Pure Soul - 2 in Gujarati Fiction Stories by MAYUR BARIA books and stories PDF | પ્યોર સોલ - 2

Featured Books
Categories
Share

પ્યોર સોલ - 2

                               પ્રકરણ - ૨

                                ધ ડિફેન્ડર 

     આજે રાત્રે મને સરસ ઊંઘ આવી. મને ખબર જ ન હતી કે હું પોતાની ઈચ્છાથી ઊંઘી પણ શકું છું. આ છેલ્લા આઠ દિવસથી હું આખા દિવસો અને રાતો જાગી. તેમજ હું કોઈ પણ મોટી હોટલમાં ખાલી રૂમમાં રહી શકતી હતી, પણ હું આ આઠ રાતો મંદિરમાં કાઢી. ઈશાનિયા અને તેના પપ્પા દેવરાજ. હા, એના પપ્પાનું નામ દેવરાજ છે. મેં મોડી રાત્રે પૂછ્યું હતું. એમણે કહી દીધું કે મારે હવે એમના ઘરે જ રહેવાનું છે. જ્યારે મારી મંદિરવાળી વાત સાંભળી તો બંને પેટ પકડીને હસ્યા.

     હું નીચે રસોડામાં ગઈ, એ જોઈને અંદાજો આવી જાય કે ઘરમાં હવે કોઈ નોકર નથી એ ઘટના પછી. તેણી પાસેથી જાણવા મળ્યું કે અંકલ જોગિંગ પર ગયા છે. મેં ફટાફટ નાસ્તો બનાવી દીધો. એ સમયે હું વસ્તુઓ પર કાબુ મેળવતા શીખી દૂરથી જ ઉઠાવવા, મુકવા જેવી. થોડીવારમાં અંકલ આવી ગયા. ફ્રેશ થઈને બધા ડાઇનિંગ ટેબલ પર બધા ભેગા થયા. ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે હું એ ત્રણ વ્યક્તિનો નાસ્તો બનાવી દીધો છે, જ્યારે એકનો જ બનાવવાનો હતો.

     "સોરી, અંકલ મારા ધ્યાનમાં જ ન રહ્યું." હું થોડા સંકોચ સાથે બોલી, અંદરથી થોડી શરમ પણ આવતી હતી.

     "તે તો સરસ નાસ્તો બનાવ્યો છે." અંકલ ખાતા-ખાતા બોલ્યા,"તને તો શરમ પણ આવે છે."

     "શું તમે પણ, અંકલ." હું નીચું જોઈ ગઈ.

     "અરે! તારો ચહેરો લાલ થઈ ગયો છે." અંકલ મને છેડાતા બોલ્યા.

     " મને એક સવાલ પૂછવો છે."

     "હા, બોલ."

     " હું તમને કેવી દેખાવ છું, એટલે કે જે આત્માઓને તમે જોઈ શકો છો તે કેવી દેખાય છે. આમ, માણસ જેવી જ કે પછી એમનો ઓરા પણ દેખાય છે." મને પોતાને ખબર ના હતી કે હું શું પૂછું રહી છું, પ્રશ્ન કેવી રીતે રાજુ કરું.

     "ઓકે, ઓકે હું સમજી ગયો છું. મને તમે લોકો બીજા લોકો જેવા જ સામાન્ય દેખાવ છો. બસ, જ્યારે એમની સાથે વાત કરું તો તે બહુ જ ખુશ થઈ જાય છે. બીજી એક વાત કે મને અંદરથી જ એક પ્રેરણા કે ફાઈલિંગ આવે છે કે કોઈ આજુ-બાજુ છે." અંકલ ખૂબ જ શાંતિથી બોલ્યા, એમના ચહેરા પર શાંતિ હતી કદાચ હું મળી એની જ.

     "તમે અત્યાર સુધી કેટલી પ્યોર સૉલ્સને મળ્યા છો?" હું જાણવા માટે આતુર હતી.

     "આમ તો કુલ ચાર, એક ઈશુ, તું અને બીજી બે." અંકલ થોડું મગજ પર જોર નાખતા બોલ્યા.

     "વાવ, તો તમે એ લોકો સાથે વાત કરો. આપણે ટીમ બનાવીને તમારું કામ કરીએ." હું ઉત્સાહમાં બોલી.

     "બેટા, તમે લોકો પ્યોર સોલ છો. તમારા માટે કોઈ કાળા જાદુની પૂજા કરીને બોલાવી શકતો નથી. તમને શોધવા પડે કોઈ સામાન્ય માનવીની જેમ. એટલે જ ઈશુ તને અહીં લઈને આવી, પેલા બે ક્યાં છે, મને નથી ખબર." તેમને પોતાનો નાસ્તો પૂરો કર્યો," મને જયારે ખબર ન હતી ત્યારે મેં એક પૂજા કરી કરી હતી, અરે! બીજી આત્મા આવી ગઈ હતી."

     "પછી શું થયું?" મેં ઉત્સુકતાથી બોલી.

     "એક પ્લેટ ચીકન અને બે બોટલ દારૂની એણે માંગ કરી, મારે આપીને વળાવવી પડી." તે હસતા-હસતા બોલ્યા.

     "અને એ જતી રહી?" મેં આશ્ચર્યમાં પૂછ્યું.

     "અરે! ના... બાજુમાં પેલા કરશનભાઈનું નામ આપવું પડ્યું, કે એના શરીરમાં પ્રવેશીને કામ પતાવે.કરશનભાઈ શુદ્ધ શાકાહારી છે, તેમજ કોઈ વ્યસન પણ નથી. પછી તો અમે પેટ પકડીને હસ્યા.

     "અંકલ, આત્માઓ માંસાહાર તરફ કેમ આકર્ષય છે?" મને અંદરથી સવાલ થયો.

     "એ તો મને પણ નથી ખબર. હા, એક વાતની ખબર છે આ વાત વિશે લેખકને પણ નથી ખબર."

     "અ... બે...ઓ..મને ક્યાં વચ્ચે લાવો છો. વાર્તા આગળ ચલાવો."- લખત લખતા 

     "ઓકે..ઓકે..સોરી...આગળ.. અરે ઈશુ તું કયાં ગઈ હતી?" અંકલ ઈશુને જોઈને બોલ્યા, જે ઉપરના માળ પરથી આવતી હતી.

     "પપ્પા, કાલે ઉતરાયણ છે અને આખા વર્ષમાં ૪૮ કલાક હોય છે પતંગ ચગાવવા માટે." તે એકદમ જોશમાં હતી. તેના હાથમાં થોડી પતંગો પણ હતી.

     "તારો ઉત્તરાયણનો ગાંડો શોખ હજી પણ છે." અંકલ ખુશ થઈને બોલ્યા, "મનસા તને પતંગોનો શોખ છે કે નથી?"

     "ના, મને કાઈ ખાસ શોખ નથી." મને હવે અમુક વસ્તુઓમાંથી રસ જ ઉઠી ગયો છે, ખાસ કરીને એવી વસ્તુઓ જેમાં શરીરની જરૂર પડે.

     "પપ્પા, આજે તેર તારીખ છે, મને કાલે બધું જ તૈયાર જોઈએ." ઈશાનિયા ઓર્ડર આપતા બોલી આ સાંભળીને અંકલ ખુશ થઈ ગયા, એને ગળે લગાવી લીધી.

     "એક મિનિટ તે અંકલને કેવી રીતે અડકયા?"

     "તારી મરજીથી કોઈને પણ તું અડકી શકે છે." અંકલે પ્રેમથી જવાબ આપ્યો,"તું તારી મરજીથી કંઈ પણ કરી શકે છે, બસ તું કારથી નથી. તારી અંદર અસીમ શક્તિઓ છે."

     એ સમયે ખબર નથી કેમ કોઈની નહીં ને મારા ભાઈની યાદ આવી, અંકલ હું એક-બે કલાકમાં આવું છું." એટલું કહીને એમનો જવાબ હું સાંભળવા નહીં રહી.

     હું મારા ઘરે પહોંચી, આજે મારા મૃત્યુ પછીનો તેરમો દિવસ હતો. હું ઘરમાં પ્રવેશી બધાં હવે મારા દુઃખને ભુલાવતા હતા, જે સારું છે. હું મારા રૂમમાં ગઈ, બંને ભાઈ- બહેનનો એક જ રૂમ હતો. અમારું ઘર કંઈ બહુ મોટું ન હતું.

     મારો નાનો ભાઈ કોઈ પણ ભાવ વગર યંત્રવત સ્કૂલમાં જવાની તૈયારી કરતો હતો. મેં એને એના નામથી બોલાવ્યો. તે આમ તેમ જોવા લાગ્યો. મેં મારા વિચારમાત્રથી એના માટે દ્રશ્યમાન થઈ.

     "તીર્થ, આ બાજુ"

     "ત...તમે મનસાદીદી તમે." એને પરસેવો થઈ ગયો. તે ખૂબ જ ગભરાઈ ગયો હતો.

     "ઓહો... આમ તો મને મનસાડી કહેતો હતો અમે આજે મનસાદીદી." મને એની ફિરકી લેવાનું મન થયું.

     અ... એ તો ખ...ખાલી. પણ હવે પરિસ્થિતિ જુદી છે." તે ડરનો માર્યો ધીમે-ધીમે એકએક કદમ પાછળ ખસતો હતો અને હું આગળ, પાછળ પલંગ આવી ગયો તેનો પગ અડતા તે પલંગમાં પડ્યો. હું એની એકદમ નજીક પહોંચી ગઈ. એ કંઈ બોલી શક્યો નહીં.

     "તીર્થ મારે તારી જરૂર છે." મેં એની સામે પ્રયત્નપૂર્વક શેતાની સ્મિત કર્યું. 

     "ક...કેવી જરૂર છે.., દીદી." તે માંડ-માંડ બોલ્યો.

     "મારે તારું લોહી જોઈએ છે. જેથી હું આ દુનિયામાં પાછી આવી શકું. બસ તને થોડું દર્દ થશે." મેં એની જોઈને બોલી. 

     'ના...દીદી તમે આવા નથી, તમને શું થયું છે, તને મ...મ... મને કેવી રીતે મારી શકો છો?" તે આખો પરસેવાથી પલળી ગયો હતો.

     "મેં ક્યાં મારવાની વાત કરી છે? બસ તારું લોહી ચૂસી લઈશ, પ્રેમથી મારા ભાઈ." મેં અટ્ટહાસ્ય કર્યું.

     "પ્લીઝ, દીદી મને છ...છોડી દો." એ રડમસ થઈ ગયો.

     પછી મેં એના ટકલામાં ટપલી મારીને કહ્યું,"ખરાબ કિસ્મતથી હું એવી આત્મા બની છું જે લોકોને હેરાન નથી કરી શકતી."

     "ધત્.. બેકાર આત્મા મર્યા પછી પણ કંઈ કામની નથી." મારુ ખાલી એટલું કહેવા પર કે હું સારી આત્મા છું એનો વિશ્વાસ જ કંઈક અલગ આત્મવિશ્વાસ સાથે આવી ગયો.

     "હા, એક વાત કહેવાની ભૂલી ગઈ કે, હું નિયમને તોડી પણ  શકું છું. તારા જેવા એક-બે થઈ ફરક ના પડે." મેં એને કોની મારતા કહ્યું.

     "ઓ.. અચ્છા, ટ્રમ્સ એન્ડ કન્ડિશન એપ્લાય." તે હસીને બોલ્યો.

     અમે બને હસ્યા, મેં એને ગળે લગાવી લીધો, જોરથી છાતી સરખો દબાવ્યો. એ પણ મને અડકી શકતો હતો એટલે એને મને એવી રીતે પકડી રાખી કે જાણે હું સાસરે વિદાય લેતી હોય અને ક્યારેય પાછી આવવાની ન હોય. હા, ક્યાંક એના મનમાં તો એમજ હતું કે હું માત્ર એને મળવા આવી છું. અમે બન્ને એકબીજાને વળગેલા જ હતા કે અચાનક જોરદાર આંચકા સાથે છુટા પડ્યા. હું બીજા રૂમ સુધી ફેંકાય ગઈ. બચવા માટે હું તો દિવાલની આરપાર નીકળી ગઈ. પણ મારો ભાઈ પછડાયો. એને વાગ્યું તો બહુ નહતું પણ તે આ ઘટનાથી બેબાકળો થઈ ગયો હતો.

     જેવા એનર્જીબોલ મને ઈશાનિયાએ શીખવ્યા હતા એવો બીજો મારા ભાઈ તરફ કોઈએ ફેંક્યો. મેં એને ત્યાંથી હટાવી લીધો. મને રૂમમાં રહેવાથી ઘરવાળાને ખબર પડી જશે કે કંઈક થઈ રહ્યું છે એટલે હું અને લઈને ધાબા પર ગઈ.આશ્ચર્યની વાત તો એ હતી કે ટાર્ગેટ હું નહીં પણ મારો ભાઈ હતો. વારે વારે એના પર જ અટેક થતો. મને પ્રોટેકશન શિલ્ડ બનાવતા આવડતી નહતી, પણ મેં પ્રયત્ન કર્યો. એના થોડા હુમલાથી તો બચાવી લીધો પણ હવે મારામાં તાકાત નહતી, મને એક જાતની કમજોરી લાગતી હતી.

     પછી એક સાર્વત્રિક અવાજ આવ્યો," કોણ છે તું? કેમ બચાવે છે? કોણ લાગે છે તારો?" અવાજ કોઈ સ્ત્રીનો હતો એ પણ એક આત્મા જ હતી, બસ મને દેખાતી નહતી. એનો અવાજ સામાન્ય હતો જરા પણ કર્કશ નહીં. પણ મને તે દિવસે જે નેગેટિવ એનર્જી કે ડાર્ક પાવરનો અનુભવ થયો હતો એ જ અત્યારે થતો હતો.

     "આ સવાલ મારે પૂછવો જોઈએ, કેમ કે અમારા પર હુમલો થઈ રહ્યો છે." હું બોલનારને શોધતી હતી. મારાથી દસેક મીટર દૂર અને એકમાળની ઉંચાઈએ એક બીજી આત્મા દ્રશ્યમાન બની. એની આંખો કાલી હતી.

     "આ બાળકને છોડી દે, મારી સાથે મળી જા, અનંત શક્તિઓની માલકીન બનીશ." તેણે શાંતિથી કહ્યું.

     "મને રસ નથી." ત્યાં તો એની પાછળ એક બીજી આત્મા આવીને ઉભી રહી, એ કોઈ છોકરો હતો એને હોઠ પર આંગળી મૂકીને મને ચૂપ રહેવું માટે કહ્યું. પછી એનું ધ્યાન ભટકાવવા કહ્યું. 

     "આને લેવાનું કારણ?" મેં પૂછ્યું.

     "આ બાળક વિશેષ છે, એમ દિવ્યશક્તિઓ છે." એની વાતો સાંભળીને તીર્થ મારી પાછળ આવી ગયો," તું, તું તો મનસા છે ને. તને શું લાગે છે, તારું મૃત્યુ એક નાનકડા અકસ્માતથી થયું છે...." એ આગળ બોલે તે પહેલા જ પેલા છોકરાએ પોતાના બે હાથ આગળ કરીને જાણે કોઈ આગીયો પકડવા હવામાં હાથ કરી જે બે હાથની ગોળ મુઠ્ઠી બનાવે તેમ કર્યું ત્યાં તો પેલી ડાર્ક સોલ એક ગોળ કેદમાં આવી ગઈ.

   એને જોરથી બૂમ પડી,"ડિફેન્ડર....., ફરી તે મારા કામમાં ટાંગ અડાવી." એ એટલું બોલીને તરત જ એક ખંજર જેવું કોઈ હથિયાર કાઢ્યું. એણે શિલ્ડ તોડી નાખી અને કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી પલાયન કરી ગઈ. પેલો છોકરો પણ ત્યાંથી તરત જ ભાગી ગયો.

     "આર યુ ઓકે?" ઈશુએ પૂછ્યું. એ પણ આવી પહોંચી.

     "આ બધું શું ચાલે છે?"

     "મને નથી ખબર, પપ્પાને વાત કરવી પડશે, તારા ભાઈને પણ સેફ કરવો પડશે." તે તીર્થ તરફ જોઈને બોલી," તું તારી ડાયરી લઈને આવ."

     તીર્થ નીચે ડાયરી લેવા ગયો," આ શું ચાલે છે, ઈશુ?"

     "મને પણ નથી ખબર મનસા, આ રીતે ડાર્ક સોલનો અટેક પહેલીવાર જોયો છે."

     " કદાચ પેલા એ નહીં, જૂની યારી લાગે છે, આ ડાર્ક સોલ શું છે?"

     "તને પહેલા જ કહ્યું હતું કે આપણા જેવા બીજા છે." તીર્થ ડાયરી લઈને આવ્યો. ઈશુએ ડાયરીમાં વાલી શ્રી તરફની નોંધમાં ચપટી વગાડીને એમ લખી દીધું કે 'તીર્થ બીમાર છે એટલે પાંચ-છ. દિવસ સુધી શાળામાં આવી શકે તેમ નથી.'

     "મારી આંખોમાં જો." ઈશુ એટલું બોલી પછી ફરી ચપટી વગાડી અને પપ્પાની સહી થઈ ગઈ. 

     "તમે મારા મગજમાં પર પપ્પાની સહી જોઈને?" તીર્થ ઉત્સુકતાથી બોલ્યો.

     "હા, હવે આજુબાજુ કોઈ રહેતું હોય, જે સ્કૂલમાં તારી સાથે હોય તેને આ પકડાવી દે અને..." ત્યાં તો તીર્થ વચ્ચે બોલ્યો,"ક્લાસટીચર સુધી પહોંચાડવા કહું બરોબર ને." અત્યારે કંઈ સમજી શકતી ન હતી. ઈશાનિયા આટલી ટેન્શનમાં કેમ છે. તે કોઈ જાસૂસી ફિલ્મની એક અતડી એજન્ટ અને મારો ભાઈ ઓવરએક્સઆઇટેડ સાઈડ હીરો.

     "કબૂતર જા." એટલું ઈશુ બોલી તો એ સીધો ડાયરી આપવા દોડ્યો." આને આપણે મારા ઘરે લઈ જવો પડશે અને તે કેવી રીતે એ તારું કામ છે." ઈશુ ત્યાંથી ક્યાંક જવા માટે નીકળી ગઈ.

     મેં તીર્થને સોસાયટીની બહાર રાહ જોવા કહ્યું. એક છોકરી મને સ્કૂટી પર મળી, એની મંજિલ હવે મારી મંજિલ છે. અમે ઈશુને ઘરે પહોંચ્યા.

     "વાવ, હેડક્વાર્ટર ઓફ ઘોસ્ટ, અમેઝિંગ." તીર્થ બંગલો જોઈને બોલ્યો," પેલો પચ્ચીસ વર્ષથી બેઠેલો ચોકીદાર ક્યાં છે? આ ગેટ અવાજ કરે છે? અંદર ગયા પછી આ ગેટ બંધ થઈ જશે છે ને?"

     "તીર્થ" હું જોરથી બોલી," અહીં એવું કંઈ નહીં થાય, ચાલ અંદર શાંતિથી, હું આ છોકરીને છોડીને મૂકી આવ્યું."

     "દીદી, તમને ખબર પણ છે, આ છોકરી કોણ છે? બિચારી ક્યાં જતી હશે? અને તમે વિચાર્યા વગર એના શરીરનો ઉપયોગ કરી લીધો." તીર્થ થોડી ચિંતામાં બોલ્યો.
કારણ કે એ છોકરી એના ઉંમરની હતી, બસ ફરક એટલો હતો કે એ છોકરી કોલેજના પહેલા વર્ષ અને આ બારમાં ધોરણમાં એ આ છોકરીના રૂપથી આકર્ષયો હોય તો નવાઈ ન હતી.
 
      દેખાવે તો એ સુંદર જ હતી, એનો રંગ ગોરો હતો એટલો ગોરો કે કોઈ એના ગાલ ખેંચે તો લાલ થઈ જાય. એનો ચહેરો સહેજ નાનો હતો, એની આંખો હરણ જેવી ચંચળ હતી, એવી જ સુંદર પણ. એના શરીરનો બાંધો પાતળો અને નાજુક હતો. એના વાળ પુરા કાળા ન હતા, પણ સહેજ ભૂરા હતા જેથી સૂર્ય પ્રકાશ પડતા તે સોનેરી ચમક સાથે દેખાતા.આવી છોકરી તરફ આકર્ષાવું સામાન્ય બાબત હતી.

     "એનું નામ શીફા મન્સુરી છે. એમ પણ કોલેજનો લેક્ચર છોડીને એના ફ્રેન્ડની સાથે મળીને ભટકવા જ જતી હતી, બસ ખાલી થોડી મોડી પહોંચશે, જ્યારે એના શરીરમાં હતી, ત્યારે એનું મગજ વાંચી લીધું હતું. ચાલ ચૂપચાપ અંદર."

     "દીદી, આ લેડી ગોસ્ટ ગર્લ્સ હોસ્ટેલ છે." તે હજી પણ મારો મજાક ઉડાવતો હતો. એને મારાથી જરા પણ ડર નહતો લાગતો હવે, એના માટે હું એ જ મનસા હતી.

     અમે અંદર પહોંચ્યા. અંદરની સ્થિતિ જ કંઈક અલગ હતી. અંકલ, ઈશાનિયા અને ત્રીજી વ્યક્તિ જે મારા માટે અજાણી હતી. જે મને જોઈ શકતી હતી.

     " હાય, મનસા બરાબરને. મારુ નામ સુમિત છે. હું એક પ્રોફેસર છું. તેમજ આવી પરાલોકીક ઘટનાઓ પર પણ કામ કરું છું, એમા પણ મને રસ છે." તેઓ સહેજ અટક્યા. "તું મૃત્યુ થયું એથી દુઃખ થયું, પણ અમારો સાથ આપવા માટે આભાર અને સૌથી વિચિત્ર મારા મનનો ભાવ એ કે તને મળીને આનંદ થયો."

     "તમે એક પ્રોફેસર થઈને ભૂતો જેવી વાતોમાં માનો છો." મારો ભાઈ અચાનક વચ્ચે બોલ્યો, હું બોલું એ પહેલા.

     "બેટા, એક આત્મા જોડે અહીં આવ્યો છે. અને તું કહે છે કે તારી બહેનની આત્મા તને દેખાય છે, લોકો તને ગાંડો ગણશે." પ્રોફેસર એની આંખમાં આંખ મેળવીને બોલ્યા.

     "અ... અ.... અ.... એ તો.. અ...." તે કંઈ બોલી શક્યો નહિ. 

     "આ બધું છોડો કામની વાત કરીએ." ઈશાનિયા બોલી, એને કોઈ ભવિષ્યની ઘટનાનો અંદેશો અને ભૂતકાળની કોઈ ઘટના એના મગજમાં હતી એ વાત ચોખ્ખી હતી.

      "બેટા, પ્યોર સોલ બનતું એ સામાન્ય વાત નથી. ૧૦૦ માંથી ૦.૫૦% લોકો પ્યોર સોલ બને છે અને પાછળ એક વર્ષમાં તો જાણે રાફડો ફાટી નીકળ્યો છે. ડાર્ક સૉલ્સ તો એનાથી પણ ઓછા ચાન્સ હોય છે પણ અમને બે-ત્રણ ડાર્ક સૉલ્સ જોઈ અનુભવી અને લાઈવ એક્સનમાં પણ જોઈ." તેઓ મને કોઈ ગંભીર વાત તરફ લઈ જતા હતા એ તો હું સમજી ગઈ.

     "સર, મને મુદ્દાની વાત કહો." મારે બીજા લાવરા સાંભળવા ન હતા.

     "વી હેવ ટુ મેક આ ટીમ ઓફ પ્યોર સૉલ્સ." તેમને મને સીધે સીધુ કહી દીધું.

     "તો તેમાં વાંધો શુ છે? હું તો તૈયાર જ છું અને ઈશાનિયા પણ તૈયાર જ છે. તો બોલો શું કરવાનું છે?" મને જાણે મુક્તિનો માર્ગ મળી ગયો હોય તેમ લાગતું હતું.

     "બીજા તમારી જેવા શોધવા પડશે" તેઓ બોલ્યા.

     "કેવી રીતે?" અંકલના કહેવા પ્રમાણે અમને શોધવા જ સૌથી અઘરી વસ્તુ છે, મારા મનમાં થયું. 

     "આજના સમયમાં કોઈ પણ એનર્જીની વેવલેન્થ ડિટેકટ કરતા સેન્સર બનાવી શકાય છે. મેં ઈશાનિયાની મદદથી આ ડિવાઇસ બનાવી છે." તેમણે મને એક પેન જેવું દેખાતું ડિવાઇસ બતાવ્યું," આની રેન્જ દસ મીટરની છે. દસ મીટરની રેન્જમાં જો કોઈ પ્યોર સોલ આવશે તો આ હલકો બીપ...બીપ... નો અવાજ અને એના ટોપ પર આ લીલી લાઈટ થશે."

     "તો અને લઈને આખા શહેરમાં ફરવું અમારા માટે સહેલું છે, પણ આ અમારી જ હાજરી બતાવ્યા કરશે." મને આ ડિવાઇસની ખામી દેખાઈ.

     "હા, એ વાત તો છે, પણ જ્યારે હું કોલેજમાં હોઉં છું, ત્યારે છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી આ સિગ્નલ આપે છે, કે કોઈ છે પણ હું એ જાણી શકતો નથી કે કોણ છે? ક્યાં છે? હું દેવરાજની જેમ બધી આત્માઓને જોઈ શકતો નથી." એમણે પોતાની. અસફળતાની ચોખવટ કરી.

     "તો આપણે કાલે કોલેજમાં જઈએ, તમે કેમ્પસમાં ફરજો, અમે દસ મીટરથી વધારે અંતરે રહીશું. જેવો જ સિગ્નલ મળે કે અમને ઈશારો કરજો.." ઈશાનિયા બોલી.

     "અ..... જો હું કોલેજમાં હોઉં તો આજથી જ કોલેજ જવાનું બંધ કરી દઉં. ઉત્તરાયણના દિવસે હું ત્યાં પતંગ લૂંટવા પણ હું ન જાઉં." તીર્થ વચ્ચે બોલ્યો પણ વાત મહત્વની હતી.

     "આપણી પાસે ટાઈમ ઓછો છે. આજથી જ કામ શરૂ કરવું પડશે." દેવરાજ અંકલ પણ હવે વાતને ગંભીરતાથી લઈ રહ્યા હતા.

     "આ ડિવાઇસ પર ભરોસો કરી શકાય છે કેમ કે આત્માઓ પોતે પણ બીજી આત્માની હાજરીને અનુભવી શકે છે." તીર્થ વચ્ચે બોલ્યો, છેલ્લે એ હતો તો સાયન્સનો જ વિદ્યાર્થી.લોજિક તો શોધે જ ને.

     બપોરના બાર વાગી ગયા હતા. સુમિત સર વડોદરાની કોલેજ એમ. એસ. યુનિવર્સીટીમાં જ કામ કરતા હતા. અમારે અડધા સમયમાં, અડધા લોકોમાં, આખી કોલેજ તપાસવાની હતી.સરે એક બીજું ડિવાઇસ તીર્થને આપ્યું. અમે બે-બે ની ટુકડીમાં વહેંચાયા. હું અને તીર્થ, સુમિતસર અને ઈશાનિયા. અમે ફરવાનું શરૂ કર્યું, બે કલાક થઈ ગયા. અમારે બંને એ ક્યાં ચાલવાનું જ હતું. એ લોકોની પાછળ પાછળ હવામાં લટકીને જવાનું હતું અને અંતર જાળવવાનું હતું.

     ત્રણ કલાકની શોધખોળ પછી પણ કંઈ પણ હાથ ન લાગતા અમે વિચાર્યું, પેલા બંને થોડો આરામ કરી લે. સર તીર્થને લઈને કોલેજની કેન્ટીનમાં ગયા. કેટલાક વિદ્યાર્થીઓ સરને જોઈને એમને મળવા માટે આવ્યા, એ પરથી કહી. શકાય કે સર ભણાવે તો સારું જ છે. એમનો સ્વભાવ પણ રમુજી હતો એ એમની સાથે વાતો કરતા લોકોના હાવભાવ જોઈને કહી શકાય. હું અને ઈશાનિયા પણ કેમ્પસમાં આટો મારવા નીકળી પડ્યા. અમારી કેટલીક યાદો પણ તાજા થઈ ગઈ. અમે પાછા આવીને એ લોકો ને જોતા હતા કે તે ઉભા થાય, એ વખતે સ્ટુડન્ટ્સનું એક ગ્રુપ એમની પાસેથી પસાર થયું. બંનેએ ડિટેક્ટર પોતાની પ્લેટની બાજુમાં મુક્યા હતા જે લીલી લાઈટ બતાવવા લાગ્યા અને બીપ...બીપ... કરવા લાગ્યા. મારા ભાઈનું ધ્યાન પેલી સવારવાળી છોકરી પર હતું.મારુ પણ કેમકે તે સમયે એનું જ ગ્રુપ પસાર થયું હતું. 

     સરે અમને ઈશારો કર્યો કે ઈશાનિયા તરત જ એક પછી એક દરેકને નાના-નાના લખોટી જેટલા એનર્જીબોલ મારવા લાગી અને દરેકની આરપાર એ નીકળી જતા હતા. હું પણ સમજી ગઈ કે આત્માને એ વાગશે. સાથે મને વિચાર આવ્યો કે જો કોઈ પ્યોર સોલ છે તો અમને બંનેને એની હાજરી અનુભવાતી કેમ નથી.

     અમે ઉતાવળમાં આખી કેન્ટીનમાં બધાને એનર્જીબોલ મારી ચુક્યા હતા. હવે ખાલી પેલી સવારવાળી છોકરીનું ગ્રુપ બાકી હતું. કેમ કે એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. અમે બંને એમની પાછળ ગયા. ઈશાનિયા થોડી ગુસ્સે થઈ ગઈ હતી, એને થોડા મોટા એનર્જીબોલ બધા તરફ ફેંક્યા. એ ગ્રૂપને કોઈ સુરક્ષા કવચએ બચાવી લીધા. ત્યાં તો પેલો છોકરો વચ્ચે આવી ગયો, જેને મારી સવારે મદદ કરી હતી.  "ધ ડિફેન્ડર" 

     "વરરાજા મળ્યો ખરો." મેં ઈશાનિયાને બતાવ્યો. તે ભાગવા જ જતો હતો કે ઈશાનિયાએ એના પર પાવરફુલ અટેક કર્યો. એને એ જોરથી વાગ્યો. પછી તો એ પણ લડવા પર આવી ગયો. એને મારી ફરતે એક કવચ બનાવી દીધું. મને થયું તને પેલીએ માર્યું અને અને તું મારી કેમ મારે છે?

     "અમે લડવા માટે નથી આવ્યા, શાંતિથી વાત થઈ શકે છે." હું બોલી મારે આની બહાર નીકળવું હતું. આ સાંભળીને એને મારી ફરતેનું કવચ નાનું કર્યું, એકદમ મારા કદ જેટલું. અને હું પણ બહાર નીકળવા માટે કવચ પર હમલો કરતી હતી જે નિરર્થક હતા.

     એ અમારાથી થોડો દૂર ગયો. સાથે મને પણ ઈશાનિયાથી દૂર કરી. સ્થિતિ થોડી ગંભીર હતી એ હું ઈશાનિયાના ચહેરા પરથી કહી શકતી હતી,"અચ્છા, તો આ શોધખોળ શાની ચાલે છે, આ બધાં પર હુમલો કરવાનું કારણ?"

     "તને એક નામ તો યાદ હશે જ ને?" ઈશાનિયા પણ સામે સવાલ કરે છે.

     "કયું નામ, તમારી ઈચ્છા શુ છે?" તે બોલ્યો," હું તમારા પર ભરોસો કેવી રીતે કરી શકું, એમ પણ મને એકલા રહેવાની આદત પડી ગઈ છે."

     "હા, એટલે જ હજી પણ તું તારા દોસ્તોની રક્ષા માટે અને એકલા રહેવાની આદત પ્રમાણે આ લોકોની સાથે રહે છે." ઈશાનિયા એને વાતોમાં બાંધવાનો પ્રયત્ન કરે છે પણ એને મારી આજુ-બાજુનું કવચ વધારે નાનું કર્યું, હવે હું એમાં બેઠી હતી.

     "આપણા જેવા હવે સેફ નથી." હું વચ્ચે બોલી, કેમ કે મને તે વખતે ડર નહતો લાગતો પણ રીતસરની ફાટતી હતી મને મારવાનો ડર લાગતો હતો.

     "દરેકએ પોતાની રક્ષા જાતે કરવી જોઈએ, દરેક પાસે શક્તિઓ છે." તે બેદરકારી પૂર્વક બોલ્યો.

     આ સાંભળીને મને અંદરથી ખુબજ ગુસ્સો આવ્યો. મેં ગુસ્સામાં બંને હાથની મુઠ્ઠીઓ વાળી અને તે સમયે હું કોઈ સોનેરી ઉર્જાથી આખી ચમકી ઉઠી, મારુ આખું શરીર એનાથી ચમકી ઉઠ્યું હતું. મેં કવચ પર જોરથી મુક્કો માર્યો, કવચ કાચની જેમ તૂટી ગયું. આ જોઈને બંને એક સાથે બોલ્યા," ધી ગોલ્ડન સોર્સરર"  
 
     "કદાચ તમને મદદ જોઈએ છે?" તે જાણે મારાથી ડરી ગયો હોય તેમ બોલ્યો.
 
     "હા, એ તો જોઈએ જ છે, દેવરાજ અંકલને મદદ જોઈએ છે." હું ગુસ્સામાં બોલી.
 
     "સાચે, દેવરાજ અંકલને મદદ જોઈએ છે?", તે  આશ્ચર્યમાં બોલ્યો," તો પહેલાના કહેવાય, મગજની માં ફાડી નાખી તમે લોકોએ તો."
 
     થોડીવારમાં અમારી વચ્ચે થયેલી ગેરસમજ દૂર થઈ. અમે ઈશાનિયાના ઘરે પહોંચ્યા. ત્યાં એને આખી વાત માંડીને કરી. અને પરિસ્થિતિનું ભાન થયું. અમે ચોથી પ્યોર સોલ 2399 ને શોધવા માટે વિચારતા જ હતા કે જાતે પોતે 2399 ખૂબ જ ઝડપથી આવી ગઈ.
 
     "દ...દેવરાજ અંકલ એ મારી બહેનને લઈ ગયા, એ ડાર્ક સૉલ્સ મારી બહેનને લઈ ગયા." તે રડતા-રડતા બોલ્યો. તે તેર- ચૌદ વર્ષનો છોકરો હતો. અમે બધાં સ્તબ્ધ હતા. એક માનવીનું કિડનેપ, પછી મને ખબર પડી કે એની બહેન પણ આત્મા જ હતી, વાત આશ્ચર્યની તો હતી જ  એક આત્માનું કિડનેપ.
 
                      ( ક્રમશઃ )
 
     આ ધ ડિફેન્ડરનું નામ શું છે? 2399 કોણ છે? શું થયું એની બહેન સાથે? કોણ લઈ ગયું? શા માટે? સૌથી મોટો સવાલ આ ગોલ્ડન સોર્સરર શું છે? શું છે મનસાની નિયતિ?
 
  પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો વાર્તા કેવી લાગી. તમને ભવિષ્યમાં શું થવાનું છે, શું લાગે છે તે પણ કોમેન્ટ કરો. ખાલી રેટિંગ એકલું ન આપતા. રેટિંગના સ્ટારથી મને તમારા મનની વાત ખબર નથી પડતી. માતૃભારતીના ચેટ ઓપ્શથી મને સીધો સંપર્ક કરી શકો છો. બીજો રસ્તો મારુ પ્રોફાઈલ જોવા પર મળશે.