ભાગ ૩૪
સોમનું ધ્યાન પાછળ ગયું તો ત્યાં કોઈ નહોતું. પાછો તે આગળ જોવા લાગ્યો પણ પાછળથી કોઈએ તેને હચમચાવ્યો એટલે તે જાગી ગયો, તેની સામે રામેશ્વર ઉભો હતો. તેણે સોમને પાણી આપ્યું અને પૂછ્યું, “શું કોઈ ખરાબ સ્વપ્ન જોયું? તેં થોડીવાર પહેલા એક ચીસ પડી હતી.”
સોમે કહ્યું, “હા! થોડું ખરાબ સ્વપ્ન કોઈ મારા માબાપને મારી રહયું હતું અને ભુરીયો રડી રહ્યો હતો.”
રામેશ્વરે કહ્યું, “તારા માબાપ સુરક્ષિત જગ્યાએ છે, તેમની ચિંતા ન કર પણ ભૂરિયાના હજી સુધી કોઈ સમાચાર નથી. તેની શોધખોળ કરી રહ્યા છીએ.”
સોમે કહ્યું, “તે મને કહી રહ્યો હતો કે આ બધાની પાછળ પાયલ છે.”
રામેશ્વરે કહ્યું, “એ કેવી રીતે શક્ય છે. જટાશંકર તારા મગજ સાથે રમત રમી રહ્યો છે તારે ધ્યાનની પ્રેક્ટિસ કરવી પડશે. તે જો તારા મગજ સાથે છેડછાડ કરશે, તો આપણા બધા માટે ભારે પડશે.”
રામેશ્વરે પૂછ્યું, “બીજું શું જોયું સ્વપ્નમાં?”
સોમે કહ્યું, “ના, બીજું કઈ નથી જોયું.” એક કહીને આડું જોઈ ગયો.
રામેશ્વરના ગયા પછી સોમે પોતાના હાથ તરફ જોયું તો ત્યાં પાટો ન હતો એટલે તેને લાગ્યું કે સ્વપ્ન જોયું હતું. પછી તે નાહવા ગયો , નહાતાં નહાતાં તેણે અરીસામાં જોયું કે તેના હાથ પર એક નિશાન હતું આવું નિશાન પોતાના હાથ પર જોયાનું યાદ ન હતું. હવે તેનું મગજ ઘોડાની જેમ દોડવા લાગ્યું, તેના મનમાં પ્રશ્ન ઉભો થવા લાગ્યો કે તેણે જે જોયું હતું તે સ્વપ્ન હતું કે હકીકત? તે હકીકત જાણવાનો એક જ માર્ગ છે પાયલ. હું પાયલ પર એક નાનો હુમલો કરી જોઉં, જો તે પ્રતિકાર કરશે તો સમજી જઈશ કે આ બધા પાછળ તે જ છે.
તે નહાઈને બહાર આવ્યો અને રામેશ્વરે બનાવેલો નાસ્તો કર્યો અને ચા પીધી અને સોમે કહ્યું, “આજે હું બહાર જઈશ.”
રામેશ્વરે કહ્યું, “હવે તારું બહાર જવું ખતરાથી ખાલી નથી, જટાશંકર તારા પર હુમલો કરી શકે.”
સોમે કહ્યું, “હું કોઈ નાનું બાળક નથી, જેને તમે ગબ્બરથી ડરાવી રહ્યા છો. હું એક કૃતક છું અને મને મારી સુરક્ષા કરતાં આવડે છે અને હા! તમારે સાથે પણ આવવાનું પણ નથી અને પીછો પણ કરવાનો નથી.”
રામેશ્વરે પૂછ્યું, “ ક્યાં જાય છે? તે તો કહે.”
સોમે કહ્યું, “ તમારે તે પણ જણાવવાની જરૂર નથી અને પ્લીઝ, મને નાના બાળકની જેમ ટ્રીટ કરવાનું બંધ કરો, હું સમયસર પાછો આવી જઈશ.” એમ કહીને દરવાજો ખોલીને સોમ બહાર નીકળી ગયો.
તેના ગયા બાદ રામેશ્વરે પ્રદ્યુમનસિંહને ફોન જોડ્યો અને કહ્યું, “આજે સોમનું વર્તન કંઈક વિચિત્ર લાગી રહ્યું છે, તે આજે ઉઠ્યો ત્યારે જોયેલા ભયંકર સ્વપ્નની વાત કરતો હતો અને અત્યારે બહાર ગયો છે અને મારા પૂછવા પર તે મારા પર ગુસ્સે થઇ ગયો.”
પ્રદ્યુમનસિંહે કહ્યું, “પહેલાં તો તમે સમજો કે તે હવે નાનું બાળક નથી અને અત્યારે તે ખુબ મોટા બદલાવમાંથી પસાર થઇ રહ્યો છે, માનવમન એકદમ વિચિત્ર હોય છે, જે આસાનીથી મળતું હોય તેના માટે જલદી માનતું નથી, તે જ જયારે મુશ્કેલીથી મળે ત્યારે ખુબ ખુશ થતું હોય છે એટલે અત્યારે સોમ બહાર ગયો હોય તો જવા દો, આપણે જેટલી મદદ કરી શકતા હતા, એટલી કરી છે અને આગળ પણ કરશું પણ ધ્યાન રાખજો આપણે આ યુદ્ધના ફક્ત મદદકર્તા છીએ. તે આપણા માટે નહિ, પોતાના માટે યુદ્ધ કરી રહ્યો છે. પોતાના મનમાંથી માલિકીભાવ દૂર કરો. અને તારે તો ખુશ થવું જોઈએ કે રાવણની સૌથી મોટી નિશાની એટલે તેનું ઘમંડ હતું જે અત્યારે સોમની અંદર દેખાઈ રહ્યું છે.”
રામેશ્વરે કહ્યું, “હું શું કહેવા માંગુ છું તે તમે સમજતા નથી! તેનું વર્તન થોડું બદલાઈ રહ્યું છે, મને લાગે છે કે જટાશંકર તેના મગજ સાથે છેડછાડ કરી રહ્યો છે.”
પ્રદ્યુમનસિંહે કહ્યું, “ઠીક છે, હું એકવાર બાબા સાથે વાત કરી જોઇશ. તું નિશ્ચિંન્ત રહે.” એમ કહીને ફોન મૂકી દીધો. સોમે દરવાજેથી કાન હટાવ્યા અને તે હોસ્પિટલ તરફ નીકળ્યો. અત્યારે સોમે જીન્સ , ટીશર્ટ પહેર્યું હતું અને આંખો પર સનગ્લાસિસ ચડાવેલા હતા, જે તેના રોજિંદા પહેરવેશથી વિપરીત હતું. રોજ તે ફોર્મલ પહેરતો અને શર્ટ ઈન કરેલું હોતું અને તેને સનગ્લાસિસ પહેરવું ગમતું નહિ.
સોમે બંગલેથી નીકળતા પહેલાં પોતાની આસપાસ સુરક્ષા ચક્ર બનાવી લીધું હતું. તે પહોંચ્યો ત્યારે પાયલ પાસે તેની મમ્મી બેઠી હતી. સોમ તેમને પગે લાગ્યો અને પૂછ્યું, “આંટી, કેમ છો?”
તેમણે જવાબ આપ્યો, “મજામાં છું! તું કેમ છે? અને અત્યારે વડોદરામાં કેવી રીતે?”
સોમે કહ્યું, “સ્પેશ્યલી પાયલને મળવા આવ્યો છું.”
પાયલે તેની મમ્મીને આંખનો ઈશારો કર્યો એટલે તેની મમ્મીએ કહ્યું, “તમે બેસો, હું અત્યારે મામાને ત્યાં જાઉં છું અને બપોરે ડબ્બો લઈને આવું છું અને સોમ તું આજનો દિવસ અહીં રહેજે, પાયલને સારું લાગશે. હું તારા માટે પણ જમવાનું લઇ આવીશ.”
સોમે કહ્યું, “ઠીક છે! આંટી.” પાયલની મમ્મી બહાર નીકળી અને જતાં જતાં દરવાજામાંથી પાયલને આંખ મારી અને નીકળી ગઈ. પાયલે દરવાજા તરફ જોયું અને કહ્યું, “મોમ પણ ખરી છે ને!”
સોમે જઈને દરવાજો બંધ કર્યો અને પૂછ્યું, “કોણ છે તું? તારી હકીકત કહે.”
પાયલે કહ્યું, “મારી હકીકત તો ઠીક છે તું કોણ છે તે કહે?”
સોમે કહ્યું, “હું સોમ છું.”
પાયલે કહ્યું, “તું સોમ નથી અને સોમ આવા કપડાં પહેરતો નથી અને સનગ્લાસિસ પણ પહેરતો નથી, તું મને સાચું કહેજે.”
સોમ તેની સામે જોઈ રહ્યો કે તેનો એક હાથ અને એક પગ ફ્રેક્ચર છે, છતાં કેટલી હિમ્મત દેખાડે છે? સોમ મનોમન એક મંત્ર બોલવા લાગ્યો અને પોતાના ખિસ્સામાથી એક પાવડર કાઢીને પાયલ તરફ ઉડાડી એટલે તરત પાયલે પ્રતિક્રિયા દેખાડી અને અને પોતાના બે હાથથી ક્રોસની મુદ્રા બનવી અને મંત્ર બોલી એટલે સોમ પાછળ ફેંકાઈ ગયો.
સોમ ઉભો થયો અને દરવાજાની બહાર નીકળી ગયો પાછળ પાયલનો અવાજ ગુંજતો રહ્યો, “સોમ, ક્યાં જાય છે? પાછો આવ.” કારણ સોમ જયારે પડ્યો ત્યારે તેનું લોકેટ બહાર આવી ગયું હતું અને તે પાયલે જોઈ લીધું અને સમજી ગઈ કે તે સોમ જ છે.
સોમ તેની ધૂનમાં બહાર નીકળી ગયો.હવે તેને કોઈના પર વિશ્વાસ રહ્યો નહોતો. તે બંગલે જવાને બદલે બીજી દિશામાં નીકળી ગયો.
ક્રમશ: