Sambhavami Yuge Yuge - 31 in Gujarati Moral Stories by Jyotindra Mehta books and stories PDF | સંભવામિ યુગે યુગે ભાગ ૩૧

Featured Books
Categories
Share

સંભવામિ યુગે યુગે ભાગ ૩૧

ભાગ ૩૧

રામેશ્વરને પાંચ કલાક લાગ્યા હતા ખરીદી કરવામાં. રામેશ્વર જયારે બંગલે પહોંચ્યો ત્યારે સોમ સોફામાં જ સુઈ ગયો હતો. રામેશ્વર વિચારવા લાગ્યો કે સૂતી વખતે વ્યક્તિનો ચેહરો કેટલો નિર્દોષ દેખાતો હોય છે અને જયારે જાગે ત્યારે જ મનુષ્યનું મગજ કાવાદાવા અને જીવન માટે સંઘર્ષ કરતુ હોય છે. તેણે લાવેલો સામાન ટેબલ ઉપર મુક્યો અને કિચનમાં જઈ કોફી બનાવવા લાગ્યો. સોમ ઉઠ્યા પછી તેને કોફી આપીને કહ્યું, “તારી આપેલી યાદી મુજબ હું સામાન લઇ આવ્યો છું.” એમ કહીને ટેબલ તરફ આંગળી ચીંધી.

સામાનમાં એક સિતાર પણ હતી. તેણે સિતાર લઈને એક રૂમમાં મૂકી અને રામેશ્વરને કહ્યું આ આપણો મ્યુઝિક રૂમ છે. થોડીવારમાં તેણે બંગલાની ૧૦ જુદી જુદી રૂમને નામ આપી દીધા, બે બેડરૂમ , એક મ્યુઝિક રૂમ, એક જિમ, એક વાંચન રૂમ, એક ધ્યાન રૂમ અને એક રૂમ જેમાં તે મંત્રોનો અભ્યાસ કરવાનો હતો, તેમાં વચ્ચે એક વેદી પણ બનાવેલી હતી. જાણે આખી વ્યવસ્થા ફક્ત તેને ધ્યાનમાં રાખીને બનાવી હતી. તે સિતાર લઈને મ્યુઝિકરૂમમાં બેસી ગયો અને સંગીતની દુનિયામાં ખોવાઈ ગયો.

બીજી તરફ પાયલ પોતાના વિચારોમાં ખોવાયેલી હતી. છ મહિના પહેલાં સુધી તેને પોતાના પૂર્વજન્મોનું જ્ઞાન નહોતું, પણ એક દિવસ રાત્રે તે પોતાના વિચારોમાં ગુમ હતી, તે વખતે એક સાધુ તેની રૂમમાં પ્રકટ થયો. તે ડરીને ચીસ પાડવા ગઈ પણ ગળામાંથી કોઈ અવાજ ન નીકળ્યો.

સાધુએ કહ્યું, “માતા, આપ ડરો નહિ, હું આપને કોઈ નુકસાન પહોંચાડવા નહિ, પણ ગુરુજીના આદેશ મુજબ આપની સ્મૃતિ આપને આપવા આવ્યો છું. પાયલને આશ્ચર્ય થયું કે એક ઉંમરલાયક સાધુ તેને માતા કહીને બોલાવી રહ્યો છે. તેણે બોલવાનો પ્રયત્ન કર્યો પણ કંઈ બોલી ન શકી.

તે સાધુએ કહ્યું, “માતા, આપ કંઈ કહેશો નહિ, આપ ફક્ત મારી વાત સાંભળો. આપનો જન્મ એક મહત્વના કારણસર થયો છે. આપ દૈવીય અંશ છો, જેનો જન્મ એક પાપીના નાશ માટે થયો છે. આમ તો આપના ઘણા જન્મો થયા છે, દરેક યુગમાં પણ હમણાં તમને પાછલા ત્રણ જન્મોનું જ્ઞાન આપવાનો આદેશ છે. આપની સાથે એક દૈવીય યોદ્ધાનો પણ પુનર્જન્મ થયો છે, જે પાછલા બે જન્મોથી આપનો સાથીદાર છે.”એમ કહીને સાધુએ પાયલના માથે હાથ મુક્યો અને પાયલ બેહોશ થઇ ગઈ.

તે જયારે ભાનમાં આવી ત્યારે તે સાધુ ત્યાં ન હતો પણ તેને પોતાના પૂર્વજન્મ યાદ આવી ગયા હતા અને તેને ખબર પડી ગઈ કે તે કેમ સોમ તરફ ખેંચાણ અનુભવતી હતી? તે હંમેશા વિચારતી કે સોમ શા માટે? ઘણા બધા કોલેજના મિત્રો છે, જે સોમથી વધારે સ્માર્ટ અને હેન્ડસમ છે, પણ તેને સોમ જ વધારે ગમતો. તે મનમાં ને મનમાં પૂર્વજન્મોની સુખદ સ્મૃતિઓ વાગોળવા લાગી, પણ ધીમે ધીમે આ સુખદ સ્મૃતિઓ દુઃખદ બનવા લાગી, તેણે જોયું કે કેવી રીતે જટાશંકરેસોમ નો બળી આપી દીધો અને તેના વિછોહમાં તેણે આત્મહત્યા કરી લીધી. તેને ક્રોધ ચડવા લાગ્યો. પછી માંડ માંડ ક્રોધ શાંત થયો.

બીજે દિવસે કોલેજમાં પહોંચી તે દિવસે સોમે આવીનેને નોટબુક માગી અને પછી તે ધીરે ધીરે તે તેની નજીક આવ્યો, તેના પછી એક દિવસ તે સાધુએ આવીને સોમ વિષે બધી વાત કરી અને કહ્યું કે પાછલા બે જન્મ વખતે સોમ યોદ્ધા તરીકે લડ્યો તેથી તે અસફળ રહ્યો, તેથી આ વખતે તેને રાવણ જેવા ગ્રહો આપવામાં આવ્યા છે, જેથી તે કાળીશક્તિઓ તરફ આકર્ષાઈને તાંત્રિક બને, જગતનો સૌથી મોટો તાંત્રિક! જેથી તે જટાશંકરને હરાવીને તેનો નાશ કરી શકે. જટાશંકરે સૃષ્ટિના ઘણા બધા નિયમોનો ભંગ કર્યો છે, તેથી તેનો નાશ જરૂરી થઇ ગયો છે. આપનું મુખ્ય કામ સોમના વેગને ધીમો પાડવાનું, કારણ જન્મગ્રહોને કારણે તે ખુબ અધીરો અને ક્રોધી છે અને જો તે ધીમો નહિ પડે તો આખી સૃષ્ટિ માટે ઘાતક નીવડશે.

 તો આપ તેનો વેગ ધીમો પાડો અને તેને પ્રેમ કરતા શીખવાડો. પ્રેમ દરેક વ્યક્તિને સારો બનવી દે છે. દુનિયાની મોટાભાગની સમસ્યાનું નિવારણ પ્રેમમાં રહેલું છે, સોમને શક્તિઓ ત્યારે જ મળે જયારે તે તેને લાયક થઇ જાય. તે સોમને ખુબ પ્રેમ કરતી હતી અને જન્મોજનમથી તેને ચાહતી હતી. સાધુએ હજુ એક વાત કહી હતી કે તેઓ ફક્ત પાછલા ત્રણ જન્મોથી નહિ જન્મોજન્મના સાથીદાર છે, દરેક યુગમાં જયારે જયારે ધર્મ પર આંચ આવતી ત્યારે તેમનો જન્મ થયો છે .

વડોદરામાં  હોસ્પિટલના બિછાને પડી પાયલ વિચારી રહી હતી કે કાશ! મને મારા પૂર્વજન્મોનું જ્ઞાન ન હોત તો કેટલા આનંદથી રહેતી હોત. ઘણી વખત અતિજ્ઞાન ઘાતક ઠરતું હોય છે. આ અતિજ્ઞાનને લીધે તે પાછલા ૬ મહિનાથી રાત્રે સુઈ શકતી નથી. જયારે જયારે તે સુવા જતી, ત્યારે ત્યારે તેની નજર સામે જટાશંકર સોમનો બળી આપતો દેખાતો. છેલ્લા ૬ મહિનાથી તે પોતે જુડો કરાટેની ટ્રેનિંગ લઇ રહી હતી, ખબર નહિ ક્યારે જરૂર પડે. હવે તેને લાઠી ચલાવવાનું પણ આવડી ગયું હતું અને જે મંત્ર વિદ્યા પાછલા જન્મમાં શીખી હતી તેનો અભ્યાસ કરી રહી હતી .

ક્રમશ: