Lime light - 10 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | લાઇમ લાઇટ - ૧૦

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

લાઇમ લાઇટ - ૧૦

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૧૦

"લાઇમ લાઇટ" ના ટ્રેલરના લોન્ચિંગમાં રસીલીને રૂબરૂ જોઇ પબ્લિક ગાંડા જેવું થઇ ગયું હતું એ જોઇ પ્રકાશચંદ્ર ખુશ થયા હતા. દર્શકોનો સારો પ્રતિસાદ તે સમજી શકતા હતા. પ્રકાશચંદ્ર પોતે પણ રસીલીના જોબનથી પોતાની ઉત્તેજના વધી હતી એ અનુભવી ચૂક્યા હતા. પ્રકાશચંદ્રએ સપનામાં પણ કલ્પના કરી ન હતી કે રસીલીને કારણે તેમની નપુંસકતાની બીમારી પોબારા ગણી જવાની હતી. અને તે એક યુવાનની જેમ ફરી પોતાના પુરુષત્વનું ગૌરવ મેળવવાના હતા. તે ખુદ આજે રસીલીના રૂપથી ઘાયલ હતા. તેમને થયું કે રસીલી પડદા પર ધૂમ મચાવી દેશે. આ કાર્યક્રમમાં તેનું જોબન છલકાય એવો ડ્રેસ પ્રકાશચંદ્રએ ખાસ તૈયાર કરાવ્યો હતો. રસીલીના જોબનને કેદ કરવા કેમેરાની ચાંપો ફટાફટ પડી રહી હતી. રસીલીએ પ્રકાશચંદ્રની સૂચના પ્રમાણે એક-બે વખત નીચા નમીને પોતાના ચંપલને ઠીક રીતે પહેરવાનું નાટક આબાદ રીતે ભજવ્યું હતું અને કેમેરામેનોને તેના લોકટ બ્લાઉઝમાં ઝાંકવાની તક પૂરી પાડી હતી. રસીલી પોતાની લોકપ્રિયતા જોઇને ખુશ થઇ રહી હતી ત્યારે "રસીલી...રસીલી..." ના ઉત્તેજનાભર્યા શોરમાં સોનાની થાળીમાં લોઢાની મેખ જેવો "રસુ" નો એક કર્કશ અવાજ સંભળાયો હતો. રસીલી આટલા બધા શોરબકોરમાં એ અવાજ સાંભળીને ચોંકી ગઇ હતી. તેણે નજર નાખી તો "રસુ"ની બૂમ પાડતો એક માણસ થિયેટરમાં ખુરશીઓ પર ઊભા થઇ ગયેલા દર્શકોને બાજુ પર ખસવાનું કહેતો બહાર નીકળી રહ્યો હતો. અને ગમે તે ઘડીએ સ્ટેજ પાસે આવી જવાનો હતો. સ્ટેજ નીચે લોકોનું મોટું ટોળું હતું. અને એ બધા રસીલી સાથે હાથ મિલાવવા થનગની રહ્યા હતા. રસીલીએ પ્રકાશચંદ્રની સૂચના મુજબ નજીક જઇને કેટલાકની સાથે હાથ મિલાવ્યા. એમાં એક પુરુષે ઉત્તેજનામાં તેનો હાથ જરા વધારે દબાવ્યો. રસીલી એક ઝાટકા સાથે હાથ ખેંચીને પોતાના સ્થાન પર આવી ગઇ અને કૃત્રિમ હાસ્ય વેરી રહી. ત્યારે તેણે જોયું કે "રસુ"ની બૂમ પાડતો એ માણસ ખુરશીઓની હરોળમાંથી બહાર નીકળી ચૂક્યો હતો. રસીલીએ તેની પાસેના સિક્યુરીટી ગાર્ડને નજીક બોલાવી દર્શકોમાં ઇશારો કરી સૂચના આપી. અને ફરી કાર્યક્રમમાં જોડાઇ ગઇ. દસ જ મિનિટમાં સમારંભને આટોપી લેવામાં આવ્યો. મિડિયાએ રસીલીના ઇન્ટરવ્યુની જીદ કરી એટલે અજ્ઞયકુમારની ફિલ્મનો ઇન્ટરવલ પૂરો થયાની જાહેરાત કરી ફિલ્મનો બીજો ભાગ શરૂ કરાવી બધા બહાર આવી ગયા.

પત્રકારોએ ઝટપટ પોતાના કેમેરા સેટ કરી દીધા.

પહેલો જ સવાલ રસીલી માટે ભારે હતો. "રસીલીજી, તમને "લાઇમ લાઇટ" માં તક કેવી રીતે મળી? તમારી પસંદગી કેવી રીતે થઇ...?"

પત્રકારોના સવાલથી પ્રકાશચંદ્રના દિલમાં ગભરામણ થવા લાગી પણ તે સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરવામાં સફળ રહ્યા. તેમને રસીલી પર વિશ્વાસ હતો.

સવાલથી રસીલી એક ક્ષણ માટે ગભરાઇ પણ પછી જાત પર કાબૂ મેળવી બોલી:"હું ખુશનસીબ છું કે મને ડાયરેકટર પ્રકાશચંદ્રજીની આ ફિલ્મમાં કામ કરવાની તક મળી ગઇ. હું મારા ગામમાં રામલીલામાં કામ કરતી હતી ત્યારે અચાનક એક દિવસ પ્રકાશચંદ્રજી તેમની ફિલ્મના શુટિંગ માટે આવ્યા અને મને આ ફિલ્મ માટે પસંદ કરી લીધી. મને અભિનયનો થોડો અનુભવ હતો પણ પ્રકાશચંદ્રજીએ થોડા મહિના અભિનયની તાલીમ અપાવી અને હું આજે તમારી સામે એક અભિનેત્રી તરીકે ઉભી છું. હું કેટલી સફળ થઇ છું એ તો ફિલ્મ રજૂ થયા પછી જ તમે કહી શકશો. પણ આજનું ટ્રેલર તમને કેવું લાગ્યું એ કહેશો?"

રસીલીએ સિફતથી જવાબ આપીને પત્રકારોને સામો સવાલ કર્યો એ જોઇ પ્રકાશચંદ્રને નવાઇ લાગી.

"રસીલીજી, ટ્રેલર તો જોરદાર છે. આપની અદાઓ અને સંવાદ દમદાર છે. પણ ફિલ્મ થોડી બોલ્ડ હોય એમ લાગતું નથી...?" એક ચોવટીયા પત્રકારે રસીલીના સવાલનો જવાબ આપી તેને વળતો સવાલ પૂછી લીધો.

રસીલી મંદ મંદ હસી. અને બોલી:"સાહેબ, ફિલ્મી દુનિયા પર જે ફિલ્મ આધારિત હોય એ થોડી બોલ્ડ તો બનવાની જ ને? તમે તો આ દુનિયાને સારી રીતે જાણો છો? અને એના સમાચાર કરતાં ગોસિપ વધારે છપાય છે એ પણ જાણો છો ને?"

રસીલીના સવાલ સાથેના જવાબ પર પત્રકારો આફરીન પોકારી ગયા. પ્રકાશચંદ્ર મનોમન મુસ્કુરાયા. અને રસીલીને હવે વધારે સવાલોનો સામનો કરવો ના પડે એ માટે વચ્ચે ઝુકાવી દીધું:"મિત્રો, રસીલીની વાત સાચી છે. આ ફિલ્મ આપણી ફિલ્મી દુનિયા પરની હોવાથી તેની ચમકદમક અને બોલ્ડ વિચારધારાને સમાવી છે..."

પછી પ્રકાશચંદ્ર ફિલ્મની વાર્તા વિશે ઝલક આપી હીરો મોન્ટુ અને અન્ય કલાકારોનો પરિચય કરાવી નીકળવા લાગ્યા. કેટલાક ખણખોદિયા પત્રકારો રસીલીની પાછળ પાછળ દોડતા તેના ગામનું નામ અને પરિવાર વિશે પૂછવા લાગ્યા પણ રસીલીએ ફરી શાંતિથી બેસીને મુલાકાત કરીશું કહીને તેમને ટાળી દીધા. રસીલીએ જોયું તો તેણે જે સિક્યુરીટી ગાર્ડને કામ સોંપ્યું હતું એ આવી ગયો હતો. તેને જોઇ પ્રકાશચંદ્રએ સહેજ ગુસ્સામાં તેને કહ્યું:"કિધર ચલા ગયા થા મેડમ કો છોડ કે?"

ત્યારે રસીલીએ જ તેનો બચાવ કરતાં કહ્યું:" પ્રકાશચંદ્રજી, એક-બે દર્શક કાબૂમાં રહેતા ન હતા તેમને હટાવવા ગયો હતો...."

"ઠીક હૈ...ધ્યાન રખ્ખો..." કહી પ્રકાશચંદ્ર બહાર નીકળી પોતાની કારમાં ગોઠવાયા. રસીલી પણ તેમની જ સાથે બેઠી. ત્યારે બંનેના ફોટા ક્લીક થતા રહ્યા!

પ્રકાશચંદ્રએ સ્ટાફને ફોન પર સૂચના આપી દીધી અને પોતે રસીલીને તેના ફ્લેટ પર મૂકવા નીકળી ગયા.

ફ્લેટ પર પહોંચીને રસીલીએ પ્રકાશચંદ્રનો આભાર માનતા કહ્યું:"પ્રકાશચંદ્રજી, કાર્યક્રમ સરસ રહ્યો..."

"હવે ટ્રેલરને કેવો પ્રતિસાદ મળે છે એના પર બધો આધાર છે..." કહી પ્રકાશચંદ્ર હોલમાં એક ખુરશીમાં ગોઠવાયા.

"હું કપડાં બદલી કાઢું...." કહી રસીલી બેડરૂમ તરફ વળી.

ત્યાં પ્રકાશચંદ્ર ઊભા થઇ તેની પાછળ આવતાં હસીને બોલ્યા:"હા, ચાલ ત્યાં બેસીને જ વાત કરીએ....તને શરમ તો નહીં આવે ને?"

"મને હવે શેની શરમ! પણ તમે હવે જરા શરમાવ! ઘરે તમારી પત્ની કામિની રાહ જોતી હશે....!" રસીલીએ તેમને વારવાનો પ્રયત્ન કર્યો. તેને ખ્યાલ આવી ગયો હતો કે પ્રકાશચંદ્ર તેની પાછળ ઘેલા થયા છે.

"એને તો ખબર જ છે કે ફિલ્મ રિલિઝ થતા સુધી હું બિઝી જ રહેવાનો છું."

"પણ આજે કામિનીબેન કેમ આવ્યાં નહીં?"

"એ હવે આ લાઇમ લાઇટની દુનિયાથી દૂર રહેવા માગે છે. ફિલ્મો છોડ્યા પછી તે ભાગ્યે જ કોઇ પાર્ટી કે પ્રોગ્રામમાં આવે છે...."

રસીલી કપડાં ઊતારવા લાગી. પ્રકાશચંદ્ર તેને જોઇ જ રહ્યા. તે પોતાના પર કાબૂ રાખી શક્યા નહીં અને તેને વળગી પડ્યા.

"અરે! કામિનીબેન માટે થોડો પ્રેમ રહેવા દો. એમને પણ તમારા પ્રેમમાં ભીંજવવી પડશે ને?" કહી રસીલીએ દૂર જવાનો પ્રયત્ન કર્યો.

"રસીલી, ખરેખર તું નશીલી છે! તને જોઉં છું ને નશો ચઢે છે. તારું વ્યસન થઇ ગયું છે. તારું આ ઉઘાડું જોબન મને પાગલ કરી મૂકે છે...." પ્રકાશચંદ્રએ રસીલીના વખાણ કરતાં તેને બેડ પર સુવડાવી દીધી.

થોડીવાર પછી રસીલી ખોટું ખીજવાતાં પોતાના કપડાં સમેટતી બોલી:"તમે બહુ ખરાબ છો! કોઇ જામને ઘૂંટડે ઘૂટડે પીને મજા લે ત્યારે તમે આખો ગ્લાસ ગટગટાવી જાવ છો!"

"એ તો શરાબ કેવી છે એના પર આધાર છે જાનેમન!" કહી પ્રકાશચંદ્રએ કપડાં પહેરી જવાની તૈયારી કરી.

પ્રકાશચંદ્ર ઘરે પહોંચ્યા ત્યારે કામિની તેમની રાહ જોતી બેઠી હતી.

"કેવો રહ્યો ટ્રેલર લોન્ચિંગનો કાર્યક્રમ?" કામિનીએ તેમને પૂછ્યું.

"બહુ સરસ. લોકોને ટ્રેલર બહુ પસંદ આવ્યું..." પ્રકાશચંદ્ર ખુશ થઇને બોલ્યા. અને મનોમન બોલી રહ્યા:"હીરોઇન તો કંઇક વધારે જ પસંદ આવી."

"ટ્રેલર યુટ્યુબ પર ટ્રેંડ કરી રહ્યું છે. તમારું ટ્રેલર વિભા બાલનને તો કંઇક વધારે જ પસંદ આવ્યું લાગે છે." કામિનીએ કટાક્ષમાં કહ્યું એટલે પ્રકાશચંદ્ર નવાઇથી તેની સામે જોઇ રહ્યા. કામિનીએ તેની વાતના સમર્થનમાં મોબાઇલ ધરી એક અખબારની વેબસાઇટ પરનો અહેવાલ બતાવ્યો. પ્રકાશચંદ્રએ હેડલાઇન વાંચી અને ચોંકી ગયા.

***

પ્રકાશચંદ્રના ગયા પછી રસીલી ફરી એકલી પડી. આજે તે પ્રકાશચંદ્રને સાથ આપવામાં સહજ રહી ન હતી. તેને પ્રકાશચંદ્રની પત્ની કામિનીની ચિંતા સતાવવા લાગી હતી. પરિણિત પ્રકાશચંદ્ર સાથે તે જે કરી રહી હતી એ યોગ્ય હતું? એવો સવાલ થઇ રહ્યો હતો. અચાનક "રસુ"ની બૂમ પાડનાર વ્યક્તિ વિશે વિચારી રહી. આજે તેણે પોતાના ભૂતકાળને પત્રકારો સમક્ષ ખોટી રીતે રજૂ કર્યો હતો. તે ફરી ભૂતકાળને યાદ કરવા લાગી.

હોસ્પિટલના બિછાને સૂતેલા પિતાએ પોતાનું ઘર ગિરવે મૂકી દીધું છે એ જાણ્યા પછી તેના પર જાણે વીજળી પડી હોય એવી દશા થઇ ગઇ હતી. પિતાની સારવારનો ખર્ચ તે હમણાં ઘર ગિરવે મૂકીને કાઢવા માગતી હતી. પણ ઘર તો પહેલાંથી જ ગિરવે મુકાઇ ચૂક્યું હતું. તેને રાઘવે આપેલી ભારતીબેનનો ફોન નંબરવાળી ચબરખી દેખાવા લાગી. એ ચબરખી તેણે બ્લાઉઝમાં મૂકી હતી. તેનો હાથ તેના પર ગયો. પણ તેણે નક્કી કર્યું કે એ રસ્તો તે અપનાવશે નહીં. દિલમાં પણ એક આંચકો લાગ્યો હતો. તેને થયું કે દિલ દુ:ખી રહ્યું છે. તેણે છાતી પર આંગળી દબાવી સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કર્યો:"તમે ઘર ગિરવે ક્યારે મૂક્યું? મને તો ક્યારેય વાત જ કરી નથી..."

"ઘણા મહિના થયા...દેવું વધી ગયું હતું..."

"મા આપણી સાથે હતી ત્યારે કે પછી?"

"એ ગઇ પછી...."

"ઓહ! તો પીવાના પૈસા મળતા બંધ થયા એટલે દેવું કરી પીધા કર્યું અને પછી ઘર પણ ગિરવે મૂકી દીધું. છતાં પીવાનું તો બંધ ના કર્યું. આમ પણ મા ગયા પછી ઘર કયાં ઘર જ રહ્યું છે. તમને કંઇ લાજશરમ ખરી કે નહીં? ઘર બનાવતાં વર્ષો નીકળી ગયા અને મહિનાઓમાં બધું ફનાફાતિયા કરી નાખ્યું..." રસીલીનો ગુસ્સો હવે સાતમા આસમાને પહોંચ્યો હતો.

ત્યાં આવી પહોંચેલા રાજુભાઇએ સહેજ ખોંખારો ખાધો. જશવંતભાઇએ ઘર ગિરવે મૂક્યું છે એ જાણી એમને પણ આંચકો લાગ્યો હતો. તેમને ખ્યાલ આવી ગયો કે જશવંત ક્યારેક જુગાર પણ રમે છે. કોઇની સાથે મોટી બાજી હારી ગયો હશે. અને ઘર ગિરવે મુક્યું હશે.

રાજુભાઇના આગમનથી જશવંતને રાહત થઇ. રસીલી બોલતાં અટકી ગઇ હતી.

રાજુભાઇએ રસીલીના ખભા પર હાથ મૂકી આશ્વાસન આપતાં કહ્યું:"બેટા, તું ચિંતા ના કરીશ. હું હમણાં ખર્ચની વ્યવસ્થા કરીશ. જશવંત સાજો થાય પછી આપણે આગળ વિચારીશું..."

રસીલીનો ગુસ્સો શાંત થાય એમ ન હતો:"તમે સાચવો તમારા દોસ્તારને. એ સાજા થયા પછી એમની આદત બદલવાના નથી એ હું લખીને આપું છું..."

"તું ચિંતા ના કરીશ. કોઇને કોઇ રસ્તો નીકળશે..." રાજુભાઇ તેને શાંત પાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા.

"રસ્તા તો ઘણા છે. આ રહ્યો..." કહી રાઘવની ચબરખી બતાવવાનું રસીલીને મન થઇ ગયું. પણ તે ચૂપ રહી.

રાજુભાઇએ તેમના પત્નીની બીજી બંગડી વેચીને હોસ્પિટલનું બીલ ભર્યું અને જશવંત ઘરે આવ્યો. રસીલી હવે જશવંતભાઇથી ખફા રહેતી હતી. તે નાનું-મોટું કામ કરી ઘર ચલાવતી હતી. પણ ફાટી ગયેલા પહેરણમાં રફ્ફુ વધારે હોય એવી સ્થિતિ થઇ ગઇ હતી. લોકો ઉઘરાણી કરી રહ્યા હતા. જશવંતભાઇને સોનાની નવી બંગડીઓ કરાવી આપવાનો તો મેળ જ પડતો ન હતો. અને એક દિવસ એક માણસ હાથમાં તાળું લઇને આવ્યો ત્યારે રસીલી ચોંકી ગઇ.

તેણે આવતાંની સાથે જ કહ્યું:"ચાલો બે કલાકમાં બહાર નીકળી જજો. ઘણા વખતની અમારા શેઠની માગણી છતાં તમે રૂપિયા ભરપાઇ કર્યા નથી એટલે આ મકાનનો કબ્જો હવે અમે લઇ લઇશું..."

રસીલી માટે તો આભ તૂટી પડ્યું હોય એવી સ્થિતિ હતી. હવે ઉપર આભ અને નીચે ધરતી એ હાલતમાં રહેવાની સ્થિતિ આવી ગઇ હતી. જશવંતભાઇએ તેને ઘણી વિનંતી કરી પણ તે માન્યો નહીં. જશવંતભાઇએ તેના શેઠ સાથે વાત કરાવવા કહ્યું.

પેલા માણસે ફોન લગાવીને શેઠને વાત કરી. શેઠ સાથે વાત કરવા જશવંત ઘરની બહાર એક ખૂણામાં ગયો. અને ઘણીવાર સુધી વાત કરીને આવ્યો. તેના ચહેરા પર ખુશી દેખાતી હતી. રસીલીને થયું કે કંઇક સારા સમાચાર છે. પણ રસીલીને એ ખબર ન હતી કે એ સમાચાર તેના માટે નહીં મકાન જેને ત્યાં ગિરવે મૂક્યું હતું એ શેઠ માટે સારા સાબિત થવાના હતા.

વધુ આવતા શનિવારે ૧૧ મા પ્રકરણમાં...

***

"લાઇમ લાઇટ" ના ટ્રેલર લોન્ચિગમાં "રસુ" નામની બૂમ પાડનાર માણસ કોણ હતો? તેનું પછી શું થયું? અખબારની વેબસાઇટ પરનો ટ્રેલરનો અહેવાલ વાંચી પ્રકાશચંદ્ર કેમ ચોંકી ગયા? મકાન જેમને ગિરવે મૂક્યું હતું એ શેઠ સાથે વાત કર્યા પછી રસીલીના પિતા કેમ ખુશ હતા? સાકીર ખાનને શરીર સોંપીને ફિલ્મ મેળવનાર સ્ટાર કિડ ધારાને આ ભૂલ કેટલી મોંઘી પડશે? સાકીર ખાન પ્રકાશચંદ્રના ડાયરેક્શનમાં કામ કરવા તૈયાર થયો એની પાછળ કયા બે કારણ હતા? પ્રકાશચંદ્રની ફિલ્મ હિટ રહેશે કે નહીં? શું કામિનીનો રાજીવ માટેનો ડર સાચો સાબિત થશે? પ્રકાશચંદ્ર સાથ માણીને ગયા પછી રસીલીએ તરત કોને અને શું મેસેજ કર્યો હશે? ઘણા બધાં પ્રશ્નો અને રહસ્યો વધી રહ્યા છે જે તમને આગળના પ્રકરણમાં ચોંકાવી દેશે. એ બધા જ સવાલ અને તેના રહસ્યના ઉદઘાટન માટે "લાઇમ લાઇટ" ના હવે પછીનાં રસપ્રચૂર પ્રકરણો વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં. અને રેટીંગ જરૂરથી આપશો.

*

મિત્રો, મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમને માતૃભારતી પર એક જ બેઠકે વાંચવી ગમશે. તેના માટેનો આપનો પ્રેમ સતત વધી રહ્યો છે. તેના માતૃભારતી પરના ૧.૮ લાખથી વધુ ડાઉનલોડ તેની લોકપ્રિયતાનો પુરાવો છે. કોલેજમાં ભણવા ગયેલી એક સ્વરૂપવાન છોકરી અર્પિતા કેવી રીતે એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે અને પછી એ કેવી રીતે તેનો બદલો લે છે અને રાજીબહેનને માત આપે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની દિલચશ્પ અને દિલધડક પ્રસંગોથી ભરપૂર વાર્તા ૪૮ પ્રકરણ સુધી તમને ચોક્કસ જકડી રાખશે. "રેડલાઇટ બંગલો" વાંચીને આપનું રેટીંગ જરૂરથી આપશો. એ ઉપરાંત મારી લઘુનવલ "આંધળોપ્રેમ" અને ટૂંકી વાર્તાઓ પણ માતૃભારતી પર વાંચી શકશો.