Sukhni chavi krushno Karmyog - 9 in Gujarati Mythological Stories by Sanjay C. Thaker books and stories PDF | સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 9

Featured Books
Categories
Share

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 9

સુખની ચાવી

કૃષ્ણનો કર્મયોગ

સંજય ઠાકર

૯ - જાગ્રતાવસ્થા

જાગૃતિ વગરનું જીવન વ્યર્થ છે. ત્રણે અવસ્થાઓમાં સૌથી વધુ પ્રભાવશાળી અવસ્થા જાગ્રતાવસ્થા છે. જે જાગૃત નથી તે મૃતવત છે. ઋષિઓ અને અંતરદૃષ્ટા પુરુષો એ જાગૃતિ માટે અનેક બોધ આપ્યા છે કારણ કે જાગૃતિ જ એક એવી અવસ્થા છે જે મનુષ્યોમાં વિશિષ્ટપણે કામ કરે છે. મનુષ્યની બુદ્ધિમાં એટલી હદે જાગૃતિ થવાની સંભાવના રહેલી છે કે તે જાગૃતિના સહસ્ત્રદલ કમલને ભેદી બ્રહ્મમય બની શકે. દુનિયાના કોઈપણ અન્ય પ્રાણીઓના મસ્તિષ્કમાં જાગૃત થવા માટેની આટલી વિશાળ ક્ષમતા પ્રકૃતિએ નથી આપી. સિવાય કે મનુષ્ય.

પણ, દુર્ભાવ્ય છે કે લાખો-લાખો મનુષ્યમાં કોઈ એકાદ વ્યક્તિ જાગરણનો સાચો પ્રયાસ કરે છે. જાગરણની શક્તિઓમાં છુપાયેલી ક્ષમતાને ઉઘાડવા માટે યોગ્ય પ્રયાસ કરનારા લોકો બહુ જુજ નીકળ્યા છે. આજનું વિજ્ઞાન કહે છે કે મનુષ્યના મસ્તિષ્કમાં જે શક્તિ છે તે શક્તિના દસમાં ભાગની શક્તિનો જ મનુષ્ય ઉપયોગ કરે છે. બાકીની નેવું ટકા શક્તિઓ એમને એમ મરણ સુધી વપરાયા વિનાની અકબંધ રહી જાય છે. આ શક્તિઓનો ઉપયોગ જાગરણ સિવાય શક્ય નથી. એક માત્ર જાગ્રતાવસ્થા જે એવી અવસ્થા છે કે જેનાથી છુપાયેલી શક્તિઓના દ્વાર ખોલવાનો મનુષ્ય પાસે મોકો છે.

મોટાભાગના લોકો વધુ પડતી સ્વપ્ન અને સુસુપ્તિની અવસ્થાઓમાં જ જીવન કાપતા હોય છે કારણ કે જાગૃતિ મુશ્કેલીએ સધાય છે અને સ્વપ્ન અને સુસુપ્તિ આપમેળે સધાય જાય છે. જાગૃતિ પરમ અવસ્થાને ઉપલબ્ધ કરાવવા શક્તિમાન છે તેથી પરમને પામવા માટે પામરતાથી ઉઠવાનો જે પરિશ્રમ કરવો પડે છે તે કોઈ કોઈ જ કરે છે. તે જ કારણે પામરતામાં જીવવા આદિ બની ગયેલા લોકો જાગૃત અવસ્થાથી દૂર જ ભાગે છે. તેથી કૃષ્ણ કહે છે.

‘‘યા નિશા સર્વ ભૂતાનામ તસ્યાં જાગૃતિ સંયમિ,

યસ્યાં જાગૃતિભૂતાનિ સા નિશા પશ્યતો મૂનેઃ’’

(ગી.અ.ર-૬૯)

અર્થાત ઉઘાડેલી આંખો સાથે નિંદ્રા અને સ્વપ્નામાં ભમી રહેલા લોકો ભાગ્યે જ જાગૃત હોય છે. તેથી આવા જાગેલા કહેવાતા લોકોને પણ વિદ્વાનો સૂતેલા જ જુવે છે. રામાયણમાં લક્ષ્મણ ગીતા છે. જેમાં લક્ષ્મણજી નિષાદને કહે છે. ‘‘મોહ નિશા સબ સોવનિહારા, દેખત સ્વપ્ન એક પ્રકારા’’ જાગતિ આંખે સ્વપ્ન ન જોઈ શકાય. તેથી જાગતિ આંખોમાં રાત્રી કઈ ? તેનો જવાબ આપતા લક્ષ્મણજી કહે છે કે મોહ જ એ રાત્રિ છે કે જેમાં મનુષ્ય જાગતિ આંખે ભ્રાંત સ્વપ્નો જુએ છે.’’

કૃષ્ણના મતે જે સ્વપ્ન અને સુસુપ્તિઓ જાગૃત અવસ્થાને સહાયક નથી તે અયોગ સર્જીને મનુષ્યને દુઃખમાં ધકેલનારી છે. પરંતુ વાસ્તવિક જાગૃત અવસ્થા કોને કહી શકાય તે માટે ઘણા બધા વાદવિવાદ છે. તેમજ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારતા પણ તેમાં અનેક પ્રકારો પડે છે. ભૌતિક વિજ્ઞાનની દૃષ્ટિએ જાગૃતિ ઓબ્જેક્ટીવ (દ્રવ્ય-પદાર્થગત) છે તો મનોવિજ્ઞાન (સાઈકોલોજીની દૃષ્ટિએ જાગૃતિ અબ્જેક્ટીવ (વિષયગત) છે. જ્યારે અધ્યાત્મ વિજ્ઞાનની દૃષ્ટિએ જાગૃતિ એ સબ્જેક્ટલેસ અને ઓબ્જેક્ટલેસ અર્થાત્‌ પદાર્થ અને વિષય એ બંનેની બાદબાકી કરતા ફક્ત સેલ્ફ અવેરનેસ (આત્મજાગૃતિ) છે.

મનુષ્યજીવનમાં પદાર્થો અને વિષયો પ્રત્યેની જાગૃતિ પણ અનિવાર્ય છે. એક બાળક જન્મ બાદ દરેક વસ્તુ અને વિષયોથી પરિચિત થવા પ્રયાસમાં લાગે છે. વસ્તુ શું છે ? વ્યક્તિ કોણ છે ? આમ કેમ બને છે ? આવા હજારો પ્રશ્નોથી બાળક ઘેરાઈ છે. બાળકને તેની માતાની અને પિતાની પણ ઓળખ કરવી પડે છે. ધીરે-ધીરે બીજા સંબંધો જેવા કે ભાઈ, બહેન, કાકા, કાકી, દાદા, દાદી, નાના, નાની વિગેરેથી પણ પરિચિત બને છે. આગળ જતા અભ્યાસ અને વિષય પુસ્તકોથી પરિચિત થાય છે.

દુનિયાના પદાર્થો અને વિષયોની સંખ્યા એટલી છે કે કોઈ સમગ્ર પદાર્થો અને વિષયો પરત્વે બધુ જ જ્ઞાન ધરાવી શકે તેવી કોઈની ક્ષમતા નથી કદાચ હજાર વર્ષના આયુષ્યથી પણ દુનિયાના તમામ પદાર્થોનું અને વિષયોનું જ્ઞાન થવું સંભવ છે ? તો આપણો ઉત્તર ના હશે કારણ કે પાંચ લાખથી વધારે ગામડાઓ અને શહેરોમાં ફેલાયેલા ભારતને જોવો એક મનુષ્યનું કામ નથી. દુનિયાના દેશો, તેની પ્રજાઓ, તેની રહેણીકરણી અને તેના વિસ્તારોનું જ્ઞાન કોઈ એક મનુષ્ય મેળવી લે તે પણ સંભવ નથી. કોઈ એક દેશની જ જાતિ પ્રજાતિઓ વિષે માહિતગાર જ્ઞાનના થોકબંધ પુસ્તકો લખાયા છે. તેવા સંજોગોમાં આ બધી બાબતોની સમગ્રતામાં જઈ શકવા કોઈ મનુષ્ય સમર્થ નથી.

એ જ પ્રકારે વિષય સંબંધી જ્ઞાનની પણ એટલી શાખા-પ્રશાખાઓ છે કે તેના સમગ્રત્વને જાણવું કોઈ એક મનુષ્ય માટે શક્ય નથી. સાઈકોલોજી, બાયોલોજી, ફીઝીક્સ, મેથેમેટીક્સ, બોટની, એન્જીનિયરીંગ વિગેરે હજારોની સંખ્યામાં વિષયો ઉપલબ્ધ છે ત્યારે આ સમગ્ર વિષયોના માહિતી જ્ઞાનમાં જવું પણ કોઈ એક મનુષ્ય માટે સંભવ નથી. આજે જ્યારે એક જ પ્રકારના જ્ઞાનની વિવિધ શાખા-પ્રશાખાઓ ફેલાઈ રહી છે ત્યારે વિષય જ્ઞાન પણ સમુદ્રની ગહેરાઈઓ ધરાવતું બનતું ગયું છે.

ફક્ત મેડીકલ લાઈનમાં જ એટલા વિષયો છે કે કોઈ એક વ્યક્તિ સમગ્ર મેડીકલ લાઈનનો જાણકાર ન બની શકે. તેથી આજે શરીરના અંગો મુજબના જેમ કે ઈએનટી સ્પેશ્યાલીસ્ટ કે જે ફક્ત કાન, નાક અને ગળા પુરતા જ ડૉક્ટર છે. તો કોઈ આઈ સ્પેશ્યાલિસ્ટ છે. કોઈ ફક્ત હાડકાઓના જ સ્પેશ્યાલીસ્ટ છે તો કોઈ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના સ્પેશ્યાલીસ્ટ છે. તેવી જ રીતે રોગ મુજબના પણ સ્પેશ્યાલીસ્ટ જેમ કે અસ્થમા, બ્રોન્કાઈટીસ, ટી.બી. વિગેરેના સ્પેશ્યાલીસ્ટ. તો કોઈ કેન્સર સ્પેશ્યાલીસ્ટ વિગેરે. એકલી મેડીકલ લાઈનમાં જ વિષયવાર જ્ઞાનની શાખાઓના એટલા ભાગ પડ્યા છે કે કોઈ એક વ્યક્તિ એક જ વિષયની લાઈનમાં પણ પુરેપુરો જાણકાર જ્ઞાની થઈ શકે તેમ નથી.

મેં સાંભળ્યું છે કે એક દર્દી તેની આંખમાં દર્દ માટે એક આઈ સ્પેશ્યાલીસ્ટ પાસે ગયો. તેણે ફરીયાદ કરતા કહ્યું કે સાહેબ મારી આંખ દુખે છે અને એક આંખે ઓછું દેખાય લાગ્યું છે. સ્પેશ્યાલીસ્ટ ડૉક્ટરે પૂછ્યું, ભાઈ કંઈ આંખની તકલીફ છે ? દર્દીએ કહ્યું સાહેબ ડાબી આંખની. ડૉક્ટરે કહ્યું ભાઈ મને માફ કરો. હું તો ફક્ત જમણી આંખનો જ સ્પેશ્યાલીસ્ટ છું.

તે પ્રમાણે વકીલાતનું ક્ષેત્ર પણ વિશાળ બનતું ગયું છે. કોઈ ક્રિમિનલ ક્ષેત્રમાં પારંગત છે તો કોઈ સિવીલ, તો કોઈ રેવન્યુ તો કોઈ ટેક્ષેશન વિગેરે વિગેરે. ક્યારેક કોઈ અમને આવીને પૂછે છે કે તમે ક્રિમિનલ લોયર છો કે સિવીલ ? ત્યારે કહેવું પડે છે કે અમો તો મનુષ્ય લોયર છીએ. કામ સિવીલ, ક્રિમિનલ કે રેવન્યુનું કરીએ છીએ.

જાગૃતિ જ્યારે પદાર્થો અને વિષયો તરફ જાય છે ત્યારે તેનું જ્ઞાન તો અવશ્ય મેળવે છે પણ તે જ્ઞાનની હજારો શાખા-પ્રશાખાઓમાં પારંગત થવું તેના માટે શક્ય નથી. તેથી એક વિષયનો જ્ઞાની બીજા વિષયનો અજ્ઞાની હોય છે. એક વકીલ મેડીકલ લાઈન માટે અજ્ઞાની છે અને તે જ પ્રમાણે એક ડૉક્ટર વકીલાતના ક્ષેત્રથી અજ્ઞાત છે.

એક પુરાણી કથા છે કે એક પંડિત તેમની પોથી લઈને બહાર ગામ જઈ રહ્યા હતા. પંડિતને તેમના ગામથી બીજે ગામ જવા માટે ગંગાનો વિશાળ તટ પાર કરવો પડતો હતો. તેથી તે એક નાવિકની નાવમાં બેઠા અને નૌકાની સફર શરૂ થઈ. પંડિતે નાવિકને જૂકાવવાના પ્રયાસો શરૂ કર્યા અને કહ્યું અરે નાવિક તને અર્થશાસ્ત્ર અંગે કોઈ જ્ઞાન છે કે નહીં ? નાવિકે કહ્યું પંડિતજી હું તો વાચતા-લખતા પણ નથી જાણતો તેમાં અર્થ શાસ્ત્રનું જ્ઞાન કેમ હોઈ શકે ? પંડિતે નિસાસો નાખતા કહ્યું નાવિક તારી અરધી જીંદગી પાણીમાં ગઈ. પંડિતે ફરી સવાલ કર્યો, અરે નાવિક તને શાસ્ત્રીય સંગીતનું કોઈ જ્ઞાન છે કે નહીં ? બિચારા નાવિકે કહ્યું પંડિતજી, આ પેટ પાળવાની મજૂરીમાંથી ફુરસદ મળે તો હું કોઈ વિદ્યા શીખી શકુંને ? પણ અહીં તો સવારથી સાંજ સુધી કોઈ શાસ્ત્રને હાથ લગાડવાનો સમય જ નથી. આમ વાતચીતો ચાલી રહી હતી અને પંડિત નાવિકને પોતાની જાળમાં લઈ વગર ભાડે નાવની યાત્રા પુરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેવામાં અચાનક જોરદાર પવન ફૂંકાવા લાગ્યો અને નાવ ડોલવા લાગી. વિશાળ નદીના મજધારમાં નાવ પવન સાથે હિલોળા લેતી ડૂબવાની તૈયારી કરવા લાગી. નાવનો શઢ તૂટી ગયો. હવે નાવને ડૂબવાથી બચાવી શકાય તેવા કોઈ સંજોગો નાવિકના હાથમાં ન રહ્યા. તેથી નાવિકે પંડિતને કહ્યું અરે, પંડિતજી આપને તરવાનું જ્ઞાન તો છે ને ? પંડિત ગભરાયો. તેણે કહ્યું મને બિલકુલ તરતા નથી આવડતું. અને તેમાંય આ તુફાની પવનમાં નદીના ઉછળતા મોજાઓમાં તરવાનું તો મારું કોઈ કામ નથી. ગભરાયેલા પંડિતે નાવિકને પૂછ્યું હવે મારું શું થશે ? નાવિકે કહ્યું પંડિતજી આ પોથી સાથે આપની આખી જીંદગી પાણીમાં જશે.

અલગ-અલગ વિષયો અને પદાર્થો પ્રત્યે કરવામાં આવતી જાગૃતિની એક મનુષ્ય માટે નિશ્ચિત મર્યાદા છે. દુનિયામાં કોઈ બત્રીસ લક્ષણો પુરુષ મળી જાય તોયે આ વિરાટ પ્રકૃતિમાં હજારો લક્ષણો છુટી જાય છે. તેથી જ બુદ્ધ કહેતા હતા કે મનુષ્યે તેની જાગૃતિને ચાર કદમ સુધી જ ફેલાવવી જોઈએ. બુદ્ધના કહેવાનું તાત્પર્ય એ હતું કે જ્યારે વ્યક્તિ વિષયો અને પદાર્થો પ્રત્યે બિનજરૂરી જાગૃતિઓ ઉભી કરે છે ત્યારે વધારાની ખોટી જાગૃતિઓ જ વ્યક્તિને નાહકનો બોજો બનીને પીડે છે. જેને આપણે ઓવર કોન્સિઅસ તરીકે ઓળખીએ છીએ.

ઘણીવાર વ્યક્તિ ઓવર કોન્સિઅસ થઈ જાય છે. દા.ત. કોઈ ભયની ઘડીઓમાં વ્યક્તિ ઓવર કોન્સિઅસ હોય છે. ર૬ જાન્યુઆરી ર૦૦૦ના રોજ જ્યારે કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મોટો વિનાશકારી ભૂકંપ આવ્યો ત્યારે લોકો બેજાગૃત હતા. તેથી હજારોની સંખ્યામાં લોકો ખુવાર થયા. માલ મિલકતને પણ નુકશાન થયું. પણ તે પછી આવેલા આફટર શોક ભૂકંપમાં લોકો ઓવર કોન્સિઅસ થઈ ગયા હતા. નાના સરખા ભૂકંપમાં પણ લોકો ચીચીયારીઓ પાડીને ઘરની બહાર દોડી આવતા અને કારણ વગરનો હોહલ્લો કરતા. ન પોતે સૂતા. ન બીજાને સૂવા દેતા. મારા ભાવનગરના એક મિત્રએ તો તેના બાથરૂમ અને ટોયલેટની સ્ટોપર જ કઢાવી નાખી હતી કે જેથી ભૂકંપ આવે એટલે તુરત કુદકો મારીને બહાર ભાગી શકે. એક જ વિષય પરત્વેની વધારે પડતી જાગૃતિ નુકશાન કારક હોય છે.

ધીરુભાઈ અંબાણી સ્વપ્નદૃષ્ટા હતા અને તેમણે શૂન્યમાંથી સર્જન કરી આર્થિકક્ષેત્રે મોટી હરણફાળ ભરી હતી. અનેક કંપનીઓ અને ધંધાનો વિકાસ સાધ્યો હતો. પણ તેમની જ સ્વપ્નદૃષ્ટી પરત્વે ઓવર કોન્સિઅસનેસથી ધીરૂભાઈને પેરેલીસિસ અને બ્રેઈન સ્ટ્રોકનો ભોગ બનવું પડ્યું હતું. ધીરૂભાઈનું મૃત્યુ બ્રેઈન સ્ટ્રોકના કારણે થયું. જો ધીરૂભાઈ તેના ઓવર કોન્સિઅસનેસને રોકી શક્યા હોત તો કદાચ તે બ્રેઈન સ્ટ્રોકથી બચી શક્યા હોત. પરંતુ અનેકોનક સ્વપ્નને પુરા કરવાનો જાગૃતિ ઉપર દબાવ નાખવો અને ત્રણેય અવસ્થાઓના સુમેળને વીખી નાખવો તે અયોગ તો બ્રેઈન સ્ટ્રોક જ સર્જે છે. પદાર્થો અને વિષયો પ્રત્યેની જાગૃતિ તેની સ્વપ્ન અને સુસુપ્તિના યોગમાં ન હોય તો તેવી જાગૃતિ પણ ઘાતક બની જાય છે. કૃષ્ણ કહે છે ‘‘ન ચાતિ સ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવચાર્જુન’’ અર્થાત્‌ ન અતિ જાગનારને, ન અતિ સુનારને અને ન અતિ સ્વપ્નશીલને યોગ સિદ્ધ થઈ શકે છે. યોગની સિદ્ધિ માટે ત્રણે અવસ્થાઓની સમ્યક્તા જરૂરી છે.

જેને પરમ જાગૃતિ કહેવામાં આવી છે તે જાગૃતિ માત્ર અધ્યાત્મ વિજ્ઞાને આપી છે. આવી જાગૃતિનો ન તો પદાર્થો સાથે સંબંધ છે ન વિષયો સાથે સંબંધ છે. આવી જાગૃતિ ન સબ્જેક્ટીવ છે ન ઓબ્જેક્ટીવ. આવી જાગૃતિ એ માત્ર સેલ્ફ કોન્સિઅસ છે. ઋષિઓ, સંતો અને અવતારી પુરુષોએ જે જાગૃતિ વિષે વાત કરી છે તે સેલ્ફ એવરનેસ (અંતર જાગરણ) છે.

જાગૃતિનું મૂળરૂપ તો એક જ છે. પણ, જ્યારે આ જાગૃતિ અલગ-અલગ પદાર્થો અને વિષયોથી સંબંધિત થાય છે ત્યારે આપણે તેને અલગ-અલગ નામ અને રૂપોથી ઓળખીયે છીએ. ટાઈપ ઓફ કોન્સિઅસનેસ અને કાઈન્ડ ઓફ કોન્સિઅસનેસની બાબતોમાં ઉતરીએ તો જાગૃતિની પણ હજારો ઓળખાણો ઉભી થાય તેમ છે જેમ કે સોસીઅલ અવરનેસ, પોલીટીકલ અવેરનેસ, રીલીજીઅસ અવેરનેસ વિ. નિષ્ણાંતોના મતે વિવેક (જાગૃતિ)ના અધ્યાત્મિક રીતે પણ ઘણા પ્રકારો પાડવામાં આવ્યા છે. જેમ કે નિત્ય-અનિત્યનો વિવેક, સારાસારાનો વિવેક, ધર્માધર્મનો વિવેક, યોગ્યાયોગ્યનો વિવેક વિ. પરંતુ નોંધનીય બાબત એ છે કે આ તમામ બાબતોમાં જેને આપણે વિવેક, જાગૃતિ કે કોન્સિઅસનેસ કહીએ છીએ તે બાબત તો એક જ છે. તેથી તેના ટાઈપ અને કાઈન્ડનું કોઈ ખાસ મહત્વ રહેતું નથી.

વ્યક્તિનું જીવન કોન્સિઅસ વગર શક્ય નથી. જેટલો કોન્સિઅસ છે તેટલું જ જીવન છે. માનો કે એક વ્યક્તિને ક્લોરોફોમ કે એનેસ્થિસિયાથી બેહોશ કરીને દુનિયાભરની યાત્રા કરાવવામાં આવે અને પછી તેને પુછવામાં આવે કે તમે કેટ-કેટલા દેશોમાં ફર્યા ? તો તે શું બતાવી શકે ? બેહોશ વ્યક્તિને સુંદર બાગ-બગીચાઓ અને મહેલોમાં રાખવામાં આવે તો પણ તે તેનો શું આનંદ ઉઠાવી શકે ? કોન્સિઅસ વગરનું જીવન એ જીવન જ નથી.

મનુષ્યના આત્માનું મૂળરૂપ જ કોન્સિઅસ છે. શાસ્ત્રો કહે છે ‘‘અહો નિરંજનઃ શાન્તો બોધોહમ પ્રકૃતે પરઃ’’ (અષ્ટાવક્ર સંહિતા) સમગ્ર ભારતીય દર્શનનો નિચોડ એ છે કે વ્યક્તિ એ જાણી લે કે તે પદાર્થ રૂપ નથી, પરંતુ બોધ રૂપ છે. આત્મા અને કોન્સિઅસમાં કોઈ ભેદ નથી. કોન્સિઅસ એ આત્માનું જ રૂપ છે. પરંતુ આપણે જે કોન્સિઅસને જાણીએ છીએ તે સબ્જેક્ટીવ અથવા તો ઓબ્જેક્ટીવ છે. તેથી આપણે આત્મા કે કોન્સિઅસના વાસ્તવિક સ્વરૂપથી અવગત નથી. કોન્સિઅસની એવી સ્થિતિ કે જેમાં ન કોઈ સબ્જેક્ટ હોય કે ન કોઈ ઓબ્જેક્ટ હોય તે જ વાસ્તવિક કોન્સિઅસની સ્થિતિ છે તે જ આત્માનું મૂળ રૂપ છે. સમાધિની પરમ અવસ્થા એ છે કે જેમાં કોન્સિઅસ જાગૃત હોય અને તે કોન્સિઅસનો કોઈ સબ્જેક્ટ કે ઓબ્જેક્ટ ન હોય. ભારતીય દર્શન તેને નિર્વિકલ્પ સમાધિ કહે છે. પતંજલીએ તેના યોગ દર્શનમાં અષ્ટાંગ યોગના અંતિમ ચરણમાં આ સમાધિને પરમ ઉપલબ્ધી કહી છે.

સ્ટીફન હોકીંગ્ઝે બીગ બેંગની જે થિયરીનો ખ્યાલ આપ્યો છે તે મુજબ સમગ્ર જગત એક સુક્ષ્મ શક્તિના વિસ્ફોટથી પેદા થયું છે. એ સુક્ષ્મ શક્તિ નાના એવા રજકણના પણ કરોડમાં ભાગ કરતા પણ સુક્ષ્મ હોવાનું આજના વિજ્ઞાનનું અનુમાન છે. બસ, એટલી શક્તિમાંથી આ કરોડો-અરબો માઈલોમાં ફેલાયેલા બ્રહ્માંડનો વિસ્તાર થયો છે. તેમજ જે બ્લેક હોલની કલ્પના આજનું વિજ્ઞાન કરી રહ્યું છે તે બ્લેક હોલ એટલે આ વિસ્તારનું સંકુચન છે. આજનું વિજ્ઞાન માને છે કે લાખો પૃથ્વીઓ બાળકના હાથમાં રહેલા એક નાનકડા બોલ જેવા બ્લેક હોલમાં સમાઈ જઈ શકે છે. ભૌતિક વિજ્ઞાનની આજ દિવસ સુધીની ગણતરીઓ અને ધારણાઓથી તદ્દન ભિન્ન અનુમાનો લઈને આજનું વિજ્ઞાન આગળ વધી રહ્યું છે. આજના વિજ્ઞાનમાં અને ભારતીય તત્વ દર્શનમાં અંતર ઘટી રહ્યું છે.

હવે જે અંતર રહ્યું છે તેમાં આજનું વિજ્ઞાન સબ્જેક્ટીવ અને ઓબ્જેક્ટીવ પાર્ટના કન્સેપ્ટથી મુક્ત થઈને કોન્સિઅસ પાર્ટ ઉપર ઉતરે તે રહ્યું છે. તેના માટે વિજ્ઞાને તેની લેબોરેટરી, પદાર્થો અને પ્રયોગોને છોડવા પડશે અને કોન્સિઅસનેસના દ્વાર ખોલી અંતરના ઉંડાણમાં ઉતરવું પડશે કારણ કે વિજ્ઞાન જે તથ્યો અને પ્રયોગોને લઈને આજે ઉભું છે તેના વિકાસને હવે કોઈ લેબોરેટરીમાં સિમિત કરી શકાય તેમ નથી.

ભારતીય તત્વ દર્શન એક તથ્યરૂપ વિજ્ઞાનની જ અંતિમ શોધ છે. આજના વિજ્ઞાને જે શોધ કરી છે તે નવી નથી. મહાભારતના યુદ્ધમાં બ્રહ્માસ્ત્ર અને પાશુપતાસ્ત્ર જેવા અસ્ત્ર-શસ્ત્રની વાત આવે છે. તેની શક્તિઓ વિષે પણ સ્પષ્ટ નિરૂપણ બતાવ્યું છે કે એક બ્રહ્માસ્ત્ર સમગ્ર પૃથ્વીનો નાશ કરવા સક્ષમ છે. તેનો અર્થ એ થાય કે ભારતે આજથી પાંચ હજાર વર્ષ પહેલાં અણુનું વિભાજન કરીને ઉર્જા મેળવી લીધી હતી.

શ્રીમદ્‌ ભાગવદ્‌ના ત્રીજા સ્કંધના અગિયારમાં અધ્યાયમાં મૈત્રેય વિદૂરના સંવાદમાં અણુ, પરમાણુ અને ત્રસરેણુંના ઘટકોનું જે આલેખન કરવામાં આવ્યું છે તે જોતા એ સ્પષ્ટ છે કે ભારત પણુ-પરમાણુઓની શક્તિથી અજ્ઞાત ન હતું. પરંતુ ભૌતિક વિજ્ઞાનની શક્તિઓના દ્વાર ખોલીને જે વ્યથા આજનું વિજ્ઞાન અનુભવી રહ્યું છે તે જ વ્યથા ભારતે પણ અનુભવી હતી અને ભૌતિક ક્ષિતિજોનાં અંતથી આગળનાં અજ્ઞાત સૂક્ષ્મમાં પ્રવેશીને અધ્યાત્મ વિજ્ઞાનમાં પદાર્પણ કૃયું હતું. એ વાત અલગ છે કે હજારો વર્ષો પૂર્વે થયેલી શોધ આજે ભારતમાંથી મોટા ભાગે લુપ્ત થઈ છે. અથવા તો આવી શોધ અંગે જેને કોઈ જાણકારી નથી તેવા ધંધાદારી ધર્મગુરૂઓ તેની વાતો કરીને પોતાના દંભ પોષવાનો ધંધો કરી રહ્યા છે. પરંતુ આવા લે-ભાગુ ધંધાદારી ધર્મગુરૂઓની બાદબાકી કરી મૂળ શાસ્ત્રો તરફ નજર કરવામાં આવે તો ભારતના ઋષિઓએ માનવ સમાજને આ મહાન વિજ્ઞાનનું પ્રદાન કર્યું છે તે તથ્યને અવગણી શકાય તેમ નથી.૭

જો આત્મા જ કોન્સિઅસ હોઈ અને આત્માથી ભિન્ન કોઈ કોન્સિઅસ અસ્તિત્વ ધરાવી શકે તેમ ન હોઈ તો પછી નિંદ્રા, સ્વપ્ન અને જાગૃતિ કોની ? જો આત્મામાં કોન્સિઅસ છે તો તેને નિંદ્રા શા માટે ? શું આત્માના કોન્સિઅસને પણ નિંદ્રાની જરૂરીયાત છે ? આ પ્રકારના સવાલોમાં ઉંડા ઉતરીએ તો ખ્યાલ આવશે કે આત્મા સ્વયં જાગૃત છે પણ તેની જાગૃતિ સબ્જેક્ટીવ કે ઓબ્જેક્ટીવ નથી. તેના કારણે ભારતીય ચિંતનમાં આત્માની અવસ્થાને જાગૃત, સ્વપ્ન અને સુસુપ્તિની ત્રણે અવસ્થાઓથી પાર મુકવામાં આવ્યો છે ભારતીય ચિંતન કહે છે કે આત્માની અવસ્થા એ આ ત્રણે અવસ્થાથી પાર છે અને તેને ‘તુરિય’ અવસ્થા કહે છે. ‘તુરિયં તે તવ ધામમ્‌’ જેવા શબ્દોથી પુષ્પાદન્તાચાર્યએ તે અવસ્થાનું શિવ મહિન્ન સ્ત્રોત્રમાં વર્ણન કર્યું છે. આત્માની અવસ્થાને ત્રણ પ્રાકૃતિક અવસ્થાથી પાર ચોથી અવસ્થા તરીકે ઓળખવામાં આવી છે.

મનુષ્યની બુદ્ધિ જ્યાં સુધી અલગ-અલગ સબ્જેક્ટ અને ઓબ્જેક્ટમાં ભમતી રહે છે ત્યાં સુધી તેની બુદ્ધિની જાગૃતાવસ્થાને સ્વપ્ન અને સુસુપ્તિની જરૂરીયાત રહે છે. પણ જ્યારે આ બુદ્ધિ અંતર જાગરણના એવા કોન્સિઅસ સાથે જોડાય છે કે જેમાં ન તો કોઈ સબ્જેક્ટ છે કે ન કોઈ ઓબ્જેક્ટ ત્યારે આ બુદ્ધિ એ આત્મિક બુદ્ધિ કહેવાય છે. કૃષ્ણ કહે છે ‘‘અવ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધો ન વિધિયતે’’ અર્થાત્‌ જે બુદ્ધિ આત્મિક કોન્સિઅસથી જોડાતી નથી તેને શાંતિ નથી. તેથી કર્મોની સાથે જાગૃત રહેતી બુદ્ધિને સ્વપ્ન અને નિંદ્રા બંનેની જરૂરીયાત રહે છે.

કૃષ્ણના મતે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કર્મો છે. ‘‘નહિ કશ્ચિત ક્ષણમપિ જાતુતિષ્ઠીત્ય અર્કમકૃત’’ જીવન તરીકે જેને આણે ઓળખીયે છીએ તે કર્મ વગર સંભવી શકે તેમ નથી અને જીવન રહેતા કોઈ વ્યક્તિ એક ક્ષણ પણ કર્મ વગર રહી શકે તેમ નથી. જેથી જીવન સાથે જોડાયેલી જાગૃતિની અવસ્થાને તેના સ્વપ્ન અને સુસુપ્તિ સાથે યોગમય બનાવવી જ હિતાવહ છે. જેથી સબ્જેક્ટ અને ઓબ્જેક્ટમાં ભમતી બુદ્ધિ નિંદ્રામાં યોગ્ય વિશ્રામ કરે અને કર્મો માટે યથા યોગ્ય સ્વપ્ન સેવે તે બંને બાબતો જરૂરી છે. પરંતુ ત્રણેય અવસ્થાઓથી પાર જવાનો પણ એક માર્ગ છે, પરમ જાગૃતિનો પણ એક માર્ગ છે તે ન ભુલવું જોઈએ.

***