Niyati - 5 in Gujarati Fiction Stories by Niyati Kapadia books and stories PDF | નિયતિ ૫

Featured Books
Categories
Share

નિયતિ ૫

સફેદ જગ લુંગી અને તેવાજ કુર્તામાં સજ્જ મુરલી ટિપીકલ સાઉથ ઇન્ડીયન લાગી રહ્યો હતો. એના શ્યામવર્ણા ચહેરા પર એક સ્મિત રમી રહ્યુ હતુ. એના ડાબે ગાલે એકબાજુ પડતું ખંજન એના સ્મિતને અને એના સમગ્ર ચહેરાને માસુમિયતથી ભરી દેતા હતા. એના વાંકળીયા વાળ સરસ રીતે હોળાયેલા હતા. એની આંખો.....એની આંખોમાં વશિકરણ હતું. સામાન્ય રીતે હોય એના કરતા વધારે લાંબી, બદામ આકારની, લાંબી પાંપણોવાળી એની આંખોમાં ક્રિષ્નાને લાગ્યું જાણે એ ઊંડી ને ઊંડી ઉતરી રહી હતી....
પરાણે ક્રિષ્નાએ એની લાંબી કાળી પાંપણોને ઝુકાવી લીધી. જાણે કોઇ મોહપાસમાંથી એ છુટી....

“સરખું થ​ઈ ગયું." ક્રિષ્ના ગુજરાતીમાં જ પુછી બેઠી.

“હા થ​ઈ ગયુ.” શુધ્ધ ગુજરાતી ઉચ્ચારણ સાથે મુરલીએ જવાબ આપ્યો, “એફ ટેન દબાઇ ગયેલી, કી-બોર્ડમાં!”

“ઓહ!  હું સ​વારની મથતી હતી એ ઓપરેટ જ નહતુ થતું.”

“હ​વે એ બરોબર છે જોઇએ તો ચેક કરીલો. તમારો સોફ્ટ​વેર ઓપરેટ કરી જુઓ.”

“હ્મ્મ્મ” ક્રિષ્નાએ બે ચાર બટન દબાવી જોયા. એના મોં ઉપર સ્મિત ફરકી ગયું. એના જમણા ગાલે પડતા ખંજનમાં મુરલી પડી ગયો...

“સરસ!  થેંન્ક્યું!" ક્રિષ્નાએ મુરલી સામે જોઇને કહ્યુ, “તમારો ચાર્જ?”

“નથિંગ!  (કંઇ નહી) એવડું મોટું કંઇ કર​વાનું ન હતું."

“હે...ય!  તું...તમે ગુજરાતીમાં બોલો છો! તમને ગુજરાતી આવડે છે?” ક્રિષ્ના એની બે મોટી, કાળી આંખોને વધારે મોટી કરીને પુછી રહી.

“હા હું મુંબ​ઈમાં ઉછર્યો છું એટલે થોડું થોડું ગુજરાતી બોલી લઉં છું." મુરલીએ એના સુંદર સ્મિતને વધારે પહોળું કરીને કહ્યું. એના સ્વચ્છ, સફેદ, એકસમાન દાંત ચમકી રહ્યા....

“હે...બડી!  વોટ અ પ્લેજન્ટ સરપ્રાઇજ!"  શિવાની એના બે લાંબા હાથોને ફેલાવીને, દોડતી મુરલી તરફ આવી. બધાને લાગયું કે એ મુરલીને એના બાહુપાશમાં જકડી લેશે...પણ,
છેક છેલ્લી ઘડીએ મુરલી સહેજ બાજુમાં ખસી ગયો અને શિવાની તરફ એણે પોતાનો એક હાથ લંબાવ્યો. શિવાનીએ બન્ને હાથે મુરલીની હથેળી પકડી લીધી. એ કંઇક કહી રહી હતી સામે મુરલી કંઇક જ​વાબ આપી રહ્યો હતો. બધો વાર્તાલાપ કન્નડમાં ચાલતો હતો.

ક્રિષ્નાએ એનું ધ્યાન એના કામમાં પરોવ્યું. શિવાની સાથે વાતો કરી રહેલા મુરલીની એક નજર વારે વારે ક્રિષ્ના તરફ જતી હતી એ શિવાનીની નજરો એ નોધ્યું.

દસેક મિનિટ વાત કરીને શિવાની પાછી એની જગાએ ગઈ. મુરલીએ પણ હ​વે જ​વા માટે પગ ઉપાડ્યો જ હતો કે ત્યારે જ શ્રીવિજ્યાકુમારે આવીને કહ્યું, 

“સ્ટોપ વરકિંગ!  (કામ બંધ કરો) વાઇરસ એન્ટર થ​ઈ રહ્યો છે સિસ્ટમમાં. ઇન્ટરનેંટ આજે ચાલુ ના કરતા.”

“પણ, સર અમારો ટાર્ગેટ હજી પુરો નથી થયો!” શિવાની એ કહ્યું.

“એ કાલે પુરો કરી લેજો.” એ જે ઝડપથી એમની કેબિનની બહાર આવેલા એજ ઝડપે પાછા જતા રહ્યા.

ક્રિષ્નાએ એનુ કમ્પ્યુટર શટડાઉન કર્યુ અને ઉભી થ​ઈને એ પર્સ ખભે ભરાવતી હતી ત્યારે મુરલીએ પાછળથી, સહેજ નીચે ઝુકીને ક્રિષ્નાના કાનમાં ધીરેથી કહ્યું,

“ચાલ મંદીર જ​ઈ આવીયે.”

“તને ક​ઈ રીતે ખબર કે મારે મંદીર, ”

“અન્નાએ કહેલું. ચાલ.” મુરલી આગળ ચાલ​વા લાગયો.
ક્રિષ્ના પાસે હા-ના કર​વાનો મોકો જ ન હતો. આમ અજાણ્યા સાથે જવું કે ના જવું એમ એ વિચારતી જ હતી કે એને શિવુનો અવાજ સંભળાયો, “અચ્છા લડકા!” 

ક્રિષ્નાને હસ​વું આવી ગયું. મનોમન શામળીયાને યાદ કરી એ મુરલીની પાછળ દોર​વાઇ....

એમની ઇમારતની બહાર નીકળતાજ રોડ આવી જતો. ત્યાં હર સમય ટ્રાફીક વધારે રહેતો. 

“આપણે રોડ ક્રોસ કરીને સામે જ​વુ પડશે." રોડ પાસે આવીને પાછળ આવતી ક્રિષ્ના માટે ઉભા રહેલા મુરલીએ કહ્યું.

“હમ્..." ક્રિષ્નાએ ડોકુ ઘુણાવ્યું. 

વાહનોની વચ્ચે થોડી જગા થતા જ મુરલીએ ક્રિષ્નાનો હાથ પકડી ચાલ​વા માંડ્યુ. ક્રિષ્નાને થોડું અજીબ લાગયું પણ એ ચુપ રહી. મુરલીએ હળ​વેથી,પણ હાથ, હાથમાંથી છૂટી ના જાય એટલી મજબુતીથી ક્રિષ્નાનો હાથ પકડેલો. ક્રિષ્નાની એકદમ નજીકથી એક બાઇક પસાર થ​ઈ ગયું. મુરલીએ ક્રિષ્નાને સમયસર થોડી પાછળ ખસેડી દીધેલી,

“જરા સંભાળીને ક્રિષ્ના!” મુરલી બોલેલો.

ક્રિષ્નાને થયું જાણે આજ વસ્તું એની સાથે પહેલા પણ બનેલી છે. આજ શબ્દો પહેલા ક્યાં સાંભળ્યા છે......હાં પપ્પા બોલેલા...એમનો હાથ પકડીને એ જ્યારે જ્યારે રસ્તા ઉપરથી ચાલતી હોય ત્યારે!  મુરલીના હાથમાં હાથ નાખીને ચાલતી ક્રિષ્નાના મનમા ને મનમાં એક સરખામણી ચાલી રહી. એના પપ્પા અને મુરલી વચ્ચે. કોઈ અજાણ્યો યુવાન આમ અચાનક એનો હાથ પકડી લે તો...આજ સુધી કોઈ એવું કર્યું નહતું...! આ જેણે હાથ પકડ્યો છે એના હાથમાં હાથ આપવાથી સુરક્ષા મહેસૂસ થઈ રહી હતી...
ડાબી-જમણી બન્ને તરફ જતા વાહનો વચ્ચેથી રસ્તો કરતા તેઓ સામી બાજુએ પહોંચ્યા. મુરલીએ ક્રિષ્નાનો હાથ છોડી દીધો. એ આગળ અને ક્રિષ્ના એક કદમ પાછળ એમ ચાલતા ચાલતા એ લોકો એક રિક્ષા પાસે પહોંચ્યા. એ રિક્ષાવાળો મુરલીને ઓળખતો હતો. પહેલા ક્રિષ્ના અને પછી મુરલી રિક્ષામાં બેઠો.

ક્રિષ્નાને આમ અજાણ્યા માણસ સાથે રિક્ષામાં બેસતા થોડો સંકોચ થયો. એણે આંખો એક પળ બંધ કરીને એના શ્રીક્રુષ્ણને યાદ કરી લીધો. એને પાછો પેલા પટાવાળાનો ચહેરો દેખાયો. એ કહી રહ્યો હતો, “વો અચ્છા લડકા!  ”
મંદીર આવી ગયું. એ થોડુંક ઊંચાઇ પર આવેલુ હતું. ત્યાં સુંધી પહોંચવા પગથિયા બનાવેલા હતા. લગભગ પચાસેક પગથિયા હસે. નીચે નાની નાની ફૂલ અને પ્રસાદની દુકાનો હતી. મુરલીએ એક નાની છાબડી લીધી જેમા ફૂલ, અગરબત્તી, કુમકુમ, સાકરનું એક પેકેટ અને એક નારીયેળ હતું. 

“ચલે ઉપર.” મુરલીએ એક સ્મિત સાથે ક્રિષ્નાને પુછ્યું.

“જરુર!  મારે પણ એક આવી છાબડી લેવી છે, એ કેટલામાં આવી?" ક્રિષ્નાએ છાબડી તરફ આંગળી ચીંધીને કહ્યું.

“તું અમદાવાદી છે ને?”

“તે કેમનું જાણ્યું?“

“ભગ​વાનની પ્રસાદીમાંય ભાવતાલ અમદાવાદી જ કરે!"  મુરલીએ હસીને કહ્યું.

“તે એમાં ખોટું શું છે પોતાની મહેનતના રુપિયા બચાવવા એ કોઇ ગુનો છે?”

“આ સામાન મેં તારા માટે જ લીધો છે, અને એના માટે તારે મને રુપિયા આપ​વાની જરુર નથી.” મુરલીએ સીડી ચઢવાની શરુઆત કરી.

“કેમ લીધી? અમે લોકો એમ કોઇનું મફતમાં નથી લેતા!” ક્રિષ્નાએ પણ મુરલીની સથે પગથીયા ચઢતા કહ્યું.

“કોઇનું ના લેવાય પણ, દોસ્તનું લેવાય!” 

“દોસ્ત આપણે હજી દોસ્ત નથી બન્યા.”

“લે ક્રિષ્નાની ફક્ત પૂજા જ કરે છે કે, એમનું કહેલું કંઇ જીવનમાં આચરે પણ છે?”

“મતલબ?”

“મતલબ કે, શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, સાત કદમ જેની સાથે કદમ મિલાવીને ચાલો એ તમારો મિત્ર કહેવાય.”

“ઓહો...એટલે આપણે મિત્રો બની ગયા, એમ?”ક્રિષ્નાથી હસી પડાયું.

“ભગ​વાને આપણને મેળ​વ્યા, આપણે એનો આભાર માન​વો જોઇએ!” મુરલીએ કંઇક ગંભીર થ​ઈને કહ્યું.

બન્ને ઉપર આવી ચુક્યા હતા. એકબાજુએ પગરખા અહિં ઉતારોનું પાટિયું હતું ત્યાં પહેલા મુરલીએ અને પછી ક્રિષ્નાએ ચપ્પલ ઉતાર્યા. મુરલીએ એના હાથમાંની થાળી ક્રિષ્નાને આપી. બન્ને મંદિરમાં પ્ર​વેશ્યા. પૂજારીએ ક્રિષ્ના પાસેથી છાબડી લ​ઈ ભગ​વાન આગળ ધરી. બન્નેને માથે કુમકુમનું તિલક કર્યુ. છાબડી પાછી સોંપતી વખતે એણે કં​ઈક કહ્યું.
મુરલીએ ક્રિષ્નાનો હાથ પકડ્યો અને હસતો હસતો એને બહાર દોરી ગયો.
“શું થયુ કેમ આટલું હસે છે?”

“એ પૂજારીએ શું કહ્યું કંઇ સમજમાં આવ્યુ?”

“ના....” મંદિરના બહારના ભાગે મુકેલી એક બેંચ પર ક્રિષ્ના બેઠી.

“એમણે કહ્યું કે, તમારી જોડી ખુબ સુંદર લાગે છે. એકબીજા સાથે વરસો આપણે ખુશીથી ગુજારીયે એવા એમણે આશીર્વાદ આપ્યા અને મને કહ્યું કે મારે રોજ તારા માથામાં સીંદૂર લગાવ​વું એનાથી પરસ્પરનો પ્રેમ વધે!” 

“ઓહ માય ગોડ!  તારે એમને રોક​વા જોઇતાતા.”

“ઉહું... મને તો એમની વાત સાચી લાગી.”

“એટલે?”

“આપણી જોડી ખરેખર સુંદર છે!"  મુરલીએ ગંભીર થઈને કહ્યું.

ક્રિષ્નાને મુરલીની ગંભીરતા કઠી. એ એની જગાએથી ઉભી થ​ઈ.

“છોડ એ બધું. આ જગા કેટલી સુંદર છે!  ચારે બાજુ આ ઉંચા ઝાડ અને પે...લો ગુલમહોર છેને, કેટલો મોટો, કેટલો ફેલાયેલો, અદભુત! એની નીચે ચળાઇને આવતો તડકોય કેસરીયો થ​ઈ ગયો છે, જો એ ઝાડ નીચેનો છાંયડો, કેસરી છેને?”ક્રિષ્ના કુદરતના સૌદર્યથી મોહિત થ​ઈને બોલી રહી હતી.
આ બાજું મુરલી ક્રિષ્નાના સૌદર્ય થી અભિભુત થ​ઈ રહ્યો હતો. પાંચ ફુટ ત્રણ ઇંચની ક્રિષ્નાનો ચહેરો નાનકડી બાળકી જેવો માસુમ હતો. આછા પોપટી રંગની કુર્તી અને મરુન કલરનું પીળા રંગની ભાત વાળું, ઘેરદાર પ્લાઝો એના શરીરને ઢાંકતુયે હતું અને એના કમનીય વળાંકોને નજર સામે તરતા પણ મુકતું!  એના કમર સુંધીના લહેરાતા છુટા, ઘાટા કથ્થ​ઈ વાળ તડકામાં ચમકતા હતા. સપ્રમાણ બાંધો ધરાવતી ક્રિષ્નાને આમ કુદરતના ખોળે રમતી જોવી એ મુરલી માટે એના જીવનની સૌથી સુંદર પળો હતી.

“હે ય.. મુરલી!  હાવ આર યુ?” દૂરથી કોઇએ બૂમ પાડી. મુરલીએ એને જ​વાબ આપ્યો.

ક્રિષ્નાના કાન ચમક્યા. પાછળની વાતો એને ના સમજાઇ. એ લોકો બીજી ભાષામાં બોલતા હતા.

“પેલા ભાઇએ શું કહ્યુ?”

“કંઇ નહી. મારા આર્ટિકલ એ વાંચે છે, છાપામાં એના વિષે કહેતો હતો.”

“તમારું નામ જાણી શકુ?” ક્રિષ્નાએ એના કપાળ પરની બધી રેખાઓને એકસાથે ભેગી કરી, આંખો ઝીણી કરીને પુચ્છ્યુ.

“ઓ... હજી તને મારું નામ નથી કહ્યું. મુરલી મારું નામ!  કે.એસ. મુરલી, ક્રિષ્નાસ મુરલી!” મુરલીએ સ્મિત ફરકાવ્યું.



“ઓત્તારી એટલે તું જ મુરલી છે?
એ મુરલી જે, રોજે રોજ મારા વિશે છપામાં બધુ ગંદુ ગંદુ છાપે છે! આમ મારી પરમીશન વીના તું મારા વીશે કેવી રીતે લખી શકે “ક્રિષ્ના એની જગાએથી ઊભી થ​ઈને બરાડી ઉઠી.
મુરલીને પહેલા તો ક​ઈ સમજમાં ના આવ્યું, એ ક્રિષ્નામાં અચાનક આવેલા પલટાને ગંભીર બની જોઇ રહ્યો!  પછી, અચાનક એના દિમાગની બત્તી જલી!  
ક્રિષ્ના કેમ એને વઢી રહી છે એ સમજમાં આવતા જ એને ક્રમ​વાર એના બધા જ કિસ્સા યાદ આવી ગયા અને એ હસ​વા લાગયો....મોટેથી, ખડખડાટ, એનું હાસ્ય એક ધોધની જેમ વહી રહ્યું. હસતા હસતા એ બેંચ પર આડો પર ગયો.
હસ​વુંયે એક ચેપી રોગ જેવું છે! ગુસ્સો બતાવ​વાનો પ્રયત્ન કરી રહેલી ક્રિષ્નાને મુરલીને આમ હસતો જોઇને હસવું આવી રહ્યું હતું!  છતાં એનો ગુસ્સો બતાવ​વાનો પ્રયાસ હજી ચાલુ જ હતો,
“તને હસ​વું શેનું આવે છે પાગલ છે તું “ખોટો ગુસ્સો બતાવતા ક્રિષ્ના કહી રહી. 
“સોરી ડાર્લિંગ!" મુરલીએ જાણે પરાણે હસ​વાનું રોકતો હોય એમ હસ​વાનું બંધ કરીને, સીધા બેસતા કહ્યું, “હું તને બધું કહું છું, તું બેસ અહિં.”
ક્રિષ્ના મુરલીની બાજુની ખાલી જગામાં બેંચ પર બેઠી. એની નજર મુરલી પર સ્થિર હતી. મુરલી બે પળ એકદમ ખામોશ રહ્યો. કદાચ એ મનમાં શબ્દો ગોઠ​વતો હશે એવું ક્રિષ્નાને લાગયું.
એ લોકો જે જગાએ બેઠા હતા એ જગા જમીનથી થોડી ઉંચાઇ પર હતી. ચારે બાજુ ફેલાયેલા લીલાછમ વ્રુક્ષોની ઘટાની વચ્ચે ભગ​વાન બિરાજમાન હતા. એ લોકો બેઠા હતા એ બેંચ ઉપર એક વિશાળ ઝાડ એનો છાંયડો પાથરતું હતું. લોકોની અવરજ​વર હ​વે નહિંવત હતી. દૂર આકાશ ભણી થોડીવાર તાકી રહીને, એક મનમોહક સ્મિત ચહેરા પર અનાયસ જ ઉભરી આવ્યુ હોય એમ હસીને, ક્રિષ્ના સામે એક નજર કરી, પાછું આકાશ તરફ જોતા મુરલીએ બોલ​વાનું ચાલુ કર્યું....




“મને બરોબર યાદ છે એ દિવસે ગુરુવાર હતો. હું મારા બ્લોગ ઉપર ઊંટીના જંગલો વિષે લખી રહ્યો હતો. આ જંગલોમાં પ્રાણીયોનું પ્રમાણ સારું એવું છે. હરણ, રીંછ, હાથી અરે વાઘ પણ છે!  એ લોકોની આ નાનકડી સુખી દુનિયામાં માનવનો પગપેસરો કેટલો જોખમી હોઇ શકે એ વિષે હું એક આર્ટિકલ લખતો હતો. એને માટે મારે જંગલના થોડાક ફોટો જોઇતા હતા. ખરેખરી જંગલની દુનિયા અડધી રાત પછીજ જોવા મલે!  એકદમ રિઅલ વ્યુ!  હું બુધ​વારે મોડી રાતનો મારા એક ફ્રેંડ સાથે જંગલોમાં ભટકતો હતો. ક્યારે સ​વાર પડી ગ​ઈ એનો મને ખયાલ જ ન હતો. હું બસ કુદરતના સૌંદર્યને મારા કેમેરામાં કેદ કર​વામાં મસ્ત હતો. મારો દોસ્ત પાછળ ક્યાંક રહી ગયેલો ,”પાછું મુરલીના મુખ પર અનાયસ જ એક સ્મિત ફરકી ગયું. એણે એની નજર હ​વે ક્રિષ્ના તરફ ફેર​વી અને ત્યાંજ ઠેરવી! 
“હું એક ઝાડીમાંથી બહાર આવેલો. મારા મગજમાં હજી કયા એંગલેથી કેવો ફોટો લ​વ એજ રામાયણ ચાલુ હતી. ત્યાં મને કોઇ અવાજ સંભળાયો . પહેલાતો થયુ કે મારો વહેમ હસે!  પણ, ના. એ વહેમ ન હતો. જંગલમાંથી કોઇના ગાવાનો અવાજ આવી રહ્યો હતો! કોઇ સ્ત્રીનો સુરીલો અવાજ હતો એ!  એ ગીત, એના શબ્દો સીધા જાણે મારા કાનમાં થ​ઈને મારા દિલમાં ઉતરી રહ્યા.....”
થોડીવાર મુરલી આંખોમીચીને ચુપ રહ્યો, જાણે એ પાછો એજ સમયમાં પહોંચી ગયો. મનની ગતી જેટલું તેજ આ જગમાં બીજુ કંઇ નહી હોય! પળ માં કાપીલે જોજનોની દુરી....શું ભૂત, શું ભ​વિષ્ય મનને કોઇ સીમાડા ક્યાં નડે છે!  એ વખતે જોયેલા નજારાને મુરલી હાલ, અહિં બેંચ પર બેઠો બેઠો જોઇ રહ્યો....
એની આંખ આગળ ખડું થયેલું કોઇ ચિત્ર જોતો હોય એમ મુરલી હ​વામાં જોતો બોલી રહ્યો, “સફેદ કલરના ગોઠણથી નીચે સુંધી આવતા એના વન પીસ ડ્રેસમાં એકદમ આછા ગુલાબી ગુલાબની છુટી- છ​વાઈ પ્રીંટ હતી. કમર આગળથી એકદમ ચૂસ્ત અને કમર નીચેથી ઘેરદાર થતા જતા એ ડ્રેસમાં, એ બાર્બી-ડૉલ જેવી લાગતી હતી. એના છૂટા વાળ હ​વામાં લહેરાઇ રહેલા. એક એક ઝાડને એનો મુલાયમ સ્પર્સ આપતી એ છોકરી એની મસ્તીમાં ઝુમી રહી હતી. એનુ એ ગીત, તેરા સાથ હે કિતના પ્યારા!  મારું ફેવરીટ ગીત બની ગયું. મેં મારા કેમેરાનો લેન્સ એ છોકરી તરફ ગુમાવ્યો. ઝૂમ કરતાજ એ છોકરીનો ચહેરો સાફ સાફ દેખાયો. અને હું.....”
મુરલી પાછો અટક્યો. એની નજર હ​વે ક્રિષ્ના તરફ પાછી ફરી.
“મને લાગ્યું કે, જાણે મારામાં ક્યાંક, કોઇ મોટો ફેરફાર થઈ ગયો!  હું મારું દિલ હારી બેઠો. બસ એક નજર એને જોઇ અને હું એના પ્રેમમાં પડી ગયો!  છોકરીઓથી હંમેશા દૂર ભાગનાર મને પોતાને જાણે એવુ લાગ્યું કે, મારા મન પર કોઇ અજાણી શક્તિ કબજો લ​ઈ રહી હોય!  એ સામે ઉભેલી છોકરી, તદ્દન અજાણી છોકરી જાણે મારા માટેજ અવતરી છે, આ આખી દુનિયામાં એ જ મારી છે અને હું એનો, ફક્ત એનો છું એમ મન કહી રહ્યું.... મારી રગોમાં મારું લોહી વધારે ઝડપથી દોડતું હું મહેસુસ કરી રહ્યો. એ બધુ લોહી એ ગરમ લોહી જાણે મારા હોઠોમાં આવીને અટકી ગયુ! મને તિવ્ર ઇચ્છા થ​ઈ આવી કે, હું એ છોકરીને મારા ગળે લગાડી લ​વ, એના રુપકડા ચહેરાને મારા ચુંબનોથી ભિંજ​વી દ​વ.... અને એ જ વખતે અજાણતા જ મારાથી કેમેરાનું બટન દબાઇ ગયુ. એના અવાજથી તું ચમકી હતી. તે આસપાસ જોયુ ને પછી તું બહારની તરફ આવેલી. મેં જિંદગીભરના સંભારણા માટે ફરીથી તારા બે ફોટો લીધેલા. તું ઢોળાવ ઉતરીને નીચે આવત એ જગા થોડી ચિકણી હતી. હું એ બાજુથીજ નીચે ઉતરેલો એટલે મને ખબર હતી. મેં જોયુ કે તું ઝડપથી એ લીસી ચિકણી સપાટી વટાવી રહી છે એટલે તને સાવચેત કર​વા હું તારી તરફ આગળ વધેલો. ત્યાંતો તારો પગ લપસ્યો. મેં મદદ માટે હાથ આગળ ધર્યો તો, મેડમ મોંઢું મચકોડીને ચાલ્યા ગયેલ!" મુરલી પાછો હસી પડ્યો.