Murder at riverfront - 1 in Gujarati Crime Stories by Jatin.R.patel books and stories PDF | મર્ડર @ રિવરફ્રન્ટ - 1

Featured Books
Categories
Share

મર્ડર @ રિવરફ્રન્ટ - 1

મર્ડર @રિવરફ્રન્ટ

પ્રસ્તાવના

નમસ્કાર મિત્રો.. હું જતીન.આર.પટેલ શિવાય ફરી એકવાર આપ સૌ માટે એક નવાં વિષય વસ્તુ પર આધારિત એક સસ્પેન્સ,ક્રાઈમ,થ્રિલર નોવેલ લઈને હાજર છું જેનું નામ છે મર્ડર@રિવરફ્રન્ટ.

અત્યાર સુધી મારી અલગ-અલગ થીમ પર આવેલી નોવેલો ડેવિલ એક શૈતાન,અધૂરી મુલાકાત,આક્રંદ એક અભિશાપ,હવસ અને હતી એક પાગલને જે રીતે ebook એપ્લિકેશન માતૃભારતી પર જે હદ ની લોકચાહના મળી છે એ બદલ હું આપ સૌ વાંચક મિત્રો અને માતૃભારતી ની ટીમ નો અંતઃકરણથી આભારી છું.

ક્યારનોય વિચારતો હતો કે એક એવી નોવેલ લખું જેમાં એક ખૂંખાર સિરિયલ કિલર હોય અને એ નોવેલની પાશ્વભૂમિકા અમદાવાદમાં આકાર લેતી હોય.સિરિયલ કિલર પર નોવેલ લખવી એ તમે સમજતાં હોય એટલી સામાન્ય બાબત નથી..સિરિયલ કિલર એ કોઈ જાતનો સામાન્ય હત્યારો નથી હોતો જે મનફાવે એમ હત્યાઓ કરે પણ આવાં હત્યારાઓ ની એક મોડસ ઓપરડન્સી હોય છે.આ પ્રકારનાં સાયકો કિલરને મધ્યમાં રાખીને આ રોમાંચક અને સસ્પેન્સ નોવેલનું સર્જન કરેલું છે જે આપ સર્વે વાંચક મિત્રો ને ખૂબ પસંદ આવશે એવી આશા.

ડેવિલ પછી વાંચક મિત્રો ને મારી બધી નોવેલો પસંદ જરૂર આવી હતી પણ સાથે એમની એક નાનકડી ફરિયાદ હતી કે જતીન ભાઈ ડેવિલ જેવી મજા નથી આવતી..હવે ડેવિલ માં એમને મજા કેમ આવી એ વિશે વિચારતો તો ખબર પડી કે એ નોવેલ વાંચકો ને જાસુસ બનાવતી હતી કે કાતીલ કોણ છે એ વાંચક જાતે શોધવા લાગે..તો પછી આ નોવેલમાં પણ તમને ઘણી બધી હિન્ટ મળતી રહેશે કે હકીકતમાં સિરિયલ કિલર કોણ છે અને એની હત્યાનો ટાર્ગેટ કોણ હશે.

તો પછી તૈયાર થઈ જાઓ એક નવી જ સફર પર લઈ જનારી સસ્પેન્સ નોવેલ મર્ડર@રિવરફ્રન્ટ માટે.આ નોવેલનાં નામ પરથી જ તમે કયાસ લગાવી લીધો હશે છે આ નોવેલનું બેકગ્રાઉન્ડ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ આજુબાજુ ચકરાવા લેતું હશે.તમને જો ખબર પડી જાય કે કાતીલ કોણ છે તો મારાં whatsup નંબર 8733097096 કે પછી એપ્લિકેશન નાં મેસેજ બોક્સમાં મેસેજ કરી શકો છો.

આ નોવેલ માટે સૌથી પહેલાં તો હું મારી backbone સમાન મારી નાની બેન દિશા પટેલનો આભારી છું જેને મને દરેક વિપરીત સંજોગોમાં પણ મદદ કરી છે.અંતે એવાં દરેક વાંચકો નો પણ આભાર જેમને મને ખુબ ઓછાં સમયમાં આટલો પ્રેમ અને પ્રતિસાદ આપી વધુ સારું લખવા પ્રોત્સાહન આપ્યો છે..સ્પેશિયલ thanks to વિજયા,જેને પ્રુફ રીડર નું કામ કર્યું છે આ નોવેલ માટે.તો આપ સૌ માટે હાજર છે એક સસ્પેન્સ અને થ્રિલર થી ભરેલી નોવેલ મર્ડર@રિવરફ્રન્ટ.

-જતીન.આર.પટેલ (શિવાય)

પ્રકરણ:1

"અમદાવાદ કહો,અહમેદાબાદ કહો કે પછી કહો કર્ણાવતી..

ગુજરાતની શાન છે,જાન છે,એનાંથી જ છે રાજ્યની પ્રગતિ."

સાબરમતી નદીને કિનારે વસેલું શહેર અમદાવાદ..સાચી રીતે કહો તો ભલે ગુજરાતનું પાટનગર નથી પણ એની મહત્તા પાટનગર ગાંધીનગરથી પણ ઘણી વધુ છે.પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો.એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ સામે કરેલું યુદ્ધ જીત્યું અને કર્ણાવતી નામક શહેરની સ્થાપના કરી,જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે.

સોલંકીવંશનું રાજ ૧૩મી સદી સુધી ચાલ્યું, ત્યાર બાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા કુળના હાથમાં આવ્યું. સન ૧૪૧૧માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમ્યાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી.ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ પોતાના નામ પરથી 'અહમદાબાદ' રાખ્યું. સમય જતાં તે અપભ્રંશ થઈને 'અમદાવાદ' તરીકે ઓળખાવા લાગ્યું.

અંગ્રજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું. અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યાં. કાપડની મિલોને કારણે અમદાવાદ 'પૂર્વનું માંચેસ્ટર' પણ કહેવાતું હતું. મે ૧૯૬૦થી નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ. ગાંધીનગર નવું પાટનગર બનવા છતાં અમદાવાદની મહત્તા એવી જ રહી છે. સામાન્ય રીતે આજકાલ ગાંધીનગરને ગુજરાતનું રાજકીય પાટનગર અને અમદાવાદને વાણિજ્યિક પાટનગર કહેવામા આવે છે.

ઐતિહાસિક અમદાવાદ આજે ધીકતું વ્યાપારી કેન્દ્ર છે. અમદાવાદ મુખ્યત્વે ૩ ભાગમાં વહેંચાયેલું છે. જૂનું શહેર મુંબઈ દિલ્હી રેલવે લાઇન અને સાબરમતી નદીની વચ્ચે વસેલ છે. રેલવે લાઇનની પૂર્વે ઔધોગિક વિકાસ થથો છે જયારે નવું શહેર જે નદીની પશ્ચિમ દિશામાં વિકસેલ છે. જુનું શહેર ગીચ છે જ્યારે નવું શહેર ઘણું વ્યવસ્થિત અને પહોળા રસ્તા વાળુ છે.

આતો થઈ અમદાવાદ ની વાત હવે નવલકથા નો આરંભ કરીએ..અમદાવાદ નું જમાલપુર શાક માર્કેટ એ આખાં અમદાવાદ ને તાજા શાકભાજી અને ફળ પૂરાં પાડે છે એમ કહેવું ખોટું નથી.શહેરનાં અલગ-અલગ વિસ્તારમાંથી લોકો શાકભાજી,ફળ,ફૂલ વગેરે ખરીદવા અહીં આવતાં હોય છે.અત્યારે સવારનાં 9:30 થઈ ગયાં હતાં અને લોકોની ભીડથી જમાલપુર શાક માર્કેટ ધમધમી રહ્યું હતું.

"આદુ 50 રૂપીયે 500 ગ્રામ..તાજા સંતરા 60 રૂપિયે કિલો..દસ રૂપિયામાં બે મેથી ની ઝૂડી..20 રૂપિયામાં અઢી કિલો કોબીજ.."નાનાં વેપારીઓ મોટેમોટેથી બુમો પાડી ગ્રાહકોને આકર્ષવાની કોશિશ કરી રહયાં હતાં.. અમુક લારીવાળાં તો પોતે બુમો પાડવાને બદલે મોબાઈલમાં રેકોર્ડ કરી લારી પર મૂકેલ નાનાં સ્પીકરથી એને કનેક્ટ કરીને પોતાની શક્તિ બચાવી રહ્યાં હતાં.

"સાહેબ..લો આ તમારાં 100 રૂપિયા.."એટલામાં અમુક લોકોનું એક ટોળું એક લારી જોડે આવીને ઉભું રહ્યું એટલે લારીવાળા વ્યક્તિએ 100 રૂપિયાની નોટ એ ટોળાંની આગેવાની કરી રહેલાં એક વ્યક્તિનાં હાથમાં મુકતાં કહ્યું.

એ વ્યક્તિ ની ઉંમર આશરે પાંત્રીસેક વર્ષ હતી અને એનું નામ હતું દાદા રામપુરી..આમ તો સાચું નામ ચેતન મકવાણા પણ એક ઝઘડામાં સામેવાળી વ્યક્તિને રામપુરી છરી ઘુસાડી દીધી હોવાથી એને બધાં દાદા રામપુરી કહેતાં.. એ પોતાની જાતને આ એરિયાનો ગુંડો સમજતો અને ગરીબ લારીવાળા જોડે રોજ હપ્તા ઉઘરાવતો.એનો વિરોધ કરનારને એ લોકો બહુ ખરાબ રીતે મારતાં માટે હવે ડરીને કોઈ એની વિરુદ્ધ અવાજ ઉઠાવતું જ નહીં..પોલીસ નાં ઘણાં લોકોને આની જાણ હતી છતાં એ લોકોની આંખ નીચે રામપુરી દાદાની આ હપ્તાગીરી ચાલુ જ હતી.

આમ ને આમ એને દસેક લારીવાળા જોડેથી પોતે નક્કી કર્યા મુજબની હપ્તાની રકમ ચૂકવી દીધી..આગળ વધતાં એ આવીને એક ફ્રૂટ ની લારી આગળ ઉભો રહ્યો પણ એ લારી પર હાજર મહિલાએ એને કોઈ રકમ આપી નહીં. એની આ હરકતથી ગુસ્સે ભરાયેલાં રામપુરી દાદા એ એ મહિલાને કહ્યું.

"એ છોકરી..તું નવી નવી લાગે છે..?તને ખબર નથી લાગતી કે હું કોણ છું..?લાવ 150 રૂપિયા નીકાળ વકરામાંથી.."

રામપુરીની વાત સાંભળી પચીસેક વર્ષની એ યુવતીએ કોઈપણ જાતનાં ડર વગર રામપુરીની સામે જોયું અને બોલી.

"તું કોણ છે એમ..તને ખબર નથી તું કોણ છે કે મને પૂછે છે..તું બે કોડીનો બદમાશ છે જે ગરીબ લોકોની મહેનત ની કમાણી પર પોતાનો હક જમાવે છે.."

એ યુવતીનો અવાજ એટલો ઊંચો હતો કે આજુબાજુની લારી પર હાજર બીજાં બધાં ની નજર પર ત્યાં શું ચાલી રહ્યું હતું એ જોવાં કેન્દ્રિત થઈ..લોકોની આગળ પોતાની ધાક સહેજ પણ ઓછી ના થવી જોઈએ એવું વિચારતાં રામપુરી દાદાએ એ યુવતી તરફ કરડાકીભરી નજરે જોયું અને વકરાંની પેટી તરફ હાથ આગળ વધાર્યો.આ દરમિયાન રામપુરી દાદાની પાછળ ઉભેલાં એનાં સાગરીતો પણ જોશમાં આવી ચુક્યાં હતાં.

હજુ રામપુરી દાદાનો હાથ પૈસાની પેટી સુધી પહોંચે એ પહેલાં તો લારી ઉપર ઉભેલી એ યુવતીએ વીજળીની ગતિએ પોતાનાં હાથ વડે રામપુરી નો હાથ પકડી લીધો..એક યુવતી ની પકડમાંથી રામપુરી દાદા પોતાનો હાથ છોડાવવાની કોશિશ કરી રહ્યો હતો પણ એ યુવતીનાં હાથની પકડ એટલી મજબૂત હતી કે છ હાથ ઊંચો કદાવર રામપુરી દાદા પણ પોતાની જાતને અત્યારે એની આગળ વામણી સમજી રહ્યો હતો.

રામપુરી દાદા ની છટપટાહટ જોઈ એનો એક સાગરીત આગળ આવ્યો અને પોતાનાં હાથમાં રહેલી હોકી સ્ટીક એ યુવતીનાં ઉપર ઉગામી..એની આ હરકત નાં સમયનાં છઠ્ઠા ભાગમાં તો એ યુવતીએ રામપુરી દાદાને ધક્કો મારી લારીથી દૂર કર્યો અને પોતાની જાતને નીચે નમાવી અને લારીને ઉછાળીને એની ઉપર ફેંકી દીધી.

બીજી જ ક્ષણે એ યુવતીએ પોતાની જાતને સંભાળી અને આગળ વધી રહેલાં બીજાં બે સાગરીતો પર લાત અને મુક્કા વરસાવી દીધાં. બે મિનિટમાં તો રામપુરી દાદા અને એનાં ત્રણ સાગરીતો નીચે જમીન પર પડ્યાં હતાં.આ બધી ધમાચકડીથી આખાં શાકમાર્કેટનું ધ્યાન એ તરફ દોરવાયું.બધાં એ યુવતીની હિંમત જોઈને તાળીઓ વગાડી દીધી.

પોતાનાં કપડાં ખંખેરી રામપુરી ઉભો થયો અને આવેશમાં આવી એ યુવતી તરફ આગળ વધ્યો.એનાં હાથમાં અત્યારે મેટલ પંચ હતો જે એને જોરદાર ગતિમાં એ યુવતી તરફ ઉગામ્યો.જે ગતિમાં રામપુરી એ હાથ એ યુવતી તરફ ઉગામ્યો એનાંથી બમણી ગતિએ એ યુવતીએ પોતાનો એક જોરદાર મુક્કો રામપુરીનાં લમણે ઝીંકી દીધો..એક યુવતીનો આટલો મજબૂત પંજો રામપુરી દાદા ને તમરીયા લાવી ગયો હતો.એનાં હોઠનો એક ખૂણો ચિરાઈ ગયો અને એમાંથી લોહી નીકળી રહ્યું હતું..રામપુરી સમજી ચુક્યો કે આ કોઈ સામાન્ય યુવતી નથી..એ પોતાનાં અંગુઠા વડે હોઠ પર લાગેલું લોહી લૂછતાં બોલ્યો.

"કોણ છે તું..?"

એ યુવતી એ પોતાનો સાડીનો પલ્લુ સરખો કર્યો અને ચહેરા પર સ્મિત સાથે બોલી.

"મારું નામ છે એસીપી રાજલ દેસાઈ.."

એસીપી નું નામ સાંભળીને રામપુરી દાદાનાં બાકીનાં સાગરીતો ત્યાંથી ભાગવા જતાં હતાં ત્યાં ચાર-પાંચ સાદા કપડામાં હાજર કોન્સ્ટેબલો એ એમનો રસ્તો રોકી એમને ધર દબોચ્યાં.હવે તો રામપુરીની પણ હિંમતે પણ જવાબ આપી દીધો હતો અને એને પણ ત્યાંથી નીકળી જવામાં પોતાની ભલાઈ સમજી અને ત્યાંથી લોકોનું ટોળું એકઠું થયું હતું એ તરફ દોટ મૂકી પણ એટલામાં રાજલ દેસાઈ એ પોતાની રિવોલ્વરથી હવામાં એક ગોળી હવામાં છોડતાં ત્રાડ પાડી કહ્યું.

"રામપુરી એક ડગલું પણ આગળ વધ્યો છે તો આ ગોળી તારી આરપાર નીકળી જશે અને તારી આ મોત ને હું એન્કાઉન્ટરમાં ખપાવી દઈશ.."

એસીપી રાજલ ની આ ધમકીની તાત્કાલિક અસર થઈ અને રામપુરીનાં પગ ત્યાંજ અટકી ગયાં.. ચહેરા પર હતાશા સાથે રામપુરી રાજલ ની તરફ હાથ ઊંચા કરીને ઉભો રહ્યો..રાજલ ચહેરા પર ગુસ્સા સાથે એની પાસે પહોંચી અને એની તરફ જોઈ દાંત ભીંસી બોલી.

"હવે જ્યાં સુધી હું આ શહેરમાં છું ત્યાં સુધી ગુનો અને ગુનેગાર આ શહેરમાં પોતાનાં છેલ્લાં સમયની ગણતરી કરવાનું શરૂ કરી દે."

રાજલ દેસાઈની આ વાત પર ત્યાં હાજર દરેક લારીવાળા એ એકસુરમાં રાજલની બહાદુરી ને પ્રોત્સાહન આપતાં નારાં લગાવ્યાં.

"એસીપી રાજલ જીંદાબાદ... એસીપી રાજલ જીંદાબાદ.."

"આને પણ હથકડી પહેરાવી નાંખો પોલીસ વાનમાં.."પોતાનાં એક સહકર્મચારી ને આદેશ આપતાં રાજલ બોલી..અને પછી ત્યાંથી નીકળી પડી પોતાની પોલીસ જીપમાં બેસીને પોલીસ સ્ટેશનની તરફ.

મૂળ પાટણની વતની રાજલ દેસાઈ એ ભરવાડ પરિવારમાંથી આવતી યુવતી હતી..એનાં લગ્ન સોળ વર્ષની ઉંમરે મહેસાણામાં જ રહેતાં એમની જ જ્ઞાતિનાં યુવક નકુલ સાથે થયાં હતાં..નકુલ પોતે તો ફક્ત બારમું ધોરણ ભણેલો હતો પણ રાજલ ની અંદર ભણવાની ધગશ જોઈને એને લગ્ન પછી પણ રાજલને આગળ વધવામાં પ્રોત્સાહન આપ્યું.

રાજલ પણ પોતાનાં સાસરી પક્ષનાં લોકોનો સાથ અને સહકાર જોઈ પુરી ખંતથી ભણવામાં લાગી રહી..રાજલે B.Com માં ગ્રેજ્યુએટ કર્યું અને પછી GPSC એક્ઝામ ક્લિયર કરી.GPSC માં ઉત્તીર્ણ થયાં બાદ રાજલ ને જોઈએ એવી પોસ્ટ મળી શકે એમ હતી પણ એને આ દેશ માટે કંઈક કરી છૂટવું હતું એટલે એને IPS સિલેક્ટ કરી અને પોતાની પોલીસ ટ્રેઈનિંગ માં પણ સેંકડો પુરુષ ઉમેદવારો વચ્ચે ટોપ પર રહી ACP ની ડીગ્રી પ્રાપ્ત કરી.રૂઢિચુસ્ત વિચારધારામાં માનતાં સમાજમાંથી આ રીતે આગળ આવવું એ રાજલ અને એનાં આખા પરિવાર માટે ગર્વની બાબત હતી..રાજલ એ વાત નું ઉદાહરણ હતી કે આજે દરેક સમાજ પોતાની દીકરી હોય કે વહુ એની સફળતામાં બાધારૂપ બનતો નથી.

રાજલ હંમેશા કહેતી હતી કે હું એવી ભાગ્યશાળી સ્ત્રી છું જેની સફળતામાં એનાં પતિનો હાથ છે..નકુલ પણ હંમેશા રાજલને પોતાની નોકરી પ્રત્યે વફાદાર રહીને પૂરાં ઉત્સાહ માટે કામ કરવાની પ્રેરણા આપતો રહ્યો હતો.શરુવાતમાં રાજલને હિંમતનગર માં પોસ્ટીંગ મળ્યું.પોસ્ટીંગ મળ્યાનાં ત્રીજા દિવસે જ એક મોટો દારૂનો જથ્થો પકડીને રાજલે પોતાનાં આગમનનાં એંધાણ આપી દીધાં.પોતાની નવ મહિનાની જોબમાં તો રાજલે હિંમતનગર ખાતે બુટલેગર અને ગુંડા તત્વોનો સફાયો કરી દીધો..પોતાની બહાદુરી અને કામ કરવાની આવડતનાં લીધે રાજલ ને ઉપાધિ મળી હતી..લેડીઝ સિંઘમ.

નવ મહિના હિંમતનગરમાં ગુનાકીય પ્રવૃત્તિઓ ને ખત્મ કર્યા બાદ દસ દિવસ પહેલાં જ્યારે પોલીસ અધિકારીઓની બદલી થઈ હતી એમાં રાજલ નું પોસ્ટીંગ ગુજરાતની શાન એવાં અમદાવાદ ખાતે થઈ ગયું.સેન્ટ્રલ અમદાવાદ માં આવતાં બધાં પોલીસ સ્ટેશન રાજલ નાં દેખરેખ નીચે આવતાં હતાં.

ગઈકાલે સાંજે જ્યારે રાજલ પોતાની કેબિનમાં બેઠી હતી ત્યાં એને બહાર કોઈકનો શોર સંભળાયો..જોડે જોડે કોન્સ્ટેબલો દ્વારા કોઈકને બહાર જવા કહેવામાં આવી રહ્યું હતું..સામે અમુક લોકો ACP મેડમ ને મળ્યાં વગર નહીં જાય એનું રટણ ચાલુ રાખીને બેઠાં હતાં..શોરબકોર સાંભળી રાજલ બહાર આવી અને જોયું તો અમુક સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતાં લોકોનું દસેક માણસોનું ટોળું કોન્સ્ટેબલો જોડે પોતાને મળવાની આજીજી કરી રહ્યું હતું.

"મનોજ કોણ છે આ બધાં અને શું કામ છે એમને..?"પોતાનાં એક સબ ઇન્સ્પેકટર ને રાજલે સવાલ કર્યો.

"મેડમ,એતો આ બધાં નકામાં લોકો છે એમની દરેક પ્રોબ્લેમ નું સોલ્યુશન પોલીસ લાવશે એવું વિચારી એ લોકો અહીં અવારનવાર આવી ચડે છે..તમે જઈને તમારી કેબિનમાં બેસો અમે એમને અહીંથી કાઢી મૂકીએ છીએ."મનોજ નામનો એ ઇન્સપેક્ટરે જવાબ આપતાં બોલ્યો.એની વાત સાંભળી રાજલ પુનઃ પોતાની કેબિનની તરફ પાછી વળી.

"મેડમ,આ બધાં અમારી તકલીફ નું નિવારણ નહીં લાવી શકે અને એ મવાલીઓ અમારી મહેનતની કમાણી આમ જ ઝુંટવતા રહેશે.."એ ટોળામાંથી એક પચાસેક વર્ષની સ્ત્રી બોલી.

રાજલે એ મહિલાની વાત જેવી સાંભળી એ સાથે જ એને કેબિનનો અડધો ખોલેલો દરવાજો પાછો બંધ કર્યો અને એ ટોળાં તરફ આગળ વધી..એને પોતાનાં કોન્સ્ટેબલો ને હાથનાં ઈશારાથી જ એ મહિલાને અંદર આવવાં દેવાં આદેશ કર્યો.રાજલનો ઈશારો સમજી એ મહિલા કોન્સ્ટેબલો ને વટાવી રાજલ જોડે આવીને હાથ જોડી ઉભી રહી.

"તમે કોની વાત કરી રહ્યાં છો..કોણ છે એ લોકો જે તમારી મહેનતની કમાણી આંચકી લે છે..?"એ મહિલા તરફ જોઈને રાજલે પૂછ્યું.

"મેડમ,અમે બધાં જમાલપુર શાક માર્કેટ જોડે લારીઓ લગાવીને શાકભાજી અને ફળ વેંચીએ છીએ..ઘણાં સમયથી રામપુરી દાદા નામનો એક લોકલ ગુંડો અમારી જોડેથી અમારી મહેનતની કમાણીમાંથી હપ્તો માંગે છે..અમે જો એની વાત ના માનીએ તો એ અને એનાં સાથીઓ મળીને અમને મારે છે અને અમારો બધો માલસામાન વિખેરી નાંખે છે..ઘણી વખત પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદો કરી પણ પોલીસ ને પણ એમનાં હપ્તા મળતાં રહે છે માટે કોઈ એની તરફ કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી."એ મહિલા હાથ જોડી આશાભરી નજરે રાજલ તરફ જોતાં બોલી.

"આમની આ પ્રોબ્લેમ નું સોલ્યુશન આપણે નહીં લાવીએ તો શું ભગવાન લાવશે.."રાજલે એ મહિલાની વાત સાંભળી ગુસ્સાભરી નજરે પોતાનાં સ્ટાફ તરફ નજર કરતાં કહ્યું..એનાં આંખનાં ગુસ્સાની તપીસથી ત્યાં હાજર બધાં કર્મચારીઓનો ચહેરો શરમથી ઝૂકી ગયો.

"તમે ચિંતા ના કરો..કાલે જ તમારી તકલીફ નું નિવારણ થઈ જશે.."એ મહિલાનાં ખભે હાથ મૂકી રાજલ બોલી.

"મેડમ તમારો ખૂબ ખૂબ આભાર.."રડમસ સ્વરે એ મહિલા બોલી.

"એમાં આભારની જરૂર નથી પણ આતો અમારી ફરજ છે..અને આ ફરજ અદા કરવાનો પગાર સરકાર અમને આપે છે..તમે કોઈપણ ચિંતા કર્યાં વગર ઘરે જાઓ..કાલે સવારે જ એ રામપુરીનો આતંક ખત્મ થઈ જશે."મક્કમ અવાજે રાજલ બોલી.

રાજલનું આશ્વાસન મળતાં એ લોકોનું ટોળું ત્યાંથી રવાના થઈ ગયું..એમનાં જતાં જ એક બકુલ કરીને કોન્સ્ટેબલ રાજલની જોડે આવ્યો અને બોલ્યો.

"મેડમ,તમે ભલે રામપુરી નો આતંક ખતમ કરવાનું વચન આપી દીધું પણ તમને એની ધાકની ખબર નથી..એ ઘણો ખૂંખાર ગુંડો છે.."

"તમે મારાથી મોટાં છો એટલે વધુ નથી કહેતી પણ તમને એ જણાવી દઉં કે પોલીસથી મોટો ગુંડો કોઈ નથી..અને મારું બોલેલું પથ્થરની લકીર છે જે થઈને જ રહેશે."આગવા જોશમાં રાજલ બોલી.

ત્યારબાદ રાજલે કઈ રીતે જાહેરમાં રામપુરી નો આતંક ખતમ કરવો એની રૂપરેખા ઘડી કાઢી અને એ મુજબ પોતે એક સામાન્ય સ્ત્રીનાં પોશાકમાં એનાં કર્મચારીઓ સાથે રામપુરી નાં હપ્તા ઉઘરાવવાના સમયે જમાલપુર શાક માર્કેટમાં હાજર હતી.બધું આયોજન મુજબ અંજામ આપ્યાં બાદ રાજલ પોતાનાં કપડાં બદલી પોતાની કેબિનમાં આવીને બેસી.

સાંજના છ વાગ્યાનાં સુમારે રાજલ પોતાનાં ઘરે જવા રવાના થઈ રહી હતી ત્યાં મનોજ નામનો ઇન્સ્પેકટર એક ગિફ્ટ બોક્સ અને એક લેટર લઈને રાજલની કેબિનમાં પ્રવેશ્યો..પ્રવેશતાં જ એ બંને વસ્તુઓ રાજલનાં ટેબલ પર મૂકીને મનોજ બોલ્યો.

"મેડમ આ બોક્સ અને લેટર કોઈ બહાર પાટલી ઉપર રાખીને ગયું હતું.."

રાજલે આશ્ચર્યભરી નજરે એ બોક્સ તરફ જોયું અને ઈશારાથી મનોજને ત્યાંથી જવા કહ્યું..મનોજનાં ત્યાંથી જતાં જ રાજલે વિસ્મય સાથે એ બોક્સ હાથમાં લીધું અને એને હલાવી જોયું..અંદર કંઈક વસ્તુનાં ખખડવાનો અવાજ આવતાં રાજલને અંદર શું હતું એ જાણવાની ઉત્સુકતા પેદા થઈ.

રાજલની નજર પછી બોક્સ જોડે મોજુદ એ લેટર પર પડી..રાજલે બોક્સ ખોલ્યાં પહેલાં લેટરમાં શું લખ્યું હતું એ વાંચવાનાં ઉદ્દેશથી લેટર નું કવર ફાડયું અને અંદરથી લેટર બહાર કાઢ્યો.અંદર ટાઈપ કરીને લખેલું લખાણ વાંચવાનું એ સાથે શરૂ કર્યું.

"Very good work.. મને ખુબ આનંદ થયો આજે તને એક્શનમાં જોઈને.તું આમ જ કામ કરતી રહીશ એવી આશા.ગુના અને ગુનેગાર ને પોતાનો દુશ્મન માનનારી રાજલ દેસાઈને મારાં તરફથી એક નાનકડી ભેટ આ સાથે મોકલું છે.."

લી.તારો શુભચિંતક

પોતાનો આ શુભચિંતક કોણ હતો અને એને બોક્સમાં શું મોકલાવ્યું હતું એ જાણવાની ઉત્સુકતા સાથે રાજલે બોક્સ ખોલવાનું શરૂ કર્યું.

★★★★★★

વધુ આવતાં ભાગમાં

કોણ હતો રાજલનો અજાણ્યો શુભચિંતક..?બોક્સની અંદર શું હતું..?આવનારાં સમયમાં રાજલ આગળ કેવાં કપરાં સંજોગો નિર્માણ થવાનાં હતાં..?આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.

જેમ-જેમ નોવેલ આગળ વધશે એમ નવાં રહસ્યો આપ સમક્ષ આવતાં જ રહેશે..તમે તમારું મગજ કસવાનું શરૂ કરી દો..અને તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)