સુંદરતા માટે સરળ ટિપ્સ
ભાગ-૪
સં- મિતલ ઠક્કર
* બટાકો અંડર આર્મ્સના પરસેવાને ઓછું કરવાનું કામ કરે છે. એક બટાકો લઇ તેની પાતળી સ્લાઈઝ કરી તેને સીધા જ અંડર આર્મ્સ પર ઘસો. દસ મિનિટ ઘસ્યા બાદ સ્વચ્છ પાણીથી સાફ કરી લો, ત્યાર બાદ ડિઓનો ઉપયોગ કરો. આ પ્રકારે તમે દિવસમાં ૧-૨ વાર કરી શકો છો. જે તમારી પરસેવાની દુર્ગંધને દૂર કરવાનું કામ કરશે. બટાકા સિવાય તમે લીંબુનો પણ આ જ રીતે ઉપયોગ કરી ઔશકો છો.
* મહેંદી મૂકાવતાં પહેલાં તમારે હાથ સારી રીતે ધોવા જોઈએ. મહેંદી એક જ બેઠકે મુકાવો. વારંવાર ઊભું થવું નહીં. જેથી આગળની મહેંદી સુકાય અને પછી લગાવેલી મહેંદી થોડા સમય બાદ સુકાય તેવો પોબ્લેમ ન થાય. મહેંદી મુકાઈ જાય પછી ઓછામાં ઓછા પાંચ કલાક સુધી રાખવી. સુકાઈ જાય પછી તેની પર લીંબુ અને ખાંડનું મિશ્રણ લગાવો. સાથે સાથે સરસિયું લગાવી શકાય. મહેંદી ઉખાડતી વખતે ક્યારેય પાણીનો ઉપયોગ ન કરવો. બંને હાથ પર સરસિયું લગાવીને મહેંદી ઉખાડો. બની શકે તો ૧૨ કલાક સુધી હાથને સાબુ કે સોડાથી દૂર રાખવા. મહેંદી ઉખાડયા પછી રોટલી કરવાની તવી પર ૨-૩ લવિંગ મૂકી તેને ગરમ કરો. તવી નજીક હાથ રાખો અને શેક લો. જેથી કલર ડાર્ક થશે. તમે વિક્સ પણ લગાવી શકો છો. જેનાથી હાથ પર ગરમાવો રહે અને કલર ડાર્ક બનશે. જેટલો ગરમાવો રહેશે એટલો મહેંદીનો કલર વધુ ઘટ્ટ થશે.
* ઘણીવાર ચહેરા ઉપર ઉનાળાને કારણે જીણી જીણી ફોલ્લી થઇ જતી હોય છે, ખાસ કરીને ફોરહેડ ઉપર આવી ફોલ્લીઓ ખૂબ જોવા મળે છે. ફોરહેડની તેમજ ફેસની ફોલ્લીથી રાહત મેળવવા રોજે નહાતા પહેલાં આશરે વીસ મિનિટ એલોવેરાથી મસાજ કરો, ત્યારબાદ ફેસવોશ વડે ચહેરો સાફ કરી લો. જો સવારે નહાતાં પહેલાં સમય ન હોય તો તમે આખા દિવસમાં ગમે ત્યારે આ ઉપાય અજમાવી શકો છો.
* વાળ ખરવાની સમસ્યા હોય તેને માટે મહેંદી ગુણકારી બની રહેશે. વાળ ખરવાની સમસ્યામાં મહેંદીમાં મેથી પલાળીને ક્રશ કરીને નાખવી. તેને મીક્સ કરી આ પેસ્ટને સ્કાલ્પમાં લગાવવાથી તમારા સ્કાલ્પ મજબૂત બનશે. આ પેકથી વાળ ખરતાં બંધ થશે, મેથી વાળમાં કુદરતી કંડિશ્નરનું કાર્ય કરશે અને વાળને મૂળથી મજબૂત બનાવશે.
* ખીલની સમસ્યા વધારે પ્રમાણમાં હોય તો એલો વેરામાં અડધું લિંબુ નીચોવીને તે મીશ્રણ લગાવવાથી ખીલની સમસ્યા દુર થશે. આ મીશ્રણમાં તમે કડવા લીમડાના પાનને પણ પીસીને નાખી શકો છો.
* રિમૂવરથી જ નેઈલ પોલિશ દૂર કરી શકાય એવું કંઈ હોતું નથી. આપણાં ઘરમાં બીજી પર ઘણી બધી વસ્તુઓ છે. જેના વડે તમે નેઈલ પોલિશ દૂર કરી શકો છો. જો તમારે ઝડપી રિઝલ્ટ જોઈતું હોય તો એક વાડકીમાં વિનેગર લો તેમાં લીંબુના થોડા ટીપાં નાખી મિક્સ કરો. આ મિશ્રણથી નેઈલ પોલિશ સાફ કરો. ગરમ પાણી વડે પણ તમે નેઈલ પોલિશ દૂર કરી શકો છો. એક વાડકી ગરમ પાણી લઈ તેમાં ૧૦ મિનિટ સુધી નખ ડુબાડી રાખો. ત્યાર બાદ કોટન નખ પર ઘસો તરત નેઈલ પોલિશ દૂર થઈ જશે. આ રીતે તમે રિમૂવર વગર પણ નેઈલ પોલિશ દૂર કરી શકો છો.
* હેર સ્પાનો ખરો અર્થ તમારા વાળને મોશ્ચરાઇઝરથી સાફ કરી તેની અંદરથી પ્રદૂષણ અને ધૂળને દુર કરવાનો હોય છે. વાળને નરીશમેન્ટ આપવાનો હોય છે. માથામાં ક્રિમ લગાવીને સ્પામાં જે રીતે મસાજ કરીને સ્ટીમ આપવામાં આવે છે તે ખરેખર મૂળ માટે ખૂબ લાભદાયી છે. તેથી સ્પા કરાવવાથી ફાયદો થાય છે, પણ કેમીકલયુક્ત ક્રીમના કારણે લાંબેગાળે કદાચ હેર ડેમેજ થવાની શક્યતાઓ રહે. તેથી તમને હેડ મસાજ કરાવવું ગમતું હોય તો સ્પા કરાવવાને બદલે માથામાં તેલ માલીશ કરાવરાવો. આ માટે તેલને થોડું ગરમ કરી તેમાં પલાળેલી મેથી ક્રશ કરીને નાખી અને મસાજ કરાવરાવો, ત્યારબાદ સ્ટીમ લઇ લો અને પછી હેર વોશ કરી લો. આ હેર સ્પા જેવું જ કામ કરશે અને વાળને લાંબેગાળે ડેમેજ પણ નહી કરે.
* કોઈપણ પણ હેર સ્ટાઇલ પસંદ કરતાં પહેલાં તમારા ચહેરાનો આકાર તથા ફેસ કટ પર તે સ્ટાઇલ સારી લાગશે કે નહીં તે ચકાસી લો. તમારો ભરાવદાર ચહેરો હોય તો તમને સ્ટ્રેટ હેર, વેવી હેર અને હાફ ટાઇ હેર સ્ટાઇલ સારી લાગશે. જો તમારો ચહેરો નાનો અને ફ્લેટ હોય તો મેશી હેર સ્ટાઇલ, બાઉન્સી હેર, કર્લ જેવી સ્ટાઇલ સારી લાગશે.
* પગમાં વાઢિયા દિવસેને દિવસે વધુ ઊંડા ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. તેના માટે તમારે પગના તળિયે ગુલાબ જળ અને ગ્લિસરિન સરખા ભાગે લઈ તેની માલિશ કરવી. ત્યાર બાદ ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પગના તળિયા ૮-૧૦ મિનિટ ડુબાડી રાખી. નેપકિન વડે લૂછી નાખો. અઠવાડિયામાં બેથી ત્રણ વાર કરવું. એ સાથે તમે મધ, ઘી, સરસિયાંનું તેલ સરખા ભાગમાં લેવું અને વાઢિયા પર લગાવવું. ત્યાર પછી ગરમ પાણીમાં પગ ડુબાડી રાખવા જેથી પગ પર રહેલો મેલ દૂર થશે અને પગની સુંદરતામાં વધારો થશે. આ ઉપચાર અઠવાડિયામાં બે વાર કરવો. અને બહાર નીકળો ત્યારે ધૂળના રજકણો પગને ન ચોંટે તે માટે મોજા જરૂર પહેરવા.
* પગના તળિયાની ત્વચાને મુલાયમ કરવા સ્નાન પૂર્વે જૈતૂનના તેલથી માલિશ કરવું અને દસ મિનિટ બાદ સ્નાન કરવું. સ્નાન કરતી વખતે સ્ક્રેપરથી ત્વચા ઘસવી જેથી મૃત ત્વચા નીકળી જશે. પંદર દિવસે બ્યુટી પાર્લરમાં જઇ પેડીક્યોર કરાવશો. ઘરમાં પણ સ્લીપર કે મુલાયમ ચપ્પલ પહેરી રાખશો
* તૈલી ત્વચા ધરાવતી મહીલાએ મુલતાની માટીમાં એલો વેરા અને ગુલાબજળ મીક્સ કરીને તે ફેસપેક દર બીજે દિવસે ચહેરા ઉપર લગાવવો. આ ફેસપેકથી ઉનાળામાં વધારે પડતી તૈલી ત્વચામાંથી રાહત મળશે અને ખીલની સમસ્યા બીલકૂલ નહી સતાવે.
* લીંબુના અડધિયા પર એક ચમચી સાકર અને તાજું ક્રિમ લગાડી ઘસવું. સાકર પીગળે ત્યાં સુધી ઘસવુ લગભગ પાંચ-સાત મિનિટ સુધી ઘસવું. ત્યાર બાદ બેબી ઓઇલ મસાજથી ઘસવું. નિયમિત કરવાથી ઘૂંટણ સુંવાળા થઇ જશે.
* ખોડાની સમસ્યા સતાવતી હોય તેણે મહેંદીમાં એક આખું લિંબુ અને દહીં નાખીને સ્કાલ્પમાં મહેંદી લગાવવી. આ પેક તમે દર પંદર દિવસે છ મહીના સુદી લગાવશો તો ખોડાની સમસ્યામાંથી છુટકારો મળી જશે. એટલું જ નહી એક વર્ષ સુધી જો આ પેક લગાવતાં રહેશો તો ખોડો ફરીથી ક્યારેય નહી થાય.
* પીઠ અને સાથળ પર ખંજવાળ આવવાના અનેક કારણો હોઈ શકે છે. નાહવાના પાણીમાં બેકિંગ સોડા નાખી તમે સ્નાન કરી શકો છો. બેકિંગ સોડા ગરમ પાણીમાં મિક્સ કરી સ્નાન કરવું જોઈએ. જે જગ્યા પર વધુ ખંજવાળ આવતી હોય તેના પર એક ચમચી બેકિંગ સોડામાં પાણી મિક્સ કરી આ મિશ્રણને તે જગ્યા પર લગાવો. આશરે ૨-૫ મિનિટ પછી તેને પાણી વડે સાફ કરવું. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે બેકિંગ સોડાનું મિશ્રણ ત્વચા પર વધુ સમય ન રાખવું. થોડી વારમાં તે સાફ કરી લેવું. કારણ કે લાંબો સમય તે ત્વચા સાથે રહે તો ત્વચા માટે નુકસાનકારક સાબિત થાય છે.
* ગુલાબજળને તમે કોઈ પણ પેકમાં વાપરી શકો છો. જે ત્વચામાં કસાવટ લાવે છે અને નિયમિત ઉપયોગ કરવાથી ત્વચાના ડાઘ-ધબ્બાં દૂર થાય છે અને રંગ સાફ બને છે.
* દહીંમાં ચંદન, બ્રાહ્મી, આમળા, બદામ, શિકાકાઈ પાવડર, એક ચમચી કોફી તથા એક ઈંડુ ભેળવવું. આ મિશ્રણને વાળમાં લગાડવું એક કલાક બાદ શેમ્પૂથી વાળ ધોવા. બે ઈંડા ફીણી વાળમાં લગાડવા આ ઉપચાર અઠવાડિયામાં એક વખત કરવાથી વાળ મજબૂત ચમકીલા, કાળા, ઘટ્ટ તથા મુલાયમ બનશે.
* જો તમે નાઇટ ફેરનેસ ક્રીમના બદલે માઇલ્ડ ટોનરની સાથે માઇલ્ડ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરશો તો તે વધારે હિતાવહ રહેશે. બીજી એકવાતનું ખાસ ધ્યાન રાખવું કે રાત્રિના સમયે આંખની આજુબાજુ નજીકમાં ક્યારેય ક્રીમ ન લગાવવું જોઇએ. ક્રીમ લગાવો તો પણ ગાલ, ફોરહેડ, દાઢી વગેરે જગ્યાએ જ લગાવવું. આંખની આજુબાજુમાં ક્રીમ થોડું ભૂલથી લાગી ગયું હોય તો પણ તેને કોટનથી સાફ કરી નાખવું.
* મહેંદી લગાવવાની હોય એ પહેલાં હાથને સાબુ વડે બરાબર સાફ કરી લો અને સાફ કર્યા બાદ હાથ પર કોઈ જ પ્રકારની મોઈશ્ચરાઈઝિંગ ક્રીમ લગાવવી નહીં. હાથ સુકાય ગયા બાદ મહેંદી મૂકવી. મહેંદી મૂક્યા બાદ તે સુકાય પછી તેની પર લીંબુ અને ખાંડનું મિશ્રણ મિક્સ કરી લગાવો. જેથી મહેંદી ઉખડશો નહીં અને કલર આવશે. બીજું તમે સરસિયાના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. સરસિયાનું તેલ બંને હાથ પર લગાવી એક કોરા કપડાં વડે તેને સાફ કર્યાના અડધા કલાક પછી મહેંદી લગાવી. જેનાથી કલર ડાર્ક થશે.
* થોડું સફરજન અને થોડા ગાજરને મસળી નાખો. એમાં થોડુંક મધ મેળવો અને સાફ ચહેરા પર ૨૦ મિનિટ સુધી લગાવો. એ પછી ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. નાની ઉંમરમાં તાપ-તડકાથી પડેલી કાળાશ થોડાંક જ દિવસોમાં સાફ થઈ જશે.
* સવારે જ્યારે તમે તમારા ચા-કોફી તૈયાર કરતાં હોવ ત્યારે તમારા ચહેરા પર કાચું દૂધ લગાવી દો. કાચું દૂધ એક સારું ક્લીન્ઝર છે. દહીં મેળવો ત્યારે થોડુંક દહીં ચહેરા પર લગાવી દો. દહીં એ ફ્રેકલ્સ અને સન-સ્પોટ્સની સારી દવા છે.
* તેલ માલીશ કરતાં પહેલાં વાળને સરખા ઓળી લેવા. વાળને ઓળ્યા વગર તેલ નાખશો તો વાળ વધારે ગૂંચવાઇ જશે અને વધારે ગૂંચવાતા તે વધારે તૂટશે. ઘણી સ્ત્રીઓ માત્ર વાળની લંબાઇમાં જ તેલ લગાવે છે. આ રીતે ખોટી છે. વાળને પોષણ આપવા માટે હંમેશા તેલને વાળના મૂળમાં લગાવવું જોઇએ. જો તેલને વાળના મૂળમાં લગાવશો તો જ વાળને જરૂરી પોષણ મળશે. અલબત્ત વાળની લંબાઇમાં પણ થોડું તેલ લગાવવું. જેથી ડ્રાયનેસ ઓછી થાય પણ મૂળમાં તેલ લગાવવુ ખૂબ જરૂરી છે.
* ખરીદી દરમિયાન ચહેરો અને હાથની ત્વચા થોડીક કાળી અને શુષ્ક થઈ જાય છે. એવે વખતે એક મોટો ચમચો સૂકા સંતરા કે લીંબુના છોતરાંનો પાઉડર, એક નાની ચમચી સૂકા ગલગોટાના ફૂલનો પાઉડર, એક નાની ચમચી ફુદીનાનો પાઉડર, બે નાની ચમચી ગ્લિસરીન, એક લીંબુનો રસ, બે મોટા ચમચા લોટ કે બેસન લો. આ બધાંયને પાતળાં દહીંમાં ઓગાળીને ઉબટન બનાવી લો. ચહેરો, ગરદન અને હાથ પર લગાવો અને બરાબર સૂકાય એટલે ધોઈ લો.
* આંબલી ચામડી અને ચહેરા માટે ખૂબ સારી છે. ત્વચામાં જે મૃત કોશિકાઓ રહેલી છે તેને દૂર કરવાનું કામ કરે છે. તે ત્વચાની અંદર રહેલા આંતરિક પડ નવું પોષણ આપવાનું કામ કરે છે. તે ત્વચાને નરમ અને સુંવાળી પણ બનાવે છે. ૨ ચમચી આંબલીનો પલ્પ લઈ તેમાં એક મોટી ચમચી દહીં તેમાં ગુલાબજળ મિક્સ કરો, એમાં તમે અડધી ચમચી વિટામિન -ઇ પાઉડર અને એક ચમચી મધ મિક્સ કરો. બધી વસ્તુ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેને ચહેરા પર લગાવો અને ચહેરો ધોતાં પહેલાં ૨ મિનિટ સુધી મસાજ કરો.
* દિવસ દરમિયાન લગાવેલો મેકઅપ રાત્રે સૂતી વખતે સારી રીતે દૂર કરવામાં ન આવે તો તે ચહેરાની ત્વચાને ભારે હાનિ પહોંચાડે છે. તેથી રાત્રે સૂવા જવાથી પહેલાં ચહેરો સારી ગુણવત્તાવાળાં ક્લિન્ઝિંગ ઓઈલથી સાફ કરવો. જો આ ક્લિન્ઝિંગ ઓઈલમાં ઓલિવ ઓઈલ પણ હોય તો તે સારા એન્ટિઓક્સિડન્ટની ગરજ સારે છે.