Chalo America - Vina Visa - 25 - 26 in Gujarati Fiction Stories by Vijay Shah books and stories PDF | ચલો અમેરિકા - વિના વિઝા - પ્રકરણ - 25 - 26

Featured Books
Categories
Share

ચલો અમેરિકા - વિના વિઝા - પ્રકરણ - 25 - 26

ચલો અમેરિકા - વિના વિઝા

વિજય શાહ

પ્રકરણ ૨૫

સાંજે કૉમ્યુનિટી કૉલેજ્માં ટૂર લેવાની હતી. ૧૨૩૯ સ્ટુડન્ટ એક સાથે જવાનાં છે તે વાતે કૉલેજમાં પણ હલચલ મચી હતી. અત્યારે તો ગટુએ ૨૦૦ સ્ટુડંટ્સ સાથે બેસીને જુદીજુદી લાઇન માટેના કોર્સની માહિતી માંગી હતી તેથી ૬ ક્લાસમાં અડધો કલાકની માહિતી આપવાના હતા. અંગ્રેજીમાં માહિતી આપતા સ્કૂલ કો–ઓર્ડીનેટર સાથે સુધા અને ગટુ ગુજરાતીમાં અનુવાદ કરવાનાં હતાં. અને ઇંગ્લીશ એઝ સેકંડ લેંગ્વેજ પણ સમજાવવાનાં હતાં. ત્યાંનો કોન્ફરન્સ રૂમ ખોલી નાખી ૬ ક્લાસને બદલે ૧ ક્લાસમાં બધાને સમાવી દીધા અને મોટેલ મૅનેજમેન્ટ ડિપ્લોમા અને પેટ્રોલિયમ રિફાઇનિંગ ડિપ્લોમા વિશે જરૂરી માહિતી આપી. સુધા સતત રીતે કહેતી, કોર્સ અટેન્ડ કરવાથી પગાર નહીં વધે. સર્ટિફિકેટ નહિ હોય તો છ મહિના પછી પાછા દેશ ભેગા પણ થઈ શકાય. આ બંને ક્લાસમાં સરળ ક્લાસ મોટેલ મૅનેજમેન્ટ ડિપ્લોમા છે પણ તે મોંઘો છે અને ઓછા સમયનો છે. જ્યારે પેટ્રોલિયમ રિફાઇનીંગ ડિપ્લોમા એંજીનિયરીંગનો ક્લાસ છે. તમે ધારો તો બંને ક્લાસ લઈ શકો છો પણ અલપાસો રિસોર્ટને મોટેલ મૅનેજમેન્ટ ડિપ્લોમાની જ જરૂર છે.

સૌને પ્રવેશનાં ફોર્મ અપાયાં અને પાછા ફરતા હતા ત્યારે બે ભાગમાં બધા વહેંચાઇ ગયા હતા. એક ભાગ કે જેમને ભણવું ન હતું અને બીજો ભાગ કે જેઓને ભણવું તો હતું પણ લોનને બદલે એલપાસો રિસોર્ટ તે પૈસા ભરે તેવી અપેક્ષા હતી. સુધા આવા લોકોથી ભારે નારાજ હતી. નાના શેઠ હાથ આપે તો આખો પહોંચો પકડવો હતો. પણ નાના શેઠ તો તેમનું ભવિષ્ય બનાવવા માંગતા હતા. ત્રણ વરસ પછી તેઓને પાછા ન જવું હોય તો તેની જોગવાઈ કરતા હતા.

ઘરે પહોંચ્યાં પછી રાતનાં વાળુ વખતે નાના શેઠ પાસે આ વાત આવી કે ભણતર અમારી જરૂરિયાત નથી અને અમારે ભણવું પડશે તેવી કોઈ વાત અમને કહેલી નહોતી તેથી અમને તેમાંથી બાકાત રાખો તો સારું.

નાના શેઠે વાત સાંભળી અને બહુ વહાલથી તેમની સામે જોઈને કહ્યું,

“તમને ખબર છે, તમને વિઝા કેટલા સમયનો મળ્યો છે?”

ઘણા તુક્કાઓ સાંભળ્યા પછી નાના શેઠ બોલ્યા, “તમને વિઝા ત્રણ વરસનો મળ્યો છે.”

તમારી નોકરીમાં આ વિઝા લંબાવવો હશે તો આપ સૌએ આપનું કૌશલ બતાવવું પડશે. જે આ ભણતર પૂરું પાડશે. આપ ભારતીય કોઈ પણ ડિગ્રી ધરાવતા હશે પણ તે ડિગ્રી વિના નકામી. આપાણો આ ગટુ સોફ્ટ્વેરમાં પીએચ.ડી. છે પણ તેને પણ અહીંની પરીક્ષાઓ ના આપે ત્યાં સુધી ભારતીય ડિગ્રીની કોઈ કદર નહીં. સુધા નાના શેઠ પાસે સાંજની ટપાલમાં આવેલા ક્રેડિટ કાર્ડ લઈને આવી.

તે બધાને આપતાં નાના શેઠ બોલ્યા, “અલપાસો રિસોર્ટ એક વધુ ફેસિલિટી આપને સૌને આપે છે. ૨૫૦૦ ડૉલરની ક્રેડિટ ધરાવતું ક્રેડિટ કાર્ડ. આ આપની ક્રેડિટ બંધાવવા જરૂરી હતું. ધ્યાન રહે કે આ ઉધારી છે અને અમેરિકામાં પહેલા વરસની આપની નાણાકીય શિસ્તતા આના થકી મપાય છે. તમે બૅન્ક સાથે ઉધારી ૨૫૦૦ કરતાં વધુ નહીં કરી શકો અને એ ઉધારી ફક્ત એક મહિના માટે છે. અમેરિકામાં એવું કહેવાય છે જેના પાકિટમાં ક્રેડિટ કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ તે સંપૂર્ણ રીતે સ્વતંત્ર. અને ત્રણ વરસ ક્રેડિટ કાર્ડ સાથે તથા કાર એક્સિડન્ટ વિના જાળવી શકે ને લક્ષ્મીદેવી વરે તેમ સમજી શકાય. અમેરિકામાં એવાં રૂડાં પ્રલોભનો હોય છે જેમાં want અને needનો તફાવત સમજે તે જ શાણો. દાખલા તરીકે પેટ ભરવા રોજ પકવાન અને ભારે ખાવું જરૂરી નથી. સાદું અને પૌષ્ટિક ખાવાનું રોજ ખવાય. ઉત્સવ કે રજાના દિવસે મીઠાઈ ખવાય. તે સાદો અને સીધો દાખલો want અને needનો છે.

***

પ્રકરણ ૨૬

આમ તો નવસારી પાસેનું જલાલપોર નાના શેઠનું અને ગટુનું ગામ. ગટુના બાપા ગામના મુખી અને શેરડીની ખેતીમાં આગળ પડતું નામ. નાના શેઠ અને મોટા શેઠ બંને અલપાસોમાં ૧૯૭૮થી આવીને સ્થિર થયા. સુધાનો જન્મ અલપાસોમાં જ થયો ૧૯૮૦માં અને તે સમય દરમ્યાન ગટુના બાપાને જમીન સોંપી મોટા શેઠે પહેલી રિફાઇનરી ખરીદી. અને તેલ ઉદ્યોગમાં તેજી આવી. તેથી જમીનો ગટુના બાપાને સોંપી નાના શેઠ પણ અહીં આવી ગયા.

વેનેઝુએલા અને દક્ષિણી અમેરિકન દેશોમાં નીકળતું તેલ ખૂબ પડતર ભાવે લાવવામાં મોટા શેઠે મોટા પાયે વહાણો ખરીદ્યાં અને રિફાઇનરીઓનો વહીવટ નાના શેઠને આપી તેઓ બ્રાઝીલમાં રહી પડ્યા. પણ સુધાના ભણતરનો પ્રશ્ન આવ્યો ત્યારે જલાલપોર અને અલપાસો વચ્ચે જલાલપોરની જીત થઈ અને મોટા શેઠની મા પાસે સુધા આવીને રહી. બ્રાઝીલ અને વેનેઝુએલામાં સંપત્તિ તો વધતી ગઈ અને સાથે સાથે દુશ્મનો પણ વધતા ગયા. એક દિવસ તેમના ઉપર હુમલો થયો અને બંને મા–બાપ ગોળીનો શિકાર બન્યાં ત્યારે સુધા ૧૫ની હતી. બન્ને કુટુંબોમાં મેળ તો હતો જ. ગટુના બાપાને મન હતું કે ગટુ અમેરિકા જઈને ભણે. એટલે નાના શેઠને કહ્યું કે તમારી જમીનો સંભાળી છે. હવે તમે મારા દીકરાને સંભાળો. જેથી બંને ભાઈબંધો આગલી પેઢી પણ સંભાળે. સમજદારને ઈશારો કાફી હોય. તેમ જ સુધાની સાથે ગટુને પણ ભણવા સ્પોન્સર કર્યો. સુધા પાસે અમેરિકામાં જન્મ થવાને કારણે સિટિઝનશીપ હતી. તેથી ભણતર માટે કોઈ તકલીફ ન પડી પણ ગટુને ટોફેલ અને બીજી બધી એડમિશનની ધમાલ કરવી પડી. છેલ્લે એડમિશન મળ્યું સાન એંટોનિયોમાં અને કૉમ્પ્યૂટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું.

નાના શેઠના આગ્રહથી તે અલપાસો આવ્યો ત્યારે સુધા ભણી રહી હતી અને પહેલી વખત તેને મળ્યો ત્યારે પહેલી નજરે બંને પ્રેમમાં પડ્યાં. ત્યારે નાના શેઠે કહ્યું, જેટલું ડેટિંગ કરવું હોય તેટલું કરી લો. જ્યારે તમે કહેશો ત્યારે બંનેને ભેગાં કરીશું. બીજી ખેપમાં સફળતાથી ૧૨૩૯ માણસો લઈને આવ્યો ત્યારે તો સુધા અને નાના શેઠ પણ માની ગયા કે ગટુમાં આવડત અને ધંધાને સાચવી શકે તેવી ત્રેવડ છે. ખાલી સગપણનો લાભ લઈને બેસી જાય તેવો નથી. રાજા ઉપર વિશ્વાસની વાર્તા એ એના વાંચન અને સમજદારીનું પ્રતીક હતું.

સુધા : “ગટુ, તારું નામ મને નથી ગમતું. હું તો તને ગ્રેગરી કહીને બોલાવીશ.”

“ભલે, પણ મને તું અને તારું નામ બંને ગમે છે.”

” તું મને સેન્ડી કહેજે. મને બધા કૉલેજમાં સેન્ડી કહેતા હતા.”

“ડેટિંગની શરૂઆતનો પહેલો સંવાદ કેટલો અરસિક નહિ?”

“હા, મને પણ સમજણ નથી પડતી, આપણને ડેટિંગની શું જરૂર? નાનેથી મોટી થઈ ત્યાં સુધી નજર સામે તો તું હતી.”

“જલાલપોરમાં તને હું સારી મિત્ર સમજતો હતો.”

“હું તો સમજણી થઈ ત્યારથી તને મારો જ સમજતી હતી.”

“તો યાર, કહેવું હતું ને? આટલો બધો સમય ખોટો બગાડ્યો ને?”

સુધા તેને વિચિત્ર રીતે જોતી રહી. ઘણા સમય પછી તે મલકતી મલક્તી બોલી, “મારી કાચી ઉંમર અને તારી મને ધાસ્તી લાગતી હતી.”

“ધાસ્તી? હા, ઘણા બધા વરરાજાઓનાં કાચી ઉંમરનાં પરાક્રમો ચલચિત્રોમાં જોયેલાં ને?

“ધત તેરે કી!”

“ના, મારે તને ભણવા દેવો હતો ને? તું ભણીગણીને કામધંધે વળગે ત્યાર પછી મારે તારી સાથે એવી રીતે સેટ થવું હતું કે ક્યારેય છૂટા ના પડીએ.”

“ચાલ, હવે ભેગા થવાનો સમય આવ્યો છે.” ધીમેથી સુધાના હાથને હાથમાં લેતાં ગટુએ કહ્યું.

હા, આજે મારા રૂમમાં તું આવજે...લજાતી નજરે સુધાએ ઇજન આપ્યું.

***