નો રીટર્ન-૨
ભાગ-૮૦
તેણે આજે પણ લાંબો સફેદ સદરો પહેર્યો હતો. એ સદરો ભીનો થઇને તેનાં દેહ સાથે ચપોચપ ચોંટી ગયો હતો. સફેદ રંગનું અદભૂત સંયોજન તેની ગોરી.. થોડી લાલાશ પડતી ચામડી સાથે રચાયું હતું. તેનાં ટૂંકા વાળનાં છેડા ભીના થઇને તેની લાંબી સુંવાળી ગરદન ઉપર ચોંટી ગયા હતાં. એ વાળનાં છેડેથી ટપકતી પાણીની બુંદો સૂર્યનાં કિરણોમાં કોઇ તારલીયાની માફક ચમકતી હતી. હું અભિભૂત બનીને તેને મારી નજદીક આવતાં જોઇ રહયો. અનેરી ખરેખર અનૂપમ યુવતી હતી. તેને જોઇને કોઇ વિચલીત ન થાય તો એ જરૂર સાધુ પુરુષ જ હોવો જોઇએ અન્યથા એ પોસીબલ જ નહોતું.
“ શું જોઇ રહયો છે પવન...? “ તે નજીક આવતાં બોલી. તેને ખબર હતી છતાં મને પુંછયું હતું. તેની આંખોમાં ઉદાસીની જગ્યાએ શરારત ભળેલી હતી. વિનીતની યાદોમાંથી ધીરે- ધીરે તે ઉભરી રહી હતી એ મને ગમ્યું. હું તેની નજીક સરકયો.
“ તું જાણે છે છતાં પુંછે છે...! “ મેં કહયું અને ભારે હિંમત ભેગી કરીને તેનાં હાથ મારા હાથમાં લીધાં.
“ નથી જાણતી એટલે જ પુંછયું.. “ થોડું સંકોચાતા તે બોલી અને નજરો નીચી ઢાળી. મારા હદયનાં ખૂણે-ખૂણે આનંદની સરવાણી વહેવા લાગી. તેનો ઇશારો હું ન સમજું એટલો ભોટ પણ નહોતો જ. આ બધું સાવ અચાનક જ બની રહયું હતું. મારા હાથમાંથી હાથ છોડાવાની કોઇ ચેષ્ટા તેણે કરી નહી. જાણે એ પણ આવી જ કોઇ પળની રાહ જોઇ રહી હતી..! આ બહું નાજૂક સમય હતો. મારે સંભાળીને વર્તવાનું હતું. જે ક્ષણની આતુરતાથી હું રાહ જોતો હતો એ ક્ષણ મારી બહું સમીપ આવી હતી. એક નાનકડી ભૂલ અનેરીને મારાથી હંમેશને માટે દૂર લઇ જાય એમ હતી, અને એવું કોઇ કાળે હું થવા દેવા માંગતો નહોતો.
“ હું તને ચાહું છું. બસ... એથી વિશેષ મારા જીવનમાં કંઇ નથી. “ આખરે મેં કહી જ નાંખ્યુ. તે સ્થિર બનીને મારી આંખોમાં તાકી રહી. સમય લગભગ ત્યાં જ થંભી ગયો હતો. એમેઝોનનાં જંગલ વચ્ચે વહેતી નદીનાં કમરડૂબ પાણીમાં... બે જૂવાન હૈયા એકબીજા પ્રત્યેની લાગણીઓ સમજવામાં પરોવાયા હતાં. હું ચાહતો હતો કે તે કંઇક બોલે... મારા પ્રેમનો પડઘો પાડે. પરંતુ એક લાંબી ક્ષણ સુધી તે એમ જ ઉભી રહી. ફકત મારી આંખોમાં જોઇ રહી. કદાચ એ મારા શબ્દોનો તાગ મેળવતી હશે. અને... પછી હળવેક રહીને તે મને વળગી પડી. તેનું માથું મારી છાતી ઉપર ઢળ્યું. તેનાં બન્ને હાથ મારી પીઠ પાછળ બિડાયા. તેનાં શરીરની માદક ખૂશ્બૂથી હું તરબતર થઇ ઉઠયો. મારા જીગરમાં એક અનર્ગળ આનંદની હેલી છવાઇ. કદાચ આ ક્ષણે જ જો મારું મૃત્યું થાય તો એ પણ મને મંજૂર હતું. અનેરીએ સાવ ઓચીંતા જ મારા પ્રેમનો પ્રતિભાવ આપીને મને ચોંકાવી દીધો હતો.
“ હું પણ તને ચાહું છું પવન... “ તે બોલી અને મારા શરીર ફરતેનાં આલીંગનને તેણે વધું દ્રઢ કર્યું. મેં પણ તેને મારી બાહુમાં સમાવી લીધી.
ખબર નહી કેટલો સમય એ જ સમાધી અવસ્થમાં વીત્યો હશે. ધરતીનાં બે અત્યંત ખૂબસૂરત સર્જન આપસમાં આજે એકાકાર થવા મથી રહયાં હતાં. આજૂબાજૂ કોણ છે અને અને કેવી પરિસ્થિતિઓનો સામનો કરીને અહી સુધી પહોચ્યાં હતાં એ પણ અમે ભૂલી ગયાં હતાં. સેકન્ડો એ જ અવસ્થામાં વિતતી ગઇ હતી. અને પછી... સાવ એકાએક જ હું ચોંકયો હતો. મારી છાતીએ ગરમ ભિનાશ અનૂભવી હતી. ઓહ ભગવાન... અનેરી રડી રહી હતી. તેની આંખોમાંથી વહેતાં અશ્વુઓએ મને કાળજાની કોર સુધી દઝાડયો હતો. મે એકાએક જ તેને અળગી કરી અને તેની સામું જોયું. તેની ખૂબસૂરત આંખોમાંથી અશ્વુઓની ધાર વહેતી હતી.
“ વિનીત પણ મને બહું પ્રેમ કરતો હતો. તેનાં મોત માટે હું મારી જાતને ક્યારેય માફ નહી કરી શકું... “ નજર નીચી ઢાળીને તે બોલી. બહું કટોકટીની એ ઘડી હતી. હજું હમણાં જ મારા પ્રેમનો તેણે સ્વિકાર કર્યો હતો અને હવે વિનીતની યાદમાં રડવા પણ લાગી હતી.
“ જ્યારે કોઇ આપણું અંગત સ્વજન આપણાંથી બહું દૂર ચાલ્યું જાય ત્યારે ઘણું દુઃખ થાય છે. હું તારો વલોપાત સમજી શકું છું પરંતુ પરિસ્થિતિઓ પર ક્યારેય કોઇનો અંકુશ હોતો નથી. ઉપરવાળાની મરજી વગર કશું જ સંભવ નથી એટલે તારા મનમાંથી એ વહેમ કાઢી નાંખ કે તારા કારણે વિનીત મરાયો છે. એ તેની નિયતી લખાવીને જ આવ્યો હતો. અરે... ફકત એ જ શું કામ, આપણે બધા જ આપણું ભાગ્ય લખાવીને આવ્યાં છીએ અને સમય થતાં આપણે પણ આ ફાની દુનીયા છોડીને ચાલ્યાં જઇશું... “ મેં લાંબુ ચૌડું ભાષણ આપી દીધું. તે મારી સામું જોઇ રહી હતી. “ અચ્છા... એક વાત પુંછું...? જો તને ખોટુ ન લાગે તો...? “ સાવધાનીથી વાત બદલવાનાં અને કંઇક જાણવાનાં ઇરાદે મેં અનેરીને પુંછયું.
“ મને ખબર છે કે તું શું પુંછવા માંગે છે. છતાં પુછીં લે...પણ એ પહેલાં આપણે બહાર નિકળીએ. “ તે બોલી અને કિનારા તરફ ચાલવા લાગી. હું પણ તેની પાછળ લપકયો.
આ સમય દરમ્યાન કાર્લોસ અને એના હજું પણ નદીમાં દૂર... અંદર તરફ તરી રહયાં હતાં. અને ક્રેસ્ટો કોઇ વિશાળકાય હીપોપોટેમસની જેમ એક જગ્યાએ બેસીને કિલ્લોલતો હતો.
@@@@@@@@@@@@
“ દાદાએ મને વાત કરી ત્યારની હું ઉત્તેજનાં અનૂભવતી હતી. એમાં જ્યારે કાર્લોસ વચ્ચે પડયો ત્યારે મારું કામ ઘણું આસાન થઇ ગયું હતું. દાદાને છોડાવવા હું તારા રાજ્ય ઇન્દ્રગઢમાં આવી હતી અને પેલો કેમેરો મેળવ્યો હતો. એમાં દેખાતાં ચિત્રો... એટલે કે બ્રાઝિલની લાઇબ્રેરીમાં મુકાયેલા દસ્તાવેજો વિશે તો ઓલરેડી અમે જાણતાં જ હતાં પરંતુ ખરેખર એવો કોઇ ખજાનો છે કે એ માત્ર એક દંતકથા છે એ મારે જાણવું હતું. “ અનેરીએ ફરીથી તેની વાતનું અનૂસંધાન સાધ્યુ હતું.
“ પણ એ તો તને તારા દાદાએ કહયું જ હશે ને...? “ મેં પ્રશ્ન ઉઠાવ્યો.
“ કહયું હતું ને...! તેમણે મને જણાવ્યું કે તે અને તારા દાદા એટલેકે વીર સિંહ જોગી બન્ને છેક છેલ્લા પડાવ સુધી પહોચી ગયા હતાં. પરંતુ તેમણે ક્યા રસ્તેથી ચાલ્યા હતા અને કેવી મુસીબતોનો સામનો કરીને છેલ્લા પડાવે પહોચ્યાં હતાં એ નહોતું જણાવ્યું. મારે એ જાણકારી મારી રીતે એકઠી કરવી પડી હતી અને પછી આપણે આ સફર ઉપર નિકળવાનું નક્કી થયું એટલે યેનકેન પ્રકારે હું પણ આમાં શામેલ થઇ ગઇ અને વિનીતને પણ સાથે લીધો હતો. “ તે ખામોશ બની. મારા મનમાં તેની વાતોથી ગૂંચવડો ઉદભવ્યો હતો. તે જે કહેતી હતી એ સમજાતું તો હતું પરંતુ ગળે ઉતરતું નહોતું. જો તેને ખબર જ હતી કે અમારા બન્નેનાં દાદા ખજાનાનાં છેલ્લા પડાવ સુધી પહોચીને જીવતાં પાછા ફર્યા હતા તો આ વાત તેણે કેમ કોઇને કહી નહી..? અને વળી તેઓ છેલ્લા પડાવેથી કેવી રીતે પાછા ફર્યા હતાં..? છેક ખજાના સુધી કેમ ન પહોચ્યાં...? મેં તુરંત અનેરીને સવાલ કર્યો.
“ એ સવાલ મને પણ ઉદભવ્યો હતો અને મેં દાદાને એ વિશે પુંછયું હતું પરંતુ કોઇ સચોટ જવાબ તેમણે આપ્યો નહોતો. હું પણ વધું પુછીને તેમનાં મનમાં શંકા ઉત્પન્ન કરવા માંગતી નહોતી એટલે વાતને અધ્યાહાર જ રહેવા દીધી હતી. આજે સમજાય છે કે ચોખવટથી બધું જાણી લીધું હોત તો આપણે ઘણી મુશ્કેલીઓથી બચી શકયા હતો. “ લગભગ વાતને સમાપ્ત કરવાનાં ઇરાદા સાથે તે બોલી.
મને તો ક્યારની એક જ નવાઇ ઉપજતી હતી કે મારા દાદાએ આ વિશે કેમ કોઇને કહયું નહી હોય...? અને ખજાનાનાં છેલ્લા પડાવ સુધી પહોંચીને ખાલી હાથે કેમ પાછા ફર્યા હશે...? કે પછી આખી વાત જ કંઇક ઓર છે...? જો તેઓ ખજાના સુધી પહોચી ગયા હોય તો એ બાબતે કંઇક તો ક્લ્યૂ ચોક્કસ તેમણે છોડયો હોવો જોઇએ. શું હશે એ ક્લ્યૂ...? કે પછી બધું ફકત એક છલાવો જ છે...? છેલ્લે ક્યાંક એવું ન થાય કે અમે વિચારીએ છીએ એવું કશું જ ત્યાં ન હોય...! આ આખી વાત જ મીથ સાબીત થાય અને કોઇ ખજાનો અમારા હાથ ન લાગે.
( ક્રમશઃ )
મિત્રો.. એક ઓપિનિયન જોઇએ છે.
નો રીટર્ન-૨ પછી ક્યા વિષય ઉપર નવલકથા લખું...? હોરર કે સસ્પેન્સ થ્રિલર...?
અહી કોમેન્ટમાં ભૂલ્યા વગર જણાવજો જેથી હું એ બાબતે શ્યોર થઇ શકું.
બની શકે તો કોમેન્ટ કરજો કે આ કહાની તમને કેવી લાગે છે..?
રેટીંગ ચોક્કસ આપજો.
આપ રહસ્યમય કથાઓનાં રસીયા હોવ તો તમને મારી અન્ય નવલકથાઓ જેવી કે....
નસીબ
અંજામ
નગર
નો રીટર્ન
પણ ચોક્કસ ગમશે.