Apradhi ane inspector Patel part 2 in Gujarati Short Stories by Bhargav Patel books and stories PDF | અપરાધી અને ઇન્સ્પેક્ટર પટેલ (ભાગ-2)

Featured Books
Categories
Share

અપરાધી અને ઇન્સ્પેક્ટર પટેલ (ભાગ-2)

મહિલા કોન્સ્ટેબલ બાજુમાં પડેલા જગમાંથી પાણી લઈને લીનાના મોં પર છંટકાવ કરે છે. દસેક સેકંડ

બાદ લીના ભાનમાં આવે છે.

“પણ સર, એ તો બિઝનેસ રીલેટેડ મીટીંગ માટે નાગપુર ગયા હતા તો એમનું મર્ડર અહી કેવી રીતે થાય?”, કહીને લીના ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.

એનો આ ઘટસ્ફોટ સાંભળીને ઇન્સ્પેક્ટર પટેલ વધારે મૂંઝાયા. ‘જો જયંત નાગપુરમાં હોય તો એની બોડી એના મકાનમાંથી કેવી રીતે મળે?’ ‘અને જો લીના એની પત્ની હોય તો જે સાપુતારા ગઈ હતી એ અને પેલું

બાળક પણ એનું જ છે?’ ‘શું જયંત બંને પત્નીઓને છેતરી રહ્યો હતો?’ વગેરે વિચારોથી ડી.જી.પટેલનું મગજ ફરીથી ચકરાવે ચઢ્યું.

લીના થોડા સમય પછી સ્વસ્થ થઈ એટલે પટેલે પેલા વસિયતનામા વિષે પૂછ્યું કે જેનો ફોટો ખુદ જયંતે કોઈને વોટ્સએપ પર મોકલાવ્યો હતો.

“એ વસિયતનામું તો જયંતે મને વિશ્વાસ બેસાડવા માટે મોકલાવ્યું હતું”

“વિશ્વાસ? કઈ વાતનો વિશ્વાસ?”, પટેલના કાન સરવા થયા.

“મને ડાઉટ હતો કે જયંતનું કોઈ એક્સ્ટ્રા મેરીટલ અફેર હતું. મેં એને એ વિષે વાત કરી તો અમારી વચ્ચે

ઝઘડો થઇ ગયો એટલે મને ખાતરી કરાવવા માટે એણે મોકલાવેલું હતું”, લીના હજીયે જાણતી નથી કે જયંતને બીજી પણ એક પત્ની હતી.

“તો મિસિસ લીના તમને એ જાણીને આઘાત લાગશે કે જયંતને બીજી પણ એક પત્ની છે અને એ પણ અહી આ જ શહેરમાં”

“શું?”, લીના રીતસરની ડઘાઈ ગઈ.

“હા, અને એમનું મર્ડર થયું એ સમયે તેઓ એમના દીકરા સાથે સાપુતારા હતા”

“શું? એમનો એક દીકરો પણ છે? હાઉ ડીસ્ગસ્ટીંગ?”, થોડી વાર પહેલા જે જયંત માટે લાગણી હતી

એ જાણે કે પળવારમાં લીનાના મનમાંથી જડમૂળથી નાશ પામી.

“તમે જયંતને ક્યારથી ઓળખો છો?”, ડી.જી.પટેલ હવે ઉલટતપાસના મૂડમાં આવી ગયા.

“છ મહિનાથી. બે મહિનાનો પ્રેમ અને પછી તરત લગ્ન”, લીનાએ ચોખવટ કરી.

“તમે એના સંપર્કમાં ક્યાંથી આવ્યા? આઈ મીન તમારા બંને વચ્ચેની કોઈ લિંક?”

“હું એમની એક ઓફીસમાં એઝ અ રિસેપ્શનિસ્ટ કામ કરતી હતી”

“ઓહ! આઈ સી”, પટેલે કહ્યું, “ઓકે મિસિસ લીના, ટેક કેર ઓફ યોરસેલ્ફ. જરૂર હોય તો મને ફોન કરજો. તમારા કોઈ સગા રહે છે અહી?”

“હા મારા કાકાને ત્યાં જ જાઉં છું હું, અહી એક્લી રહેતા હવે મને ડર લાગે છે”

“સ્યોર. યુ મસ્ટ”

ડી.જી.પટેલ મહિલા કોન્સ્ટેબલ સાથે થાને જવા રવાના થયા.

“તમને જરા અજુગતું લાગ્યું સર?”, મહિલા કોન્સ્ટેબલે પટેલને પૂછ્યું.

“શું મેડમ?”

“એ જ કે લીનાએ જયંતની બીજી પત્ની હોવાનું જાણ્યા બાદ જે રીએક્શન આપ્યું એ ચોંકીને આપવામાં

આવતા રીએક્શન કરતાં સાવ જુદું જ હતું”

“એટલે?”

“એના હાવભાવ પરથી થોડી વાર મને એમ લાગ્યું જાણે કે એ પોતે આ વાત પહેલેથી જાણતી હોય”

“રીયલી”

“હા, સર મને ડાઉટ લાગ્યો એટલે કહું છું. એક સ્ત્રી આવું સત્ય જાણ્યા બાદ કેવો પ્રતિભાવ આપે એ એક સ્ત્રી જ સમજી શકે”

“આઈ હોપ યુ આર રાઈટ”

“તો હવે આપણે શું કરવું જોઈએ સર?”

“થોડી ગહન તપાસ સિવાય બીજું શું કરી શકીએ?”

“હા એ તો છે, અને લીનાની પાછળ એક ખબરી છોડીએ. જોઈએ કે એના કાકા ક્યાં રહે છે?”

“હા એ થાય એમ છે.”, કહીને પટેલે પોતાના એ વિસ્તારના ખબરીને એક્ટીવ થવા માટે ફોન કર્યો અને લીનાની માહિતી આપી.

એ ફોન મુક્યા પછી તરત ફોરેન્સિક એક્સપર્ટ ડોક્ટર શેખનો ફોન આવ્યો.

“બોલો શેખ સાહેબ, કંઈક સારા સમાચાર આપવાના છો કે પછી...?”, પટેલે ફોન ઉપાડતાવેંત કહ્યું.

“જયંત પાઠક કેસમાં એક વાત બહાર આવી છે.”

“બોલો”

“એના શરીરમાં પોઈઝન મોં વાટે નહિ પણ નાક વાટે, શ્વાસ નળીમાંથી એન્ટર થયું છે”

“ઓહ! રીયલી?”

“હા. હવે આ વાત કદાચ તમને કેસમાં હેલ્પ કરી શકે”

“જરૂરથી કરશે જ ડોક્ટર, થેન્ક યુ ફોર ધ ઇન્ફોર્મેશન”

“મેન્શન નોટ”

ફોન કટ થયો. પટેલે તરત પોતાની ત્રણ હવાલદારોની એક બટાલિયન જયંતના ઘરે મોકલી અને જયંતની કારની સારી રીતે છાનબીન કરવા કહ્યું. પોતે જીપ જયંતના ઘર તરફ જ વાળી.

ચેકિંગ હાથ ઘરાતા જયંતની કારમાંથી એક દુપટ્ટો, આરસી બૂક, લાયસન્સ અને અન્ય કારને લગતો સામાન મળ્યો.

પટેલે જયંતના ઘરે પહોચીને હેન્ડ ગ્લોવ્સ પહેર્યા અને પેલો દુપટ્ટો લઈને ફંફોસવા લાગ્યા. એમાંથી એક અજીબ પ્રકારની સ્મેલ આવતી હતી. આ સ્મેલ ક્યાંક તો એમણે સુંધી હતી. મગજ પર જોર આપતા યાદ આવ્યું કે આ એ જ પરફ્યુમની સ્મેલ છે જે લીનાના ઘરે ગયા ત્યારે લીનાએ છાંટેલું હતું.

મહિલા કોન્સ્ટેબલને લાગેલી ભનક બિલકુલ સાચી હોઈ શકે એવું ઇન્સ્પેક્ટર પટેલને લાગ્યું. એટલામાં જયંત પાઠકની બીજી પત્નીએ આવીને પટેલને પ્રશ્ન કર્યો, “કેમ ફરીથી તપાસ કરાવો છો? કોઈ કડી હાથ લાગી કે શું?”

ડી.જી.પટેલ વિચારોમાંથી બહાર આવ્યા અને જે કહેવા જેવું હતું એ બધું એમને કહ્યું. એક આઘાતમાંથી બહાર ન આવી શકેલી સ્ત્રી માટે આ એક બીજો મોટો આઘાત હતો. તે એ જીરવી શકે તેમ છે કે કેમ એ સંભાળવા માટે મહિલા કોન્સ્ટેબલને મુકીને પટેલ પોતે મુકેલા ખબરીને ફોન કરીને લીનાનું વર્તમાન સ્ટેટસ શું છે એ જાણવાનો નિર્ધાર કર્યો.

“હેલ્લો, હા બોલો સર”

“શું ખબર?”

“ખબર જોરદાર છે, હું તમને જ ફોન કરવાનો હતો”

“શું થયું?”

“આ મેડમ તો એમના એક બીજા પતિ કે જે વિધુર હતા એમની સાથે ક્યાંક બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે”

“ઓહ માય ગોડ! એટલે એ એકઝેટલી ક્યાં છે?”

“એ અહી એરપોર્ટ પર જ છે. એમની ઉતાવળ જોઇને એમ લાગે છે કે પ્લેન કદાચ નજીકના સમયમાં જ આવશે.”

“ઓકે અમે પહોચીએ છીએ”, કહીને તરત જ પટેલે ચારેય જણને જીપમાં બેસવાનું કહ્યું અને હવાલદારો હોવા છતાં પોતે સ્ટીયરીંગ પકડ્યું અને જીપ એરપોર્ટ તરફ ભગાવી.

ત્યાં પહોચીને ખબરીના જણાવ્યા પ્રમાણે લીના અને એના એક બીજા પતિ પટેલની નજરે ચઢ્યા કે તરત જ મહિલા કોન્સ્ટેબલને લીનાને સ્પોટ પર જ અરેસ્ટ કરી લેવા સૂચવ્યું.

લીનાને એના પતિ સહીત પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવી. હવે લીના પાસે સાચું કહેવા સિવાય કોઈ રસ્તો હતો નહિ.

“જયંત તારો પતિ હતો કે આ જે તારી સાથે છે એ?”, પટેલે કડકાઈથી પૂછ્યું.

“આ બંનેમાંથી કોઈ જ નહિ”, લીનાએ દબાયેલા અવાજે કહ્યું.

“કદાચ તારું નામ પણ લીના નથી,ખરું કે નહિ?”

“હ....હા”, લીનાને ખ્યાલ આવી ગયો કે એનો ભાંડો ફૂટી ગયો છે.

“તો સાચું નામ બોલ”, પટેલે ડંડો ટેબલ પર પછાડ્યો.

“ર....રેશમા”, એણે કહ્યું.

રેશમા એક એવી ગેંગનો ભાગ હતી કે જે અલગ અલગ લગ્નોત્સુક વિધુરો કુંવારાઓ, કે પરિણીત પણ બાહ્ય સંબંધોના શોખીન લોકોને ઝાળમાં ફસાવીને એમની સંપત્તિ પડાવી લેતા હતા. છેલ્લા ત્રણેક વર્ષોમાં આવા ઘણા કિસ્સા બહાર આવ્યા હોવાથી આખા પંથકની પોલીસ આ ગેંગને ઝડપવા દિવસ રાત એક કરી રહી હતી. જયંતની હત્યાના કેસના છેડા આ ગેંગ સાથે મળતા હશે એવું પટેલે વિચાર્યું પણ નહિ હોય.

“જયંતને કેમ માર્યો?”

“એણે વસિયતમાં નામ દાખલ કર્યું હતું અને એ વસિયતમાં લખેલી સંપત્તિ એના મોત વગર મારી ગેંગને મળવી મુશ્કેલ હતી”, એણે ગુનો કબુલ્યો.

“પણ પહેલાંના કેસમાં તો તમારી ગેંગ દ્વારા માત્ર લુંટના જ કેસ છે. વળી, ઘણાએ બદનામીના ડરથી કેસ દાખલ પણ નથી કર્યા”

“જયંત પાઠક એક મોટો શિકાર હતો. એટલે વધારે સંપત્તિ મેળવવાની લાલચમાં વસીયત સુધી વાત પહોચી અને જયંતના મર્યા વગર એ મળે તેમ નહતી”

“પણ એવી તે કઈ રીતે એને પોઈઝન આપ્યું?”

“એની કાર ના એસીના પેસેજમાં પોઈઝન મુક્યું હતું અને જેવું એણે એસી ઓન કર્યું કે તરત કોઈ કારણથી હું બહાર નીકળી ગઈ અને......”

“એ કયું પોઈઝન હતું?”

“રીસીન”

“તે દિવસે તારા ઘરે અમે આવ્યા ત્યારે અમારી સામે તે જે રીએક્શન આપેલા એ બધું...”

“એ બધું અમારી મોડસ ઓપરેન્ડીનો એક ભાગ જ હતું”, રેશ્માએ નીચું મોઢું રાખીને હકીકત જણાવી.

“રિડીક્યુલસ”, પટેલે ગુસ્સામાં કહ્યું, “તો તો પછી જયંતની ઓફીસમાં રિસેપ્શનિસ્ટની જોબ અને એ બધું પણ તમારું ઉપજાવેલું તરકટ જ હશે”

“હા”, રેશ્મા આટલું જ બોલી શકી.

“તારી ગેંગના બીજા સાથીઓ ક્યા છે? એકલા જ આ કામ પાર પાડવું શક્ય નથી”

રેશ્મા ચુપ રહી.

પટેલે મહિલા કોન્સ્ટેબલને આવવા કહ્યું.

“બોલે છે કે પછી આપું થર્ડ ડીગ્રી?”, એમણે તેણીને ધાક, ગુસ્સા સાથે ડંડો ઉંચો કરીને કડકાઈથી પૂછ્યું.

રેશ્માએ પોપટની જેમ બધા સાગરીદોના ઠેકાણા બતાવ્યા. અને પટેલે એમને ઝબ્બે કરવા ચક્રો ગતિમાન કર્યા.

“તમને પણ આ લોકોએ ઝાળમાં ફસાવેલા છે. તમે નસીબદાર છો કે બચી જશો”, પટેલે રેશ્મા સાથે પોલીસ સ્ટેશન આવેલા એના કથિત પતિને કહ્યું.

કેસ સોલ્વ થયા બાદ ડી.જી.પટેલ દર વખત ની જેમ એમના ટેબલ પર બેસીને અજીબોગરીબ પ્રકારના ગુનાઓ કરતા અપરાધીઓ વિષે વિચાર કરતા રહ્યા.

(સમાપ્ત)