બેવફા
કનુ ભગદેવ
પ્રકરણ - 8
ચર્ચા-વિચારણા!
કોર્ટના હુકમથી લખપતિદાસનો કેસ સી.આઈ.ડી. વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો.
સી.આઈ.ડી. વિભાગનો ચીફ ઈન્સ્પેક્ટર મેજર નાગપાલ અત્યારે ઈન્સ્પેક્ટર વામનરાવ સાથે એડવોકેટ સુબોધ જોશી સામે બેઠો હતો.
સુબોધ અને વામનરાવ બંને ગાઢ મિત્રો હતા. વામનરાવને કહેવાથી જ એ કિશોરનો કેસ લડ્યો હતો. એક તરફ એણે કિશોરને કોર્ટમાં ગુનેગાર તરીકે રજૂ કર્યો અને બીજી સુબોધ દ્વારા તેને કોર્ટમાંથી છોડાવી લીધો હતો.
‘નાગપાલ સાહેબ...!’વામનરાવ બોલ્યો, ‘કિશોરને કોર્ટમાં રજૂ કરતાં પહેલાં મેં સુબોધની સલાહ લીધી હતી. જો કે કેસમાં કંઈ દમ નહોતો. પણ તેમ છતાં ય એની સલાહથી મારી હંમત વધી ગઈ. આ કેસ આપને સોંપવામાં આવ્યો છે એટલે હવે જે કંઈ કરવાનું છે, તે આપને જ કરવાનું છે. હું હવે આ કેસમાં ક્યાંય માથં નહીં મારું. હા, પરોક્ષ રીતે મારી જે કંઈ મદદની જરૂર હોય એ હું કરવા માટે તૈયાર છું. પણ સૌથી પહેલાં આપ આશાની ધરપકડ કરો તો આ આખો યે કેસ ઉખેલાઈ જાય એવું મને લાગે છે.’
‘એની વિરુદ્ધ પુરાવાઓ ભેગા થઈ ગયા છે?’સુબોધે પૂછયું.
‘એની વિરુદ્ધ તો ઘણું બધું ભેગું થઈ ગયું છે.’વામનરાવે જવાબ આપ્યો, ‘કિશોરને ફસાવવા માટે જ એણે લખપતિદાસને ઊંઘની ગોળીઓ ખવડાવીને તેનો ચહેરો છુંદી નાખ્યો છે. મારી તપાસનું પરિણામ તો ક્યારનું આવી ગયું હોત! પરંતુ એ ગમે તેમ તો ય સ્ત્રી છે. લખપતિદાસના ખૂનમાં જરૂર કોઈકે તેને સાથ આપ્યો હશે એમ હું માનતો હતો. અને તેનો આ સાથીદાર કોણ છે, એ હું જાણવા માંગતો હતો અને એ હું જાણી પણ ચૂક્યો છું.’
‘કોણ છે એ?’સુબોધે ઉત્સુક અવાજે પૂછયું.
જ્યારે નાગપાલ આંખો બંધ કરીને ચૂપચાપ તેમની વાત સાંભળતો હતો.
‘આનંદ...! કાશીનાથનો પુત્ર આનંદ...! તે આશા પાછળ ગાંડો થઈ ગયો છે. મારો એક સિપાહી તેના પર નજર રાખે છે. ત્રણ દિવસ પહેલાં જ વાઘજી નામના એ સિપાહીએ આનંદ તથા આશાને એકબીજાના બાહુપાશમાં જકડાયેલા જોયા હતા.’
‘એણે તેમને આ હાલતમાં ક્યાં જોયા હતા?’
‘બંગલામાં જ! વાત એમ છે કે લખપતિદાસને ત્યાં પૂનાથી તેના મામાનો દિકરો આવ્યો છે. લખપતિદાસનું ખૂન આશાએ જ કર્યું છે, એમ તે માને છે. એના સહકારતી જ વાઘજી નામનો સિપાહી નવા નોકર તરીકે લખપતિદાસના બંગલમાં ઠસી ગયો છે. આનંદ સાધનાના બહાને બંગલામાં આવે છે. પરંતુ તે પોતાનો વધારે પડતો સમય આશા પાસે જ કરે છે. એટલા માટે જ હું આશાની ધરપકડ કરવાની વાત કરું છું.’
‘ભાઈ વામનરાવ...!’સહસા આંખો ઉઘાડીને નાગપાલે કહ્યું, ‘જો આશાએ જ લખપતિદાસનું ખૂન કર્યું હોય તો આ ખૂન એણે કાં તો ચહેરો છુંદીને... અર્થાત્ ખોપરી ફાડી નાંખીને અથવા તો પછી દગાથી ઊંઘની ગોળીઓ ખવડાવીને કર્યું છે.’
‘એટલે...?’વામનરાવે મુંઝવણભર્યા અવાજે પૂછયું, ‘હું સમજ્યો નહીં..?’
સુબોધ પણ મુંઝવણભરી નજરે નાગપાલ સામે તાકી રહ્યો હતો.
‘એટલે એમ કે લખપતિદાસનું ખૂન એક વાર નહીં, પણ બે વાર થયું છે.’
‘બે વાર...?’વામનરાવના અવાજમાં આશ્ચર્યનો સૂર હતો.
‘હા.... લખપતિદાસનું ખૂન એ વખત થયું છે. પહેલી વાર ઊંઘની ગોળીઓથી થયું હતું બરાબર?’
વામનરાવે હકારાત્મક ઢબે માથું હલાવ્યું.
‘અને બીજી વાર ખોપરી ફાડી નાખીને થયું હતું. ઘડીભર માટે હું માની લઉં છું કે આશાએ જ લખપતિદાસને ઊંઘની ગોળીઓ ખવડાવીને મારી નાંખ્યો હતો. પછી તેને એનું મોં છુંદી નાખવાની શું જરૂર પડી? એણે બીજી વાર મૃતદેહનું ખૂન શા માટે કર્યું ?’
‘પોલીસને થાપ આપવા માટે!’વામનરાવ બોલ્યો, ‘લખપતિદાસનું મૃત્યુ ઊંઘની ગોળીઓને કારણેનહીં પણ ખોપરી ફાટી જવાનો કારણે થયું છે એમ પોલીસ માને એટલા માટે!’
‘બરાબર છે... જો ખરેખર પોલીસ આવું માને એટલ માટે જ એણે એવું કર્યું હોય તો તેને ઊંઘની ગોળીઓ ખવડાવવાની શું જરૂર હતી? એ તો અમસ્તી યે લખપતિદાસની ખોપરી ફાડી શકે તેમ હતી.’
‘નાગપાલ સાહેબ, આ એક જ સવાલ મને મુંજવે છે અને જ્યાં સુધી આશાની ધરપકડ નહીં થાય, ત્યાં સુધી આ સવાલનો જવાબ આપણને મળી શકે તેમ નથી. આશા પાસે બત્રીસ કેલીબરની રિવોલ્વર છે એમ હું માનું છું. એણે પોતાની રિવોલ્વર વડે અનવરનું ખૂન કર્યું. લખપતિદાસની બત્રીસ કેલીબરની રિવોલ્વર અનવરના હાથમાં જકડાયેલી હતી. કઈ ગોળી, કઈ રિવોલ્વરમાંથી છોડવામાં વી છે, એ વાત બેલેસ્ટિક એકસ્પર્ટના રિપોર્ટ પરથી જાણી શકાય છે તેની આશાને ખબર નહોતી. આ ઉપરાંત અનવર અને આસા મળેલાં હતાં એવું પણ મને લાગે છે. અનવર લખપતિદાસ તથા આશાના ખૂનમાં સહકાર આપવાના બહાને કિશોરને દાસ તથા આશાના ખૂનમાં સહકાર આપવાના બહાને કિશોરને બંગલામાં લાવ્યો. પછી અંદર લખપતિદાસનું ખૂન કરવામાં આવ્યું. ત્યારબાદ કિશોરને ખબર ન પડે તેમ, એની જાણ બહાર લખપતિદાસના મૃતદેહને કિશોરની ટેકસીમાં છૂપાવી દેવામાં આવ્યો. જોગાનુજોગ કિશોરને ત્યાં પોતાની ટેકસીમાં બેસીને નાસી છૂટવું પડ્યું.’
‘તો શું લખપતિદાસના મૃતદેહને અનવરે જ કિશોરની ટેકસીમાં પહોંચાડ્યો હતો?’
‘ના... મૃતદેહ તો આશાએ જ પહોંચાડ્યો હશે. અને આ કામમાં એક જ મામસ તેને મદદ કરી શકે તેમ હતો. એ માણસ બીજું કોઈ નહીં, પણ આનંદ જ હોવો જોઈએ.’
‘તો પછી અનવર, આશાનો સાથે, તેવી ટેક્સીમાં ત્યાં ગયો હતો. આશા, અનવરને ઓળખતી હતી. એણે અનવરને લાલચ આપીને રાત્રે અમુક સમયે બંગલામાં બોલાવ્યો હશે. અનવર આવ્યો એ દરમિયાન આશા તથા આનંદે મળીને લખપતિદાસનું ખૂન કરીને તેના મૃતદેહ તાદરમાં બાંધી દીધો હશે, એક તરફથી અનવર અને કિશોર બંગલામાં દાખલ થયા અને બીજી તરફ આશા અને આનંદે લખપતિદાસના મૃતદેહને કિશોરની ટેકસીમાં ગોઠવી દીધો. કારણ કે જ્યારે કિશોરે લખપતિદાસની રૂમમાં જોયું હતું, ત્યારે ત્યાં કોઈ જ નહોતું. રૂમ ખાલીખમ હતો. એ વખતે આનંદ તથા આશા પલંગ પર નવી ચાદર પાથરીને મૃતદેહને કિશોરની ટેકસીમા મૂકવા માટે ગયા હશે. ત્યારબાદ અનવર ભૂલથી સાધનાની રૂમમાં જઈ ચડ્યો. કિશોરને બીજી કોઈ શંકા ન આવે એટલા માટે એણે સાધનાના યૌવનની લાલચ હોવાનું તેને જણાવ્યું. ખેર, તે સાધનાની રૂમમાં દાખલ થયો. અનવર, આશા અને આનંદની યોજના મુજબ આનંદે બારીની નીચે ઊભેલા કિશોર પર ટોર્ચનો પ્રકાશ ફેંક્યો જેથી કિશોર ગભરાઈને પોતની ટેક્સીમાં બેસીને નાસી છૂટે! બીજી તરફ રૂમમાં સાધના જાગી ગઈ. અનવરે તેને બેભાન કરી નાખી. હવે જો અનવરની દાનત ખરાબ હોત તો તે સાધનાની આબરૂ લૂંટી શકે તેમ હતો. એ જ વખતે બીજા માણસના રૂપમાં બારી મારફત આનંદ સાધનાની રૂમમાં કૂદ્યો.’કહીને વામનરાવ થોડી પળો માટે અટક્યો.
‘હં...’નાગપાલના ગળામાંથી હુંકાર નીકળ્યો, ‘પછી....?’કહીને એણે પોતાની પાઈપ પેટાવીને ઉપરાઉપરી ત્રણ-ચાર કસ ખેંચ્યા.
વળત જ પળે વાતાવરણમાં પ્રિન્સ હેનરી તમાકુની કડવી-મીઠી ગંધ ફેલાઈ ગઈ.
‘સાધનાના કહેવા મુજબ એ માણસને પોતાના ચહેરા પર નકામ પહેરી રાખ્યો હતો. ખેર, સાધનાના બેભાન થઈ ગયા પછી એ બંને એટલે કે આનંદ તથા અનવર પાછાં આશા પાસે લખલતિદાસની રૂમમાં પહોંચ્યા. ત્યાં અનવરના હાથમાં કોઈ પણ રીતે લખપતિદાસની બત્રીસ કેલીબરની રિવોલ્વર આવી ગઈ હશે. આવી જ બત્રીસ કેલીબરની બીજી સાઈલેન્સર યુક્ત રિવોલ્વર આશા અથવા તો પછી આનંદ પાસે પણ હતી. તેમણે અનવરને ગોળી ઝીંકી દીધી પછી આનંદ નાસી છૂટ્યો. બેલેસ્ટીક એકસ્પર્ટના રિપોર્ટ મુજબ
લખપતિદાસની રિવોલ્વરમાંથી ગોળી છોડીને અનવરનું ખૂન કરવામાં નહોતું આવ્યું. એટલે આ બત્રીસ કેલીબરની બીજી રિર્વોલ્વર કાં તો આનંદ
પાસે છે અથવા તો પછી આશા પાસે ! અનવર ભવિષ્યમાં આનંદ તથા આશાની યોજના માટે જોખમરૂપ હતો એટલે તેઓએ એને ઠેકાણે પાડી દીધો. ખેર, આનંદના ચાલ્યા ગયા પછી આશાએ બૂમાબૂમ કરીને બંગલાના નોકરોને બોલાવ્યા. અને બેભાન થઇ જવાનું નાટક કર્યું.’વાત પૂરી કરીને વામનરાવે એક ઊંડો શ્વાસ લીધો.
‘તારી વાતમાં તથ્ય છે...!’નાગપાલે કહ્યું., ‘જરૂર આવું જ કંઇક બન્યું હશે. જો આનંદ તથા આશા વચ્ચે અનૈતિક સંબંધ હોય તો આવું બની શકે છે. બે યુવાન પ્રેમીઓને લખપતિદાસ જેવો વૃદ્ધ માણસ કાંટાની માફક ખૂંચે એ સ્વાભાવિક જ છે.’
‘નાગપાલ સાહેબ, સબ ઇન્સ્પેક્ટર અમરજીએ જ આ મુદ્દા પ્રત્યે મારું ધ્યાન દોર્યું હતું.’
‘ક્યા મુદ્દા પર...?’
‘વાસના...એટલે કે અનૈતિક સંબંધ પ્રત્યે...!’
નાગપાલે ધીમેથી માથું હલાવ્યું.
ત્યારબાદ તેઓ સુબોધથી રજા લઇને વિદાય થઇ ગયા.
સાધના પોતાની રૂમમાં પલંગ પર જાગતી હાલતમાં પડી હતી.
એની નજર દીવાલ પર લટકતી ઘડિયાળ પર સ્થિર થયેલી હતી.
એક મિનિટ પહેલાં જ ઘડીયાળમાં બાર ડંકા વાગ્યા હતા. અર્થાત્ બાર વાગ્યા હતા.
ઘડિયાળની ટકોરનો અવાજ હજુ પણ જાણે કે રૂમમાં ગુંજતો હતો.
એણે પોતાના દેહ પરથી ચાદર ખસેડીને ગરદન ફેરવી. બાજુના જ પલંગ પર તેની મામી સવિતાદેવી ગાઢ ઊંઘમાં સૂતી હતી. શાંત વાતાવરણમાં તેનાં નસકોરાનો અવાજ ગુંજતો હતો.
લખપતિદાસના મૃત્યુ પછી સવિતા એને ત્યાં જ રોકાઇ ગઇ હતી. એ સાધના સાથે જ સૂતી હતી. એ તેને ભરપુર આશ્વાસન આપતી હતી. સાધનાને પણ હવે તેના સિવાય બીજો કોઇ આધાર નહોતો.
સવિતા પૂનાથી આવી હતી. કોણ જાણે કેમ તેને આનંદ નહોતો ગમ્યો ! એ આખો દિવસ સાધના પાસે જ રહીને તેને આશ્વાસન આપતી રહેતી હતી. એના લાગણીભર્યા વર્તનથી જાણે પોતાની મા જ જીવતી થઇને આવી હોય એવું સાધનાને લાગતું હતું. એ સવિધાન રૂમમાં જાણે કે પોતાની માને જોતી હતી.
સવિતાની હાજરીમાં તે પોતાની જાતને સલામત અનુભવતી હતી.
એણે ધ્યાનથી સવિતાના નસકોરાનું નિરીક્ષણ કર્યું.
પછી સવિતા ગાઢ ઊંઘમાં સૂતી છે એની ખાતરી થયા બાદ ચાદર ખસેડીને તે પલંગ પરથી નીચે ઊતરી. અત્યારે તેના દેહ પર નાઇટી નહીં, પણ સલવાર-કમીઝ હતાં.
એણે સાવચેતીથી ચપ્પલ પહેરીને ફરીથી સવિતા તરફ નજર કરી. એ પૂર્વવત્ રીતે સૂતી હતી. ત્યારબાદ તે બિલ્લી પગે બારણા પાસે પહોંચી. એણે જરા પણ અવાજ ન થાય એ રીતે સ્ટોપર ઉઘાડી. પછી પીઠ ફેરવીને ફરીથી એક વાર પલંગ પર સૂતેલી સવિતા સામે જોયું.
ત્યારબાદ ધીમેથી બારણું ઉઘાડીને તે બહાર નીકળી ગઇ. બારણાને પુન:બંધ કરીને એણે ચપ્પલ હાથમાં લઇ લીધા. પછી દબાતે પગલે લોબી વટાવીને પહોંચી. વરંડામાં આવીને એણે ચપ્પલ પહેરી લીધાં.
બંગલામાં સન્નાટો પથરાયેલો હતો.
આશા પોતાની રૂમમાં જ સૂતી હતી.
આશા સિવાય પૂનાથી આવેલો લખપતિદાસના મામાનો દિકરો સેવકરામ ગેસ્ટ રૂમમાં સૂતો હતો.
બધા નોકરો પોત-પોતાના કવાર્ટરમાં સૂતા હતા.
બંગલાની ચોકી કરતો કૂતરો બંગલામાંથી ગુમ થઇ ગયો હતો. કૂતરાને તો જાણે કે સૌ સાવ ભૂલી જ ગયા હતા.
એના ગુમ થવા પ્રત્યે કોઇનું ધ્યાન શા માટે નહોતું ગયું ?
એ કૂતરા વિશે હજુ સુધી ન તો પોલીસને ખબર પડી હતી કે ન તો આશા, સાધના અને નોકરોએ કોઇને પૂછપરછ કરી !
જાણે બંગલામાં કોઇ કૂતરો હતો જ નહીં, એવું વર્તન સૌ કરતા હતા.
અત્યારે પણ એ કૂતરો બંગલામાં નહોતો.
સાધના બંગલાના ફાટક પાસે પહોંચી. હવે એની ચાલમાં પહેલા જેવી સાવચેતી નહોતી.
એ ફાટક પાસે પહોંચી કે તરત જ ચોકીદારની કેબિનમાંથી એક આકૃતિ બહાર નીકળી. એ આકૃતિ બીજું કોઇ નહીં, પણ બંગલાનો ચોકીદાર બહાદુર હતો.
‘કારને બહાર કાઢું દિકરી ?’નજીક આવીને એણે ધીમા અવાજે પૂછ્યું.
‘ના, કાકા...!’સાધનાએ પણ એવા જ અવાજે જવાબ આપ્યો.
‘તો પછી...?’
‘કોઇ ટેક્સી મળી જાય તો જુઓ.’
‘અત્યારે તારે ટેક્સીમાં જવું છે ?’
‘હજુ તો સવા બાર વાગ્યા છે. કાર લઇને જઇશ તો તેનો અવાજ થશે. અને હું ક્યાંક બહાર જઉં છું તેની કોઇકને ખબર પડી જશે.’
‘ભવિષ્યમાં હું કારને બંગલાની બહાર જ પાર્ક કરી દઇશ.’બહાદુર બોલ્યો, ‘પણ અત્યારે રાતના સમયે તારું ટેક્સીમાં બેસીને જવાનું મને યોગ્ય નથી લાગતું.’
‘પહેલાં ટેક્સી મળે છે કે નહીં, એ તો જુઓ...’
‘જોઉં છું...’
બહાદુર ફાટક ઉઘાડીને બહાર સડક પર પહોંચી ગયો.
સાધના ફાટક પાસે જ ઊભી રહી ગઇ.
એની નજર પોતાના શાનદાર બંગલા તરફ જડાયેલી હતી, કે જ્યાં ચાલતા ખૂન નાટકથી આજુબાજુમાં રહેતા લોકો પણ ગભરાઇ ગયા હતા.
પછી સહસા તેને આનંદનો વિચાર આવ્યો. એનો વિચાર આવતાં જ તે દાંત કચકચાવવા લાગી. એનો ચ્હેરો લાલઘૂમ થઇ ગયો. તે બેચેનેથી ફાટક પાસે જ આંટા મારવા લાગી.
ત્યારબાદ તેની નજર સડક પર પડી. બહાદુર એક ટેક્સી ઊભી રખાવીને તેના ડ્રાયવર સાથે વાત કરતો હતો.
સાધના ફાટકમાંથી બહાર નીકળીને ટેક્સી પાસે પહોંચી. ડ્રાયવરે આશ્ચર્યથી તેની સામે જોયું.
સાધના ટેક્સીનું બારણું ઉઘાડીને અંદર બેસી ગઇ.
‘પાછું પણ આવવાનું છે.’બહાદુરે ડ્રાયવરને ઉદ્દેશીને કહ્યું. પછી એણે સાધાના સામે જોયું., ‘દિકરી..મારી જરૂર હોય તો હું પણ સાથે આવું.’
સાધનાએ ડ્રાયવર સામે જોયું. પછી કંઇક વિચારીને એણે બહાદુરને પોતાની સાથે આવવાની હા પાડી.
બહાદુર આગલી સીટ પર ડ્રાયવરની બાજુમાં બેસી ગયો.
વળતી જ પળે ટેક્સી આગળ વધી ગઇ.
બંગલાના વરંડામાં એક થાંભલા પાછળ છૂપાઇને એક આકૃતિએ આ ર્દશ્ય જોયું હતું.
એના ચ્હેરા પર આશ્ચર્યના હાવભાવ છવાઇ ગયા હતા.
એ આકૃતિ દોડીને ફાટક પાસે પહોંચી. પરંતુ ત્યાં સુધીમાં ટેક્સી દૂર પહોંચી ગઇ હતી.
એ આકૃતિ બીજું કોઇ નહી, પણ બંગલામાં નવા નોકર તરીકે રહેતો વાઘજી નામનો સિપાહી હતો.
પછી મનોમન વિચારોના વમળમાં અટવાતો તે પુન:બંગલા તરફ આગળ વધી ગયો.
લખપતિદાસના કેસમાં નાગપાલે સાચા ગુનેગારોને ઝડપી લેવા માટે પોતાનાં ચક્રો ગતિમાન કરી દીધાં હતાં.
અત્યારે તે તથા દિલીપ કેસ વિશે જ વાતો કરતા બેઠા હતા.
નાગપાલે લખપતિદાસની કેસની બધી જ વિગતો તેને જણાવી દીધી હતી. દિલીપે પૂરી ગંભીરતાથી તેની વાતો સાંભળી હતી.
‘હવે શું કરવાનું છે, અંકલ ?’છેવટે એણે પૂછ્યું.
‘મને એક યોજના સૂઝે છે.’નાગપાલે જવાબ આપ્યો, ‘જો આપણે તેનો અમલ કરીએ તો આપણને જલ્દીથી સફળતા મળે તેમ છે. પહેલાં તો તું મારા એક સવાલનો બરાબર રીતે વિચારીને જવાબ આપ. કોઇ સ્ત્રી આનંદને ફોન કરીને તેને અમુક સ્થળે બોલાવે તો ? અને એમાં ય ફોન કરનાર જો તેની પ્રેમિકા જ હોય તો ?’
‘તો આનંદ નામનો એ બોકડા તરત જ ત્યાં દોડી જશે.’
‘કરેક્ટ...આપણે એમ જ કરવાનું છે. આપણે કોઇકની મારફત આનંદને ફોન કરીને અમુક સ્થળે બોલાવવાનો છે. આ સ્થળે અગાઉથી જ આપણી જળ બીછાવેલી હશે. આપણે આનંદની તેની પ્રેમિકા તરીકે જ ફોન કરાવવાનો છે. આનંદ અને આશા એક બીજાને પ્રેમ કરે છે. આ પ્રેમને વાસનાનું નામ પણ આપી શકાય. તું મારી વાત સમજે છે ને ?’
‘હા...પણ એને ક્યાં બોલાવવાનો છે ?’
‘ઓપેરા ગાર્ડનમાં...! પણ પોતાને શા માટે ઓપેરા ગાર્ડનમાં બોલાવવામાં આવ્યો છે, એવો વિચાર તેને નહીં આવે ?’નાગપાલે ખાતરી કરવા માટે પૂછ્યું..
‘ના..’
‘કેમ...?’
‘,તમારા કહેવા પ્રમાણે હાલમાં તેમની મુલાકાતમાં વિધ્નો ઊભાં થતાં જાય છે. બંને એકદમ તરસ્યા બની ગયા છે. આ સંજોગોમાં આશાએ મુલાકાત માટે યોગ્ય સ્થળ પસંદ કર્યું છે, એવો વિચાર જ તેને આવશે.’
‘વેરી ગુડ...તે આમ જ વિચારશે.’નાગપાલ બોલ્યો.
‘પણ અંકલ, તમે તો કોઇક બીજી સ્ત્રી મારફત ફોન કરવાનું કહો છો. અને આનંદ, આશાના અવાજને ઓળખતો જ હશે. આ સંજોગોમાં પોતાનો ફોન કરનાર આશા નહીં પણ બીજું કોઇક છે, એ વાત તે નહીં સમજી જાય ?’
‘ના...’નાગપાલનો અવાજ મક્કમ હતો.
‘કેમ...?’
‘ફોન કરવાના આ કામમાં શાંતા આપણને મદદરૂપ થઇ પડશે. એ કોઇ જાતના અવાજની નક્કલ કરી શકે છે તે તો તું જાણે જ છે. આપણી પાસે આશાની જુબાની ટેપ કરેલી છે. અને આ વાતની આશાને પણ ખબર નથી. એ ટેપના આધારે જ શાંત આશાનાં અવાજમાં આનંદને ફોન કરીને તેને ઓપેરા ગાર્ડનમાં આવવાની સૂચના આપશે. કદાચ અવાજમાં થોડો ફેરફાર હોય તો પણ એ ટેલિફોનમાં જલ્દીથી નથી પકડાતો.વાસનામાં અંધ બનેલા આનંદને, એ ફોન આશાએ નહીં પણ બીજા કોઇએ કર્યો છે, એવી જરા પણ ગંધ નહીં આવે. એ તરત જ દોડ્યો આવશે. અને કદાચ ફોન કરનાર આશા નથી એની તેને ખબર પડી જાય અને એ ન આવે તો પછી કોઇક બીજો ઉપાય વિચારીશું.’
‘અંકલ, બીજો કોઇક ઉપાય વિચારવાની જરૂર જ નહીં પડે તેની મને પૂરી ખાતરી છે.’દિલીપે સ્મિત ફરકાવતાં કહ્યું, ‘આનંદ આપણી પહેલી યોજનામાં જ સપડાઇ જશે.’
‘આટલેથી જ મારી યોજના પૂરી નથી થઇ જતી.’
‘તો...?’
‘ત્યારબાદ તારે આશાને ફોન કરવાનો છે !’નાગપાલે કહ્યું.
‘મારે...?’
‘હા, તારે...! તારે આનંદના નામથી આશાને ફોન કરીને કહેવાનું છે કે તું ઓપેરા ગાર્ડનમાં એકદમ ઉપર જે ખાલી રૂમ છે. તેમાં તેની રાહ જુએ છે. એ તારો અર્થાત્ આનંદનો ફોન સાંભળીને ત્યાં દોડી જશે. ટૂંકમાં આપણે એ બંનેને ઓપેરા ગાર્ડનમાં ભેગા કરવાના છે.’
‘પણ એ બંને એકબીજાને ફોન વિશે પૂછપરછ કરશે તો ?’
‘વાસનામાં અંધ બનેલા માણસોને આવા સવાલો પૂછવાનું નથી સૂઝાતું. અને કદાચ સૂઝશે તો તેનું પરિણામ આપણને ફોન પર જ મળી જશે. આ સવાલ તેઓ ફોન પર પૂછશે. પણ તેમને આવું નહીં જ સૂઝે તેની મને પૂરી ખાતરી છે. કારણ કે બંનેએકબીજાને પામવાની ઇચ્છા રાખે છે. વાઘજીના કહેવા પ્રમાણે આનંદ, આશાની રૂમમાં જાય છે કે તરત જ એ તેને વળગી પડે છે. બંગલામાં જોખમ હોવા છતાં પણ જો તેઓ આવું કરતાં હોય તો પછી ઓપેરા ગાર્ડન જેવા એકાંતમાં તેઓ શા માટે સવાલ જવાબમાં સમય વેડફે ? એ બંને સૌથી પહેલાં તો પોતાની તરસ છીપાવશે. એમ હું માનું છું. આનંદ અનેક કોલગર્લ સાથે સંબંધ ધરાવે છે. એ વાત પણ તપાસ દરમિયાન બહાર આવી છે.’
‘પણ ઓપેરા ગાર્ડનના ઉપરના રૂમમાં, ગાર્ડનમાં ફરવા આવેલા લોકો પણ જાય છે. આ સંજોગોમાં એ બંને ત્યાં એકલા કેવી રીતે હશે ?’
‘આપણે કોઇનેય એ રૂમમાં નહીં જવા દઇએ. બલ્કે એ વખતે ગાર્ડનમાં કોઇ હશે જ નહીં !
‘કેમ...?’
‘ગાર્ડનનો દરવાજો સાત વાગ્યે બંધ કરી દેવામાં આવે છે. સાત વાગ્યા પછી ત્યાં કોઇ જ નથી હોતું.’
‘તો પછી એ બંને...?’
‘પહેલાં મારી વાત પૂરી સાંભળી લે ! ગાર્ડનના ફાટક પર ચોકીદારના રૂપમાં પોલીસનો જ માણસ ઊભો હશે. સાત વાગ્યા પછી ગાર્ડનમાં કોઇ નથી હોતું અને આપણને પૂરતું એકાંત મળશે એવું તારે ફોન પર આશાને જણાવવાનું છે. જવાબમાં એ તને પૂછશે કે ગાર્ડનમાં ચોકીદાર આપણને બહાર નહીં કાઢે ? તો તું જવાબ આપી દેજે કે તેં ગાર્ડનના ચોકીદારને લાંચ આપીને મનાવી લીધો છે. એ તને ગાર્ડનમાં આવવા દેશે. ને તું સીધી ઉપરના રૂમમાં ચાલી આવજે. આવું જ આનંદને કહેવામાં આવશે.’
‘બરાબર છે...તેમને આ સમયે જ ગાર્ડનમાં બોલાવવાનું યોગ્ય રહેશે.’દિલીપ બોલ્યો, ‘વાઘજીના કહેવા પ્રમાણે આશા દરરોજ સાંજે સાત વાગ્યે બાલાજીના મંદરિ દર્શન કરવા માટે જાય છે, એટલે તે મંદિર જવાના બહાને જ આનંદ પાસે જશે. તમારી યોજના ખરેખર જડબેસલાક છે.’
‘દિલીપ...જો એ બંને આપણી જાળમાં ફસાઇ જશે તો પછી તેઓ નહીં બચી જશે. પણ જો તેમને શંકા આવશે તો આપણને થોડી મુશ્કેલી પડશે.’
‘અંકલ...તેમને શંકા નહીં જ આવે તેની મને પૂરી ખાતરી છે.’દિલીપે કહ્યું, ‘આપણે પુરાવાઓ સાથે તેમને પકડી શકીશું. આપણી જાળ કેટલી મજબૂત છે, તેની આપણને ફોન પર જ ખબર પડી જશે.’
‘વાઘજીના કહેવા મુજબ છેલ્લા બે દિવસથી આનંદ ત્યાં નથી આવતો. બે દિવસ પહેલાં તે પાંચ-સાત મિનિટ માટે આવ્યો હતો. એ વખતે તેનો બાપ કાશીનાથ પણ તેની સાથે હતો. સાધના પણ આનંદ સાથે બહુ વાતો નથી કરતી. બે દિવસથી કાશીનાથે આનંદનો પીછો નથી છોડ્યો.’
‘અંકલ, જે રીતે આશા તથા આનંદના સંબંધની આપણને ખબર પડી ગઇ છે એ જ રીતે સાધનાને પણ તેમના સંબંધ વિશે ખબર પડી ગઇ હોય અને આ કારણસર જ તે આનંદને ટાળતી હોય એવું ન બંને ?’
‘સાધનાને કદાચ તેમના સંબંધ વિશે ખબર ન પડી હોય તો પણ, આનંદને આશા પ્રત્યે સહાનુભૂતિ છે, એટલું તો તે ચોક્કસ સમજી ગઇ હશે. કારણ કે આનંદ ‘આંટો’ના નામથી આશાને મળવા જાય જ છે. સાધના આશાને નફરત કરે છે જ્યારે આનંદને આશા પ્રત્યે સહાનુભૂતિ છે. આ સંજોગોમાં આનંદ પ્રત્યે સાધનાનું વર્તન બદલાઇ જાય, એ સ્વાભાવિક જ છે.’
એ જ વખતે હકલો અંદર આવ્યો.
નાગપાલે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.
‘સ...સાહેબ...ક...કોઇક વાઘજી નામનો સિપાહી આપને મળવા માટે આવ્યો છે.’એણે કહ્યું.
‘એને અહીં મોકલ !’નાગપાલે જવાબ આપ્યો.
હકલો હકારાત્મક ઢબે માથું હલાવીને ચાલ્યો ગયો.
થોડી પળો બાદ વાઘજી ઓફિસ રૂમમાં દાખલ થયો.
એના શરીર પર નોકર જેવાં વસ્ત્રો હતાં. હોઠ પર અર્ધસૂચક સ્મિત ફરકતું હતું.
એણે બંને એડી ભેગી કરી, કપાળ પર હાથ મૂકીને નાગપાલને સલામ ભરી
એને અણધાર્યો આવેલો જોઇને નાગપાલની આંખોમાં ચમક પથરાઇ ગઇ હતી.
‘નાગપાલ સાહેબ...!’વાઘજી આદરભર્યા અવાજે બોલ્યો, ‘વામનરાવ સાહેબે, જે કંઇ રિપોર્ટ કે ખાસવાત હોય તે આપને જણાવવાની મને સૂચના આપી છે. એટલે હું આપની પાસે આવ્યો છું.’
‘આવ...બેસ...!’નાગપાલે તેને પોતાની સાથે બેસવાનો સંકેત કર્યો !.
વાઘજી તેની સામે પડેલી ખાલી ખુરશી પર બેસી ગયો.
‘તેં આખી રાત ઉજાગરો કર્યો હોય એવું તારી આંખો પરથી લાગે છે.’નાગપાલે વાઘજીની લાલધુમ આંખો જોતાં કહયું,
‘હા, સાહેબ...! હુ રાત્રે જ આપની પાસે આવવા માગતો હતો. પરંતુ અડધી રાતે આપને તકલીફ આપવાનું મને યોગ્ય નહોતું લાગ્યું.’
‘બોલ, શું વાત છે ?’
‘નાગપાલ સાહેબ, શેઠ લખપતિદાસની પુત્રી સાધનાનું વર્તન રહસ્યમય બની ગયું છે.’
‘એટલે...?’નાગપાલે ચમકીને પૂછ્યું.
દિલીપના ચહેરા પણ ચમકવાના હાવભાવ છવાઇ ગયા હતા.
‘નાગપાલ સાહેબ, રાત્રે લગભગ બાર વાગ્યે સાધના ચૂપચાપ પોતાની રૂમમાંથી બહાર નીકળી. મેં વરંડામાં પહોંચીને તેને ચપ્પલ પહેરતાં જોઇ. ત્યારબાદ તે ફાટક પાસે પહોંચી. બંગલાનો ચોકીદાર બહાદુર પોતાની કેબિનમાંથી બહાર નીકળીને તેની સાથે વાતો કરવા લાગ્યો. પછી બહાર જઇને એણે એક ટેક્સી ઊભી રખાવી અને પછી એ બંને ટેક્સીમાં બેસીને ક્યાંક જવા માટે રવાના થઇ ગયા.’
‘તેં એ ટેક્સીનો નંબર નોંધ્યો હતો ?’
‘ના, હું ફાટક પાસે પહોંચ્યો ત્યાં સુધીમાં ટેક્સી દૂર નીકળી ગઇ હતી. બે કલાક પછી કેબિનમાં ચાલ્યો ગયો અને સાધના પોતાની રૂમમાં ચાલી ગઇ.’
‘આ વળી કોઇક નવું જ ચક્કર લાગે છે.’નાગપાલ બબડયો, ‘ખેર, આવું તે પહેલી જ વાર જોયું છે કે પછી અગાઉ પણ ક્યારેય જોયું હતું ?’
‘પરમ દિવસે રાત્રે બાર વાગ્યે મેં બંગલા સામે એક ટેક્સીને ઊભેલી જોઇ હતી. બહાદૂર એ વખતે ફાટક પાસે આંટા મારતો હતો. એ પોતાની ફરજ બજાવે છે એમ મેં માન્યું હતું. પણ હવે હું પૂરી ખાતરીથી કહું છું. કે પરમ દિવસે પણ સાધના ક્યાંક ગઇ હતી.’
‘હું...’નાગપાલના ગળામાંથી હૂંકાર નીકલ્યો, ‘એ ક્યાં જઇ શકે તેમ છે?’
‘અંકલ...!’સહસા દિલીપ બોલ્યો, ‘આજે રાત્રે જ્યારે બહાદુર ટેક્સી બોલાવવા માટે બહાર આવશે ત્યારે આપણે જ કોઇક માણસ ટેક્સી લઇને તેની પાસે પહોંચી જશે. આ રીતે સાધના ક્યાં જાય છે, તેની આપણને ખબર પડી જશે.’
‘તારો વિચાર ઉત્તમ છે. આપણે એમ જ કરીશું. પણ એ પહેલાં આપણે આનંદ તથા આશાની તૈયારી કરવાની છે.’નાગપાલે કહ્યું.
દિલીપે હકારમાં માથું હલાવ્યું.
વાઘજી ચા-પાણી પીને રવાના થઇ ગયો.
***