Bewafa - 13 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | બેવફા - 13

Featured Books
Categories
Share

બેવફા - 13

બેવફા

કનુ ભગદેવ

પ્રકરણ - 13

કોર્ટરૂમના દાવપેચ :

કોર્ટરૂમ ચિક્કાર હતો. લોબીમાં પણ લોકોની ભીડ એકઠી થયેલી હતી.

ન્યાયાધીશ શાહ સાહેબ પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળીને ખુરશી પર બેસી ગયા હતા.

લોકો માટે આ કેસ ખૂબ જ રસદાયક બની ગયો હતો કારણ કે એક માસૂમ અને સુંદર યુવતી એટલે કે સાધનાની ખૂનના આરોપસર ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.

લોકો આશ્ચર્યથી સાધના વિશે વાતો કરતા હતા.

કોર્ટરૂમમાં આગલી બેન્ચ પર સવિતાદેવી, સેવકરામ તથા અન્ય નોકરો બેઠા હતા.

સાધના અત્યારે આરોપીના પાંજરામાં ઊભી હતી. એનો ચહેરો ધોળો પૂણી જેવો થઈ ગયો હતો. જાણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો હોય એમ તે નીચું જોઈ ગઈ હતી.

લખપતિદાસના કેસ સાથે સંબંધિત તમામ માણસોને કોર્ટમાં રહેવાની પોલીસે સૂચના આપી હતી અને તેની સૂચના મુજબ બધાં કોર્ટમાં હાજર થઈ ગયા હતા.

છેવટે શાહ સાહેબના આદેશથી કોર્ટનું કામકાજ શરૂ થયું.

સરકારી વકીલ પોતાની ખુરશી પરથી ઊભો થયો. એના હાથમાં ભૂંગળના રૂપમાં થોડા કાગળ જકડાયેલા હતા. એ ધીમે ધીમે આગળ વધીને આરોપીના પાંજરામાં ઊભેલી સાધના પાસે પહોંચ્યો. એણે સ્મિત ફરકાવીને બચાવ પક્ષના વકીલ એટલે કે સુબોધ જોશી સામે જોયું.

સુબોધ પાંજરાની બીજી તરફ ખુરશી પર બેસીને એક ફાઈલ વાંચતો હતો,

‘યોર ઓનર !’સરકારી વકીલ, શાહ સાહેબ સામે જોતાં બોલ્યો, ‘આજે કોર્ટમાં જે આરોપીને રજૂ કરવામાં આવી છે, તે દેખાવ પરથી ખૂબ જ માસૂમ અને ભોળી લાગે છે. પરંતુ એણે પોતાના માસૂમ ચહેરાની આડમાં જે ખૂન કર્યાં છે, તે ખરેખર આશ્ચર્યજનક છે. આ માસૂમ દેખાવ ધરાવતી આરોપીએ જે રીતે કાયદાને રમકડું માનીને તેની સાથે રમત કરી છે તે એક આશ્ચર્યજનક કોયડો હતો. પરંતુ કાયદાના હાથ ખૂબ જ લાંબા છે. એક ને એક દિવસ જરૂરથી આ હાથ ગુનેગારની ગરદન સુધી પહોંચી જ જાય છે. કાયદાના સંકજામાંથી આરોપી મિસ સાધના પણ ન બચી શકી. હવે કોર્ટ સમક્ષ તેની વિરુદ્ધ પુરાવાઓ રજૂ કરવાની રજા માંગુ છું.’

‘કોર્ટે આપને પુરાવાઓ રજૂ કરવા માટે મંજૂરી આપે છે !’શાહ સાહેબનો અવાજ ગંભીર હતો. રહી રહીને તેમની નજર માથું. નમાવીને ઊભેલી સાધના પર સ્થિર થઈ જતી હતી.

‘થેંક્યું...’એમ કહીને સરકારી વકીલે સાક્ષીના રૂપમાં લખપતિદાસના બંગલાના નોકર રામલાલને બોલાવ્યો.

રામલાલ ભયભીત બનીને, સાક્ષીના પાંજરામાં આવીને ઊભો રહ્યો.

સાચું બોલવાની સોગંધવિધિ પૂરી થઈ ગયા પછી સરકારી વકીલે રામલાલને ઉદ્દેશીને પૂછ્યું, ‘તારું નામ ?’

‘જી, રામલાલ...!’

‘તું કેટલા વખતથી લખપતિદાસને ત્યાં નોકરી કરે છે ?’

‘દસેક વર્ષથી...!’રામલાલે જવાબ આપ્યો.

‘આ દસ વર્ષ દરમિયાન તારા પ્રત્યે શેઠ લખપતિદાસનું વર્તન કેવું રહ્યું હતું ?’

‘ખૂબ જ સારું...!’રામલાલ બોલ્યો, ‘અમારા સાહેબનો સ્વભાવ તો ખૂબ જ માયાળુ હતો. પરંતુ જ્યારે તેમણે યુવાન વયની છોકરી સાથે લગ્ન કર્યાં, ત્યારથી જ બંગલામાં અશાંતિ છવાઈ ગઈ હતી. બંગલામાં એ છોકરીના રૂપમાં જાણે કે આગ આવી હતી અને આ આગથી બંગલાની શાંતિ હણાઈ ગઈ હતી.’

‘એક મિનટ...!’સરકારી વકીલે તેને ટોક્યો, ‘તારા શેઠનાં બીજાં લગ્ન કે જે એણે આશાં નામની યુવતી સાથે કર્યા હતાં, તેના વિશે તારી શું માન્યતા હતી ?’

‘માનનીયતા...?’

રામલાલની વાત સાંભળીને કોર્ટ રૂમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું.

સરકારી વકીલના ચહેરા પર પણ સ્મિત ફરકી ગયું હતું.

‘માનનીયતાં નહીં પણ માન્યતા ! હું એમ કહેવા માગું છું. કે તારા શેઠની લગ્નથી તને કેવું લાગ્યું ?’

‘કેવું લાગ્યું...?’રામલાલના ચહેરા પર ક્રોધના હાવભાવ છવાયા, ‘અરે, સાહેબ, મને તો બહુ જ ખરાબ લાગ્યું. આપ જ કહો સાહેબ, કે કોઈ માણસ ઘરડે ઘડપણ યુવાન છોકરી સાથે લગ્ન કરે તો એ તેમને શોભે ખરા ? શું આવું થાય તો આપને પણ ખોટું ન લાગે ?’

‘હું મારી નહીં પણ તારી વાત કરું છું.

‘મને તો મારા શેઠનું આ પગલું જરા પણ વ્યાજબી નહોતું. લાગ્યું. તેઓ જે કંઈ કરે છે, તે વ્યાજબી નથી એવું કહેવાનું પણ મને મન થયું. ઘરમાં દિકરીની ઉંમર જેવડી યુવતીને પત્ની તરીકે લઈ આવે તે સારું ન જ કહેવાય ! પરંતુ સાહેબ, ગમે તેમ તોય હું નોકર હતો. એટલે મનની વાત મોં પર ન લાવી શક્યો.’

‘તારા શેઠના બીજા લગ્નની સાધના પર શું અસર થઈ હતી ?’

‘એ નારાજ હતી. આખો દિવસ દુ:ખમાં ડૂબેલી રહેતી હતી.’

‘શાના દુ:ખમાં ?’

‘પોતાના પિતાજીના બીજા લગ્નના દુ:ખમાં...!’રામલાલ બોલ્યો, ‘મારા શેઠ બીજાં લગ્ન કરીને એક રીતે સાધના પર જુલમ જ કર્યો હતો. તેઓ એના જેટલી જ ઉંમર ધરાવતી સ્ત્રીને તેની મા બનાવીને લઈ આવ્યા હતા.’

‘તો શું સાધના, આશાને મા કહીને બોલાવતી હતી ?’

‘ના...સાધના, આશાને મા કહીને બોલાવતી હતી ?’

‘ના...સાધના મેમસા’બ તો તેનું મોં પણ જોવા નહોતી માંગતી. મેં તેને કેટલીયે વાર સમજાવી. પરંતુ આશાના નામ માત્રથી જતેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતો હતો. એને આવો ગુસ્સો ચડતો હતો ?’

‘કેવો ગુસ્સો ચડતો હતો ?’

‘એટલે...? હું સમજ્યો નહીં સાહેબ ?’રામલાલે મુંઝવણભર્યા અવાજે પૂછ્યું.

આશાના ઉલ્લેખથી સાધનાના ચહેરા પર ક્રોધના કેવા હાવભાવ છવાતા હતા ?’સરકારી વકીલે રામલાલની આંખોમાં પોતાની આંખો પરોવતાં પૂછ્યું, ‘જ્યારે ક્રોધ ચડે ત્યારે સાધનાની હાલત કેવી થઈ જતી હતી ?’

‘સાહેબ...આવો ક્રોધ ચડે ત્યારે તો માણસ કોઈને મારી નાંખતા પણ ન અચકાય ! સાધનાને જ્યારે ક્રોધ ચડે અને જો એ વખતે આશા તેની સામે આવી ચડે તો, સાધના તેના પર તૂટી જ પડે...એને મારી નાખે...આવો વિચાર મને આવતો હતો.’

‘મી. લોર્ડ...!’સરકારી વકીલની આંખોમાં ચમક પથરાઈ ગઈ હતી, ‘આ વાતની નોંધ લેવામાં આવે ! રામલાલની જુબાનીથી જે વાત સ્પષ્ટ થઈ છે, તેનું આ કેસમાં ઘણું જ મહત્વ છે.’

ન્યાયાધીશે પેન ઊંચકીને સામે પહેલાં પેડ પર નોંધ કરી.

પછી તેમણે પુન:સરકારી વકીલ સામે જોયું.

‘યોર ઓનર...!’સરકારી વકીલ બોલ્યો, ‘સાધના પિતાજી એટલે કે શેઠ લખપતિદાસ સાધના જેટલી જ ઉંમર ધરાવતી યુવતીને સાધનાની મા તરીકે લઈ આવ્યા. એ સાવકી મા પર સાધનાને એટલો ક્રોધ ચડતો હતો કે તે એનું ખૂન પણ કરી શકતી હતી. સાધનાની નફરત ક્રોધમાં પલટાઈ ગઈ અને ત્યારબાદ આરોપી મિસ સાધના દિમાગમાં પોતાની સાવકી મા એટલે કે આશાનું ખૂન કરવાની વાત ધર કરી ગઈ. ખેર, રામલાલની જુબાની પરથી જે વાત સ્પષ્ટ થઈ છે, તે એ છે કે સાધના આશાને નફરત કરતી હતી. આશાના નામ માત્રથી જ તે ક્રોધે ભરાઈ જતી હતી.’કહીને એણે પુન:રામલાલ તરફ કરીને પૂછ્યું, ‘વારૂં, આનંદ વિશે તું શું જાણે છે?’

‘એ...એ તો મારો શેઠનો ભાવિ જમાઈ અર્થાત્ સાધનાનો ભાવિ પતિ હતો. સાધના પણ તેને અનહદ ચાહતી હતી.’

‘એમ...?’

‘હા...તે અવારનવાર આનંદ સાથે ફરવા જતી હતી. બંગલામાં મારા શેઠની સામે જ્યારે આનંદ તથા સાધના અટ્ટહાસ્યો કરતાં ત્યારે એ બંને માસૂમ બાળક જેવા લાગતા હતા. તેમની જોડીથી હું પણ ખૂબ જ ખુશ હતો.’

‘શું સાધના છેવટ સુધી તેને ચાહતી હતી ?’

‘એ...એ...સાહેબ...!’રામલાલ થોથવાતા અવાજે બોલ્યો, ‘એ તો આશાના આગમન પછી જ બધી ગરબડ ઊભી થઈ. આશાએ આનંદ પર કોણ જાણે શુ જાદુ કરી નાખ્યો કે તે આશા પાસે જ પોતાનો વધુ સમય પસાર કરતો હતો. મેં પોતે પણ તેને કેટલીય વાર આશા સાથે હસી હસીને વાતો કરતાં જોયો હતો.’

‘હસી હસીન વાતો કરતો એટલે ?’

‘સાહેબ, આખી દુનિયા જાણે છે તો પછી હું શા માટે છૂપાવું ?’આવી રીતે હસીને વાતચીત કરવાને અમારા ગામમાં બદમાશી કહેવામાં આવે છે.’

રામલાલની વાત સાંભળીને ફરીથી કોર્ટરૂમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું.

‘ઓહ...તો આનંદ તથા આશા જે રીતે ઠઠ્ઠા મશ્કરી કરતા હતાં તે ખોટું નહોતું ?’

‘ના સાહેબ !’

‘કેમ ?’

‘આનંદ તો સાધનાનો ભાવિ પતિ હતો. એ બંનેની સગાઈ પણ થઈ ગઈ હતી. જ્યારે આશા તો આનંદની મા સમાન હતી. આનંદ તેને આંટી કહેતો હતો છતાં પણ...’

‘છતાં પણ શું ?’

‘છતાં પણ તે આશા સાથે અનૈતિક સંબંધ રાખતો હતો.બસ, સાહેબ, આનાથી વધુ હું કંઈ જ કહી શકું તેમ નથી.’

‘કંઈ વાંધો નહીં. આટલુ પૂરતું છે.’વકીલના ચહેરા પર અર્થસૂચક સ્મિત ફરકતું હતું., ‘આનંદ તથા આશાના અનૈતિક સંબંધો વિશે જાણતી હતી ?’

‘પહેલાં તો નહોતી જાણતી પણ પાછળથી તેને આ વાતની જાણ થઈ ગઈ હતી.’

‘તેને આ વાતની ખબર ક્યારે પડી હતી ?’

‘મારા સાહેબના મૃત્યુના બે દિવસ પહેલાં !’

‘સાધનાને આનંદ તથા આશાના અનૈતિક સંબંધની તારા શેઠની મૃત્યુ પહેલાં બે દિવસ અગાઉ જાણ થઈ ગઈ હતી, એની તને કેવી રીતે ખબર પડી ?’

‘એ દિવસે જ્યારે બપોર પછી હું ચા લઈને સાધનાની રૂમમાં ગયો ત્યારે તે રડતી હતી. મેં તેને રડવાનું કારણ પૂછ્યું. તો એણે જવાબ આપ્યો કે એ ચૂડેલે મારા આનંદને પણ આંચકી લીધો. હું તેને મારી નાંખીશ !’

‘એ વખતે આનંદ કયાં હતો ?’

‘બંગલામાં...!’

‘આશાની રૂમમાં...! વાત એમ છે સાહેબ કે સાધના દરરોજ બપોરે ત્રણ વાગ્યે એકાદ કલાક માટે સૂઈ જાય છે. આ સમય દરમિયાન જ આનંદ આશાની રૂમમાં જતો હતો. તે સાધના સૂઈ ગઈ છે એમ માનીને આશા સાથે ઠઠ્ઠા-મશ્કરી હતો. એ દિવસે સાધના નહોતી સૂતી. એણે આનંદને આશાની રૂમમાં જતો જોઈ લીધો હતો. આનંદ એકાદ કલાક સુધી આશાની રૂમમાં રોકાયો તો સાધના રડવા લાગી. મેં એને ખૂબ જ સમજાવી. આનંદ આશાના મોહપાશમાં ફસાઈ ગયો છે એ હું જાણું છું. એમ મેં સાધનાને ક્હયું ત્યારે એ બોલી હતી કે હું તેને પણ મારી નાખીંશ !’

‘યોર ઓનર...’સરકારી વકીલ ઉત્સાહભર્યા અવાજે બોલ્યો, ‘આ બીજી વાતની પણ નોંધ લેવામાં આવે ! સાધનાએ કહ્યું હતું કે હું તેને અર્થાત્ આનંદને પણ મારી નાંખીશ. ‘તેને પણ ‘આ બે શબ્દનો અર્થ એ થયો કે સાધનાએ અગાઉ પણ કોઈકનું ખૂન કર્યું હતું અથવા તો પછી પહેલાં ખૂનનો નિર્ણય કર્યો હતો. ‘તેને પણ ‘કહેવાનો અર્થ એ થાય છે કે તે બીજું ખૂન કરવાનો નિર્ણય પણ લઈ ચુકી હતી. સાધનાને બંને ખૂન કરવાનું નક્કી કરી લીધું હતું. આશા પ્રત્યે તેનાં મનમાં રહેલી નફરતની આગ આશાના ખૂનથી જ બૂઝાવી શકાય તેમ હતી. સાધનાએ આશાનું ખૂન કરવાનું મનોમન નક્કી કરી લીધું હતું. પરંતુ એ જ વખતે એક એવો બનાવ બન્યો કે જેણે સાધનાને ગાંડી કરી મૂકી. સાધનાનો ભાવિ પતિ આશાના પ્રેમમાં ફસાઈ ગયો.’

‘આઈ ઓબ્જેક્શન યોર ઓનર !’અચાનક સુબોધ જોશી ઊભો થઈ ને જોરથી બરાડ્યો, ‘અનૈતિક સંબંધને પ્રેમનું નામ ન આપવાની હું મારા વકીલ મિત્રને વિનંતી કરું છું. તેઓ એક તરફ પ્રેમ શબ્દનો હવાલો આપે છે ને બીજી તરફ પ્રેમમાં ફસાઈ ગયો એમ કહે છે. એને પ્રેમ નહીં પણ કંઈક બીજું જ કહી શકાય છે. કારણ કે આનંદ તથા આશા વચ્ચે જે સંબંધ હતો, તેને પ્રેમનું નામ આપીને એક સાવકી મા તથા દિકરા વચ્ચે જે સંબંધ હોય છે, એ પવિત્ર સંબંધ પર આવું બોલીને કલંક લગાવવામાં આવે છે.’

‘સોરી...’સરકારી વકીલે સ્મિત ફરકાવતાં કહ્યું,, ‘હું એક વકીલ છું. લેખક નથી. મારા વકીલ મિત્રે હમણાં જે શબ્દો જણાવ્યા તેનો ઉપયોગ હું કરી શકું તેમ નથી. ખેર, વાસ્તવમાં એ પ્રેમ નહીં પણ વાસના હતી. વાસના, કે જે પ્રેમ કરતાં વધુ શક્તિશાળી હોય છે. સાધનાનો પ્રેમ હતો જ્યારે આશાની વાસના ! બંનેની લડાઈમાં આશાની વાસનાનો વિજય હતો. પોતાના વિજયથી આશા ખુશ હતી જ્યારે સાધના પોતાની હારથી પાગલ થઈ ગઈ હતી. આનંદે વાસનાની આગમાં તેના પવિત્ર પ્રેમને હોમી દીધો હતો. આ કારણસર આશાની સાથે સાથે આનંદના ખૂનનો વિચાર પણ સાધનાના દિમાગમાં આવ્યો હતો.’

‘દિમાગમાં...!’સહસા સુબોધ જોશી બોલ્યો, ‘દિમાગમાં વિચાર આવ્યો ? સાધનાના દિમાગમાં ખૂન કરવાનો વિચાર આવ્યો તેનો શું પુરાવો છે ?’

‘સાધનાએ ક્રોધ ભરાઈને એ બંનેને મારી નાંખવાની વાત ઉચ્ચારી હતી, એમ હમણાં જ રામલાલે પોતાની જુબાનીમાં જણાવ્યું છે. એની જુબાની જ આ વાતનો પુરાવો છે.’

‘બરાબર છે...પણ માત્ર કહેવાથી જ ખૂન નથી થઈ જતાં.’

‘પરંતુ ખૂન તો થયાં જ છે ને ?’

‘એક મા ક્યારેક ક્યારેક બાળકના તોફાનથી કંટાળીને તેને મારકૂટ કરતાં કહે છે. અરે મૂઆ...આના કરતાં તો તું જન્મતાવેં જ મરી ગયો હતો તો સારું હતું. અથવા તો પછી હું તારું ગળું દબાવી દઈશ. શું માનો એ ગુસ્સાનો અર્થ એવો થાય છે કે તે પોતાના બાળકનું ખૂન કરવાનો નિર્ણય લઈ ચૂકી છે ?’

‘માતાનો ગુસ્સો ક્ષણિક હોય છે. અહીં જે સંબંધોની વાત ચાલે છે, તેમાં બનાવટી મા જેવો પવિત્ર સંબંધ છે. અને આ સંબંધની આડમાં વાસનાની રમત રમાય છે. અને આ રમતમાં જો કોઈ એક ખેલાડીની જીત નિશ્ચિત હોય છે. પણ તેને જીતને બદલે હાર મળે તો તે ક્રોધે ભરાય એ સ્વાભાવિક જ છે ! આ વાસનાની રમત છે યોર ઓનર ! આપણી કોર્ટમાં આજ સુધીમાં એવા કેટલાય કેસો આવી ચૂક્યાછે કે જેમાં માને પોતાનાં સંતાનના ખૂન કરવા બદલ સજા ફટકાવવામાં આવી છે. આવા સંજોગો માત્ર વાસનાને કારણે જ ઊભા થયાં હોય છે. વળી અહીં તો આરોપી સાધનાને તેના કરતાં પણ મોટી હારનો સામનો કરવો પડ્યો છે. અને આ કારણસર જ તે એક નહીં પણ બબ્બે ખૂનોનો નિર્ણય લઈ ચૂકી હતી. આ નિર્ણયનો અમલ કરવા માટે તે યોગ્ય તકની રાહ જોતી હતી. નિર્ણયનો અમલ તે એકલી કરી શકે તેમ નહોતી. નિર્ણયના અમલ માટે તેને કોઈકની મદદની જરૂર હતી. છેવટે તેને પોતાના બંગલાનો ચોકીદાર મદદ માટે યોગ્ય લાગ્યો. અને તેના સહકારથી સાધનાએ એક ત્રીજા માણસને પોતાના કામ માટે પસંદ કર્યો. આ ત્રીજા માણસનો હવાલો વિસ્તૃત રીતે કોર્ટમાં જરૂરથી આવશે જ ! હાલ તુરત હું આ ત્રીજા માણસને મિસ્ટર ‘એકસ’નો સંપર્ક સાધ્યો. આ ‘એકસ’ની મદદથી જ સાધનાએ ખૂનની યોજના બનાવી હતી. પરંતુ એ પોતાની યોજનાનો અમલ કરે એ પહેલાં જ બંગલામાં એક બનાવ બની ગયો. આનંદ તથા આશાના અનૈતિક સંબંધોની શેઠ લખપતિદાસને ખબર પડી ગઈ. તેમણે પોતાની સગી આંખે એ બંનેને જોઈ લીધાં હતાં. અહીં હું એક બીજો સાક્ષી રજૂ કરું છું. એની જુબાનીથી મારી વાતની સૌને ખાતરી થઈ જશે. કારણ કે આ કેસ એટલો બધો ગુંચવાઈ ગયો હતો કે તેને ઉકેલવામાં સી.આઈ.ડી. વિભાગને પણ લોઢાના ચણા ચાવવા પડ્યા હતા. આરોપી સાધનાને કોર્ટમાં રજૂ કરવા માટે પોલીસને પુરાવાઓની જરૂર હતી. અને આ પુરાવાઓ સી.આઈ.ડી. વિભાગની મદદથી પોલીસે મેળવી લીધા છે. પરંતુ એ પહેલાં આ કેસ સાથે મહત્વનો સંબંધ ધરાવતા એક સાક્ષી, કે જેનું નામ કિશોર છે., તેને હું આપ સૌની હાજરીમાં થોડી પૂછપરછ કરવા માંગુ છું.’

શાહ સાહેબની સૂચનાથી કિશોર સાક્ષીના પાંજરામાં આવીને ઊભો રહ્યો.

રામલાલ ચાલ્યો ગયો હતો.

સાચું બોલવાના સોગંદ ખવડાવ્યા પછી સરકારી વકીલે પૂછ્યું. ‘આશા સાથે તારે શું સંબંધ હતો ? શું તું એની સાથે બદલો લેવા માગતો હતો ? તેં તારા મિત્ર અનવર સાથે મળીને શું શું કર્યું ? તે જે કંઈ કર્યું હતું, એ બધું સાચેસાચું કહી નાંખ !’

સરકારી વકીલના સવાલનો અર્થ એ થતો હતો કે કિશોરે શરૂથી અંત સુધી બધું જ જણાવી દેવાનું હતું.

કિશોરે કોર્ટરૂમમાં ચારે તરફ નજર દોડાવી.

સૌની નજર તેના પર જ મંડાયેલી હતી.

‘યોર ઓનર !’કિશોર ન્યાયાધીશ સાહેબને ઉદ્દેશીને બોલ્યો, ‘હું અગાઉ પણ આ જ કોર્ટમાં એક વખત જુબાની આપી ચૂક્યો છે. બસ, એનાથી વિશેષ મારે કંઈ જ કહેવાનું નથી.’

‘મિસ્ટર શાસ્ત્રી...’મિસ્ટર શાસ્ત્રી...!’શાહ સાહેબે ક્હયું, ‘આ કેસ દરમિયાન એક વખત કિશોર આરોપીના પાંજરામાં ઊભો રહી ચૂક્યો છે, એ હું જાણું છું. એણે જે જુબાની આપી હતી, તે પણ મને બરાબર યાદછે. પરંતુ તેમ છતાંય આ કેસ નવેસરથી આરોપી સાધના સાથે સંકળાયેલો છે. એટલે કિશોર ફરીથી જુબાની આપે એમ હું ઈચ્છું છું.’

‘તું...’શાહ સાહેબે કિશોરને ઉદ્દેશીને કહ્યું, ‘ફરીથી તારી જુબાની આપ ! કોઈ વાત ચૂકાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખજે.’

તેમનો આબાર માને, સરકારી વકીલ પોતાની ખુરશી પર બેસીને કિશોર સામે તાકી રહ્યો.

‘યોર ઓનર !’કિશોરના અવાજમાં જરા પણ ગભરાટ નહોતો.

‘હું સ્લમ કવાર્ટર્સમાં રહું છું. આશા પણ ત્યાં જ પોતાના કાકા પાસે રહેતી હતી. અમે બંને એકબીજને અનહદ ચાહતા હતા. આશા હંમેશા પૈસાદાર થવાનાં સપનાં જોતી હતી. પોતાનું સપનું પૂરું કરવા માટે મને તરછોડીને એણે શેઠ લખપતિદાસ સાથે લગ્ન કરી લીધા. તેના આ પગલાથી હું ખૂબ જ ગુસ્સે થઈ ગયો. હું આખો દિવસ શરાબ પીને મારા પ્રેમની નિષ્ફળતાનું દુ:ખ ભૂલવા લાગ્યો. મારો મિત્ર અનવર મારી આવી હાલત ન જોઈ શક્યો. એણે આશા સાથે બદલો લેવાની વાત મને સૂઝાડી. હું તેની સાથે મળીને આશા તથા લખપતિદાસના ખૂનની યોજના બનાવી ચૂક્યો હતો. પછી એક રાત્રે હું અનવરને લઈને...’

‘યોર ઓનર !’સહસા સરકારી વકીલ વચ્ચેથી ઉત્સાહભર્યા અવાજે બોલ્યો, ‘હું કિશોરને આ રાત પર જ લાવવા માગતો હતો.’

‘એ રાતે...’કિશોર કહેતો ગયો, ‘હું અને અનવરની મારી ટેક્સીમાં લખપતિદાસના બંગલા પાસે પહોંચી ગયા. ટેક્સીને અમે બંગલાની થોડે દૂર એક ખાલી પ્લોટમાં છૂપાવી દીધી. ત્યારબાદ અમે અનુકૂળ સમયની રાહ જોતા લખપતિદાસના બંગલાની સામે નવી ચણાતી ઈમારતના કંપાઊન્ડની દીવાલ પાછળ ઊભા રહી ગયા. ત્યાંથી અમે લખપતિદાસના બંગલા પર નજર રાખી શકતા હતા. પછી અચાનક જ અમે બંગલાના ચોકીદાર બહાદુરને દોડીને વંરડા તરફ જતો જોયો.વરંડામાં એક માણસ ઊભો હતો. અંધારું હોવાને કારણે અમે એ માણસની આકૃતિ જ જોઈ શક્યા હતા. પરંતુ એ માણસ કોણ હતો, તે અમે નહોતા ઓળખી શક્યા. અમારે તો બદલો લેવાનો હતો. થોડી વાર પછી અમે સાવચેતીથી બંગલામાં દાખલ થઈ ગયા. ત્યાં શેઠ લખપતિદાસ તથા આશા પોતાની રૂમમાં નહોતા. એનાથી આગળ સાધનાની રૂમ હતી. ત્યાં મારા મિત્ર અનવરના દિમાગમાં વાસનાનું ભૂત ઘૂસી ગયું. એ બારી ઉઘાડીને સાધનાની રૂમમાં કૂદી પડ્યો. બરાબર એ જ વખતે મારા પર ટોર્ચનો પ્રકાશ ફેંકાયો.હું મારી ટેક્સી તરફ નાસી છૂટ્યો. દીવાલ કૂદતાં પહેલાં મેં પીઠ ફેરવીને જોંયું તો, જે માણસે મારા પર ટોર્ચનો પ્રકાશ ફેંક્યો હતો, એ માણસ સાધનાની રૂમની બારી નીચે પહોંચી ગયો હતો.’

‘બસ, આટલું પૂરતું છે.’સરકારી વકીલે કહ્યું, ‘ખેર, તમે બહાદુર પાસે વરંડામાં ઊભેલા જે માણસને જોયો હતો, તે અને તાર પર ટોર્ચનો પ્રકાશ ફેંકનાર માણસ, આ બંને એક જ હતા ?’

‘એ વખતે વરસાદ પડ્યો હતો.પરંતુ તેમ છતાંય એ બંને એક જ હતા.’

‘એ બંને એક જ હતા એમ તું કેવી રીતે કહી શકે છે ?’આ સવાલ શાહ સાહેબે પોતે પૂછ્યો હતો.

‘શરીરના બાંધા તથા ચાલ પરથી...! બંનેના શરીરનો બાંધો એકસરખો હતો. તેમની ચાલવાની રીતભાત પણ એક સરખી જ હતી. એ બંને એક જ હતા. તેની મને પૂરી ખાતરી છે સાહેબ !’કિશોરે મક્કમ અવાજે જવાબ આપ્યો.

‘કિશોરના કહેવા મુજબ એણે વરંડામાં બહાદુર સાથે વાતો કરતાં તથા તેના પર ટોર્ચનો પ્રકાશ ફેંકાયા પછી નાસી જતી વખતે સાધનાની બારી નીચે જોયેલો માણસ, આ બંને એક જ હતા. હવે હું મિસ સાધનાને પૂછપરછ કરવા માગું છું.’

શાહ સાહેબે તેને પૂછપરછ કરવાની મંજૂરી આપી.

સરકારી વકીલ આગળ વધીને આરોપીના પાંજરામાં ઊભેલી સાધના પાસે પહોંચ્યો.

‘તમારું નામ શું છે ?’જાણે કોઈ નાના બાળકને પૂછતો હોય એવા અવાજે એણે પૂછ્યું.

‘સાધના...’

‘ઉંમર...?’

‘ઓગણીસ વર્ષ ! મારા પિતાનું નામ શેઠ લખપતિદાસ ચે. મારી માનું નામ કૌશલ્ય છે. અને તે હું નાની હતી, ત્યારે જ મૃત્યુ પામી હતી.’સાધનાના ચહેરા પર ક્રોધના હાવભાવ છવાઈ ગયા હતા. ક્રોધમાં જ એણે આ રીતે જવાબ આપ્યો હતો.

‘એ રાતે, જ્યારે અનવર તમારી રૂમમાં કૂદ્યો ત્યારે, તમારી હાલત કેવી હતી ?’

‘એટલે ? તમે કહેવા શું માંગો છો વકીલ સાહેબ ?’

‘હું એમ કહેવા માંગુ છું. કે એક બદમાશને જોઈને તમને કેવું લાગતું હતું?’

‘એ વખતે હું ગાઢ ઊંઘમાં સૂતી હતી. એ બદમાશો ચૂપચાપ મારું મોં દબાવી દીધું. મારી આંખો ઉઘડી ગઈ. હું મદદ માટે બૂમો પાડવા માગતી હતી. પરંતુ મારું મોં દબાઈ રાખેલા બદમાશનો સાથીદાર આવ્યો છે એમ માનીને ભયના અતિરેકથી હું બેભાન થઈ ગઈ.’

‘તમે એ બીજા માણસને નહોતા ઓળખી શકયા ?’

‘ના...’

‘તમે ખોટું બોલો છો. તમે એને બરાબર રીતે ઓળખતા હતા. એ માણસ બીજું કોઈ નહીં, પણ ‘એકસ’જ હતો કે જેને તમે આનંદ તથા આશાના ખૂન કરવા માટે અગાઉથી જ બંગલમાં બોલાવી રાખ્યો હતો.

‘મેં કોઈનેય નથી બોલાવ્યા.’

‘તમે એને બોલાવ્યો હતો.’સરકારી વકીલે ઊંચા અવાજે કહ્યું, એ માણસ બહાદુરને ઓળખતો હતો. બહાદુરે વરંડામાં એની સાથે વાતો કરી હતી. પછી એ માણસે કિશોરને તમારી રૂમની બારી નીચે ઊભેલી જોઈને તેના પર ટોર્ચનો પ્રકાશ ફેંકયો. પરિણામે કિશોર ત્યાંથી નાસી છૂટ્યો. ત્યારબાદ તે બારી મારફત જ તમારી રૂમમાં પ્રવેશ તમારી રૂમમાં જે બીજો માણસ કૂદ્યો, તે ‘એક્સ’હતો. પરંતુ તમે મને ન ઓળખી શકયા. એ બદમાશનો બીજો સાથીદાર છે એમ તમે માની બેઠાં જ્યારે હકીકતમાં તો તે અમારો શુભેચ્છક ‘એક્સ’હતો.’

‘એની મને ખબર નહોતી...!’સાધના ચીસ જેવા અવાજ બોલી.

‘વેરી ગુડ...!’સાધનાની વાત સાંભળીને સરકારી વકીલની આંખોમાં ચમક પથરાઈ ગઈ, ‘તમને ખબર નહોતી ? શેની ખબર નહોતી ? તમે હમણાં જ કહ્યું છે કે એની તમને ખબર નહોતી !’

‘હા...એ માણસ ‘એક્સ’હતો તે હું નહોતી જાણતી !’સાધના વીફરેલા અવાજે બોલી, ‘હું તો એને બદમાશનો બીજો સાથીદાર માનીને બેભાન થઈ ગઈ હતી.’

‘યોર ઓનર’સરકારી વકીલે શાહ સાહેબ તરફ ફરીને કહ્યું, ‘એક્સ’નું અસ્તિત્વ છે. આ વાતની નોંધ લેવામાં આવે ! પોતાનો કોઈક શુભેચ્છક છે એ વાત હમણાં જ મિસ સાધના કબૂલી ચુકી છે.’

‘મારો કોઈ સુભેચ્છક નથી.’

‘એ માણસ ‘એક્સ’હતો એ વાતની તમને ખબર નહોતી એમ હમણાં જ તમે કહી ચુક્યા છો. જ્યારે હું તો આ ‘એક્સ’નો હવાલો અહીં તમારા શુભેચ્છકના રૂપમાં આપી ચૂક્યો છું. જેને તમે બદમાશને સાથીદાર માની બેઠા હતા, તે બદમાશનો સાથીદાર નહીં પણ, તમારો શુભેચ્છક ‘એક્સ’નહોતો એ વાતની હવે તમે ના પાડી શકો તેમ નથી. એ ‘એક્સ’જ હતો.’

સાધનાનો દેહ ક્રોધના અતિરેકથી કંપવા લાગ્યો.

કોર્ટરૂમમાં મોઝુદ લોકોમાં ગણગણાટ વ્યાપી ગયો.

શાહ સાહેબે ટેબલ પર હથોડી પછાડીને તેમને શાંત કર્યા.

સાધના ક્રોધમાં ને ક્રોધમાં જ ‘એક્સ’ના અસ્તિત્વની વાત કબૂલ કરી ચુકી હતી. સરકારી વકીલે જે ચાલાકીથી પોઈન્ટ પકડયો હતો, એનો વિરોધ તે કરી શકે તેમ નહોતી.

‘યોર ઓનર !’સરકારી વકીલ બોલ્યો, ‘મિસ સાધના ‘એક્સ’ને બદમાશનો સાથીદાર માનીને બેભાન થઈ ગઈ હતી. એવી તેમની વાત સાચી છે. એના બેભાન થઈ ગયા પછી મિસ સાધનાનો શુભેચ્છક એટલે કે ‘એક્સ’અનવર તૂટી પડયો. એણે અનવર પર કાબુ મેળવીને તેને ગોળી ઝીંકી દીધી. સાઈલેન્સર ચડાવેલી રિર્વોલ્વરમાંથી જરા પણ અવાજ થયા વગર છૂટેલી ગોળીએ અનવરને ઈશ્વરના દરબારમાં પહોંચાડી દીધો. હવે હું આપ સૌનું ધ્યાન અનવર તથા કિશોર બંગલમાં દાખલ થયા હતા, એ અરસામાં બનેલા એક અન્ય બનાવ તરફ દોરવા માગું છું. આનંદ તથા આશાને દરિયાકિનારે સાથે જોયા પછી શેઠ લખપતિદાસ આત્મગ્લાનિ અનુભવવા લાગ્યા. તેમને પોતાની રૂમમાં જઈને આપઘાત કરી લેવાનો વિચાર આવ્યો. આવી હાલતમાં તેઓ માટે આપઘાત સિવાય બીજો કોઈ માર્ગ નહોતો બચ્યો. તેઓ પોતાની યુવાન પુત્રી એટલે કે મિસ સાધનાને નારાજ કરી ચુક્યા હતા. તેમની યુવાન પત્ની તેમને દગો આપતી હતી. એટલું જ નહીં, એ તેમના જમાઈને પણ પોતાના મોહપાશમાં ફસાવી ચુક હતી. આવા સંજોગોમાં શેઠ લખપતિદાસને આપઘાત કરી લેવાનો વિચાર આવ્યો. તેઓ સીધા પોતાની રૂમમાં પહોંચ્યા. ત્યાં તેમણે ઊંઘની ગોળીઓ લીધી. તેમણે જેટલી ગોળીઓ લીધી હતી, એનાથી થોડી મિનિટોમાં જ તેમનું હ્રદય બંધ પડી ગયું. બીજીતરફ શેઠ લખપતિદાસ પોતાને કઢંગી હાલતમાં જોઈ ચૂક્યા છે, એ વાતની ખબર પડતાં જ આનંદ તથા આશા મુંઝવણમાં મૂકાઈ ગયા. પોતાનો ભાંડો ફૂટી ગયો છે, એ વાત તેઓ સમજી ચૂક્યા હતા. છેવટે લખપતિદાસનું ખૂન કર્યાં સિવાય છૂટકો નથી એમ તેઓને લાગ્યું. તેઓ તરત જ શેઠ લખપતિદાસનાં રૂમમાં પહોંચ્યા. ત્યાં તેમણે ચાદર ઓઢીને સૂતેલા શેઠ લખપતિના ચહેરા પર વજનદાર પથ્થર તથા લોખંડના સળીયાથી પ્રહારો કરીને તેમનો ચહેરો છુંદી નાખ્યો. પરંતુ શેઠ લખપતિદાસ અગાઉથી જ ઊંઘની ગોળીઓને કારણે મૃત્યુ પામ્યા હતા. આનંદ તથા આશાના આગમનની થોડી મિનિટો કે પળો પહેલાં જ તેમનું મૃત્યુ થયુ હતું. પરિણામે જ્યારે આનંદ તથા આશાએ પ્રહારો કર્યા ત્યારે તેમણે ઓઢેલી ચાદર લોહીથી ખરડાઈ ગઈ. તેમનો મૃતદેહ પથ્થર લાગવાને કારણે ડનલપનાં ગાદલાં પર ઉછળ્યો હતો. જેને એ બંને શેઠ લખપતિદાસનો તરફડાટ માની બેઠાં. શેઠ લખપતિદાસનો ચહેરો એટલો બધો વિકૃત થઈ ગયો હતો કે માંડ માંડ તેમના મૃતદેહને ઓળખી શકાયો હતો. તેમનાં વસ્ત્રો, ઘડિયાળ, જનોઈ, તથા જનોઈમાં ભરાવેલી તિજોરીની ચાવીને કારણે જ તેમનો મૃતદેહ ઓળખાયો હતો. ખેર, હવે મુદ્દાની વાત પર આવું છું. આનંદ તથા આશાએ શેઠ લખપતિદાસના મૃતદેહને ચાદરમાં બાંધી દીધો. ત્યારબાદ રૂમને વ્યવસ્થિત કરીને તેઓ મૃતદેહને ઠેકાણે પાડવા માટે બંગલાની બહાર લઈ ગયા.’કહીને સરકારી વકીલ થોડી પળો માટે અટક્યો.

થોડી પળો બાદ સરકારી વકીલે પોતાની વાત આગળ લંબાવી, ‘જ્યારે અનવરે બારી પર ચડીને શેઠ લખપતિદાસની રૂમમાં નજર દોડાવી, તેની થોડી પળો પહેલાં જ આનંદ તથા આશા મૃતદેહ લઈને બહાર નીકળ્યા હતા. અને આ કારણસર જ અનવરને લખપતિદાસની રૂમમાં કોઈ નહોતું દેખાયું. તેઓ મૃતદેહને દરિયામાં ફેંકી શકે તેમ નહોતા કારણ કે સવાર પડતાં જ મૃતદેહ મોજાંઓ સાથે ઘસડાઈને ફરીથી કિનારે આવી જાત. તેઓ મૃતદેહને દાટવા માટે બાજુના ખાલી પ્લોટમાં લઈ ગયા. ત્યાં અચાનક તેમની નજર પ્લોટમાં ઊભેલી કિશોરની ટેક્સી પર પડી. આશા કિશોરની ટેક્સીને સારી રીતે ઓળખતી હતી. ટેક્સી જોઈને મૃતદેહથી છૂટકારો મેળવવાનો ઉપાય તેમને સૂઝી આવ્યો. તેમને મૃતદેહને ટેક્સીની ડીકીમાં છૂપાવી દીધો. આમ તેમને માટે તો એક કાંકરે બે પંખી મરવાનો ઘાટ થયો હતો. એક તો તેમને મૃતદેહથી છૂટકારો મળી ગયો ને બીજું, લખપતિદાસના ખૂનનો આરોપ કિશોરના માથા પર આવ્યો. બરાબર આ સમયે મિસ સાધનાનો શુભેચ્છક ‘એક્સ’બંગલાના પાછળના ભાગમાં હતો. તે અનવર તથા કિશોરની હિલચાલ જોતો હતો. કિશોરના નાસી છૂટ્યા પછી તે સાધનાની રૂમમાં કૂદીને અનવરને સ્વધામ પહોંચાડી ચૂક્યો હતો. ત્યારબાદ તે અનવરના મતૃદેહને ધસડતો હતો. ત્યાં જ સાધનાની આંખ ઊભી ઉઘડી ગઈ એટલે કે તે ભાનમાં આવી ગઈ. ભાનમાં આવ્યા પછી સાધનાને ખબર પડી કે પોતે જેને બદમાશનો સાથીદાર માની બેઠી હતી, એ વાસ્તવમાં પોતાનો શુભેચ્છક ‘એક્સ’છે. પોતે અનવરને સ્વધામ પહોંચાડી દીધો છે, એ વાત ‘એક્સે’સાધનાને જણાવી દીધી. સાધના પણ અનવરના મૃતદેહને જોઈ ચુકી હતી. ત્યારબાદ ‘એક્સે’શેઠ લખપતિદાસની રૂમમાં તપાસ કરી તો ત્યાં કોઈ જ નહોતું. પછી સહસા, પોતાની દુશ્મન આશાને ફસાવવાનો વિચાર સાધનાને આવ્યો. એણે ‘એક્સ’ની મદદથી અનવરના મૃતદેહને શેઠ લખપતિદાસના બેડરૂમના વોર્ડરોબમાં છૂપાવી દીધો. મૃતદેહ છુપાવતા પહેલાં સાધનાએ પોતાની રૂમને એકદમ વ્યવસ્થિત કરી નાખ્યો હતો. ત્યારબાદ તે બેભાન થવાનું નાટક કરતી પલંગ પર ઢળી પડી. એનો શુભેચ્છક ‘એક્સ’ત્યાંથી વિદાય થઈ ગયો હતો અને પછી જયારે આશા, આનંદને વિદાય કરીને બેડરૂમમાં પાછી ફરી ત્યારે તેને વોર્ડરોબમાં પડેલા અનવરના મૃતદેહનો સામનો કરવો પડ્યો. અનવરનો મૃતદેહ જોઈને લખપતિદાસના ખૂનનો આરોપ કિશોર પર જડબેસલાક રીતે આવે તથા અનવરના ખૂનમાં પણ તે સંડોવાઈ જાય એવી યોજના એણે ઘડી કાઢી. પહેલાં અનવર તથા કિશોરે શેઠ લખપતિદાસનું ખૂન કરી નાંખ્યું અને ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે કિશોરે અનવરને સ્વધામ પહોંચાડી દીધો એવું તે સૌના દિમાગમાં ઠસાવી દેવા માંગતી હતી. પરિણામે એણે વોર્ડરોબને બંધ કરી. ચીસો નાંખીને બેભાન થઈ જવાનુ નાટક કર્યું.શેઠ લખપતિદાસે આપઘાત કર્યો....

અનવરનું ખૂન ‘એક્સે’કર્યું અને પછી પોલીસની તપાસનું ખાસ કોઈ પરિણામ ન આવ્યું. કારણ કે પોલીસની નજર માત્ર આનંદ તથા આશા પર જ હતી. છેવટે આ કેસ સી.આઈ.ડી. વિભાગને સોંપી દેવામાં આવ્યો. સી.આઈ.ડી. વિભાગના ચીફ ઈન્સ્પેક્ટર મેજર નાગપાલ સાહેબે પુષ્કળ મહેનત કરીને છેવટે આનંદ તથા આશા વિરુદ્ધ કેસેટના રૂપમાં પુરાવો મેળવી લીધો. આ કેસેટમાં તેમણે આનંદ તથા આશા વચ્ચે ઓપેરા ગાર્ડનમાં થયેલી વાતચીત ટેપ કરી લીધી હતી. પરંતુ તેમની વાતચીત વાળી કેસેટથી કેસ વધુ ગુંચવાઈ ગયો. કારણ કે આનંદ તથા આશાએ ગુનો કર્યો હોવા છતાં પણ તેમને ગુનેગાર પુરવાર કરી શકાય તેમ નહોતાં. તેમણે ખૂન કર્યું હતું પણ મૃતદેહનું ! પહેલાં તો પોતે શેઠ લખપતિદાસના ખૂની છે એમ જ તેઓ માનતા હતા. પણ પાછળથી પોસ્ટમોર્ટનમા રિપોર્ટ પરથી પોતે જે ખૂન કર્યું હતું, તેની આનંદને જાણ થઈ ગઈ અને આ વાત એણે ઓપેરા ગાર્ડનમાં આશાને પણ જણાવી હતી. શેઠ લખપતિદાસનું ખૂન તેમના હાથેથી નહોતું થયું. તેમણે તો પહેલાંથી જ ઊંઘની ગોળીઓ ખાઈને આપઘાત કરી લીધો હતો.’

એક ઊંડો શ્વાસ લઈને સરકારી વકીલે આગળ કહ્યું, ‘પરંતુ તેમ છતાં ય, નાગપાલ સાહેબ એ બંનેની ધરપકડ કરીને તેમની પાસેથી સાચી હકીકત જાણવા માંગતા હતા. અહીં તેમને મિસ સાધના પર શંકા આવી. આ શંકા તેમને માટે આશ્ચર્યજનક હોવાની સાથે સાથે સાચી પણ હતી અને તેના પ્રત્યે આંખ આડા કાન કરી શકાય તેમ નહોતું. ત્યારબાદ સાધના પર નજર રાખવા માટે નવા નોકરના રૂપમાં વાઘજી નામના એક સિપાહીને લખપતિદાસના બંગલામાં ગોઠવી દેવામાં આવ્યો. એનું કામ માત્ર સાધના પર જ નજર રાખવાનું હતું. એક રાત્રે સાધના ચૂપચાપ બંગલામાંથી બહાર જઈને બે કલાક પછી પાછી ફરી. બીજે દિવસે પણ તે આ જ રીતે બહાર ગઈ. પરંતુ ત્રીજી રાત્રે સબ. ઈન્સ્પેક્ટર અમરજીએ ટેક્સી ચાલકના રૂપમાં તેનો પીછો કર્યો. પોતાનો પીછો થાય છે તેની મિસ સાધનાએ ખબર પડી ગઈ. એણે રેલ્વેસ્ટેશન સુધી જઈને પબ્લિક બૂથમાંથી એક ફોન કર્યો. ત્યારબાદ તે પાછી પોતાના બંગલે પહોંચી ગઈ. એ જ રાત્રે આનંદ તથા આશા બંગલાની પાછળ દરિયાકિનારે અનૈતિક કામ કરતાં હતા. મિસ સાધના એ બંનેના કાળા કુકર્મો જોઈ ચુકી હતી. એ બંનેને જોઈને તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એણે ફોન કર્યો ત્યારે પણ તેનો ગુસ્સો ઓછો નહોતો થયો. આ ફોન એણે ‘એક્સ’ને કર્યો હતો. આનંદ તથા આશાને ઠેકાણે પાડવાની આજે સોનેરી તક છે, એમ એણે ફોન પર ‘એક્સ’ને જણાવ્યું. એ બંનેના ખૂન તે રાત્રે જ થઈ જાય એમ સાધના ઈચ્છતી હતી. અને આ વાત તેના ક્રોધ પરથી સ્પષ્ટ રીતે પુરવાર થઈ જતી હતી. ખેર, એ પોતાના બંગલે પાછી ફરી અન તેના પાછા ફર્યા બાદ દસેક મિનટ પછી જ આનંદ તથા આશાનાં ખૂન થઈ ગયા.’

‘હા...હા...ખૂન થઈ ગયાં...!’સાધના જોરથી બરાડી, ‘મેં...મેં જ એ ખૂન કર્યા છે. હવે લટકાવી દો મને ફાંસીએ મેં જ એ ત્રણેયનાં ખૂન કર્યાં છે ! હું ખૂની છું. ! ગુનેગાર છું...! સંભળાવી દો મને ફાંસીની સજા !’

‘ના...ખૂન તમે નથી કર્યા !’સરકારી વકીલે કહ્યું.

‘તો પછી કોણે કર્યાં છે ?’

‘ખૂન તમારા શુભેચ્છક ‘એક્સે’જ કર્યા છે.!’

‘મારે કોઈની સાથે કંઈક જ સંબંધ નથી. આપ નાટકીય ઢબે નહીં જે ‘એક્સ’ને રજૂ કર્યો છે, તે કોણ છે એ હું નથી જાણતી ! આશા તથા આનંદના ખૂન મેં જ કર્યાં છે !’‘એક્સ’નું કોઈ જ અસ્તિત્વ નથી. અનવરનું ખૂન પણ મેં જ કર્યું હતું. ! એ મારી રૂમમાં દાખલ થયો કે તરત જ મારી ઊંઘ ઊડી ગઈ અને મેં તેને ગોળી ઝીંકી દીધી. ત્યારબાદ આશાને ફસાવવા માટે મેં જ અનવરના મૃતદેહને આશાના બેડરૂમનાં વોર્ડરોબમાં છૂપાવ્યો હતો...’

‘એ બેડરૂમ આશાનો નહોતો’

‘તો પછી કોનો હતો?’

‘તમારા પિતાજીનો...! શેઠ લખપતિદાસનો...!’

‘એથી શું થઈ ગયું ? બંને એ જ રૂમમાં સૂતા હતા. એ રૂમ માત્ર મારા પિતાજીનો જ નહીં, સાથે સાથે મારી સાવકી મા આશાનો પણ હતો. આપ જોઈએ તો એ રૂમને મારા પિતાજીનો કહો અથવા તો પછી આશાનો ! બંનેનો બેડરૂમ એક જ છે !’

‘પરંતુ તેમ છતાંય એમાં ઘણો ફર્ક છે !’

‘શું ફર્ક છે ?’

‘શું અનવરના મૃતદેહને એ રૂમમાં છૂપાવીને તમારા પિતાજી એટલે કે શેઠ લખપતિદાસને પણ ગુનેગાર બનાવવા માંગતા હતા ?’

‘ના...’

‘તો પછી...?’

‘અનવરના મૃતદેહને એ રૂમમાં છૂપાવવાથી મારા પિતાજી એકે ય ગુનામાં સંડોવાઈ શકે તેમ નહોતા.’સાધનાએ ક્હયું.

‘કેમ ?’

‘એટલા માટે કે એ વખતે તેઓ મૃત્યુ પામ્યા હતા. તેમનું ખૂન થઈ ગયું છે, એ વાત હું જાણતી હતી.’

‘ના...તમે કંઈ જ નહોતા જાણતા. એક ઝૂંપડપટ્ટીમાં બદમાશો ચોરીછૂપીથી તમારી રૂમમાં ઘુસીને તમારા પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો તો તમે તેને ગોળી ઝીંકી દીધી. વાહ...શું દલીલ કરી છે તમે...! એક તરફ તમારા દુશ્મનોએ તમારા પિતાજીનું ખૂન કરી નાંખ્યું. શું તમે એ બંનેને ગોળી ઝીંકી શકો તેમ નહોતાં? તમે તે બંનેને એ વખતે જ શૂટ કરી શકો તેમ હતા. તમને ‘એક્સ...’

‘આ ‘એક્સ’કોઈ જ નથી.’સાધના ચીસ જેવા અવાજે બોલી, ‘શું પાછળથી મેં જ એ બંનેને ગોળી નહોતી ઝીંકી દીધી ?’

‘તો એ ત્રણેય ખૂનો તમે પોતે જ કર્યા છે એમ ને ?’

‘હા, મેં મારા સગા હાથે એ ત્રણેયનાં ખૂન કર્યાં છે !’

‘સગા હાથેથીનો શું અર્થ છે ?’

‘ખૂનો તો રિર્વોલ્વરથી થયાં હતાં.’

‘હા, મેં રિર્વોલ્વરથી જ એ ત્રણેયનાં ખૂન કર્યાં હતા.

‘તમારી પાસે રિર્વોલ્વર છે ?’

‘હા...થોડા વખત પહેલાં જ મારા પિતાજીને મને રિર્વોલ્વર લઈ આપી હતી. મારી પાસે તેનું લાયસન્સ પણ છે.’

‘આ ઉંમરે તમને વળી રિર્વોલ્વરની શું જરૂર હતી ?’

‘વકીલ સાહેબ,આપનો આ સવાલ સાવ અર્થ વગરનો છે. રિર્વોલ્વર રાખવાને ઉંમર સાથે કોઈ જ સંબંધ નથી. હું જ્યારે પીકનીક પર જતી ત્યારે રિર્વોલ્વર સાથે લઈ જતી હતી. મને બચપણથી જ રિર્વોલ્વર રાખવાનો શોખ છે. આપને કદાચ ખબર નહીં હોય પણ, વિશાળગઢના યુનિવર્સિટિ તરફથી શૂંટીગમાં પ્રથમ નંબરે આવવા બદલ મને કેટલી યે વાર ઈનામો મળી ચૂંકયા છે. બસ,એટલા માટે જ મારા પિતાજીએ મને બત્રીસ કેલીબરની રિર્વોલ્વર લઈ આપી હતી. એ રિવોલ્વરથી જ મેં ખૂન કર્યા છે. ત્રણેય ખૂન મારા હાથેથી જ થયાં છે. ઉપરાંત પૈસાદાર કુટુંબમાં રિર્વોલ્વર રાખવાનો ફેશન ગણવામાં આવે છે.’

‘અત્યારે એ રિર્વોલ્વર ક્યાં છે ?’

સાધના ચૂપ રહી.

‘બોલો...! અત્યારે ક્યાં છે એ રિર્વોલ્વર ?’

‘હું નથી જાણતી...!’

‘એટલે ?’

‘મારી રિર્વોલ્વર ચોરાઈ ગઈ છે.’સાધના સહેજ સ્વસ્થ થઈને બોલી, ‘મારા બંગલાનો ચોકીદાર બહાદુર એ રિર્વોલ્વર ચોરીને નાસૂ છૂટ્યો છે.’

‘ઓહ...તો બહાદુરે તમારી રિર્વોલ્વર ચોરી લીધી છે એમ ને ?’

‘હા...’

‘બહાદુર ક્યાં છે એની તમને ખબર છે ?’

‘ના...’

‘શું એ ‘એક્સ’સાથે નથી ?’

‘હું કોઈ જ ‘એક્સ’ને નથી ઓળખતી !’

‘તમે એને ઓળખો છો !’

‘હું નથી ઓળખતી...નથી ઓળખતી...હું હજાર વખત કહું છું. કે નથી ઓળખતી !’

‘પરંતુ તેમ છતાં ય તમે તેને ઓળખો તો છો જ ! તમે પોતે ‘એક્સ’ના અસ્તિત્વને કબૂલી ચૂક્યાં છો. તમે ત્રણેય ખૂન વિશે જાણો છો. આ ખૂન ‘એક્સ’કર્યાં છે. તમારે ‘એક્સ’વિશે કહેવું જ પડશે.’

‘મેં કહ્યું તો ખરું ને ‘એક્સ’છે જ નહીં ! આપ નાહક જ જે માણસનું અસ્તિત્વ છે. જ નહીં, તેની વાત કરો છો.’

‘ઓલ રાઈટ...! તો બહાદુર તમારી રિર્વોલ્વર ચોરીને નાસી છૂટ્યો છે, ખરું ને ?’

‘હા, મને એના પર જ શંકા છે !’

‘હમણાંતો તો તમે ખાતરીથી કહેતાં હતાં કે રિર્વોલ્વર બહાદુરે ચોરી લીધી છે. અને હવે માત્ર એના પ્રત્યે શંકા જ વ્યક્ત કરો છો. ખેર, તમે બહાદુરને, એણે રિર્વોલ્વર ચોરી છે કે નહી, એ બાબતમાં કંઈ પૂછ્યું નહોતું ?

‘એ મળે તો પૂછું ને ?’

‘તો એ તમને નથી મળ્યો ?’

‘ના...’

‘તમે એની સાથે ‘એક્સ’વિશે વાતો નહોતી કરી ?’

‘ના...’

‘યોર ઓનર !’સરકારી વકીલ, શાહ સાહેબ સામે જોતાં બોલ્યો, ‘મિસ સાધના જે ‘એક્સ’નું અસ્તિત્વ નથી માનતી! બહાદુરે, કે જે મિસ સાધનાનો સાથીદાર છે. અને જેણે રિર્વોલ્વર નથી ચોરી, તેનો હવાલો પુરાવા સાથે કોર્ટમાં રજૂ થશે ! હું એ પુરાવાઓ રજુ કરવા માગું છું. અને એ પુરાવાઓ જોયા પછી મિસ સાધના ‘એક્સ’ના અસ્તિત્વને કબૂલી લેશે. વાસ્તવમાં મિસ સાધના ‘એક્સ’ને બચાવવા માંગે છે.’

‘કોર્ટનો સમય પૂરો થઈ ગયો છે, મિસ્ટર શાસ્ત્રી ! આ કેસની કાર્યવાહી મંગળવારે ઉઘડતી કોર્ટે આગળ વધશે.’કહી, ઊભી થઈને શાહ સાહેબ પોતાની ચેમ્બરમાં ચાલ્યા ગયા.

સાધના હજુ સુધી ક્રોધથી ધ્રુજતી હતી.

***