જીવન માં ક્યારેય મળ્યા ન હોય એવા બે વ્યક્તિ વચ્ચે પ્રેમ નું અંકુર ફૂટી શકે ? વાત જરા વિચિત્ર લાગે પણ હા, એ શક્ય છે જો બે વ્યક્તિ ના વિચારો માં સમાનતા હોય તો !
આ શક્ય બન્યું છે ક્રિશ અને ગોપી ના જીવન માં ! ચાલો આપણે એમની વાર્તા ને સમજીએ ...
ક્રિશ મહેતા એક ખૂબ જ પ્રતિભાશાળી પરંતુ અતિશય લાગણીશીલ વ્યક્તિત્વ ! એ સુરતની એક શાળામાં ગુજરાતીના શિક્ષક તરીકે નવી નવી નોકરી માં જોડાયેલ હતો.એ દેખાવે સોહામણો હતો અને સ્વભાવનો પણ ખૂબ સારો હતો.એને નાનપણથી જ ગુજરાતી સાહિત્ય પ્રત્યે ખૂબ જ લગાવ હતો . એને નવું નવું જાણવું ખૂબ જ ગમતું.એ ઘણી વાર પોતાના વિચારો ને ડાયરી માં ટપકાવી લેતો.એક વખતે શાળાના વિદ્યાર્થીઓની સાથે એ વકૃત્વ સ્પર્ધા માં ભાગ લેવા ગયો હતો.એના વિચારો સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકો અવાક્ થઈ ગયા.ત્યા શહેરના એક પ્રતિષ્ઠિત વર્તમાન પત્ર ના તંત્રી આવ્યા હતા.એમણે તરત જ ક્રિશ ને પોતાના વર્તમાન પત્ર ની રવિવારીય પૂર્તિમાં એક કોલમ લખવાનું નિમંત્રણ આપ્યું.
ક્રિશ હવેથી રોજ નિયમિત રીતે લખવા લાગ્યો.
એણે એક નવી નવલકથા લખવાનું શરૂ કર્યું.એનુ નામ રાખ્યું "સ્વપ્નસૃષ્ટિ". ધીમે ધીમે આ વાર્તા વાચકો પર પકડ જમાવી રહી હતી.
ક્રિશ ને એના વાચકો તરફથી વિવિધ પ્રકારના પ્રતિભાવો રૂબરૂમાં, પત્ર દ્વારા, ઈમેલ દ્વારા અને મેસેજ દ્વારા મળતા રહેતા.ક્રિશ દરરોજ રાત્રે બધાને યોગ્ય જવાબ આપવા ની કોશિશ કરતો.
છેલ્લા કેટલાક દિવસોથી એક પત્રનુ ક્રિશ ને વ્યસન થઈ ગયું હતુ એ હતો ગોપી નો પત્ર..... ગોપી ના અક્ષરો ઊડીને આંખે વળગે એવા સુંદર અને મરોડદાર હતા જ પરંતુ એનુ લખાણ પણ પ્રભાવિત કરે એવું હતું.
....ગોપી વૈષ્ણવ .....એ નાજુક નમણી પણ રંગે થોડી શ્યામ હતી.એ શેરબજારમાં નોકરી કરતી હતી.એને નાનપણથી જ ગુજરાતી કવિતા લખવાનો શોખ હતો.એ આસપાસ ની ઘટનાઓ, નિતનવા પ્રસંગો, મનમાં ચાલતા વિચારો ને એક કવિતા માં પરોવી ને એની ડાયરીમાં ટપકાવી લેતી.એ સ્વભાવે થોડી જીદ્દી અને આખાબોલી હતી. એ કોઈને પણ અન્યાય થાય એ સહન કરી શકતી ન હતી.એ એનું સ્વજન હોય કે પછી પારકું વ્યક્તિ ! એ દર રવિવારે વર્તમાન પત્ર ની બધી જ કોલમ વાંચતી.એણે ક્રિશ મહેતા ની નવી વાર્તા વાંચી.એ ક્રિશ મહેતા ના લખાણથી ખૂબ જ પ્રભાવિત થઈ એટલે તરત જ એણે પત્ર લખવા માટે કલમ ઉપાડી લીધી.
પ્રિય લેખક ક્રિશ મહેતા
આપની નવી વાર્તા નો પહેલો ભાગ વાંચીને ખૂબ જ આનંદ ની અનુભૂતિ થઈ.તમને ખૂબ ખૂબ અભિનંદન.
તમારી લખાણ શૈલી ખૂબ જ આકર્ષક છે.આગળ પણ આવું જ લખતા રહો એવી આશા રાખું છું.બીજા ભાગની આતુરતાથી રાહ જોતી...
લિ.
ગોપી વૈષ્ણવ
***
ક્રિશ ગોપી નો પત્ર વાંચીને તરત જ એને ઉતર લખવા માટે બેસી ગયો.એણે એના મનનાં વિચારોને વ્યક્ત કરવાની કોશિશ કરી.
પ્રિય ગોપી,
મળે પ્રતિભાવ લેખકને
વાચકો થકી
એનાથી વધુ શું જોઇએ
આ લખનાર જીવ ને ?
લિ.
ક્રિશ મહેતા.
***
જ્યારે ગોપી ને આ પત્ર મળ્યો ત્યારે એ ઘણી હરખાઈ ગઈ.એને આટલી ઉતાવળ થી જવાબ મળશે એ અપેક્ષા ન હતી.હવે એણે બીજો પત્ર લખ્યો.
પ્રિય લેખક
તમારા શબ્દો વરસાવે
હેત ની હેલી....
વાંચી ને બની જાઉં
છું હું ઘેલી.....
લિ.
ગોપી.
****
હવે ક્રિશ ને પણ ગોપી નાં પત્રો વાંચતા વાંચતા મનમાં અવનવા તરંગો ઉત્પન્ન થતા હતા.... વળી વળીને એ ગોપી ના પત્રો વાંચતો , મનમાં હરખાતો અને પછી નવું નવું લખવા માટે પ્રયત્ન કરતો...
હરખમાં ને હરખમાં એણે નવો પત્ર લખ્યો
પ્રિય ગોપી,
તમારા શબ્દોથી જ ભિંજાયુ મારૂં અંતર....
હવે રહેવા ચાહું આ દુનિયામાં જ નિરંતર..
લિ.
ક્રિશ
***
ગોપી ને આ પત્ર મળતાં જ ક્રિશ ના મનની વાત એ જાણી ગઈ.હવે એને સમજાયું કે ક્રિશ પણ એની પ્રત્યે થોડી લાગણી ધરાવે છે.એ પોતાના મનની વાત લખે છે
પ્રિય ક્રિશ
હ્દય ચૂકી જાય ધબકાર ત્યારે....
તમારા શબ્દો છેડે મનનાં તાર જ્યારે....
લિ.
તમારી ગોપી
****
ક્રિશ હવે ગોપી ના દિલની વાત જાણી ચૂક્યો હોય છે....
બંને જણા એકબીજા સાથે લાગણી ના સેતુ થકી બંધાય જાય છે....
એ લખે છે
પ્રિય ગોપી
તેં શબ્દોની જાદુગરી એવી તો કરી...
મારી પાંપણે અશ્રુની ધાર સજી...
લિ.
તમારો બનવા માંગતો,
ક્રિશ.
****
આમ ને આમ દિવસો વિતતા જાય છે.... બંને જણા એકબીજા સાથે હવે ફોન પર વાત કરવા લાગે છે...
એક દિવસ ક્રિશ ગોપી ને ફોન પર જણાવે છે કે હવે તને મળવાનું ખૂબ જ જરૂરી લાગે છે...શક્ય હોય તો કાલે કોફી શોપમાં મળીને વાતો કરીએ..... મારે તને ઘણી વાતો કરવી છે..
આ સાંભળી ગોપી ના આનંદનો પાર નથી રહેતો...એ ખુશી થી ઝૂમી ઉઠે છે....એ રાત્રે એને ઉંઘ પણ આવતી નથી...એ બસ ક્રિશ ના વિચારો માં જ ખોવાયેલી રહે છે...
બીજા દિવસે ગોપી તૈયાર થઈ ને ક્રિશ ને મળવા જાય છે...ક્રિશ ત્યાં પહેલેથી જ આવી ગયો હોય છે..
એ પળવારમાં એને જોઈ ને અચંબિત થઈ જાય છે.... કારણકે ક્રિશ નો ડાબો હાથ ખોટો હોય છે...
ક્રિશ ગોપી ને પોતાને થયેલા અકસ્માતની અને પછી ની બધી વાતો વિગતવાર જણાવે છે.... ગોપી થોડી નારાજ થઈ જાય છે.....એ કહે છે કે તે મને પહેલા આ વાત ની જાણ કેમ ન કરી ?
ક્રિશ એને સમજાવતા કહે છે કે હું તને રૂબરૂમાં મળીને આ વાત કહેવા માંગતો હતો... હું જાણવા માંગતો હતો કે આપણો પ્રેમ કેટલો સાચો છે....
ગોપી ની આંખોમાં આંસું ની ધાર વહી નીકળે છે....
એ ક્રિશ ને ભેટી પડે છે.... બંને જણા એકબીજાને આમ જ ભેટી રહે છે....એક નવી શરૂઆત ની રાહમાં....