ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિનું પૂજન કરવામાં આવે છે. એવી અનેક વીરાંગનાઓ આ ભૂમિ પર જન્મ લઈ પોતાની વીરતા થકી અમર થઈ છે. આવી વીરાંગનાઓએ ઘર ઘરમાં સંસ્કૃતિ ટકાવવાનું કામ કર્યું છે. આવી જ એક વીરાંગના સામ્રાજ્ઞી એટલે દ્રૌપદી.
દ્રૌપદી મહાભારતનું મહત્વપૂર્ણ પાત્ર છે. દ્રૌપદીના જન્મની વાત કરીએ તો તેઓ ધૃપદ રાજાને ત્યાં યજ્ઞવેદીમાંથી દ્રૌપદી અને ધૃષ્ટધુમ ઉત્પન્ન થયા હતા. અને રાજાને એવું વરદાન પણ આપેલું કે બન્ને ધૃપદ રાજાને પિતા તરીકે સ્વીકારશે અને પોતાના જન્મનું રહસ્ય ભૂલી જશે. દ્રૌપદીનું નામ તેના પિતા ધૃપદની પુત્રીના રૂપમાં દ્રૌપદીઅને પાંચાલ દેશના રાજાની પુત્રીના રૂપમાં પાંચાલી તરીકે પણ ઓળખાતી.
ધૃપધ રાજાની ઈસ્છા દ્રૌપદીને અજુૅનની સાથે પરણવવાની હતી. અને દ્રૌપદી પણ તેજસ્વી અને સ્વાભિમાની હોવાથી તેને પણ અર્જુન જેવો વીર પુરુષ પતિ તરીકે માન્ય હતો. એટલે દ્રૌપદી માટે સ્વયંવરનું આયોજન કરવામાં આવે છે પણ તે વખતે પાંડવોનો લાક્ષ્યાગૃહમાંથી બચાવ થયો હોય છે પણ તેઓ ક્યાં છે તેની કોઈને ખબર હોતી નથી. દ્રૌપદીના સ્વયંંવરમાં લક્ષ્યવેધ વીંધવાનું હોય છે અને બીજી શરત એ હોય છે કે લક્ષ્યવેધ કરવાવાળા કુળવાન, બળવાન અને રૂપવાન હોવો જોઈએ. તે સમયે આવું લક્ષ્યવેધ માત્ર અજુૅન અને કણૅ જ કરી શકે તેમ હતાં. સ્વયંંવરમાં કણૅ પણ ઉપસ્થિત હતો પણ જ્યારે કણૅ લક્ષ્યવેધ કરવા માટે ઊભો થયો ત્યારે દ્રૌપદીએ સુતપુત્ર હોવાને લીધે સ્પષ્ટ ના પાડી દીધી. વિશ્વભરમાંથી આવેલા રાજાઓ અને શૂરવીરોની વચ્ચે ના પાડવાની હિંમત કરી શકે તેવી દ્રૌપદી હિંમતવાન અને સ્પષ્ટવક્તા હતી. અંતે સ્વયંંવરમાં બ્રાહ્મણ વેશમાં આવેલા અજુૅનના હાથે દ્રૌપદી વરમાળા પહેરે છે.
દ્રૌપદી પાંચ પાંડવોનો પત્ની હતી. એકવાર વનમાં શ્રીકૃષ્ણ અને સત્યભામા પાંડવોને મળવા આવે છે ત્યારે સત્યભામા દ્રૌપદીને પૂછે છે કે, " અત્યંત પરાક્રમી અને પરસ્પર પ્રેમભાવવાળા પાંડવોને કઈ રીતે વશમાં કરે છે? કોઈ મંત્ર, તંત્ર કે કોઈ વિદ્યા?" ત્યારે દ્રૌપદી પોતાના સફળ ગૃહસ્થી જીવનની જે વાત કરે છે તે આજની પ્રત્યેક સ્ત્રીઓએ લખી લેવા જેવી છે. દ્રૌપદી કહે છે કે, " મંત્ર - તંત્રના ઉપયોગથી કોઈપણ પુરુષ વનમાં થતો નથી પણ હું અહંકાર છોડીને દરેક પતિની સાથે રહું છું. પ્રેમથી બોલું છું અને કોઈનું પણ મન ન દુભાય તે રીતે બોલવાનું, ચાલવાનું બધું સંયમિત રાખું છું. નિષ્કપટ મન, કમૅથી તેમની ઈસ્છાઓના વનમાં રહું છું. અયોગ્ય અને અવિવેકી વતૅનથી દુર રહું છું તેમ જ કામને સંયમિત કરીને જીતેન્દ્રીય રહું છું. આ મારા સફળ ગૃહસ્થી જીવનની ચાવી છે. "
દ્રૌપદી તે સમયે આખા ભારતવષૅની સામ્રાજ્ઞી હતી તેનું તેજ સ્વરૂપ બધાને આકર્ષિત કરે એવું હતું તેમ છતાં તેની તેજસ્વીતાને લીધે કોઈ તેની સામે આવવાની હિંમત કરી શકતું નહોતું. પાંચેય પાંડવોની પત્ની બન્યા પછી દરેક પાંડવના બીજી સ્ત્રી સાથે લગ્ન થાય છે તેમ છતાં દ્રૌપદી સામ્રાજ્ઞી રહી છે તેનું કારણ તેનું કતુૅત્વ છે. ધુતસભામાં પાંડવો દ્વારા હારી જવા છતાં અને દુર્યોધન દ્વારા અપમાનિત કરવા છતાં પણ જીવનમાં હંમેશા પતિ કર્તવ્ય પરાયણ બનીને તેમની સાથે રહ્યા છે. સ્વયંવર બાદ દ્રૌપદીને વનમાં જવાનું થાય છે. એક ક્ષણ પહેલાં વૈભવમાં રહેનાર દ્રૌપદી બીજી ક્ષણે વનમાં જવા તૈયાર થઈ જાય છે જેમાં દ્રૌપદીની તેજસ્વીતા અને સમપણૅ દેખાય છે. એટલું જ નહીં પણ આટલી દાસીઓની વચ્ચે રહેવાવાળી દ્રૌપદીને એક સમયે વિરાટ રાજાના મહેલમાં દ્રૌપદીને દાસીના રૂપમાં અજ્ઞાતવાસ દરમિયાન છુપાવેશમાં રહેવાનો વારો આવ્યો તેમ છતાં હસતાં મોઢે દ્રૌપદીએ આવી ભૂમિકાઓ નિભાવી છે આ તેના હ્રદયની વિશાળતા દર્શાવે છે. એક રાજકુમારી હોવા છતાં સંસ્કૃતિ માટે પોતાનો અહંકાર કઈ હદ સુધી છોડી શકે છે તે દ્રૌપદીના ચરિત્ર પરથી શીખવા મળે છે.
વનવાસ દરમિયાન યુધિષ્ઠિર યુધ્ધ વિશે વિચારતા તેનાથી થનારા વિનાશને લઈને ચિંતિત થઈ જાય છે ત્યારે દ્રૌપદીએ ધૈર્ય ગુમાવ્યા વગર તેમણે પોતાની અપાર વીરતાનો પરિચય આપી પાંડવોનું શૌયૅ વધારવાનો પ્રયાસ કર્યો છે. તેમજ બુધ્ધિયુક્ત વાતો કરીને યુધિષ્ઠિરને યુધ્ધ માટે તૈયાર કર્યા છે.
દ્રૌપદીના ચરિત્રને જોતા આપણને શૂરવીરતા, આદર્શ પત્ની, તેજસ્વીતા, કતૅવ્યપરાયણતા, પતિવ્રતાના દશૅન થાય છે. જીવનમાં આટલા બધા ઉતાર ચઢાવમાં દ્રૌપદીએ કોઈપણ ફરિયાદ કર્યા વગર સુખ - દુઃખમાં પાંડવોની સાથે રહી સતત તેમની શૂરવીરતા વધારવાનો પ્રયત્ન કર્યો છે. નારીશક્તિની પરાકાષ્ઠા સમી દ્રૌપદીને શત શત નમન.