નો રીટર્ન-૨
ભાગ-૮૬
એક સન્નાટો પ્રસરેલો હતો. જે લડાઇ થઈ તેમાં ત્રણેય હુમલાખોરો મરાયા હતાં. તેમાં એક ઔરત પણ હતી એ તાજ્જૂબીની વાત હતી... પણ એ લડાઇ ક્રૂરતાની ચરમસીમા સમાન નિવડી હતી. અત્યંત ઘાતકી રીતે એ ત્રણેયનાં મોત નિપજ્યાં હતાં. મારા જીવનમાં તો આ સફર જ ન ભૂતો ન ભવિષ્યતી સમાન હતી. આવાં સંજોગો અને આટલાં બેરહમ માણસો સાથે મારો પનારો પડશે એની કલ્પનાં સુધ્ધા મેં ક્યારેય કરી નહોતી. હું સહમી ગયો હતો. હવે મને મારી અને અનેરીની ચિંતા પેઠી હતી. હજું તો ખજાનો મળ્યો નહોતો... અરે, કોઇ ખજાનો છે કે નહીં એની ખબર પણ નહોતી છતાં જો આટલી ખૂનામરકી ખેલાઇ ગઇ હોય તો હવે આગળ ન જાણે શું થશે...? ભલે અમે પાંચ જ માણસો બચ્યા હોઇએ.. ભલે કાર્લોસ ભયંકર રીતે ઘાયલ થયો હોય.. ભલે અમારી પાસે કોઇ હથીયાર ન હોય... છતાં મારે સાવધ રહેવું જરૂરી બની ગયું હતું. સાચું કહું તો અનેરી ઉપર પણ મને ગુસ્સો આવતો હતો. જો તેણે શરૂઆતથી જ બધું ચોખવટ પૂર્વક જણાવ્યું હોત તો કદાચ આવી પરિસ્થિતિમાં અમે મુકાયા ન હોત.
પણ... ખેર, હવે એ બધી વાતો વિચારવાનો સમય વહી ગયો હતો. હવે તો ખજાનાં સુધી પહોંચવું એ જ મારી પ્રાયોરીટી હતી, એ પણ સહી સલામત અને જીવતાં. અમે ફરીથી અમારો સામાન સમેટયો હતો અને આગળ વધવાં તૈયાર થયાં હતાં. આ વખતે કાર્લોસને એક ઘોડા ઉપર બેસાડયો હતો. તેની હાલત અત્યંત નાજૂક હતી. શરીરમાં ઠેકઠેકાણે અસંખ્ય ઘાવ પડયા હતાં. રોગને બહું સારી રીતે એને ધોયો હતો.
યસ... કાર્લોસને સમજાયું હતું કે એ લોકો કોણ હતાં...! એ પ્રોફેસર જોસેફ થોમ્પસનની છોકરી અને તેનાં સાથીદાર હતાં. તેમણે પ્રોફેસરનાં મોતનો બદલો લેવાં હુમલો કર્યો હતો.
@@@@@@@@@@@@
બહું દૂર એ વસ્તું ચળકતી હતી. નકશા પ્રમાણે ખજાનાની દિશા પણ એ તરફની જ હતી. અમે પ્રયાણ કર્યુ ત્યારે બપોર ઢળી ચૂકી હતી. આ મેદાન વિંધીને એ ચળકતી વસ્તું સુધી અમારે પહોંચવાનું હતું. આટલે આઘેથી તો એ કોઇ આરસનો બનેલો પહાડ હોય એવું જ પ્રતિત થતું હતું જેમાં અગણિત અરીસાઓ લગાડેલા હોય અને એ અરીસાઓમાંથી સૂર્યનો પ્રકાશ પરાવર્તિત થઇને ચારેકોર ફેલાતો હોય...! ખરેખર એ અજબ દ્રશ્ય હતું..! હું તો આભો બનીને ક્યારનો એનાં વિચારે જ ચડી ગયો હતો. શું હશે એ...? તેની કલ્પનાં કરવી પણ અશક્ય હતી. એ તો ત્યાં પહોંચ્યાં પછી જ ખબર પડે એમ હતું. આ જંગલમાં અમે એટલાં બધાં આશ્વર્યો જોઇ લીધા હતા કે હવે વધું એક આશ્વર્ય અમારી ઉત્તેજનાં વધારી રહયું હતું. એ શું છે એ જાણવાની ઉત્કંષ્ઠા તેની ચરમસીમાએ પહોચી હતી.
ચાલી ચાલીને મારા પગ દુઃખવા આવ્યાં હતાં. અનેરી, એના અને કાર્લોસ ઘોડા ઉપર હતાં. ક્રેસ્ટો અને હું ચાલતાં જતાં હતાં પરંતુ હવે મારી સહન શક્તિ ખતમ થવા આવી હતી. મારી જેમ અનેરી પણ થાકી હતી. તેનાં ખૂબસૂરત ચહેરા ઉપર આ જંગલનો પ્રભાવ સ્પષ્ટ દેખાતો હતો. તેની ચામડી થોડી તતડી ગઇ હતી અને હોઠ સૂકાઇને ફાટી ગયાં હતાં. ફાટેલાં હોઠની તીરાડોમાંથી ક્યારેક લોહી ઝમતું દેખાતું હતું. તેનાં સૂંવાળા ટૂકાં વાળ યોગ્ય દેખરેખનાં અભાવે બરછટ બની ગયાં હતાં, એવું લાગતું હતું કે ઘણાં સમયથી ધોવાયા જ નથી. તેનાં કપડા અને શરીર મેલા લાગતાં હતાં. છતાં... મારા માટે તે આ જગતની સૌથી સુંદર યુવતી હતી. આમ જોવા જાઓ તો અમારાં બધાની હાલત અનેરી કરતાં કંઇ ખાસ જૂદી નહોતી. બધાં જ મેલા ઘેલાં અને જંગલી લાગતાં હતાં. એમેઝોનનાં જંગલોની ખાક છાનતાં અમે પણ જંગલનો એક હીસ્સો બની ગયાં હતાં. કદાચ બીજા બધાની જેમ અમારું મોત પણ આ જંગલમાં જ થવાનું હતું કારણકે અહીથી પાછા ફરવાનો કોઇ માર્ગ પણ અમારી પાસે નહોતો.
હવે મને સમજાયું હતું કે કેમ ખજાના વાળી જગ્યાને “ અ પોઇન્ટ ઓફ નો રીટર્ન “ કહેવામાં આવી હશે...! કારણકે અહીથી... આ જંગલમાંથી કોઇ જીવીત બહાર નિકળી શકયું જ નહોતું. જે કોઇપણ એક વખત રહસ્યમય ખજાનાંની ખોજમાં નિકળે... એટલે કે આ જંગલમાં દાખલ થાય, પછી તેનાં જીવીત રહેવાનાં ચાન્સ ઝીરો બરાબર હતાં. અમારું ભવિષ્ય પણ એવું જ હતું. અમે સામે ચાલીને અમારા મોતને ગળે લગાવવા આગળ વધતાં હતાં.
@@@@@@@@@@@@@
કેટલું ચાલ્યાં હોઇશું એનો કોઇ જ અંદાજ આવતો નહોતો. સાંજ ઢળવા આવી અને રાત પડી છતાં એ ચળકાટનો પુંજ વધુંને વધું દૂર જતો હોય એવો ભાસ થતો હતો. મને એમ હતું કે સાંજ સુધી એકધારું ચાલવાથી અમે એ જગ્યાએ પહોચી જઇશું પરંતુ જાણે અમારાં ચાલવાંની સાથે એ જગ્યાં પણ તેનું સ્થાન છોડીને આગળ વધતી હોય એવું લાગતું હતું. મેદાની ઇલાકો પણ હવે તો પુરો થવા આવ્યો હતો. પીળી માટી વાળી જમીન ધીરે- ધીરે અલૂપ્ત થતી જતી હતી અને તેની જગ્યાએ ફરીથી કાદવ કીચડ વાળી કાળી જમીન શરૂ થઇ હતી. જ્યાં છૂટા- છવાયા વૃક્ષો હતાં ત્યાં હવે ઘેઘૂર ઝાડવાઓનું વન શરૂ થયું હતું. અમે વળી પાછા એક નવાં જ જંગલમાં પ્રવેશ્યા હોઇએ એવું જણાતું હતું. પળેપળ રંગ બદલતી આ ધરતી અમને નીત નવાં આશ્વર્યો પમાડતી હતી. ગાઢ બનતાં જતાં વનમાં હવે કોણ જાણે નવું શું જોવા મળશે..?
ચાલી ચાલીને બધાં થાકયાં હતાં. નક્કી એવું કર્યુ હતું કે હવે ક્યાંય રોકાવું નથી પરંતુ રાતનો અંધકાર પ્રસરતાં હવે આગળ વધવું પણ શક્ય નહોતું. ન ચાહવા છતાં અમે જંગલની વચાળે થોડી સમથળ જગ્યામાં વિરામ લેવાનું નક્કી કર્યું. ભૂખ પણ કકડીને લાગી હતી, ઉપરાંત બધાને થોડાક આરામની પણ જરૂર હતી એટલે અમે ત્યાં જ અમારો પડાવ નાંખ્યો અને ભોજનની તૈયારીઓ આરંભી.
કાર્લોસની હાલત ક્ષણ- પ્રતિક્ષણ નાજૂક બનતી જતી હતી. તેનાં ઘાવ માંથી એટલું બધું લોહી વહી ગયું હતું કે તેનું શરીર સખત તાવથી ધીખતું હતું અને સખત નબળાઇએ તેને ઘેરી લીધો હતો. તેને તાત્કાલીક સારવારની જરૂર હતી. જો સારવાર ન મળે તો તેનું મોત નક્કી હતું, પરંતુ અહી સારવાર કેવી...! જેટલી બનતી હતી એટલી કોશિશો અમે કરી જ હતી. તેનાં ઘાવ ઉપર પાટા બાંધ્યાં હતાં અને જ્યાં મૂંઢમાર વાગ્યો હતો ત્યાં અહીની માટીનો જ લેપ બનાવીને લગાવ્યો હતો. એનાથી થોડીક રાહત ઉપજી હતી પણ એનાથી કોઇ અર્થ સરવાનો નહોતો. મને બીક હતી કે તે ખજાના સુધી પહોચીએ એ પહેલાં જ ક્યાંક તે ગુજરી ન જાય..!
જમવાનું હવે થોડુંક જ બચ્યું હતું. એ ગરમ કરીને અમે ખાધું. ઘોડાઓને છૂટા કરવામાં આવ્યાં હતાં જેથી એ પોતાની રીતે વિચરી શકે. એ પ્રાણીઓએ કોઇ વફાદાર દોસ્તની જેમ છેક છેલ્લે સુધી અમારો સાથ નિભાવ્યો હતો. જો ઘોડાઓનો સાથ ન મળ્યો હોત તો કદાચ અમે અહી સુધી પહોંચી શકયાં હોત કે કેમ, એ પણ વિચારવા લાયક પ્રશ્ન હતો.
@@@@@@@@@@@@@@
“ પવન, આ જો તો... “ જમ્યાં બાદ આસપાસનું નિરીક્ષણ કરવાં હું થોડો ટહેલવા નિકળી પડયો હતો. ગીચ જંગલમાં આમ ટહેલવું યોગ્ય ન હતું છતાં મારે થોડો સમય એકલાં વીતાવવો હતો અને આગળ શું કરવું જોઇએ એ વિશે વિચારવું હતું. ગહેરા અંધકારમાં ચાલતો હું એક નાનકડા ઝરણા સુધી આવ્યો હતો અને ત્યાં એક મોટા પથ્થર ઉપર ચડીને બેઠો હતો કે અચાનક પાછળથી એક અવાજ આવ્યોને હું ચોંકી ગયો. એ અનેરી હતી જેણે અચાનક આવીને મને ચોંકાવી દીધો હતો. તેનાં હાથમાં કશુંક હતું જે મને બતાવી રહી હતી.
“ શું છે...? અને આમ અચાનક કોઇને છળાવી ન મરાય..! ” હું ખીજાયેલાં શ્વરે બોલ્યો અને પથ્થર ઉપરથી જ હાથ લંબાવીને એ વસ્તું મારા હાથમાં લીધી. એ એક ખરબચડી અને વજનદાર ચીજ હતી. અંધારામાં બરાબર કળાતું નહોતું પરંતુ તેની ખરહટ સપાટી ઉપર હાથની આંગળીઓ ફેરવતાં માલુમ પડયું કે કદાચ કોઇ જમાનામાં એ ચીજ લીસ્સી રહી હોવી જોઇએ, અને અત્યારે તેની ઉપર જંગલનો ક્ષાર જામી જવાથી ખરબચડી બની ગઇ હશે. મને આશ્વર્ય ઉદભવ્યું. અનેરી આ શું ઉઠાવી લાવી છે..!
“ મેં ક્યાં તને છળાવી માર્યો...? “ તારું ધ્યાન નહોતું એમાં હું શું કરું...? “ છણકો કરતાં તે બોલી અને પથ્થર ઉપર ચડી, મારી નજીક આવીને બેસી ગઇ. “ આટલો ધ્યાન મગ્ન બનીને શું વિચારતો હતો...? “
“ એ જ કે... હવે આગળ શું...? અત્યાર સુધી જે પરિસ્થિતિઓમાંથી આપણે પસાર થયાં છીએ એ કોઇ ભયાનક સ્વપ્નથી કમ તો નથી જ. એટલે આગળનું વિચારવું તો પડે જ ને..! “ હું બોલ્યો. એ સમગ્ર સમય દરમ્યાન પેલી વસ્તું મારી હથેળીમાં સતત રમતી હતી. એક એવી ચીજ જેનાથી વિસ્ફોટો સર્જાવાનાં હતાં અને અમારી સફરને એક નવો વળાંક મળવાનો હતો.
એ બાબતથી બે- ખબર હું એ ચીજને મારા હાથમાં સાવ બેફીકરાઇથી રમાડતો હતો.
શું હતી એ ચીજ...?
જાણો આવતાં એપીસોડમાં....
( ક્રમશઃ )
રહસ્ય અને રોમાંચ એ હંમેશા મારો પ્રિય વિષય રહયો છે. હું એટલે જ એવું લખી શકતો હોઇશ. મારા વાચકમિત્રોને પણ એ કહાનીઓ અનહદ પસંદ આવી રહી છે એ જોઇને મને ખરેખર આનંદ થાય છે.
માતૃભારતી ઉપર “ અંગારપથ “ વન્સ અપોન ઇન ગોવા... એક સસ્પેન્સ થ્રિલર ગયાં સોમવારથી શરૂ થઇ છે. જો આપે ન વાંચી હોય તો વાંચજો અને કહાની કેવી છે એ ભૂલ્યાં વગર જણાવજો. તમારો અભિપ્રાય મારા માટે ઘણું અગત્ય ધરાવે છે માટે કોમેન્ટ કરવાનું ભૂલતાં નહી.
ઉપરાંત,
રેટીંગ ચોક્કસ આપજો.
જો આપ રહસ્યમય કથાઓનાં રસીયા હોવ તો તમને મારી અન્ય નવલકથાઓ જેવી કે....
નસીબ
અંજામ
નગર
નો રીટર્ન