prem agan - 1 in Gujarati Love Stories by Jatin.R.patel books and stories PDF | પ્રેમ અગન 1

Featured Books
  • सर्द हवाएं

    लेख-सर्द हवाएं*******""       यूं तो सर्दियों के मौसम में जब...

  • इश्क दा मारा - 45

    यूवी गीतिका का हाथ पकड़ कर ले जा रहा होता है तभी गीतिका बोलत...

  • लल्लन जी की अद्भुत नौकरी

    गाँव के एक छोटे से कस्बे में रहते थे लल्लन जी। उनका नाम ही उ...

  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

Categories
Share

પ્રેમ અગન 1

પ્રેમ અગન

પ્રસ્તાવના

અધૂરી મુલાકાત અને હતી એક પાગલની ભવ્ય સફળતા પછી એક નવી રોમાન્ટિક નોવેલ આપ સૌ માટે લઈને આવ્યો છું.વાંચકોનો પ્રેમ અને પ્રતિસાદ માટે સતત કંઈક સારું લખવાની પ્રેરણા આપતો રહ્યો છે..અને એથી જ સતત કંઈક નવાં જ વિષયો પર લખતો રહ્યો છું અને ભવિષ્યમાં પણ લખતો રહીશ.

સ્ટોરી નું ટાઈટલ જોઈ તમે સમજી ગયાં હશો કે આ એક રોમાન્ટિક લવસ્ટોરી હશે.પ્રેમ માં મળવું અને અલગ પડવું એ એક સિક્કાની બે બાજુ જેવી વાત છે..જો અલગ જ ના થઈએ તો મિલનનું મહત્વ જ ના સમજાય.તમે આ નોવેલનાં દરેક પ્રકરણ ની સાથે નિઃસ્વાર્થ પ્રેમ,ત્યાગ,નફરત,દોસ્તી..વગેરે લાગણીઓ પણ અનુભવી શકશો.

તો તૈયાર થઈ જાઓ વિરહની વેદના અને પ્રેમ ની ચરમસીમા સુધી લઈ જતી હૃદયનાં અંતઃકરણથી રચાયેલી નવલકથા પ્રેમઅગન ની સુંદર સફર માટે.વિજયા અને માસુમ ની સાથે મારાં સર્વે વાંચકો નો આભાર જેમનાં કારણે હું આ નોવેલ રચી રહ્યો છું..આપનું રેટિંગ મારાં માટે અમૂલ્ય છે એટલે સમજી વિચારીને રેટિંગ આપવાં વિનંતી.આ નોવેલ ગુરુવારે અને રવિવારે આવશે.

-જતીન.આર.પટેલ (શિવાય)

પ્રકરણ:-1

શિવ પટેલ અત્યારે પુરપાટ વેગે પોતાની કાર અમદાવાદ નાં સરદાર પટેલ રિંગરોડ પર હંકારી સેટેલાઇટ સ્થિત પોતાનાં ફ્લેટ તરફ જઈ રહ્યો હતો..એની આંખો અત્યારે ઉજાગરા નાં લીધે લાલ દેખાઈ રહી હતી.દરેક વ્યક્તિ અલગ અલગ પ્રકારનાં નશાનો આદી હોય છે એજ રીતે શિવ ને પણ એક વસ્તુનો નશો હતો..એ નશા ને એનું ઝુનૂન પણ તમે ગણી શકો..આ નશો હતો સફળતા નો અને કામ નો.

આજથી પાંચ વર્ષ પહેલાં શિવ જ્યારે જૂનાગઢ થી અમદાવાદ આવ્યો હતો ત્યારે એની જોડે ખિસ્સામાં બે હજાર ત્રણસો ને છોત્તેર રૂપિયા,ચાર જોડી કપડાં અને આંખોમાં સપના સિવાય બીજું કંઈ નહોતું..આ સિવાય એનાં હૃદયમાં હતી એક આગ અને એ આગની તપીસ અને પોતાનો ધ્યેય પૂરો કરવાની પ્રેરણા આપી રહી હતી.

પહેલાં તો શિવ કોલેજ નાં લાસ્ટ યર માં જ્યાં પ્રોજેકટ માટે ગયો હતો એજ આઈ.ટી કંપનીમાં આઠ હજાર પગારમાં નોકરી લાગ્યો.. જ્યાં એની કામની ધગશ અને સોફ્ટવેર લેંગ્વેજ ની સમજનાં લીધે છ મહિના બાદ એનો પગાર બમણો થઈ ગયો..અને કેમ ના થાય,વિદેશ સ્થિત કંપની માટે શિવ જ્યાં કામ કરતો એ કંપની જે કંઈપણ આઉટસૉરસિંગ નું કામ કરતી એ બધું જ શિવ હેન્ડલ કરતો હતો..કંપની એમાંથી મહિને વીસેક લાખ રૂપિયા કમાઈ લેતી એટલે શિવને પંદર-વિસ પગાર આપવો તો લાજમી હતો.

પોતાની કંપની તરફથી શિવને એક લેપટોપ આપવામાં આવ્યું હતું..જેનો ઉપયોગ કરી એ પોતે જ્યાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતો એ રૂમ ઉપર જઈને ફ્રીલાન્સર તરીકે થોડું ઘણું પર્સનલ વર્ક પણ કરતો..જેમાંથી શિવ પગાર જેટલું બીજું કમાઈ લેતો.આમ ને આમ દોઢેક વર્ષ ક્યાં વીતી ગયું એની ખબર જ ના રહી.

પણ કહેવાયું છે ને..

"તમને અપાતો પગાર એ તમારાં સપનાને ના પૂરાં કરવા દેવાની લાંચ-રૂશ્વત છે.."

શિવ ઊંચા આસમાને ઉડનારું પંખી હતો..એને તો આકાશ આંબવું હતું એટલે નજીકમાં એને એક નિર્ણય કર્યો કે એ પોતે નોકરી મૂકીને પોતાની સ્ટાર્ટઅપ કંપની શરૂ કરશે..આ કંપની કેનેડા,ઓસ્ટ્રેલિયા અને અમેરિકા ની આઇટી કંપનીઓ જોડે ટાઈઅપ કરી એમનું કામ અહીં ઈન્ડિયામાં રહીને કરશે..પણ હાલમાં દરેક કામ શરૂ કરવા માટે જરૂર પડે છે મૂડીની..શિવ જોડે બે લાખ રૂપિયા જેટલી બચત તો હતી પણ કોઈ કંપની ની ઓફિસ શરૂ કરવાં આ રકમ કાફી નહોતી..કેમકે હાલ તો ઓફિસનું ફર્નિચર પણ બે લાખ થી વધુમાં પડે.

આ તકલીફમાં સુદામા રૂપી શિવ ની સહાયતા કરવાં તૈયાર થયો એની સાથે કંપનીમાં જ કામ કરતો એનો મિત્ર જય દેસાઈ..જય ત્યાં એકાઉન્ટર ની જોબ કરતો હતો પણ ખાલી કરવા ખાતર..જય નાં પિતાજી ટ્રાન્સપોર્ટ નો બિઝનેસ કરતાં જેમાંથી મહિને બે-અઢી લાખ કમાઈ લેતાં હતાં.. ગર્ભ શ્રીમંત પરિવારમાંથી આવતો જય રૂપિયા કઈ રીતે પેદા થાય એની અહમીયત સમજે એ માટે એનાં પિતા હરીભાઈ એ એને નોકરી કરવા મુક્યો હતો.

નોકરી મૂક્યાં બાદ શિવ જ્યારે પોતાની સ્ટાર્ટઅપ કંપની ઉભી કરવાં માટે દોડધામ કરી રહ્યો હતો ત્યારે જય ને આ વિશે જાણ થઈ કે પૈસા ની તકલીફનાં લીધે શિવ ને આગળ વધવામાં તકલીફ પડી રહી છે.શિવ ની કાબેલિયત ઉપર જઈને થોડો પણ શક નહોતો એટલે એ શિવ ને લઈને પોતાનાં પિતાજી પાસે ગયો અને એમને જણાવ્યું કે શિવ નવી કંપની ચાલુ કરવાં માંગે છે અને એ માટે એને દસેક લાખ રૂપિયાની જરૂર છે.

હરીભાઈ એ શિવ ની તરફ જોયું..એની આંખોમાં રહેલું ઝનૂન હરીભાઈ ની અનુભવી આંખો એ પારખી તો લીધું હતું પણ હજુએ એ શિવની પરીક્ષા કરવાં માંગતા હતાં અને એ માટે એમને શિવને અમુક પ્રશ્નો કરવાનું વિચાર્યું.

શિવ ને પોતાની પાસે બેસવાનું કહી હરીભાઈ એ પૂછ્યું.

"દીકરા, હું તને દસ લાખ ની જગ્યાએ પંદર લાખ પણ આપી શકું છું..પણ જો તારો બિઝનેસ પડી ભાંગ્યો અને તને નુકશાન આવ્યું તો તો કઈરીતે મારાં પૈસા પાછાં આપીશ..?"

જવાબમાં શિવ જે બોલ્યો એ સાંભળી હરીભાઈ એ તાત્કાલિક શિવ ને દસ લાખ રૂપિયાનો ચેક આપવાં મજબુર થઈ જવું પડ્યું.હરીભાઈનાં પુછાયેલાં સવાલનો મક્કમ મનોબળ સાથે જવાબ આપતાં શિવે કહ્યું.

"પહેલી વાત કે કોઈ કામ શરૂ કર્યાં પહેલાં એની નિષ્ફળતા નો વિચાર કરું તો મારે એ કાર્ય કરવું જ ના જોઈએ..અને કાકા તમે પૂછ્યું જ છે તો કહી દઉં કે તમારી મૂડી તો હું તમને તમે કહેશો એ વ્યાજથી બમણાં સાથે છ મહિનાની અંદર ચૂકવી દઈશ..કેમકે મને મારાં ઉપર ભરોસો છે અને મારાં મતે ઈશ્વર ઉપર ભરોસો ના હોય તો ચાલે પણ પોતાની જાત ઉપર તો ભરોસો હોવો જ જોઈએ.."

હરીભાઈ ની નાણાકીય મદદ,જય નો સાથ અને પોતાની બુદ્ધિ તથા મહેનત નાં દમ પર શિવે પંદર દિવસમાં તો પોતાની આઈટી કંપની શ્રી ઈન્ફોટેક શરૂ કરી દીધી..ફ્રેશર હોય એવાં દસેક લોકોને પોતાનાં સ્ટાફમાં રાખી શિવે પોતાની કંપનીના શ્રી ગણેશ કરી દીધાં..ફ્રેશર સ્ટાફ ને રાખવાં પાછળ શિવની ગણતરી હતી કે એમને પગાર ઓછો આપવો પડે અને સાથે-સાથે એ લોકો સમય પર પોતાનાં કહ્યાં મુજબ કામ પણ કરી આપે.

મહેનત,નસીબ,ભગવાનમાં શ્રદ્ધા અને વડીલોનાં આશીર્વાદ આ ચાર વસ્તુઓ ની જરૂર પડે છે કોઈપણ કાર્યની સફળતા માટે..અને શિવ જોડે આ બધું હતું પછી એની સફળતાની ગાડી ને કોઈ કઈ રીતે રોકી શકે.શિવની કંપનીને પ્રથમ મહિને જ સાડા નવ લાખ નું કામ મળ્યું..બધો ખર્ચો કાઢતાં શિવની કંપની શ્રી ઈન્ફોટેક નો પ્રથમ મહિનાનો ચોખ્ખો નફો થયો છ લાખ અને ત્રીસ હજાર રૂપિયા.

જેમ કોઈ જંગલી પશુનાં મોંઢે લોહી લાગી જાય અને એ વધુ હિંસક બને એમ શિવનાં મોંઢે હવે સફળતાનો અને રૂપિયાનો સ્વાદ લાગી ગયો હતો..હવે અટકે એ બીજાં..ચાર મહિનામાં તો શિવે હરીભાઈ દ્વારા આપવામાં આવેલી રકમ એમને પુનઃ ચૂકવી દીધી..હરીભાઈ પણ આ છોકરાંની લગન અને કામ પ્રત્યેની ધગશ પર આફરીન પોકારી ગયાં.

પ્રથમ પ્રયાસમાં જ મળેલી અપાર સફળતા પછી તો શિવે પાછું વળીને જોયું જ નહીં..ત્રણ વર્ષની અંદર તો શિવે શરૂ કરેલી શ્રી ઈન્ફોટેકનું માસિક ટર્નઓવર કરોડો ને આંબવા લાગ્યું..શિવે આ ત્રણ વર્ષ દરમિયાન જમવાનું કે સુવાનું મગજમાં લાવ્યાં વગર ફક્ત કામ અને કામ જ કર્યે રાખ્યું હતું..ટૂંકમાં એને પોતાની જાતને વર્કોહોલિક બનાવી દીધી હતી..ગત વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા શિવ ની કંપની ને બેસ્ટ ગ્રોસિંગ આઈટી કંપનીનો એવોર્ડ પર એનાયત કરવામાં આવ્યો હતો.

સિંધુભવન રોડ પર નવાં બનેલાં સફલ કોમ્પ્લેક્સમાં શિવે એક જ ફ્લોર પર પોતાની નવ ઓફિસો ખરીદીને પોતાની કંપનીનો વ્યાપ ઘણેખરે અંશે બમણો કરી દીધો હતો..શરૂવાત માં જ્યારે શિવ ને મદદની જરૂર હતી એ સમયે એની વ્હારે આવનાર જય દેસાઈને શિવે પોતાની કંપનીમાં 25% પાર્ટનર બનાવી દીધો હતો.શિવ જ્યાં કંપનીમાં કામ ઉપર ફોકસ કરતો તો ત્યાં જય ઉપર બાકીની બધી જવાબદારીઓ હતી.

ઓછાં સમયમાં જો આવી સફળતા મળે તો કોઈપણ એને જીરવી ના શકે..પણ શિવ નોખી જ માટીનો બનેલો હતો..શિવ ની ગણના ટોપ બિઝનેસમેનમાં થતી હોવાં છતાં પોતાનાંથી નીચી પાયરીનાં લોકોને પણ એ માન અને સમ્માન આપતો હતો.બધું કામ પતાવી પોતાની ઓફિસમાંથી રાતે એક વાગે શિવ ઘરે જવા માટે પોતાની ઓડી કાર લઈને નીકળ્યો.

આજે રવિવાર હતો અને રવિવાર શિવ ની જીંદગી માટે એક મહત્વનો દિવસ હતો..લગભગ દોઢ વાગે શિવ ફ્લેટ ઉપર પહોંચ્યો.સેટેલાઈટમાં આવેલો શિવનાં 4 BHK ફ્લેટની કિંમત બે કરોડથી પણ વધુ હતી..ઉપરથી એનું ઇન્ટિરિયલ પણ ખુબજ મનમોહક હતું.

પોતાનાં જોડે રહેલી ચાવી વડે ફ્લેટ ખોલી શિવ અંદર આવ્યો..શિવનાં અંદર પ્રવેશતાં જ એનાં ઘરે કામ કરતો નોકર હમીર જાગી ગયો..નોકર હોવાં છતાં શિવ હમીર ને નાના ભાઈ ની જેમ જ રાખતો હતો..અને સામે પક્ષે માં-બાપ વગરનો હમીર શિવ ની પૂરાં દિલથી સેવા કરતો અને શિવની નાની-મોટી જરૂરિયાત નો ખ્યાલ રાખતો હતો.

શિવે એને સો વાર કહ્યું હતું કે પોતાને આવવામાં મોડું થઈ જાય માટે જમવાનું ડાઈનીંગ ટેબલ પર રાખી હમીર સુઈ જશે તો ચાલશે..પણ હમીર તો શિવ જ્યારે પણ ઘરે આવે એવો જ ગમે તેવી ઊંઘમાં ના હોય જાગી જ જતો..શિવ પોતાને જમવાનું છે એમ કહે તો એ હાથ પગ ધોઈને ફ્રેશ થાય ત્યાં સુધી હમીર જમવાનું ગરમ કરી ને પીરસી દેતો.અમુક વાર તો રાતે બે વાગે હમીરે ગરમ રોટલીઓ બનાવીને શિવને ખવડાવી હોય એવું પણ બન્યું હતું.

એમાં પણ આજે તો રવિવાર હતો..એટલે શિવ ચોક્કસ જમવાનો હોય એ વાત શિવ જોડે રહ્યાં નાં વર્ષો બાદ હમીર સારી પેઠે જાણી ગયો હતો.આજે હમીરે દર રવિવારની જેમ જ શિવ માટે પાણીપુરી બનાવી હતી..રવિવારનું આ ફિક્સ મેનુ હતું.

"શિવભાઈ,તમે હાથ પગ ધોઈ કપડાં ચેન્જ કરો ત્યાં સુધી હું જમવાનું ડિશ માં કાઢી દઉં.."શિવ ફ્લેટ નો દરવાજો અંદરથી બંધ કરતો હતો ત્યાં હમીર મેઈન હોલની લાઈટ ચાલુ કરતાં બોલ્યાં.

"હમીર,તું હજુ જાગે છે..કેટલી વાર કહ્યું તને કે મારી વાટ નહીં જોવાની.."હમીર ને પોતાની બેગ આપતાં શિવ બોલ્યો.

"મોટાભાઈ તમે ઘરે ના આવો ત્યાં સુધી ઊંઘ આવે ખરી..?"હમીર પણ વર્ષોથી પોતે જે બોલતો એ ડાયલોગ રિપીટ કરતાં બોલ્યો.

"તું છે ને મારી માં જેવો છે..એ પણ આવું જ કરતી..હું ભૂખ્યો હોઉં તો એ પણ ભૂખી રહેતી અને હું ક્યારેક બીમાર પડી જાઉં તો મારાથી વધુ દુઃખ એને થતું.."શિવ આટલું બોલી બાથરૂમમાં પ્રવેશ્યો.

થોડીવારમાં શિવ ફ્રેશ થઈ કપડાં ચેન્જ કરી ડાઈનીંગ ટેબલ પર આવીને બેઠો.આ દરમિયાન હમીરે પાણીપુરી નો મસાલો બનાવી રાખ્યો હતો અને પુદીનાનું પાણી અને મીઠી ચટણી પણ બાઉલમાં કાઢી રાખ્યું હતું.

"હમીર હવે તું જઈને સુઈ જા..હું મારી રીતે જમી લઈશ.."હમીર તરફ જોતાં શિવ બોલ્યો.

"સારું ભાઈ..તમે જમ્યાં બાદ બધાં વાસણ અહીં જ મૂકી રાખજો..હું સવારે બધું સરખું કરી દઈશ.."આટલું બોલી હમીર પોતાનાં રૂમ તરફ સુવા માટે આગળ વધ્યો.

હમીરનાં જતાં જ શિવ ધીરેથી ઉભો થયો અને પોતાનાં બેડરૂમનો દરવાજો ખોલી અંદર ગયો..રૂમની લાઈટ કરી શિવે પોતાની અલમારી ખોલી અને એનાં ડ્રોવર ની અંદર રાખેલી એક ફોટોફ્રેમ કરેલી તસ્વીર ને હાથમાં લીધી..તસ્વીર હાથમાં લીધાં બાદ શિવે અલમારી બંધ કરી અને પછી રૂમમાંથી નીકળી પાછો હોલ માં આવ્યો.

પોતાનાં જોડે રહેલી તસ્વીર ને શિવે પહેલાં તો ધ્યાનથી નિહાળી..શિવ પલક ઝપકાવ્યા વિના એ તસ્વીર ને બસ જોતો જ રહ્યો..શિવ ની બંને આંખોમાં ધીરે-ધીરે આંસુ ઉભરાઈ આવ્યાં અને તસ્વીર દેખાતી ઝાંખી થઈ ગઈ ત્યાં સુધી એની નજર તસ્વીર તરફથી ના હટી.

શિવે પછી એ તસ્વીરને પોતાની સામેની ખુરશીમાં મુકી.. એ તસ્વીરમાં એક યુવતી હતી..લગભગ એકવીસ-બાવીસ વર્ષની એ યુવતીની મોટી-મોટી આંખો જાણે છલકતો જામ હતો..એનાં હોઠ કોઈ કટાર ની માફક ધારદાર હતાં.. ચહેરાની લાલિમા તો જાણે પુનમનાં ચાંદની આબેહુબ પ્રતિકૃતિ માની લો.વધારામાં રેશમી ઝુલ્ફો અને એમાં પણ જમણાં ગાલ ઉપર આવેલી એક લટ..તસ્વીર જોતાં જ એવું થતું કે શાયદ એ કોઈ જન્નતની હૂર હશે.

શિવે ત્યારબાદ પોતાની આંખો લૂછી અને એક પકોડી ઉઠાવી..એમાં એને મસાલો ભર્યો અને પછી અંદર પુદીનાનું પાણી નાંખ્યું..પછી શિવે પાણીપુરી ને એ તસ્વીર ની પાસે લઈ જઈને કહ્યું.

"શ્રી,જો તારી ફેવરિટ પુદીનાનાં પાણી વાળી પકોડી.."

"અરે એવું ના હોય..યાર ઓફિસે કામ હતું એટલે મોડું થઈ ગયું..બસ નેક્સ્ટ ટાઈમ નહીં થાય મોડું..પ્લીઝ ખાઈ લે."

"સારું આ હું ખાઈ લઉં.. પણ તારે મીઠી ચટણી વાળી તો ખાવી જ પડશે."

"લે એક પાણી વગરની..ખાલી મસલાવાળી.."

આમ ને આમ શિવ એ તસ્વીર જોડે અડધો કલાક સુધી વાતો કરતો રહ્યો..શિવ માટે એ તસ્વીર કોઈ તસ્વીર નહીં પણ જીવિત વ્યક્તિ હોય એવો હેત એની વણીમાંથી વરસી રહ્યો હતો.

આખરે શિવે તસ્વીર ને જમાડતાં જમાડતાં પોતાનું જમવાનું પૂર્ણ કરી લીધું અને પછી હાથ ધોઈ..એંઠા વાસણો ત્યાં જ ડાઈનીંગ ટેબલ પર મૂકી ખુરશીમાં રાખેલી તસ્વીર ઉઠાવી પોતાનાં બેડરૂમમાં ચાલ્યો ગયો.શિવ ની આ બધી હરકત હમીર પોતાનાં રૂમનાં દરવાજાની તિરાડમાંથી જોઈ રહ્યો હતો.

શિવનાં પોતાનાં બેડરૂમમાં જતાં જ હમીર આંખમાં આવેલાં આંસુ ને આંગળી વડે લૂછતાં મનોમન બોલ્યો.

"હે ભગવાન મારી બધી ખુશીઓ લઈ લે..પણ મારાં ભાઈની જીંદગીમાં જે ખાલી જગ્યા પડી છે એને ભરનારું કોઈ મોકલી દે."

શિવ જે પણ બહાર હોલમાં કરીને આવ્યો હતો અને જોનારા બીજાં લોકો શિવને પાગલ જ સમજે..પણ જે લોકો પ્રેમને સમજતાં હોય એમનાં માટે શિવ પાગલ નહોતો..પણ આશિક હતો,દિવાનો હતો,કોઈ લૈલા નો મજનુ,કોઈ હિર નો રાંઝા તો સિરિન માટે તડપતો ફરહાત હતો.

પોતાનાં હૈયે જે પ્રેમ અગન લાગી હતી અને ઠારવા માટે શિવ પોતાની પ્રિયતમા એવી એ યુવતીની તસ્વીર ને પોતાની બાહોમાં લઈને જ સુઈ ગયો..કોઈકને આપેલું વચન આ રીતે પૂરું કરવાની ખુશી એનાં ચહેરા પર ઊંઘતી વખતે પણ ઝળકી રહી હતી..!!

"છે નથી પાસે છતાં,તુજ ને સદા ઝંખ્યા કરું..

જ્યાં હો ત્યાં ખુશ રહે એવું ઈશથી માંગ્યા કરું.."

★★★★★★★

વધુ નવાં અધ્યાયમાં.

શિવ જોડે આગળ શું બનશે અને ભૂતકાળમાં શું બની ગયું હતું એ જાણવાં વાંચતાં રહો આ પ્રેમસભર નવલકથાનો નવો ભાગ.આ નોવેલ ગુરુવારે અને રવિવારે પ્રસારિત થાય છે.

એક બીજી વાત કે આ નવલકથા નો મારી અંગત જીંદગી જોડે કોઈ સંબંધ નથી..પણ મારી દરેક લવસ્ટોરીનું મુખ્ય પાત્રનું નામ હંમેશા શિવ જ રહેશે.આ નોવેલ અંગે આપના કિંમતી અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)