Aghor Aatma-13 Chudel no Chotlo in Gujarati Horror Stories by DHARMESH GANDHI (DG) books and stories PDF | અઘોર આત્મા-૧૩ ચૂડેલનો ચોટલો

Featured Books
Categories
Share

અઘોર આત્મા-૧૩ ચૂડેલનો ચોટલો

અઘોર આત્મા

(હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા)

(ભાગ-૧૩ : ચૂડેલનો ચોટલો)

લેખક : ધર્મેશ ગાંધી

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

---------------------

(ભાગ-૧૨માં આપણે જોયું કે...

તપસ્યા પ્રેત લોકોની દુનિયામાં પ્રવેશે છે જ્યાં અનેક વિક્ષુબ્ધ આત્માઓનો જાણે કે મેળાવડો લાગ્યો હતો. એક યુવાન તપસ્યાને સંપૂર્ણપણે નિર્વસ્ત્ર કરીને લીલાછમ ઘાસમાં સૂવડાવી દે છે. પછી એના શરીર સાથે વીંટળાઈ વળે છે. તપસ્યાને પોતાના શરીરે બરફના પહાડ જેવો ઠંડોગાર ભરડો અનુભવાઈ છે, જાણે કે બરફીલો બાહુપાશ! કાળો પડછાયો જણાવે છે કે આવતીકાલની મધરાત તપસ્યા સાથેની એની ‘મધુરજની’ બનવા માટે થનગની રહી છે...

હવે આગળ...)

--------------

જે યુવાન મારા નગ્ન શરીરને વીંટળાઈ રહ્યો હતો – એ યુવાન નહોતો – એક અજગર હતો... મેં એ અજગરની પકડમાંથી છૂટવા ધમપછાડા કરવા માંડ્યા, પરંતુ મહાકાય અજગરે મારી બંને જાંઘો વચ્ચે પોતાનું રબર જેવું શરીર બળપૂર્વક ઘસવા માંડ્યું હતું. મારી આંખો બીડાઈ ગઈ!

ત્યાં જ... એક ઘોઘરો અવાજ હવામાં ગૂંજ્યો, ‘આવતીકાલની મધરાત આપણા મિલનની મધુરજની બનવા માટે થનગની રહી છે! તપસ્યા!’ કાળો પડછાયો બોલી ઊઠયો. હું સફાળી ઊઠી ગઈ. આસપાસ વિહરી રહેલા પ્રેતાત્માઓ ગાયબ થઈ ચૂક્યા હતા. મેં ઘાસ ઉપરથી મારા વસ્ત્રો ઉઠાવ્યા. ફરી એક વાર મળસ્કું થયું, અને મારા બંધનો ખૂલવા લાગ્યાં... અજગરરૂપી પ્રેતાત્મા સાથેના મિલનથી મારા શરીરે પડેલા તમામ ઘા રુઝાઈ ગયા હતા. તિમિરનું રક્તચિત્ર બનાવતી વેળાએ મારા શરીરે મેં પોતે જ પાડેલા કાચના ટુકડાના એ ચીરા અદ્રશ્ય થઈ ચૂક્યા હતા. મને થોડી રાહત વર્તાઈ. હું ફરી એક વાર ત્યાંથી – તે કોટેજથી દૂર દૂર ભાગવા માટે મનોબળ મજબૂત કરવા માંડી.

‘બસ અમને આંખો બંધ કરીને માત્ર યાદ કરજે... અમે હાજર થઈ જઈશું!’ શેન, વિલી અને મેગી – મિત્રો બની ગયેલા ત્રણેય વિદેશીઓ મને હંમેશા કહેતા, એ મને યાદ આવ્યું... અને મનોમન મેં એમને યાદ કરી લીધાં. તિમિરને પણ મારા હૃદયના ઊંડાણમાંથી મેં સાદ દીધો. મને મિત્રોની જરૂર હતી. તિમિરની ગેરહાજરી મને સાલતી હતી!

બીજી જ પળે જોરદાર પવન ફૂંકાયો. મારી નજર સમક્ષ વિકરાળ સ્વરૂપે ઊભેલા વડના એક તોતિંગ ઝાડ ઉપર લાગેલા લાલચટક ટેટા વધુ લાલચોળ બનવા માંડ્યા. એકાએક એમાંથી લાલ પ્રવાહીની ધાર વહેવા માંડી. મેં જોયું કે એ ઘાટું લાલ પ્રવાહી રક્ત છે. વડના ટેટા અચાનક કદમાં વધવા માંડ્યાં, ને ફરી પાછાં સંકોચાઈ ગયાં. અને ઓચિંતા જ માનવ-હૃદયનો આકાર ધારણ કરવા માંડ્યા. ઝાડ ઉપર જાણે કે અનેક જીવતાં-ધબકતાં હૃદય લટકી રહ્યાં હતાં, અને એ દરેકમાંથી ટપકતું લાલ લોહી... એક બિહામણું દ્રશ્ય ખડું થઈ રહ્યું હતું! મને એ મહેસૂસ થવા માંડ્યું હતું કે તિમિર, શેન, વિલી અને મેગી – દરેકનો આત્મા મારી આસપાસ ઘૂમરાઈ રહ્યો છે. આ બધી ભયાનકતા એ પ્રેતાત્માઓના આગમનની નિશાની હતી જેનાથી હવે હું પૂર્ણપણે વાકેફ થઈ ચૂકી હતી.

‘તપસ્યા... એય, તપ્પુ... તું ઓકે છે ને, ડિયર!’ મારા કાન પાસે એક સૂસવાટો થયો. ને હું ચોધાર આંસુએ રડી પડી. તિમિર અને ત્રણેય વિદેશી મિત્રો મને વળગી પડ્યાં.

‘અમે તારા માટે જ બધી તજવીજ કરતાં હતાં, તપ્પુ...’ શેન બોલી રહ્યો હતો, ‘તને આ કાલીખાડીમાંથી ઉદભવેલા કાળા પડછાયાની સંભોગની માંગણીથી છુટકારો અપાવવા માટે અમે...’

હું હવે એ ચારેયને જોઈ શકતી હતી. જોકે મને એ વાતની જાણ તો હતી જ કે એ થોડો સમય માટે જ હું એમને પ્રત્યક્ષ જોઈ શકીશ; પછી તેઓ અદ્રશ્ય થઈ જશે.

‘મેં તારા ભૂતકાળમાં પ્રવેશ કર્યો હતો, તપસ્યા!’ મેગી જાણે કે એક ગેબી અવાજમાં બોલી રહી હતી. એની આંખો કોઈક જગ્યાએ સ્થિર થયેલી જણાતી હતી. અને અવાજ જાણે કે કોઈક ભોંયરામાંથી આવી રહ્યો હોય એવો દબાયેલો હતો.

હું ચોંકી ઊઠી. મારા ગળામાંથી એક તીણી ચીસ નીકળી ગઈ, ‘ભૂતકાળમાં..? મારા ભૂતકાળમાં..?’

‘હા, તપસ્યા...’ મેગીએ આગળ જણાવ્યું, ‘જયારે તું ત્રણ વર્ષની હતી અને તારો તથા તારા માતા-પિતાનો એક જીવલેણ અકસ્માત થયો હતો...’

‘હા, પેલી ઉઘાડી પીઠવાળી ચૂડેલ કહી રહી હતી...’ મેં કહ્યું, ‘અને એ ચૂડેલ એટલે કે અમારા ઘરની એ આયાના પાંચ વર્ષના દીકરાની બલિ ચઢાવીને એક સોદારૂપે મને મૃત્યુલોકમાંથી જીવાત્માઓમાં પરત મેળવવામાં આવી હતી.’ હું એક શ્વાસે બોલી ગઈ.

‘પરંતુ, તારા ભૂતકાળમાં સફર કરવાથી મને એક ઘેરા રહસ્યની જાણ થઈ છે, તપ્પુ!’ મેગીએ ઉત્તેજિત થતાં કહ્યું.

‘રહસ્ય..? કેવું રહસ્ય..?’ હું મૂંઝવણમાં હતી.

‘થોભ... કહીશ, બધું જ કહીશ... પણ અત્યારે નહિ; સમય આવશે ત્યારે... એ ચૂડેલનું રહસ્ય...’ મેગીએ એનો મૃદુ હાથ મારા ખભે મૂક્યો.

‘આજે સંધ્યાકાળ થાય એ પછી આપણે કાલી ખાડી જવું પડશે...’ તિમિરે પાછળથી આવીને મને આગોશમાં લેતા કહ્યું, ‘અને મધરાત પહેલાં આપણે...’

હું ચોંકી ગઈ. ફરીથી એ મનહૂસ કાલી ખાડી..? શા માટે..? હું વિચારી રહી.

તિમિરે એના હોઠ મારી ગરદન ઉપર ચાંપીને મારી છાતી ઉપર એનો હાથ હળવેથી રમાડતા કહ્યું, ‘ચૂડેલનો ચોટલો...’

હું થીજી ગઈ.

‘એ ઉઘાડી પીઠવાળી ચૂડેલનો કાળો-લાંબો ચોટલો કાપી લાવવો પડશે... કોઈ પણ સંજોગોમાં...’

હું સ્તબ્ધતાથી સાંભળી રહી.

‘એ ચોટલો તારે તારા વાળ સાથે જોડી દેવાનો રહેશે, તપ્પુ...’ તિમિરે જણાવ્યું.

‘અને, એનાથી શું થશે?’ મેં પૂછ્યું.

પ્રેતયોનીનો એ પ્રતિનિધિ તારા શરીરને ભોગવી ન શકે એટલા માટે...’ તિમિરે કહ્યું, ‘એ ચોટલો એની માતાનો છે, અને એ જ તારી રક્ષા કરશે!’

અમે કાંપતા હૃદયે સાંજ થવાની રાહ જોઈ રહ્યાં... આતુરતાપૂર્વક...

***

સંધ્યાકાળ...

અમે પાંચેય જણ કાલી ખાડી પહોંચ્યાં... આછું અંધારું, આછું અજવાળું અમને ભયભીત કરી રહ્યું હતું.

‘સસ્સ્સ્સસ....’ વિલીએ એના હોઠ ઉપર આંગળી મૂકી અમને શાંત રહેવાનો ઈશારો કર્યો. એણે એક તરફ પોતાનો ચહેરો ફેરવીને જાણે કે અમને એ તરફ જોવા જણાવ્યું.

અમે દરેક જણે એ દિશામાં નજર કરી. અમારી નસોમાં લોહી વહેતું જાણે કે થંભી ગયું. એક ધીમો ગણગણાટ સંભળાઈ રહ્યો હતો. પીપળાનું ઝાડ ધ્રુજાવી દેતી ચિચિયારી પાડી રહ્યું હતું. પેલી ચૂડેલ પીપળાની ડાળે હીંચકા ખાઈ રહી છે... હિંડોળે ઝૂલી રહી છે... અમે જોઈ શકતાં હતાં તો માત્ર એની ઉઘાડી પીઠ અને એનો સાપની જેમ વળાંક લેતો ચોટલો.

તિમિર એનો ચોટલો કાપી લાવવા માટે એ ઝાડ તરફ આગળ વધ્યો. પરંતુ, એટલામાં જ વિલીએ એને અટકાવ્યો.

‘તિમિર, અત્યારે નહિ... મધરાત પહેલાં એ ચૂડેલનો ચોટલો કાપવો શક્ય નહિ બને...’

હું મૂંઝાઈ ગઈ. ‘મધરાત થશે એટલે પેલો કાળો પડછાયો મને એના કોટેજમાં ખેંચી જશે. મારી સાથે મધુરજની મનાવવા... હવે? હવે, શું થાય?’

‘એક યુક્તિ છે...’ શેન બોલી ઊઠયો.

અમે બધાં થરથરતા શરીરે ધ્યાનથી સાંભળી રહ્યાં.

‘મધરાત થાય એ પહેલાં જ મેગી અને તિમિર કોટેજમાં પહોંચી જાય...’ શેન બોલી રહ્યો હતો, ‘જે વિશાળ બેડ ઉપર પેલો પ્રેત તપસ્યા સાથે મધુરજની મનાવવાનો ઈરાદો ધરાવે છે એ જ બેડ ઉપર તિમિર અને મેગી...’ શેન અટક્યો.

અમે દરેક જણ એકબીજા સામું હેરતથી તાકી રહ્યાં.

‘તિમિર અને મેગી... એ જ બેડ ઉપર એકબીજા સાથે સહશયન કરે તો પેલા પ્રેતની ક્ષમતા ઘટી જાય...’ શેને ધડાકો કર્યો, ‘અને તો એ તપસ્યાને ભોગવી ન શકે... અને તપસ્યા, તારું અહીં રહેવું જરૂરી છે. ચૂડેલનો ચોટલો મેળવવા તારી પણ મદદની જરૂર પડશે.’

‘પણ...’ હું ડરી રહી હતી, ‘મધરાત થાય એટલે પેલો કાળો પડછાયો મને કોટેજમાં ખેંચી જશે!’

‘હા...’ શેન બોલ્યો, ‘અને એની થોડી ક્ષણો પહેલાં આપણે ચૂડેલનો ચોટલો કાપી લાવવો પડશે... એ ચોટલો તારે તારા વાળ સાથે જોડીને...’

ચૂડેલ હજુ પણ હિંચકે ઝૂલી રહી હતી. ધીમા અવાજે ગીત ગણગણી રહી હતી. મારા શરીરમાંથી એક ધ્રૂજારી પસાર થઈ ગઈ...

***

(ક્રમશઃ) દર મંગળવારે...

(અઘોર આત્મા : ભાગ-૧૪ વાંચવાનું ચૂકશો નહિ.)

----------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------