(પોતાનો જીવ બચાવવાની લાલચમાં પીટર ફરી હવેલી માં જઈ પહોચે છે હવે આગળ.)
પીટરે ગજવામાંથી તાબૂતની કિ ને ભૈરવની મુખાકૃતિના મુખમાં જેવી ગોઠવીને ઘુમાવી કે લોઢાના ચક્કર ફરતા હોય એવી ધીમી ઘરઘરાટી સંભળાઈ. અચાનક કૂતરાઓનું રુદન સાંભળી પિટરના મનમાં હલચલ થઈ ગઈ.
તાબૂતની આસપાસ જોરજોરથી ભમરાઓનો ગણગણાટ સંભળાવા લાગ્યો.
ભયંકર સન્નાટામાં કોઈ પંચધાતુનું વાસણ પટકાયું હોય એવો અવાજ થયો. ચમકી ગયેલા પીટરે મોબાઈલના સિમિત ઉજાસમાં અવાજના ઉદ્ગમસ્થાન તરફ દ્રષ્ટિ ઠેરવી.
તાંબાની તાંસળી જેવું એક બર્તન ભૂમિ પર પછડાઇને ગોળ ગોળ ફરતું હતું એકધારી નજરે પીટર એને જોતો રહ્યો.
કમરામાં કોઈ બીજું હોઈ શકે એવો લેશમાત્ર અણસાર પણ કળાતો નહોતો છતાં અત્યારે એના શરીર પરનુ રૂંવે-રૂંવુ ઉભુ થઇ ગયું હતું. આખાય ખંડમાં ફરી એક વાર નજર ફેરવી લીધી.
વધી ગયેલા શ્વાસોશ્વાસને નિયંત્રિત કરી પીટરે તાબૂત સામે જોયુ.
નજર સામે તાબૂત બિલકુલ ખુલ્લું જોઈને પીટરની આંખો પહોળી થઈ ગઈ. મોબાઇલ ટોર્ચના ઉજાસમાં તાબૂતની ભીતરનું દ્રશ્ય પીટરના ચહેરાની રંગત ઉડાવી ગયું.
બ્લેક બિલાડી જેવી ત્વચા ધરાવતુ એક મમી પીટરે જોયું. તાજ્જુબની વાત એ હતી કે તે કોઈ તાજા જ મરેલા વ્યક્તિની ડેડબોડી હોય એવું લાગતું હતું. શરીર જરાપણ કરમાયું હોય એવું લાગતુ નહોતુ.
કાળી ત્વચા, કાળા વાળની ગાઢ રૂંવાટીને કારણે મમીનો દેખાવ કદરૂપો લાગતો હતો. મમીના માથા પર કે દાઢી પર ક્યાંય વાળ નહોતા. એના ખુલ્લા મુખમાં કાળુ અંધારુ હતુ.
પેટ ઉપર શિસ્તતાથી હાથ બંધાયેલા હતા.
તાબૂતના તળિયે કોઈ ખાસ પ્રકારનુ ઘાસ બિછાવેલ હતું.
શરીર જે પ્રકારે તરોતાજા હતું એ ઉપરથી પિટરે એવી કલ્પના કરી કે જરૃર કોઈ વનસ્પતિના રસાયણનો એની ત્વચા પર લેપ લગાવ્યો હોવો જોઈએ.
ત્વચા પણ એટલે જ કાળી પડી હોવી જોઈએ.
પીટરની નજર અત્યારે મમીના પેટ ઉપર સાચવીને મુકાયેલી કુમકુમથી ભરેલી શિયારસિંગી પર હતી. મમીની કમરથી નીચેનો ભાગ બ્લેક કપડા વડે ઢંકાયેલો હતો
પિટરે ઈશ્વરનું નામ લઈ સિયાર સીંગી ઉઠાવી લેવા ધીમે રહી જમણો હાથ તાબૂત માં નાખ્યો.
સહેજ વાર ટોર્ચનો ઉજાસ ગડથોલુ ખાઇ ગયો અને...!!!
કાળોતરો સાપ ડસે એમ પેલી સિયાર સિંગીએ ચોંચ મારી પિટરની આંગળી કાપી દીધી.
એક દર્દનાક ચીસ સાથે પિટરે હાથ પાછો ખેચી લીધો. લોહીની એક ધાર થઈ મમીનુ ખુલ્લું મુખ અને હોઠ રંગાઈ ગયા.
એની કપાયેલી આંગળી પણ મમીના ખુલ્લા મુખપર પડી તરપતી હતી.
કેટલાય સમયથી તાબૂતમાં સચવાયેલુ મમી રક્તનો અર્ધ્ય મુખમાં લેતાં જ સળવળી ઉઠ્યુ. ઘડિક પીટર પોતાની કપાયેલી આંગળી તરફ તો ઘડિક તાબૂતમાં સળવળી ઉઠેલા મમી તરફ પીટર ધારી ધારીને જોતો હતો એને પોતાની આંખો પર જરાય વિશ્વાસ ના થયો.
લોહીની ધાર સાથે જ એની આંખે અંધારા આવવા લાગ્યાં.
પીટર છેતરાયો હતો એ વાત સમજાઈ ગઈ.
પીઠ ફેરવી જેવી દરવાજા તરફ ભાગવાની એને કોશિશ કરી કે પાછળથી કોઈએ લપડાક મારી એનેં ખેંચી લીધો. પીટર પલક ઝપકમાં તાબુત ઉપર ઉંધા મસ્તકે પડ્યો. પીટરના પગ ઊંચા થઇ ગયા.
મમીના હાથની આંગળીઓના બબ્બે ઈંચ લાંબા નખ પીટર કશુ સમજે એ પહેલાં ગરદન પર લસરાયા.
પીટરની આંખના ડોળા બહાર નીકળી ગયા.
કાજળ કાળુ કદરૂપુ મુખ એની ગરદન પર ઝકડાઈ ગયુ.
પીટરના હાથમાંથી મોબાઈલ ક્યાંય પટકાઇ ગયો પોતાની જાતને છોડાવવા એણે મરણિયો પ્રયાસ કર્યો. પરંતુ બધુ જ વ્યર્થ..
પીટરની ગરદનમાં ખૂંપી ગયેલા મમીના લાંબા અણિયાળા દાંતના લીધે એને અસહ્ય પીડા થઈ રહી હતી.
આખા શરીરનુ લોહી ગરદન તરફ ખેંચાતું એને અનુભવ્યું.
રીતસર હવે એની આંખોના ડોળા ભમી ગયા. ધડકનોનો વેગ ત્રણ ગણો વધી ગયો હતો.
તાબૂત માં એવી વિચિત્ર પ્રકારની દુર્ગંધ વ્યાપી વળી હતી કે પીટરને લાગ્યુ પોતે બેહોશ થઈ જવાનો.
મોતના મુખમાં થી એકવાર ફરી jesus christ ના ઉચ્ચારણ સાથે પીટરે બંને હાથ વડે તાબૂતની ધાર પકડી બહારની તરફ જોર કર્યુ. એક જબરજસ્ત ઝટકા સાથે પીટર બહાર ફર્શ પર ફેંકાઈ ગયો.
જેમ ચિત્તાના જડબામાંથી હરણ છૂટી જાય એવી દશા પીટરની હતી.
અંધારપટ થી ઘેરાઈ ગયેલા કમરામાં મેનડોરની તિરાડમાંથી લેમ્પનો ઉજાસ ચળકતો જોઈ પીટર જિંદગીની આખરી દોડ લગાવી રહ્યો હોય એમ લથડાતો ઉભો થઈ ભાગ્યો. ત્યારે એને પોતે પણ ખબર નહોતી કે એ ભાગીને હવેલીની હદમાંથી બહાર જઈ શકશે કે કેમ...??"
(ક્રમશ:)