કલમ
"મારી, મારી કલમ કાંઈ ખોટું લખે? કોઈ મજબુર કરે તો પણ હું ક્યારેય ખોટું નહીં લખું. આખરે પત્રકારીતા આને કહેવાય? કે જે દબાણને વશ થઈને પોતાનો જ શ્વાસ ખોઈ બેસે? ના... આને પત્રકારીતા તો ન જ કહેવાય, આતો ગુલામી...ગુલામી જ કહેવાય. હું વાંચકોથી છું, વાંચકો મારાથી નહીં. પત્રકારીતાનું પહેલું પગથીયું સત્યની ઈંટોથી બનેલું છે, પછી તેમાં નીડરતા, જુસ્સો, સામાજીક જવાબદારી જેવા તત્વોભળે છે. આજે એમાં એકસામટુ ભંગાણ સર્જાયું હોય એવો આભાસ થઈ રહ્યો છે. દરેક પત્રકાર પોતાની સાચી અને આગવી ઓળખ ગુમાવી બેઠો હોય એવું ભાસે છે" કોફીનો મગ હાથમાં રાખીને હું વિચારવા લાગ્યો.
"રવિ સાહેબ, તમારું મટીરીયલ તૈયાર થઈ ગયું હોય તો કહો, નહીંતર મારું મટીરીયલ આગળ મોકલું" કહીને મયુરે પોતાના કાગળો હવામાં લહેરાવીને મરક મરક હસતા કહ્યું.
"મટીરીયલ, લ્યો બોલો. આ લોકો પત્રકારીતાનાં વિષયને એક મટીરીયલ સમજે છે! દુનિયાની આટલી મોટી લોકશાહીના ચોથા સ્તંભ સમાન મીડિયાના સમાચારોને અંદરના જ લોકો મટીરીયલ સમજીને પીરસવા લાગ્યા છે તો બિચારી... બિચારી આમ જનતાની પત્રકારીતા વિશે શું લાગણી હશે?" વિચારીને મક્કમ નિર્ણય બાદ મેં મયુરને કહ્યુ "મયુર, તમે તમારુ મટીરીયલ આગળ મોકલો, હું પછી ક્યારેક..."કહીને મેં મારુ લેપટોપ બંધ કર્યું, ટેબલ ઊપર પડેલી વસ્તુઓ સમેટીને લાઈટ બંધ કરતા અચાનક જ મનમાં કાંઇક ખુચ્યું અને મેં ફરી લાઈટ ચાલુ કરી લેપટોપ ઓન કર્યું અને સવારે બનેલી ઘટના વિશે વિચારવા લાગ્યો.
---***---
"સર, હું તમારી સાથે વાત કરવા માંગુ છું"
"બોલ રવિ, શું હતું?" અમારા ન્યુઝ પેપરના એડિટરે કહ્યુ.
"સર, તમારા કહેવાથી આજે હું એમ.એલ.એ. વિઠ્ઠલદાસનું ઇન્ટરવ્યૂ લેવા એના બંગલા પર ગયો હતો. ત્યાં ગેસ્ટ રૂમમાં મારી નજર સોફા પાસે ખૂણામાં પડેલ કાગળના ઢગલા પર પડી. કદાચ...કદાચ જુના કાગળ લાગ્યા. વિઠ્ઠલદાસનાં બંગલાનું રીનોવેશન કામ ચાલુ હતુ, કુતુહલવશ અને ત્યાં કોઇ ન હોવાથી મેં એ કાગળો જોવાના શરુ કર્યા. અચાનક...અચાનક મારા હાથમાં સત્તર વર્ષ જુનો કાગળ કે કહી શકાય કે વિઠ્ઠલદાસની ડાયરીનું એક પાનું હાથમાં આવ્યુ અને મે તરત જ એ કાગળ પોતાની બેગમાં મુકી દીધો. એમા લખ્યું હતુ કે..." એ કાગળ એડિટરને બતાવવા મેં એ કાગળ આગળ ધર્યો.
"કમ ઓન રવિ, સત્તર વર્ષ જુની વાત! અને એ પણ સત્તાધારી પક્ષની વિરુદ્ધમાં? તું ફિલ્મો ઓછી જો અને તારા કામ પર ધ્યાન આપ. લોકો આપણું ન્યુઝ પેપર આવી બકવાસ વાંચવા માટે નથી ખરીદતા, લોકોને કાંઇક નવીન અને મસાલેદાર જોઈએ છે" કહીને એડિટરે મને ખખડાવીને અને એ પાનું ફાડી કચરા પેટીમાં નાખ્યું.
"પણ સર, આ ડાયરીના પાનાંમાં લખેલી બાબત આપણી જનતા સુધી પહોંચવી જરુરી હતી. મને લાગે છે કે આ પાનાની મદદથી આપણે એમ.એલ.એ. વિઠ્ઠલદાસની કારસ્તાની દુનિયા સુધી પહોંચાડીને આપણી ફરજ બજાવી શક્યા હોત."
"રવિ, તું જે વાતને આપણી ફરજ કહે છે ને એવી વાતો આજના જમાનામાં શોભતી નથી. આ...આ જો...એમ.એલ.એ.વિઠ્ઠલદાસની પાર્ટીએ આપણાં ન્યુઝ પેપરમાં પોતાની જાહેરાતો છાપવા મસમોટી રકમ ઓફર કરી છે. તું પણ જો...અને હાં, એક વાત ધ્યાનમાં રાખજે કે આજના સમયમાં ન્યુઝ પેપરો સમાચાર કે માહિતી કરતા જાહેરાતોથી ચાલે છે. માટે મારું માન, જે કાંઈપણ તે જોયું કે જાણ્યું છે તે ભૂલી જા, અને તારા નવા વિષય ઉપર મટીરીયલ તૈયાર કર સમજ્યો?" કહીને એડિટર સાહેબ પોતાના કામકાજમાં વ્યસ્ત થઈ ગયા અને હું પણ એની કેબીનમાંથી બહાર નીકળી ગયો.
---***---
"આ તો હદ થઈ ગઈ યાર. સાચું લખતી વખતે આટલો ડર? એ આજે ખબર પડી. શું કરું? જેમ બધું ચાલી રહ્યું છે તેમ જ ચલાવું? કે... કે પછી એડિટરનાં હાથમાં રાજીનામું ધરી દઉ? રાજીનામું આપવાથી નુકશાન તો મારું જ જવાનું છે ને? કોઈને કાંઈ જ ફર્ક નથી પડવાનો. પણ જેમ ચાલે છે તેમ ચાલવા દઈશ તો કદાચ હું પોતેજ મારી નજરોમાં પડી જઈશ. મારા ઉપર મારા પરિવારની જવાબદારી છે પણ એનો અર્થ એ નથી કે એડિટર અને વિઠ્ઠલદાસ જેવા લોકો મને ખરીદી શકે. હું કાંઈ એટલો નમાલો પણ નથી કે મારી સામે જે ખોટું બની રહ્યું છે તે જોઈને ચુપચાપ બેઠો રહું. હું અવાજ ઉઠાવીશ, અહીંયા નહીં તો બીજે ક્યાંક. પણ ચુપ તો નહીં જ બેસું". ડાયરીના એ પાનાંએ મારી દિશા જ બદલાવી દીધી અને મને ઉપરથી નીચે સુધી હચમચાવી નાખ્યો. મેં તરત જ લેપટોપમાં ઈમેઈલ લખવાનું શરૂ કર્યું
"પ્રતિ શ્રી એડિટર સાહેબ, અમુક અંગત કારણોસર હું રાજીનામું આપવા માંગુ છું. કૃપા કરીને અનુમતિ આપશો. આભાર" લખીને મેં લેપટોપ અને ટેબલ પરની લાઈટ બંધ કરી.
-સમાપ્ત
આપ આપના પ્રતિભાવો મને ઈમેઈલ કે વોટ્સએપ પર મોકલી શકો છો.
ઈમેઈલ: ozasagar@gmail.com
વોટ્સએપ: 9429562982