આગળના ભાગમાં આપણે જોયું કે અભી એક રોડ એક્સિડન્ટને કારણે લેટ થયો હતો આકાંક્ષાને આ વાતની જાણ થતાં એ માની જાય છે. આ તરફ લાસ્ટ સેમ પહેલા જ કોઈ કારણોસર સૌમ્યા કોલેજ છોડી રહી છે. હવે આગળ...
*****
તું જાય છે ને તારી યાદો મૂકી જાય છે,
તારા ગયાનો વિરહ મુકી જાય છે.
શું આને જ કહેવાય પરિવર્તન ?
કે પરિવર્તનના નામે તું એકલા મૂકી જાય છે!
સૌમ્યાની આંખ એક દમ ખુલી જાય છે અને ઘડિયાળમાં જોવે છે તો સાંજના પાંચ વાગી ગયા હોય છે. એ ફટાફટ ઊભી થઈ અને બાજુમાં પડેલા જગમાંથી પાણી કાઢીને પીવે છે.
અભી ચેર ઉપર બેસીને કોઈ મેગેઝિનના પાના ઉથલાવતા આ જોઈને બોલે છે, "શાંતિ થી..."
"કેટલું મોડું થઈ ગયું, તેં મને ઉઠાડી કેમ નહી? અને તને કેવું છે હવે? તાવ ઓછો થયો?" સૌમ્યા થોડી બેચેન થઈને બોલી.
"મને સારું છે, અને તું થાકીને માંડ સૂતી હતી તો ઉઠાડવાની ઈચ્છા જ ના થઇ. અને તારે અહીંયા હોટેલમાં શું કામ છે ? ભલે ને પાંચ વાગી ગયા એમાં શું થયું!?" અભી મેગેઝિન મૂકતાં બોલ્યો...
"કાલે પરોઢીયે ચાર વાગ્યાની ટ્રેન છે તો સામાન પેકિંગ કરવો પડશે ને!? અને ફરી મંદિરમાં દર્શન કરવા પણ જવું છે મારે." સૌમ્યાએ કહ્યું.
ફેસ ઉપર હળવા સ્મિત સાથે અભી બોલ્યો, "સામાન તો પેક થઈ ગયો છે. હવે ચા પીને મંદિર જવા નીકળીએ."
અભી કોલ કરીને ચાનો ઓર્ડર આપે છે. બન્ને ચા નાસ્તો કરી હોટલ પરથી ઘાટ તરફ જવા નીકળે છે.
કદાચ સાંજની ગંગામૈયાની આરતી પૂર્ણ થઈ હતી. અનેક દિવાઓ પાણી પર તરતા હતા. અનેક શ્રદ્ધાળુઓ ત્યાં ઘાટ પર હતા. અભી દૂર એકાંતમાં ઘાટ પર જઈ બેઠો. સૌમ્યાને લાગ્યું કે અભિને આકાંક્ષાની યાદો સાથે એકલો રહેવા દઉં. એથી એ થોડી ધીમા પગલે પાછળ ગઈ, ને બોલી હું મંદિરે દર્શન કરીને આવું. અભી આંખો બંધ કરી બેસી રહ્યો. આ તરફ સૌમ્યા મંદિરના પરિસરમાં જઈ દર્શન કરી આવી. ફરી આવી ત્યારે અભી એ જ હાલતમાં બેઠો હતો. સૌમ્યાએ એને જરાક હલાવ્યો, એ પણ પાસે બેઠી. દૂર સળગતી એક ચિતા પર બંનેની નજર પડી. આંખોમાં ઉતરેલ પાણીથી બધું ધુંધળું ધુંધળું દેખાઈ રહ્યું હતું. સૌમ્યાને સમયનો અહેસાસ થતા બોલી, " હવે જઈએ, કાલે સવારે વહેલા ટ્રેન પકડવાની છે."
ને બંને ભારે પગલે ઉભા થયા. ફરી એક વખત એ ઘાટ પર નજર દોડાવી જ્યાં કાલે વિધિ પતાવી હતી. પછી આગળ વધી ગયા.
વહેલી સવારે ઉઠી બન્ને ટેક્સીમાં રેલવે સ્ટેશન પહોંચ્યા. ટ્રેન થોડી જ વારમાં આવી ગઈ. સૌમ્યા ને અભ્યુદય ટ્રેનમાં પોતાની સીટ પર ગોઠવાયા. થોડી જ વારમાં ટ્રેન ઉપડી. સૌમ્યા વિન્ડો સીટ પાસે બેઠી હતી ને અભી એની બાજુમાં. અભી એના મોબાઈલમાં મેઈલ ચેક કરતો હતો. જ્યારે સૌમ્યા બારીની બહારનો નજારો જોઈ રહી હતી. કદાચ બહુ વરસો પછી સૌમ્યાએ આ રીતે ટ્રેનનો પ્રવાસ કર્યો હતો.
"શુ જોવે છે સોમી?", અભીએ પૂછ્યું
"કઈ નહિ.. બસ એમ જ..", સૌમ્યાએ બારી તરફથી નજર હટાવી અભી સામે જોતા કહ્યું.
"તું ત્યાં લંડનમાં આ બધું મીસ કરતી હઇશ ને? એકવાત કે તું અમને બધાને મીસ કરતી હતી કે નહીં?", અભી બહુ દિવસે આમ વાત કરવાના મૂડમાં આવ્યો હતો.
"કેમ ના કરતી હોવ? આતો સંજોગો એવા બન્યા એટલે. મારા પપ્પા સિવાય મારી કોઈ બીજી દુનિયા હતી ખરી? પપ્પાની તબિયત અચાનક એટલી બગડી ગઈ કે ફોઈએ અમને ત્યાં બોલાવા સિવાય કોઈ બીજો વિકલ્પ જ નહતો. તનેય ખબર છે મારા ફુવા ત્યાંના બહુ સારા ડોકટર હતા. એ સમયે એન્જીનીયરીંગ કરતા મારા પપ્પાની જિંદગી મારા માટે વધુ મહત્વની હતી. ", સૌમ્યા એક જ શ્વાસે બધું બોલી ગઈ.
"હા અને જીવનની કિંમત તો મારા થી વધુ કોણ જાણે સોમી?", અભી આકાંક્ષાને યાદ કરતા બોલ્યો.
"હમમ..." અભીને ફરી શૂન્યમાં ખોવાતા જોઈને સૌમ્યાએ એની વાત આગળ ચલાવાનું વિચાર્યું અને બોલી, "યાદ છે અભી... જ્યારે મેં લંડન જવાની વાત કીધી ત્યારે તમે બધા કેવા શોક્ડ હતા. મને અહીંયા રોકવા માટે તમે કેટલો બધો પ્રયત્ન કર્યો હતો. બધું એટલું જલ્દી જલ્દી થઇ રહ્યું હતું ને અને એ વખતે તમે મને જે સહકાર આપ્યો એતો હું આજીવન નહિ ભૂલી શકું. ખરેખર લકી છીએ આપણે બધા નહિ!? કે આપણે એકબીજાના સુખદુઃખમાં પડખે રહી શક્યા. ખરા અર્થમાં મિત્ર બનીને રહ્યા."
અભીએ સૌમ્યાની વાતમાં હકાર પુરાવ્યો અને બોલ્યો, "તને યાદ છે તારી ફેરવેલ પાર્ટી? કેટલી ધમાચકડી મચાવી હતી બધાએ!? કેવી મજાની લાઈફ હતી યાર એ... સ્ટડી પતી પછી તો જાણે એક પછી એક બધું છૂટતું ગયું. બધા ધીમે ધીમે પોતપોતાની લાઈફમાં બીઝી થઈ ગયા. અને રહી ગઈ ખાલી યાદો..."
સૌમ્યા અચાનક ઊભી થાય છે અને એની બેગમાંથી એક ફોટો ફ્રેમ કાઢીને અભીની સામે ધરે છે.
"આ તો તારા ફેરવેલના દિવસનો આપણો ગ્રુપ ફોટો." અભી તરત જ બોલી ઉઠ્યો.
"હા, હું હંમેશા આને મારી જોડે જ રાખું છું. અને હા આજો..." સૌમ્યા એનો રાઈટ હેન્ડ આગળ કરતા હાથમાં પહેરેલી વોચ બતાવે છે.
"અરે ! આતો એજ વોચ છે જે બધા એ ભેગા મળીને તને ગિફ્ટ આપી હતી. તેં હજી સાચવી રાખી છે !? અને આ તારી રાઈટ હેન્ડ માં વોચ પહેરવાની આદત હજી ના બદલાઈ !? કઈ રીતે ફાવે છે તને!?" અભી સહેજ મલકાતા બોલ્યો.
"લંડનમાં મિત્રો તો ઘણા થયા પણ આપણા ગ્રુપની મિત્રતાની વાત કઈક અલગ જ હતી. જ્યારે પણ હું તમને બધાને બહુ મિસ કરું ને ત્યારે આ વોચ પહેરી લઉં અને તરત જ તમારા બધાની યાદ તાજી થઈ જાય અને લાગે કે જાણે હું તમારા બધાની વચ્ચે જ છું. આ આદત ના બદલવાનું કારણ આજ છે.," સૌમ્યા જાણે મીઠી યાદોમાં ખોવાઈ હોય એમ એના ચેહરા ઉપર સ્મિત આવી ગયું.
"આ વોચ પસંદ કરવામાં તો અક્ષીએ મને લગભગ પાગલ કરી નાખ્યો હતો. અમદાવાદના એક પણ મોટા શો રૂમ બાકી નહતા રાખ્યા ત્યારે મેડમને આ વોચ ગમી હતી," અભી પણ હવે થોડો હળવા મૂડમાં આવ્યો...
"હા... આકાંક્ષા છે જ એવી. એને બધું પરફેક્ટ જોઈએ. અને એની પસંદ પણ હંમેશા લાજવાબ રહી છે." જાણે આકાંક્ષા હજી પણ એમની વચ્ચે જ હોય સૌમ્યા અભી ની સામે જોઇને બોલી.
"હા... અક્ષી એવી જ હતી..." હતી શબ્દ ઉપર ભાર મૂકતાં અભી બોલ્યો.
અભી પાછો વિચારમગ્ન થાય એ પહેલાં સૌમ્યાએ કીધું, " હા, મને પેકિંગમાં એની બહુ સારી હેલ્પ મળી હતી. તને તો ખબર ને હું કેવી જલ્દી ગભરાઈ જતી પહેલા !? આખા ઘરને લોક કરીને જવાનું, એક એક વસ્તુ યાદ કરીને લેવાની અને બેગમાં ભરવાની એ બધું એના વિના તો શક્ય જ ન બન્યું હોત. અને આ બધી તૈયારીઓની વચ્ચે વચ્ચે પણ આપણી મસ્તી કેવી ચાલુ રહેતી !? અને હા ખાસ તો માણેકચોક અને લો ગાર્ડન નું સ્ટ્રીટ ફૂડ... મારા મોઢામાં તો યાદ આવતા જ પાણી છૂટી ગયું."
આકાંક્ષાના ગયા પછી અભી સાવજ સૂનમૂન થઈ ગયો હતો. આજે બહુ દિવસ પછી જુના એ આમ વાત કરતો હતો એટલે સૌમ્યા પૂરો પ્રયત્ન કરતી હતી એને વાતોમાં ઉલ્ઝાવી રાખવાનો અને થોડા અંશે એ સફળ પણ થઈ હતી.
" ભુખ્ખડ... હજી એવી ને એવી જ રહી. ખાવાનું નામ આવ્યું નથી અને ભૂખ લાગી નથી." બોલતા બોલતા અભી લગભગ હસી જ પડ્યો.
"હા, અને એરપોર્ટની મસ્તી... એ કેમ ભુલાય!? આજુ બાજુ વાળા બધા આપણી સામુ જોતા હતા." સૌમ્યા બોલી.
"તારા ગયા પછી તો સોમી અહીંયા પણ બહુ બદલાઈ ગયું. બધા એક્ઝામની તૈયારીમાં લાગી ગયા. રીઝલ્ટ પછી સ્વપ્નિલ સ્ટડી કરવા અમેરિકા જતો રહ્યો, વેદ એના ફેમિલી બિઝનેસમાં, મહેક એકાદ વર્ષ પછી લગ્ન કરીને પુણે જતી રહી અને હું ને અક્ષી એક જ કંપનીમાં જોબ ઉપર લાગી ગયા." અભી બોલ્યો.
અભી કદાચ વર્ષો પછી પોતાની બેસ્ટી સાથે બધી વાતો શેર કરી રહ્યો હતો. આજે કદાચ એ પોતાનું હૈયું ઠાલવવાના મૂડમાં હતો.
એ આગળ ઉમેરતા બોલ્યો, "મેં તને કહ્યું નથી ક્યારેય પણ તારા ગયા પછી મેં એક મહત્વનો સહકાર આપનાર સાથી ગુમાવ્યો હતો. મારે ને અક્ષીને થતા ઝઘડાઓ સુલજાવવા વાળું કોઈ ન હતું. હકથી કોઈ કહી શકે કે છોડને યાર સોરી કહી દે જા. એવું ઠપકો આપનાર કોઈ ન હતું. તને ખબર અક્ષીના ઘરમાં જ્યારે અમારા વિશે ખબર પડી ત્યારે તો વાવાઝોડું આવી ગયું હતું. એના પપ્પાએ તો ત્યાં સુધી કહી દીધું કે મિત્રતા સુધી ઠીક છે, ત્યાંથી આગળ નહિ વધશો બંને. અક્ષી તો રડી રડી ને અડધી થઈ ગઈ હતી. મેં ખૂબ સમજાવી કે બધું થઈ જશે. પણ એ સમજી શકે એવી હાલતમાં જ ન હતી. એના પપ્પાએ એની જોબ પણ છોડાવી દીધી હતી. અક્ષી જોબ ને મને છોડવા તૈયાર હતી નહિ, ને એના પપ્પા ને અક્ષી વચ્ચે સંઘર્ષ ચાલુ થયો. એ રોજ મારી પાસે આવીને રડતી અને કહેતી કે અભી આપણું કોઈ ભવિષ્ય મને નથી દેખાતું. મને પણ લાગતું હતું કે અમારો પ્રેમ પેલે પાર પહોંચશે કે નહીં?"
શું સંઘર્ષોમાં તપીને જ પ્રેમ સોનેરી બની જતો હશે ??
કે અધવચ્ચે ડુસકા ભરી એ દમ તોડી જતો હશે ??
©હિના દાસા, રવિના વાઘેલા, શેફાલી શાહ