Bewafa - 14 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | બેવફા - 14

Featured Books
Categories
Share

બેવફા - 14

બેવફા

કનુ ભગદેવ

પ્રકરણ - 14

એડવોકેટ સુબોધ

જેલના મુલાકાતી ખંડમાં અત્યારે સવિતાદેવી, અને એડવોકેટ સુબોધ જોશી, સાધના સામે બેઠા હતા.

સવિતાદેવીની આંખમાં આંસુ તરવરતાં હતાં. ચહેરા પર અસીમ પીડાના હાવભાવ છવાયેલા હતા.

સેવકરામ પણ ખૂબ જ નિરાશ થઈ ગયેલો દેખાતો હતો.

સાધનાનો ચહેરો હજુ પણ કમાનની જેમ ખેંચાયેલો હતો.

‘દિકરી...!’સવિતાદેવીએ પીડાભર્યા અવાજે કહ્યું, ‘તું બધું જણાવી શા માટે નથી દેતી ? તું લખપતિના કુટુંબની છેલ્લી નિશાની છે ! તારી જાતને ફાંસીના માંચડા સુધી ધકેલતા પહેલાં, તું તારી જાતનું જ નહીં, સાથે સાથે તારા કુટુંબનું પણ નામોનિશાન મીટાવી દેવા માગે છે, એવો વિચાર તને નથી આવતો ?’

‘સાધના...!’સેવકરામ બોલ્યો: ‘તારા પર ઊની આંચ પણ ન આવે, તું બચી જાય એટલા માટે જ અમે વિશાળગઢના ખ્યાતિ પ્રાપ્ત એડવોકેટ સુબોધ જોશીને રોક્યા છે. તું તારે જરા પણ ચિંતા કર્યા વગર એનું નામ જણાવી દે !’

‘મિસ સાધના...!’સુબોધે કહયું, ‘આ તમે જે હઠ પકડીને બેઠાં છો તે સારી નથી. તમે કોઈનું ય ખૂન કરી શકો તેમ નથી એ હું જાણું છું.’

‘કેમ ? હું શા માટે ખૂન કરી શકું તેમ નથી ?’સાધનાએ વીફરેલા અવાજે પૂછ્યું.

‘હું માત્ર જાણું જ છું ! શા માટે કરી શકો તેમ નથી, એનો જવાબ તો હું આપી શકું તેમ નથી. એટલું ચોક્કસ કહું છું. કે તમે લાચાર છો !’

‘હું...હું લાચાર નથી !’

‘હું ખાતરીપૂર્વક કહું છું કે તમારે નમતું જોખવું પડયું છે ! તમે આ ખૂનોનો જે આરોપ તમારા માથા પર લો છો, એ કોઈક લાચારીને કારણે જ તમારા માથા પર આવી પડ્યો છે.’

‘આપ પણ કમાલ કરો છો !’સાધનાના ચહેરા પર કટાક્ષયુક્ત સ્મિત ફરકયું, ‘આપ વકીલ જેવું દિમાગ ધરાવો છો...’

‘હું વકીલ જેવું દિમાગ નહીં, પણ સંપૂર્ણ રીતે વકીલ જ છું.’

‘અને તેમ છતાં ય હું લાચાર છું, એમ આપ કહો છો ! હું ફાંસીના માંચડે લટકવા માટે તૈયાર છું. આજના જમાનામાં મોતનો ભય ખૂબ જ મોટો છે...ભયંકર છે ! માણસ મોતથી બચવા માટે લાચારીવંશ કંઈ પણ કરી શકે છે. પરંતુ કોઈ પણ લાચારીને કારણે તે પોતાના ગળામાં ફાંસીનો ગાળીયો પહેરી શકતો નથી.’

‘પહેરી શકે છે...! આ દુનિયા જાતજાતની લાગણીઓથી ભરેલી છે.!’અહીં જો કોઈ માને એમ કહેવામાં આવે કે એ પોતાના દિકરાને બદલે તેનો જીવ આપી દે, તો હું દાવા સાથે કહું છું કે ભારતમાં લાખો માતાઓ, દિકરા ખાતર પોતાનો જીવ આપવા માટે તૈયાર થઈ જશે. આને કહે છે લાચારી...! મમતાની લાચારી...!’

‘બરાબર છે...પણ મારી સાથે આવી કોઈ લાચારી નથી.’

‘જરૂર છે...! કાં તો તમારી સાથે આવી જ કોઈક લાગણી ભરી લાચારી છે અથવા તો પછી...’

‘તો પછી...?’

‘અથવા તો પછી તમને બ્લેકમેઈલ કરવામાં આવે છે !’

‘બ્લેકમેઈલ...? અને એ પણ મને...?’સાધનાએ ખડખડાટ હસી પડતાં પૂછ્યું.

‘હા...આ બે જ કારણ હોઈ શકે છે ! કાં તો તમને બ્લેકમેઈલ કરવામાં આવે છે અથવા તો પછી તમે કોઈના લાગણીના બધનમાં જકડાઈને લાચાર થઈ ગયાં છે !’

‘બ્લેકમેઈલરો તો પૈસાની માંગણી કરે છે !’

‘મિસ સાધના, દુનિયામાં બધું કામ પૈસાથી નથી થઈ જતું ! પોતાની જાતને કાયદાની ચુંગલામાંથી બચાવવા માટે એણે આ ખૂનોનો આરોપ તમારા પર મૂકી દીધો છે.’

‘મિસ્ટર સુધીર, મારી જાતને કાયદાની ચુંગાલામાં જકડાવી દેવા માટે કેવી રીતે બ્લેકમેઈલ થઈ શકે તેમ છે !’

‘યુવાન સ્ત્રીઓ સાથે ગમે તે થઈ શકે છે ! ખાનદાન કુટુંબની છોકરી પોતાનો જીવ આપી દે છે, પણ પોતાના કુટુંબની આબરૂ પર કલંક લાગવા નથી દેતી !’

‘આપ ક્યા ખાનદાન કુટુંબની વાત કરો છો વકીલ સાહેબ ? એ કુટુંબની, કે જેમાં કોઈ ઘરડેઘડપણ પોતાની પુત્રી જેટલી જ ઉંમર ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે છે ?’સાધનાનો સંકેત પોતાના પિતા લખપતિદાસ તરફ હતો, ‘આવા કુટુંબની આબરૂ હું શા માટે બચાવું ? એ ખૂન મેં જ કર્યાં છે, અને મને તેની સજા મળવી જ જોઈએ.’

‘તમે કમ સે કમ બહાદુર વિશે તો અમને જણાવી જ શકો તેમ છો.’

‘ના...ક્યારેય નહીં...! કાયદો મને માસૂમ સમજીને માફ કરી દે અને એ નિર્દોષ વૃદ્ધને ફાંસની માંચડે લટકાવી દે એમ હું નથી ઈચ્છતી. મિસ્ટર સુબોધ, જો બહાદુર કાકા ગુનાહીત વૃત્તિના હોત, તો તેઓ એક બંગલાની ચોકી કરતાં કરતાં વૃદ્ધ ન થઈ ગયા હોત !’

‘જો એ ગુનેગાર ન હોય તો પછી તમે શા માટે એને વિશે કંઈ કહેતાં નથી?’

‘એટલા માટે કે તેમને ગુનેગાર બનાવી નાખવામાં આવશે ! પોલીસ તેમને ગુનેગાર બનાવા માટે લાચાર કરી મૂકશે’

‘આવું તો તમારી સાથે પણ થઈ શકે તેમ છે!’

‘મારી સાથે આવું થઈ શકે તેમ નથી. કારણ કે પોલીસના માથાનો દુ:ખાવો હું નથી. હું બધાં ખૂનનો આરોપ મારા માથા પર લઈ લઉં છું. મારા પર કેસ ચાલે એમ પોલીસ પણ ઈચ્છે છે ! મેં મારો ગુનો કબૂલવાની વાત પોલીસને જણાવી દીધી છે.’

‘તો પછી આ ‘એક્સ’ક્યાંથી ટપકી પડ્યો ?’

‘મને ખબર નથી.’કહીને સાધનાએ સવિતાદેવી તથા સેવકરામ સામે જોયું, ‘તમે મારી કશીયે ફિકર કરશો નહીં,’

‘છેવટે ત્રણેય નિરાશ થઈને ખંડમાંથી બહાર નીકળી ગયા.

મંગળવાર...!

સવારે દસ વાગ્યે !

કોર્ટરૂમ ચિક્કાર હતો !

આરોપીના પાંજરામાં સાધના ઊભી હતી. એના ચહેરા પર ભય કે ગભરાટની આછી-પાતળી રેખા પણ નહોતી ફરતી ! એનો ચહેરો એકદમ કઠોર હતો. જડબાં ભીંસાયેલા હતાં.

ન્યાયાધીશ શાહ સાહેબ એકીટશે સાધના સામે તાકી રહ્યા હતા. એણે કદાચ આજ સુધીમાં ક્યારેય આવી આરોપી જોઈ નહોતી કે જે પોતાની વિરુદ્ધના પુરાવાઓને નાશ કરીને પોતે જ ગુનેગાર હોવાનો દાવો કરતી હતી.

શાહ સાહેબે કોર્ટની કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો.

સરકારી વકીલ એકદમ ઉત્સાહમાં દેખાતો હતો. જ્યારે બચાવ પક્ષનો વકીલ એટલે કે સુબોધ જોશી નિરાસ વદને પોતાની ખુરશી પર બેઠો હતો. એને માટે ‘એકસ’નું મહત્વ હતું, પણ સાધના ‘એકસ’નું અસ્તિત્વ કબૂલવા માટે તૈયાર નહોતી.

‘એકસ’નું અસ્તિત્વ પુરવાર કરવા માટે સવાલ તથા દલીલો સરકારી વકીલ પોતે જ કરતો હતો.’

‘યોર ઓનર !’સરકારી વકીલનો ઉત્સાહભર્યો અવાજ કોર્ટરૂમના શાંત વાતાવરણમાં ગુંજી ઊઠ્યો, ‘મિસ સાધનાની વિરુદ્ધ જે પુરાવાઓ કોર્ટમાં રજૂ કરવાની મેં વિનંતિ કરી હતી, એ વિનંતિનું પુનરાવર્તન કરીને હું મિસ સાધનાને થોડા સવાલો પૂછવાની રજા માગુ છું.

‘પહેલાં...મિસ્ટર ‘એક્સ’ના અસ્તિત્વને પુરવાર કરતા પુરાવાઓ કોર્ટમાં રજૂ કરવામાં આવે !’શાહ સાહેબે કહ્યું, ‘મિસ્ટર ‘એક્સ’નું અસ્તિત્વ પુરવાર થયા વગર કોર્ટ તેમન વધુ પૂછપરછ કરવાની મંજરી આપી શકે તેમ નથી.’

‘ઓ.કે...તો પહેલાં હું એ પુરાવો જ રજૂ કરું છું.’કહીને સરકારી વકીલે પોતાની બેગમાંથી ટેપરેકોર્ડર તથા એક કેસેટ બહાર કાઢી. પછી બોલ્યો, ‘આ કેસેટ ‘એક્સ’ના અસ્તિત્વને પુરવાર કરશે. આ કેસેટમાં ટેલિફોન ઓફિસની મદદ દ્વારા એક ટેલિફોનની વાતચીત ટેપ કરવામાં આવી છે. આ કેસેટ સાંભળ્યા પછી મિસ સાધના ‘એક્સ’ના અસ્તિત્વને કબૂલી લેશે.’

ત્યારબાદ ન્યાયાધીશ સાહેબના આદેશથી સરકારી વકીલે કેસેટને ટેપરેકોર્ડમાં ભરાવીને તેની પ્લેની સ્વીચ દબાવી. પછી વોલ્યુમ એકદમ ફુલ કરી દીધું.

સૌ ધ્યાનથી વાતચીતનો એક એક શબ્દ સાંભળતા હતા. ફોન પર બહાદુર અને સાધનાએ જે વાતચીત કરી હતી, તેનો અવાજ સૌ ટેપરેકોર્ડર મારફત સાંભળતા હતા.

છેવટે વાતચીત પૂરી થઈ ગઈ.

ટાંકણી પડે તો તેનો અવાજ પણ સ્પષ્ટ રીતે સંભળાય એવી ગહન ચુપકીદી કોર્ટરૂમમાં છવાઈ ગઈ.

‘યોર ઓનર !’સરકારી વકીલે ટેપ બંધ કરતાં કહ્યું, ‘સી.આઈ.ડી. વિભાગના ચીફ ઈન્સ્પેક્ટર મેજર નાગપાલના સહકારી કેપ્ટન દિલીપે ટેલિફોનના ઓફિસમાં જઈને આ વાતચીત ટેપ કરી છે. વાતચીત દરમિયાન ‘તેઓ ‘નો ઉલ્લેખ થયો છે. બહાદુરે કહ્યું કે ‘તેઓ ‘કહે છે કે...અને સાધનાએ પોતે પણ આ ‘તેઓ ‘વિશે તેને પૂછપરછ કરી છે. તેમની વાતચીત પરથી સ્પષ્ટ થાય છે કે ‘તેઓ’બંને એક જ છે ! હું જે ‘એક્સ’નો ઉલ્લેખ કરું છું. એ બીજું કોઈ નહીં, પણ આ ‘તેઓ’જ છે અને ‘તેઓ’અર્થાત્ ‘એક્સ’જ સાચો ગુનેગાર છે. મિસ સાધના આ ગુનેગારને છૂપાવવાના ભલે ગમે તેટલા પ્રયાસો કરે, પણ એ તેને છૂપાવી નહીં શકે ! આ ગુનેગાર આંબેડકર રોડ પરહ એક ઈમારતના ફલેટમાં બહાદુર સાથે છૂપાયેલા હતા. પછી પોલીસ પહોંચી એ પહેલાં જ તે બંને ત્યાંથી નાસૂ છૂટ્યા. પરંતુ નાસી છૂટવાની ઉતાવળમાં તેઓ, રિર્વોલ્વર લેતાં ભૂલી ગયાં. આ રહી એ રિર્વોલ્વર !’સરકારી વકીલે એક સીલ કરેલું પેકેટ શાહ સાહેબના ટેબલ પર પહોંચાડ્યુ. પછી બોલ્યો, ‘આ એક જ રિવોલ્વર છે યોર ઓનર, કે જેનાથી ત્રણ ખૂન થયાં છે. બેલેસ્ટીક એકર્સ્પટના રિપોર્ટ મુજબ અનવર, આનંદ તથા આશાના મૃતદેહોમાંથી જે ગોળીઓ મળી આવે છે, તે આ રિર્વોલ્વરમાંથી જ નીકળી હતી.’કહીને એ પળભર માટે અટકયો.

થોડી પળો બાદ એણે પોતાની વાત આગળ લંબાવી, ‘પોલીસને અવળે માર્ગે દોરવા માટે ‘એક્સે’શેઠ લખપતિદાસની રિર્વોલ્વર પર અનવર આંગળાની છાપ પાડીને એ રિર્વોલ્વર પલંગ નીચે મૂકી દીધી. અનવરનું ખૂન પલંગ નીચેથી મળી આવેલી રિર્વોલ્વરથી થયું છે. એમ પોલીસ માનશે, એવું ‘એક્સ’વિચાર્યું હતું. પોલીસન થાપ આપવા માટે જ રિર્વોલ્વર પર અવરનાં આગળાની છાપ પાડવામા આવી હતી. પરંતુ જે રિર્વોલ્વરથી ખૂન થયું છે, એ રિર્વોલ્વર સુધી પોલીસ પહોંચી જશે એવું ‘એકસ’તથા મિસ સાધનાએ નહોતું ધાર્યું. બંને રિર્વોલ્વર બત્રીસ કેલીબરની છે, એટલે પોલીસ શેઠ લખપતિદાસની રિર્વોલ્વરમાંથી ગોળી છોડીને અનવરનું ખૂન થયું છે એવા અનુમાન પર આવશે એમ ‘એક્સ’તથા મિસ સાધના માનતાં હતા. પરંતુ બેલેસ્ટિક એકસ્પર્ટના રિપોર્ટ પરથી અનવરના મૃતદેહમાંથી મળી આવેલી ગોળી શેઠ લખપતિદાસની રિર્વોલ્વરમાંથી છોડવામાં નહોતી આવી એ પુરવાર થઈ ગયું. ત્યારબાદ આનંદ તથા આશાના ખૂન જે રિર્વોલ્વરથી થયાં, એ આપની સામે પડી છે યોર ઓનર ! આ રિર્વોલ્વર મિસ સાધનાની છે અને તે પોલીસને આંબેડકર રોડ પરથી, જે ફલેટમાં ‘એક્સ’છુપાયો હતો, એ ફલેટમાંથી મળી આવી છે. આ રિર્વોલ્વર પરથી કોઈનાં ય આંગળાની છાપ નથી મળી.’

‘આઈ ઓબ્જેક્શન યોર ઓનર !’સાહસા સુબોધ જોશી પોતાની ખુરશી પર ઊભો થઈને બોલ્યો, ‘હું મારા વકીલ મિત્રને થોડી પૂછપરછ કરવા માગું છું.’

‘ચોક્કસ...!’શાહ સાહેબે કહ્યું, ‘બચાવ પક્ષના વકીલ તરીકે તમે કોઈને પણ પૂછપરછ કરી શકો છો મિસ્ટર સુબોધ !’

‘થેક્યું યોર ઓનર !’કહીને સુબોધ સરકારી વકીલ તરફ કર્યો ‘મિસ્ટર શાસ્ત્રી, મિસ સાધનાએ આ ખૂન નથી કર્યાં એવું તમે ક્યા આધારે કહો છે?’

સૌ એકદમ ચમકી ગયા.

કોર્ટરૂમમાં એકઠા થયેલા લોકોમાં ગણગણાટ વ્યાપી ગયો.

શાહ સાહેબે હથોડી પછાડીને સૌને ચૂપ કર્યાં.

સુબોધ જોશીનો સવાલ સાંભળીને કોર્ટ રૂમમાં બેઠેલા નાગપાલના ચહેરા પર રહસ્યમય સ્મિત ફરક્યું.

‘મિસ સાધનાએ ખૂન નથી કર્યાં, તેના કેટલાય પુરાવાઓ હું રજૂ કરી ચૂક્યો છું.’સરકારી વકીલે જવાબ આપ્યો.

‘જો ખૂન મિસ સાધનાએ નથી કર્યાં, તો પછી કોણે કર્યાં છે ?’સુબોધે પૂછ્યું.

‘મિસ સાધનાના સાથીદાર ‘એક્સે’!’

‘એ તો હું સાંભળી ચૂક્યો છું. ખેર, રિર્વોલ્વર પરથી કોઈનાં આંગળાની છાપ મળી છે ખરી ?’

‘ના...એના પરથી આંગળાની છાપ ભૂંસી નાખવામાં આવી હતી.’

‘તો પછી મિસ સાધનાએ જ ખૂન કર્યાં છે, એમ તમે શા માટે નથી માનતા ? મિસ સાધનાએ જ પોતાની રિર્વોલ્વર વડે અનવર, આનંદ તથા આશાંના ખૂનો કર્યાં છે. જે રિર્વોલ્વરથી આ ખૂન થયાં છે, તે મિસ સાધનાની છે. ઉપરાંત એ પોતે પણ ગુનો કબૂલે છે તો પછી એણે ખૂન નથી કર્યો. એમ તમે શા માટે માનો છો ?’

‘એટલા માટે કે એ ખૂન ‘એક્સે’કર્યા છે કોઈ માણસ આ રીતે ખૂનનો આરોપ પોતાના માથા પર ન લે ! મિસ સાધના ગુનેગાર જરૂર છે. પણ ખૂન તો એણે નથી કર્યાં ! ત્રણેય ખૂન ‘એક્સે’કર્યા છે અને આ ‘એક્સ’ના અસ્તિત્વનો જીવતો-જાગતો પુરાવો હું કોર્ટમાં રજૂ કરી ચૂક્યો છું.’

‘કેવો પુરાવો ?’

‘કેપ્ટન દિલીપે ટેલિફોન ઓફિસમાં જઈને, મિસ સાધના તથા બહાદુર વચ્ચે ફોન પર થયેલી વાતચીત એક કેસેટમાં ટેપ કરી લીધી છે. આ કેસેટ પરથી જ ‘એક્સ’નું અસ્તિત્વ પુરવાર થઈ ગયું છે.’

‘ખેર, આ ‘એક્સ’ક્યાં છૂપાયેલો હતો ?’

‘આંબેડકર રોડ પર !

‘આંબેડકર રોડ પર કયાં ? પૂરું સરનામું જણાવો.’

‘સાગર એપાર્ટમેન્ટ, બીજે માળે, ફલેટ નંબર તેર...!’

‘જે રાતે આનંદ તથા આશાનાં ખૂન થયાં હતાં, એ રાતે મિસ સાધના પોતાના બંગલામાંથી બહાર ગઈ હતી બરાબરને ?’

‘જી, હા...સબઈન્સ્પેક્ટર અમરજીએ મિસ સાધનાનો પીછો કર્યો હતો.’

‘યોર ઓનર !’હવે હું સબઈન્સ્પેક્ટર અમરજીને થોડી પૂછપરછ કરવા માગું છું.’

શાહ સાહેબના આદેશથી અમરજીને સાક્ષીના પાંજરામાં બોલાવામાં આવ્યો.

‘મિસ્ટર અમરજી...!’સુબોધે પાંજરાના હાથા પર પોતાનો હાથ ટેકવતાં પૂછ્યું., ‘તો એ રાત્રે તમેજ મિસ સાધનાનો પીછો કર્યો હતો, ખરું ને ?’

‘હા...’

‘એ વખતે કેટલા વાગ્યા હતા ?’

‘બાર વાગીને ઉપર પાંચ મિનિટ થઈ હતી. મિસ સાધના, બંગલાની થોડે દૂર પાર્ક કરેલી પોતાની મારૂતી કારમાં બેસીને રવાના થઈ હતી. મેં ટેક્સી ચાલકના રૂમમાં તેનો પીછો શરૂ કરી દીધો. એને મારા પર શંકા આવી ગઈ હતી. પહેલાં તે ભૈરવ ચોક તરફ જતી હતી. પણ પછી એણે પોતાની કારને રેલ્વેસ્ટેશન તરફ વળી. સ્ટેશન પાસે પહોંચીને એણે એક પબ્લિક બૂથમાંથી કોઈકને ફોન કર્યો.

‘ફોન કરવામાં તેને કેટલી વાર લાગી હતી ?’

‘લગભગ બે મિનિટ !’

‘પછી...?

‘પછી એ પોતાના નિવાસસ્થાને પાછી ફરી.’

‘બંગલેથી નીકળીને સ્ટેશન સુધી પહોંચતા તેને કેટલી વાર લાગી હતી ?’

‘દસેક મિનિટ !’

‘આનંદ તથા આશાના ખૂનો કયારે થયાં ?’

અમરજી ચૂપ થઈ ગયો.

‘હું પૂછું છું કે આનંદ તથા આશાનાં ખૂન કયારે થયાં ?’

‘મિસ સાધનાના બંગલામાં પાછા ફર્યા પછી દસેક મિનિટ બાદ !’

‘તો ખૂન મિસ સાધનાના બંગલમાં પાછા ફર્યા બાદ પંદર મિનિટ પછી થયા ! યોર ઓનર !’સુબોધ, શાહ સાહેબ તરફ કર્યો, ‘મિસ સાધનાએ ફોન કર્યો. ફોન કર્યા પછી પોતાના બંગલે પાછા ફરવામાં તેને દસેક મિનિટ લાગી અને ત્યારબાદ પંદર મિનિટ પછી આનંદ તથા આશાના ખૂન થયાં. દસ વત્તા પંદર એટલે કે કુલ મિનિટ ! ફોન કર્યા પછી પચીસ મિનિટ બાદ આનંદ તથા આશાનાં પચીસ ખૂન થયાં. મારી ગણતરી બરાબર છે ને મિસ્ટર અમરજી ?’

‘હા...’અમરજીએ હકારાત્મક ઢબે માથું હલાવ્યું.

‘મારી ગણતરીમાં કોઈ ફર્ક...કોઈ ખામી તો નથી ને ?’

‘ના...’

‘યોર ઓનર...!’સુબોધ પુન:શાહ સાહેબ તરફ ફરીને બોલ્યો, ‘હમણાં જ મારા વકીલ મિત્ર મિસ્ટર શાસ્ત્રીએ, ખૂન મિસ સાધનાએ નહીં, પણ ‘એક્સે’કર્યાં છે એમ કહ્યું છે. ‘એક્સ’કે જે મિસ્ટર શાસ્ત્રીના કથન મુજબ આંબેડકર રોડ પરનો એક ફલેટમાં છૂપાયેલો હતો.યોર ઓનર ! આપણે ત્યાં હજુ, પ્લેન, મુસાફરોને શહેરના એક ખૂણેથી બીજા ખૂણે લઈ જાય એવી ન્યૂયોર્ક જેવી એર સર્વિસ ચાલુ નથી થઈ. દુનિયાનો સૌથી વધુ તેજ ડ્રાયવર પણ, એક કલાક પહેલાં આંબેડકર રોડ પરથી બંદર રોડ પર પહોંચી શકે તેમ નથી. હવે જો આ ખૂનો ‘એક્સે’જ કર્યો હોય તો પછી મિસ સાધનાના ફોન બાદ એ માત્ર પચીસ મિનિટમાં જ કઈ રીતે આંબેડકર રોડ પરથી બંદર રોડ પર આવેલા મિસ સાધનાના બંગલાના પાછળના ભાગમાં દરિયાકિનારે પહોંચી ગયો ?’

સરકારી વકીલનો બોલતી બંધ થઈ ગઈ.

કોર્ટરૂમમાં ભેંકાર ચુપકીદી છવાઈ ગઈ.

‘યોર ઓનર !’સુબોધ ઉત્સાહભર્યા અવાજે બોલ્યો, ‘અનવર,આનંદ તથા આશાનાં ખૂન મિસ સાધનાએ જ કર્યાં છે. આ ‘એક્સ’કે જેનો ઉલ્લેખ અહીં થયો છે, એ ભલે ગમે તે હોય પરંતુ આપણે તેને ખૂની માની શકીએ તેમ નથી. કારણ કે એ માત્ર પચીસ મિનિટના ગાળામાં જ આંબેડકર રોડ પરથી, બંદર રોડ પર પહોંચીને ખૂન કરી શકે તેમ નહોતો. મિસ સાધનાએ પોતાની આબરૂ બચાવવા માટે અનવરનું ખૂન કર્યું. ત્યારબાદ એણે આનંદ તથા આશાના ખૂનો પણ કર્યા. શેઠ લખપતિદાસે આપઘાત કર્યો હતો. એટલે ગુનેગાર મિસ સાધના જ છે. ‘એક્સ’નું આ કેસમાં કોઈ મહત્વ નથી. હવે ‘એક્સ’ની ચર્ચા કરવામાં વધુ સમય વેડફવાથી કંઈ જ લાભ નથી થવાનો. મિસ સાધના સાધના પોતાનો ગુનો કબૂલ કરે છે. ત્રણેય ખૂનો મિસ સાધનાની રિર્વોલ્વરથી થયાં છે. આનાથી વધુ પુરાવાની કોર્ટને શું જરૂર છે ?’એક્સ આંબેડકર રોડ પરથી માત્ર પચીસ મિનિટમાં બંદર રોડ પહોંચીને કેવી રીતે ખૂન કરી શકે તેમ હતો ? કેવી રીતે ? જો મિસ્ટર શાસ્ત્રી મારા આ સવાલનો જવાબ આપી દે, તો ખૂન ‘એક્સે’જ કર્યાં છે, એ વાત કબૂલ કરવા માટે હું તૈયાર છું. પરંતુ તેઓ મારા સવાલનો જવાબ આપી શકે તેમ નથી. ‘એક્સ’ના અસ્તિત્વ સાથે આ કેસને કંઈ જ નિસ્બત નથી. મિસ સાધના સાથે ભલે તેને ગમે તેવો સંબંધ હોય, પણ એની સાથે કોર્ટને કંઈ જ નિસ્બત ન હોવી જોઈએ. ખૂન ‘એક્સ’નથી કર્યા. જો ખૂનો એણે નથી કર્યો તો પછી તેના ઉલ્લેખની અહીં શું જરૂર છે ? મને આશા છે કે મિસ્ટર શાસ્ત્રી હવે કોઈ ‘વાય’કે ‘ઝેડ’ને વચ્ચે ન લાવતા મારા સવાલનો જવાબ આપવાનો પ્રયાસ કરશે અથવા તો પછી મિસ સાધનને ગુનેગાર પુરવાર થવા દેશે. કારણ કે ખૂન મિસ સાધનાની રિર્વોલ્વરથી જ થયાં છે અને ખૂન કરવાનું કે ખૂન મિસ સાધનાની રિર્વોલ્વરથી જ થયાં છે અને ખૂન કરવાનું કારણ પણ તેમની પાસે છે. અનવરનું ખૂન તેમણે આબરૂ બચાવવા માટે અને આનંદ તથા આશાનાં ખૂન તેમણે બદલો લેવા માટે કર્યાં છે. આખો યે કેસ દીવા જેવો સ્પષ્ટ છે. પરંતુ તેમ છતાં ય તેને ગુંચવવામાં આવે છે. યોર ઓનર, આરોપી મિસ સાધના કે જેનો હું બચાવ પક્ષનો વકીલ છું, તેને તેના ગુનાઓ, લાગણીના પ્રવાહમાં એણે કરેલા નિર્ણયોને કરતૂતોને ધ્યાનમાં રાખીને કોર્ટ, યોગ્ય લાગે તે સજા એને સંભળાવે. થેંક્યૂ યોર ઓનર !’કહીને સુબોધ પોતાની ખુરશી પર બેસી ગયો.

સાધનાના ચહેરા પર રાહતના હાવભાવ છવાઈ ગયાં હતા.એની આંખોમાં સફળતાની ચમક પથરાઈ ગઈ હતી.

સરકારી વકીલની હાલત એકદમ ખરાબ હતી.

તેના ચહેરા પર નિરાશાના હાવભાવ છવાયેલા હતા.

સુબોધના સવાલનો કોઈ જ જવાબ તેની પાસે નહોતો.

કોર્ટરૂમમાં ગણગણાટ વ્યાપી ગયો હતો.

પરંતુ કોર્ટનો સમય પૂરો થઈ ગયો હોવાને કારણે શાહ સાહેબ બીજે દિવસે કેસનો આ નિર્ણય કરવાનું જણાવીને પોતાની ચેમ્બરમાં ચાલ્યા ગયા.

સાધનાને લઈને પોલીસ વાન ચાલી ગઈ. સુબોધ જોશી આગળ વધીને નાગપાલ પાસે પહોંચી ગયો.

બંને વાતો કરતા કરતા બહાર નીકળ્યા.

‘આપને શું લાગે છે નાગપાલ સાહેબ ?’

‘અત્યાર સુધી હું સાધનાને જ ગુનેગાર માનતો હતો. પણ એ ગુનેગાર નથી એવું હવે મને લાગે છે. એ કોઈકનો આરોપ પોતાના માથા પર ઓઢી લેવા માંગે છે. અને એ જેનો ગુનો ઓઢવા માંગે છે, તેને સામેં લાવવા માટે જ મેં તને, એને ગુનેગાર પુરવાર કરવાનું કહ્યું છે. સાચો ગુનેગાર કોઈક બીજો જ છે. આવતી કાલે કેસનો આ નિર્ણય એટલે કે સાધનાના ભાવિનો ફેંસલો થશે અને સાધનાને સજા થાય એ પહેલાં જ તેને બચાવવા માટે અસલી ગુનેગાર હાજર થઈ જશે એવી મને આશા છે. ખેર, તેં મને સહકાર આપીને મારો બોજો હળવો કરી નાંખ્યા છે.’

‘સાચો ગુનેગાર કોણ હશે એ વિશે આપની શી માન્યતા છે.’

‘એ તો હું નથી જાણતો...પરંતુ તે સાધના સાથે લાગણીભર્યા ગાઢ સંબંધ ધરાવે છે એટલું તો ચોક્કસ કહીશ.’

‘નાગપાલ સાહેબ ! એ માણસ કિશોર ન હોઈ શકે ! અત્યારે તો એક માત્ર કિશોરને જ તેના પ્રત્યે લાગણી હોય એવું દેખાય છે !’

‘એ તો શું ખબર પડે ? ખેર, ગુનેગાર જ કોઈ હશે તે, આવતીકાલ સુધીમાં સામે આવી જશે.’

સુબોધ માથું હલાવીને રહી ગયો.

સવિતાદેવી ક્રોધથી થરથરતી હતી જ્યારે તેની સામે બેઠેલા સુબોધના ચહેરા પર સ્મિત ફરકતું હતું. સવિતાદેવીની બાજુમાં બેઠેલા સેવકરામના ચહેરા પર પણ ક્રોધના હાવભાવ છવાયેલા હતા.

‘તમે મારી વાત સમજવાનો પ્રયાસ કરો...!’સુબોધ બોલ્યો.

‘શું ધૂળ પ્રયાસ કરે ? તમે અમને મૂરખ સમજો છો ?’સવિતાદેવીએ ક્રોધથી તમતમતા અવાજે કહ્યું, ‘મેં સાધનાને બચાવવા માટે તમને રોક્યાં હતા નહીં કે તને ફાંસીનાં માંચડે પહોંચાડવા માટે સમજ્યા ! તમે તમારી આબરૂ બચાવવા માટે ઊલટું સાધનાને જ ગુનેગાર પુરવાર કરશો એવી તો મેં કલ્પના પણ નહોતી કરી.’

‘મિસ્ટર સુબોધ...!’સેવકરામ બોલ્યો, ‘બચાવ પક્ષનો વકીલ જ પોતાના કલાયન્ટને ફાંસીના માંચડે પહોંચાડે એવું તો મેં આજે પહેલી જ વાર જોયું છે.’

‘તમે સમજતા કેમ નથી ?’

‘હું બધું જ સમજું છું.’

‘શું સમજો છો ?’

‘તમે તમારી બુદ્ધિથી કેસને આવા વળાંક પર કાયદાની તરફેણમાં ફેરવીને, તમારી બુદ્ધિનો રોફ સ્થાપી દીધો છે. પરંતુ નિર્દોષ સાધના ફાંસીને માંચડે લટકી જશે તેનું શું ? તમે તો કેવા વકીલ છો ?’

‘જેવો ગુનેગાર...!’

‘એટલે...?’

‘હું એવો જ વકીલ છું. કે જેવો ગુનેગાર છે ! વકીલ હંમેશા ગુનેગારની જ તરફેણ કરે છે !’

‘પરંતુ તમે તો સાધનાને ફાંસીના માંચડે લટકાવવાની દલીલ કરી ચૂક્યા છો.’

‘બરાબર છે...પણ આવું હું નહીં પણ ગુનેગાર ઈચ્છે છે !’સુબોધ બોલ્યો, ‘કોઈ પણ વકીલ હંમેશા પોતાના કલાયન્ટની જ તરફેણ કરે છે. પોતાના કલાયન્ટને લાભ થાય એવું જ પગલું તે ભરે છે. ખુદ સાધના પોતે જ, પોતાને ગુનેગાર પુરવાર કરવામાં આવે એમ ઈચ્છે છે અને હું તેની ઈચ્છા મુજબ જ કરું છું.’

‘એનું માથું ભમી ગયું છે.’

‘માથું ભમી ગયું હોય તો સજા થઈ જવા દો.’સુબોધે બેદરકારીથી ખભા ઉછાળતાં કહ્યું.

‘મિસ્ટર સુબોધ...!’સવિતાદેવીનો અવાજ કંપતો હતો, ‘તમે સમજતા શા માટે નથી ? જો સાધનાને ફાંસીની સજા થશે તો અમારા પર શું વિતશે ? હું તો હવે ઘરડી થઈ ગઈ છું. તમે બધાં ખૂનનો આરોપ મારા માથા પર મૂકી દો પણ એ માસૂમને બચાવી લો.’

‘જુઓ, સવિતાદેવી !’સુબોધ લાગણીભર્યા અવાજે બોલ્યો, ‘તમારે કશીયે ચિંતા કરવાની કે ગભરાવવાની જરૂર નથી. સાધનાને ફાંસીની સજા નહીં થાય !’

‘તો આજીવન કેદની સજા થશે.’

‘એ પણ નહીં થાય !’

‘કેવી રીતે નહીં થાય ?’સેવકરામે ક્રોધભર્યા અવાજે ક્હયું, ‘ન્યાયધીશ સાહેબની કલમ સજા લખી દેશે તો તેમને કેવી રીતે અટકાવશે ? તમે અમને ફોંસલાવો છો. તમે જે સવાલ સરકારી વકીલને પૂછ્યો છે તેનો કોઈ જ જવાબ નથી. તો પછી તમે કેસનું પાસું કેવી રીતે પલટાવશો ?’

‘એના માટે તમારે મારાં પર ભરોસો રાખવો પડશે.’

‘આવતી કાલે ન્યાયાધીશ સાહેબ સાધનાને સજા ફટકારી દેશે ને તમે ભરોસાની વાત કરો છો ? અમે તમારા પર ક્યા આધારે ભરોસો રાખીએ ?

‘આધાર છે એટલે જ તો હું ભરોસો રાખવાનું કહું છું.

‘ એ આધાર શું છે ?’

‘એ આધાર ‘એક્સ’છે...!’

‘એક્સ’...?’

‘હા... ‘એક્સ’જ એ આધાર છે !’સુબોદે સ્મિત ફરકાવતાં કહ્યું, ‘જો આ લાગણીનો કેસ હોય તો તમારો ભરોશો નિષ્ફળ નહીં જ જાય તેની ખાતરી રાખજો.’

‘ઠીક છે...જેવી તમારી મરજી...!’

‘તમે બસ, મારા પર ભરોસો રાખજો. હું સાધનાને સજા નહીં થવા દઉં.’

સેવકરામ તથા સવિતાદેવીએ હંકારમાં માથું હલાવ્યું.

ત્યારબાદ તેઓ વિદાય થઈ ગયા.

***