“મારા ખ્યાલ પ્રમાણે તારે હવે કહી દેવું જોઈએ...” પ્રણયએ કોલ્ડડ્રિંકના ઘૂંટ વડે ગળાને ઠંડુ કર્યુ, “અને આમેય, તું ક્યાં સુધી આવી રીતે એને છૂપી રીતે ચાહયા કરીશ...? ક્યાં સુધી તું એને છૂપી રીતે જોયા કરીશ..? ક્યાં સુધી તું ખુદને એમ કહ્યા કરીશ કે કિનાર તારી જ છે..? ક્યાં સુધી...?” પ્રણયની આંખોમાં પ્રશ્નાર્થ ભાવ વર્તાઇ રહ્યો હતો.
“પ્રણય સાચું કહે છે...” મનાલીએ પ્રણયની વાતને ટેકો આપ્યો, “આવી બાબતોમાં સમય ન વેડફાય. સમય વહી જાય ને ક્યાક વળી...” પ્રણયની આંખના ઇશારે મનાલી વાક્ય અધૂરું જ રહેવા દીધું.
“હં...” એણે હુંકારો ભણ્યો. ને ત્યારબાદ કેન્ટીનના ટેબલ પર કોણી ટેકવી, કશા ઊંડા વિચારમાં ડૂબી ગયો. એના કાન બધાની સલાહો વગર પરવાનગીએ આવકાર્યે જતાં હતા. એ બધાની સામે જ બેઠો હતો પણ તોયે એ અહીં નહોતો.
કિનાર...કિનાર શાહ. હા, એ જ નામ હતું એ પુષ્પનું. પણ ના, એ પુષ્પ નહોતી, એ તો આખો બગીચો હતી. મઘમઘતા ફૂલોનો બગીચો. મદહોશ કરી મુકતું સ્મિત. ગુલાબી ગાલોમાં પડતાં ખંજન. ભરાવદાર દેહયષ્ટિ. ગોરો ચહેરો. જ્યારે જ્યારે પણ કિનાર એની પાસેથી પસાર થતી ત્યારે એવું લાગતું કે જાણે સમય ઘડીભર થંભી જતો. ને જાણે એ રૂપસામ્રાજ્ઞીના સૌંદર્યની ખુશ્બુ એના હદયને તરબતર કરી મૂકતી.
શશાંક અને કિનાર બંને એક જ ક્લાસમાં હતા. શરૂઆતમાં સહજ આકર્ષણને તો શશાંકે પણ અવગણ્યું પણ જ્યારે કિનારની તસવીર એના માનસપટ પરથી ખસવાનું નામ નહોતી લેતી ત્યારે શશાંકને પણ કિનાર માટે લાગણીઓની ભીનાશ વરતાઈ. એ કિનારને મનોમન ચાહવા લાગ્યો હતો. પણ ક્યારે એ વાત હોઠ પર આવી ન શકી. એના ‘અંગત’ મિત્ર એવા પ્રણયથી આ વાત છૂપી ન રહી ત્યારે એણે શશાંક પાસે ખુલાસો માગ્યો પણ શશાંક મગનું નામ મરી પાડવા તૈયાર ન હતો.
ક્ષણોનું ઝરણું વહી રહ્યું હતું. ને સમયના પ્રવાહની વધતી જતી ગતિ ની સાથે શશાંકની કિનારને પામવાની ઈચ્છા પણ વધતી જતી હતી. ને છેલ્લે, જ્યારે કિનાર સાથેના એ ‘સોનેરી’ સમયનો સુરજ આથમવામાં સાત આઠ જેટલા દિવસો બાકી હતા ત્યારે ખુદ શશાંકે જ એના અંગત મિત્રોની ‘અરજન્ટ’ મીટિંગ બોલાવી હતી.
“બોસ, તું ભલેને કહે પણ પ્રેમ-બ્રેમમાં પડવું એ આપણું કામ નહિ..." વિધાને શશાંકના ખભા ઉપર હાથ મૂકતાં કહ્યું, “કારણ કે આપણને મેરીટ લીસ્ટમાં છવાઈ જતાં ફાવે. કો’કના હદય જીતવા એ આપણું કામ નહિ. એમાય આ કિનાર તો ભાઈ, પૈસાદાર પાર્ટી છે. એણે આપણાં જેવા મિડલ ક્લાસિયામાં રસ ન હોય. એ બે ઘડી હસી એમાં શું તું...”
“અલ્યા એય 18મી સદીના ફિલોસોફર....” પ્રણયે વિધાનને વચ્ચે જ અટકાવી દીધો , “તારું આ નિરાશાવાદી ભાષણ સંભળાવવાનું રહેવા દે. અને આ તું શું આપણે...આપણે...કર્યા કરે છે..? શશાંક ઇચ્છશે એમ કરશે, તું શાને એને તારી જોડે ‘ઇન્વોલ્વ’ કરે છે..? તારી સામે તો આમેય કોઈ હસતું નથી. દૂ:ખી આત્મા સાલો...” પ્રણય ધુંઆપુંઆ થઈ ગયો.
“હા, એ તો તમને મનાલી મળી ગઈ છે ને એટલે જલ્સા જ હોય ને. કોઈ’દિ ટોપ ટેનમાં નામ આવ્યું છે તમારા બેમાથી એકેયનું..?” વિધાનના આ વાક્યે પ્રણયનો ગુસ્સો સાતમા આસમાને પહોચાડી દીધો.
“આને કંઈક કહી દે નહિતર...” પ્રણય ગુસ્સામાં ઊભો થતાં બોલ્યો.
“શું તમે પણ યાર, શાંત થાઓને...” શશાંકે અકળાઈને કહ્યું, “એક તો મારુ મગજ આમેય ચકરાવે ચડ્યું છે. ને તમે અહિયાં લડવાની મોકાણ માંડી છે. પ્રણય તું મને કહે કે હવે હું શું કરું..? એણે કહી દઉં કે પછી આ વાત પર અહિયાં જ પૂર્ણવિરામ મૂકી દઉં..?”
“તું...? તું એને ભૂલવાની વાત કરે છે...?” મનાલીએ વિસ્મયથી કહ્યું. “પણ એક મિનિટ, તું એને ભૂલી શકશે.? માની લે કે કદાચ...”
“પણ, એ ના પાડી દેશે તો...?” શશાંક વચ્ચે જ બોલી ઉઠ્યો.
“કોશિશ કરવામાં શું જવાનું છે..? જીંદગીભર અફસોસ કરતા રહેવાથી એકરાર કરવામાં વધારે શાણપણ છે. આપણે આપનું કામ કરી લેવાનું. એ સ્વીકારે ન સ્વીકારે એનો આધાર નસીબ પર છે.” મનાલીના શબ્દોથી એનામાં થોડી હિમ્મત આવી.
“જુઓ, મારી વાત સાંભળો. એક વાતની સો વાત. હમણાં ફેરવેલ પાર્ટી આવે છે. એમાં તું એણે કહી દેજે !” પ્રણયે ઊંડો શ્વાસ લઈ કહ્યું, “તારી પાસે આ એક જ મોકો છે એમ સમજી લે, દોસ્ત. ને એ પણ છેલ્લો મોકો !”
“સાચી વાત. એમ જ કર.” મનાલીએ પણ પ્રણયની વાતને લીલી ઝંડી બતાવી.
“તારું શું કહેવું છે, વિધાન..?” શશાંકે વિધાન તરફ જોઈને કહ્યું.
“તારે જેમ કરવું હોય એમ કર. બાકી હું તો એમ કહું છુ કે...”
“તને હા કે ના પાડવાનું જ કીધું છે. ભાષણ નથી આપવું, અલ્યા...” પ્રણયે એને વચ્ચે જ અટકાવી દીધો.
અને, આખરે એ જ નક્કી થયું. બસ હવે ઇંતેજાર છેલ્લા દિવસનો હતો...