prem agan - 3 in Gujarati Love Stories by Jatin.R.patel books and stories PDF | પ્રેમ અગન 3

Featured Books
Categories
Share

પ્રેમ અગન 3

પ્રેમ અગન:-પ્રકરણ 3

એક તરફ શિવ તો ઈશિતા નાં પ્રેમમાં પ્રથમ નજરે જ પાગલ બન્યો હતો..તો બીજી તરફ શિવ નો નવોસવો બનેલો મિત્ર સાગર એને ઈશિતાથી દુર રહેવાની સલાહ આપી રહ્યો હતો..આ બધાં ની વચ્ચે બસમાં શિવની જોડે ખાલી પડેલી સીટ જોઈ ઈશિતા શિવ જ્યાં બેઠો હતો એ તરફ આગળ વધી.

શિવે તો એ વિચારી નજર જ ફેરવી લીધી કે પોતાનાં દિલ ને એક જ નજરમાં લૂંટનાર યુવતી પોતાની બાજુમાં આવીને બેસશે..ઈશિતા શિવ જોડે ખાલી પડેલી સીટમાં બેસવા છેક નજીક પહોંચી ત્યાં એને વટાવીને એક ચાલીસેક વર્ષનાં ભાઈ આવીને શિવની બાજુમાં ગોઠવાઈ ગયાં..એ વ્યક્તિનાં ત્યાં બેસતાં જ ઈશિતા પાછી પોતાની સહેલીઓ જોડે જઈ ને ઉભી રહી..ઈશિતા ને જેટલું સીટ ના મળવાનું દુઃખ નહોતું એથી વધુ દુઃખ તો શિવ ને એનાં પોતાનાં બાજુમાં ના બેસવાનું હતું.

હાલ શિવ જે મનોસ્થિતિ નો સામનો કરી રહ્યો હતો એવી જ લાગણી ક્યારેક ને ક્યારેક બસમાં અપડાઉન કરતાં દરેક યુવક-યુવતીને થઈ હશે..શિવ એ ગુસ્સામાં પોતાની બંને હથેળીઓ ભીંચી દીધી..બાજુમાં બેસેલાં વ્યક્તિ તરફ ગુસ્સાભરી નજર નાંખી અને પછી ઈયરફોન કાનમાં ભરાવી ગીતો સાંભળવાં લાગ્યો..હવે બનવાજોગ સંજોગ એ પણ થયો કે શિવનાં મોબાઈલમાં ત્યારે જે ગીત વાગ્યું એ હતું.

"છન સે જો તૂટે કોઈ સપના..

જગ સુના-સુના લાગે.."

આ ગીત સાંભળી શિવ તો ભારે હૃદય સાથે આંખ મીંચી સીટ ની ઉપર માથું ઢાળી દે છે..પણ બારી તરફ ની સીટ પર બેસેલો સાગર પોતાનાં મજનુ દોસ્ત ની હાલત જોઈ મનોમન હસી રહ્યો હતો.

પોતાનું સ્ટેન્ડ આવતાં ઈશિતા નીચે ઉતરી ગઈ..સાગરે આ સમયે શિવ ને થાબડયો એટલે શિવે આંખો ખોલી એની તરફ જોઈ ઈશારાથી જ પૂછ્યું.

"શું છે..?

જવાબમાં સાગરે બારી ની બહાર ઈશારો કરી જણાવ્યું કે ઈશિતા જાય છે..શિવે પોતાની ગરદન બારી જોડે લાવી અને પોતાનાથી દૂર જતી ઈશિતા ની પીઠ ને જોતો રહ્યો..આજે શિવ આમ પણ સુવાનો નહોતો પણ હવે એ તડપશે એવી એક ઘટના એ વખતે બની.બધાં પેસેન્જર ઉતરી જતાં બસ જેવી પુનઃ સ્ટાર્ટ થઈ એ સમયે બસથી થોડે દુર પહોંચેલી ઈશિતાએ વળીને પાછું જોયું..અને જેમ અર્જુને મત્સ્યવેધ કરતી વખતે માછલીની આંખનું નિશાન લીધું હતું એમજ ઈશિતા ની નજર સીધી શિવ ઉપર પડી.. શિવ પોતાને જ જોઈ રહ્યો હતો એ જોઈ ઈશિતા એ એક સુંદર પણ પ્રાણઘાતક સ્મિત સાથે નજર ઘુમાવી લીધી.

ઈશિતા ની આંખોમાંથી નીકળેલું તીર અને એની કાતીલ મુસ્કાનનો વાર સહન કરવાની શક્તિ હજુ શિવનામાં આવી નહોતી.જ્યાં સુધી શક્ય બન્યું ત્યાં સુધી શિવ ઈશિતા ને જોતો જ રહ્યો અને પછી ઊંડો શ્વાસ લઈ બધું હારી ગયો હોય એમ સીટ પર ફસડાઈ પડ્યો..એનાં ચહેરા પર એક વિચિત્ર હાસ્ય હતું...જે ફક્ત એને જ સમજાય જેને ક્યારેક કોઈને પ્રેમ કર્યો હોય.

"જોઈ મુજ ગરીબને એને ધનવાન આજ કરી દીધો..

એની ઉઠતી એ આંખલડીએ મેં કસુંબો પીધો.."

પોતાનું સ્ટેન્ડ આવી જતાં શિવ બસમાંથી ઉતરી ગયો..સાગર નું ઘર આગળ હતું એટલે એ પછીનાં સ્ટેન્ડ એ ઉતરવાનો હતો..કોલેજનો પ્રથમ દિવસ ચાર વર્ષ સુધી એટેન્ડસ ફૂલ રાખવાં માટેનું કારણ શિવને આપી ગયો હતો.હવે તો જેટલાં દિવસ ઈશિતા આવશે એટલાં દિવસ તો શિવ કોલેજમાં આવશે એ નક્કી થઈ ગયું હતું અને જે આઠે આઠ સેમિસ્ટર સુધી અકબંધ રહેવાનું હતું.

**************

બીજાં દિવસે શિવે ઘરેથી નીકળતાં પહેલાં સાગરને ટેક્સ્ટ મેસેજ કરી દીધો હતો..બસમાં બેસતાં જ સાગરે શિવને મેસેજ કરી દીધો હતો કે બસ આવી ગઈ છે અને પોતે બસમાં બેસી ગયો છે..હવે આ બસ આગામી સમયમાં એમની રાજવી સવારી બનવાની હતી એ નક્કી હતું..સાગર પણ પોતાનાં સ્ટેન્ડ પર બસ આવીને ઉભી રહી એટલે એમાં ગોઠવાઈ ગયો.

શિવ બસમાં બેઠો ત્યારનો ભગવાનને એક જ પ્રાર્થના કરી રહ્યો હતો કે ઈશિતા પણ કાલે જે જગ્યાએથી બસમાં ચડી હતી ત્યાંથી બસમાં ચડે..અને ઉપરવાળો પણ ક્યારેક સાચાં પ્રેમીની વ્હારે આવી હતો હોય છે..શિવ ની પ્રાર્થના ભગવાને સાંભળી લીધી અને ઈશિતા ગઈકાલે જ્યાંથી બસમાં બેસી હતી ત્યાંથી જ બસમાં બેસી.

આજે પણ ગઈકાલ જેવો જ ઘાટ હતો..સાગર બારીની સીટ લઈને બેઠો હતો અને શિવ વચ્ચે..જ્યારે શિવની જોડે એક સીટ ખાલી હતી..આજે પણ ભીડ માં ઈશિતા ને જોતાં જ શિવને એક આશા પેદા થઈ કે ઈશિતા એની જોડે આવીને બેસશે.ઈશિતા ની જગ્યાએ કોઈ બેસે નહીં એટલે શિવે પોતાની કોલેજ બેગને ખાલી સીટમાં રાખી દીધી.

એક છોકરો આવીને સીટમાં બેસવા જતો હતો તો શિવે કહી દીધું કે અહીં કોઈકની જગ્યા રાખી છે એટલે એ પાછળની સીટમાં જઈને બેસી ગયો..ઈશિતા એ બસમાં ચડી આમ-તેમ નજર ઘુમાવી તો એને શિવની બાજુ એક ખાલી સીટ નજરે પડી..કાલે પણ આવું જ થયું હતું અને પોતાનાં પહેલાં કોઈ ત્યાં બેસી ગયું હતું એ યાદ આવતાં જ ઈશિતા ઝડપથી બેસવા માટે આગળ વધી.

"કોઈ આવવાનું છે અહીં..?"શિવ ની જોડે પહોંચી ઈશિતા એ સીટ માં પડેલી બેગ જોઈને પૂછ્યું..ઈશિતા ની અને શિવની વાતચીત નાં આ પહેલાં શબ્દો હતાં જેનો જવાબ શિવ એમ કહી આપવાં ઈચ્છતો હતો કે અહીં આવવાની છે ને મારાં દિલ ની ચોર..જેનાં લીધે મારી રાત ની નીંદર પણ ગાયબ થઈ ગઈ છે..પણ એ ચૂપ રહ્યો.

"ના..ના કોઈ નથી આવતું.."શિવે આટલું બોલી પોતાની બેગ ઉઠાવી પોતાનાં ખોળામાં રાખી દીધી એટલે ઈશિતા ત્યાં બેસી ગઈ.ઈશિતા એ ત્યાં બેસતાં જ શિવની તરફ જોયું અને હસીને thanks કહ્યું.આ દરમિયાન ઈશિતા ની નજર બારીમાંથી બહાર જોઈ રહેલાં સાગર પર પડી..એ સાગર ને જોતાં જ ઓળખી ગઈ કે આ તો એનો ક્લાસમેટ સાગર છે પણ હવે સામે ચાલીને કોઈ છોકરી બોલાવે એ વાતમાં માલ નથી..અને એમાં પણ જો ઈશિતા જેવી ખુબસુરત છોકરી હોય તો સામેથી એ બોલાવે એ તો અશક્ય જ હતું.

હવે પ્રથમ ઈમ્પ્રેશન તો સારી જમાવવી જ રહી..એટલે શિવ પોતાનાં શરીરનો કોઈ ભાગ ઈશિતા ને સ્પર્શે નહીં એની લગાતાર કોશિશ કરી રહ્યો હતો..પણ એક તો આ ગવર્મેન્ટ બસની બ્રેક મારી મારી આગળ વધવાની કુટેવ અને બસમાં મોજુદ ભીડ..વારંવાર ઈશિતા નાં શરીરનો સ્પર્શ એને કરવાં મજબુર કરી મુકતી. શિવ ઈશિતા જોડે વાત કરવાં માંગતો હતો પણ શબ્દો ની ગોઠવણ કરવાની સૂઝ હલપુરતી તો એને નહોતી પડી રહી.

જે યુવતી પોતાની બાજુમાં આવીને બેસે એની ગતરાતે શિવ કલ્પના જ કરી રહ્યો હતો એ જ્યારે એની બાજુમાં હતી ત્યારે એની બોલતી જ બંધ થઈ ગઈ હતી..મરીઝ સાહેબનો એક શેર ખાસ આવાં પ્રસંગ માટે જ લખાયો હતો.

"શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઇ ?

જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,

કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે."

બસ આમ ને આમ કોલેજ પણ આવી ગઈ અને ઈશિતા બસમાંથી ઉતરી પણ ગઈ..શિવ પણ સાગરની સાથે બસમાંથી હેઠે ઉતરી કોલેજ તરફ અગ્રેસર થયો.રસ્તામાં શિવ ની ખેંચવાનાં મૂડથી સાગર બોલ્યો.

"ભાઈ આજે તો તારી લોટરી લાગી ગઈ..મિસ જૂનાગઢ તારી જોડે બેઠી.."

શિવને સાગરની આ વાત ગમી તો હતી પણ જુઠ્ઠો ગુસ્સો કરતાં એ બોલ્યો.

"ભાઈ હવે એતો બસમાં બીજે જગ્યા નહોતી એટલે બેસી..એમાં લોટરી ની શું વાત કરે છે.."

"હા ભાઈ, તું તારે મનની લાગણીઓને છુપાવવાની કોશિશ કરે જા..પણ તારો આ હસતો ચહેરો અને ખુશીથી લાલ થઈ ગયેલાં ગાલ જોઈ એટલું તો ખબર પડે કે ભાઈનાં મગજમાં અત્યારે કેવી લાગણીઓ ઉભરાઈ રહી છે.."સાગર આમ કહી શિવ ને બરાબરનો ચીડવી રહ્યો હતો.

આમ ને આમ વાતો કરતાં કરતાં પ્રથમ લેક્ચર શરૂ થવાનો સમય થઈ ગયો એટલે બધાં સ્ટુડન્ટ્સ ક્લાસમાં જઈને ગોઠવાયાં.આજે તો ઈશિતા એ પણ શિવ પોતાનાં ક્લાસમાં જ ભણે છે એ વાત નોંધી હતી.શિવ હવે આખો દિવસ નજર છુપાવી ઈશિતા ને જોયે જ જતો અને વચ્ચે-વચ્ચે ઈશિતા ની નજર એની ઉપર પડી જતી ત્યારે એ શરમ અને ડરથી ચહેરો ફેરવી લેતો.

કેન્ટીનમાં પણ આજે શિવ અને સાગર જ્યારે નાસ્તો કરી રહ્યાં હતાં ત્યારે ઈશિતા પણ એની સહેલીઓ જોડે ત્યાં હતી..હવે તો ઈશિતા પણ ક્યારેક ક્યારેક શિવ તરફ જોઈ લેતી.સાગર ને ખબર હતી કે ઈશિતા તરફનો સાગરનાં આ પ્રેમનો પરપોટો થોડાં દિવસોમાં જ ફુગ્ગો ફૂટે એમ ફૂટી જવાનો હતો..કેમકે સ્કૂલ સમયમાં દસેક છોકરાંઓ ઈશિતા ને પ્રપોઝ કરી ચુક્યાં હતાં જેમાંથી ચાર ને તો ઈશિતા નાં હાથનો લાફો પણ ખાવો પડ્યો હતો.

એ સિવાય બે છોકરાંઓ ઈશિતાને હેરાન કરતાં હતાં તો એમને ઈશિતા નાં ભાઈ અને ભાઈનાં મિત્રોનાં હાથનો સારો એવો મેથીપાક પણ મળ્યો હતો..આ વાત જાણતો હોવાથી જ સાગર શિવ ને ઈશિતાથી દુર રહેવાની સલાહ આપી રહ્યો હતો..પણ આ પ્રેમ એવી વિચિત્ર માયા છે જે થઈ જાય ત્યારે માણસ કોઈનું ના સાંભળે.

કોલેજ છૂટ્યા બાદ શિવ અને સાગર જઈને બસ સ્ટેન્ડ પર ઉભાં રહ્યાં એ જ સમયે બસ ત્યાં આવી ગઈ..સાગર બસમાં બેસવા જતો હતો પણ ઈશિતા હજુ આવી ન હોવાથી શિવે એને જતાં રોક્યો..સાગરે પહેલાં તો રોકાઈ જવાની આનાકાની કરી પણ આખરે એ શિવની જીદ સામે ઝૂકી ગયો..બીજી બસ છેક અડધો કલાક પછી આવતી હતી..છતાં હવે કોઈક ગમતાં વ્યક્તિનાં સાથ માટે આ અડધો કલાક રાહ જોવી તો સામાન્ય જ વાત હતી.

વીસેક મિનિટ બાદ ઈશિતા પોતાની બે સહેલીઓ સાથે ત્યાં આવી પહોંચી..ઈશિતા નાં આગમન સાથે શિવ નો ચહેરો એ રીતે ખીલી ઉઠ્યો જાણે વસંતમાં ચમન ખીલે.પોતાની સહેલીઓ સાથે વાતો કરતાં કરતાં ઈશિતા શિવ ની તરફ ક્યારેક ક્યારેક જોઈ લેતી..એને પણ શિવ પોતાનાં તરફ આકર્ષિત છે એની થોડી ઘણી ગંધ તો આવી ગઈ હતી.

બસ આવતાં ની સાથે જ શિવ અને સાગર ફટાફટ બસમાં ચડી ગયાં..પણ આ વખતે સાગર અને શિવ બંને અલગ અલગ બે ની સીટ ઉપર બેઠાં.. ઈશિતા ની બંને સહેલીઓ પોતપોતાની રીતે જગ્યા ગોતી બેસી ગઈ પણ ઈશિતા ને બે જ સીટ ખાલી દેખાઈ એક શિવ જોડે અને એક સાગર જોડે..સાગર જોડે બેસીશ તો નકામી સ્કૂલ ટાઈમ ની વાતો વાગોળશે એમ વિચારી ઈશિતા શિવ જોડે જઈને બેસી ગઈ.

આ વખતે તો શિવે મન બનાવી જ લીધું હતું કે એ કોઈપણ રીતે ઈશિતા જોડે વાત કરીને જ રહેશે..એમાં વળી સાગરે એક ચીઝ પફ ની શરત લગાવી હતી કે એ ઈશિતા જોડે વાત કરશે તો પોતે કેન્ટીનમાં એને ચીઝ પફ ખવડાવશે..હવે એક તો મનની ઈચ્છા અને વધારામાં મિત્ર એ ચડાવેલો પારો..આજે આ બંને મળીને શિવને ઈશિતા જોડે વાત કરવાની પ્રેરણા આપી રહ્યાં હતાં.

જેવી બસ ઉપડી એ સાથે જ શિવે પોતાની જાત ને હિંમત આપી અને ઈશિતા ની તરફ જોઈને કહ્યું.

"તું મારાં ક્લાસમાં છે ને..?"

જવાબમાં ઈશિતા રુક્ષ સ્વરે બોલી.

"ના તું મારાં ક્લાસમાં છે.."

ઈશિતા નો આ જવાબ સાંભળી શિવ તો ક્ષોભિલો પડી ગયો.શિવ નો ઉતરી ગયેલો ચહેરો જોઈને ઈશિતા પોતાનાં મોં પર હાથ રાખીને હસવા લાગી..ઈશિતા નું આમ હસવું જોઈ શિવ પ્રશ્નસુચક નજરે એની તરફ જોઈ રહ્યો.

"અરે sorry.. just kidding.. હું મજાક કરતી હતી..હા હું પણ તારી જ ક્લાસમાં છું.."

ઈશિતા ની વાત સાંભળી શિવ નાં ચહેરા પર પણ સ્મિત પથરાઈ ગયું અને એ થોડી હળવાશ અનુભવતાં બોલ્યો.

"મારું નામ શિવ છે..અને તારું..?"

"મારુ નામ ઈશિતા છે..હવે તું મારી હાઈટ અને વેઈટ નું ના પૂછતો..કેમકે એ તને નહીં કહું.."ઈશિતા તો શિવ એનો જૂનો મિત્ર હોય એમ બોલી રહી રહી.

બસ આમ ને આમ અલકમલકની વાતો કરતાં કરતાં ઈશિતા નું ઉતરવાનું સ્ટેન્ડ આવી ગયું..ઈશિતા શિવ ને bye બોલી બસમાંથી જેવી ઉતરી એ સાથે જ શિવની આગળની સીટ માં બેસેલો સાગર ગરદન ઘુમાવી શિવ તરફ જોઈને હસતાં-હસતાં બોલ્યો.

"વાહ ભાઈ..કાલે મારાં વીસ રૂપિયાનું નુકશાન પાકું કર્યું.."

"અરે હું ખવડાવી દઈશ ચીઝ પફ તને..પણ ઈશિતા એવી છોકરી નથી જેવી તું કહેતો હતો.."શિવ હજુ તો ઈશિતાનાં વિચારમાં ડૂબેલો હોય એમ બોલ્યો.

"હા હવે તને સારી લાગી એટલે ઘણું છે..રાજા ને ગમે એ રાણી.."આટલું બોલી સાગર પાછો પોતાની સીટમાં વ્યવસ્થિત ગોઠવાઈ ગયો.

પોતાનું સ્ટેન્ડ આવ્યું એટલે શિવ બસમાંથી નીચે ઉતરી ગયો..આજનો દિવસ શિવની જીંદગીનો સૌથી ખાસ દિવસ હતો..શિવને પ્રથમ વખત કોઈ છોકરી ગમી હતી અને એની સાથે વાત કરવાની સુવર્ણ તક આજે પ્રાપ્ત થતાં એતો હવામાં જ ઉડતો હોય એવું અનુભવી રહ્યો હતો.

શિવ અને ઈશિતાની પ્રેમ-કહાનીનાં પ્રથમ પ્રકરણ સમાન મિત્રતા નું પહેલું પેજ આજે સુંદર અક્ષરો વડે લખાઈ ચૂક્યું હતું..આગળ જતાં આ મિત્રતા કઈ રીતે આગળ વધશે અને ક્યાં સુધી આગળ વધશે એની એ સમયે શિવને તો ખબર નહોતી જ.રાતે જમીને શિવ ટીવી જોયાં બાદ સુવા માટે પથારીમાં પડ્યો ત્યારે એને ઊંઘ જ નહોતી આવી રહી.આંખો બંધ કરતાં એને ઈશિતા નો ચાંદ જેવો નયનરમ્ય ચહેરો નજરે ચડતો..ક્યારેક ઈશિતા હસતી, ક્યારેક આંખો ઝુકાવતી તો ક્યારેક એનાં ચહેરા પર આવતી લટ ને કાનની પાછળ સેટ કરતી.આજની રાત હવે નીંદર જોડે શિવ ને દુશ્મની હોય એવું લાગી રહ્યું હતું..આમ પણ કહેવાયું છે ને.

"ઉન નૈંનો મેં નીંદ કહાઁ જીન નૈંનો મેં ખ્વાબ બસે હો.."

★★★★★★★

વધુ નવાં અધ્યાયમાં.

શિવ અને ઈશિતા વચ્ચે ભૂતકાળમાં શું બની ગયું હતું અને શિવનાં ભૂતકાળની અસર એનાં વર્તમાન અને ભવિષ્ય પર શું પડવાની હતી એ જાણવાં વાંચતાં રહો આ પ્રેમસભર નવલકથાનો નવો ભાગ.આ નોવેલ ગુરુવારે અને શુકવારે પ્રસારિત થાય છે.

એક બીજી વાત કે આ નવલકથા નો મારી અંગત જીંદગી જોડે કોઈ સંબંધ નથી..પણ મારી દરેક લવસ્ટોરીનું મુખ્ય પાત્રનું નામ હંમેશા શિવ જ રહેશે.આ નોવેલ અંગે આપના કિંમતી અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)