સુંદરતા વધારવાની ટિપ્સ
ભાગ-૨
સં- મિતલ ઠક્કર
* સામાન્ય રીતે સનસ્ક્રીન લૉશનની આવરદા એક વરસ સુધીની છે. તેમાં પાણી અને મોઈશ્ચર હોય છે. પરંતુ શીશી વારંવાર ખુલવાથી અને વારંવારના ઉપયોગથી તેમાંનું પાણી ઉડી જાય છે. આવું સનસ્ક્રીન વાપરવાનો મતલબ ત્વચાને હાનિ પહોંચાડવાનો છે. સનસ્ક્રીનને તડકાના સંપર્કમાં ન આવવા દેવું તેમજ ઠંડા સ્થાનમાં રાખવું જોઈએ.
* વિનેગરમાં પુષ્કળ માત્રામાં એસિડિક એસિડ મોજૂદ હોય છે. જે જૂને દૂર કરવામાં અસરકારક હોય છે. સમાન માત્રામાં વિનેગર અને પાણી મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. પહેલાં વાળને શેમ્પુથી યોગ્ય રીતે ધોઇ લો. ત્યારબાદ વિનેગરના આ મિશ્રણથી તમારા વાળને યોગ્ય રીતે ધૂઓ અને ૧૦ મિનિટ સુધી એમ જ રહેવા દો. ત્યારબાદ નોર્મલ પાણીથી વાળને ધોઇ લો.
* ઉનાળાની સીઝનમાં પરસેવો વધારે થવાને કારણે ચહેરા ઉપર ધૂળ, માટી અને પ્રદૂષણની અસર થતી હોય છે. તેથી ચહેરા ઉપર ઝીણી ઝીણી ફોલ્લીઓ થઇ જાય છે. જેને આપણે વાઇટહેડ્સ પણ કહીએ છીએ. આ ફોલ્લી ઘણીવાર ખીલનું સ્વરુપ લઇ લે છે. તેથી ઉનાળામાં ત્વચાની સફાઇ ઉપર ખાસ ધ્યાન આપવું. ચહેરાને દિવસમાં ઓછામા ઓછો ચાર વાર ફેસવોશથી વોશ કરો. જેથી ચહેરા ઉપર લાગેલી ડસ્ટ નીકળી જશે અને ફોલ્લી પણ નહી થાય, તેમજ ચહેરો ચિકણો પણ નહી લાગે.
* ખીરા (કાકડી જેવું)નો રસ ચીરા પડેલી ત્વચાની તકલીફ દૂર કરે છે. ખીરાનો રસ કાઢી તેમાં પાંચ ટીપાં ગ્લિસરીન અને ગુલાબજળ ભેળવવી ચહેરા, હાથ, પગના ચીરા પર લગાડવું. ત્યારબાદ હુંફાળા પાણીથી સ્નાન કરવાથી ત્વચા ચીકાશ પડતી, કોમળ મુલાયમ થઇ જશે. ત્વચાના નિખાર માટે સરકો પણ લાભદાયી પૂરવાર થયો છે.
* આપણે રાત્રીના સમયે વાળની ખૂબ ટાઇટ ચોટી બાંધી દઇએ છીએ. આ આદત પણ વાળને ડેમેજ કરે છે. વાળને વધારે પડતાં ટાઇટ બાંધવાથી તેના મૂળ નબળા પડી જાય છે. તેથી વાળને ટાઇટ ન બાંધો.
* ઓઇલી સ્કિનમાં ગોરી સ્કિન મેળવવા માટે ઓલિવ ઓઇલ અને સ્ક્રબ અકસીર છે. ૨ ચમચી ખાંડમાં ૩ ચમચી ઓલિવ ઓઇલ મિક્સ કરીને ચહેરા પર લગાવો. અમુક મિનિટો સુધી હળવા હાથે આંગળીઓની મદદથી સર્ક્યુલર મોશનમાં મસાજ કરો. થોડીવાર સુધી તેને એમ જ રહેવા દો અને પછી તેને ધોઇ લો.
* હાથની સંભાળ માટે સાકર અને લીંબુને ભેળવી હાથ પર સાકર ઓગળે ત્યાં સુધી હળવે હાથે રગડવું. અને પછી હાથ ધોઇ નાખવા. સંતરાની તાજી છાલને હાથ પર રગડવી. ત્વચા સાફ થઇ જશે. બદામ અને મધ સપ્રમાણ માત્રામાં ભેળવીને નખ અને ક્યુટિકલ્સ પર હળવે હળવે માલિશ કરવું અને ૨૦ મિનિટ બાદ હોથ ધોઇ નાખવા.
* વાળ ધોયા બાદ સરખાં સુકાયા ન હોય અને તેની ગુંચ કાઢવા લાગીએ છીએ. વાળને ધોઇને તરત તેમાં કાંસકો ફેરવીને ગૂંચ ન કાઢવી. કારણ કે ભીના વાળ વધારે સંવેદનશીલ હોય છે. અને ભીના વાળ તરત તૂટી જાય છે. તેથી વાળ સુકાયા બાદ જ તેમાં કાંસકો ફેરવો.
* જો તમારાં પગમાં વારંવાર પરસેવો થતો હોય, તો તમારે આનાથી બચવું પડશે. આ પરસેવો બેક્ટેરિયાનું ઘર હોય છે અને તમારા પગનો દુશ્મન બને છે. આનાથી બચવા માટે ડિયોડરન્ટની મદદ લો. આ માટે તમારે ખાસ પ્રકારના ડિયોડરન્ટ ખરીદવાની જરૂર નથી. જે ડિયો તમે અંડર આર્મ્સ માટે ઉપયોગ કરો છો, તે જ તમે આના માટે પણ ઉપયોગ કરી શકો છો. બસ ધ્યાન રાખો કે, બંને બોડી પાર્ટ્સ માટે તમે અલગ અલગ ડિયોડરન્ટની બોટલનો ઉપયોગ કરો, નહીં તો ઇન્ફેક્શન અને એલર્જી થઇ શકે છે.
* સ્નાન માટે હંમેશાં હૂંફાળું પાણી વાપરવું જોઈએ. સ્નાનનો પહેલો સંબંધ સ્કિન સાથે છે. જો તમારે સ્કિન સારી રાખવી હોય તો હૂંફાળું પાણી જ વાપરવું જોઈએ. ગરમ પાણી વ્યક્તિની સ્કિનને ડ્રાય બનાવે છે. જે વ્યક્તિની સ્કિન ઓઇલી હોય તેને કોઈ પ્રોબ્લેમ થતો નથી, પરંતુ ડ્રાય કે નોર્મલ સ્કિન હોય તેમણે વધુ ધ્યાન રાખવું જોઈએ. શિયાળામાં આમ પણ સ્કિન ડ્રાય થઈ જતી હોય છે અને લોકો ગરમ પાણીથી નહાય છે એમાં વધુ પ્રોબ્લેમ થાય છે. સ્કિન અને હેર બંને સારા રાખવા હોય તો હૂંફાળું પાણી બેસ્ટ છે, અતિ ગરમ પાણી નહીં. હૂંફાળા પાણીથી નહાવાનું પૂરું થાય ત્યારે એ ધ્યાન રાખો કે છેલ્લે નહાવાનું પૂરું થાય એ પછી શરીર પર થોડું ઠંડું પાણી નાખવું જરૃરી છે. મોટા ભાગના લોકોને એ જાણકારી નથી કે હૂંફાળા પાણીથી છિદ્રો ખૂલી જાય છે એ પછી તેને બંધ કરવાનું કામ આપણે જ કરવું પડે છે. જો આમ કરવામાં ન આવે તો તેમાં કચરો ભરાઈ જાય છે, જે વધુ નુકસાન કરે છે. આ માટે છેલ્લે થોડું ઠંડું પાણી વાપરીને શરીરને ઠંડું કરવામાં આવે છે.
* સામાન્ય રીતે વાળને કલર કરો તો હેરવોશ કર્યા બાદ તેને કન્ડિશનર કરવું તેમજ હેર સીરમનો ઉપયોગ પણ કરવો, જેથી વાળ ખરાબ થાય નહીં અને વાળ પર કરવામાં આવેલો કલર લાંબા સમય સુધી ટકી રહે. હંમેશાં માઈલ્ડ શેમ્પૂનો જ ઉપયોગ કરવો અને પાણીથી સારા પ્રમાણમાં ધોવા. વાળને અઠવાડિયામાં ત્રણથી ચાર વાર જ ધોવાનું રાખો. રેગ્યુલર હેર ઓઈલ કરો. તડકામાં નીકળવાનું થાય ત્યારે વાળને દુપટ્ટાથી કવર કરી લો. શક્ય તેટલો હેર ડ્રાયરનો ઉપયોગ કરવાનું ટાળવું.
* રાતના સૂતી વખતે હોઠ પર શુદ્ધ ઘી લગાડવાથી ત્વચા મુલાયમ થાય છે.
* વય વધતાં ત્વચાની કાળજી લેવી જરૂરી છે. તમારે ફેશિયલ ન જ કરાવવું હોય તો તમારી ત્વચાના પ્રકાર પ્રમાણે તમે ઘરગથ્થુ ફેસપેક લગાડી શકો છો. વરાળનો શેક લેવો.
* નાકની માફક કાનના વાળ પણ દેખાવામાં ખૂબ જ અજીબ લાગે છે. તેથી જો તમે પણ આનાથી પીછો છોડાવવાની રીત શોધી રહ્યા છો, તો આ માટે કાતરની મદદ લો. બસ કાતરથી તેને કાપો અને મેળવો છૂટકારો. તમે ઇચ્છો તો આ માટે પણ હેર રિમૂવલ ક્રિમનો ઉપયોગ કરી શકો છો. પરંતુ પેચ ટેસ્ટ લેવાનું ના ભૂલો. આ સિવાય ટ્વિઝરથી ખેંચવાની કોશિશ ના કરો. તેમાં તમને દર્દ વધારે થશે.
* મલાઇમાં એક ચમચો સફરજનનો રસ ભેળવી ફીણી લઇ ચહેરા પર લગાડવું. ઝાંય હળવી થાય છે તથા રંગ પણ નિખરે છે.
* આઇલાઇનર લગાડતી વખતે કદી પાંપણને ખેંચવી નહીં. તેનાથી લાઇનરનો આકાર બગડી શકે છે.
* મસ્કરાના બે-ત્રણ કોટ લગાડવા. એક કોટ સુકાઇ જાય પછી જ બીજો કોટ લગાડવો. મસ્કરા બ્રશને ડિપ કરીને બ્રશ પર પાંપણ ઝપકાવવી. એનાથી પાંપણીની કિનારી પર વધારાનું મસ્કરા લાગશે અને લુક સારો આવશે.
* ફાટી ગયેલા હોઠ સાજા ન થાય ત્યાં સુધી તેની ઉપર લિપસ્ટીક ન લગાડો. ફ્લેવરવાળા લીપ બામને બદલે સાદું લીપ બામ વાપરો. બહાર જાઓ ત્યારે તમારા હોઠ પર તમને સૂટ થતી હોય તે બ્રાન્ડ અને શેડની લિપસ્ટિક લગાવો. તેનાથી તમારા હોઠ ગરમી અને પ્રદૂષણથી બચેલાં રહેશે. આલ્કોહોલ, બેનઝોઈલ પેરોક્સાઈડ, એસ્ટ્રીજન, એકને ક્રીમને હોઠથી દૂર રાખો.
* હળદર તથા જાયફળને દૂધમાં ઘસી આંખ નીચે લગાવવાથી આંખના કાળા કુંડાળાં દૂર થાય છે.
* જ્યારે તમે ફેસ પેક લગાવો તે દરમિયાન કોઇ પણ પ્રકારની વાતચીત અવોઇડ કરો અને શાંત રહો. તમારાં ચહેરામાં મૂવમેન્ટ હોવાથી તેમાં ખેંચાણ વધશે અને ફેસ પેક પર કરચલીઓ આવી જશે. આનાથી તમારાં ફેસ પેક પર યોગ્ય અસર નહીં દેખાય.
* એલોવેરાનો પલ્પ કે રસ સ્કિન પર લગાવી રાખવાથી સ્કિનને તડકા સામે રક્ષણ મળે છે.
* રૂક્ષ ત્વચાની ક્લિજિંગ કરવા આદુનો પેક લાભદાયક સાબિત થયો છે. આદુના ગરમાં એક ટેબલસ્પૂન દહીં ભેળવી ચહેરા પર ૧૫ મિનિટ સુધી લગાડી રાખીને ઠંડા પાણીથી ધોઇ નાખવું તેનાથી ત્વચા યુવાન રહે છે. ચહેરાની ખૂબસૂરતી જેમની તેમ રહે તે માટે નિયમિત મસાજ કરવો તથા ફેસ પેક લગાડવો જરૃરી છે. જેથી ત્વચામાં કસાવ આવે છે. ફેસ પેક ચહેરાની ત્વચાનો પ્રકાર જાણ્યા બાદ જ લગાડવો.
* નખની સંભાળ માટે હાથ ધોયાબાદ હંમેશા ક્રીમ અથવા મોઇશ્ચરાઇઝર લગાડવું અનેસૂતા પહેલાં નખ પર ક્યુટિકલ ક્રીમ તેમજ ક્યુટિકલ ઓઇલ લગાડવું.બેબી ઓઇલ પણ લગાડી શકાય.
* નખ વધારે પડતા ખરાબ હોય તો ખૂશબૂદાર લોશન ન સ્પર્શે તેનું ધ્યાન રાખવું. આ પ્રકારના લોશનમાં સમાયેલ આલ્કોહોલ નખને હાનિ પહોંચાડે છે. નખ વધુ પડતા સખત હોય તો એસિટોન રહિત નેઇલ પોલીશનો ઉપયોગ કરવો, કારણકે એસિટોન નખને વધુ સખત બનાવે છે. નેઇલ પોલીશ દૂર કર્યા બાદ ક્યુટૂકલ ક્રીમ અથવા ઓલિવ ઓઇલથી માલિશ કરવું.
* દિવસમાં વોટરપ્રૂફ આઇલાઇનર પેન્સિલનો ઉપયોગ સારો છે. પરંતુ એમાં બે રંગને બ્લેન્ડ કરવા નહીં. જો બે રંગનો ઉપયોગ કરવો હોય તો પાવડર આઇશેડો સારો રહેશે. આઇપેન્સિલને આઇલાઇનરની માફક લગાડવી. દિવસમાં ડાર્ક બ્લશર અને લિપર ન લગાડવું. તમે ગોરા હશો તો કોઇ પણ કલર તમને સારો લાગશે. ઘઉંવર્ણા પર લાલ, કોપર, ડાર્કપિંક, ટરક્વાઇઝ બ્લેક અને મરૃન રંગ સારો લાગે છે. ડસ્કી અથવા શ્યામ ત્વચા પર કોપર, બ્રાઉન, નેવી બ્લ્યૂ, ગ્રે રંગ સારા લાગે છે.
* ચહેરાને કિલજિંગ તથા મોઈશ્ચરાઈઝર કર્યા બાદ ૧૫ દિવસમાં એક વખત ફેશિયલ કરવું આવશ્યક છે. ફેશિયલ કરતી વખતે માલિશ કરવાથી ચહેરાની માંસપેશીઓ મજબૂત બને છે. પરિણામે ત્વચા લચી પડતી નથી. ઉપરાંત ફેશિયલ કરતી વખતે સ્ટિમ લેવાથી ચહેરાના રોમછિદ્રો ખુલી જાય છે. સાબુ, અને કિલજિંગ મિલ્કથી જે સ્વચ્છતા અધૂરી રહી જાય છે તે ફેશિયલ દ્વારા દૂર થાય છે અને ચહેરાની રોનક, લાવણ્ય વધી જતાં તાજગી અનુભવાય છે. ફેશિયલ કરવાની રીત દરેક મોસમમાં એકસરખી હોય છે. પરંતુ તેમાં વપરાતાં ક્રીમ તથા ફેસ-પેકમાં ફરક હોય છે. શિયાળામાં માલિશ કરતી વખતે કોલ્ડ ક્રીમનો ઉપયોગ કરવો. ફેસપેક બનાવતી વખતે એક બાબતનું વિશેષ ધ્યાન રાખવું કે તે ત્વચાની ભેજ અને ચિકાશ જાળવી શકે તેવું હોવું જરૃરી છે.
* ચહેરા પરના કાળા ડાઘ દૂર કરવા લીંબુના રસમાં ગુલાબજળ મિક્સ કરી ડાઘ પર ઘસો.
* નહાઈને નીકળો ત્યારે તરત હાથ પર અને શરીર પર મોઇશ્ચરાઇઝર લગાવો. જો સ્કિન વધુ ડ્રાય થઈ ગઈ હોય તો નહાવા જાવ તે પહેલાં મોઇશ્ચરાઇઝરથી બોડી મસાજ કરો. તમારી પારો આટલો સમય ન હોય તો તમે નાહ્યા બાદ એક મિનિટ સુધી લાઈટ મસાજ ઓઈલ લગાવી મસાજ કરો. ત્યારબાદ થોડું ક્રીમ અથવા લોશન લગાવી રગડો, જેથી તેલ અને મોઇશ્ચરાઇઝર સીલ થઈ જાય અને સ્કીન મુલાયમ થઈ જાય.
* ચહેરા પરની કરચલી દૂર કરવા કાળા તલ અડધો ચમચો,તેના પા ભાગની હળદર લઇ ગરમ દૂધમાં વાટી લેપ જેવું કરી ચહેરા પર ૩૦ મિનિટ લગાડવું.
* લીમડાવાળા પાણીમાં લીંબુના રસના થોડા ટીપાં નાખો. આ મિશ્રણને ચહેરા પર લગાવો. વીસ મિનિટ પછી ચહેરાને પાણીથી ધોઇ લો. આ ઉપાયથી ત્વચાનું તેલ ઘટીને ત્વચા દોષમુક્ત બને છે.
* મોટો ચાંદલો તમે જ્યારે લગાવતા હોવ ત્યારે તમારી આઈબ્રોને તમારે થોડી ડાર્ક કરવી પડશે, જેથી તમારા ચહેરાને એક અલગ લુક મળશે.
* રૂક્ષ ત્વચાની ક્લિજિંગ કરવા આદુનો પેક લાભદાયક સાબિત થયો છે. આદુના ગરમાં એક ટેબલસ્પૂન દહીં ભેળવી ચહેરા પર ૧૫ મિનિટ સુધી લગાડી રાખીને ઠંડા પાણીથી ધોઇ નાખવું તેનાથી ત્વચા યુવાન રહે છે.
* ચહેરાની ખૂબસૂરતી જેમની તેમ રહે તે માટે નિયમિત મસાજ કરવો તથા ફેસ પેક લગાડવો જરૂરી છે. જેથી ત્વચામાં કસાવ આવે છે. ફેસ પેક ચહેરાની ત્વચાનો પ્રકાર જાણ્યા બાદ જ લગાડવો.
* લિપસ્ટિક અને ગ્લોસ બે વરસથી જુના વાપરવા નહીં. તેમજ લિપ લાઈનર પણ બે થી અઢી વરસ સુધી જ ઉપયોગમાં લેવા.
* એક ચમચો તાજા દહીમાં એક ચમચો સંતરાની છાલનો પાવડર ભેળવવો. ચહેરા પર લગાડવો અને સુકાઇ જાય પછી ધોઇ નાખવું. સંતરાની છાલ અને દહીં બન્નેમાં વાન નિખારવાના ગણ સમાયેલા છે તેમજ ત્વચાને મોઇશ્ચરાઇઝ પણ કરે છે.
* જો તમારાં ચહેરા પર ડાઘ છે, તો કન્સિલર સ્ટીક અથવા ક્રેઓનથી તેને યોગ્ય રીતે છૂપાવો. જો તમે મેકઅપ કરવાનું નવું નવું જ શરૂ કર્યુ છે, તો કન્સિલર સ્ટિક સારો ઓપ્શન છે. તે માટે બસ કન્સિલર ચહેરા પર લગાવો અને આંગળીની મદદથી યોગ્ય રીતે લગાવી દો.
* મૅકઅપ કરી લીધા બાદ પાણીથી બરાબર સાફ કરીને સૂકું કરીને સ્પોન્જને મૂકવાથી તેની શેલ્ફ લાઇફ લાંબી રહે છે. માર્કેટમાં સ્પોન્જને સાફ કરવા માટે વિવિધ લિક્વિડ પણ મળે છે. જોકે, તમે માઈલ્ડ શેમ્પૂ અથવા સાબુનો ઉપયોગ કરીને સ્પોન્જને સાફ કરી શકો છો. સ્પોન્જ એકદમ નાજુક હોય છે, તેથી તેની કાળજી રાખવી જરૂરી છે.
* ચહેરા પરના વાળ દૂર કરવા માટે ઈંડાંની જરદીમાં ખાંડ અને મકાઈનો લોટ ઉમેરી મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને ચહેરા પર લગાવી દસ મિનિટ સુધી મસાજ કરો. મસાજ કર્યા પછી થોડીવાર સૂકાવા દો અને ત્યાર બાદ હૂંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો. અઠવાડિયામાં બેથી ત્રણવાર નિયમિત રીતે આ પ્રયોગ કરવાથી ચહેરા પરના વણજોઈતા વાળ દૂર થવા લાગશે.