ચલો અમેરિકા - વિના વિઝા
વિજય શાહ
પ્રકરણ ૨૯
બીજા દિવસે ભારત જવાનું હતું. બધા ઉત્સાહી હતા. એલપાસોથી પ્લેન હ્યુસ્ટન જવાનું હતું અને ત્યાંથી પેરીસ થઈને મુંબઈ જવાનું હતું. મુંબઈથી નવસારી ૩ ટેક્ષી કરીને બપોરે પહોંચી જવાના હતા. સુધાનાં દાદીમા કાગના ડોળે પૌત્રીની રાહ જોતાં હતાં. ગટુ વચ્ચે જલાલપોર રોકાઈને આવવાનો હતો. તેથી તે દિવસે પહેલો મુકામ ગટુના ઘરે હતો. ગટુના બાપા રાજીના રૅડ હતા, તેમણે ધારેલ સ્વપ્ન પૂરું થયું હતું.
સુધાની દાદી તે દિવસે સવારથી નવસારીથી જલાલપોર આવી ગયાં હતાં. મુંબઈથી ત્રણેય ટેક્ષી ગટુને ત્યાં આવી. ૧૨ વાગે ગટુ અને સુધાનાં વિવાહ થવાનાં હતાં. તેથી બન્ને ઘરોમાં આવનજાવન ઘણી હતી. બેઉ ઘર આજુબાજુમાં હતાં પણ દાદીમા સુધાને તેમના ઘરે લઈ ગયાં. મેકપમેન અને ટેલર ત્યાં હાજર હતા, જ્યારે ગટુ સૂટને બદલે નરેન્દ્ર મોદીના ડ્રેસ જેવી બંડી અને મૅચીંગ ડ્રેસ પહેરવાનો હતો. મિનિલગ્ન જેવો માહોલ હતો. દાદીને બહુ કોડ હતા. આ બાજુ ગટુના બાપા પણ બહુ જ આનંદમાં હતા.
ગટુને કહ્યું, “આજે સવારે તારા વિવાહ અને સાંજે નવસારીમાં તારાં લગ્ન લીધાં છે.”
“પણ સુધાને પૂછ્યું છે ને?”
“આ આઇડિયા તેની દાદીનો છે.”
“પણ મારે નાના શેઠને તો બોલાવવા પડે ને?”
“તેઓ પણ રાત્રે આવે છે. કન્યાદાન તેઓ કરશે ને?”
“આખું નવસારી તારાં લગનમાં તેડ્યું છે.” ગટુનાં બા બોલ્યાં.
“ભલે બા, તમે લોકોએ જે નક્કી કર્યું તે સ્વીકાર્ય.”
લાલચટ્ટક શેલુમાં ગુજરાતી સાડી પહેરેલી સુધાને જોતાં ગટુ મલકાયો.
રૂપિયો અને નાળીયેરની વિધિ થતી હતી ત્યાં નાના શેઠનો મુંબઈથી ફોન આવ્યો. તેઓ નવસારી સાંજનાં પહોંચે છે. ગટુ અભિનંદન !
બધુ બહુ ઝડપથી ગોઠવાઈ રહ્યું હતું પણ દાદીમા તો કહેતાં હતાં, લગ્નની ઉંમર તો ક્યાંય જતી રહી, કેટલું મોડું કર્યું !
દાદી સાથે રૂપિયો નાળિયેરની વિધિ પતાવી નવસારી મંડપમુહૂર્ત માટે બધા રવાના થયા.
બરોબર ચાર વાગ્યે વરરાજા તૈયાર થઈ જાન તેડી નવસારી પહોંચ્યા ત્યારે બંને પક્ષ આનંદથી વાડીમાં ભેગા થયા. નાના શેઠ મુંબઈથી આવી ગયા હતા. વરરાજાને ઊઘલાવવા તેઓ આવ્યા હતા. વેવાઇઓ એકમેકને ઉમંગથી ભેટ્યા, શરણાઇઓ વાગી અને વરરાજાના ગોર મહારાજે “વર પધરાવો સાવધાન”ની હલક સાથે લગ્નમંગળની સૌને જાણ કરી.
દાદીમા અને નાના શેઠની આંખો ભરાયેલી હતી. સુખના પ્રસંગે જ કોણ જાણે કેમ સદગત થયેલા મોટા શેઠ અને મોટી શેઠાણી યાદ આવી ગયાં. મોટી ઉંમર સુધી અપરણિત રહેલા નાના શેઠ સુધા સામે જોઈ હીબકે ચઢ્યા. સુધા તેમની દીકરી જ હતી અને આજે જ્યારે તેને વળાવતાં કમોતે મરેલા ભાઈ અને ભાભી યાદ આવ્યાં.
કન્યાદાન કરતી વખતે કન્યાના પગ ધોતી વખતે તે કાકા કરતાં બાપ વધારે હતા. દીકરી સાસરે જશેનો ડૂમો ભરાયો અને તે ડૂમો ગટુના બાપને, મારી છોકરી બહુ લાડકોડે ઉછેરીને મોટી કરી છે તેનું ધ્યાન રાખજો કહેતાં કહેતાં છૂટ્યો. જ્યારે ગટુના બાપે કહ્યું, સુધા એ મારી પણ કુળવધુ છે. તમારી જેમ જ અમારે માટે ખૂબ કિંમતી છે. અગ્નિ સામે ચાર ફેરા ભરાયા અને લગ્ન સંપન્ન થયાં.
કુટુંબીઓ અને સગાંવહાલાંને પગે લાગી સુધા સાસરવાસે જવા નીકળી (જલાલપોર) ત્યારે દાદીમા બોલ્યાં, “બેટા, મારી ફર્જ હવે પૂરી થઈ. તારાં મા–બાપને હસતાં હસતાં કહીશ, તારા દોસ્તનો દીકરો પરણાવ્યો છે.”
રાત્રે જ્યારે બંને એકલાં પડ્યાં ત્યારે ઇમેઇલનો ઢગલો હતો. એક દિવસ પણ હનીમૂન માટે મળવાનો નહોતો. નાના શેઠે આ ઇમેઇલનો ઢગલો જોયો હતો છતાં છુટ્ટી આપી હતી. જેમને મળવાનું છે તેમને નાના શેઠ મળી લેશે. અંદાજે ૭૫૦ કરતાં વધુ અરજીઓ હતી તેવું તેઓ લખતા હતા. ૧૫ દિવસે તેઓ બધાને લઈને ડલાસ જવા નીકળશે. તેમને પેલા પાંચ જોડાંની સહાય છે ને!
***
પ્રકરણ ૩૦
આ બાજુ સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેના વિવાદો તીવ્ર બનતા ચાલ્યા. વિપક્ષ ટૂંક સમયમાં સત્તાધીશ થવાનો હતો. અત્યારનો સત્તાધારી પક્ષ ૧૫૦૦૦ જેટલા બિનઅમેરિકનોની ફોજને રોકવા તૈયાર હતા. તેમની દલિલ એ હતી કે આ બિનવસાહતીઓએ કાયદાકીય રીતે આવવું જોઈએ. બારબાર વર્ષોથી રાહ જોતા બિનઅમેરિકનો જે રીતે રાહ જુએ છે તે રીતે કાયદાકીય રીતે આવો. જ્યારે આ ટોળાં તે રીતે રાહ જોવા તૈયાર નથી કારણ કે રોજીરોટીની ઊજળી તકો હમણાં છે. બાર વરસ પછી હશે કે નહીં તેની કોઈને ખબર નથી. જોન સત્તાપક્ષનો દલાલ હતો, તે ટોળાને ધિક્કારતો અને તેને લાવતા વિરોધપક્ષને પણ ધિક્કારતો. તેનો નાનોભાઈ વિપક્ષનો દલાલ હતો તેથી ઘરની અંદર પણ વૈચારિક મતભેદો રહેતા.
ગઈ કાલે બંને ભાઈ વચ્ચે ચર્ચા થઈ. કઈ રીત સાચી?
સત્તા પક્ષ કરે છે તે કે વિપક્ષ કરે છે તે?
સત્તા પક્ષ કરે છે તે બધું જ સાચું, સિવાય તેનો આગ્રહ કે વોટ અમને જ આપજો.
વિપક્ષ કરે છે તે સાચું, તમે આવો, તમારા ખર્ચે. પછી તમને અમે ફૂડસ્ટેંપ આપશું. મેડિકલ ફ્રી
આપશું. અમે અમારા અમેરિકન ડ્રીમમાં તમને ભાગીદાર બનાવશું. તમે કામ કરો, ટેક્ષ ભરો,
અને લાંબે ગાળે અમારા ગુલામ બનાવશું.
પણ આ રમત ક્યાં સુધી ચાલશે?
આ પ્રશ્નો છેલ્લાં ૨૦૦ વરસોથી ચાલે છે. કમાવાની તક જેને મળે છે તેને ખંખેરવાની રમત
વરસોથી ચાલે છે. એક નહીં અનેક ટેક્ષો તે કમાયેલ માણસ ભરે છે અને એ બધી રકમ દેશના
કામને નામે ભેટરાહત અને ગરીબોને ફૂડસ્ટેંપ તરીકે ચૂકવાય છે. આગે સે ચલી આ રહી
હૈ ઓર ચલતી રહેગી; અપના પેટ ભરો ઔર ચલને દો પર વાત અટકી જતી.
નાના શેઠ જેવા કેટલાક વિચક્ષણો ભારતમાં પોતાના ગરીબ ભાઈબહેનોને ભારત છોડાવી અહીં લાવવા મથે છે કે જેથી તેમની ગરીબી ફેડવાની તક અને આગળ જઈને તેમની પેઢી અને ઘણી પેઢીને તક આપવા માંગે છે. તેમના માટે રોજીની તક અને તેમનાં સંતાનોને ભણીગણી આગળ વધે તેવો પ્રયત્ન કરે છે. પણ એમ કરવામાં તેઓ પણ ક્યાંક કોઈનો હક્ક ડુબાડે છે.
તે વાત ન્યૂઝ પેપરે ચઢી. વકીલ અને વિપક્ષો આ વાતને આગળ વધારી રહ્યા હતા ત્યારે સત્તાપક્ષ સફાઇથી આગળ આવી રહ્યો હતો. તેમણે રિફાઇનરીના કામઢા લાયક ઉમેદવારોને ત્રણ વરસ માટે ટેમ્પરરી ઉમેદવારોને રોજગારી આપી હોવાની વાતને આગળ કરી અને તે નિમણૂકને માન્ય કરાવી.
આ કાયદાકીય લઢત લાંબી ચાલી નહીં, પણ જોન અને નાના શેઠ વિરોધપક્ષો માટે ચર્ચાનો મુદ્દો બની ગયા. નિર્ધારિત તારીખ કરતાં એક અઠવાડિયાના વિલંબે સૌને લઈ નાના શેઠ ડલાસ પહોંચ્યા. પૈસા વેરાયા પણ આખી બૅચ પહોંચી ગઈ. ડલાસની રિફાઇનરી સારી એવી સક્રિય હતી. એક અઠવાડિયાના વિલંબને પચાવી ગઈ અને ૭૬૧ સભ્યોને રોજી રોટી અપાઈ ગઈ. વરઘોડિયાને નવસારી નિવાસ દરમ્યાન કામ કરવું પડ્યું પણ બંને સાથે હોવાથી આવી પડેલ તકલીફોને સરસ રીતે પાર કરી શક્યાં.
મેક્સિકોની બોર્ડર પર રાહ જોતા બિનઅમેરિકનોને લાંબા સમય સુધી રહેવું પડ્યું હતું તે વિરોધપક્ષને તકલીફદેય હતું. એક તો મેક્સિકો ગવર્ન્મેન્ટ માથે દીવાલ બાંધવાનો ખર્ચો આવતો હતો અને આટલા બધા માણસોમાં કોઈ મેક્સિકો રહેવા નહોતા માંગતા. તેમને અમેરિકા આવવું હતું. અને પાછા જવા માટે તે બધા ૫૦૦૦૦ ડૉલર વ્યક્તિ દીઠ માંગતા હતા. જાહેર છે બિનસત્તાધારી પક્ષ આ શરત માન્ય કરતો નહોતો. તેથી ૧૫૦૦૦ બિનવસાહતીઓ છેતરાયાની અને સાપે છછુંદર ગળ્યાની લાગણી અનુભવતા હતા.
મેક્સિકોમાં ખુલેલ એસાયલમમાં ૧૫૦૦૦ માણસો રજિસ્ટર થયા. પણ અમેરિકાપ્રવેશ તો હજી દૂરની વાત હતી.
***