Pratiksha - 24 in Gujarati Fiction Stories by Darshita Jani books and stories PDF | પ્રતિક્ષા- ૨૪

Featured Books
Categories
Share

પ્રતિક્ષા- ૨૪

“માસી એક કામ હતું થોડું...”
“હં બોલને...”
“મારી ફ્રેન્ડ છે, મારી સાથે મુંબઈથી જ આવી છે. પણ મારે એક અરજન્ટ કામ છે તો પાછુ જવું પડે એમ છે. સો ૨ દિવસ એ અહિયાં રહી શકે. અમદાવાદમાં એ કોઈને નથી ઓળખતી એટલે...” રચિતે સીધી જ વાત કરી
“અરે પૂછવાનું હોય કંઈ, ચોક્કસ રહી શકે.” મનસ્વીએ પણ વધુ વિચાર્યા વિના હા કહી દીધી 
“હેલ્લો...” દરવાજેથી અંદર એન્ટર થતા ઉર્વા સ્મિત સાથે બોલી.
મનસ્વી અને ઉર્વાની આંખો અથડાઈ ને મનસ્વી જોઈ જ રહી ઉર્વાને. વિખરાયેલા ખુલ્લા વાળ, ચેહરા પર થોડો એવો થાક, ઉજાગરા વાળી આંખો, સાવ સાદા જીન્સ અને ટોપમાં હોવા છતાં નિખરતું વ્યક્તિત્વ અને મોહક સ્મિત.
“આવ બેસ બેસ બેટા” મનસ્વીએ સોફા પરથી ખસીને ઉર્વાના બેસવા માટે જગ્યા કરતા કહ્યું. ઉર્વા સહેજ સંકોચાતી ત્યાં મનસ્વીની બાજુમાં ગોઠવાઈ તો ગઈ પણ તેને બહુ જ અજીબ લાગી રહ્યું હતું આ બધું. રેવાની ફ્રેન્ડસના ઘરે ઉર્વા જતી આવતી પણ ક્યારેય પોતાના ઘર સિવાય કોઈના ઘરે આમ રોકાવાનું થયું નહોતું તેને એટલે તેને બહુ વધારે જ વિચિત્ર ફીલિંગ આવી રહી હતી.
“પાણી લઇ આવું હું...” કહી મનસ્વી સોફા પરથી ઉભી જ થવા જતી હતી કે રચિતે તેને રોકી દીધી
“માસી, પાણી વાણી કંઇજ નહી જોઈએ. હું આમ પણ નીકળું જ છું હમણાં, જસ્ટ બેસોને”
“તું અત્યારે જ નીકળી જઈશ?” મનસ્વીને આશ્ચર્ય થયું
“હા, નીકળવું જ પડશે.” રચિતે કહી તો દીધું પણ આગળ બહાનું શું આપવું તે સમજાતું નહોતું એટલે વધુ ચોખવટ કર્યા વિના જ બંધ બાજી ચાલવા દીધી
“અત્યારે હમણાં થોડીવારમાં ટ્રેઈન છે, હું નીકળું જ છું, કાળુંપુર પહોંચવાનું છે.” રચિતે જવાની તૈયારી બતાવી અને ઉર્વા તરફ ઈશારો કર્યો
“હું જરા રચિતને બહાર મૂકી આવું...” ઉર્વા તરત જ ઈશારો સમજી ગઈ.
“ચાલો માસી, હું નીકળું, ઉર્વા અહીં રહેશે અને મારી કાર પણ અહીં જ છે. હું ૨ દિવસમાં આવી જઈશ.” રચિત મનસ્વીને પગે લાગતા બોલ્યો
“ભલે ભલે જરાય ચિંતા ના કરતો.” મનસ્વીએ કહ્યું અને રચિત આવજો કહી તરત બહાર નીકળી ગયો.
***
કારની પાસે જ ઉભી ઉભી ઉર્વા અકળાઈ રહી હતી તેને કહેવું હતું રચિતને કે અત્યારે અહિયાં નથી રહેવું, બહુ મુંઝારો થાય છે અહિયાં પણ રચિત કારની બેક સીટમાં કંઇક શોધવામાં જ પડ્યો હતો
“રચિત...” ઉર્વાએ ધીમેથી ખીજમાં કહ્યું
“અરે ૨ મિનીટ” રચિતે કારની અંદર કંઇક શોધતા શોધતા જ જવાબ આપ્યો. ઉર્વા ત્યાં જ બન્ને હાથની અદબ વાળી પગ હલાવતી ઉભી રહી. અકળામણમાં જ તેને તે જોઈ રહી હતી કે એક બોક્સ સાથે રચિત તેની તરફ ફર્યો.
“તમે તો ફોન ઘરે જ મુકીને આવી ગયા છો. તો ન્યુ ફોન છે, નવું સીમ કાર્ડ ઇન્સર્ટ કરી દીધું છે.” રચિત તેની સામે બોક્સ ધરતા બોલ્યો
“તને કોણે કીધું ફોન લેવાનું? રચિત આવી બધી શું જરૂર હોય તારે? આટલો બધો ખર્ચો કરાતો હશે?” ઉર્વા ફોન જોઈ એકીશ્વાસે રચિત પર વરસી પડી
“અરે અરે ખમૈયા કરો માતાજી... ફોન વગર તને કોન્ટેક્ટ કેમ કરત હું? થોડીને કંઈ વારે વારે હું માસીને ફોન કરું?” રચિત શાંતિથી સમજાવી રહ્યો
“પણ રચિત તારે ખર્ચો કરવાની શું જરૂર હતી? ખાલી ખોટું...” ઉર્વા હજુ ગુસ્સામાં હતી પણ રચિતે તેને ત્યાંજ બોલતા અટકાવી દીધી
“ઓ માતાજી...! જરાય ગેરસમજણ ના કરતા ખોટી, ફોન લાવ્યો છું હું પણ પેમેન્ટ તો તમારે જ આપવાનું છે. ૧૬૦૦૦ ગુગલ પે કરી દેજો પ્રેમથી.” રચિત જોઈ રહ્યો કે ઉર્વા ભોંઠપ અનુભવી રહી છે એટલે ફરી મસ્તીના સૂરમાં ઉમેર્યું, “હા એપ ઇન્સ્ટોલ કરવી પડશે હો”
“રચિત...” ઉર્વાનો ગુસ્સો તરત જ હાસ્યમાં ફરી ગયો. રચિત ધીરે રહીને તેની લગોલગ આવ્યો અને ઉર્વાની આંખોમાં સ્થિર જોઈ રહ્યો
“હું આવી જઈશ બે દિવસમાં ઓકે?” રચિતે તેની ચિબુક ઉંચી કરી
ઉર્વાને ઘણું બધું કહી દેવાની ઈચ્છા થઇ આવી. રચિતને રોકી લેવાનો વિચાર પણ તેને આવી ગયો પણ બધું જ ઇગ્નોર કરી તેણે ધીમેથી ડોકું હલાવી સંમતિ આપી દીધી અને રચિત તેનું કપાળ ચૂમી રહ્યો.
“ધ્યાન રાખજે, અને કંઈ પણ હોય. ફોન કરી દે જે હો” રચિતે કહ્યું અને બીજી જ મિનિટે નીકળી પડ્યો મુંબઈ જવા.
***
ચાવીથી તાળું ખોલી ઉંબરે ઉભા ઉભા જ ઉર્વિલ ફ્લેટનું નિરીક્ષણ કરી રહ્યો. અંદર જતા વેંત જ વ્હાઈટ અને બ્રાઉન કોમ્બીનેશનના હિંડોળા, સોફા અને નાની મોટી બિન બેગ્સથી સુસજ્જિત મોટો હોલ આવતો જેની ડાબી તરફ ઉપર જવાના પગથિયા દેખાઈ રહ્યા હતા. પગથિયાની પેલી તરફ હોલ પૂરો થતા ૩ બંધ દરવાજા દેખાઈ રહ્યા હતા જે બેડરૂમ હશે તેવું અનુમાન ઉર્વિલે કરી લીધું. બહારથી જ ડોકિયું કરી તેણે બધું જોઈ તો લીધું પણ રેવાના ફ્લેટમાં પગ મુકતા તેને હજુ કંઇક રોકી રહ્યું હતું. તે શ્યોર નહોતો થઇ શકતો કે અંદર જાય કે નહી.
તેણે ધીમે રહીને એક પગ ઘરની અંદર લીધો અને ઊંડો શ્વાસ લઇ બીજો પગ ઘરની અંદર લઇ આવ્યો. આ ફ્લેટમાં તે પહેલી જ વાર આવી રહ્યો હતો પણ છતાંય તે સતત પોતાના મસ્તિષ્ક પર ભાર અનુભવી રહ્યો હતો. તેણે તરત જ એક નજર દીવાલ તરફ કરી અને તે જોઈ શક્યો કે ત્યાં પણ રેવાના ફ્લેટની જેમ અલગ અલગ ફોટોગ્રાફ્સ સજાવેલા હતા. તે સીધો જ તે દીવાલ પાસે આવી ગયો અને ધીમેથી ઉર્વાના નાનપણનો એક ફોટો દીવાલ પરથી ઉતારી લીધો અને બિન બેગ પર બેસી ગયો.
તે પોતે જ નહોતો સમજી શકતો કે તે ખરેખર શું અનુભવે છે... બધી જ લાગણીઓનો સમન્વય થઇ રહ્યો હતો તેની અંદર. તે વિચારી રહ્યો થોડીવાર સુધી બધુંજ. તે કોશિશ કરી રહ્યો સમજવાની પોતાની લાગણીઓને પણ તે વધુ ને વધુ ગૂંચવાતો રહ્યો.
થાકીને તેણે ફોન કાઢ્યો અને એક નંબર ડાયલ કર્યો
“ક્યાં છે?”
“બહાર છું, બોલ શું હતું?”
“એક એડ્રેસ મોકલું છું, તારી કીટ, એક બોટલ અને કંઇક નાસ્તો લઈને આવીજા. અને ઘરે કહી દે જે અહિયાં જ રોકવાનો છે.” ઉર્વિલ વધુ વિચાર્યા વિના જ બોલી ગયો
“શું બોલે છે? ક્યાં આવવાનું છે? શું થયું છે?”
“યાર, કીધું એટલું કરને, પહોંચ જલ્દી” આટલું કહી ઉર્વિલે ફોન કાપી નાંખ્યો અને તરત વોટ્સએપ પર લોકેશન મોકલી ફોટોને છાતીએ વળગાડી બિન બેગ પર પથરાઈ ગયો.
***
ચા ના ઘૂંટ ભરતા ભરતા રઘુ સામેના ટેબલ પર જમી રહેલા પોતાના ત્રણેય છોકરાઓને જોઈ રહ્યો હતો. કેશુ અને ગુડ્ડુ સાથે બોલાચાલી થઇ ત્યારથી અત્યાર સુધી રઘુએ કોઇપણ સાથે વાત નહોતી કરી. અને તે છોકરાઓ માંથી કોઈએ પણ રઘુને વતાવ્યો નહોતો. પેટ્રોલ તો ગાડીમાં ખતમ થઇ જ ચુક્યું હતું અને એ સુમસાન રસ્તા પર કોઈ જ વાહનની અવર જવર નહોતી એટલે રઘુએ જ ઉબર ઓટો મંગાવી અને પોતે પેટ્રોલ લઇ આવ્યો હતો.
રઘુ હજુ સમય આપવા માંગતો હતો કેશુ અને ગુડ્ડુને. તે ઠરવા દેવા માંગતો હતો તેમનો ગુસ્સો અને એટલે જ તે જાણીજોઈને તે બધાથી અલગ બેઠો હતો. તે થોડા નાસમજ હતા, દોઢ  ડાહ્ય હતા પણ રઘુના સૌથી વિશ્વાસુ માણસો માંથી એક હતા.
તે વિચારી જ રહ્યો હતો આ બધું કે તેનો ફોન રણક્યો. અજાણ્યા નમ્બર જોઈ તેને પણ આશ્ચર્ય થયું.
“હેલ્લો...” થોડા મનોમંથન પછી તેણે ફોન ઉપાડી જ લીધો
“રઘુભાઈ વાત થઇ શકે?” સામેથી અવાજ આવ્યો
“હા બોલો” રઘુને નવાઈ લાગી
“મળવા માંગુ છું તમને... તમને એકલા ને જ...”
“શું કામ છે? કોણ બોલે છે?” રઘુને કંઇજ સમજણ નહોતી પડી રહી
“ઉર્વા રેવા દીક્ષિત...”
***
(ક્રમશઃ)