Limelight - 12 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | લાઇમ લાઇટ - ૧૨

Featured Books
Categories
Share

લાઇમ લાઇટ - ૧૨

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૧૨

"લાઇમ લાઇટ" ના ટ્રેલરને લોન્ચ કરવાનો કાર્યક્રમ સરસ રીતે પતી ગયા પછી પ્રકાશચંદ્ર તેને ઘરે મૂકવા આવ્યા અને તેનો સાથ માણીને ગયા પછી રસીલીના દિલમાં એક ટીસ ઊઠી. તેના કાનમાં "રસુ" નામનો અવાજ ગુંજવા લાગ્યો. તેને ખબર ન હતી કે ટ્રેલર લોન્ચિંગના કાર્યક્રમમાં તેનો ભૂતકાળ પણ તેની સામે ફરી લોન્ચ થવાનો છે. તે "રસુ" નામની બૂમમાં આવતો કર્કશ અવાજ ઓળખી ચૂકી હતી. તે આ સ્થિતિમાં પોતાના ભૂતકાળને આંખ સામે જીવંત કરવા માગતી ન હતી. પણ પ્રકાશચંદ્ર ગયા પછી તેની સામે ભૂતકાળ તરવરવા લાગ્યો. આજે તે એક ફિલ્મની હીરોઇન બનવાનું સ્વપ્ન સાકાર કરી રહી હતી તેના મૂળમાં તેની આશાનું બીજ હતું. તે પિતાને હોસ્પિટલમાં સારવાર અપાવી રહી હતી ત્યારે વોર્ડબોય રાઘવે આર્થિક સંકડામણમાંથી બહાર આવવા શરીર વેચવાનો રસ્તો બતાવ્યો હતો. પણ તે બસો-પાંચસો રૂપિયા માટે કોઇની નજર ના હઠે એવા સુંદર શરીર સાથે ખેલવા દઇને ગુમનામીના અંધકારમાં જીવવા માગતી ન હતી. તે મોટી લાઇટોના અજવાળાંમાં મોટા પડદા પર પોતાનું કામણગારું શરીર બતાવી કરોડો લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવવા માગતી હતી. એ સમય હવે નજીક હતો ત્યારે તેને ભૂતકાળનો સામનો કરવાનો વખત આવ્યો હતો. તે ટ્રેલર લોન્ચિંગમાં ભૂતકાળને થાપ તો આપી શકી હતી. પણ અત્યારે મનમાં એ સમય તેને યાદ આવી રહ્યો હતો. તેનું અત્યાર સુધીનું જીવન સાપસીડીની રમત જેવું રહ્યું હતું. તેના જીવનમાં ઉતાર-ચઢાવ સતત આવતા રહ્યા હતા. તે સહેજ સ્થિર થતી ત્યાં નીચે પટકાતી.

પિતાને સારવાર અપાવી ઘરે આવીને હજુ નિરાંતના શ્વાસ લઇ રહી હતી ત્યારે ઘર ગિરવે મુકાયું હોવાનું આભ ફાટ્યું હતું. ઘરને બચાવવા શું કરવું એ તેને સમજાતું ન હતું. આ ઘર માટે તે પારકી થઇ જાય એ પહેલાં તેને ખબર પડી કે ઘર તેના માટે પારકું અગાઉથી જ થઇ ગયું હતું. પિતાએ ઘર કોઇ શેઠને ત્યાં ગિરવે મૂકી દીધું હતું. અને હવે તે શેઠ કબ્જો માગી રહ્યો હતો. પિતાની કે પોતાની એવી સ્થિતિ ન હતી કે બાકી રૂપિયા ચૂકવીને ઘર છોડાવી શકે. પિતા જશવંતભાઇએ શેઠના માણસને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો હતો. તે શેઠનો હુકમ લઇને આવ્યો હતો. જશવંતભાઇ માટે શેઠની કૃપા જ છેલ્લો ઉપાય હતો. તેમણે શેઠ સાથે વાત કરી અને તેમના ચહેરા પર ખુશીના ભાવ આવી ગયા. શેઠનો માણસ ફોન પર હુકમ સાંભળી રવાના થઇ ગયો. રસીલીને થયું કે થોડા સમય માટે પણ આફત ટળી ગઇ લાગે છે. પિતાની વાત તેમણે સાંભળી છે.

પિતાને ખુશ જોઇ રસીલીએ પૂછ્યું:"પપ્પા, શું વાત થઇ? શેઠે લાંબી મુદત આપી દીધી ને?"

"અરે શેઠે તો કાયમી મુદત આપી દીધી..."

"એ કેવી રીતે?"

"એમણે કહ્યું કે તમારી થાપણ મને આપી દો. હું સાચવીશ..."

રસીલીના મનમાં કંઇક સમજાવા લાગ્યું.

"પપ્પા, તમે શું વાત કરી રહ્યા છો?"

"બેટા, દીકરી તો પારકી થાપણ કહેવાય. એ થાપણ આજે નહીં તો કાલે કોઇને સોંપવાની જ હોય. જો શેઠ તારી સાથે લગ્ન કરવા તૈયાર થઇ ગયા છે. અને બીજું બધું ભૂલી જવાના છે..."

રસીલી જાણતી હતી કે તેનું રૂપ ભલભલાને ભાન ભૂલાવે હતું. પોતાના રૂપને ખરીદીને એ શેઠે પપ્પાને ઘર પાછું આપવાનું કહ્યું હશે. રસીલી ગુસ્સે થઇ ગઇ." પપ્પા, એટલે તમે મારો સોદો કરવા માગો છો? તમે મને પારકી જ ગણીને? ઘર બચાવવા મારું ઘર વસાવવા માગો છો? અને એ પણ એક આધેડ શેઠ સાથે? મારા સપનાઓનું શું?"

રસીલી સવાલો કરતાં કરતાં રડી પડી.

જશવંતભાઇએ એક ખંધા રાજકારણીની જેમ તેના ખભે હાથ મૂકી આશ્વાસન આપતાં કહ્યું:"બેટા, મેં બધો વિચાર કરીને જ આ નિર્ણય કર્યો છે. એ તારા હિતમાં જ છે. જો આપણે એટલા ગરીબ છીએ કે તારા લગ્ન માટે આપણા સમાજમાં ગરીબ મજૂર છોકરો જ મળશે. એના બદલે આ શેઠ તને રાણીની જેમ રાખશે. તારા બધાં સપનાં પૂરા કરશે. એની ઉંમર કંઇ વધારે નથી. માંડ ચુમ્માલીસ – પીસ્તાલીસનો હશે. તેનો હવેલી જેવો તો બંગલો છે. અને હજુ કાચો કુંવારો છે. તેના કુટુંબમાં કોઇ નથી. તારે સાસુ-નણંદની કટકટ પણ નહી હોય. મેં પહેલાં તો એમને કહ્યું કે મારે અકસ્માત થયો છે અને હું હમણાં તમારા ઊછીના ચૂકવી શકું એમ નથી. મારી દીકરી મહેનતુ છે. તમારા રૂપિયા થોડા થોડા કરીને પણ વહેલા-મોડા ચૂકવી દેશે. ત્યારે તેમણે કહ્યું કે તમારી નાજુક દીકરીને શું કામ તકલીફ આપો છો. એને મારી સાથે પરણાવી દો. તમે મારા સસરા બનશો પછી મારાથી તમારી પાસે કંઇ માગી શકાશે નહી. બોલ, હવે આનાથી રૂડું શું હોય? તેમણે તો મને કહ્યું છે કે તમારા માટે બીજું મોટું ઘર લઇ આપીશ. અને તું તો જાણે જ છે કે આપણા પર એમનું જ નહીં આ બાજુવાળા રાજુભાઇનું પણ કેટલું ઋણ છે. તું આખી જિંદગી મજૂરી કરીશ તો પણ તેમની સોનાની બંગડીઓ તો શું ચાંદીની બનાવીને પણ આપી શકીશ નહીં. અને આ ભલા શેઠ સાથે લગ્ન કરી લઇશ તો આપણે ચાંદી જ ચાંદી હશે. હું ઇચ્છું છું કે મારી ચાંદની જેવી દીકરી વૈતરાં કરવાને બદલે રાજમહેલમાં વટથી મહાલે..."

જશવંતભાઇ બોલતાં બોલતાં હાંફી ગયા:"...અને તું જો એમ ઇચ્છતી હોય કે આ દેવાના ડુંગર તળે દબાઇને મારા શ્વાસ જલદી બંધ થઇ જાય તો તારી મરજી..."

રસીલી પિતાની વાત સાંભળી અસમંજસમાં પડી ગઇ. તેના માટે બીજો કોઇ વિકલ્પ દેખાતો ન હતો. પિતાએ બીજા કેટલા દેવા કર્યા હશે એ તો દેવ જ જાણે. હું હવે છૂટી શકું છું. પોતાનાથી મોટી ઉંમરના માણસને પરણવા તેનું દિલ માનતું ન હતું. પણ જો પોતાનું ઘર અને સાથે પિતાનું જીવન બચી જતું હોય તો શેઠ સાથે લગ્ન કરી લેવા જોઇએ.

રસીલીને આંખો મીંચી વિચાર કરતી જોઇ જશવંતભાઇ તેના જવાબની રાહ જોતા બેઠા. પછી કંઇક યાદ આવ્યું હોય એમ એ બોલ્યા:"અને જો બેટા, આ શેઠનું ચરિત્ર ખરાબ નથી. તે એના કામ-ધંધામાં એટલો ડૂબેલો રહે છે કે તેને લગ્ન કરવાનો સમય જ મળ્યો નથી. તેને અચાનક તારો વિચાર આવી ગયો છે અને આપણું ભાગ્ય ખૂલવા જઇ રહ્યું છે...."

આ ભાગ્ય છે કે દુર્ભાગ્ય એ રસીલી માટે અત્યારે નક્કી કરવું મુશ્કેલ હતું. તે મનથી પોતાને તૈયાર કરી રહી. તેને થયું કે શેઠની પત્ની બન્યા પછી તે પોતાનું હીરોઇન બનવાનું સપનું પૂરું કરી શકે છે. તે અભિનયના ક્લાસ કરીને ફિલ્મોમાં કામ કરવા પ્રયત્ન કરી શકે છે. પછી તો પૈસા અને સમયની કોઇ કમી રહેવાની નથી. ગરીબીમાં - અભાવમાં જિંદગી ગુજારવી અને લોકોની લોલુપ નજરોથી બચતા રહેવાનું એના કરતાં શેઠાણી તરીકે મહાલવાનું ખોટું નથી. તેણે લાંબો વિચાર કરીને મન સાથે સમાધાન કરી લીધું. અને બોલી:"પપ્પા, હું લગ્ન કરવા તૈયાર છું...."

"વાહ બેટા! મને ખબર જ હતી કે તું મારી દશા સમજશે." બોલતાં જશવંતભાઇના મન ભરનો ભાર ઉતરી ગયો અને તે ખુશીથી રડી પડ્યા. તે આંસુ લૂંછતા બોલ્યા:"બેટા, હું આજે જ શેઠને આ સારા સમાચાર આપું છું..."

બે દિવસમાં તો રસીલીના લગ્ન સાદાઇથી થઇ ગયા. પિતાને નવું ઘર મળી ગયું અને ગિરવે રાખેલું ઘર તેમણે રાજુભાઇને ભેટમાં આપી દીધું. તેમના અહેસાન ઓછા ન હતા. જીવન હવે સરળ બની ગયું. જશવંતભાઇને હવે જલસા હતા. કોઇ પૂછનારું કે ટોકનારું ન હતું. તે રાત-દિવસ દારૂની મોજ માણવા લાગ્યા. પણ રાજાપાઠમાં રહેતા જશવંતભાઇને ખબર ન હતી કે તેમની દીકરી રસીલીના જીવનની હસ્તરેખામાં રાજપાટ લાંબા સમય સુધી લખાયેલું ન હતું. તેમને એક આઘાતજનક સમાચાર મળવાના હતા.

***

સુપરસ્ટાર સાકીર ખાન સાથે ફિલ્મ કરવાનું સપનું જોતી ધારાને ખબર ન હતી કે તેની સાથેની એક રાત્રિની મુલાકાત તેના માટે દુ:સ્વપ્ન જેવી બની જશે. ધારાએ એક ફિલ્મ કરવા પોતાની જવાની નશામાં સાકીર ખાનને ધરી દીધી હતી. તેને કલ્પના ન હતી કે હકીકતમાં સાકીર ખાનનું આ એક કાવતરું હતું. તેના સમય અને સંજોગોનો લાભ લઇ તેને ફસાવી દીધી હતી. ધારાને પાછળથી સમજાયું તો હતું જ કે તેણે ફિલ્મ કરવાની લાલચમાં સાકીરને શરીર સોંપીને ભૂલ કરી છે. શરીર સોંપવાનો પણ કદાચ અફસોસ ના થયો હોત, જો લંપટ સાકીરે આ રીતની કરતૂત કરી ન હોત. ધારાએ પોતાની સાથે ફિલ્મ કરવાની વાત કરી ત્યારે સાકીર ખાને કહ્યું કે ફિલ્મ તો પૂરી થઇ ગઇ છે. પહેલાં તો તેને લાગ્યું કે સાકીર મજાક કરી રહ્યા છે. પણ તેના અવાજમાં કુટિલ હાસ્ય ભળ્યું ત્યારે તે થથરી ગઇ. સાકીર ખાને ફિલ્મ મોકલી આપવાની વાત કરી ત્યારે ધારા ચોંકી ગઇ. સાકીરે આગળ કહ્યું:"કેમ ચૂપ થઇ ગઇ ધારા? તારી ફિલ્મ બહુ સરસ બની છે. પણ અફસોસ કે એમાં મારો ચહેરો દેખાતો નથી. પોર્ન વેબસાઇટ ઉપર તો આ ફિલ્મ હિટ થઇ જશે. મને તો લાગે છે કે જો આ ફિલ્મ તેના પર અપલોડ થશે તો એ વેબસાઇટ ક્રેશ થઇ જશે...." કહી સાકીર "હા...હા...હા..." કરી જોરથી હસી રહ્યો.

ધારાને થયું કે તેનું તો બધું જ ક્રેશ થઇ ગયું છે. સાકીરે તેની સાથે ગંદી રમત શરૂ કરી છે. તેનો ગુસ્સો વધી રહ્યો હતો.

"ધારા, તું તો આગ લગાવી દઇશ. અને આ પોર્ન ફિલ્મ તને બીજી ઘણી ફિલ્મો અપાવશે. હા, મારી તને ખોટ પડશે. તારી સાથે મારા જેવું કામ કોઇ કરી શકશે નહીં. મારા જેવા દાવ-પેચ બહુ ઓછાને આવડે છે!....." સાકીર ખાન બેફામ થઇને બોલી રહ્યો હતો. ધારાને થયું કે સાકીર ખાન તેની તમામ હદ વટાવી રહ્યો છે. તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તે બરાડી ઊઠી:"સાકીર ખાન, તેં આ સારું કર્યું નથી. મારી સાથેના સેક્સની સીડી બનાવીને તે તારી જાત બતાવી છે..."

"બેબી, મેં મારી જાત એમાં છુપાવી છે! હું ઓળખાતો જ નથી. તારી આખી જાત ઉઘાડી દેખાય છે. આહાહા....તું આટલી મખમલી અને નાજુક થઇને આટલો બધો ગુસ્સો કરે તે સારું ના લાગે. અચ્છા, તારે આ સીડી જોઇએ છે ને? બદનામીથી બચવું છે ને? તો એક સોદો કરી લે..." સાકીરે સોદાની વાત કરી એટલે ધારાને વધારે ગુસ્સો આવ્યો. સાકીર ખાન તેને પડદા પર બતાવાતા વિલનથી પણ વધુ ખતરનાક લાગ્યો. તેણે નક્કી કર્યું કે સાકીરને તે છોડશે નહીં. તેણે મનોમન કંઇક નક્કી કર્યું અને બોલી:"સાકીર તારો સોદો તારી પાસે રહેવા દે. હવે હું તને સોદો કરવા કહીશ. તું મારા ફોનની રાહ જોજે...."

***

વધુ આવતા શનિવારે ૧૨ મા પ્રકરણમાં...

***

શેઠ સાથે લગ્ન કરનાર રસીલીને સુખી કર્યાનું માનતા પિતા જશવંતભાઇને કયા આઘાતજનક સમાચાર મળવાના હતા? ધારાએ તેની પોર્ન સીડી બનાવનાર સાકીર ખાન માટે શું વિચાર્યું હશે? અજ્ઞયકુમાર રસીલીને સાકીર ખાનને કારણે કેમ સાઇન કરવા માગતો હતો? "લાઇમ લાઇટ" ના ટ્રેલર લોન્ચિગમાં "રસુ" નામની બૂમ પાડનાર માણસ કોણ હતો? સાકીર ખાન પ્રકાશચંદ્રના ડાયરેક્શનમાં કામ કરવા તૈયાર થયો એની પાછળ કયા બે કારણ હતા? પ્રકાશચંદ્રની ફિલ્મ હિટ રહેશે કે નહીં? શું કામિનીનો રાજીવ માટેનો ડર સાચો સાબિત થશે? પ્રકાશચંદ્ર સુંવાળો સાથ માણીને ગયા પછી રસીલીએ તરત કોને અને શું મેસેજ કર્યો હશે? ઘણા બધાં પ્રશ્નો અને રહસ્યો વધી રહ્યા છે, જે તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો.

*

મિત્રો, મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમને માતૃભારતી પર એક જ બેઠકે વાંચવી ગમશે. તમે ઘણી નવલકથાઓ વાંચી હશે પણ આ નવલકથાની વાત જ અલગ છે. તેના માટેનો આપનો પ્રેમ સતત વધી રહ્યો છે. તેના માતૃભારતી પરના ૧.૧૩ લાખથી વધુ ડાઉનલોડ અને ૧૯૩૦૦ થી વધુ રેટીંગ્સ તેની લોકપ્રિયતાનો પુરાવો છે. કોલેજમાં ભણવા ગયેલી એક અતિ સ્વરૂપવાન અને યુવાનીથી છલકતી છોકરી અર્પિતા કેવી રીતે એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે અને પછી એ કેવી રીતે તેનો બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની દિલચશ્પ અને દિલધડક પ્રસંગોથી ભરપૂર વાર્તા ૪૮ પ્રકરણ સુધી તમને ચોક્કસ જકડી રાખશે. "રેડલાઇટ બંગલો" વાંચીને આપનું રેટીંગ પણ જરૂરથી આપશો. એ ઉપરાંત મારી લઘુનવલ "આંધળોપ્રેમ" અને ટૂંકી વાર્તાઓ પણ માતૃભારતી પર વાંચી શકશો.