Limelight - 11 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | લાઇમ લાઇટ - ૧૧

Featured Books
Categories
Share

લાઇમ લાઇટ - ૧૧

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૧૧

કામિની ઘણા દિવસથી જોઇ રહી હતી કે પતિ પ્રકાશચંદ્ર હવે પહેલાંથી વધુ ખુશ રહેવા લાગ્યા હતા. પરંતુ પોતાની સાથેના અંતરંગ વર્તનમાં અગાઉ જેવી જ શુષ્કતા અને ઔપચારિકતા હતી. "લાઇમ લાઇટ" નો પ્રચાર વધી રહ્યો હતો અને તેના વિશે ચર્ચા વધી હતી એ કારણે પ્રકાશચંદ્ર ખુશ રહેતા હોવાનું પણ તે માની રહી હતી. તેને એ વાતની રાહત હતી કે ફિલ્મનો પ્રચાર વધી રહ્યો હોવાથી સફળતાની શક્યતા વધી જતી હતી. કામિનીએ પોતાના સમયની ફિલ્મો વિશે વિચાર કર્યો. પોતે અભિનય છોડી દીધાને હજુ દાયકો માંડ થયો હતો. ત્યારે પ્રચારના આટલા માધ્યમ ન હતા કે આટલી આક્રમકતા અને વિવાદ ન હતા. આજકાલ દરેક ફિલ્મનો બઢાવી ચઢાવીને પ્રચાર થાય છે. લોકોનું ધ્યાન ખેંચવા અર્થ વગરના વિવાદ ઊભા કરવામાં આવે છે. પ્રકાશચંદ્રએ એ કારણે જ સાગરને રાખ્યો હતો. જે મિડિયાને "લાઇમ લાઇટ" માટે મસાલો પૂરો પાડતો હતો. પ્રકાશચંદ્રએ તો ફિલ્મ સામે કોઇની પાસે કોર્ટમાં અશ્લિલતાનો કેસ કરવાનો આઇડિયા પણ વિચાર્યો હતો. કામિનીએ એ માટે ના પાડી હતી. તેનું માનવું હતું કે તેનાથી લોકોમાં ઉત્સુક્તા વધી જશે પણ નકારાત્મક અસર એટલી જ થશે. તેથી સામાન્ય ગતકડાંથી જ પ્રચારમાં તેજી લાવવા કહ્યું હતું. એ કારણે પ્રકાશચંદ્રના ચહેરા પર તેજ વધી ગયું હતું. ટ્રેલર લોન્ચ કરવાના કાર્યક્રમમાં હાજર રહેવા પ્રકાશચંદ્રએ કામિનીને કહ્યું હતું. કામિનીએ જ ના પાડી હતી. પ્રકાશચંદ્રએ બહુ આગ્રહ કર્યો ન હતો. કદાચ તે એવું ઇચ્છતા ન હતા કે રસીલીને પોતે મળે. તે બે-ત્રણ વખત રસીલીને સેટ ઉપર મળી હતી. પહેલી વખત કામિનીએ રસીલીને જોઇ ત્યારે મનમાં તેના માટે ઇર્ષ્યાભાવ જાગ્યા વગર રહ્યો ન હતો. તે સુંદર અને સેક્સી તો હતી જ સાથે તેનામાં કોઇ જાદૂ હોય એવું લાગતું હતું. શુટિંગમાં લાઇટોના ઝગમગાટમાં તેનું રૂપ ઔર ખીલી ઊઠતું હતું. ત્યારે પ્રકાશચંદ્રની આ શોધ માટે તેને માન થયું હતું. કામિનીએ પ્રકાશચંદ્રનું હિત જ ચાહ્યું હતું. આજકાલ તેમના રસીલીને ત્યાંના આંટાફેરા વધી ગયા હતા એ વાત પેટમાં આંટી લાવતી હતી. આ વાતને તે મોં પર લાવી શકી ન હતી. "લાઇમ લાઇટ" નું ટ્રેલર લોન્ચ થયું અને તેને સોશિયલ મિડિયામાં સારો પ્રતિસાદ મળી રહ્યો હતો એ જાણી પ્રકાશચંદ્ર ખુશ હતા ત્યારે એક વિવાદ ઊભો થઇ રહ્યો હતો.

પ્રકાશચંદ્ર આવ્યા ત્યારે કામિનીએ વિભા બાલનને ટ્રેલર કંઇક વધારે જ પસંદ આવ્યું હોવાનો કટાક્ષ કર્યો એટલે નવાઇથી જોઇ રહ્યા હતા. કામિનીનો ઇશારો કઇ તરફ છે એ પ્રકાશચંદ્ર કળી શક્યા ન હતા. કામિનીના સમયમાં આવેલી વિભાએ તેના પછી પાંચ વર્ષ પહેલાં એક નિર્માતા સાથે લગ્ન કરી લીધા હતા. વિભાએ અનેક હિટ ફિલ્મો આપી હતી. તેના બે આઇટમ ગીતો તો આજે પણ લોકોના પગ થિરકાવી દે એવા અને દિલમાં હલચલ મચી જાય એવા હતા. એમાં પણ "મેરે કમર કા લટકા, તેરે દિલકો દેગા ઝટકા, તૂ સંભલ કે ભી સંભલ ના પાયેગા લડકા" તો ધૂમ મચાવી ગયું હતું. લગ્ન પછી વિભાએ પોતાનું ભરાવદાર ફિગર જાળવી રાખ્યું હતું. તે વર્ષમાં એક-બે ફિલ્મો કરી રહી હતી. હવે તેને "લાઇમ લાઇટ" સાથે કોઇ લેવાદેવા ન હતી. છતાં તેણે ટ્રેલર પર વાંધો ઊભો કર્યો હતો. વિભાએ એક અખબારની વેબસાઇટને આપેલી મુલાકાતમાં એવો આક્ષેપ કર્યો હતો કે પ્રકાશચંદ્રએ તેમની ફિલ્મના પ્રચારમાં બીજી હીરોઇનોને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે. કામિનીએ જ્યારે એ મુલાકાત પ્રકાશચંદ્રને બતાવી ત્યારે તે ચોંકી ગયા. તેમણે અહેવાલ પર ઉડતી નજર નાખી અને વિભાના ઇન્ટરવ્યુનો અર્ક કાઢ્યો. વિભાનું કહેવું હતું કે રસીલીએ લિપ્સ અને બ્રેસ્ટની સર્જરી કરાવી ના હોય તો એ જાણે પણ બીજી હીરોઇનો સર્જરી કરાવે છે એમ કહેવું ખોટું છે. વિભાએ પ્રકાશચંદ્રને ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે બીજી હીરોઇનોએ શરીરમાં કોઇ સર્જરી કરાવી હોય અને એના કોઇ પુરાવા હોય તો જાહેર કરે. આ રીતે રસીલી એવી હીરોઇન છે જેણે કોઇ સર્જરી કરાવી નથી એવો દાવો યોગ્ય નથી. જો પ્રકાશચંદ્ર દસ દિવસમાં માફી નહીં માગે તો એ તેમને કોર્ટમાં ઘસડી જશે.

વિભાની મુલાકાત વાંચીને પ્રકાશચંદ્ર તેની ઠેકડી ઉડાવતા હોય એમ બોલ્યા:"વિભા, ખોટી છે. પબ્લિસિટી માટે આવી વાતો કરી રહી છે. હમણાં મિડીયા તેને પૂછતું નથી. જોને, લગ્ન પછી એક-બે ફિલ્મો મળે છે તો પણ ધરાતી નથી...."

"મને તો એનો મુદ્દો સાચો લાગે છે...." કામિનીએ ગંભીર થઇને કહ્યું.

"એટલે...?" પ્રકાશચંદ્રને કામિનીની વાતથી ઝાટકો લાગ્યો.

"આ રીતે બીજી મહિલા હીરોઇનોને બદનામ કરવાની વાત યોગ્ય નથી. તમે પ્રચારમાં એમ પણ કહી શક્યા હોત કે કુદરતી સૌંદર્યની મલ્લિકા છે રસીલી."

"પણ ખોટુંય કહ્યું નથી ને?" પ્રકાશચંદ્ર બોલી પડ્યા.

"તમને કેવી રીતે ખબર પડી કે તેણે લિપ્સ કે બ્રેસ્ટની સર્જરી કરાવી નથી? કામિનીએ ધારદાર સવાલ કર્યો.

પ્રકાશચંદ્ર કામિનીના સવાલથી સહેજ ગભરાઇ ગયા. પછી તરત જ સ્વસ્થ થઇને બોલ્યા:"મેં એને સાઇન કરી ત્યારથી તે આવી જ દેખાય છે..."

"તમે સાઇન કરી એ પહેલાં એણે શું કર્યું હતું એની પણ ખબર છે?" કામિનીએ હુમલો ચાલુ રાખ્યો.

"એની મને શું ખબર?" પ્રકાશચંદ્રને જવાબ આપવાનું ભારે પડી રહ્યું હતું. તેમણે હાથ ખંખેરવાનો પ્રયત્ન કર્યો.

"તમે એની સાથે ઘણી મુલાકાત કરો છો. આજકાલ તો વધારે મળવાનું બને છે. કદાચ કંઇ કહ્યું હોય..." કામિનીએ મુદ્દો છોડ્યો નહીં.

પ્રકાશચંદ્રને ખ્યાલ આવી ગયો કે કામિની હવે તેમના પર શંકા કરી રહી છે. તે વાતને સંભાળી લેવા માગતા હતા. "જો કામિની, ફિલ્મ રજૂ થાય ત્યાં સુધી મારે કલાકારો સાથે મળવાનું તો થવાનું જ. અને તું જાણે છે કે આ ફિલ્મ આપણા જીવન માટે કેટલી મહત્વની છે. આર કે પાર જેવી સ્થિતિ છે. આપણી ધન-દોલત જ નહીં જીવન દાવ પર લાગેલું છે. તું વિભાની ચિંતા ના કર. એ ચાર દિવસમાં ઠંડી પડી જશે. એ કોર્ટમાં જશે તો વકીલ રોકી જવાબ આપીશું. કોઇ ગુનો કર્યો નથી. બીજાના ચૂલા પર રોટલા શેકવાવાળા આ દુનિયામાં ઘણા છે એ તને સમજાવવાનું ના હોય...ચાલ હવે જમવાનું કાઢ ભૂખ લાગી છે...."

ત્યારે કામિનીને બોલવાનું મન થયું કે,"મારી શારિરીક ભૂખનું શું?" પણ તે પોતાના મનને સમજાવતી કહ્યાગરી ગૃહિણીની જેમ રસોડા તરફ ગઇ.

કામિની રસોડામાં ગયા પછી પ્રકાશચંદ્રએ રાહતના શ્વાસ લીધા. અને મનોમન બોલ્યા:"હાશ! સમજી ગઇ."

પણ ત્યારે પ્રકાશચંદ્રને ખબર ન હતી કે તેમની વાત પરથી કામિની શું "સમજી" ગઇ હતી.

***

અજ્ઞયકુમાર આગામી ફિલ્મ "પતિ, પત્ની ઔર મોબાઇલ" માટે રસીલીને સાઇન કરવાની વાત કરી રહ્યો હતો ત્યારે નિર્દેશક રાજ પારગીએ તેને બીજી હીરોઇન માટે વિચારી રહ્યો હોવાનું કહ્યું. અને જ્યારે તેનું નામ પૂછ્યું ત્યારે રાજે રીંકલનું નામ આપ્યું એ સાંભળી અજ્ઞયકુમાર ચોંકી ગયો. રીંકલ તેની પત્ની હતી. તેણે લગ્ન કર્યા પછી ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું હતું. આજે રાજ તેને પાછી લાવવા માગતો હતો. તેણે નવાઇથી પૂછ્યું: "રાજ, મજાક કરી રહ્યો છે કે શું?"

"નહીં, હું ગંભીરતાથી કહી રહ્યો છું."

"તને તો ખબર છે રીંકલે વર્ષોથી ફિલ્મ કરવાનું છોડી દીધું છે..."

"ખબર છે. પણ તું આ ફિલ્મ માટે એને તૈયાર કર. અંગત જિંદગીના પતિ-પત્ની જો આ રોલ કરશે તો સુપરહિટ થઇ જશે. આખી ફિલ્મ વાસ્તવિક લાગશે..."

"એ શક્ય નથી. રીંકલ માનશે નહીં. અને હું પણ ઇચ્છતો નથી કે તે પાછી ફિલ્મોમાં કામ કરે. તે બાળકોને સારી રીતે સંભાળી શકશે નહીં...."

રાજ પારગી વિચારમાં પડી ગયો. અજ્ઞયકુમાર રીંકલ માટે કેમ તૈયાર થઇ રહ્યો નથી?

રાજ બોલ્યો:"રસીલીની તો હજુ એકપણ ફિલ્મ આવી નથી. "લાઇમ લાઇટ" વિશે હું કંઇ કહી શકું એમ નથી. મને તો તેની સફળતા માટે શંકા છે. પ્રકાશચંદ્ર આર્ટ ફિલ્મોમાં માહિર છે. કમર્શિયલ સ્ટોરીને સંભાળવાનું તેમના માટે સરળ નથી..."

"આપણે "લાઇમ લાઇટ" ની સફળતા-નિષ્ફળતા સાથે ઝાઝી નિસ્બત નથી. આ ફિલ્મને મારા નામ પર જ ફાઇનાન્સર મળવાના છે. નહીં મળે તો હું નિર્માતા બની જઇશ. મને લાગે છે કે રસીલી એકદમ ફિટ છે...."

રાજને લાગ્યું કે "લાઇમ લાઇટ"ના ટ્રેલર પછી અજ્ઞયકુમારના મનમાં કે દિલમાં રસીલી ફિટ થઇ ગઇ છે. તે કોઇપણ હિસાબે તેની સાથે કામ કરવા માગે છે. આજકાલ સ્ટાર હીરોની નજર રસીલીની ગોરી કાયા પર કંઇક વધુ જ લપસી રહી છે. સાકીર ખાને પણ તેને સાઇન કરી લીધી છે. હજુ કેટલા હીરો તેના પર મહેરબાન થશે એની ખબર નથી. ક્યાંક રસીલી આ બધાને ભારે ના પડે તો સારું છે. તેનામાં અભિનયની કેટલી આવડત છે એની હજુ ખબર નથી પણ પુરુષોને વશમાં કરવાની સારી આવડત જરૂર છે.

વિચારમાં ડૂબેલા રાજને ત્યારે ખબર ન હતી કે અજ્ઞયકુમાર પાસે રસીલીને સાઇન કરવાનું કારણ સાકીર ખાન છે.

***

ફિલ્મ માટે પોતે સાકીર ખાનને શરીર સોંપીને ભૂલ તો નથી કરીને? એવો સવાલ વારંવાર ધારાને થઇ રહ્યો હતો. શરાબના નશામાં સાકીરને શરીર સાથે રમવાની છૂટ આપીને ધારા પસ્તાઇ રહી હતી. પોતે તો સ્ટાર કિડ હતી. કોઇને કોઇ ફિલ્મ મળી ગઇ હોત. આ રીતે ઉતાવળ કરી હોવાનો અફસોસ તેને કોરી રહ્યો હતો. સાકીર નવી છોકરીઓને ફિલ્મમાં કામ અપાવવાના બહાને શારિરીક શોષણ કરતો જ હશે એ વાત હવે દ્રઢ થઇ રહી હતી. તેને અગાઉ જાણવા મળ્યું હતું કે સાકીરને જે યુવતી ખુશ કરે તેને પોતાની ફિલ્મમાં નાની-મોટી ભૂમિકા આપતો હતો. પોતાને તો હીરોઇન બનાવવાનો વાયદો કર્યો હતો. હવે જે કર્યું તે ભૂલી જઇ સાકીર સાથેની ફિલ્મ માટે રાહ જોવા લાગી. એક સપ્તાહ સુધી સાકીરનો કોઇ ફોન કે સંદેશો ના આવ્યો ત્યારે તેને દિલમાં ગભરાટ થવા લાગ્યો. તેણે જ સાકીરને ફોન લગાવ્યો. સાકીરે ફોન કટ કરી દીધો. ધારાને થયું કે નક્કી તેણે છેતરી છે. થોડીવાર પછી ફોનની રીંગ વાગી. તેણે જોયું તો અજાણ્યો લેન્ડલાઇન નંબર હતો. તેની ફોન ઉપાડવાની ઇચ્છા ના થઇ. પછી થયું કે કોઇ નિર્માતાની ઓફિસમાંથી ફોન હોય શકે છે. તેણે છેલ્લી રીંગ હોય એમ ફોન ઉપાડી લીધો.

"હેલ્લો કોણ?"

"હાય સ્વીટહાર્ટ!"

ઓહ! સાકીર ખાન છે. ધારા ચમકી. "સર, તમે તો ભૂલી જ ગયા ને!"

"હું કેવી રીતે ભૂલી શકું એ સ્વર્ગની રાત!" કહી સાકીર લુચ્ચું હસ્યો. "બોલ, કેમ ફોન કર્યો હતો?"

"સર, આપણી ફિલ્મ ક્યારે શરૂ થશે?"

"કઇ?"

"કેમ, તમે મારી સાથે ફિલ્મ કરવાનો વાયદો કર્યો છે..."

"ફિલ્મ તો ક્યારની પૂરી થઇ ગઇ હતી...તું કહે તો તને મોકલી આપું!" કહી તે ફરી હસ્યો.

ધારાને પહેલાં તો સમજાયું નહીં પણ પછી જ્યારે સમજાયું ત્યારે પગ નીચેથી જમીન સરકતી લાગી.

વધુ આવતા શનિવારે ૧૨ મા પ્રકરણમાં...

***

અજ્ઞયકુમાર રસીલીને સાકીર ખાનને કારણે કેમ સાઇન કરવા માગતો હતો? પ્રકાશચંદ્રની વાતો પરથી કામિની શું સમજી ગઇ હતી? સાકીર ખાન ધારા સાથેની કઇ ફિલ્મની વાત કરી રહ્યો હતો? "લાઇમ લાઇટ" ના ટ્રેલર લોન્ચિગમાં "રસુ" નામની બૂમ પાડનાર માણસ કોણ હતો? તેનું પછી શું થયું? મકાન જેમની પાસે ગિરવે મૂક્યું હતું એ શેઠ સાથે વાત કર્યા પછી રસીલીના પિતા કેમ ખુશ હતા? સાકીર ખાન પ્રકાશચંદ્રના ડાયરેક્શનમાં કામ કરવા તૈયાર થયો એની પાછળ કયા બે કારણ હતા? પ્રકાશચંદ્રની ફિલ્મ હિટ રહેશે કે નહીં? શું કામિનીનો રાજીવ માટેનો ડર સાચો સાબિત થશે? પ્રકાશચંદ્ર સાથ માણીને ગયા પછી રસીલીએ તરત કોને અને શું મેસેજ કર્યો હશે? ઘણા બધાં પ્રશ્નો અને રહસ્યો વધી રહ્યા છે, જે તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો.

*

મિત્રો, મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમને માતૃભારતી પર એક જ બેઠકે વાંચવી ગમશે. તેના માટેનો આપનો પ્રેમ સતત વધી રહ્યો છે. તેના માતૃભારતી પરના ૧.૧૧ લાખથી વધુ ડાઉનલોડ અને ૧૯૦૦૦ થી વધુ રેટીંગ્સ તેની લોકપ્રિયતાનો પુરાવો છે. કોલેજમાં ભણવા ગયેલી એક અતિ સ્વરૂપવાન અને યુવાનીથી છલકતી છોકરી અર્પિતા કેવી રીતે એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે અને પછી એ કેવી રીતે તેનો બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની દિલચશ્પ અને દિલધડક પ્રસંગોથી ભરપૂર વાર્તા ૪૮ પ્રકરણ સુધી તમને ચોક્કસ જકડી રાખશે. "રેડલાઇટ બંગલો" વાંચીને આપનું રેટીંગ પણ જરૂરથી આપશો. એ ઉપરાંત મારી લઘુનવલ "આંધળોપ્રેમ" અને ટૂંકી વાર્તાઓ પણ માતૃભારતી પર વાંચી શકશો.