Ruh sathe ishq return - 15 in Gujarati Horror Stories by Disha books and stories PDF | રૂહ સાથે ઈશ્ક રિટર્ન 15

The Author
Featured Books
Categories
Share

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 15

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 15

કબીરનાં બોલાવવા પર રાધા વુડહાઉસ સુધી તો આવી ગઈ અને એનાં રૂમમાં પણ આવીને એની જોડે ઘણી બધી વાતો એ કરી..કબીર માટે તો રાધા દ્વારા એની જોડે આવીને બેસવું એ કોઈ સ્વપ્નની પૂર્તિ થવાં બરાબર હતું..પણ ખબર નહીં કબીરને અચાનક શું થઈ ગયું અને એને રાધાને ચુંબન કરી લીધું..જેની તુરંત બાદ રાધા ત્યાંથી ચાલી નીકળી.

રાધાનાં ત્યાંથી ગયાં બાદ કબીર ને પોતાની એ હરકત પર પસ્તાવો થઈ રહ્યો હતો.પોતાનાં આવું કરવાનાં લીધે રાધા ને શાયદ ખોટું લાગ્યું હતું..અને ફરીવાર એ ત્યાં નહીં આવે એવું કબીર માની રહ્યો હતો.આખરે સવાર થવાં આવી હતી અને રાધા વિશે જ ગહન વિચાર કરતાં કરતાં કબીરની આંખ ક્યારે લાગી ગઈ એની એને ખબર જ ના રહી.

સવારે 10 વાગી ગયાં પણ કબીર નીચે ના આવ્યો એટલે જીવાકાકા ને થોડી ચિંતા થઈ અને એ કબીરનાં રૂમમાં આવ્યાં.. જીવાકાકા એ આવીને જોયું તો કબીર હજુપણ ઘસઘસાટ સુઈ રહ્યો હતો.કબીરનાં નસકોરાં સાંભળી જીવાકાકા મનોમન બોલ્યાં.

"લાગે છે સાહેબ રાતે મોડે સુધી લખતાં હશે એટલે એમને અત્યારે હેરાન નથી કરવા..બપોરે જમવાનું બની જાય પછી જ સાહેબની ઊંઘ બગાડું.."

ત્યારબાદ જીવાકાકા કબીરનાં રૂમમાંથી નીકળી નીચે રસોડામાં આવ્યાં અને જમવાનું બનાવવાનાં કાર્યમાં લાગી ગયાં.બપોરે બાર વાગ્યાં પણ કબીર હજુ પોતાનાં રૂમમાં જ હતો એટલે જીવાકાકા કબીરનાં રૂમમાં ગયાં અને કબીર ને હાથ વડે હલાવીને બોલ્યાં.

"સાહેબ..ઉઠો હવે..બપોર થઈ ગઈ અને જમવાનું પણ બની ગયું..'

જીવાકાકાની વાત સાંભળી કબીરે અધખુલ્લી આંખે સવાલસુચક નજરે જીવાકાકાનો ચહેરો જોયો..પહેલાં તો એને જીવાકાકા શું કહેતાં હતાં એની ખબર ના પડી..પછી ઘડિયાળ તરફ નજર પડતાં એ સમજી ગયો કે જીવાકાકા ત્યાં શું કામ આવ્યાં હતાં.

"કાકા,હું બસ પાંચ-દસ મિનિટમાં આવું.."પલંગમાંથી સફાળો બેઠો થતાં કબીર બોલ્યો અને બાથરૂમની તરફ આગળ વધ્યો.

બપોરે જમતી વખતે જ્યારે જીવાકાકા એ કબીરનાં મોડે સુધી ઊંઘતા રહેવાનું કારણ પૂછ્યું તો સાચું બોલવાનાં બદલે કબીરે જીવાકાકા જે વિચારી રહ્યાં હતાં એવું જ જુઠાણું સંભળાવતાં કહ્યું.

"એતો કાકા આજે સવારે પાંચ વાગ્યાં સુધી લખતો હતો એટલે આટલાં મોડે સુધી ઉંઘતો રહ્યો.."

કબીરની આ વાત નો જીવાકાકા એ સહજ મને સ્વીકાર પણ કરી લીધો..બપોરનું જમવાનું પૂર્ણ કરી કબીર બહાર થોડું વૉકિંગ કરી આવ્યો અને પછી પોતાનાં રૂમમાં જઈને રસ્કિન બોન્ડ ની નોવેલમાંથી જે વસ્તુઓ એને પોઇન્ટ કરી રાખી હતી એમાંથી યોગ્ય મુદ્દાઓ માઈક્રોસોફ્ટ વર્ડ ની નવી ફાઈલ બનાવી એમાં ટાઈપ કરી દીધાં.

કબીર જ્યાં સુધી વ્યસ્ત હતો ત્યાં સુધી તો એને કોઈપણ જાતનો નકામો વિચાર ના આવ્યો પણ જેવો જ કામ પૂર્ણ કરી નિરાંતે બેઠો એ સાથે જ કાલે રાતે રાધા સાથે વિતાવેલી હસીન પળોને યાદ કરતાં કરતાં એ થોડો અકળાઈ ગયો.કબીર સાંજે સમય પસાર કરવા ગાડી લઈને શિવગઢ જઈ પહોંચ્યો..હવે તો ડોકટર ગીરીશભાઈ અને મહાદેવ મંદિરનાં પૂજારી હરગોવનભાઈ જેવાં બે સજ્જન વ્યક્તિઓને પણ મળીને મનને પ્રફુલ્લિત કરી શકાશે એવું વિચારી કબીર શિવગઢ પહોંચ્યો હતો.

ગીરીશભાઈ નું દવાખાનું પહેલાં આવતું હોવાથી કબીર સીધો ત્યાં પહોંચ્યો..કંપાઉન્ડર રાજુ એ જણાવ્યું કે ગીરીશભાઈ તો કોઈ કારણોસર શહેરમાં ગયાં છે.રાજુની વાત સાંભળી કબીર ત્યાંથી નીકળવા જતો હતો પણ રાજુનાં ચા પી ને નીકળવાનાં આગ્રહને વશ થઈને કબીરે જ ત્યાં જ બેઠક લીધી.

રાજુ ચા લેવાં ગયો એ સમયે કબીરની નજર દવાખાનાંની અંદર મોજુદ દર્દી પર પડી..આ એજ દર્દી હતો જે ગત વખતે એ ત્યાં આવ્યો હતો એ સમયે પણ હોસ્પિટલાઈઝડ હતો.કબીર ને લાગ્યું કે એ દર્દીને કોઈ મોટી તકલીફ છે એટલે માનવતા ખાતર કબીર ઉભો થયો અને એની જોડે ગયો.એ દર્દીની ઉંમર પચાસેક વર્ષની હતી અને એમનાં જેટલી ઉંમરનાં એક સ્ત્રી પણ એમનાં પલંગ જોડે બેઠાં હતાં.

"નમસ્તે..શું થયું છે આમને..?"એ મહિલા સામે હાથ જોડી નમસ્કાર કરી કબીરે પૂછ્યું.

"ઓમ ને એપરએન્ટિક...એવું જ કોઈક થયું હતું.."એ સ્ત્રી પોતાની દેશી ભાષામાં બોલી.

"તમે કહો છો કે આમ ને એપેન્ડિક્સ થયું હતું..બરાબર ને..?"કબીરે એ સ્ત્રી હકીકતમાં શું કહી રહી હતી એનો કયાસ લગાવતાં કહ્યું.

"હોવ સાહેબ..આવું જ કોઈક હતું.."એ મહિલા બોલી.

"હવે કેવું છે આમને..અને ક્યારે રજા આપવાની કહી છે ડોક્ટરે..?"એપેન્ડિક્સનાં દર્દીને તો બીજા દિવસે જ રજા આપી દેવાતી હોય છે પણ આ વ્યક્તિ ચાર દિવસથી અહીં જ હોવાની વાત કબીરને અજુગતી લાગી એટલે એને એ મહિલા ને પૂછ્યું.

"આજે જ રજા આપી દેવાનું કહેતાં હતાં દાકતર સાહેબ તો..અમ ગામ લોકો માટે તો ગીરીશભાઈ ભગવાનથી ઓછાં નથી.અમારી જેવાં ઘણાં ગરીબ લોકોની એ જે સેવા કરે છ એ માટ અમે એમનાં પગ ધોઈને પાણી પીએ તો પણ ઓછું પડે એવું છે.."એ મહિલા બોલી.

ગીરીશભાઈ ખરેખર ખૂબ મોટું માનવતા નું કામ કરી રહ્યાં હતાં..એમનાં આ ભગીરથ કામમાં પોતે પણ થોડો સહાયક બની શકે એ હેતુથી કબીરે ખિસ્સામાંથી પાંચસોની નોટ કાઢી એ સ્ત્રીને આપતાં કહ્યું.

"લો આ થોડાં પૈસા છે..આમની દવા પાછળ વાપરજો.."

"પણ સાહેબ અમે તમન તો ઓળખતા એ નહિ..તો આ પૈસા ચમ ના લઈએ.."એ સ્ત્રી બોલી.

"અરે હું પણ ગીરીશભાઈ નો મિત્ર જ છું..તમે આ રકમ લઈ લો..આગળ કંઈક કામ આવશે.."કબીર બોલ્યો.

એ સ્ત્રીએ ખચકાતાં ભાવે કબીર જોડેથી એ રકમ લીધી અને કબીરનો આભાર માનતાં બોલી.

"સાહેબ..તમારો આભાર..ભોળો શંકર તમારું ભલું કરે.."

એ પુરુષ દર્દીએ પણ પલંગમાં બેઠાં થઈ કબીરનો હાથ જોડી આભાર માન્યો..આ દરમિયાન રાજુ ચા લઈને આવી ગયો અને કબીરને એ દર્દી જોડે ઉભેલો જોઈ થોડો ચિંતિત બનીને કબીરની જોડે ગયો અને બોલ્યો.

"અરે સાહેબ..તમે ક્યાં આ લોકો નાં મોંઢે લાગો છો..ચાલો હું ચા લેતો આવ્યો છું.."આવું કહીને રાજુ એ કબીરનું બાવડું પકડ્યું અને કબીરને પોતાની સાથે ખેંચીને લઈ ગયો.

રાજુ જે રીતે કબીરને ત્યાંથી લઈ જઈ રહ્યો હતો એ જોઈ કબીરને થોડું વિચિત્ર જરૂર લાગ્યું..જતાં-જતાં કબીરે એ દર્દી ની તરફ નજર કરી અને એક જગ્યાએ આવીને એની નજર અટકી ગઈ..કબીર રાજુની જોડે આવીને બેઠો..ચા ની પ્યાલીમાંથી ચા ની ચુસકી ભરતાં ભરતાં રાજુની કામ વગરની વાતો સાંભળતો હોય એવો ઢોંગ જરૂર કરવા લાગ્યો..પણ એનાં મગજમાં અત્યારે કંઈક એવી વાત દોડી રહી હતી જેનાં અટકવા પર એક નવો ભૂકંપ સર્જવાનો હતો.

રાજુ સાથેથી રજા લઈને કબીર નીકળ્યો મહાદેવ મંદિરની તરફ જ્યાં આરતીની તૈયારી થઈ રહી હતી..કબીરને આવેલો જોઈ હરગોવનભાઈ એ અહોભાવ સાથે કબીરનું સ્વાગત કર્યું..કબીરે પણ મનોમન નક્કી કર્યું કે પોતે આરતીનાં સમયે આવ્યો છે તો આજે મહાદેવ ની સંધ્યા આરતીનો લ્હાવો લઈને જ જશે.

"બેટા.. આજે તું આરતીનાં સમયે આવ્યો છે તો આજે તું આરતી ઉતાર.."હરગોવનભાઈ એ આરતીનો સમય થતાં કબીરની નજીક આવીને કહ્યું.

"અરે આતો તમારી મહેરબાની છે મહારાજ કે તમે મુજ પારકાં વ્યક્તિને તમે આ તકને લાયક સમજ્યો.."હરગોવનભાઈ ની વાતનો સહર્ષ સ્વીકાર કરતાં કબીર વિનયપૂર્વક બોલ્યો.

"બેટા..મહાદેવ નાં આંગણે દરેક વ્યક્તિ સરખો છે..અહીં કોઈ જાતનો ભેદભાવ નથી.."હરગોવનભાઈ બોલ્યાં.

ત્યારબાદ કબીરે દેવોનાં દેવ મહાદેવની આરતી ઉતારી..આરતી સમયે આવેલાં લોકો પણ કબીર ને આરતી ઉતારતો જોઈને નવાઈમાં પડી ગયાં હતાં..પણ જ્યારે આરતી બરોબરની જામી ત્યારે કબીર જે રીતે પોતાનાં હાથમાં આરતી ઘુમાવી રહ્યો હતો અને જે રીતે મહાદેવનાં રંગમાં આવીને સાનભાન ભૂલી આરતી કરી રહ્યો હતો એ જોઈને મંદિરનાં પટાંગણમાં હાજર લોકોની સાથે હરગોવનભાઈ નાં મનમાં પણ કોઈ વ્યક્તિ ની યાદ તાજી કરી દીધી હતી.

કબીરનાં જેવો જ ભક્તિ ભાવ ગ્રામજનો એ વર્ષો પહેલાં કોઈકનામાં જોઈ ચુક્યાં હતાં..ફાટી આંખે મંત્રમુગ્ધ બની બધાં એ આરતીનો પૂર્ણ ભક્તિભાવ સાથે આનંદ માણ્યો..આરતી પૂર્ણ થઈ ચૂકી એટલે કબીરે હાથમાં આરતીનો થાળ લઈને બધાં ને આરતી આપી.

"આ કોણ છે જેને આજે આરતી ઉતારી..?"ઘણાં ગ્રામજનો એ જ્યારે હરગોવનભાઈ ને આ સવાલ કર્યો ત્યારે હરગોવનભાઈ એ કબીરની ઓળખાણ સૌ ને કરાવી.કબીરે પણ હાથ જોડી પોતાનો વ્યવસ્થિત બધાંને પરિચય આપ્યો.

આખરે સાંજ નો સૂરજ આથમી ગયો અને ચંદ્ર પણ આકાશમાં હળવે હળવે આગળ વધી રહ્યો હતો.કબીરે હરગોવનભાઈ સાથે થોડી ગોષ્ઠી કરી અને પછી એમની રજા લઈને પોતાની ગાડીમાં બેસી નીકળી પડ્યો વુડહાઉસની તરફ..કબીર જ્યારે વુડહાઉસ પહોંચ્યો ત્યારે જીવાકાકા એ સાંજનું વાળું તૈયાર કરી રાખ્યું હતું.

કબીર હાથ-પગ ધોઈને આવ્યો એટલે જીવાકાકા એ કબીરને જમવાનું પીરસી દીધું..જમવાનું પૂર્ણ કરી કબીર જમવાનું પચાવવા વુડહાઉસની ફરતે બે-ત્રણ ચક્કર લગાવતો આવ્યો.કબીરનાં કાનમાં અત્યારે ઈયરફોન લાગેલાં હતાં જેમાં એની ફેવરિટ ગઝલો વાગી રહી હતી.

"સાહેબ..મારે કામ પતિ ગયું.."પોતાનું કામ પૂર્ણ કરી વુડહાઉસનાં દરવાજે ઉભાં રહી જીવકાકાએ કબીર ને સાદ લગાવી કહ્યું.

"હા કાકા..આવું.."આટલું કહી કબીર વુડહાઉસ માં પહોંચ્યો.

કબીરની રજા લઈને જીવકાકા ત્યાંથી પોતાની સાઇકલ લઈને ચાલતાં થયાં.. એમનાં જતાં જ કબીરે વુડહાઉસનાં દરેક બારી-બારણાં વ્યવસ્થિત બંધ છે કે નહીં એ ચેક કરી જોયું અને પછી પોતાનાં રૂમમાં જઈને લેપટોપ લઈને બેઠો.

કબીરે પોતાની નવી હોરર સસ્પેન્સ નોવેલ અમાસ:the revange of soul નું ત્રીજું પ્રકરણ લખવાનું ચાલુ કર્યું..કબીર ઘણું સમજી વિચારીને દરેક શબ્દને લખી રહ્યો હતો..થોડું લખીને કબીર એને પુનઃ બે-ત્રણ વખત વાંચીને ચેક કરી જોતો..બે કલાક જેટલું સળંગ લખ્યાં બાદ કબીરને કંટાળો આવી રહ્યો હતો એટલે કબીરે લેપટોપમાં "મનહર ઉદાસ" નામનું એક સોન્ગ ફોલ્ડર ખોલ્યું અને એમાં રહેલી સુંદર ગુજરાતી ગઝલોને પ્લે કરી.

રાત નાં એક વાગ્યાં સુધી તો કબીર નું ગઝલો ને સાંભળતા સાંભળતા નોવેલનું ત્રીજું પ્રકરણ લખવાનું કામ યોગ્ય રીતે ચાલતું રહ્યું.હવે થોડું જ લખવાનું બાકી હતું ત્યાં પ્લે લિસ્ટમાં એક સુંદર ગીત વાગ્યું જેનાં શબ્દો હતાં.

"પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં

જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ

એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં

જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ

એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં

જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ

સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.."

આ શબ્દો કબીરનાં હૃદયને કોઈકની યાદોથી ભરી ગયાં.એ યાદ રાધા ની હતી જે આવતાં જ કબીરનું લખવામાં જે ધ્યાન હતું એ બધું ધ્યાન તૂટી ગયું..કબીરે ઘણો પ્રયાસ કરી જોયો કે પોતે રાધા વિશે વિચારવાનું પડતું મૂકીને લેખન પર કોન્સન્ટ્રેસ કરે પણ એનાં બધાં પ્રયાસ અસફળ થયાં એટલે કબીરે ગુસ્સામાં પોતાનાં લેપટોપ ને શટડાઉન કર્યું અને રૂમની લાઈટ બંધ કરીને પલંગમાં લંબાવ્યું.

"કબીર હવે એ વિશે વિચારવાનો કોઈ ફાયદો જ નથી..તારાં લીધે જ રાધાને ખોટું લાગ્યું..હવે એ ક્યારેય તને એ મળવા નહીં આવે.."પોતાની સાથે જ વાતો કરતાં કબીર એકલો એકલો બબડી રહ્યો હતો.

અડધો કલાક સુધી ફક્ત અને ફક્ત રાધા વિશે વિચારતાં રહ્યાં બાદ કબીરની આંખ લાગી ગઈ અને એ ઘસઘસાટ સુઈ ગયો.!!

★★★★★★

વધુ આવતાં અંકમાં.

કબીર ની જીંદગી જોડે જોડાયેલ સચ્ચાઈ અને શિવગઢમાં શું થવાનું હતું એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.આ નોવેલનો આવનારો દરેક નવો ભાગ એક પછી એક રહસ્ય ની પરત ખોલતો જશે જેમાં દરેક વાંચક મંત્રમુગ્ધ બની જશે એની ગેરંટી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ