PRAN JAAYE PAN VAJAN NA JAYE in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | પ્રાણ જાયે પણ વજન ના જાયે...!

Featured Books
Categories
Share

પ્રાણ જાયે પણ વજન ના જાયે...!

પ્રાણ જાયે પણ વજન ના જાયે..!

સાચી જ વાત છે ને દાદૂ..! યમરાજ પ્રાણનો અધિકારી છે. વજનનો વેપારી થોડો છે કે, ભંગારવાળની માફક કોઈના શરીરનું ભારખાનું પણ લઇ જાય. પાડો યમરાજનું વજન ઊંચકે, કે પાડા જેવાં કોઈ માણસનું ભારખાનું પણ ઊંચકે..? સરકારે ‘બર્થ-કંટ્રોલ’ માટે જેટલો કંટ્રોલ રાખ્યો, એટલો ‘વેઇટ-કંટ્રોલ’ રાખવા માટે પણ વટહુકમ કાઢવો જોઈએ. રેલ્વે-બસ-સ્ટીમ્બર-વિમાન-સાયકલ-રીક્ષા વગેરેમાં વજન અને સંખ્યાની કેપેસીટી હોય જ ને..? ખટારામાં પણ કેપીસીટી હોય. માત્ર માણસમાં ને માણસમાંથી નેતા બનેલામાં જ નહિ. ફાવે ત્યારે એમના શરીર ઘટે, ને ફાવે ત્યારે વધે. આડા-ઊભાં-વાંકા-ચૂકા એવાં ફાટે કે, વજન ઊંચકીને વજનકાંટો પણ ભડકે. શરીરમાં સાયરન જેવી સુવિધા હોવી જોઈએ. જેથી પ્રમાણ કરતાં વજન વધવા માંડે, એટલે પાડોશી સાંભળે એવી કૂકરની જેમ સીટી વાગવા માંડે. કમ સે કમ પાડોશી તો કહેવા આવે કે, ભાઈ હવે ખાધ ઓછી કરો, તમારી સીટી અમને ઊંઘવા નથી દેતી...! મગજના ચકરડાં તો ત્યારે ભમી જાય કે, ભરાવદાર જાતકને વજન ઓછું કરવા, પાછી સલાહ નહિ અપાય. આપવા ગયાં તો કદાચ ‘એર સ્ટ્રાઈક’ જેવો હુમલો પણ કરે કે, હું મારા રેશનકાર્ડથી મારી હોજરી ભરું છું, તારા રેશનકાર્ડથી નહિ. માટે બહુ સલાહ નહિ આપવાની. શરીર વધે તો જ લોકો સમજે કે, ભાઈ, ખાધાપીધા ઘરનો ખાનદાન આસામી છે...!

ચમનીયાના પરિવારની ખાસિયત એ કે, એમની પેઢીમાં બધાં પરણ્યા પછી જ વજનમાં કાબૂ બહાર જાય. જો કે એમાં અપવાદ માત્ર ચમનીયો જ નહિ, લગભગ ઘણાને આવું હોય. લોકો પરણ્યા પછી જ આડેધડ કેમ ‘ફાટે’ છે, એ સંશોધનનો વિષય છે. કોઈ એના ઉપર પીએચડી એક કરતું નથી ? કરવા જેવું યાર..! પ્રાંત પ્રાંત ને દેશદેશાવરમાં આ વાયરલ સિસ્ટમ છે. પરણ્યા પછી એવાં ફૂલે ને ફાલે કે, એના ઝભલાં ટૂંકા પડે એ તો સમઝાય, પણ બે-ચાર છોકરાં થાય, એટલે લગનનો શૂટ પણ ઝભલા જેવો થઇ જાય. ટૂંકો પડે. ફાંદ એવી વધે કે, જાણે ધાબાની પાણીની ટાંકી, પેટના સ્થાને નહિ ગોઠવી હોય..? ફાંદ એવી વધે કે, શૂટના ગાજ અને બટન, એકબીજાનું મોઢું શુદ્ધાં જોવા નહિ પામે. બંનેનો સંગમ જ નહિ થાય. જાણે એક બાજુ ભારત, ને બીજી બાજુ પાકિસ્તાન..! એ શૂટ પછી તો પરકાયા પ્રવેશ જ પામે..!

લગન પછી જ ઘણા લોકો કેમ ફાલે છે, એનું શોધકામ કરવાની જવાબદારી હાસ્ય લેખકની નથી. ને ડોકટરને તો પુછાય જ નહિ. કારણ કે ખુદ તે લોકોજ ડૉ. હાથીભાઈની માફક શરીરે વિકાસશીલ હોય...!. એમાં ‘ખીખીખીખી’ કરવાનું મન તો ત્યારે થાય કે, જે કન્યાઓ જાડા ઉમેદવારને ગેંડો કહેતી હતી, એ જ્યારે ‘સ્લીમ’ ને પરણે, ને આગળ જતાં એનો કાનુડો મગરમચ્છ થઇ જાય ત્યારે તેની વલે કેવી થતી હશે...? તમામ ક્ષેત્રે ભલે ને સ્ત્રી ધણીને ધાકમાં રાખતી હોય, બાકી વજનના મામલે તો નશીબમાં જે માપ આવ્યું, તે સ્વીકારી લેવાનું...! બ્રહ્મઋષીઓ વજનની પણ કુંડળી કાઢી આપતાં હોય તો..? એ તો દેવકૃપા માનો કે, લગન પછી વજન વધવાને કારણે કોઈના કેસ છૂટાછેડા માટે કોર્ટમાં જતાં નથી. નહિ તો ‘શાદી ડોટ કોમ’ માં પરણેલા જાડીયાઓની પણ લાઈન લાગી હોત..!

પરણી ગયાં પછીના ‘એપિસોડ’ માં, ‘સ્ત્રીવ્રુંદ’ નો કકળાટ પણ સાંભળવા જેવો. “ અહાહાહા..પરણવા આવ્યા ત્યારે શું એનું મખમલી વજન હતું ? અમારા ઢ નું નામ રમેશ, પણ ‘રસગુલ્લાં’ જેવો લાગતો. જેના ધણીનું નામ ગુલાબભાઈ હોય, એને એનો ઢ ગુલાબજાંબુ જેવો લાગતો. મોહનભાઈ નામ હોય, એને એનો ઢ મોહનથાળ જેવો લાગતો. ખબર નહિ, પરણ્યા પછી જ બધાના ધણી, સુરતી લોચા જેવાં કેમ થઇ જાય છે..? લગનનું આલ્બમ જો છોકરાંના હાથમાં ગયું તો, છોકરાઓ પણ પૂછે કે, “આ ઘોડા ઉપર બેઠેલો મર્કટ કોણ છે મમ્મી..? “

પગલાં પગલાનો ફેર છે, બેન...! પરણવા આવ્યા ત્યારે, તો સરગવાની શીંગ જેવાં હતાં. મારું પગલું પડયા પછી જ, સરગવાની શીંગમાંથી વડની જેમ ફેલાયા. બાકી પાપડ જેવું વજન હતું બોલો...! ફૂંક મારું ને ઉડી જાય એવાં..! હવે તો વજન કાંટે ચઢે એટલે કાંટો પણ તતડાવે કે, ‘ મારા રોયા, બેચાર જણા કાંટા ઉપર શું ચઢી ગયાં છો..? ઉતરો ઉતરો, તારો બાપ તો દબાઈ જવાનો...! “ જાણે મગજની બધી હવા, પેટમાં પહોંચી ગઈ, ને ફાંદ એવી ફૂલી કે, ઘોડા પણ જોઇને ભડકે. એવાં ધૂણે, કે જાણે એમ ના કહેતા હોય કે, ‘મરવાનો થયો હોય તો જ મારા ઉપર સવારી કરજે...! ‘

ચોખ્ખી ચાંદી જેવી વાત છે કે, બે કિલોના ભરતિયામાં બે જ કિલોનો માલ રહે. વધારે ઠાંસવાની હઠ કરવા ગયાં તો ભરતિયું ક્યાંકથી ફાટે. પણ ભગવાને શું શરીરની રચના બનવી છે..? જેટલો માલ શરીરમાં ભરવો હોય એટલી છૂટ. ચાઇનીશ પ્રોડક્ટ થોડી છે કે, ફાંદ આજુબાજુથી ફાટે..! કોઈનું પેટ ફાટ્યું હોય, ને ટાંકા લેવા પડ્યાં હોય, એવાં કોઈ દાખલા બન્યા ? ચમનીયાનું તો કહેવું છે કે, શરીર તો અફલાતૂન બનાવ્યું. પણ પેટનું સ્થાન નક્કી કરવામાં ભગવાને થાપ ખાધેલી. પેટ પાછળ ને બરડો આગળ જોઈએ. સૂર્યનમસ્કાર કરીએ ત્યારે પેટ ટોલનાકાની જેમ નડે. ભોંચુંને સુતી વખતે પેટ દબાય ત્યારે તો ભાન થતે કે, જીમમાં જાવ, ને ખાધ ઓછી કરો..! એના કપાળમાં કાંદા ફોડું..!

શરીરના પાછલાં ભાગોને તો સૂર્ય તો શું, ચંદ્ર નમસ્કાર કરવાના પણ નહિ આવે. પણ દુનિયાનો નિયમ એવો કે, જે બહુ ‘આગળ પડતા’ હોય, એણે જ વાંકા વળવાનું પણ આવે. પાછલા ભાગે પેટનું જો સ્થાપન હોય તો, જાતકને નડે પણ નહિ, ને ભરાવદાર પેટ જોઇને સામી કોઈની મેલી નજર પણ નહિ લાગે. શરીરનો પાછલો ભાગ એટલે, ‘પીઓકે’ પાકિસ્તાન જેવો. એ આમપણ ક્યાં આપણા કાબુમાં હોય છે..? સોગંદ ખાયને કહો જોઈએ, ન્હાતી વખતે સાબુ પેટ ઉપર જેટલો ભોગવટો કરે છે, એટલો કેડ ને બરડો કરે ખરો..? પેટ પાછળ હોય તો, બે પગે ઉભેલી જર્સી ગાય જેવો દેખાય એટલું જ ને..? પેટ આગળ જ આપવું હતું તો, ભગવાને ડુંટી ઉપર એકાદ મીટર મુકવાની જરૂર હતી. ખબર તો પડે કે, જાતકની ખાધની લીમીટ કેટલી આવી..? લીમીટ વધે એટલે, એવી જોરમાં સાયરન વાગવી જોઈએ કે, પાડોશી પણ કહેવા આવે કે, ‘ભાઈ હવે ખાધ બંધ કરો, તમારી સાયરન અમને ઊંઘવા નથી દેતી...!

ધરતી પણ ગજબની સહનશીલ છે દાદૂ..! વજન વધે કે ઘટે, એના તેવરમાં કોઈ ફેર નહિ પડે. ગમે એટલો લોડ આવે ને..? હોડી ઉંધી વળે, પણ પૃથ્વી કોઈ બાજુથી ઢળી..? કે વજન વધવાથી ફાટી..? માણસ ફાટે, પણ પૃથ્વી નહિ ફાટે..! હાથ ઊંચા કરો, એટલે બસવાળો બસમાં સમાવી લે, એમ જેટલાં જન્મે એટલાં ને ‘આવવા દે’ કહીને ધરતી સમાવી જ લે. ‘ “ચાલો કેપેસીટી પૂરી થઇ ગઈ, થોડાંક આવતાં જન્મે આવો, એવું એ બોલતી જ નથી. ઉપરવાળો ‘ઇન-કમિંગ’ ને ‘આઉટગોઇંગ’નો ચાર્ટ્સ જ એવો અપ-ટુ-ડેઇટ રાખે કે, પૃથ્વીની કેપેસીટી કરતાં, માલનો ભરાવો વધારે થવા જ નહિ દે. પૃથ્વીના બેલેન્સને આંચ નહિ આવવા દે. થોડાંકને ઉકેલી ને પણ બેલેન્સ જાળવેલું રાખે. જેને આપણે ‘મ્રત્યુ’ કહીએ, એ વજન કરતાં વધારાનો માલ કાઢી લેવાની જ એક પ્રક્રિયા..! વેપારી વજનથી વધારાનો માલ નહિ આપે, તો ભગવાન આપે..? ભગવાન વજનકાંટો લઈને જ બેઠાં હોય..! સાવ રેલવે ખાતાં જેવું થોડું કે, જેટલું આવે એટલું ભરવા દઈને ઠોકાઠોક ચલાવે..? એમ આઈ રાઈટ મામૂ...?

આટલાં સંભાષણ પછી મુદ્દો તો કહેવાનો એટલો જ કે, શરીરના વજનમાં પણ કંટ્રોલ રાખવાનો...! એક જ પીસમાંથી આખી ફેમીલીના લેંઘા થાય, એટલું વજન નહિ વધારવાનું. ફાટ ફાટ ખાયને વજન વધાર્યા પછી, એવો ઓડકાર નહિ ખાવાનો કે, “ખુદા દેતાં હૈ તો છપ્પર ફાડકે દેતાં હૈ” એમાં હું શું કરું..? અમુક તો સફાઈ એવી મારે કે ‘ આપણે તો માંડ બે રોટલીના ઘરાક યાર..! ને ખાવા બેસે તો કુતરાના ભાગનું પણ ચાવી જાય. કુતરું પણ સમજી જાય કે, બીજું ઘર શોધવા દે, નહિ તો આ બરમુડો મને ભૂખે મારવાનો...!

વજન વધારવાની બાબતે તો, માણસને કોઈ નહિ પહોંચે. વજન કાંટાની પણ દયા નહિ રાખે. એવો ફૂલે-ફાલે કે, રાક્ષસ પણ રૂપાળો લાગે. ત્યારે પ્રાણીઓમાં આવું નહિ. વજનમાં હરણફાળ ભરવાની તાલાવેલી માણસ કરે, બાકી પ્રાણીઓ ક્યારે સસલું મટીને હાથી બનતા નથી. ત્યારે માણસ, ત્રણ રતલનું આવેલું પાર્સલ, ૧૩૦ રતલનું કરીને બતલાવે. નેતાઓ ક્યાં પતલી કમરના જોવા મળે છે..? ચૂંટાયા પછીની સોગંદવિધિમાં ક્યાંય એવું બોલાતું સાંભળ્યું કે, “મોંઘવારી ભલે વધે, ભ્રષ્ટાચાર ભલે વધે, ખુનામરકી ભલે વધે, બળાત્કારના કેસ ભલે વધે પણ, મારા વજનને હું ક્યારેય વધવા દઈશ નહિ..! આ લોકોને કોઈ પણ પ્રકારના ટોલનાકા’ નડતા જ નથી. અમુકને તો જાણે, “પ્રાણ જાય પણ વજન ના જાય” ના મુદ્રાલેખ સાથે જ પૃથ્વી ઉપર ના મોકલ્યા હોય...?

હાસ્યકુ :

ધક્કો ના મારો

શું કહો છો તમે, હું

શ્વાસ લઉં છું..!

--------------------------------------------------------------------------------

0000000000000000000000000000000000000000000000000000000000000000000000000