VISHAD YOG-CHAPTER-18 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વિષાદ યોગ- પ્રકરણ-18

Featured Books
Categories
Share

વિષાદ યોગ- પ્રકરણ-18

બીજા દિવસે નિશીથે કારને ઘોઘા તરફ જવા દીધી. કારની સાથે વિચારયાત્રા પણ ચાલુ હતી. આગલે દિવસે તે લોકો જ્યારે દાદાને ત્યાંથી નીકળ્યા પછી દાદાએ રઘુવિરભાઇનું કાર્ડ આપેલું તેમાં જોયું તો રઘુવિરભાઇનું એડ્રેસ સુરતનું હતું. તે લોકોએ ઘોઘાથી દહેજની ફેરી સર્વિસમાં સુરત જવાનું નક્કી કર્યુ હતું. તે માટે આજે અહીંજ ક્યાંક રોકાઇ જવાનું નક્કી કરી હાઇવે પર આવેલી ‘રંગોલીપાર્ક હોટેલ’ પર કારને લીધી. હોટલમાં જઇ નિશીથે બે રૂમ બુક કરાવ્યા. એક ચાવી નિશીથે પોતાના પાસે રાખી અને બીજી કશિશને આપતા કહ્યું “લે આ ચાવી પહેલા આપણે ફ્રેસ થઇ જઇએ પછી નીચે મળીએ.” એમ કહી નિશીથ અને સમીર તેના રૂમમાં ગયા અને કશિશ તેના રૂમમાં ગઇ. આખા દિવસની રખડપટ્ટી અને માનસિક કસરતથી ત્રણેય થાકેલા હતા. નિશીથ બાથ લઇ બહાર આવ્યો ત્યાં ઇંટરકોમ પર કશિશે કહ્યું કે હું નીચે જઉં છું તમે ત્યાંજ આવજો. સમીર બાથ લેવા જતો હતો તેને નિશીથે કહ્યું “ તું બધુ પતાવીને નીચેજ આવજે હું અને કશિશ ત્યાં તારી રાહ જોઇશું.” નિશીથ પહોંચ્યો ત્યારે કશિશ બેંક્વેટ હોલમાં એક ટેબલ પર બેસી તેની રાહ જોઇ રહી હતી. નિશીથ કશિશ તરફ આગળ વધ્યો. કશિશે વ્હાઇટ ટીસર્ટ અને નીચે બ્લેક જીન્સ પહેર્યુ હતું. વ્હાઇટ ટીસર્ટમાંથી તેના શરીરના વળાંકો સ્પષ્ટ દેખાતા હતા. તાજાજ ધોયેલા વાળમાં એક બકલ નાખી બાંધી દીધા હતા. કોઇ પણ જાતના મેકઅપ વિના કશિશ એકદમ સુંદર લાગતી હતી. નિશીથતો થોડીવાર એમજ તેને જોતો રહ્યો. આજુબાજુના ટેબલ પર બેઠેલા લોકો પણ ત્રાસી નજરે કશિશ તરફ જોઇ રહ્યા હતા. નિશીથે કશિશની સામેની ખુરશીમાં બેસતા કહ્યું “કશિશ, એકવાત કહું, તને જોઇ અત્યારે મને એમ થાય છે કે મમ્મી કહેતી હતી તે સાચું હતુ મારે સગાઇ કરી લેવી જોઇતી હતી.” આ સાંભળી કશિશના મોં પર સ્મીત આવી ગયું અને બોલી “ કેમ? એવું શુ કામ લાગે છે?” આ સાંભળી નિશીથે તેના હોઠ પર જીભ ફેરવતા કહ્યું “એક તો તું એટલી હોટ લાગે છે કે જો સગાઇ કરી હોત તો હું ઓફીસીયલી અડધો નાસ્તો તો કરી જ શકું.” આ સાંભળી કશિશ હસી પડી અને બોલી “એકદમ ટપોરી લાગે છે. જાણે જુની હિંદી ફીલ્મનો વિલન ના હોય.” આ સાંભળી નિશીથ બોલ્યો “એમાં વિલન શું કરે બીચારા પેલી હિરોઇન એટલી સેક્સી લાગતી હોય કે વિલન બીચારો પોતાનો કંટ્રોલ ગુમાવી દે હવે એમા તે બિચારાનો શું વાંક?” એમ કહી નિશીથે આંખ મારી આ જોઇ ટેબલ નીચેથી કશિશે એક જોરદાર લાત મારીને કહ્યું “હવે બહું વિલન નહીં થા નહીંતર આજ રીતે માર પડશે. અને હવે બીજુ કારણ કહે કે તને એવું શું કામ લાગે છે?” આ સાંભળી નિશીથે કહ્યું “આજુબાજુના બધાજ ટેબલવાળા ત્રાસી નજરે તને જોઇ રહ્યા છે. આમા મારું પતું કયારે કપાઇ જાય એ કંઇ નક્કી ના કહેવાય. તેના કરતા સગાઇ કરી લીધી હોત તો આટલી હોટ છોકરી પર મારું રીઝર્વેશન થઇ ગયું હોત.” આ સાંભળી કશિશ ખિલખિલાટ હસી પડી. આ જોઇ નિશીથ પણ હસી પડ્યો. કશિશ બોલી “નિશીથ આમા તો એવું છે તમે પુરુષોની નજરથી જોવો તો એવું જ લાગે કે કાગડો દહીંથરું લઇ ગયો પણ સ્ત્રીની નજરથી જોવો તો એવુ લાગે કે કાગડી દૂઘપાક પી ગઇ.” આ સાંભળી નિશીથ ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો “કાગડાવાળી કહેવત સાંભળી હતી પણ તેતો કહેવતને પણ મોડીફાઇડ કરી દીધી.” પછી થોડું રોકાઇને આગળ બોલ્યો “કશિશ, એકવાતતો નક્કીજ છે કે મારા નસીબ સારા છે કે તારા જેવી છોકરીએ મને પસંદ કર્યો. તારું માત્ર બાહ્ય સોદર્ય મને નથી આકર્ષી ગયું. એવી તો ઘણી સુંદર છોકરી મારી પાછળ ફરતી હતી પણ તારું આંતરિક સોંદર્ય પણ મને આકર્ષી ગયું છે. તુ જેટલી સુંદર છે એટલુજ તારું મન અને હ્રદય સુદર છે.” આટલુ બોલી નિશીથે કશિશના હાથ પર હાથ મુકી દીધો. આ સાંભળી કશિશ લાગણીશિલ થઇને બોલી “નિશીથ તું મારા એટલા બધા વખાણ નહીં કર જેથી મને મારી જાત પર અભિમાન આવી જાય. હું પણ તારા જેટલીજ નસીબદાર છું કે મને તારા જેવો લાગણીશિલ છોકરો મળ્યો છે. જેની સાથે હું મારી કોઇ પણ લાગણી સંકોચ વગર શેર કરી શકું છું. જે મને ચાહે છે અને કોઇ પણ જાતના આડંબર કે દેખાડા વગર હું જેવી છું તેવીજ તેને ગમે છે. મને તારામાં જો સૌથી વધુ એક વાત ગમી હોય તો તે એ છે કે મારા માટે તું એવો વ્યક્તિ છો જેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકાય અને આપણને ખાતરી હોય કે ગમે તે થાય દુનિયામાં આ એક માણસ એવો છે જે કોઇ પણ પરિસ્થિતિમાં મારો સાથ નહીં છોડે. નિશીથ કદાચ તને ખબર નથી કે એક છોકરી માટે આ સુરક્ષિતતાની લાગણી કેટલું મહત્વ ધરાવે છે.” આટલું બોલી કશિશ ચૂપ થઇ ગઇ. બંને ઘણો સમય હાથ પકડી એકબીજાની આંખમાં જોતા બેસી રહ્યાં. આંખો વડે વાત થતી રહી અને હાથ વડે લાગણી વહેતી રહી. અચાનક સમીરે આવીને કહ્યું “ તમને તો આ બધામાં ભૂખ નહીં લાગે પણ મને તો બહુંજ ભૂખ લાગી છે.” આ સાંભળી બંનેએ જોયું તો સમીર ટેબલ પાસે ઊભો ઊભો હસતો હતો. આ જોઇ નિશીથે પુછ્યું “અરે, તું કયારે આવી ગયો?”

“એકાદ મિનીટથી ઊભો છું પણ કોઇનું ધ્યાન જ નથી મારા તરફ. ભાઇ આજુબાજુ પણ જોતા રહો. આ દુનિયામાં તમારા બે સિવાય પણ ઘણા માણસો છે.” એમ કહી તે ખાલી ખુરશી પર બેઠો. નિશીથે હસતા હસતા કહ્યું “ચાલ ચાલ ઓર્ડર આપ. તારીજ રાહ જોતા હતા.”

“હા, એતો મે જોયું કે કોણ રાહ જોતું હતું.” સમીરે મજાક કરતા કહ્યું.

ત્યારબાદ ત્રણેય જમ્યા અને પોતપોતાના રૂમમાં જઇને સુઇ ગયાં. સવારે નવ વાગે ત્રણેય ઘોઘા પાસે આવેલ રૉ-રૉ ફેરી સર્વિસના ટર્મીનલ તરફ જવા કારમાં ગોઠવાયા અને અત્યારે ભાવનગર બાયપાસ પર ક્રોસ કરી રહ્યા હતા. ઘોઘા પાસે આવેલ ટર્મીનલ પર પહોંચી ત્રણેય રાહ જોવા લાગ્યા. આગલા દિવસેજ નિશીથે સવારે 11 વાગ્યાની ટ્રીપમાં ઓનલાઇન બુકીંગ કરી દીધું હતું. શિપ આવતાજ નિશીથે કાર અંદર ચડાવી દીધી અને પછી ઉપરના માળ પર આવેલ પેસેંજરના વિભાગમાં જઇને ત્રણેય બેઠા. શિપ ચાલુ થયું અને સમુદ્રનો ઠંડો પવન ચહેરા પર અથડાવા લાગ્યો. ખુશનુમાં વાતાવરણને લીધે ત્રણેયનો મુડ પણ સારો હતો. ત્રણેય વાત કરવા લાગ્યા “તને શું લાગે છે, આ રઘુવિરભાઇ પાસેથી આપણને માહિતી મળશે?” કશિશે નિશીથને પુછ્યું. “જોઇએ, શું થાય છે. કઇક માહિતી મળે તો સારું. નહીંતર બીજું કંઇક વિચારવું પડશે.” નિશીથે કહ્યું.

“ના, મને તો લાગે છે કે ચોક્કશ ત્યાંથી કોઇ માહિતી મળશે. આમ પણ આપણા નસીબ સારા છે. કાલે પેલા દાદા આપણને અચાનકજ મળી ગયા, નહીંતર આપણે અહીં સુધી પહોંચી જ શક્યા ન હોત.” આ સાંભળતાજ નિશીથને પેલા શાસ્ત્રીએ કહેલું વાક્ય યાદ આવી ગયું કે “આ શક્તિજ તમને મદદ કરશે.” આ યાદ આવતાજ નિશીથના મનમાં પ્રશ્ન થયો કે શું સાચેજ કોઇ એવી શક્તિ છે જે અમને રસ્તો બતાવી રહી છે? તેના વિચારનો જ પડઘો પાડતી હોય તેમ કશિશ બોલી “હા, યાર મને લાગે છે કુદરત આપણી સાથે જ છે. મને હવે ધીમે ધીમે વિશ્વાસ થઇ ગયો છે કે આપણે જરૂર તે રહસ્ય સુધી પહોંચશું.” આ વાત પાછળ બેઠેલો એક વ્યક્તિ છાપું વાચવાનો ડોળ કરતો સાંભળી રહ્યો હતો. આ એજ વ્યક્તિ હતો જે આગલે દિવસે રાતે પણ તે લોકોનો પીછો કરી રહ્યો હતો. તેણે પણ નિશીથની સાથેજ કાર શિપમાં ચડાવી દીધી હતી અને પછી અહીં આવીને બેસી ગયો હતો. શિપ જ્યારે સામા કાંઠે દહેજ પાસે પહોંચ્યું ત્યારે લગભગ 1વાગી ગયો હતો. તે લોકો નીચે ઉતરી કાર નીચે આવે તેની રાહ જોવા લાગ્યા. થોડી વારમાં શિપનું પાછળનું ફાળકું નીચે આવ્યું અંદર પડેલી કાર ઉતારવા માટે બધાને બોલાવ્યા. નિશીથ અંદર ગયો અને થોડીવારમાં કાર લઇને આવ્યો એટલે સમીર અને કશિશ તેમા ગોઠવાયા. નિશીથે મોબાઇલમાં ગુગલ મેપ ચાલુ કરી સુરતનુ લોકેશન નાખી કારને ભરૂચ તરફ જવા દીધી. ભરૂચ પહોંચતાજ નિશીથે કારને ગોલ્ડન બ્રિજ પરથી અંકલેશ્વર તરફ જવા દીધી. ત્યાં સુધીમાં બે વાગી ગયા હતા અને હવે બધાને ખૂબજ ભૂખ લાગી હતી એટલે નિશીથે અંકલેશ્વર-સુરત હાઇવે પર આવેલ તાપી હોટેલ પર કાર ઊભી રાખી. હોટેલ પર પહોંચી તે લોકો ફ્રેસ થઇ જમવા બેઠા. તાપી પર કાઠિયાવાડી ભોજન ખૂબ સરસ હતું, તેમાં સુરતી ઊંધિયું તો ત્રણેયને ખૂબ ભાવ્યું. જમીને તે લોકો ફરીથી સુરત તરફ આગળ વધ્યા. તે લોકો સુરત પહોંચ્યા ત્યારે 4 વાગવા આવ્યાં હતા એટલે સિધાજ રઘુવિરભાઇના ઘરે જવાનું નક્કી કર્યું. નિશીથે કાર્ડમાં જોયું તો અડાજણનું એડ્રેસ હતું. નિશીથે એડ્રેસ જીપીએસમાં એડ કરી કારને જવા દીધી. ગુજરાત ગેસ સર્કલથી જમણી બાજુ સ્ટારબજાર પાસે પહોંચી તેણે કાર ઊભી રાખી અને જીવનદીપ સોસાયટી વિશે એક ભાઇને પુછ્યું તો તેણે કહ્યું “ આ પાછળની ગલીમાં આગળ જશો એટલે સામે જે ગેટ છે તેજ જીવનદીપ સોસાયટી છે.” નિશીથે જીવનદીપ સોસાયટીમાં જઇ બ્લોકનંબર 65 સામે જઇને કાર પાર્ક કરી એટલે બધા નીચે ઉતર્યા. આખી સોસાયટી ડુપ્લેક્ષ મકાનોની હતી. નિશીથ મેઇન ગેટ ખોલી અંદર દાખલ થયો અને ઘરના દરવાજાની ડૉર બેઇલ વગાડી. થોડીવાર બાદ એક યુવાન સ્ત્રીએ દરવાજો ખોલ્યો એટલે નિશીથે કહ્યું “અમારે રઘુવિરભાઇનું કામ છે. અમે તેને મળવા ભાવનગરથી આવીએ છીએ.” આ સાંભળી તે સ્ત્રીએ તે લોકોને અંદર આવવા કહ્યું અને પછી તે ઉપર જતી રહી. થોડીવાર બાદ તે સ્ત્રીની પાછળ એક અધેડ ઉમરની વ્યક્તિ નીચે ઉતરી. તે વ્યક્તિએ નીચે આવીને કહ્યું “હા, બોલો હુંજ રઘુવિરભાઇ છું. શુ કામ હતું?.” નિશીથ તેને જોઇને આશ્ચર્ય થયું. કેમકે સામેની વ્યક્તિની ઉમર 65 વર્ષની હશે પણ તે તો એકદમ 50 વર્ષના લાગતા હતા. નિશીથે રઘુવિરભાઇને કહ્યું “અમને તમારી પાસે ભિમસિંહબાપાએ મોકલ્યા છે.” આ સાંભળી તેના ચહેરા પર થોડા ભાવ બદલાયા અને તેણે પેલી સ્ત્રીને બધા માટે પાણી લાવવા માટે કહ્યું અને પછી બોલ્યા “હા, બોલો હું તમને શું મદદ કરી શકું.” આ સાંભળી નિશીથે કહ્યું “અમારે તમારી પાસેથી થોડી આશ્રમ વિશે માહિતી જોઇએ છે.” આ સાંભળી રઘુવિરભાઇને પણ નવાઇ લાગી કેમકે આશ્રમ છોડ્યા પછી આટલા વર્ષોમાં કોઇ તેને આ રીતે મળવા આવ્યું નહોતું. રઘુવિરભાઇ ઊભા થયા અને બધાને કહ્યું “ચાલો મારી સાથે.” અને પછી પેલી સ્ત્રીને ઉદેશીને કહ્યું “માધવી, આ લોકો માટે ઉપર ચા મોકલાવજે.” રઘુવિરભાઇ બધાને ધાબા પર લઇ ગયા. ધાબા પર એક ઝુલો હતો અને સામે ચાર પાંચ ખુરશીઓ મુકી હતી. ધાબા પર ચારે બાજુ નાના-નાના કુંડામાં છોડ વાવેલા હતા. રઘુવિરભાઇ ઝુલામાં બેઠા એટલે તે લોકો સામેની ખુરશીમાં ગોઠવાયા. ત્યારબાદ નિશીથે તેને કહ્યું “મને મારા મમ્મી પપ્પાએ તમારા આશ્રમમાંથી જ દત્તક લીધો હતો. મારે એ જાણવું છેકે હું તમારા આશ્રમમાં કઇ રીતે આવ્યો હતો.”

આ સાંભળીને રઘુવિરભાઇએ પહેલા તો કોઇ માહિતી આપવાની ના પાડતા કહ્યું “એ આશ્રમના નિયમ વિરુધ છે. કોઇને પણ અમે તેને કોણ આશ્રમમાં મુકી ગયુ હતુ તે માહિતી ના આપી શકીએ.” નિશીથને ખબર જ હતી કે પહેલા તો આવોજ જવાબ મળશે. નિશીથે ત્યારબાદ તેની આખી વાત રઘુવિરભાઇને કરી આ સાંભળી રઘુવિરભાઇ થોડીવાર તો વિચારવા લાગ્યા પછી જે બોલ્યા તે સાંભળી ત્રણેય વિચારવા લાગ્યા કે હવે શું કરવું?

-------------*********--------*******-----------------*******-----------------------

સુરસિંહે બીજા દિવસે સવારે વિરમના ગયા પછી પોતાનો પ્લાન અમલમાં મુકવાનું શરૂ કર્યુ. પહેલાતો તેણે અંદરથી એક ટેપરેકોર્ડર કાઢી વિરમની રાતે કરેલી બધીજ વાતનું તેણે રેકોર્ડીંગ કરી લીધુ હતુ તે સાંભળ્યું. આખી વાત તેણે બે ત્રણ વાર સાંભળી પછી તે એક ચોક્કસ તારણ પર આવ્યો હતો કે જરૂર હજુ કોઇ એવી વાત છે જે વિરમ મારાથી છુપાવે છે. કેમકે વિરમને આ ખજાના વિશે અને તેના માણસો વિશે ખબર કેમ પડી તે તો તેણે જણાવ્યું જ નથી. આ ઉપરાંત કૃપાલસિંહે શાના આધાર પર પાલીતાણામાં આવેલા શંત્રુજય ડુંગરોમાં તપાસ કરાવી હતી? તે પણ વિરમે તેને કહ્યું નહોતું. આ ઉપરાંત આ બધીજ તપાસ થઇ હતી, તે શેની શોધમાં થઇ હતી તે પણ વિરમ જાણતો નહોતો અથવા તે જાણતો હોવા છતા મારાથી છુપાવતો હતો. આમ ઘણા બધા પ્રશ્નો એવા હતા જેના જવાબ મેળવવા પડે તેમ હતા. આ વિચાર સાથેજ તેણે નક્કી કરી લીધુ કે હવે આ વિરમ પાસેથી પુરતી માહિતી કઢાવવી હશે તો કોઇક ચાલ રમવીજ પડશે. અને આમ વિચારી તેણે આજ રાતનો પ્લાન નક્કી કરી નાખ્યો. પ્લાન માટે જરૂરી વસ્તુ લેવા તે પોતાનું બાઇક લઇને નીકળી ગયો. બધીજ વસ્તુ લઇને આવ્યા બાદ તેણે સાથે લાવેલ નાસ્તો કર્યો અને પછી મેદાનમાં એક લીમડાના ઝાડ નીચે ખાટલો નાખી તેના પર લાંબો થયો અને વિરમને ફોન લગાવ્યો. વિરમે ફોન ઉચક્યો એ સાથેજ સુરસિંહે કહ્યું “શું કેવી લાગી કાલની મહેફીલ? મજા આવીને?”

સામેથી કંઇ કહેવાયુ તે સાંભળી સુરસિંહે પાનો ચડાવતા કહ્યું “હવે તો તારે રાતે રોજ અહીંજ આવી જવાનું આપણા પ્લાન વિશે વિચારીશું અને પાર્ટી કરીશું.” આ સાંભળી વિરમે કંઇક કહ્યું તે સાંભળી સુરસિંહે કહ્યું “ અરે, આ જગ્યાજ એવી છે કે કોઇને કશો શક ના જાય છતા, આજ રાતે તો આવ પછી એવુ હશે તો થોડા દિવસ બંધ રાખીશું.” એમ કહી સુરસિંહે સામેથી જવાબ આવતા ફોન કટ કરી નાખ્યો અને તેના ચહેરા પર એક ખંધુ સ્મિત આવી ગયું અને તે મનમાંજ બોલ્યો “દીકરા, આ સુરસિંહ પણ તારો બાપ છે. તને એમ લાગતુ હોય કે મને કંઇ ખબર નહીં પડે તો તું મોટી મુર્ખામી કરે છે.” અને પછી રાતનો પ્લાન બનાવતો ખાટલામાં આંખો મીચીને પડ્યો રહ્યો અને તેને ક્યારે ઉંઘ આવી ગઇ તે તેને ખબર ન પડી.

-------------*************----------------******-----------------***********------

બીજા દિવસે વિલી જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે તેની પત્નીએ કહ્યું “જલદી આવજો” આ બોલતી વખતે પત્નીની આંખમાં જે લાગણી હતી તે જોઇ વિલીને એક વારતો પોતાની જાત પર નફરત આવી ગઇ કે પોતે આવી લાગણીશીલ અને પોતાની જાત સંપુર્ણ મને સમર્પિત કરનારી પત્નીનો વિશ્વાસઘાત કરી રહ્યો છે. તેણે તેની પત્નીને ભેટીને કહ્યું “જાન, તારા વિના મને પણ નહીં ગમે પણ શું કરુ કામ છે એટલે જવુ જ પડશે. આ વખતે પાછો આવીશ એટલે બે ત્રણ દિવસ તને છોડી ક્યાંય નહીં જાવ અને પછી ‘બાય’ કરી ત્યાંથી નીકળી ગયો. તેની પત્ની પણ તેના ખોટા વચનને જાણતી હતી, એટલે કંઇ બોલી નહીં. વીલીએ અમદાવાદ વસ્ત્રાપુરથી નીકળી કારને થલતેજમાં આવેલ એક એપાર્ટમેન્ટના પાર્કીંગમાં ઊભી રાખી અને લીફ્ટમાં છઠ્ઠા માળે ગયો અને 601 નંબરના બ્લોકની ડોરબેલ વગાડી. બે મિનિટ બાદ એક સુંદર યુવતિએ દરવાજો ખોલ્યો અને વિલીને જોતા જ તે ખુશ થઇ ગઇ અને વિલીને હાથ પકડી અંદર લઇ ગઇ. દરવાજો બંધ કરી તે વિલીને વીંટળાઇ વળી અને વિલીના હોઠ પર પોતાના હોઠ મુકી દીધા થોડીવારના દીર્ઘ ચુંબન પછી તે વિલીથી છુટી પડી અને પછી બોલી. સુમિત ડાર્લીગ હું તને કેટલી મીસ કરતી હતી. પણ તને તારા કામમાંથી ક્યાં ફુરસદ જ મળે છે? આટલુ બોલી તેણે વિલીને બેડરૂમમાં ખેંચ્યો અને બેડ પર બેસાડી તે યુવતિએ ફ્રીઝમાંથી એક વિસ્કીની બોટલ કાઢી અને બે ગ્લાસ ભર્યા. આ બે ગ્લાસમાંથી એક તેણે વિલીને આપ્યો અને બીજો પોતે હાથમાં રાખી બેડમાં વિલીની બાજુમાં ગોઠવાઇ. વિલીનો સાથ મળતા તે યુવતી આનંદિત થઇ ગઇ હતી. તેની આંખમાં વીલી માટે સાચેજ એક લાગણી દેખાતી હતી. આ યુવતીનુ નામ હતુ સુપ્રિયા ચેટરજી. તેણે કોમ્પ્યુટર એંજીનીયરીંગ કર્યુ હતુ અને એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરતી હતી અને સુમિતને પ્રેમ કરતી હતી. તે વિલીને સુમિત ત્રીપાઠીના નામથી ઓળખતી હતી. સુપ્રિયાની કંપની કૃપાલસિંહની પાર્ટીની વેબસાઇટ બનાવી તેને મેંટેન કરતી હતી. આ અરસામાં વિલી સુપ્રિયાને એક બે વાર મળેલો અને પછી બંને એકબીજાની નજીક આવી ગયેલા. સુપ્રિયા વિલીને એક વર્ષથી લગ્ન કરવા માટે સમજાવતી હતી પણ વીલી તેને કોઇને કોઇ બહાનું બનાવી સમજાવી લેતો હતો. આ છોકરી સુપ્રીયાને ક્યાં ખબર હતી કે તે જે સુમિતને લગ્ન માટે સમજાવે છે તે ઓલરેડી મેરીડ છે અને તેને ત્રણ વર્ષનો દીકરો છે. અરે તેને તો એ પણ નહોતી ખબર કે તે જેને સુમિત માને છે તેનુ સાચું નામ વિકાસ ગુપ્તા છે જેને બધા સોર્ટમાં વિલી તરીકે ઓળખે છે. જો સુપ્રિયાને આ વિલીના ભુતકાળના કારનામા ખબર હોતતો તે વિલીને પોતાની આસપાસ પણ ફરકવા ન દીધો હોત.

-------------------*********---------------*************--------------******------

બીજા દિવસે સુરસિંહે વિરમને ફોન કરી ફરીથી પાર્ટી માટે બોલાવ્યો અને બંને વાતોએ વળગ્યા.

સાંજ થતાજ સુરસિંહે તેની પાસે રહેલ દારૂની બોટલ કાઢી અને બંનેએ પીવાનું શરુ કર્યું. સુરસિંહે આજે જાણી જોઇને પીવામાં લિમિટ રાખી અને વિરમને આગ્રહ કરી પીવડાવવા લાગ્યો. લગભગ 12 વાગ્યે સુરસિંહે છેલ્લો દાવ ખેલ્યો. વિરમના દારૂના ગ્લાસમાં સુરસિંહે ઊંઘની ગોળી નાખી દીધી. વિરમે એકજ ઘુટડે બધોજ દારુ પેટમાં ઠાલવી દીધો. એક તો વિરમ તેની કેપેસીટી કરતા ઘણો વધારે દારૂ પી ગયો હતો અને તેમાં પાછી સુરસિંહે ઉંઘની ગોળી પીવડાવી દીધી. આ બંનેની અસર નીચે તે બેજ મિનિટમાં ખાટલામાં ઢળી પડ્યો. સુરસિંહે તેને ઉંચકી ઓરડીમાં સુવડાવ્યો અને વિરમના ખિસ્સામાંથી ચાવી કાઢી પછી પોતાની ઓરડી બહારથી બંધ કરી. સુરસિંહે બાઇક સ્ટાર્ટ કરી વિરમના ખેતર તરફ જવા દીધી. વિરમના ખેતર પર પહોંચી સુરસિંહે બાઇકને ઓરડીની પાછળ છુપાવી દીધી. ત્યારબાદ તેણે આજુબાજુ નજર નાખી કે કોઇ તેને જોતુ તો નથી ને. કોઇ દેખાયુ નહીં એટલે તેણે વિરમના ખીસ્સામાંથી લીધેલી ચાવી વડે ઓરડી ખોલી. વિરમે તે દિવસે કરેલુ તેજ રીતે સુરસિંહે ખાટલો ઉંચો કર્યો અને લાદી ખસેડી. નીચે રહેલ છુપા દરવાજાને બાજુમાં ખસેડી તે અંદર દાખલ થયો. અંદર રૂમમાં જઇ તે બધેજ તપાસ કરવા લાગ્યો અને બધીજ વસ્તુઓ ફેરવીને તપાસવા લાગ્યો. લગભગ એકાદ કલાકની શોધખોળ પછી પણ તેને કંઇ ના મળ્યું. તે છેલ્લે કંટાળીને બહાર નીકળવા જતો હતો ત્યાં તેની નજર બેડની પાછળ પડેલા એક ટેબલ પર પડી. તે ટેબલ પાસે ગયો અને તેના ખાનામાં જોયું તો તેમાં ઘણા કાગળ પડ્યા હતા. સુરસિંહ એક પછી એક કાગળ જોતો ગયો પણ ક્યાંય કશુ કામનું મળ્યું નહીં. છેલ્લા બે કાગળ તેણે ઉપાડ્યા અને જોયા એ સાથે તેની આંખો પહોળી થઇ અને તેના ચહેરા પર સ્મિત આવી ગયું.

--------------*******---------*******--------*********-------------*******-----------

સુરસિંહના હાથમાં એવું શું આવી ગયુ જેને જોઇને તે ચોંકી ગયો? વિલીની જિંદગીમાં આગળ શું થશે? નિશીથનો પીછો કોણ કરી રહ્યું છે? વિલી આ બધાજ સાથે કઇ રીતે જોડાશે? વિરમ અને સુરસિંહનો પીછો કોણ કરી રહ્યું છે? અને શુ કામ કરી રહ્યુ છે? કૃપાલસિંહ અને ગંભીરસિંહ કોણ છે? કૃપાલસિંહ કઇ રીતે ગાંધીનગર પહોંચી ગયો? સુરસિંહ અને કૃપાલસિહને એકબીજા સાથે શું સંબંધ છે? આ પ્રશ્નોના જવાબ જાણવા માટે આ નવલકથા “વિષાદ યોગ” વાંચતા રહો. મિત્રો આ વાર્તા વાંચી રેટીંગ ચોક્કસ આપજો અને શક્ય હોય તો તમારો પ્રતિભાવ પણ આપજો. તમને જો આ નોવેલ ગમી હોય તો તમારા સગા સંબંધી અને મિત્રોને પણ વાંચવાની ભલામણ કરજો.
મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો.મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsapp number પર જરૂરથી આપજો.

‌‌‌‌-------------------------********************--------------------------*****************-------------------------

HIREN K BHATT :- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM