શોધું છું તને મારી કલ્પનાઓમાં,
ઇચ્છું છું તને મારી આશાઓમાં,
જોવું છું તને મારા વિચારોમાં,
પામું છું તને મારા શ્વાસમાં,
ધબકે છે તું મારા હૈયામાં,
પ્રસરે છે તું મારી રગોમાં,
વાંચું છું તને મારા કીબોર્ડમાં,
મહેસુસ કરું છું તને મારા સ્વપ્નમાં,
નથી મળતી તું મને ક્યાંય આ સૃષ્ટિમાં,
તેમ છતાં દોડું છું પાછળ એ મૃગજળમાં..
બાળપણાંની મીઠી યાદોને શબ્દોમાં કંડારવા,
એ લખોટી, ભમરડો ને સાતોળિયું ફરી યાદ કરવા,
ચાલને ભેરું આપણે એક પુસ્તક લખીએ..
વરસાદના પાણીમાં કાગળની હોળી દોડાવવા,
ઝરમર પડતાં વરસાદમાં છબછબિયાંને યાદ કરવા,
ચાલને ભેરું આપણે એક પુસ્તક લખીએ..
તારા મમ્મીના હાથના સક્કરપારા અને મારા મમ્મીના હાથના થેપલાં,
પ્રવાસના એ યાદગાર દિવસોને વાગોળવા,
ચાલને ભેરું આપણે એક પુસ્તક લખીએ..
મહાદેવના મંદિરે મળતાં પ્રસાદને ફરી એ નાના ખોબામાં લેવા,
સાતમ-આઠમના મેળામાં ચકેડીની યાદોને તાજી કરવા,
ચાલને ભેરું આપણે એક પુસ્તક લખીએ..
ઇદના શિરખુરમાં મારી ઘરે અને દિવાળીની મીઠાઈ તારી ઘરે ખાવા,
આપણાં બાળપણનાં તહેવારોનો ઉત્સાહ યાદ કરવા,
ચાલને ભેરું આપણે એક પુસ્તક લખીએ..
નિશાળમાં તારી પાટલી પર મારી જગ્યા રોકવા,
પંદરમી ઓગષ્ટના સાંસ્કૃતિક કાર્યક્રમોની યાદો કંડારવા,
ચાલને ભેરું આપણે એક પુસ્તક લખીએ..
ટાયરનાં પૈડાંને રોડ પર દોડાવવા,
શેરીના ક્રિકેટને શબ્દોમાં સજાવવા,
ચાલને ભેરું આપણે એક પુસ્તક લખીએ..
વોટ્સઅપ અને ફેસબુકની આ દુનિયામાં,
બાળપણની યાદોને તાજી રાખવા,
ચાલને ભેરું આપણે એક પુસ્તક લખીએ..
લખાવટ
બેસું જ્યારે હું લખવા,
શબ્દોની હારમાળા નીકળે,
અક્ષરોના મોતીઓમાં,
મારા પ્રેમની નિશાની નીકળે,
કોઈ ઉચ્ચારે જો મારો શબ્દ,
એના મનથી વાહ વાહ નીકળે,
પ્રફુલિત થઇ જાય વાંચનારનું મન,
એવા સુંદર ભાવ અહીં નીકળે,
વરસે જ્યારે વરસાદ આ ધરાપર,
પાણીનાં રેલાઓ ચારેકોર નીકળે,
એ ભીની માટીની સુવાસમાં જ,
મારી અવનવી કવિતાઓ નીકળે,
બને અનેક ઘટનાઓ આંખો સામે,
એનો પ્રતિસાદ મારી વાર્તામાં નીકળે,
સમાજમાં થતા અન્યાયો સામે,
ક્યારેક મારા આકરાં શબ્દો નીકળે,
નવરાત્રી જેવા પાવન પર્વ પર,
પ્રેમભર્યા રાસના સૂરતાલ નીકળે,
વાંચકોના મનમાં જીવી શકે,
ઈરફાન તારા એવા હરફ નીકળે..