Premni pele paar - 12 in Gujarati Love Stories by Shefali books and stories PDF | પ્રેમની પેલે પાર... ભાગ - ૧૨

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

પ્રેમની પેલે પાર... ભાગ - ૧૨

આગળના ભાગમાં આપણે જોયું કે સૌમ્યા એ અભી સામે પ્રેમ પ્રસ્તાવનો મજાક કર્યો હતો. અભીના બર્થડે પર આકાંક્ષા એ એક સરપ્રાઈઝ પાર્ટી એમના બન્ને માટે અરેન્જ કરી હતી જેમાં અભી સમયસર ન આવી શકતા આકાંક્ષા ત્યાંથી જતી રહી હતી. હવે આગળ..

**********

વિહ્વળ  થયું  છે દિલ, કારણ તું છે,
મારા બધા  દર્દનું તો મારણ તું  છે,
સંજોગો  હરાવી  દે  છે આમ મને,
નહિ તો મારા કષ્ટોનું નિવારણ તું છે.

અભી હાંફળોફાંફળો થઈ દોડતો દોડતો અંદર આવ્યો. રીસેપ્શન પાસે જઈને પૂછપરછ કરી તો ખબર પડી કે આકાંક્ષા તો બિલ પે કરીને જતી રહી છે. એ પાછળ ગયો પણ નિયતિ શું ધારી ને બેઠી હોય શી ખબર, આકાંક્ષા નીકળી ગઈ હતી.

અભીએ તરત જ રિસેપ્શન કાઉન્ટરના ફોન ઉપરથી આકાંક્ષાને ફોન જોડ્યો પણ એ સ્વીચ ઓફ આવતો હતો. એક વાર તો એણે વિચાર્યું કે એ આકાંક્ષાની પાછળ જાય પણ રાતના સમયે આમ એના ઘરે જવું પણ એને યોગ્ય ના લાગ્યું. તેણે વિચાર્યું કે સવારે આકાંક્ષા જોડે વાત કરી લઈશ.

પણ રાત પણ એટલી સહેલાઈથી ક્યાં જવાની હતી. એણે પોતાના મોબાઇલને ચાલુ કરવાનો પ્રયત્ન પણ કરી જોયો  પણ બધું જ વ્યર્થ. અભીને ક્યાંય ચેન પડતું ન હતું. આખી રાત બસ એને આકાંક્ષાના જ વિચાર આવતા રહ્યા. એ સમજી શકતો હતો કે આકાંક્ષા માટે પ્રતીક્ષાની એ પળ કેટલી અસહ્ય રહી હશે! એક તો એના સરપ્રાઈઝનો મૂડ પણ ઓછો થઈ ગયો હશે અને બીજું આમ હોટેલના સ્ટાફ આગળ પણ એ થોડી ક્ષોભજનક સ્થિતિમાં મુકાઇ હતી. આ વિચારતા વિચારતા એને ઊંઘ ક્યાં આવી ગઈ ખબર જ ન રહી. વહેલી પરોઢે એનું એલાર્મ વાગ્યું. એ ફટાફટ તૈયાર થઈ ગયો અને સ્વપ્નિલની રાહ જોયા વગર જ સીધો વહેલા કોલેજ પહોંચી ગયો.

કોલેજનો સમય થઇ જાય છે પણ આકાંક્ષા હજુ કોલેજ આવી ન હતી. એક બે એમ કરતાં ચાર લેક્ચર પુરા થયા તો પણ આકાંક્ષા આવી નહિ. અભીના મનમાં ઉચાટ વધતો જતો હતો એની નજર વારે વારે દરવાજા તરફ જઈ રહી હતી. સૌમ્યા આ બધું જ નોટિસ કરી રહી હતી. એને એવો અંદાજો તો આવી જ ગયો હતો કે કાલની પાર્ટીમાં જ ચોક્ક્સ કઈક થયું છે. એણે બ્રેક પડતા તરત જ અભી જોડે વાત કરવાનું વિચાર્યું.

"ચાલો કેન્ટીન જઈએ", વેદ કલાસરૂમ માંથી નીકળતા બોલ્યો.

"ના.. તમે જાવ મારે લાયબ્રેરીમાં થોડું કામ છે." , અભી જાણે ટાળતો હોય એમ બોલ્યો.

"અરે અભી.. ચાલ હું પણ આવું. મારે પણ એક બુક રિટર્ન કરવી છે.", સૌમ્યાને આ મોકો વાત કરવા યોગ્ય લાગ્યો એ તરત બોલી.

"સારું તમે કામ પતાવી કેન્ટીનમાં આવો.", મહેક બોલી.

આ તરફ સ્વપ્નિલ, વેદ અને મહેક કેન્ટીનમાં ગયા. અભી અને સૌમ્યા લાયબ્રેરી તરફ ચાલવા લાગ્યા.

"અભી, શું થયું છે તને? સવારથી જોવું છું તું ઉદાસ છે. અને આકાંક્ષાને મેસેજ કર્યો તો એણે કીધું એની તબિયત ઠીક નથી એટલે એ કોલેજ નહિ આવે. ", સૌમ્યા એ વાત કરી.

"આકાંક્ષા એ તને મેસેજ કર્યો ? બીજું કંઈ કીધું એણે? ", અભી એ પૂછ્યું.

"બીજું તો શું... શું થયું છે તું કહીશ મને?", સૌમ્યા એ પૂછ્યું.

"કાલે રાતે હું પાર્ટીમાં બહુ લેટ પહોંચ્યો. લગભગ એક દોઢ કલાક લેટ. અક્ષી રાહ જોઈ જોઈને થાકીને ઘરે જતી રહી. ત્યારથી એની જોડે કોઈ કોન્ટેક્ટ જ નથી થયો. મારો ફોન પણ બંધ થઈ ગયો છે એટલે મેસેજ પણ નથી થઈ શકતો.", અભી એક જગ્યા એ ઉભો રહી આખી વાત એક જ શ્વાસે કરી ગયો.

"લેટ ? અભી એણે તારા માટે કેટલું સરસ આયોજન કર્યું હતું. ", સૌમ્યા ઉતાવળે જરા મોટા અવાજે બોલી.

"હા.. મને બધી ખબર છે.. પણ હું પણ શું કરું!? સંજોગો જ એવા બન્યા. હું પાર્ટીમાં સમયસર પહોંચવા ઘરે થી દસ મિનિટ વહેલો નીકળ્યો હતો. ત્યાં રસ્તામાં મારી નજર સામે એક એક્સિડન્ટ થયો અને એક આપણી ઉંમરનો છોકરો ત્યાં રસ્તા પર પડયો હતો. કાર ચાલક એની બાઇકને ટક્કર મારી નીકળી ગયો હતો. બહુ ભીડ જમા થઈ રહી હતી. પણ બધા ખાલી જોઈ રહ્યા હતા. મેં તરત એક બે જણની મદદ લઈને એને રિક્ષામાં બેસાડ્યો અમે સીધા દવાખાને પહોંચ્યા. ત્યાં દવાખાને જઈને હું ત્યાંની ઔપચારિકતા પતાવવામાં બિઝી થઈ ગયો. પછી પપ્પાને કોલ કરી આખી મેટર એમને જણાવી. એમણે એમના એક ફ્રેન્ડ સાથે વાત કરી મને કહ્યું તું ઘરે આવતો રહે આગળનું એ સંભાળી લેશે. એ પછી હું મારો હાલ થોડો ઠીક કરી આકાંક્ષાને મળવા નીકળ્યો.", અભી એ કાલ રાતની આખી વાત કહી.

"ઓહ... અભી આવું થયું તો તારે એક કોલ તો કરી દેવાયને આકાંક્ષા ને!?", સૌમ્યા બોલી.

"અરે એ છોકરાને રિક્ષામાં બેસાડ્યો એ દરમિયાન જ મારો ફોન ત્યાં પડ્યો હતો, મારું તો ધ્યાન જ ન રહ્યુ. આ તો ત્યાં ઉભેલા કોઈ સદગૃહસ્થની નજર પડી તો એમણે મને આપ્યો પણ એ બંધ થઈ ગયો હતો. એટલે મેં હોસ્પિટલના ફોન પરથી જ એને ફોન લગાવ્યો હતો પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.", અભી એ કહ્યું.

"સોરી અભી, હું પણ કઈ જાણ્યા વગર તને જ બોલવા લાગી. લાવ હું હમણાં જ આકાંક્ષાને તારા વતી ફોન કરી બધું જણાવું. ", સૌમ્યા ફોન કાઢતા બોલી.

"ના.. સોમી.. એ મારા લીધે દુઃખી છે તો મનાવીશ પણ હું જ. તારી મદદની જરૂર હશે તો ચોક્કસ તને કહીશ.", અભીએ કહ્યું.

જેવી કોલેજ પતી એવું પહેલું કામ અભીએ મોબાઇલ રિપેરની શોપ પર જવાનું કર્યું. એના સદનસીબે બહુ ડેમેજ નહતું એટલે કલાકની અંદર તો એનો ફોન ચાલુ થઈ ગયો. ફોન હાથમાં લઈને એણે સીધો જ આકાંક્ષાને ફોન જોડ્યો પણ આકાંક્ષા ફોન જ નહોતી ઉપાડતી એટલે એણે નોટ્સ આપવાના બહાને એના ઘરે જવાનું નક્કી કર્યું.

એને રસ્તામાંથી એક સરસ સોરી કાર્ડ લીધું અને એમાં જ ગઈ કાલ રાતની ઘટનાની વિગત લખતો લેટર પણ મૂકી દીધો. આકાંક્ષાના ઘરની નીચે પહોંચીને એણે લેન્ડ લાઈન નંબર લગાવ્યો. ફોન આકાંક્ષાની મમ્મી એ ઉપાડ્યો. અભી એ કીધું કે એ નોટ્સ આપવા આવ્યો છે. આકાંક્ષાના મમ્મી એ એને ઉપર આવવા કહ્યું. અભી સીડીઓ ચડી ઉપર ગયો. અભી પહેલી વખત આકાંક્ષા ના ઘરે ગયો હતો. એના મમ્મી એ દરવાજો ખોલ્યો અને એને આવકાર્યો.

"આવ બેટા, આકાંક્ષા ઘણી વખત તારી વાતો કરતી હોય છે. આજે એની તબિયત જરા ઠીક ન હતી તો એ કોલેજ આવી ન હતી. તું બેસ હું એને બોલાવુ", આકાંક્ષાની મમ્મી દરવાજો ખોલતા જ બોલ્યા ને અભી બેઠકરૂમના સોફા પર ગોઠવાયો.

આકાંક્ષાના મમ્મી એ અભીનું નામ આકાંક્ષાના મોઢે કદાચ મિત્ર તરીકે જ સાંભળ્યું હશે એવું અભી એ અનુમાન લગાવ્યું કારણ કે બન્ને માંથી એકેયના ઘરે એમના પ્રેમ વિશે કોઈ જાણ ન હતી.

આકાંક્ષાના મમ્મીના કહેવા પર આકાંક્ષા બેઠકરૂમ માં આવી. સોફા પર સહેજ દૂર એવી બેઠી. એની આંખોમાં કાલનો ગુસ્સો ચોખ્ખો દેખાતો હતો. અભીએ કાન પકડી સોરી કહેવાનો ઈશારો કર્યો પણ આકાંક્ષા એ જાણે ધ્યાન ન હોય એમ કોઈ વળતો જવાબ ન આપ્યો.

આકાંક્ષા ગુસ્સામાં બોલી, "આમ ખોટું બોલીને કેમ આવ્યો? મારે કોઈ નોટ્સ નથી જોઈતી."

અભી એ એને ગઈ કાલ રાતની વાત કહેવા પ્રયત્ન કર્યો પણ એ તો કંઈ સાંભળવા તૈયાર જ નહતી. અભી ને કઈ વધુ બોલવું યોગ્ય ન લાગ્યું.

અભી હતાશ થઈ બોલ્યો, "સારું હું જાઉં છું. આ આજના લેકચરની નોટ છે, તને કામ લાગશે." અને એ આગળ કઇ જ બોલ્યા વગર ત્યાં સોફા પર નોટ્સ મૂકી નીકળી ગયો. આકાંક્ષાના મમ્મી ટ્રે માં બે કોફી મગ લઈને આવ્યા, ત્યાં અભીને ન જોતા એમને આકાંક્ષા ને પૂછ્યું. આકાંક્ષા એ કહ્યું એતો નોટ્સ આપીને નીકળી ગયો. એના મમ્મીને પણ થોડી નવાઈ લાગી.

આ તરફ પોતાના રૂમમાં જઈને આકાંક્ષા નોટ ખોલે છે તો અંદરથી કાર્ડ અને અભીનો લેટર નીકળે છે. પહેલા તો એ એને સાઈડમાં જ મૂકી દે છે પણ આખરે એની ધીરજ ખૂટે છે અને એ લેટર વાંચવાનું ચાલુ કરે છે. એ લેટર માં અભીએ એક્સીડન્ટ વાળી ઘટનાની સાથે સાથે પોતે કેવી રીતે વિહ્વળતામાં આખી રાત વિતાવી એનો પણ ઉલ્લેખ કર્યો હોય છે. આ વાંચતાની સાથેજ એના મનમાં પોતાને મળીને પાછા જતા અભીનો હતાશ ચહેરો આવી જાય છે. એને જરાક પોતાના વ્યવહાર પર અફસોસ પણ થાય છે કે અભી આમ પહેલી વાર એના ઘરે આવ્યો ને એને પાણીનો પણ ભાવ ન પૂછ્યો.

એ તરત જ ફોન જોડે છે. "અભી... સોરી યાર.. તે આ બધું મને કાલે કેમ ન કહ્યું! જો તું મને આ બધું ફોન પર જ કહી દેતો તો આવું કઈ થાત જ નહીં. મને મારા પર જ અત્યારે બહુ ગુસ્સો આવી રહ્યો છે. ", આકાંક્ષા એકીશ્વાસે બોલી ગઈ.

"અક્ષી.. તું સોરી ના બોલ. તું તારી જગ્યાએ યોગ્ય જ હતી. તું મારાથી નારાજ નથી એજ મારા માટે ખુશીની વાત છે. હવે આવું કઈ પણ થાય તો તું મારી જોડે ઝગડી લેજે પણ અબોલા ના લેતી. પ્લીઝ..", અભી બોલ્યો.

"અચ્છા, એટલે તું ફરી મને નારાજ કરવાના મૂડમાં છે એમ!", આકાંક્ષા હસતા હસતા બોલી.

"અરે મેડમ, આતો પહેલી ને છેલ્લી ભૂલ..", અભી બોલ્યો.
અને બન્ને ખડખડાટ હસી પડ્યા.

આમ દિવસે ને દિવસે અભી અને આકાંક્ષાનો પ્રેમ વધારે ગહેરો થઈ રહ્યો હતો. અને હા ખાટા મીઠા ઝઘડા પણ... આ તો કહે છે ને કે પ્રેમ હોય ત્યાં હક હોય એવું જ કંઈ ! આકાંક્ષાની સ્ત્રી સહજ ઈર્ષા અને અસલામતી કહો કે અભી પર હક જમાવવાનો એનો સ્વભાવ પણ એ બંને વચ્ચે રિસામણા - મનામણાંનું કારણ બની જતો. દરેક વખતે એ પરિસ્થિતિમાંથી પસાર થયા પછી એમનો પ્રેમ વધારે મજબૂત બનતો.

આમ ને આમ કોલેજનું લાસ્ટ યર પણ અડધું પતવા આવ્યું. સમય સાથે બધા મિત્રોમાં થોડી પરિપક્વતા આવી હતી. કરિયરને લઈને હવે બધા થોડા ગંભીર પણ બન્યા હતા. આ વર્ષ એમના કરિયરનું એક મહત્વનું વર્ષ બનવાનું હતું અને એવામાં જ સૌમ્યાનો કોલેજ છોડવાનો નિર્ણય બધાને એક આંચકો આપી જાય છે.

અદ્રશ્ય પાંખો લગાવીને સમય કેવો ઊડી જાય છે?
જે  હતી  આજ  એ  કાલમાં  ખપી  જાય છે.

ફરી ફરી ને ક્યારેય નથી આવતો એ આપણી પાસે,
બસ થોડી ખાટ્ટી મીઠ્ઠી યાદોછોડી જાય છે.

© હિના દસા, રવિના વાઘેલા, શેફાલી શાહ