અતુલના સંસ્મરણો ભાગ ૨
લેખકઃ- ઉમાકાન્ત વિ.મહેતા
અતુલના ઉલ્હાસ જિમખાનાના ગ્રાઉન્ડ ઉપર રણજી ટ્રોફી મેચ
૨૧ થી ૨૪ નવેમ્બર ૧૯૬૨
નોંધઃ-
અતુલમાં નોકરી દરમ્યાન જે કેટલાક સારા નરસા અનુભવો થયા હતા તે પ્રસંગોનું નિરૂપણ, ફક્ત વાગોળવાનો પ્રયાસ માત્ર છે. કેટલાક પ્રસંગ જાતે અનુભવ્યા છે, તો કેટલાક સાંભળેલા છે. સૌ વાચક મિત્રો મારા આ પ્રસંગ નીરૂપણ અને ઉલ્લેખથી કોઈની લાગણી દુભવવાની ચેષ્ટાનો બીલકુલ આશય નથી. આ તો મનુષ્ય સ્વભાવનું મનોવિશ્લેષણ (સાયકોએનેલિસિસ) છે. આમ છતાં જો કોઈની લાગણી દુભાય તો ક્ષમા ચાહું છું. આજે મારા કેટલા મિત્રો હયાત હશે, કેટલાક સ્વર્ગે સિધાવી ગયા હશે કૈં યાદ નથી. સદ્ગત મિત્રોને શ્રધ્ધાંજલી રૂપે અર્પણ કરું છું.આ લખાણનો દુરુપયોગ કરી કોઈની ચેષ્ટા કે કોઈની હાંસી કરનાર વ્યક્તિ જીમ્મેદાર છે. તેમાં લેખકની કોઈ જવાબદારી નથી.
૨૧ થી ૨૪ નવેમ્બર, ૧૯૬૨ના રોજ અતુલના ક્રીકેટ ગ્રાઉન્ડ પર ગુજરાત અને બોમ્બે વચ્ચે રણજી ટ્રોફી ક્રીકેટ મેચ ગુજરાતના સુકાની દિનેશ પટેલ અને બોમ્બેના સુકાની પોલી ઉમરીગર સાથે રમાઈ હતી. બોમ્બેની ટીમમા પોલી ઉમરીગર,કામનાથ કેની, મનોહર હાર્ડીકર, શરદ દિવાડકર, નરેન તામ્હણે, રમાકાન્ત દેસાઈ, ગુલાબરાય, રામચંદ એટલાએ સારો દેખાવ કર્યો હતો. મેચ દરમ્યાન ગુજરાતના સુકાની દિનેશ પટેલે યુ કો બેન્કના છેડે થી મનોહર હાર્ડીકરની બોલીંગમા એક વિશાળ (મેગ્નીફીસન્ટ) છગ્ગો લગાવ્યો જે ગ્રાઉન્ડની પાછળ ઑપન ઍર થીએટરમાં પડ્યો. જેમા ગુજરાત મેચ જીતવાની અણીપર હતું, પરન્તુ બોમ્બેના વિકેટકીપર તામ્હણે અને રમાકાંત દેસાઈ વચ્ચેની ૮ મી વિકેટની ચિવટભરી ભાગીદારી ને લીધે મેચ અનિર્ણિત રહી હતી. આ મેચનું રસિક વર્ણન ભાઈ શ્રી એસ.એમ.પ્રભુના શબ્દોમાં.
અનુક્રમણીકા.
પ્રકરણઃ ૧ ઉલ્હાસ જીમખાના.
પ્રકરણ ૨ હિમાલય જેવડી ભૂલ.
પ્રકરણ ૩ ગુલાબી ચ્હા.
પ્રકરણ ૪ અતુલના બીરબલ, શ્રી બી.પી.મિસ્ત્રી.
પ્રકરણ ૫ : લાલભાઈ ગ્રુપની ખાનદાની વિરાસત.
પ્રકરણ ૬.... ક્રમશઃ-
અતુલના સંસ્મરણો ભાગઃ ૨
પ્રકરણઃ ૧ ઉલ્હાસ જીમખાના.
૨૧ થી ૨૪ નવેમ્બર, ૧૯૬૨ રણજી ટ્રોફી મેચ ગુજરાતમાં યોજવાનો પ્રસંગ ઉપસ્થિત થતાં, અમદાવાદ અને રાજકોટ તથા વડોદરાની પસંદગી અંગે મતભેદ ઉદ્ભવતાં દક્ષીણ ગુજરાતને આ ચાન્સ મળ્યો. દક્ષીણ ગુજરાત હજુ સુધી ક્રીકેટથી વંચીત રહ્યું હતું. વલસાડના શ્રી કે.આર.દેસાઈ ક્રીકેટના શોખીન અને ગુજરાત ક્રીકેટ એસોશીએશનના પ્રમુખ. તેમણે આ બીડુ ઝડપ્યું. વલસાડમાં તો આ સમયે ક્રીકેટ ગ્રાઉન્ડની વ્યવસ્થા મળે નહી, અને જો આ ચાન્સ જાય તો ભવિષ્યમાં કોઈ ચાન્સ મળે નહી. તેમણે શ્રી બી.કે. મજુમદારને વાત કરી અતુલ જો પરમીશન આપે તો આપણે આ મેચ દક્ષીણ ગુજરાત ખાતે રમાડી ગૌરવ જાળવીએ. આમ રણજી ટ્રોફીનું આગમન અતુલ ખાતે થયું. ત્યારબાદ વલસાડમાં નગરપાલિકાના મકાન પાછળનું તળાવ સુકાઈ જવાથી ત્યાં સ્ટેડિયમ બનાવવામાં આવ્યું.
ભારત સ્વતંત્ર થયું. દેશના પ્રથમ વડા પ્રધાન તરીકે શ્રી જવાહરલાલ નહેરુંએ ગાદી સંભાળી. સ્વતંત્ર દેશને સ્વતંત્ર રહેવા ખેતીવાડી અને ઉદ્યોગ ધંધા માટે હાકલ કરી. મોટા મોટા ઉદ્યોગો રૂરકેલા, બોકારો, ભીલાઈ સ્ટીલ પ્લાન્ટ્સ, સીંદરી જેવા ખાતરના વિશાળ કારખાના ધમધમવા લાગ્યા. ગુજરાતમાં કાપડ ઉદ્યોગ જીવંત હતો. કાપડને રંગવા માટે પરદેશથી રંગ અને રસાયણો મંગાવવા પડતા. આથી કાપડની કિંમત ઉંચી જતી. વડાપ્રધાનની હાકલનો પડકાર શ્રી કસ્તુરભાઈનું શેઠે ઝીલી રંગ રસાયણ અને દવાઓના ઉદ્યોગ ગુજરાતમાં શરૂ કર્યો. અતુલની શરૂઆત તો ધણીજ સારી રીતે થઈ. ઉદ્યોગપતિ તરીકે શેઠ શ્રી કસ્તુરભાઈનું નામ જગજાહેર હતું. રંગ રસાયણ ઉદ્યોગ ક્ષેત્રે તેમનુ સાહસ નવું હતું, પણ હિંમત અપ્રતિમ હતી.
પ્રજામાં નવચેતના હતી. નવા નવા ઉદ્યોગો શરૂ થતા ગયા તેમ તેમ યુવા વર્ગ દરેક રાજ્યમાંથી નોકરીની શોધમાં અન્ય રાજ્યોમાં ઘુમતો થયો. કાશ્મીર થી કેરાલા અને પંજાબ થી બંગાળ બીહારથી લોકો પોતાના રાજ્ય છોડી અન્ય રાજ્યોમાં ઘૂમવા લાગ્યા. અતુલનું નામ સાંભળી ગુજરાતમાં પણ લોકો આવવા લાગ્યા. શરૂઆતમાં તેઓને ભાષાની તથા વસવાટની મુશ્કેલી નડવા લાગી. વલસાડ અને પારડીમાં લોકો તેમને પરપ્રાંતિય (પરદેશી) ગણી મકાન ભાડૅ આપતાં નહોતા. કમ્પની પાસે જમીન તો સારા પ્રમાણમાં હતી, તેથી આધુનિક સુવિધાવાળા ક્વાર્ટર બાંધી, તેઓને જમવા માટે માટે 'મેસ' ની સગવડ કરી તેઓની સમસ્યા સુલઝાવી. નવી ભરતી થયેલો સ્ટાફ યુવા વર્ગ હતો. કોલેજમાથી શીક્ષણ પુરું કરી આવ્યો હતો. કોલેજ લાઈફના અધુરા શમણાં લઈને આવ્યા હતા. પ્રાથમિક સુવિધાઓ,'રોટી, કપડા ઓર મકાન'સાથે તેમને રમત ગમત અને મનોરંજન પણ જોઈએ, જે ઉપલબ્ધ ન હોવાથી સ્ટાફ લાંબો સમય ટકીને રહેતો નહોતો.વર્ષ બે વર્ષ નોકરી છોડીને જતો રહેતો હતો શ્રી બી.કે. સાહેબના ધ્યાનમાં આ વાત આવી. તેમણે રમત ગમત માટે 'ઉલ્હાસ જીમખાના', મનોરંજન માટે 'ઉત્કર્ષ' સ્ત્રીઓ માટે 'ઊર્મિ મંડળ' બાળકો માટે 'ઉદય' જેવી સંસ્થાઓ ની શરૂઆત કરી. લોકોને પ્રવૃતિશીલ કર્યા.
ઉલ્હાસ જીમખાના ધીરે ધીરે એક પછી એક રમતો ટેબલટેનીસ,વોલીબૉલ, ફુટબોલ ક્રીકેટ બેડમીંગ્ટન અને બિલિયર્ડ, સ્નુકર જેવી અમીરી અને મોઘી રમતો,બોટીંગ વગેરે શરૂ કરી.આ બધી રમતોમાં વોલીબોલ અને ટેબલટેનીસ, બેડમીંગ્ટન, અને બ્રીજ જેવી રમતોમાં સારો દેખાવ કર્યો અને સ્ટેટ લેવલ સુધી પહોંચ્યા.
ક્રીકેટમાં પણ શરૂઆત સારી પ્રગતી કરી અને ૨૧ થી ૨૪ નવેમ્બર, ૧૯૬૨ના રોજ અતુલના ક્રીકેટ ગ્રાઉન્ડ પર ગુજરાત અને બોમ્બે વચ્ચે રણજી ટ્રોફી ક્રીકેટ મેચ ગુજરાતના સુકાની દિનેશ પટેલ અને બોમ્બેના સુકાની પોલી ઉમરીગર સાથે રમાઈ હતી. બોમ્બેની ટીમમા પોલી ઉમરીગર,કામનાથ કેની, મનોહર હાર્ડીકર, શરદદિવાડકર, નરેન તામ્હણે, રમાકાન્ત દેસાઈ, ગુલાબરાય, રામચંદ એટલાએ સારો દેખાવ કર્યો હતો. મેચ દરમ્યાન ગુજરાતના સુકાની દિનેશ પટેલે યુ કો બેન્કના છેડે થી મનોહર હાર્ડીકરની બોલીંગમા એક વિશાળ (મેગ્નીફીસન્ટ) છગ્ગો લગાવ્યો જે ગ્રાઉન્ડની પાછળ ઑપન ઍર થીએટરમાં પડ્યો. જેમા ગુજરાત મેચ જીતવાની અણીપર હતું, પરન્તુ બોમ્બેના વિકેટકીપર તામ્હણે અને રમાકાંત દેસાઈ વચ્ચેની ૮ મી વિકેટની ચિવટભરી ભાગીદારી ને લીધે મેચ અનિર્ણિત રહી હતી.
બિલીમોરા, નવસારી, સુરત અને વાપી,ઉમરગામથી તે મેચ જોવા માટે લોકો આવ્યા હતા.મેચ જોવા આવનાર માટે એસ ટી સત્તાવાળાઓએ મેચ દરમ્યાન બસની સગવડ આપવાની અશક્તી દર્શાવી, સુરત તરફથી આવેલા લોકો મેચ પુરી થઈ ગયા પછી, સાંજની અમદાવાદ લોકલમા ગિર્દી હોવાથી અને મેચ અનિર્ણિત થવાથી, ધાંધલ ધમાલ કરી ટોપ પર (ટ્રૅનના છાપરે બૈઠક) જમાવી પ્રવાસ કર્યો.
અતુલ ના કમનસીબે મેદાન પરની આ પહેલી અને છેલ્લી મેચ હતી.
(શ્રી એસ.એમ. પ્રભુના સૌજન્યથી)