ્ય માત્ર ભૂલને પાત્ર" એ આપણી ગુજરાતી કહેવત છે. ભૂલ તો બધાની જ થાય. હું પણ તમારા જેવો જ મનુષ્ય છું. તો મારી પણ ભૂલ થઈ હોય તો તે છુપાવવાનો શો અર્થ ? લો ત્યારે હું મારી ભૂલનો એકરાર કરી પ્રાયશ્ચિત કરી લૌં. કવિ શ્રી દલપતરામના ઊટે જ્યારે દરેક પ્રાણીના અંગની ટીકા કરી ત્યારે શિયાળે તેનો જવાબ આપ્યો હતો. બધામાં જ ખોડખાંપણ જોનાર લેખકમાં પણ કોઈ ઉણપ તો હશે જને ? અતુલમાં આવા શિયાળે (એક મિત્રે)મારૂં ધ્યાન દોર્યું છે.તેના આભાર સાથે હું અત્રે રજુ કરુ છું.
H Acid અને Hcl નો ગોટાળો.
શ્રી મધુકર જી ધોળકિયા, ગુજરાત વિધાન સભાના સ્પીકર શ્રી કુંદનલાલ ધોળકિયાના સંબંધી.એઝો પ્લાન્ટમાં નવા કેમીસ્ટ તરીકે દાખલ થયેલા. 'વોલીબૉલ' રમતાં તેમને હાથે ફ્રેક્ચર થયું, તેથી લખવાનું ફાવે નહિ, નવા દાખલ થયેલા હોવાથી રજા પણ મળે નહિ. ઓળખાણથી આવેલા એટલે છૂટા કરાય નહિ. પ્લાન્ટમાં કામ વગર બેસાડી તો રખાય નહિં, કામ તો આપવું જ જોઈએ. તેમને રૉ મટીરિયલ સ્ટોર્સનું કામ સોંપ્યું. મોટા લેજરમાં રૉ-મટીરિયલની નોંધ કરવાની, અને તેના ઉપરથી કોસ્ટીંગ ડીપાર્ટમેન્ટ તે પ્રોડક્ટની કિંમત નક્કી કરે. ધોળકિયાને એઝોનો અનુભવ પણ હાથે પાટો એટલે લખવાનું ફાવે નહિ તેથી મને તેમની મદદ કરવા કહ્યું.
એઝો પ્લાન્ટમાં Black E ડાયનું લાંબુ શીડ્યુલ ચાલે. તેમાં રૉ-મટીરિયલમાં H Acid અને Hcl બંન્ને વપરાય.પ્લાન્ટમાંથી તેની વિગત આવે ક્યો રૉમટીરિયલ, કેટલો વપરાયો અને તેમાંથી કેટલો માલ બન્યો વગેરે. આ વિગત લેજરમાં ભરી કોસ્ટીંગ ડિપાર્ટમેન્ટમાં આપવાની, તેઓ તેના પરથી તેની કિંમત નક્કી કરી સેલ્સ અને એકાઉન્ટ્સ ખાતાને જણાવે. મારે ભાગે આ કામ નવું હોવાથી ધોળકિયાને મેં પુછ્યું H Acid અને Hcl આમ કેમ લખે છે ? H Acid ને બદલે Hcl સીધું અને સટ કેમ લખતા નથી. તેમણે જણાવ્યું તમે તમારે સુધારીને લખો ને. અને H Acidનો પુર્જન્મ મેં Hcl તરીકે કર્યો.
કોસ્ટીંગ ખાતામાંથી પણ આખુ ઊંટ પસાર થઈ ગયું. Black E ડાયની કિંમત એકદમ તળીયે પહોંચી ગઈ. કારણ કે H Acid ની કિંમત કીલોના લગભગ ૭૦ થી ૮૦ રૂપિયા અને Hcl ની ૫ થી ૭ રૂપિયા. રૉ-મટીરિયલમાં H Acid નું નામ મળે નહિ બધે જ Hcl. આખા કોસ્ટીંગ ખાતામાં હો હા થઈ ગઈ. તપાસ થઈ. અઝો પ્લાન્ટમાંથી શ્રી સી.બી શાહને બોલાવ્યા, તેમનું એક્સ્પ્લેનેશન માંગ્યુ. આ તમે શું જાદુ ક્ર્યો કે ડાયના ભાવ ઉતરી ગયા ? તેઓ પણ પહેલા તો વિચારમાં પડી ગયા.તેમણે બધી લોગશીટ્સ ચેક કરી, તે તો બરોબર હતી. તેમણે લેજર ચેક કરતાં માલુમ પડ્યું કે H Acid અને Hcl નો ગોટાળો.છે. લેજરમાં H Acid છે જ નહિ તેના વગર આ ડાય બને જ કેવી રીતે? ધોળકિયા અને મારી પુછપરછ કરવામાં આવી, ઠપકો આપી નવેસરથી લેજર બનાવ્યા. આ મારી સર્વિસ દરમ્યાનની મોટી હિમાલય જેટલી ભૂલ હતી.
****
અમદાવાદમાં તે સમયે બે સાયન્સ કોલેજો, 'ગુજરાત ' અને 'એમ જી સાયન્સ કોલેજનો ટાઈમ 'સવારના ૧૦-૩૦ થી ૫-૦૦ નો. હું અભ્યાસ કરું એમ.જી સાયન્સમાં નવરંગપુરા અને રહું ખાડીઆ. મારે ખાડીઆથી લાલ દરવાજા અને લાલ દરવાજાથી નવરંગપુરા બે બસો બદલીને કૉલેજ જવું પડે. (અ.મ્યુ.ત્રા.સ.) એ એમ ટી એસ.બસની અનિયમીતતાને લઈને મારે પહેલા બે પીરિયડ મિસ કરવો પડે. બે વરસ તો ગાડુ ગબડાવ્યું, પણ આ અનિયમિતતા મને આખરી B.Sc. ના વર્ષમાં ભારે પડી.
રસાયણ શાસ્ત્રના બે મુખ્ય વિભાગ. 'ઑર્ગેનીક ' અને 'ઈન ઓર્ગેનિક. ''ઈન ઓર્ગેનિક' ગરીબડી, સીધી લીંટીમાં જ ચાલે, જ્યારે 'ઑર્ગેનિક' ઊંટ જેવી. તેના અઢારે અંગ વાંકા ષષ્ટકોણીયા. તેનો એક પણ ખૂણો સીધો ન હોય. મનમોજી, ડાબે જમણે ઉપર નીચે ગમે તેમ એકબીજાની જોડે પ્રેમ લગ્ન કરે અને બેસી જાય ન ફાવે તો અમેરિકન માફક તુ નહિ તો ઔર સહી, કહી છેડો ફાડી ઉભી થાય. 'ઑર્ગેનિક કેમેસ્ટ્રી'ના ધારદાર ખૂણિયા મારા મગજમાં ઘોંચાયા કરે, આખરે તે સીધા ન થયા તે ન જ થયા, અને તે વિષયમાં હું નબળો રહ્યો.