સુંદરતા માટે સરળ ટિપ્સ
ભાગ-૩
સં- મિતલ ઠક્કર
* ઉનાળામાં દાઝી ગયેલી આ ત્વચાને સામાન્ય બનાવવામાં કાચું દૂધ ઔષધિનું કામ કરે છે. તેથી સ્નાન કરવાથી ૧૦ મિનિટ પહેલા દાઝી ગયેલી ત્વચા પર કાચું દૂધ લગાવો. તેને કારણે ચામડી સામાન્ય બનવામાં મદદ મળે છે. આ સિવાય વર્જિન કોકોનટ ઓઇલ, પાકેલું પપૈયું લગાવવાથી પણ દાઝી ગયેલી ત્વચા પર રાહત મળે છે.
* પર્ફેક્ટ ફાઉન્ડેશન શોધવું એ મેકઅપનો સૌથી મુશ્કેલ કાર્ય છે. એક તરફ ચોક્કસ રીતે મેચિંગ ફાઉન્ડેશન તમારા લુકને વધુ સુંદર બનાવી શકે છે તો બીજી બાજુ ફાઉન્ડેશનનો અયોગ્ય વિકલ્પ તમારા લુકને સાવ બગાડી શકે છે. એવામાં સલાહ એ આપવામાં આવે છે કે તમારી ડોક અને ચહેરાના રંગ સાથે મેળ ખાતાં ફાઉન્ડેશનની પસંદગી કરવી અને આ સિવાય ધ્યાન રાખવું કે કૃત્રિમ પ્રકાશની જગ્યાએ પ્રાકૃતિક પ્રકાશમાં ફાઉન્ડેશનની પસંદગી કરવી.
* મલાઇ અને હળદરનું મિશ્રણ બનાવીને દસ મિનિટ માટે ચહેરા પર લગાવી રાખો, પછી ધોઇ નાખો. જેથી ત્વચા સાફ થઇ જશે ને ચહેરા પર આભા આવશે.
* સ્નાનના પાણીમાં જૈતૂનના તેલનાં થોડા ટીપાં ભેળવવાથી ત્વચા મુલાયમ રહે છે. એટલું જ નહીં સ્નાનના પંદર મિનિટ પહેલાં જૈતુનના તેલથી માલિશ કરવાથી પણ ફાયદો થાય છે.
* આંખો નીચેના કાળા કુંડાળા દૂર કરવા વિટામીન 'સી' કેફીન, ગ્રીન ટી, વે પ્રોટીન (ફાડેલા દૂધમાંથી મેળવેલું પ્રોટીન) જેવાં તત્ત્વો ધરાવતી અંદર આઈ ક્રીમ લગાવો. તેનાથી ત્વચામાં કરચલી પડવાની પ્રક્રિયા ધીમી પડે છે. જેથી આંખ નીચેના કુંડાળાને વધુ નુકસાન પહોંચતું અટકે છે.
* ચહેરાની આભા વધારવા માટે ફ્રૂટ પેક ઘણાં સહાયક સાબિત થાય છે, તેને દરરોજ પણ લગાવી શકાય છે. સફરજનને પીસીને તેને પાકાં પપૈયાંની લુગદી અને મસળેલા કેળામાં ભેળવીને મિશ્રણ બનાવી લો. આ મિશ્રણમાં દહીં કે લીંબુનો રસ પણ ભેળવી શકાય છે. આ મિશ્રણને અડધા કલાક સુધી ચહેરા પર લગાવેલું રહેવા દો, પછી ચહેરો ધોઈ નાખો. એનાથી ચહેરાની લાલિમા વધે છે અને ચહેરાની કાળાશ દૂર થાય છે અને ત્વચા નરમ-મુલાયમ બને છે.
* ડાઘ છુપાવવા માટે ત્વચાના રંગ સાથે મેળ ખાતું ફાઉન્ડેશન અને તેમાં થોડું પાણી નાખીને ચહેરા પર એકસમાન લગાવો. એક વાતનો ખ્યાલ રાખો કે ફાઉન્ડેશન માત્ર વૉટર બેસ હોય, ઓઈલ બેસ નહીં. નહીંતર તમારો મેકઅપ તરત જ નીકળી જશે. ફાઉન્ડેશન વૉટર બેસ છે કે ઓઈલ બેસ તે ફાઉન્ડેશનની પાછળ લખેલું હોય છે. ફાઉન્ડેશન ગળા અને કાન પર લગાવવાનું ભૂલશો નહીં. તેનાથી સંપૂર્ણ ચહેરો એકસરખો દેખાશે.
* દહીં ડાઘ-ધાબાવાળી ત્વચા પર રામબાણ ઇલાજ પુરવાર થાય છે. ચહેરો ધોયા પછી તેના ઉપર દહીં લગાવો. સુકાઇ જાય એટલે સાદા પાણી વડે ચહેરો ધોઇ લો.
* ટામેટાના પલ્પમાં લીંબુના થોડાં ટીપાં નાખીને ચહેરા પર લગાવવાથી ચામડીને પોષણ મળે છે. આ પ્રકારના પેક ગ્રીષ્મ ઋતુમાં ત્વચાને સામાન્ય રાખવામાં સહાય કરે છે. આ સિવાય ગાજર, લીલા શાકભાજી નાળિયેર પાણી, લીંબુ પાણી પણ તૈલીય ત્વચા માટે રામબાણ પુરવાર થાય છે.
* વાળને મુલાયમ તથા કાંતિમય કરવા રોજિંદા આહારમાં પ્રોટીનનો સમાવેશ વધુ કરવો. પનીર, લસ્સી, માખણનું સેવન વધારવું. વાળમાં પખવાડિયે એક વાર મહેંદી લગાડવી તેમજ વાળ ધોયા બાદ કંડિશનરનો ઉપયોગ કરવો. આ ઉપરાંત બ્રાહ્મી, આંબળા, અરીઠા તથા શિકાકાઇ ભેળવી હેર પેક બનાવી વામાં લગાડવો. વાળ રેશમ જેવા મુલાયમ થશે.
* નખને પૂરતો આરામ આપવામાં આવે અને પાણીથી દૂર રાખવામાં આવે તો નખમાં લાગતો ચેપ નિવારી શકાય છે. મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ વધારો. નખનો ગલત ઉપયોગ છોડી દો. પ્રવાહીનું તાપમાન માપવાનું નખ થર્મોમીટર નથી એ ધ્યાનમાં રાખો. આ ઉપરાંત ડબ્બાનું ઢાંકણું ખોલવા, મેલ કાઢવા, ખોતરવા જેવા કામ માટે નખનો ઉપયોગ કરવાનું બંધ કરો.
* બદામને રાતના પાણીમાં ભીંજવી સવારે પેસ્ટ બનાવી તેમાં મધ અને લીંબુના રસ ભેળવી ચહેરા પર લગાડી દસ મિનીટ બાદ ધોઇ નાખવું.વાન નિખરે છે.
* સફરજનમાં વિટામિન સી સમાયેલું હોય છે જેના ઉપયોગથી ચહેરા પરના જુના ડાઘ દૂર કરી શકાય છે. સવારે સફરજનના રસને ચહેરા પર લગાડવું. તરત જ ચહેરો ધોવા નહીં અને ચહેરા પર સુકાવા દેવું. સ્નાન બાદ ત્વચાના પ્રકાર પ્રમાણે ફેસ ક્રીમ લગાડવું. સફરજનનો રસ કોઇ પણ ઋતુમાં ચહેરા પર લગાડી શકાય છે. રૂક્ષ ત્વચા હોય તો આ પેકમાં મધ ભેળવવું.
* આઈબ્રો કરતી વખતે તેને શરૂઆતથી લઈને છેલ્લે કાનપટ્ટી સુધી આકાર આપવો. એમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ભમરને નાકની સીધથી આકાર આપવાની શરૂઆત કરી છેલ્લે કાનપટ્ટી તરફ વળાંક લેવો. સહેજે ત્રાંસી આઈબ્રો દેખાવમાં અને શિષ્ટ લાગે છે. આઈબ્રો નીચે આઈશેડો પણ આઈબ્રોના આકાર મુજબ જ લગાવવો. તમે આઈશેડો લગાવવાનું ન ઈચ્છતાં હોય તો આઈબ્રો નીચે થોડો ટેલ્કમ પાઉડર પણ લગાવી શકો.
* ચહેરા પર કરચલી પડી ગઈ હોય તો તો એક ચમચી ઓલિવ ઓઈલમાં લીંબુનો રસ મેળવી અઠવાડિયામાં ત્રણ દિવસ આ મિશ્રણ ચહેરા પર લગાડો. તેનાથી કરચલી ઓછી થશે.
* મસુરની દાળનો લોટ,એક ચમચી ચંદન પાવડર અને થોડં મધ ભેળવી મુલાયમ પેસ્ટ બનાવી ગરદને લગાડવી, સુકાઈ જાય બાદ મધમાં રૂનું પુમરું બોળી સુકોયેલી પેસ્ટ હળવેથી ઘસતાં ઘસતાં ગોળાકારે દૂર કરતાં જવું. નિયમિત કરવાથી ગરદનની કાળાશમાં પંદર દિવસ ફરક જણાશે.
* ઉનાળામાં માત્ર કોમ્પેક્ટ લગાવવાથી પણ ચહેરો સુંદર લાગે છે ત્યારબાદ તમે કેક બ્લશરનો ઉપયોગ કરો. તેનો રંગ તમારી લિપસ્ટિકના રંગને મળતો ખૂબ જ આછા શેડ્સનો હોવો જોઈએ.
* મધ તથા સંતરાના રસમાં મુલતાની માટી તેમજ ગુલાબજળ ભેળવી ચહેરા પર લગાડવું. સુકાઇ જાય બાદ ધોઇ નાખવું ત્વચા ચમકીલો થશે. ચહેરા તથા ત્વચાની ટોનિંગ માટે સંતરાની છાલને સુકવી તેને વાટી સામાન્ય ફેસ પેક સાથે ભેળવીને ચહેરા પર લગાડવું.
* જેમના હાથના નખ વધતા નથી હોતા કે તૂટી જવાની સમસ્યા થતી હોય છે તેઓએ આ સમસ્યાથી મુક્ત થવા ઓલિવ ઓઈલને નવશેકું ગરમ કરો. તેમાં પાંચ મિનિટ આંગળીઓ બોળી રાખ્યા બાદ તેનાથી હાથ અને નખ પર માલિશ કરવું.
* સૂતા પહેલાં ઉચ્ચ ગુણવક્તાયુક્ત ડીપ ક્લિઝિંગ મિલ્કથી ત્વચાની સારી રીતે સફાઇ કરવી જેથી સૌંદર્ય પ્રસાધનથી ત્વચા પ્રભાવિત થાય નહીં. ક્લિંઝર ત્વચાને અનુરૂપ જ હોવું જોઇએ. ક્લિંજરના ઉપયોગ બાદ ભીના રૂના પૂમડાંથી ત્વચા સાફ કરવી તેમજ ચહેરો ધોઇ નાખવો.
* હાથમાં તૈલીય ગ્રંથિઓ ઓછી હોય છે, તેથીઆંગળીઓની તવચા અને નખ જલદી રૂક્ષ થઇ જાય છે. લીંબુમાં સમાયેલા સાઇટ્રીક એસિડ નખની ચમક પરત લાવવા અને પીળાશ દૂર કરવા માટે અસરકારક છે. ગરમ પાણીમાં પાંચ-સાત મિનિટ આંગળીઓને ડુબાડીને રાખી. આ બાદ લીંબુનો એક ટુકડો લઇ થોડી વાર નખ પર રગડવો અને પાણીથી ધોઇ નાખી પછી ક્રિમથી મસાજ કરવો.
* ત્વચા નિષ્ણાતો કહે છે કે નખમાં ચેપ ન લાગે એટલા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે નખ સુકા અને સ્વચ્છ રાખો. સિન્થેટિક મોજાના સ્થાને સુતરાઉ મોજાં પહેરો. એન્ટિફંગલ સ્પ્રે અથવા પાવડરનો ઉપયોગ કરો. જો ચેપ વકરતો જણાય તો તરત જ ત્વચા નિષ્ણાતનો સંપર્ક કરો. જોકે આરંભના તબક્કામાં જ અજમાનું તેલ લગાવવાથી ચેપમાં રાહત મળે છે.
* અંડર આઇ ભાગ ઘણો કોમળ હોવાથી આંખની આસપાસ કોઇ પણ પેક કે માસ્ક લગાડવું જોઇએ નહીં. તેમજ બ્લીચ પણ ન કરવું. આંખ બંધ કરી તેના પર ગુલાબજળમાં ભીંજવેલ રૂ અથવા ખીરા કે કાકડીની સ્લાઇસ રાખવાથી આંખને ઠંડક પ્રદાન થશે.
* મિશ્ર ત્વચા માટે પપૈયામાં પલ્પમાં મધ અને દળેલી ખાંડ ભેળવો. તેનું મિશ્રણ બનાવો અને હળવેથી ઘસો. આ સ્ક્રબ ત્વચાને એક્સોફોલિએટ કરી ત્વચા પરના મૃત કોષોને દૂર કરે છે. ત્યાર બાદ હિલિંગ જેલ લગાવો.
* તમારી સ્કિન પર ઈન્સ્ટન્ટ ગ્લો જોવા માટે તમે લીંબુ અને મધના ફેસપેકનો ઉપયોગ કરી શકો છો. પણ મધની ક્વોલિટી સારી વાપરવી. એક લીંબુના રસમાં ૧ ચમચી મધ મિક્સ કરીને તેની પેસ્ટ બનાવવી. આ પેસ્ટ ૧૫ મિનિટ સુધી ચહેરા પર લગાવીને સૂકાવા દેવી. ત્યાર બાદ સાધારણ ગરમ પાણીથી મોં ધોઈ લેવું. અઠવાડિયામાં આવી રીતે ૩-૪ વાર ચહેરા પર આ પેક લગાડવાથી તમારી સ્કિન સોફ્ટ થઈ જશે.
* ખીલમાં ખૂબ જ સફળતા અપાવે એવું એક ઉત્તમ ઔષધ ‘શીમળાના કાંટા’ જેને વૈદ્યો ‘શાલ્મલી કંટક’ પણ કહે છે. કોઇ ગ્રામ્ય વિસ્તારમાં આ ઝાડ મળશે. અથવા ગાંધીને ત્યાંથી આ શીમળાના કાંટાવાળી ગાંઠ લાવવી. તેને કાંટા સાથે જ દૂધ સાથે લસોટી લેપ તૈયાર કરવો. આ શીમળાના કાંટાનો લેપ સવારે અને રાત્રે ખીલ અને તેના ડાઘાઓ પર લગાડવાથી નવા ખીલ થશે નહીં તથા જૂના ખીલ અને ડાઘાઓ જતા રહેશે.
* કોઇ પણ ફૂટક્રીમ લગાડયા બાદ પગમાં મોજા પહેરવા જેથી એડીઓમાં ફૂટક્રીમ બરાબર ઊતરી જાય.