FAAGAN NO FORAM AAYO in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | ફાગણ નો ફોરમ આયો...!

Featured Books
Categories
Share

ફાગણ નો ફોરમ આયો...!

ફાગણનો ફોરમ આયો....!

પુત્ર પ્રાપ્તિ માટે આમ તો રાંદલ તેડવાનો રીવાજ. પણ પુત્ર પ્રાપ્ત થાય, મોટો થાય પછી એવી ફાંફ ચઢાવે કે, રાંદલમાને પાછાં તેડવાનું મન થાય, કે લો મા આ આપનો એવોર્ડ રીટર્ન...! એવી ખીજ ચઢે કે હોળી વખતે હોલિકાબેન મળે તો એના ખોળે જ બેસાડી દઉં..! જો કે, એવું તો કોઈ નરાધમ પણ નહિ કરે, પણ આ તો એક ત્રાસ-વાત. માણસ કેટલું સહન કરે યાર..? રાંદલમાને પણ પૂછવાનું મન થાય કે, આવાં ધાંધલિયાને મોકલવા માટે આપને મારું જ સરનામું મળ્યું કે..? ઉપાડ વગરનો ‘વધેલો-ઘટેલો’ સ્ટોક મારે ત્યાં જ ઠાલવ્યો ને ..? હરામ બરાબર જો સખણા બેસતા હોય તો..! હોળી આવી તો ગેસના ચૂલ્હા ઉપર હોળી સળગાવવાના થાય. ને માંડ સૂતા હોય, ત્યાં કાનમાં પિચકારી નાંખીને કહે, ‘ ગુસ્સા મત કરના બાપુજી, હોલી હૈ...! સાલી સમજ નહિ પડે કે, કોંગ્રસની વિચારધારાનો ફાલ છે કે ભાજપાનો..? તારાં કપાળમાં કાંદા ફોડું..!

એવાં કાયર પાડે કે, હોળી આવે તે પહેલાં મહોલ્લામાં ઓટલે રાખેલા લોકોના બાંકડા, ટેબલ ને ખુરશા પણ નથી રહેવા દેતાં. બબાલ થાય તો કહે ‘હોળી માતાની જય હો...! ‘ મહોલ્લાવાળાને પણ કેટલાંક સમજાવીએ કે, ‘ભાઈ, છોરું કછોરું તો થાય, પણ પાડોશીથી પાકિસ્તાની નહિ થવાય. નહકનો શું કામ ઝઘડો કરો છો..? એટલું જ નહિ, વિરાટ કોહલીના બાપ હોય તેમ, મહોલ્લામાં કોઈના પણ બારી બારણાના કાચ સખણા નથી રહેવા દીધાં. કેટલાંકે તો કંટાળીને ઘર વેચવા કાઢ્યા છે બોલ્લો...! એમાં રામ જાણે ધોતિયાવાળા સાથે કયા જનમનું વેર તે, ધોતિયાંવાળાને તો જોયાં નથી, ને તેનું ધોતિયું ખેંચાયું નથી..! . સાલા દુર્યોધનના અવતાર જેવાં...! ઘોર ધમાલિયા..!!

મને તો લાગે, આ બધી પેલા વિકાસના ભાષણોની જ અસર છે. જુઓ ને.. ભાજપા સતા ઉપર આવ્યું તે પહેલાં, તો ચમનીયાના ઘરમાં સ્મશાનવત શાંતિ હતી. એની પાસે દીકરાની એકેય સિલ્લક ન હતી. “વિકાસ-વિકાસ” ની એવી બુમ પડી કે, એક રાતે ચમનીયો એક સાથે બબ્બે દીકરાનો આસામી બની ગયો. જાણે એક ઉપર એક ફ્રી..! ઉપરવાળાને ત્યાં પણ સેલ નીકળેલું કે શું, તે જોડકાં બાળક આવ્યાં. આવ્યા ત્યારે તો ચીંચયારી પાડ્યા વગર આવેલા, હવે પોકે પોકે આપણને રડાવે. આખા ગામમાં ‘ચમનીયાને ઘેર લવ-કુશ ભયો’ નો હરખ-હરખ ઉભ્રરાયેલો. એની ફોઈ આમ તો સુર્પણખાંને પણ ભુલાવે તેવી, છતાં જોવાની ખૂબી એ કે, એમણે બંનેનું નામ ‘લવ-કુશ’ પાડ્યું. ગઠબંધનવાળી જે ‘ફોર્મ્યુલા’ ચૂંટણીમાં આવી, એની શરૂઆત આ જોડકાંના જનમથી જ થયેલી લાગે. પણ ‘લવ-કુશ’ નામ સરકારી ચોપડાથી આગળ ચાલ્યાં નહિ. લોકો એને ‘ધાંધલ અને ધમાલ’ થી જ ઓળખે. ‘લવ-કુશ’ ના કાન પણ એવાં ટેવાઈ ગયેલાં કે, ‘ધાંધલ કે ધમાલ કહે તો જ એ સાંભળે. છોડો...! ‘વ્હોટ ઈઝ ધેર ઇન અ નેઈમ..?’ તુકારામ, દયારામ, કે જલારામના અવતાર થોડાં છે કે, નામ તેવાં ગુણ આવવાના..? આ તો સાલા વાલી સુગ્રીવ ને જાંબુવન જેવાં..!

હોળી ને ધુળેટી આવે એટલે શું બંનેને મસ્તી ચઢે..? ચમનીયાને તો આગલા દિવસથી જ ફાળ પડવા માંડે, કે આવતીકાલના છાપાની હેડલાઈનમાં આપણાવાળાના ફોટા ને સમાચાર નહિ આવે તો સારું. નેતાઓ તો પોતાની જાત સાચવવા જ કમાન્ડો રાખે, પણ હોળી આવે એટલે મહોલ્લા વાળા પોતાની દુકાન ને ઘર સાચવવા કમાન્ડો મૂકે. રખેને અમારા ફર્નીચર કે દુકાનની જાહેરાતના પાટિયાં હોળીમાં સ્વાહા નહિ થઇ જાય...! મારા બેટા કમાન્ડોને પણ પોતાની મદદ માં લઇ લે એવાં. આ બંનેનું કામ, આખું વર્ષ જ હોળી સળગાવવાનું. એક ઠરે નહિ ત્યાં બીજી તો પ્રગટતી જ હોય..! એમાં ધુળેટીના દિવસે તો એવાં રંગાયને આવે કે, પોતાનો જ દાગીનો પોતાનાથી નહિ ઓળખાય. બધાંને નવડાવીને પરવારે ત્યારે ખબર પડે કે, મેં ટ બીજાના જ નવડાવ્યા. મારાવાળા ટ હજી ધૂળેટી રમીને આવ્યા જ નથી...!

ભલે લોકોના ઘરમાં કાશી હોય કે મથુરા હોય, પણ ચમનીયાના ‘હાઉસ’ માં આજે પણ બારેય માસની હોળી ને ધૂળેટી હોય ..! ચમનીયાને ઘરમાં જ હોળી ને ધૂળેટી. બહાર હોળી પ્રગટાવવા,જવાની જરૂર જ નહી. માની લઇએ કે, બાળક ભગવાનનું સ્વરૂપ કહેવાય. પણ તેની હદ હોય મામૂ...! કેટલુંક સહન કરે યાર..? ક્યારેક તો ચમનીયાને એમ થાય કે, આવાં હરતાં-ફરતાં ને ધમાલિયા ભગવાન કરતાં તો, મંદિરમાં ઠરેલા ભગવાન સારાં. પણ પોતાનું લોહી રહ્યું, એટલે એમ પણ થાય કે, જેવાં છે તેવાં..! વિજય માલ્યાની માફક બેંકનું ફૂલેકું તો નથી ફેરવતાં ને..? વિજય માલ્યો એવી હોળી સળગાવી ગયો કે, હજી ઠરી નથી. બેન્કવાળાની ઊંઘ ઉડાડી દીધી, ને એ માલ્યું...લંડનમાં રંગીન પાણીથી ધૂળેટી ખેલે..! “હોલી ખેલે વિજય માલ્યા લંડનમેં, હોલી ખેલે વિજય માલ્યા...! “ ( આ કોણ બોલ્યું યાર.? શાંતિથી જીવવા દો ને..? )

ચમનિયાના છોકરાઓ જોઇને તો, આપણું પણ બ્લડ પ્રેસર વેરણ-છેરણ થઇ જાય. સમજાતું નથી કે આજ-કાલના છોકરાઓ જન્મે છે કે, પ્રગટ થાય છે..? પૌરાણિક કથાઓમાં એવું આવતું કે, જે કોઈ તપ કરે, એને દેવતા વરદાન આપતાં. પછી એ સાક્ષર હોય કે રાક્ષસ હોય..! આ પ્રથા કયા સમ્રાટના શાસનથી બંધ થઇ કે એને કોઈ બીજી યોજાનામાં મર્જ કરી એનો કોઈ પુરાવો મારી પાસે નથી. એટલી જ ખબર કે, દેવતાઓ વરદાન આપતાં, ને વરદાન આપવામાં કસર પણ નહિ છોડતાં. તપસ્વી આગળ, દેવો એવાં પલળી જતાં કે, ‘ ગરીબ કલ્યાણ ‘ મેળાની માફક જે માંગે તે આપી દેતાં. નસકોરાં રોકવાની જેમણે પણ મજુરી કરી હોય, એને ‘વરદાન’ ની ખેરાત થઇ જતી. એમના સમયમાં વિરોધપક્ષ જેવું કંઈ હશે કે નહિ...? પ્લાનીગ કમીશન જેવું કે બજેટ જેવું કંઈ બહાર પડતું ના હોય..? ન કરે રઘુપતિ, પણ એક દેવતાએ બીજા દેવતા પાસે વરદાનના મામલે તપ કર્યાનો પુરાવો માંગ્યો, તો એ લોકો મૂંઝાતા નહિ હોય..? દેવોનો મામલો રહ્યો, એટલે ભ્રષ્ટાચારની શંકા તો નહિ કરાય, બાકી તપના બદલામાં વરદાન આપવું, એ એક જાતની લાંચ તો કહેવાય જ. શું કહો છો દાદૂ...?

આમ તો દેવતાઓ પાસેથી છૂટા પડ્યાં પછી, આપણો ચા-પાણીનો પણ સંબંધ નથી. પણ આતો એક વાત કે, રાવણ જેવાં રાક્ષસને જુઓ, આ હોળીનું જેણે શિલાન્યાસ કર્યું છે, એ દાનવોનો રાજા હિરણ્યકશ્યપને જુઓ. આ બધાએ તપ કરી-કરીને જ કેવી ધાપ મારેલી..? હિરણ્યકશ્યપને તો ખુદ બ્રહ્માજીએ વરદાન આપેલું કે, ' તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી એનું મૃત્યુ નહિ થાય..! વરદાન મેળવીને એ તો અમર જેવો જ બની ગયેલો. સ્વર્ગ અને પૃથ્વિ પર એવો હાહાકાર મચાવી દીધેલો કે, ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવી, પોતાની જ પૂજા કરાવવાનું ચાલુ કરેલું...! એના કપાળમાં કાંદા ફોડું, આપણે તો માત્ર દેહદાન-ચક્ષુદાન-રક્તદાન-ભૂમિદાન-કન્યાદાન-ને સાવધાનના જ પાટિયાં વાંચવાના.વરદાનની તો આખી યોજના જ ગાયબ ગઈ ગઈ.

કહેવાય છે કે, ‘જેને કોઈ નહિ પહોંચે એને પોતાનું પેટ પહોંચે’ એમ, હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ જ ભગવાન વિષ્ણુનો ભક્ત નીકળ્યો લે..! જ્યારે અહંકાર આવે ત્યારે પોતાના લોહીને પણ નહિ છોડે, એમ પ્રહલાદને મારવાનાં ઉદેશથી હિરણ્યકશ્યપે, બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી, અગ્નિપરિક્ષા આપવાનો હિરણ્યકશ્યપે આદેશ આપ્યો. આ બાજુ હોલિકા, પાસે એવી ઓઢણી કે, એ ઓઢણી જે કોઈ ઓઢે એને અગ્નિ પણ બાળી ના શકે. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું. ને હોલિકા સાથે અગ્નિમાં બેસી ગયો. ને ભગવાન વિષ્ણુનું સ્મરણ ચાલુ કર્યું. થયું એવું કે, જેવો અગ્નિ પ્રગટાવવામાં આવ્યો, એટલે ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડીને, પ્રહલાદને વિંટળાઇ વળી. એમાં હોલિકા અગ્નિમાં બળીને ખાક થઇ ગઈ, ને ભક્ત પ્રહલાદને ઉની આંચ પણ નહિ આવી. બસ...આપણને હોળી મી એનું આટલું કારણ છે. જો કે તમે આ બધું જાણતા જ છો. આતો ધાંધલ-ધમાલની વાત નીકળી એટલે યાદ આવ્યું, ને કહી નાંખ્યું. પછી તો ભગવાન . વિષ્ણુ દ્વારા હિરણ્યકશ્યપનો વધ કેવી રીતે થયેલો એની પણ તમને ખબર છે. આ તો જેને પાપડ ભાંગવા માટે ભાડે મજુર કરવો પડે એવાં કોઈ હોય, એના માટે આ કથા કરવી પડી દાદૂ..! બાકી પેલી દેવતાવાળી વરદાનની પ્રક્રિયા તો બંધ થઇ જ નથી. ફેર એટલો કે, હવે તો બાળક જન્મે ત્યારે વરદાનનું પેકેજ સાથે લઈને જ જન્મે..! જે મોબાઈલમાં આપણી ચાંચ નહિ ડૂબે, એ બાળક રોજ અમસ્તો મોબાઈલને મચેડતો હશે..? પણ આપણે એને તોફાનીમાં ગણી કાઢીએ. બાકી એ જ આપણી સાચી દિવાળી, હોળી ને ધૂળેટી છે...!