રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 11
"રાત કલી એક ખ્વાબ મેં આઈ ઔર ગલે કા હાર હુઈ..
સુબાહ કો હમ નીંદ સે જાગે આંખ ઉનહીં સે ચાર હુઈ.."
સવારે કબીરની આંખ ખુલી ત્યારે નવ વાગી ચુક્યાં હતાં.. એટલે એ ફટાફટ ઉભો થઈને બાથરૂમ તરફ આગળ વધ્યો.વોશબેશીન જોડે ઉભાં રહીને કબીર બ્રશ કરી રહ્યો હતો ત્યાં એની નજર વોશબેશીન ની જોડે લગાવેલાં મિરર તરફ પડી..નજર પડતાં જ શરુવાતમાં લખેલાં ગીતની પંક્તિઓ માફક કબીરે અરીસામાં દેખાતાં પ્રતિબિંબમાં પોતાની મુખાકૃતિ જોઈ.જાણે અરીસાની પેલી પારથી એ યુવતી પોતાની તરફ જોઈ રહી હોય એવું કબીરને મહેસુસ થયું.
આ દ્રશ્ય સત્ય નહીં પણ પોતાની કલ્પના હતું એ વાતથી વાકેફ કબીર મોં ધોઈને પોતાનાં રૂમમાંથી બહાર નીકળ્યો..દાદરો ઉતરીને એ નીચે આવ્યો તો જીવાકાકા એમનાં કામમાં વ્યસ્ત હતાં.. કબીરને જોઈ જીવાકાકા એ કહ્યું.
"સાહેબ ત્યાં તમારી કોફી માટે દૂધ ગરમ કરી રાખ્યું છે..તમે જોઈએ એટલી કોફી નાંખી દેજો..અને પ્લેટફોર્મ પર ગરમાગરમ ભાખરી બનાવીને મુકી છે."
જીવાકાકાની વાત સાંભળી કબીરે એ પોતાનાં માટે કોફીનો મગ તૈયાર કર્યો અને રસોડાનાં પ્લેટફોર્મ પર રાખેલ ભાખરી લઈને એક ખુરશીમાં ગોઠવાયો.
"કાકા,ગીરીશભાઈ ને પૂછ્યું હતું કે એમની વિઝિટનો ચાર્જ કેટલો થયો..?"કબીરે જીવાકાકાને ઉદ્દેશીને કહ્યું.
"સાહેબ,હું ડોકટર ગીરીશભાઈનાં દવાખાને ગયો હતો અને એમને વિઝિટનો ચાર્જ પણ પુછ્યો પણ એમને કહ્યું કે ઠાકુર પ્રતાપસિંહ નાં મહેમાન જોડેથી એ પૈસા કઈ રીતે લઈ શકે કેમકે ઠાકુર સાહેબનાં મહેમાન એ એમનાં માટે પણ મહેમાન જ છે.."જીવાકાકા એ કચરો વાળતાં વાળતાં કબીરનાં સવાલનો જવાબ આપતાં કહ્યું.
"અરે એવું તો થોડું ચાલતું હશે..હું રૂબરૂ જઈને ગીરીશભાઈ ને મળીને એમની વિઝિટનો ચાર્જ આપતો આવીશ."કબીરે કોફીનો મગ ખાલી કરતાં કહ્યું.
"કાકા,હું સ્નાન કરીને શિવગઢ જાઉં છું..બપોર સુધીમાં પાછો આવી જઈશ."આટલું કહી કબીર પોતાનાં રૂમ ભણી આગળ વધ્યો.
સ્નાન પૂર્ણ કરી તૈયાર થઈને કબીર પોતાની ફોર્ચ્યુનર લઈને શિવગઢ તરફ ચાલી નીકળ્યો.કબીરનો વિચાર હતો કે આ નાનકડાં ગામમાં રહી નિઃસ્વાર્થ ભાવે સેવા આપતાં ડોકટરની મુલાકાત કરવી અને મહાદેવનાં મંદિરે જઈ ભગવાન શંકરનાં દર્શન કરવાં.એ બહાને પોતાનાં મનને પણ થોડી રાહત મળી જશે એવું પણ કબીરે વિચાર્યું હતું.
ગામમાં પહોંચી કબીરે ચા ની કીટલી પર જઈને ગીરીશભાઈનાં હોસ્પિટલનો રસ્તો પુછ્યો અને ગાડી ને એ તરફ ભગાવી મુકી.. કબીર એ જગ્યાએ પહોંચી ગયો જ્યાં ડોકટર ગીરીશભાઈનું દવાખાનું હતું.કબીરે જોયું કે એ દવાખાનું એક નળીયાવાળાં મકાનમાં બનાવાયું હતું અને એ મકાન પ્રમાણમાં ઠીકઠાક કહી શકાય એવી સ્થિતિમાં હતું.
કબીર જેવાં આકર્ષક વ્યક્તિત્વનાં માલિક અને આ ગામ માટે અજાણ્યાં વ્યક્તિને પોતાનાં દવાખાનામાં જોઈ ગીરીશભાઈનો કંપાઉન્ડર રાજુ થોડું આશ્ચર્ય જરૂર પામ્યો..પણ જ્યારે કબીરે એને પોતાનો પરિચય આપ્યો ત્યારે એ સમજી ગયો કે કબીર એજ વ્યક્તિ હતો જેની સારવાર માટે ગીરીશભાઈ વુડહાઉસ ગયાં હતાં.
રાજુ પહેલાં તો ગીરીશભાઈ જ્યાં બેસતાં એ જગ્યાએ જઈને કબીરનાં આગમનનાં સમાચાર એમને આપતો આવ્યો અને પછી આવીને કબીરને ઉદ્દેશીને બોલ્યો.
"સાહેબ અંદર બેઠાં છે તમે જઈને રૂબરૂ મળી શકો છો.."
રાજુનો સસ્મિત સાથે આભાર માની કબીર રાજુની બતાવેલી જગ્યા તરફ આગળ વધ્યો..કબીરે જતાં-જતાં જોયું કે હોસ્પિટલમાં બે પલંગ હતાં જેમાં એકની ઉપર એક વૃદ્ધ સૂતાં હતાં અને એમનાં પરિવારમાંથી બે-ત્રણ લોકો જોડે બેઠાં હતાં..એ સિવાય ગીરીશભાઈ ની કેબિનની બહાર પાટલી પર ત્રણ વ્યક્તિઓન પોતાનાં વારાની રાહ જોઈને બેઠાં હતાં.
કબીરે એમની તરફ ઉપરછલ્લી નજર ફેંકી અને ડોકટરની કેબિનનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યો.કબીરને જોઈને એક પચાસેક વર્ષનાં વ્યક્તિ હસતાં મુખે પોતાની જગ્યાએથી ઉભાં થયાં અને કબીર ને સત્કારતાં બોલ્યાં.
"આવો લેખક મહોદય..કેવી છે તબિયત હવે..?"
કબીરે ડોકટર ગીરીશભાઈને ધ્યાનથી જોયાં.ગીરીશભાઈ પ્રમાણમાં થોડાં જાડા હતાં.શરીરની સાથે એમનો ચહેરો પર થોડો ભારે હતો.તેલ નાંખીને વ્યવસ્થિત ઓળવેલાં વાળ અને આંખો પર ચશ્માં એમનાં વ્યક્તિત્વ ને ડોકટર તરીકે અદ્દલ ઓપ આપી રહ્યાં હતાં.ફોર્મલ પેન્ટ શર્ટમાં એમનું વધેલું પેટ થોડું બહાર નીકળી ગયેલું જણાતું હતું..કબીરે ગીરીશભાઈ નાં સવાલનાં જવાબમાં કહ્યું.
"બસ આપની કૃપા છે.. જોવો લાગુ છું ને એકદમ ફિટ.."
"કૃપા તો માં માતાજીની..અહીં બેસો હું ચા મંગાવું."કબીરને પોતાની સામેની ખુરશીમાં સ્થાન ગ્રહણ કરવાનો આગ્રહ કરતાં ગીરીશભાઈ બોલ્યાં.
કબીરે એમને કહ્યું એ મુજબ ખુરશીમાં સ્થાન ગ્રહણ કર્યું અને બોલ્યો.
"હું હમણાં જ ચા-નાસ્તો કરીને નીકળ્યો છું તો અત્યારે ચા મંગાવાનો કષ્ટ ના લેશો.."
"સારું ત્યારે તમે કહો એમ..બોલો અહીં આવવાની તકલીફ કેમ લીધી..?"ગીરીશભાઈ એ પુછ્યું.
"અરે એતો તમે જીવાકાકા ને કીધું નહીં કે તમારી વિઝિટનો ચાર્જ કેટલો થયો એટલે મારે રૂબરૂ અહીં આવવું પડ્યું..એક તો તમે પોતાનો સમય બગાડી વિઝીટ પર આવો અને ચાર્જ લેવાની ના પાડો એ થોડું ચાલે..બોલો કેટલો ચાર્જ થયો..?"કબીર બોલ્યો.
"અરે તમે ઠાકુર સાહેબનાં અતિથિ છો અને ઠાકુર સાહેબનાં અતિથિ એટલે અમારાં પણ અતિથિ જ થયાં.. અને અતિથિ દેવો ભવ:.તમે તો અમારાં માટે ભગવાન છો અને હું તમારાં કામ આવ્યો એ મારા માટે નસીબની વાત છે..તો પૈસા કેવાં ને વાત કેવી..?"પોતાનાં આગવા અંદાજમાં હસીને ગીરીશભાઈ બોલ્યાં.
"ડોકટર સાહેબ,તમારી બધી વાત સાચી પણ મને ખબર છે કે આ નાનકડાં ગામમાં આ ગરીબ લોકો ની વચ્ચે દવાખાનું ખોલીને તમે એમની સેવા જ કરી રહ્યાં છો બાકી અહીં હોસ્પિટલ ચાલુ રાખીને તમે કરોડપતિ તો થવાના તો નથી જ..તો મહેરબાની કરીને આ બે હજાર રૂપિયા સ્વીકારી લો..પછી તમે ભલે ને આ રકમ બીજે ક્યાંક વાપરી દો."કબીરે વિનય બતાવતાં કહ્યું.
કબીરનાં હાથમાંથી બે હજારની નોટ લેતાં ગીરીશભાઈ એ કહ્યું.
"હવે તમે આટલી જીદ કરો જ છો તો આ રકમનો સ્વીકાર કરું છું પણ આમાંથી ગરીબ બાળકો માટે કપડાં લેતો આવીશ.."
ત્યારબાદ કબીર લગભગ કલાક જેટલું ગીરીશભાઈ ની કેબિનમાં જ એમની સાથે બેઠો..ગીરીશભાઈ નો વ્યવહાર અને વર્તન કબીરને બહુ સાલસ લાગી રહ્યું હતું.ગીરીશભાઈએ કબીરની હાજરીમાં જ બહાર વેઈટિંગમાં બેઠેલાં ત્રણેય વ્યક્તિનું ચેકઅપ કર્યું અને એમની જોડે થી ચેકઅપ અને દવાઓ પેટે વિસ રૂપિયા જેટલી નજીવી રકમ જ લીધી.
"સાહેબ તમે આ મફતનાં ભાવમાં લોકોની સારવાર કરો છો તો તમારું આ હોસ્પિટલ કઈ રીતે ચાલે છે..?"કબીરે ત્રણેય પેશન્ટ નું ચેકઅપ પૂર્ણ થઈ જતાં ગીરીશભાઈ ને ઉદ્દેશીને પૂછ્યું.
"કબીર ભાઈ..પહેલાં હું વિદેશમાં ડોકટર હતો ત્યાં મેં બહુ પૈસા ભેગાં કર્યા હતાં તો એમાંથી અમુક રકમ અને ઠાકુર પ્રતાપસિંહ થોડી ઘણી મદદ કરે એ બધું મેળવીને આ ગરીબ લોકોની સેવા કરું છું.."ગીરીશભાઈ બોલ્યાં.
"ડોકટર આજે તમને મળીને લાગ્યું કે હજુપણ પૃથ્વી પર ભગવાન હયાત છે..તમે જે કાર્ય કરી રહ્યાં છો એ માટે તમને સલામ કરવાનું મન થાય છે."ડોકટર ગીરીશભાઈનાં વખાણ કરતાં કબીર બોલ્યો.
આ પછી કબીરે ગીરીશભાઈ ની રજા લઈને એમની હોસ્પિટલમાંથી વિદાય લીધી અને પોતાની ફોર્ચ્યુનર લઈને મહાદેવ મંદિર તરફ આગળ વધ્યો.
કબીરનાં જતાં જ ગીરીશભાઈ એ પોતાની જોડે રહેલ ઘંટડી ને હાથનું દબાણ આપ્યું અને એ સાંભળીને રાજુ એમની કેબિનમાં પ્રવેશતાં બોલ્યો.
"બોલો સાહેબ,શું કામ છે..?"
રાજુની તરફ બે હજારની નોટ લંબાવતાં ગીરીશભાઈ એ કહ્યું.
"લે આમાંથી રાત માટે દારૂ અને ચિકન ની વ્યવસ્થા કરી દેજે.."
ગીરીશભાઈ ની જોડેથી બે હજાર રૂપિયા લઈને રાજુ એમની કેબિનની બહાર નીકળી ગયો..એનાં જતાં જ ગીરીશભાઈ એ લેન્ડલાઈનમાં એક નંબર ડાયલ કર્યો..સામેથી કોલ રિસીવ થતાં જ ગીરીશભાઈ એ કહ્યું.
"ડોકટર વાત કરું છું.."
"હા બોલો ગીરીશભાઈ..?"સામેથી અવાજ આવ્યો.
"પેલો વુડહાઉસ માં રહેતો લેખક આવ્યો હતો હમણાં હોસ્પિટલ..વાતો પરથી ઘણો સ્માર્ટ લાગે છે માટે હવે આપણું બધું કામ થોડું સમજી વિચારીને કરવું પડશે જ્યાં સુધી એ શિવગઢમાં છે..ઠાકુર સાહેબનો મહેમાન છે એટલે એને કંઈપણ થવું ના જોઈએ પણ એની દરેક નાની મોટી હરકતની હવેથી ખબર રાખવાની છે."ગીરીશભાઈ બોલ્યાં.
"સારું ડોકટર થઈ જશે..તમે ચિંતા ના કરો.."સામેથી એક કકર્ષ અવાજ સંભળાયો.
"રાતે પાર્ટી છે..આવી જજે નવ વાગે.."ગીરીશભાઈ બોલ્યાં.
"તમે કહો તો હાલ આવી જાઉં એ માટે તો..સારું હું આવી જઈશ.."સામેથી આટલું કહી કોલ કાપી નાંખવામાં આવ્યો.
લેન્ડલાઈનનું રીસીવર મુકીને ડોકટર ગીરીશભાઈ એ પોતાનાં પગ ટેબલ પર લંબાવ્યા અને આંખો બંધ કરીને ગીત ગુનગુનાવાનું શરૂ કર્યું.
"હમકો પીની હૈ પીની હૈ હમકો પીની હૈ.."
*********
ગીરીશભાઈ સાથે મુલાકાત કર્યાં બાદ કબીર સીધો મહાદેવનાં મંદિરે પહોંચી ગયો..રોજની માફક કબીરે દેવોનાં દેવ મહાદેવ નાં ચરણમાં જઈને શીશ ઝુકાવ્યું અને થોડો સમય મંદિરનાં પૂજારી હરગોવનભાઈ જોડે પસાર કર્યો.કબીર ને હરગોવન ભાઈ નો મૃદુ સ્વભાવ પોતાનાં કોઈ સ્નેહીજન ની યાદ કરાવતો હતો.કબીરે જતાં-જતાં હરગોવનભાઈ ને થોડાંક ફ્રૂટ આપ્યાં જે એ મંદિરે આવતાં ગામમાંથી ખરીદી લાવ્યો હતો.
સાંજે આ ફળો પ્રસાદમાં આપવાનું હરગોવનભાઈ ને કહી કબીર એમને પ્રણામ કરી નીકળતો હતો ત્યાં હરગોવનભાઈ એ એને બે મિનિટ રોકાઈ જવા કહ્યું..એમને કેમ આવું કહ્યું એની તો કબીરને ખબર ના પડી પણ એમની આજ્ઞા માથે ચડાવી કબીર ઉભો રહી ગયો.મહારાજ મંદિરમાં જઈને એક તાવીજ લેતાં આવ્યાં અને એ તાવીજ એમને કબીરનાં ખભે બાંધતા કહ્યું.
"બેટા.. નજીકમાં તારી ઉપર કોઈ મોટી વિપદા આવવાનાં સંકેત મને મારી છઠ્ઠી ઇન્દ્રિય આપી રહી છે..માટે તું થોડું સાચવીને રહેજે..આ તાવીજમાં મહાદેવ ને શણગારમાં સૌથી વધુ પ્રિય એવી ભસ્મ છે.આ તાવીજ તારી ઉપર આવનારી દરેક મુસીબત સામે તારું રક્ષણ કરશે.."
કબીરે મહારાજનાં ચરણ સ્પર્શ કર્યાં અને એમનો પોતાની આટલી ચિંતા કરવા બદલ આભાર માન્યો અને જઈને પોતાની ગાડીમાં બેઠો.ગાડીમાં બેસતાં જ એને ગાડી સ્ટાર્ટ કરી અને એક્સીલેટર પર પગ રાખ્યો એવી જ ગાડી નીકળી પડી એ રોકાયો હતો એ વુડહાઉસ તરફ.
કબીર જ્યારે વુડહાઉસ પહોંચ્યો ત્યારે જીવાકાકા જમવાનું બનાવી રહ્યાં હતાં..કબીર હાથ પગ ધોઈને ગોઠવાયો એટલે જીવાકાકા એ કબીર ને જમવાનું પીરસી દીધું.જમ્યાં બાદ બે-ચાર આમતેમ આંટા માર્યાં બાદ કબીર પોતાનાં રૂમમાં જઈને સુઈ ગયો.આજે રાતે પણ ઉજાગરો થવાનો હોવાથી અત્યારે પૂરતો આરામ કરવો જરૂરી હોવાથી કબીર ઘસઘસાટ સુઈ ગયો.
સાંજે સાત વાગે છેક એની આંખ ખુલી.ત્યાં સુધી રાત્રી ભોજન બની ગયું હતું.કબીર ને ભૂખ નહોતી એટલે એ વધુ ના જમ્યો અને એને વધેલું જમવાનું જીવાકાકા ને લઈ જવાનું કહ્યું.જીવાકાકા એ ત્યાંથી વિદાય લીધી એ સાથે જ કબીર સાંજની ઠંડક ભરી હવાને મહેસુસ કરવા પોતાનાં રૂમની બારી ખોલીને એની સામે બેઠો.
કલાક બાદ એ ઉભો થયો અને પોતાની નોવેલનું બીજું પ્રકરણ લખવાનું શરૂ કર્યું..પ્રથમ પ્રકરણ યોગ્ય રીતે લખાઈ ગયાં બાદ કબીર ને બીજું પ્રકરણ લખવામાં વધુ તકલીફ ના પડી.લગભગ સાડા બાર આજુબાજુ એની મહત્વકાંક્ષી નોવેલ અમાસ નું બીજું પ્રકરણ પણ પૂર્ણ થઈ ગયું.
હવે સમય હતો બધું લેખન યોગ્ય થયું છે કે નહીં એ ચેક કરવાનો..કબીરને જોડણી અને એક ફકરામાં જે કંઈપણ ભૂલો લાગી એ એને સુધારી લીધી.આ બધી પળોજણમાં બે વાગી ગયાં હતાં..નોવેલનું બીજું પ્રકરણ પૂર્ણ કરી કબીરે પોતાનું લેપટોપ બંધ કર્યું અને એ યુવતીનાં આવવાની રાહ જોઈને બારીની સમીપ જઈને બેઠો.વીસેક મિનિટ સુધી કબીર ત્યાં જ બેસી રહ્યો..અચાનક જમીન પર પડેલાં સૂકાં પત્તામાં કંઈક સળવળાટ થયો અને એ સાથે જ ઝાંઝર નો મીઠો રણકાર કબીરનાં કાને પડ્યો.
આ રણકાર એ યુવતીનાં ત્યાં આવવાનો જાણે સંદેશો હતો..પોતાનાં કાને એ યુવતીની લયવદ્ધ ચાલ સાથે સુર રેલાવતી એની પાયલનો અવાજ સાંભળી કબીરનાં હોઠ નો એક ખૂણો સહેજ પહોળો થઈ ગયો અને એ ખુશ થતાં બબડી પડ્યો.
"આખરે આવી ગઈ એ.."
★★★★★
વધુ આવતાં અંકમાં.
કબીર ની જીંદગી જોડે જોડાયેલ સચ્ચાઈ અને શિવગઢમાં શું થવાનું હતું એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.આ નોવેલનો આવનારો દરેક નવો ભાગ એક પછી એક રહસ્ય ની પરત ખોલતો જશે જેમાં દરેક વાંચક મંત્રમુગ્ધ બની જશે એની ગેરંટી.
માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.
આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ
દિલ કબૂતર,
રૂહ સાથે ઈશ્ક
ડણક
અનામિકા
The haunted picture
સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.
-દિશા.આર.પટેલ