Bewafa - 7 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | બેવફા - 7

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

બેવફા - 7

બેવફા

કનુ ભગદેવ

પ્રકરણ - 7

નિર્દોષ છૂટ્યો !

કાશીનાથ તથા આનંદ સામસામે બેઠા હતા.

કાશીનાથના ચહેરા પર વ્યાકુળતાના હાવભાવ છવાયેલા હતા.

‘આ તો ઘણું ખોટું થયું દિકરા...!’કાશીનાથના અવાજમાં પારાવાર બેચેની હતી, ‘ધાર્યું હતું, તેનાથી બધું જ ઊલટું થયું ! કાશ...! એ હરામખોર કિશોર, લખપતિદાસને બદલે આશાને મારી નાંખતા તો આપણી બધી જ મુશ્કેલી દૂર થઇ જાત. પરંતુ હવે લખપતિદાસના ખૂનથી આપણી મુશ્કેલી ઘટવાને બદલે ઊલટી વધી ગઇ છે.’

‘મુશ્કેલી...?’આનંદે પોતાનો પેગ ખાલી કરીને કાઉન્ટર પર મૂકતાં કહ્યું, ‘હવે શું મુશ્કેલી છે ડેડી ? સાધનાનાં લગ્ન તો મારી સાથે જ થશે.’

‘પણ...’

‘પણ શું...?’

‘આપણે માત્ર સાધનાનાં લગ્ન સાથે જ સંબંધ નથી. આપણે તો લખપતિદાસની મિલકત સાથે પણ સંબંધ છે. લખપતિદાસની વિધવા પત્ની...એ ચુડેલ પહેલાંથી જ નૂર મહેલ પોતાના નામ પર કરાવી ચુકી છે. હવે સાધના પાસેથી આપણને શું મળી શકે તેમ છે ?’

‘તમારે કશી યે ફિકર કરવાની જરૂર નથી પિતાજી !’આનંદે નીચું જોઇ જતાં કહ્યું, ‘મને આંટી પર પૂરેપૂરો ભરોસો છે.’

‘આંટી એટલે કે આશા પર ?’

‘હા...એ ભલે મને બધી મિલકતની માલિક બનાવે કે ન બનાવે ! પરંતુ મને અડધી મિલકત તો જરૂર મળશે જ !’

કાશીનાથે આનંદ સામે જોયું. પછી તે ઊભો થઇને બેચેનીથી આંટા મારવા લાગ્યો.

આનંદ ચૂપચાપ પોતાને માટે બીજો પેગ બનાવવા લાગ્યો.

‘આનંદ...!’સહસા કાશીનાથ બોલ્યો, ‘તારી આંટી તને અડધી મિલકત આપશે જ એવું તું અત્યારથી જ કેવી રીતે કહી શકે છે ? નૂર મહેલ તો કાયદેસર રીતે તેનો થઇ ગયો છે.’

‘મને પૂરેપૂરી આશા છે ડેડી ! તમે મારા પર ભરોસો રાખો.’

‘અને જો હું ભરોસો ન રાખું તો ?’

‘એટલે...?’

‘હું તો બીજો જ વિચાર કરું છું.’

‘ખૂન...!’

‘ખૂન...? કોનું ?’આનંદે ચમકીને તેની સામે જોતાં પૂછ્યું.

કાશીનાથની વેધક નજર આનંદના ચ્હેરા પર સ્થિર થઇ ગઇ. પછી તે ગંભીર અવાજે બોલ્યો, ‘તું ચમકી શા માટે ગયો દિકરા ? ખૂનની વાત અગાઉ આપણી વચ્ચે નહોતી થઇ ?’

‘પણ...પણ હવે કોનું ખૂન કરાવવાનું છે ? હવે તો કોઇનું ય ખૂન થઇ શકે તેમ નથી.

‘શા માટે નથી થઇ શકે તેમ ?’કાશીનાથ તીવ્ર અવાજે બોલ્યો, ‘શું તારી પ્રેમિકાનું ખૂન થઇ શકે તેમ નથી ?’

‘શું...? શું કહ્યું તમે...?’આનંદે નર્યા-નિતર્યા અચરજથી પૂછ્યું.

‘મેં એમ કહ્યું હતું કે શું તારી પ્રેમિકાનું ખૂન થઇ શકે તેમ નથી ?’

‘ડેડી...તમે સાધના વિશે આવું...’

‘ના...’કાશીનાથ વચ્ચેથી જ તેની વાતને કાપીને બોલ્યો, ‘ સાધના તો તારી ભાવિ પત્નિ છે. આ ઘરની લક્ષ્મી છે. હું સાધનાના ખૂન વિશે નથી કહેતો.’

‘તો પછી કોના વિશે કહો છો ?’

‘તારી પ્રેમિકા વિશે...’

‘મારી પ્રેમિકા...?’

‘હા...હું આશાની વાત કરું છું.’

‘શું...?’આનંદે ચમકીને પૂછ્યું.

‘તારે ચમકવાની જરા પણ જરૂર નથી દિકરા !’કાશીનાથે કટાક્ષભર્યું સ્મિત ફરકાવતાં કહ્યું, ‘હું ગમે તેમ તોય તારો બાપ છું. તારા કરતાં મેં પચીસ દિવાળી વધુ જોઇ છે. મારી આ ખોપરીમાં...’એણે પોતાના લમણા પર આંગળી મૂકી, ‘ભગવાને ઠાંસી ઠાંસીને બુદ્ધિ ભરેલી છે. તું જેને આંટી કહીને બોલાવે છે, વાસ્તવમાં એ તારી આંટી નહીં પણ પ્રેમિકા છે તે વાત હું જાણું છું.’

‘ડેડી...તમે આવી મૂર્ખાઇ ભરેલી વાતો વિચારશો એવું મેં નહોતું ધાર્યું !’

‘તું મારી સામે ખોટું બોલવાનો પ્રયાસ ન કર આનંદ ! તું મારો પુત્ર છે. ! આપણે બંનેએ સાથે મળીને આશાના ખૂનની યોજના બનાવી હતી. પરંતુ તું, જેને ખૂન કરવાની યોજના મારી સાથે બનાવે છે, એના ખોટા પ્રેમમાં કે પછી વાસનાની જાળમાં તારી જાતને કેદ કરીને માત્ર તારું જ નહી, મારું ભવિષ્ય પણ બરબાદ કરી નાંખીશ એવી તો મેં કલ્પના પણ નહોતી કરી. તે મારા બધાં જ કર્યા-કારવ્યા પર પાણી ફેરવી નાખ્યું છે.’

‘ડેડી...હું સાચું કહું છું. તમને કદાચ ભ્રમ થયો છે.’

‘શટઅપ...’કાશીનાથ જોરથી બરાડ્યો.

એના બરાડાથી આનંદ મનોમન ધ્રુજી ઊઠ્યો.

‘આનંદ...!’કાશીનાથ પૂર્વવત્ અવાજે બોલ્યો, ‘તું ફાંસીની કલ્પના કરી શકે તેમ છે ?’

‘ફાંસી...?’

‘હા, ફાંસી...! તારી જાણ માટે...તું ફાંસીના ગાળીયાની એકદમ નજીક છે આનંદ ! ફાસીનો ગાળીઓ તારા માથાં પર લટકે છે. તું તારી જાતને બહુ ચાલાક અને હોંશિયાર સમજતો હતો...કાયદાનો ખેલાડી માનતો હતો...પરંતુ કાયદો શું ચીજ છે એનું જ તને ભાન નથી તો પછી તેની સાથે રમત કરવાની વાત જ ક્યાં રહી ?’

‘ડેડી...!’આનંદે ધ્રુજતા અવાજે પૂછ્યું.’’હું આશાને પ્રેમ કરું છું, એની તમને કેવી રીતે ખબર પડી ?’

‘તારી રૂમમાં રહેલા ફોનનું એકસ્ટેન્શન ડ્રોઇંગરૂમમાં પણ છે એ વાત તું શા માટે ભૂલી જાય છે ? પહેલીવાર આશાએ, સાધનાના નામથી ફોન કરીને તને બોલાવ્યો હતો અને ત્યારબાદ બીજી વખત એણે પોતાના નામથી જ તને ફોન કર્યો હતો. બીજી વાર ફોન આવ્યો એ રાત્રેં મેં તારો પીછો કર્યો. મેં તમને બંનેને લખપતિદાસના બંગલાના પાછળના ભાગમાં દરિયાકિનારે...’વાત અધૂરી મૂકીને એણે દાંત કચકચાવ્યા, ‘ખેર, મારે માટે એ ર્દશ્ય ખૂબ આશ્ચર્યજનક હતું. તને કઇ રીતે એ ઝેરીલી નાગણની જાળમાંથી મુક્ત કરાવું ? કઇ રીતે તેના મોહપાશમાંથી બચાવું એનો વિચાર હું કરતો હતો. મેં તને થોડા દિવસ માટે કોઇક બીજા શહેરમાં ફરવાને બહાને મોકલી દેવાની યોજના બનાવી હતી.’કહીને કાશીનાથ થોડી પળો માટે અટક્યો.

થોડી પળો બાદ એક ઊંડો શ્વાસ લઇને એણે પોતાની વાત આગળ લંબાવી, ‘તને બહારગામ મોકલીને પાછળથી આશાનું ખૂન કરાવી નાંખીશ એવું મેં વિચાર્યું હતું. પણ તું મારા કરતાં વધુ ઝડપી નીકળ્યો. તેં આશા સાથે મળીને લખપતિદાસનું ખૂન કરી નાખ્યું.’

કાશીનાથની વાત સાંભળીને આનંદના કપાળ પરથી પરસેવાની ધાર નીતરવા લાગી. તે અવાફ બનીને કાશીનાથના ચહેરા સામે તાકી રહ્યો. પોતે આ રીતે, પોતાના જ પિતાના હાથે પકડાઇ જશે એવી તો એણે કલ્પના પણ નહોતી કરી.

‘પોલીસ તને કંઇ જ નહીં કરી શકે એમ તું માને છે ! પણ તારી આ માન્યતા એકદમ ખોટી છે. અહીં જ તારી ભૂલ થાય છે. તું કદાચ ઇન્સ્પેક્ટર વામનરાવને બરાબર રીતે નહીં ઓળખતો હો. પણ હું તેની કાર્યવાહીથી પરિચિત છું. વિશાળગઢના પોલીસ બેડીમાં એની ગણના એક ખૂબ જ બાહોશ, ચપળ અને કર્તવ્યનિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે થાય છે. એ કામ કરવાની પદ્ધતિ એવી છે કે ગુનેગાર સામે ચાલીને જ તેની જાળમાં ફસાઇ જાય છે. અની તપાસ એવી હોય છે કે ગુનેગાર બેફિકર થઇને આંટા મારવા લાગે છે. બંને ખૂનોના આરોપ કિશોર પર મૂકીને પોલીસ હાથ ખંખેરી લેશે એમ તું કદાચ માનતો હોઇશ. પરંતુ કમ સે કમ વામનરાવ જેવો ઇન્સ્પેક્ટર આવુ નહીં કરે.’

‘ અમે...અમે કોઇનું ખૂન નથી કર્યું ડેડી !’આનંદે ચીસ જેવા અવાજે કહ્યું, ‘હું...હું સાચું જ કહું છું.’

‘તો શું લખપતિદાસનું ખૂન કિશોરે જ કર્યું છે ?’

‘હા...એણે જ લખપતિદાસનું ખૂન કર્યું છે. જો મેં અને આશાએ ખૂન કર્યું હોત તો તેનો મૃતદેહ કિશોરની ટેક્સીમાંથી શા માટે મળે ? તમે પોતે જ વિચારી જુઓ. લખપતિદાસનું ખૂન કરીને કિશોરે જ તેના મૃતદેહને ઠેકાણે પાડવા માટે...’

‘તારી આ વાત એકદમ મૂર્ખાઇ ભરેલી છે આનંદ !’

‘કેમ...?’

‘તારા કહેવા પ્રમાણે જો ખરેખર જ કિશોરે લખપતિદાસનું ખૂન કર્યું હોય, તો પછી એના મૃતદેહને પોતાની ટેક્સીમાં લઇ જઇને ઠેકાણે પાડવાની તેને શું જરૂર હતી ? એનું કામ તો માત્ર ખૂન કરવાનું જ હતું નહીં કે ખૂન કર્યા પછી મૃતદેહને ઠેકાણે પાડવાનું ! ઉપરાંત આશાના કહેવા મુજબ તે કિશોરને જોઇ ચુકી હતી. આ સંજોગોમાં મૃતદેહને ઠેકાણે પાડવાનો વિચાર તેને આવે ખરો ? જો મૃતદેહને એ ઠેકાણે જ પાડવા માગતો હોત તો લખપતિદાસનું ખૂન તેની રૂમમાં જ ન કરત. ઉપરાંત ખૂન કેવી રીતે થયું હતું, એ તું જાણે છે ?’

‘હા...’

‘કેવી રીતે ?’

‘તેમના ચહેરા પર પ્રહારો કરીને...! કોઇક વજનદાર વસ્તુથી તેમનો ચહેરો છુંદી નાખવામાં આવ્યો હતો.’

‘એટલે...?’

‘એટલે એમ કે નિદ્રાવસ્થામાં જ તેમના ચહેરા પર વજનદાર વસ્તુના ઘા ઝીકવામાં આવ્યા હતા. તેમની ખોપરી ફાટી ગઇ હતી.’

‘ઓહ, તો લખપતિદાસનું મૃત્યું, તેના ચહેરા પર ઝીંકવામાં આવેલા ફટકાઓને કારણે થયું હતું એમ તું કહેવા માગે છે. ખરું ને ?’

‘હા...’

આનંદનો જવાબ સાંભળીને કાશીનાથના ગળામાંથી જોરદાર અટ્ટહાસ્ય નીકળ્યું.

આનંદ મુંઝવણભરી નજરે તેની સામે તાકી રહ્યો. એ સ્વસ્થ થઇને કાશીનાથની નજરમાં પોતાની સ્થિતિ સ્પષ્ટ રાખવાનો પ્રયાસ કરતો હતો. પરંતુ તેમ છતાં ય પોતાની વાતમાં ક્યાંક કોઇક ખામી રહી ગઇ છે એવું તેને લાગતું હતું.

‘આનંદ...!’અટ્ટહાસ્ય બંધ કરીને કાશીનાથે કટાક્ષભર્યા અવાજે કહ્યું, ‘લખપતિદાસનું ખૂન કેવી રીતે થયું છે, એની પણ તને અને તારી પ્રેમીકાને ખબર નથી.’

‘એટલે...? અંકલનુ મૃત્યુ ખોપરી ફાટી જવાને કારણે...’

‘ના...!’કાશીનાથ વચ્ચેથી જ તેને અટકાવીને બોલ્યો, ‘પોસ્ટમોર્ટમનો રિપોર્ટ હજુ પણ મને બરાબર યાદ છે. લખપતિદાસનું મૃત્યુ ખોપરી ફાટી જવાને કારણે નથી થયું.’

‘તો પછી કેવી રીતે થયું છે ?’આનંદે મુઝવણભર્યા અવાજે પૂછ્યું.

‘સાંભળ, એનું મૃત્યુ ઊંઘની ગોળીઓને કારણે થયું છે !’

‘શું...?’

‘હા...લખપતિદાસનું મૃત્યુ અર્થાત ખૂન ઊંઘની ગોળીઓથી થયું છે, એ વાત પોસ્ટમોર્ટમના રિપોર્ટ પરથી સ્પષ્ટ રીતે પુરવાર થઇ ગઇ છે.’

‘ના...આ વાત એકદમ ખોટી છે !’આનંદના અવાજમાં વિરોધનો સૂર હતો.

‘પોસ્ટમોર્ટમનો રિપોર્ટ ક્યારેય ખોટો હોઇ શકે જ નહીં આનંદ ! અને ઊંઘની ગોળીથી માત્ર આશા જ ખૂન કરી શકે તેમ હતી. એણે પાણીમાં ઊંઘની ગોળી ભેળવીને એ પાણી લખપતિદાસને પીવડાવી દીધું. તમે લોકો એના મૃતદેહને ટેક્સીમાં છૂપાવી દેવા માંગતા હતા. તમે આરામથી, ઠંડા કલેજે ખૂન કરી શકો એટલા માટે જ આશાએ લખપતિદાસને ઘેનની ગોળીઓ ખવડાવી દીધી હતી અને જ્યારે એ બેભાનવસ્થામાં પહોંચી ગયો ત્યારે તમે એની ખોપરી ફાડી નાંખી.’

‘ના...અમે તેમન ઊંઘની ગોળીઓ નહોતી ખવડાવી. અમે તો માત્ર...’

‘વેરી ગુડ...! તું એના ખૂનમાં સામેલ થયો હતો, એ તો કબૂલ કરે છે ને ? ભલે તમે એને ઊંઘની ગોળી ન ખવડાવી હોય ! પરંતુ તેની ખોપરી પર પ્રહારો તો કર્યા જ હતા ને ?’

‘હું...હું...હા...ડેડી...!’આનંદ થોથવાઇને રડમસ અવાજે બોલ્યો, ‘મારાથી ભૂલ થઇ ગઇ ડેડી...! મને બચાવી લો...મને બચાવી લો...!’

‘એ તો હવે બચાવવો જ પડશે ને ? ખેર, તું કશીયે ફિકર કરીશ નહીં !’કાશીનાથે તેનો ખભો થપથપાવતાં કહ્યું, ‘હું તને કદાચ પોલીસની હાથપકડીથી તો નહીં બચાવી શકું. પણ કોર્ટમાં સજા નહી જ થવા દઉં એની ખાતરી રાખજે. તું મને બધું સ્પષ્ટ રીતે કહી નાંખ !’કહીને તે ફરીથી એની સામે સ્ટૂલ પર બેસી ગયો, ‘તારે જરા પણ ગભરાવવાની જરૂર નથી. તું ભલે બાળક હો...પણ હું કાયદાનો ખેલાડી છું. તું મને જે કંઇ હોય તે સાચે સાચું કહી નાંખ ! જો તું એક વાત પણ છૂપાવીશ તો પાછળથી એ તારે માટે જોખમરૂપ નીવડશે એટલું યાદ રાખજે.’

આનંદે પોતાની આંખો લૂંછી નાંખી.

એણે શરૂથી અંત સુધીની બધી જ હકીકત કાશીનાથને જણાવી દીધી.

વાત પૂરી કર્યા પછી જાણે કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ કરી લીધો હોય એવા હાવભાવ તેના ચહેરા પર છવાઇ ગયા.

‘હવે શું થશે ડેડી ?’એણે નંખાઇ ગયેલા અવાજે પૂછ્યું.

‘કશું યે નહીં થાય ! તારે જરા પણ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. તું ખૂનમાં સામેલ થયો હોવા છતાં પણ નિર્દોષ છે. કારણ કે લખપતિદાસનું ખૂન થયું જ નથી. એ અગાઉથી જ મૃત્યુ પામેલો પડ્યો હતો. એનું મૃત્યુ ઊંઘની ગોળીઓને કારણે થયું હતું. આશાએ જ તેને બેભાન કરવા માટે ઊંઘની ગોળીઓ ખવડાવી દીધી હતી.’

‘ના, ડેડી...! આશાએ તેને ઊંઘની ગોળી નહોતી ખવડાવી તેનો સાક્ષી હું છું.’

‘કેમ...?’

‘જ્યારે અંલકે અમને બંનેયે જોઇ લીધા હતા, ત્યારતી જ તે મારી સાથે હતી. તે મારાથી એક મિનિટ માટે પણ છૂટી નહોતી પડી. તો આ સંજોગોમાં તે એને કેવી રીતે ગોળી ખવડાવે ?’

‘ઓહ...આ વાત તો મને સૂઝી જ નહોતી !’કાશીનાથ ચમકીને બોલ્યો, ‘તો એનો અર્થ એ થયો કે આપણે જેને ખૂન માનીએ છીએ, તે ખૂન નથી.’

‘તો પછી શું છે ?’

‘આપઘાત...! લખપતિદાસે કદાચ આપઘાત કર્યો હશે. પોતાની યુવાન પત્નીથી કંટાળી, જમાઇને ચરિત્ર્યહીન જોઇ, પોતાની વદ્ધાવસ્થાની ભૂલથી પસ્તાઇ, સાધનાની નારજગીનો વિચાર કરીને જ એણે આપઘાત કર્યો હશે. જ્યારે તેં એના આપઘાતને ખૂનમાં પલટાવીને તેના મૃતદેહને કિશોરની ટેક્સીમાં છૂપાવી દીધો.’

‘પણ ડેડી...!’

‘બોલ...! અટકી શા માટે ગયો ?’

‘જો મેં પ્રહારો કર્યાં, ત્યારે અંકલ મૃત્યુ પામ્યા હોત તો પછી તેમના મૃતદેહમાંથી લોહી કેવી રીતે નીકળે ?’

‘બરાબર છે...પણ તું રૂમમાં પહોંચ્યો એની થોડી પળો પહેલાં જ તેનું મૃત્યુ થયું હશે. મૃત્યુ પછી માણસના શરીરમાં વહેતા લોહીનું ધીમે ધીમે પાણી થતું જાય છે. એ વખતે તેના લોહીનું પાણી નહોતું થયું. તેં વજનદાર પથ્થરથી પ્રહાર કર્યો ત્યારે લોહી નીકળી આવ્યું. આમાં આશ્ચર્ય પામવા જેવું કશું જ નથી. પથ્થર લાગ્યા પછી લખપતિદાસનો મૃતદેહ ડનલપા ગાદલાં પર ઉછળ્યો તો તું એમ માની બેઠો કે એનો દેહ તરફડાટને કારણે ઉછળ્યો છે. પણ આ માત્ર તારો ભ્રમ જ હતો. ઉપરાંત પોસ્ટમોર્ટમના રિપોર્ટને પણ નકારી શકાય તેમ નથી. ખેર, હવે સૌથી પહેલાં તો આપણે એ વિચારવાનું છે કે આશાએ બીજું ખૂન કેવી રીતે કર્યું. ?’

‘બીજું ખૂન એણે નહીં કર્યું હોય ડેડી !’

‘તો શું મેં કે તે કર્યું છે ? તેં એને બીજા ખૂનમાં પણ સાથ આપ્યો હતો ?’

‘ના...ના ડેડી ! મેં તમને બધું જ જણાવી દીધું છે. હું તમારા સમ ખાઇને કહું છું મેં એકે ય વાત નથી છૂપાવી. આશા મારી પ્રેમિકા છે એટલા માટે હું આવુ નથી કહેતો. પણ બીજું ખૂન એણે નથી કર્યું તેની મને પૂરી ખાતરી છે. એણે મને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે એ મૃતદેહ વોર્ડરોબમાં હતો. મૃતદેહ પર નજર પડતાં જ તેના મોંમાંથી ચીસ નીકળી ગઇ. એની હાલત કિંકર્તવ્યવિમૂઢ જેવી થઇ ગઇ હતી. એની પહેલી ચીસ પર કદાચ કોઇનું ધ્યાન નહોતું ગયું. વોર્ડરોબ મૃતદેહના લોહીથી ખરડાયેલો હતો. એણે ઝપાટાબંધ લોહી સાફ કરી નાખ્યું. ત્યારબાદ ફરીથી ચીસ નાખીને બેભાન થઇ ગઇ. બલ્કે બેભાન થવાનું નાટક કર્યું. કિશોર અને અનવર રૂમમાં ઘુસી આવ્યા અને પોતે બેભાન થઇ ગઇ. ત્યાર પછી શું થયું એની પોતાને ખબર નથી, એવું પોલીસને જણાવવાની તેની યોજના હતી.’

‘પોતે પોલીસની ચુંગલામાંથી બચી જશે એમ તે માને છે. એના બેભાન થઇ ગયા પછી કિશોર અને અનવરે લખપતિદાસનું ખૂન કરી નાંખીને તેના મૃતદેહને ચાદરમાં બાંધી દીધો અને તેની જુબાની પર પોલીસ શંકા નહીં કરે એમ તે માને છે. પણ આનંદ પોલીસ મૂરખ નથી. હવે જો તેના

કહેવા પ્રમાણે કિશોરે તેને જોઇ હોય તો એ આશાને જીવતી મૂકે ખરો ? એ તેનું ખૂન કરી શકે તેમ નહોતો ? આશાને બદલે એણે પોતાના મિત્રનું જ ખૂન શા માટે કર્યું ? એ પોતાના મિત્રનું ખૂન કરી, આશાની પરવાહ કર્યા વગર લખપતિદાસના મૃતદેહને એકલો જ પોતાની ટેક્સી સુધી લઇ જાય તે વાત તર્કસંગત નથી લાગતી. પોલીસ બેવકૂફ નથી કે તે આટલી નબળી વાત પ્રત્યે આંખ આડા કાન કરી જાય ! આ વાત પ્રત્યે જરૂર તેનું ધ્યાન ગયું હશે. મેં તને હમણાં જ કહ્યું તેમ ઇન્સ્પેક્ટર વામનરાવ ખૂબ જ ચાલાક અને શિયાળને પણ છેતરી લે તેવો છે. ખૂન માત્ર આશાએ જ કોઇકના સહકારથી કર્યાં છે, એ વાત જરૂર તે સમજી ચૂક્યો હશે. એમ બીજી વાત પણ છે...સાંભળ...સાધનાનો રૂમ...! એની રૂમમાં કોઇક માણસ કૂદ્યો. એ બેભાન થઇ ગઇ. ઉફ...સાલ્લુ એક રાતમાં જ બધું...મારે તને કેવી રીતે બચાવવો એ જ મને તો નથી સમજાતું.’

‘મને...?’

‘તારી સલામતી અને આપણા ભવિષ્યને હવે એક જ માર્ગ બાકી રહ્યો છે.’

‘કયો માર્ગ ?’

‘આપણે આશાનું ખૂન કરવું પડશે. જેથી કરીને પોલીસને કોઇ કડી ન મળે. જો પોલીસને કોઇ કડી મળી જશે અને પોલીસ આશા સુધી પહોંચી જશે તો પછી તેને તારા સુધી પહોંચતાં જરા પણ વાર નહીં લાગે. આશાએ ઠેકાણે પાડી દેવાથી આપણને બીજો પણ લાભ થશે.’

‘શું...?’

‘એના મૃત્યુ પછી નૂર મહેલની વારસદાર સાધના બનશે. અને સાધના સાથે તો તારાં લગ્ન થવાનાં જ છે !’કહી, બોટલ ઊંચકીને કાશીનાથ પોતાને માટે પેગ બનાવવા લાગ્યો. કાશીનાથની વાત સાંભળીને આનંદ ધ્રૂજી ઊઠ્યો. જે રમતને એ પૂરી થઇ ગયેલી માનતો હતો, વાસ્તવમાં તે હવે જ શરૂ થતી હતી.

કોર્ટરૂમ ચિક્કાર હતો.

ન્યાયાધીશ શાહ સાહેબે પોતાની ખુરશી પર બેસીને કોર્ટરૂમમાં નજર દોડાવી.

કિશોર માથું નમાવીને આરોપીના પાંજરામાં ઊભો હતો. એની દાઢી વધેલી હતી. વાળ વીખરાયેલા હતા. એની હાલત ખરેખર દયાજનક હતી. કોર્ટરૂમમાં લખપતિદાસના સગાં-વ્હાલાઓ ઉપરાંત આશા,સાધના,આનંદ અને કાશીનાથ પણ હાજર હતા. સરકારી વકીલે ખુરશી પરથી ઊભા થઇને બેલીફ મારફત ફાઇલ શાહ સાહેબ પાસે પહોંચાડી. સાહેબે ધ્યાનથી ફાઇલ વાંચ્યા બાદ કોર્ટનું કામકાજ શરૂ કરવાનો આદેશ આપ્યો.

સરકારી વકીલે કોર્ટ રૂમમાં મોઝુદ ભીડ સામે ઉડતી નજર કરી.

પછી તે ધીમે ધીમે આગળ વધીને આરોપીના પાંજરામાં ઊભેલા કિશોર પાસે પહોંચ્યો.

સૌ એકીટશે તેની સામે તાકી રહ્યા.

છેવટે ગળુ ખંખેરીને સરકારી વકીલે કહ્યું :

‘મી લોર્ડ...! આરોપી કિશોર વિરુદ્ધ તમામ પુરાવાઓ હું આપની સમક્ષ રજૂ કરી ચૂકયો છું. આરોપી કિશોર મરનાર શેઠ લખપતિદાસની પત્ની આશાનો પ્રેમી હતો. આશાએ તેને તરછોડીને શેઠ લખપતિદાસ સાથે લગ્ન કરી લીધાં એટલે કિશોર તેની સાથે બદલો લેવાની યોજના બનાવી. એ પોતાના મિત્ર અનવર સાથે શેઠ લખપતિદાસનાં બંગલમાં પહોંચ્યો. સૌથી પહેલાં બંને ભૂલથી સાધનાની રૂમમાં ઘુસ્યા. બારીનો કાચ તોડીને સૌથી પહેલાં અનવર સાધનાની રૂમમાં દાખલ થયો હતો. અનવરને જોઇને સાધનાએ બૂમ પાડવાનો પ્રયાસ કર્યો તો એણે તેનું મોં દબાવી દીધું. આ દરમિયાન કિશોર પણ રૂમમાં કૂદી પડ્યો હતો. સાધના ભય અને ગભરાટથી બેભાન થઇ ગઇ. એને બેભાન હાલતમાં જ પડતી મૂકીને બંને શેઠ લખપતિદાસની રૂમમાં ગયા. કિશોર પર નજર પડતાં જ આશા બેભાન થઇ ગઇ. શેઠ લખપતિદાસ ગાઢ ઊંઘમાં સૂતા હતા. કિશોર તથા અનવરે એક વજનદાર પથ્થર અને લોખંડના સળિયાતી તેમનું ખૂન કરી નાંખ્યું. ત્યારબાદ તેમણે એમના મૃતદેહને ડબલ બેડની ચાદરમાં બાંધી દીધો. એ જ વખતે અચાનક કિશોરની નજર શેઠ લખપતિદાસ, બત્રીસ કેલીબરની સાઇલેન્સર ચડાવેલી રિર્વોલ્વર પર પડી. રિર્વોલ્વર જોઇને કાયદાને થાપ આપવાનો તેને વિચાર આવ્યો. પરિણામે એણે રૂમાલ વડે રિર્વોલ્વર ઊંચકીને અનવરને ગોળી ઝીંકી દીધી રિર્વોલ્વર પર સાઇલેન્સર ચડાવેલું હોવાને કારણે ગોળી છૂટવાનો અવાજ નહોતો થયો. અનવર ત્યાં જ ઢળી પડ્યો. ત્યારબાદ કિશોર ચાદરમાં બાંધેલા મૃતદેહને ઠેકાણે પાડવા માટે પોતાની ટેક્સીમાં મૂકીને, ટેક્સી સાથે નેશનલ પાર્ક તરફ નાસી છૂટ્યો, બબ્બે ખૂન કરીને તે ખૂબ જ ગભરાઇ ગયો હતો. ભય અને ગભરાટ ઓછો કરવા માટે તેને શરાબની સખત જરૂર હતી. ખેર...એ મૃતદેહને ઠેકાણે પાડે એ પહેલાં જ સબ-ઇન્સ્પેક્ટર અમરજીએ તેને પકડી પાડ્યો જે ચાલાકીથી કિશોરે બબ્બે ખૂન કરીને કાયદાને થાપ આપવાનો પ્રયાસ કર્યો છે, તે ખરેખર ખૂબ જ આશ્ચર્યજનક અને ખોફનાક બનાવે છે. આરોપી કિશોરને હું કઠોરમાં કઠોર સજા આપવાની કોર્ટને ભલામણ કરું છુ.’કહીને સરકારી વકીલ પોતાની ખુરશી પર બેસી ગયો. કોર્ટરૂમમાં ટાંકણી પડે તો તેનો અવાજ પણ સંભળાય એવી ચુપકીદી છવાયેલી હતી. ‘આઇ ઓબ્જેક્શન યોર ઓનર...!’સહસા શાંત વાતાવરણમાં એક અવાજ ગુંજી ઊઠ્યો.

સૌએ ચમકીને અવાજની દિશામાં જોયું.

આશરે ત્રીસેક વર્ષની ઉંમર ધરાવતો એક યુવાન ખુરશી પરથી ઊભો થયો હતો. તે વકીલો જેવાં વસ્ત્રોમાં સજ્જ હતો. કોર્ટમાં રૂમમાં મોઝુદ દરેક લોકો તેને ઓળકતા હતા. એ યુવાનનું નામ સુબોધ જોશી હતું.

સુબોધ જોશીને જોઇને સરકારી વકીલના ચહેરાનો રંગ ઊડી ગયો.

બચાવ પક્ષનો વકીલ સુબોધ જોશી હશે એવી તો કોઇએ કલ્પના પણ નહોતી કરી. કારણ કે ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ કિશોરની આર્થિક હાલત કમ સે કમ સુબોધ જેવા મોંઘા વકીલને પોતાના બચાવ તરીકે રોકવાની જરા પણ નહોતી.

આ દરમિયાન સબોધે આગળ વધીને પોતાની ફાઇલ બેલીફ મારફત શાહ સાહેબ પાસે પહોંચાડી દીધી હતી.

શાહ સાહેબે ફાઇલ પર નજર કર્યા પછી કહ્યું, ‘કોર્ટ આપને બચાવ પક્ષની કાર્યવાહી કરવા માટે મંજુરી આપે છે.’

‘થેંક્યુ યોર ઓનર...!’સુબોધ બે-ત્રણ ડગલાં આગળ વધીને આરોપીના પાંજરામાં ઊભેલા કિશોર પાસે પહોંચ્યો.

‘યોર ઓનર...!’સુબોધ જોશીએ સ્મિત ફરકાવતાં કહ્યું,

‘આ કેસમાં મને અમુક ખામીઓ દેખાઈ છે અને તેને કારણે જ હું આરોપી કિશોરનો બચાવ કરવા માટે પ્રેરાયો છું. ખૂન કોણે કર્યાં એની સાથે મારે કંઈ જ નિસ્બત નથી. હું તો માત્ર એ ખૂન કિશોરે નથી કર્યાં એટલું જ પુરવાર કરવા માગું છું. મારા સરકારી વકીલ મિત્રે જે રીતે કિશોરને ગુનેગાર પુરવાર કરવાનો પ્રયાસ કર્યો છે, તે ખૂબ જ હાસ્યાસ્પદ કાર્યવાહી છે. કોર્ટમાં એણે જે પુરાવઓ રજૂ કર્યા છે, તે ખૂબ જ કમજોર છે. કિશોર આશનો પ્રેમી હતો એ વાત સૌ કોઈ જાણે છે. કિશોરની દુશ્નાવટ આશા સાથે હતી નહીં કે શેઠ લખપતિદાસ સાથે! પણ તેમ છતાં ય એણે આશાનું ખૂન ન કર્યું. માત્ર શેઠ લખપતિદાસનું જ ખૂન કર્યું. પોસ્ટમોર્ટમના રિપોર્ટ મુજબ શઠ લખપતિદાસ ઊંઘની ગોળીઓ પોતે જ ખાઈને અથવા તો પછી કોઈકની મારફત ખવડાવીને માર્યા ગયા હતા. પરંતુ કમ સે કમ કિશોર શેઠ લખપિદાસને તેમની જ રૂમમાં, તેમને ઊંઘની ગોળીઓ ખવડાવી શકે તેમ નહોતો. જો કિશોર શેઠ લખપતિદાસના ખૂનના હેતુથી જ ત્યાં ગયો તો તે એમને ઊંઘની ગોળીઓ ખવડાવીને કેવી રીતે મારી શકે તેમ હતો? અને પછી મૃતદેહનો ચહેરો શા માટે છુંદી નાખે? પોસ્ટમોર્ટમના રિપોર્ટ મુજબ શેઠ લખપતિદાસનું મૃત્યુ ઊંઘની ગોળીઓને કારણે થયું હતું. વધારે પડતી ઊંઘની ગોળીઓ ખાવાથી માણસ તરત જ નથી મરી જતો. શું કિશોર શેઠ લખપતિદાસના મરવાની રાહ જોઈ? ત્યાર પછી તેનો ચહેરો છુંદ્યો ? શું ઊંઘની ગોળી ખવડાવ્યા પછી ચહેરો છુંદ્યા વચ્ચેના સમય દરમિયાન કિશોર ત્યાં જ બેસીને રાહ જોતો રહ્યો? શું આશા આટલી વાર સુધી બેભાન પડી રહી? અનવર તો કિશોરનો જીગરી મિત્ર હતો, એટલું જ નહીં, તે એને બદલો લેવામાં મદદ પણ કરતો હતો. આ સંજોગોમાં કિશોર તેનું ખૂન કરે ખરો? શું આશાનું ખૂન કિશોર કરી શકે તેમ નહોતો? શું આશાનું ખૂન કરીને એ પોતાની વિરુદ્ધના પુરાવાનો નશ નહોતો કરી શકતો? મિસ સાધાનાના કહેવા પ્રમાણે તેમણે માત્ર અનવરને જ જોયો હતો. શું તેમણે કિશોરને પણ જોયો હતો? તેમની જુબાનીમાં કિશોરનો કોઈ જ ઉલ્લેખ નથી.’

‘આ બાબતમાં આપ મિસ સાધનાને પૂછપરછ કરી શકો છો.’શાહ સાહેબના અવાજમાં કિશોર પ્રત્યે સહાનુભૂતિની છાંટ હતી.

‘થેંક્યું યોર ઓનર!’સુબોધના ચહેરા પર પૂર્વવત્ રીતે સ્મિત ફરકતું હતું, ‘હું તો માત્ર કિશોરને નિર્દોષ જ પુરવાર કરવા માગું છું અને એ હું આરામથી કરી શકું તેમ છું. કિશોરે ખૂન નથી કર્યાં. શું કિશોર બત્રીસ કેલિબરની રિવોલ્વરથી કે જેના પર શેઠ લખપતિદાસના નામનો અંગ્રેજી મૂળાક્ષર ‘એલ’કોતરાયેલો હતો, તેના પર પોતાના આંગળાની છાપ ન પડે તે રીતે અનવરનું ખૂન કરી શક્યો ખરા? જો હા, તો કેવી રીતે શક્યો? ના, યોર ઓનર...! એ આવું કરી શકે જ નહીં. કિશોર પાસે રિવોલ્વર હતી તો પછી શા માટે તે લખપતિદાસને ઊંઘની ગોળીઓ ખવડાવીને મારે? તે રિવોલ્વર વડે પણ એનું ખૂન કરી શકે તેમ હતો. ખેર, આખો કેસ જ બચાવ પક્ષનો જીવ છે. હું માત્ર એક જ વાત પ્રકાશમાં લાવવા માગું છું કે બેમાંથી એકેય ખૂન કિશોરે નથી કર્યાં. બેલેસ્ટિક એકસ્પર્ટના રિપોર્ટ મુજબ લખપતિદાસના બેડરૂમના પલંગ નીચેથી ઈન્સ્પેક્ટર વામનરાવને જે રિવોલ્વર મળી આવી છે, એ વિવોલ્વરમાંથી ગોળી છોડીને અનવરનું ખૂન કરવામાં નથી આવ્યું. અલબત્ત, એનું ખૂન બત્રીસ કેલીબરની રિવોલ્વરથી જ થયું છે... અને બેડરૂમમાંથી મળી આવેલી રિવોલ્વર પણ બત્રીસ કેલીબરની જ છે. પરંતુ તેમાંથી એકેય ગોળી છોડવામાં નથી આવી. કિશોર પર મૂકવામાં આવેલા તમામ આરોપો ખોટા ને પાયા વગરના છે. આ કેસમાં. પુરાવાઓના પ્રકાશમાં કિશોર ક્યાંય નથી દેખાતો. માત્ર શેઠ લખપતિદાસનો મૃતદેહ જ મળી આવ્યો હતો. આ મામૂલી પોઈન્ટને વધુ મહત્ત્વ આપીને પોલીસે પોતાની જવાબદારી ખંખેરી નાખવા માટે કિશોરને આરોપી તરીકે રજૂ કરી દીધો.’કહીને સુબોધ જોશી થોડી પળો માટે અટક્યો.

‘યોર ઓનર...!’સહસા કોર્ટરૂમમાં હાજર રહેલો ઈન્સ્પેક્ટર વામનરાવ ઊભો થઈને બોલ્યો.

સુબોધે તેની સામે જોઈ ને સ્મિત ફરકાવ્યું.

વામનરાવે પોતાના ગજવામાંથી એક વિનંતિપત્ર કાઢીને શાહ સાહેબ પાસે પહોંચાડ્યો. પછી બોલ્યો, ‘હું પોલીસ વિભાગ તરફથી કોર્ટની માફી માગું છું. અમારી સામે એવા સંજોગો ઊભા થયા હતા કે અમે કંઈ જ સમજી શક્યા નહોતા. અમે નવેસરથી આ કેસની તપાસ કરવા માગીએ છીએ. એટલું જ નહીં, કિશોર પરનો આરોપ પણ અમે પાછો ખેંચીએ છીએ. કેસ પાછો ખેંચવાનો તથા અમને ફરીથી તપાસ કરવા દેવાનો વિનંતિપત્ર હું આપને આપી ચુક્યો છું. મને નવેસરથી તપાસ કરવાની તક આપવામાં આવે એમ હું ઈચ્છું છું. પોલીસની કાર્યવાહીમાં ક્યારેક આવા સંજોગો પણ ઊભા થાય છે. સાચા ગુનેગાર સુધી પહોંચવા માટે મારાથી જે ભૂલ થઈ છે, એ બદલ હું કોર્ટની માફી માગું છું.’

કોર્ટમાં મોઝુદ માણસોમાં ગણગણાટ વ્યાપી ગયો. પોલીસને તેની ભૂલની માફી મળવી જોઈએ એવા હાવભાવ સૌના ચ્હેરા પર છવાયેલા હતા.

આશાનો ચહેરો કાપો તો લોહી ન નીકળે એવો થઈ ગયો.

એણે ત્રાંસી નજરે આનંદ સામે જોયું.

આનંદ માથું નમાવીને પથ્થરના પૂતળાની જેમ સ્થિર બેઠો હતો.

શાહ સાહેબ ધ્યાનથી વામનરાવનો વિનંતિપત્ર વાંચતા હતા. પત્રમાં લખ્યા મુજબ સાચા ગુનેગાર સુધી પહોંચવાની આ પોલીસની જ એક ચાલ હતી. અને પોલીસને કોર્ટના સહકારની જરૂર હતી.

પત્ર વાંચીને તેમણે ટેબલ પર પેપર વેઈટ નીચે દબાવી દીધો. પછી કહ્યું, ‘પોલીસ વિભાગ દ્વારા દર્શાવામાં આવેલાં કારણોને ધ્યાનમાં રાખીને કોર્ટ આ વિનંતિપત્રને કબૂલ કરે છે અને જ્યાં સુધી આ કેસની તપાસ પૂરી ન થઈ જાય. અને પોલીસની રજા વગર આ શહેર ન છોડવું એ શરતે કિશોરને મુક્ત કરે છે. આ કેસની નવેસરથી તપાસ માટે સી.આઈ.ડી. વિભાગને સોંપવામાં આવે છે. સાથે જ ભવિષ્યમાં તપાસ પૂરી થયા પછી જ કેસને કોર્ટમાં રજૂ કરવાની ઈન્સ્પેક્ટર વામનરાવને સૂચના આપે છે.’

શાહ સાહેબની વાત સાંભળીને વામનરાવની આંખોમાં ચમક પથરાઈ ગઈ.

આશા...! એ મનોમન બબડ્યો આ કેસને મેં જાણી જોઈને જ સી.આઈ.ડી. વિભાગમાં ટ્રાન્સફર કરાવ્યો છે. હવે નાગપાલ સાહેબ તારી ખબર લઈ નાંખશે. તને ઘટતા ફેજે પહોંચાડશે…

***