No return-2 Part-77 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | નો રીટર્ન-૨ ભાગ-૭૭

Featured Books
Categories
Share

નો રીટર્ન-૨ ભાગ-૭૭

નો રીટર્ન-૨

ભાગ-૭૭

“ પવન... સબૂર... “ એક ચીખ મારા કાને અફળાઇ અને કોઇક મારી ઉપર આવીને પડયું. હું ખળભળી ઉઠયો. મારું સંપૂર્ણ ધ્યાન સામેની તરફ હતું એટલે પાછળ શું થઇ રહયું છે એની બીલકુલ ખબર નહોતી. એ વ્યક્તિ સીધી જ મારી ઉપર ખાબકી હતી અને પછી તેનાં મો માંથી દર્દ ભર્યો ઉંહકારો નિકળ્યો હતો. ઘડીક તો સમજાયું નહી કે શું થયું..! પરંતુ ક્ષણનાં ચોથા ભાગમાં હું પડખું ફર્યો હતો.

“ ઓહ ગોડ, અનેરી તું...? “ મારા આશ્વર્યનો પાર નહોતો. એ અનેરી હતી.

“ હટ અહીથી... “ તેણે મને ધક્કો માર્યો અને લગભગ ચીખતા શ્વરમાં એ બોલી, અને પછી હું કંઇ સમજું એ પહેલાં વિજળીની ઝડપે કોઇ ચીજનો તેણે સામેની તરફ ઘા કર્યો. તેની વળતી જ ક્ષણે એક ચીખ મને સંભળાઇ અને એક આદીવાસી “ ધફફફ... “ કરતો ઉંધે કાંધ નીચે પડયો. હું ખરેખર અચંભીત બનીને જોઇ રહયો. ક્ષણભરમાં મને સમજાયું હતું કે માજરો શું બન્યો હતો..! મારી પાછળની તરફ થોડો ઉંચાણવાળો વિસ્તાર હતો. ત્યાં ઘટાટોપ ઉંચા- ઉંચા વૃક્ષોનો જમાવડો હતો. એવા જ એક વૃક્ષની પાછળ છૂપાઇને એક આદીવાસી અમારી તરફ આગળ વધતો હતો. એ સમયે મારું અને એનાનું સમગ્ર ધ્યાન સામેની બાજુ હતું. અમને પાછળ આવતા ખતરાનો સહેજે અંદાજ નહોતો. એ આદીવાસીએ બરાબર લાગ જોઇને અમારી ઉપર તીર છોડયું હતું. પણ એ સમયે જ અનેરીનું ધ્યાન તેની ઉપર ગયું હતું. એ વિનીત સાથે ઝાડનાં થડ પાછળ છૂપાયેલી હતી. ક્ષણની નાજૂકતાનો તેને તુરંત ખ્યાલ આવ્યો હતો અને અમને બચાવવા તે અમારી તરફ કુદી પડી હતી. એવું કરવામાં પેલા આદીવાસીએ છોડેલું તીર તેનાં જમણાં હાથની બાંહમાં ખૂપી ગયું હતું. પણ તેણે અમને... ખાસ તો મને બચાવી લીધો હતો અને ચાકુનાં એક જ વારે પેલા આદીવાસીને ઢેર કરી દીધો હતો. જો એ વચ્ચે કુદી ન હોત તો તીર સીધું જ મારી પીઠમાં ખૂંપી જાત. મને બચાવવા તેણે પોતાનાં જાનની પણ પરવા કરી નહોતી. હું આભારવશ દર્દથી તરડાતા જતાં તેનાં ચહેરાને તાકી રહયો. તેની બાજુમાં ખૂંપેલુ તીર બળપૂર્વક મેં ખેંચી કાઢયું. એ ઘાવમાંથી લોહીનો રગેડો રેળાયો. “ હે ભગવાન...” હું ફફડી ઉઠયો. તુરંત ખિસ્સામાંથી રૂમાલ કાઢીને કસકસાવી તેનાં ઘાવ ઉપર બાંધ્યો. અનેરીનું લોહી જોઇને મારા જીગરમાં ઉથલ પાથલ મચી ગઇ હતી. મારે તેની સૃશ્વુષા કરવી હતી પણ વાત એટલેથી અટકી નહોતી.

એ તરફથી બીજા બે ત્રણ આદીવાસીઓ અચાનક ક્યાંકથી ટપકી પડયા. તેઓ અમારી પાછળની દીશામાંથી આવ્યાં હતાં એટલે અમે સીધા જ તેમનાં લાગમાં આવતાં હતાં. અમારી પાસે હવે છૂપાવાનો કોઇ વિકલ્પ નહોતો બચતો. બન્ને દીશાથી અમે ઘેરાઇ ચૂકયાં હતાં. પાછળ કમસેકમ ત્રણ આદીવાસીઓ હતાં એટલું તો ચોક્કસ હતું. આકાશમાં ફેલાતાં જતાં આછાં અજવાશમાં મને એ તરફ થોડી હલચલ સ્પષ્ટ નજરે ચડતી હતી. ભારે કટોકટીની એ ક્ષણ હતી. એના પાસે રાઇફલ હતી પરંતુ બન્ને દીશામાં તેનાથી મોરચો સંભાળવો અશક્ય બન્યો હતો. જો સામેની દીશામાં ફાયરીંગ ચાલું રાખે તો પાછળથી આવેલાં આદીવાસીઓ અમને વિંધી નાંખે અને જો પાછળ ફરીને તેમનો સામનો કરીએ તો આગળથી વિંધાઇ જઇએ. બન્ને બાજુથી અમારું મોત લગભગ નિશ્વિત થઇ ગયું હતું. અમે સ્તબ્ધ બનીને પહેલો વાર કઇ દીશામાંથી થાય છે એની પ્રતિક્ષા કરી રહયાં હતાં. એના ની આંગળીઓ રાઇફલનાં ટ્રીગર ઉપર સ્થિર બનીને ચોંટી ગઇ હતી.

અને... સૌ પ્રથમ પાછળની તરફથી એક સાથે ત્રણ તીર વછૂટયાં. અમે ત્રણેય સીધા જ એ તીરથી વિંધાઇ જવાનાં હતાં. તીર રૂપી ઉડતું મોત અમારી નજીક આવી રહયું હતું. મારા દીલની ધડકનોમાં શૂન્યતાં છવાઇ ગઇ અને મેં આંખો મીંચી લીધી. બસ... એક ક્ષણ દૂર અમારૂં મૃત્યું અટ્ટહાસ્ય કરતું હતું.

પરતું... કોણ જાણે કેવી રીતે અચાનક વિનીત એકાએક ઉઠયો અને તેણે અમારી તરફ છલાંગ લગાવી દીધી. ખબર નહી તેનાં શરીરમાં એટલી તાકાત ક્યાંથી આવી હશે..! ક્ષણનાં ચોથા ભાગમાં તે અમારી અને તીરની વચ્ચે આવી ગયો. જે તીર અમારૂં મોત બનીને ત્રાટકયાં હતાં એ તીર ભયંકર ગતીથી તેનાં શરીરમાં સમાઇ ગયાં. એ કલ્પનાતીત દ્રશ્ય હતું.

“ વિનીત.... “ અનેરીનાં ગળામાંથી રાડ ફાટી પડી. વિનીત બરાબર તેનાં પગ પાસે જ આવીને પડયો. પોતાનું તમામ દુખ દર્દ ભૂલીને અનેરી વિનીત તરફ લપકી. “ નો... નો.... વિનીત... નો... ઓહ ગોડ..... વિનીત.. તે આ શું કર્યું...? “ એકધારૂં તે બોલતી રહી. તેણે નીચે પડેલાં વિનીતનું માથું પોતાનાં ખોળામાં લઇ લીધું અને દર્દથી તરડાયેલો તેનો ચહેરો હાથેથી પસવારવા લાગી. “ ઓહ વિનીત.... ઓહ માય ગોડ.... “ તેની આંખોમાંથી ચોધાર આંસુ વહેતાં હતાં. હું પણ હતપ્રદ બનીને એ દ્રશ્ય જોઇ રહયો. વિનીત અમને બચાવવા પોતાનો જીવ જોખમમાં મુકી દેશે એવો તો સ્વપ્નેય મને ખ્યાલ નહોતો. વિનીત વિશે એક પૂર્વગ્રહ મારા મનમાં હતો જ, પરંતુ અત્યારે એ બધું વિચારવાનો સમય નહોતો કારણકે હજું અમે ખતરાથી મુક્ત થયાં નહોતાં. પેલાં આદીવાસીઓ ફરી વખત હુમલો કરવા સાબદા થયાં હતાં અને તેમણે સમય ગુમાવ્યાં વગર તીર કમાન ઉપર ચડાવ્યાં. પરંતુ આ વખતે તેઓ થોડી ક્ષણ પૂરતાં મોડા પડયા હતાં.

એના એ વિનીતને તીર વાગતાં જોયું હતું. જેવો વિનીત નીચે પડયો કે સેકન્ડનોય સમય ગુમાવ્યાં વગર તેણે રાઇફલનું નાળચું પાછળની દીશામાં ફેરવ્યું હતું, અને દાંત ભિંસીને ટ્રીગર ઉપર આંગળી દબાવી દીધી હતી. એકસાથે હજ્જારો ગોળીઓનો જાણે વરસાદ વરસ્યો.. એ ગોળીઓની રમઝટ વચ્ચે જે કોઇપણ ચીજ આવી એ ચીજનાં રીતસરનાં ભૂક્કા બોલી ગયાં. એ તરફનાં ઝાડવાઓનો તો રીતસરનો સોથ જ નિકળી ગયો. પેલા ત્રણ આદીવાસી માણસોનાં શરીરમાં તો એટલી બધી ગોળીઓ ધરબાઇ ગઇ હતી કે તેમને શ્વાસ લેવાનો સમય પણ મળ્યો નહી અને સેકન્ડોમાં યમદ્વાર પહોચી ગયા હતાં. એના એ જબરો સપાટો બોલાવ્યો અને જ્યાં સુધી મેગેઝીન ખાલી ન થયું ત્યાં સુધી એ અટકી નહોતી. તેનાં મનમાં ખૂન્નસ વ્યાપ્યું હતું. મેગેઝીન ખાલી થતાં તુરંત તેણે બીજું મેગેઝીન ચડાવ્યું અને ફરીપાછો આગળની તરફ ફરીને મોરચો માંડી દીધો હતો.

પરંતુ આગળની બાજું એક અજબ ટેબ્લો રચાયો હતો...! જ્યાં આદીવાસીઓ રોકાયા હતાં અને અત્યારે જંગલમાં છૂપાઇને અમારી ઉપર હલ્લો કરી રહ્યાં હતાં ત્યાં એકાએક જ જબરી ભાગદોડ અને અફરા- તફરી મચી ગઇ. એ તરફથી ભારે હોકારા પડકારા અને મરણતોલ ચીખોનો નાદ ગૂંજી ઉઠયો. લાગતું હતું કે અચાનક જ કોઇ જંગલી પાગલ હાથીઓનું ટોળુ આદીવાસીઓનો કચ્ચરઘાણ બોલાવા માંડયું છે. એના સ્તબ્ધ બનીને એ તરફ જોઇ રહી. થોડીકવાર પછી એ ભાગદોડનું કારણ તેની સમજમાં આવ્યું હતું અને તેનાં ધધકતા જીગરમાં થોડી શાંતાં વળી હતી.

બન્યું એવું હતું કે જોશનાં ભયાનક મોતથી કાર્લોસ અને ક્રેસ્ટો ગાંડા થયા હતાં. કાર્લોસને તો જોશનો ચહેરો નજરો સમક્ષથી હટતો જ નહોતો. તે જોશનાં મોતનો બદલો લેવા બહાવરો બન્યો હતો, એટલે જેવા આદીવાસીઓ તેને દેખાયા કે તે એમની ઉપર તૂટી પડયો હતો. તેની પિસ્તોલની એક એક ગોળીએ એક એક આદીવાસી વિંધાતો ગયો. ભારે બેરહમીથી તેણે ગોળીબાર ચલાવ્યો હતો. ક્રેસ્ટો પણ તેનાં બોસને સાથ પુરાવતો હોય એમ ચો- તરફ ફરી વળ્યો. એક એક આદીવાસીને શોધી- શોધીને તેમણે સફાયો બોલાવી દીધો હતો. દોડાવી- દોડાવીને અતી બેરહમી પૂર્વક તેમનો ખાત્મો બોલાવ્યો હતો. એમેઝોનની ધરતી આદીવાસીઓનાં લોહીથી રંગાઇ ગઇ હતી. જેટલાં આદીવાસીઓ આવ્યાં હતાં એ તમામ મરાયા હતાં. એકપણ વ્યક્તિ જીવિત બચ્યો હોવાનાં કોઇ અણસાર બચ્યા નહોતાં.

એમેઝોનની પ્યાસી ધરતીએ વળી એક ખૂંખાર જંગ જોઇ હતી. પણ આ જંગ કોઇ રાની પશુઓ વચ્ચે નહોતી ખેલાઇ. જંગ ખેલાઇ હતી સૃષ્ટીનાં સૌથી પ્યારા સર્જન એવા મનુષ્યો વચ્ચે. જે કદાચ પશુઓથી પણ બદતર હતાં. જો કે એમાં તેમનો પણ વાંક નહોતો. આ જંગલની ફીતરત જ કંઇક એવી હતી કે ન ચાહવા છતાં માનવી જંગલી બની જતો હતો. આખરે જંગલનાં કાયદાઓ તો જંગલી જ હોવાનાં....!

( ક્રમશઃ )

મિત્રો..

બની શકે તો કોમેન્ટ કરજો કે આ કહાની તમને કેવી લાગે છે..?

રેટીંગ ચોક્કસ આપજો.

આપ રહસ્યમય કથાઓનાં રસીયા હોવ તો તમને મારી અન્ય નવલકથાઓ જેવી કે....

નસીબ

અંજામ

નગર

નો રીટર્ન

પણ ચોક્કસ ગમશે.