Womens Day Special in Gujarati Magazine by Ravi bhatt books and stories PDF | ચાલો 24 કલાક માટે સ્ત્રી સન્માનનો ખેલ કરીએ

Featured Books
  • सर्द हवाएं

    लेख-सर्द हवाएं*******""       यूं तो सर्दियों के मौसम में जब...

  • इश्क दा मारा - 45

    यूवी गीतिका का हाथ पकड़ कर ले जा रहा होता है तभी गीतिका बोलत...

  • लल्लन जी की अद्भुत नौकरी

    गाँव के एक छोटे से कस्बे में रहते थे लल्लन जी। उनका नाम ही उ...

  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

Categories
Share

ચાલો 24 કલાક માટે સ્ત્રી સન્માનનો ખેલ કરીએ

ચાલો 24 કલાક માટે સ્ત્રી સન્માનનો ખેલ કરીએ

સ્ત્રી જ્યારે આ પોતાની ક્ષમતાનો આત્મસાક્ષાત્કાર કરી લેશેને ત્યારથી તેને આ દુનિયા ખૂબ જ નાની અને ક્ષુલ્લક લાગશે. સોશિયલ રિસ્પેક્ટ માટે જ્યાંત્યાં દોડાદોડ કરતી સ્ત્રીએ માત્ર સેલ્ફ રિસ્પેક્ટને પ્રાધાન્ય આપવાનું છે. દરેક સ્ત્રી પોતાની અંદર રહેલી સ્ત્રીનું માન જાળવતી અને તેને સાચવતી થઈ જશે, તે દિવસથી દરરોજ તેને વુમન્સ ડેનો જ અનુભવ થશે. (પેટા)

વુમન્સ ડે આવી ગયો. આઠમી માર્ચે મહિલાઓ માટેનો એક વિશેષ દિવસ ઉજવાશે. એક એવો દિવસ જેમાં તમામ સમગ્ર વિશ્વ સ્ત્રીઓને તેમના સ્ત્રીત્વનો કે નારીત્વનો અનુભવ કરાવશે. સ્ત્રીઓ જાતે પણ પોતે સ્ત્રી હોવાનું ગૌરવ અને અભિમાન લઈને ફરશે. ક્યાંક સન્માન થશે તો ક્યાંક બહુમાન થશે, ક્યાંક શુભેચ્છા પાઠવવામાં આવશે તો ક્યાંક ઉજવણીઓ કરવામાં આવશે. મોલ્સ, સુપર સ્ટોર્સથી માંડીને મલ્ટિપ્લેક્સ સુધી મહિલાઓને વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ઘરમાં લોકો સ્ત્રીઓને ગુલાબ આપશે, બુકે આપશે, ગિફ્ટ આપશે, અને બીજી ઘણી રીતે ઉજવણી કરશે. આ બધો ખેલ હોય છે 8 માર્ચનો. ત્યારબાદ 9 માર્ચે એક વખત આ સ્ત્રીઓની સ્થિતિ જોઈ છે. સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ બાદ અભેરાઈએ ચઢાવી દેવાતા દેશના તિરંગાની જેમ જ સ્ત્રી સ્વાતંત્ર્યના વિચારોને પણ પોટલું વાળીને ઘરના ખૂણામાં ક્યાંક મૂકી દેવામાં આવશે.

આપણે અન્ય તહેવારોની જેમ જ આ પણ એક તહેવાર બની ગયો છે. ફેમિનિઝમને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધું છે. માતા, બહેન, મિત્ર, પ્રેમિકા, પત્ની અને દીકરી આ તમામ રૂપે સમાજમાં રહેલી સ્ત્રીઓ અને તેમના સંબંધો ટેકન ફોર ગ્રાન્ટેડ વધારે છે. તેની પાછળ જવાબદાર પુરુષો કરતા સ્ત્રીઓ વધારે છે. આ વાત જરાય ખોટી નથી. તમને કોઈ એક વખત અન્યાય કરે અને તેમને સહન કરી લો એટલે સામેની વ્યક્તિને ખ્યાલ આવી જશે કે અહીંયા આપણો ગજ વાગશે. તેવી જ રીતે સ્ત્રીએ એક વખત સહન કરવાનું શીખી લીધું એટલે તેને સહનશીલતાની દેવી બનાવી દીધી. આપણા સમાજમાં પ્રજનન, પ્રસવ અને વુમન્સ ડે, મધર્સ ડે તથા ડોટર્સ ડે કે પછી રક્ષાબંધન જેવા ગણ્યાગાઠ્યા પ્રસંગો છે જેમાં નારીત્વને ઉજવવામાં આવે છે, સન્માનવામાં આવે છે. વુમન્સ ડે કોઈ ઉજવણી કે ઉત્સવ નથી પણ સ્વાનુભુતી છે. આ એક દિવસ એવો છે જ્યારે દુનિયાભરની સ્ત્રીઓ પોતાનામાં રહેલી સ્ત્રીની અનુભુતી કરે છે. ચાલો માની લઈએ કે એક દિવસ માટે દુનિયાના તમામ પુરુષો પોતાની આસપાસ રહેલી સ્ત્રીઓને ખરેખર સ્ત્રી હોવાનું ગૌરવ આપે છે તો પણ તે રહેવાનું કેટલું... માત્ર 24 કલાક.

સ્ત્રીઓ હંમેશા લાગણીશીલ થઈને રહેતી હોય છે. તેઓ આ લાગણીઓના પ્રવાહમાં એટલી બધી તણાઈ જાય છે કે, મારો પતિ, મારું ઘર, મારા સંતાનો, મારો પરિવાર... અને બીજું ઘણું બધું. આખા દિવસના અંતે જો કે એક વખત પોતાની પાછળ જૂએ તો ખ્યાલ આવશે કે તેની પાસે તો તેનો પડછાયો પણ નથી. સ્ત્રીની અંદર રહેલું મારાપણું કે હોવાપણું ખૂબ જ મહત્વનું છે. આજનો સમાજ ખૂબ જ સ્વાર્થી છે અને તેની સાથે તેવી રીતે જ ડિલિંગ કરવું જોઈએ. ગમે તેટલો આધુનિક અને શ્રીમંત પરિવાર હશે પણ જ્યારે સ્ત્રી અને પુરુષની વાત આવે ત્યારે સંસ્કારો, પરંપરાઓ અને માન્યતાના પૂછડાં પકડીને જ ફરશે. તે સમયે તેની સો કોલ્ડ એગ્રેશન, મેચ્યોરિટી, ઈક્વાલિટી બધું જ ક્યાંય પડીકે બંધાઈ ગયું હશે. જ્યાં સુધી તે સંવેદનાનું સેલ્ફરિસ્પેક્ટ નહીં જાળવે ત્યાં સુધી સિદ્ધિ અને સફળતાઓ બદલ મળતું સોશિયલ રિસ્પેક્ટ અર્થવગરનું છે. મુનીર નિયાઝીએ આ માટે ખૂબ જ સરસ વાત કરી છેઃ

શહર કા તબ્દીલ હોના શાદ રહના ઔર ઉદાસ

રૌનકેં જિતની યહાં હૈ ઔરતોં કે દમ સે હૈ.

સ્ત્રીઓ હાલના સંજોગોમાં પુરુષ કરતા આગળ વધવા અથાગ પ્રયાસ કરે છે. આધુનિક માતા-પિતા પોતાની દીકરીઓને સર્વશ્રેષ્ઠ શિક્ષણ, નોકરી, સુવિધાઓ આપવા મથે છે. તેને દીકરાથી સહેજ પણ ઉતરતી રાખવા માગતા નથી. વાત ખૂબ જ સારી છે પણ તેમાં આપણે એક ભુલ કરીએ છીએ. દીકરીને સતત સ્વતંત્રતા આપીને આપણે તેને સ્વચ્છંદતા તરફ અજાણતા જ દોરી જતા હોઈએ છીએ. દીકરીને સ્વતંત્રતા આપો પણ સાથે સાથે તેને એ પણ સમજાવો કે તેનો સ્વભાવ સાહસની સાથે સાથે સૌમ્યતાનો પણ છે. ઋજુતા અને સહજતા સ્ત્રી સહજ સ્વભાવ છે જે કુદરતે આપેલા છે. આ સ્વભાવ ક્યારેય ન ગુમાવવા જોઈએ. તેને સતત એવું હોય છે કે એવી કોઈ વ્યક્તિ હોય જે મારી આંખોમાં જોઈને મારી વાત સમજી જાય. મારે કોઈને કશું કહેવું જ ન પડે અને બધું સમજાઈ જાય. મારા સપનાં, મારી ઈચ્છાઓ બધું જ જેને સમજાય એ જ મારો સાચો જીવનસાથી હોવો જોઈએ. આ ખરેખર અશક્ય છે. કારણ કે સ્ત્રી અને પુરુષ બે પ્રજાતી જ અલગ છે. એકમાં પહાડ જેવી કઠોરતા છે તો બીજો જીવ એ જ પહાડ ઉપર ઉગેલા કુણા ઘાસ જેવો છે. આપણે દીકરીને પહાડ જેવી કરવા મથીએ છીએ પણ ક્યારેય દીકરાને કુણા ઘાસ જેવો બનાવવા પ્રયાસ નથી કરતા.

સ્ત્રીમાં અપાર શક્તિ રહેલી છે જે તેને સમજદારી અને સ્વતંત્રતા બંને આપે છે. સ્ત્રી માટે પોતાના પતિ કે પ્રિયજનને પરસ્ત્રીગમન કરતો જોવો સાહજિક છે. તે પોતાના પતિના અનૌરસ સંતાનને સ્વાભાવિકતાથી ઉછેરી શકે છે, માતૃત્વ આપી શકે છે. પુરુષ માટે તે અશક્ય છે. પતિના અવસાન બાદ કે તેણે તરછોડ્યા બાદ પોતાનો સંસાર પોતાની રીતે આગળ વધારવો તેના માટે સ્વાભાવિક બાબત છે. તેને ફરીથી બીજા પુરુષની જરૂર જણાતી નથી. સ્ત્રીને આધારિત રહેવાની ટેવ પાડવામાં આવી હોય છે અને પુરુષને આધારિત રાખવાની. આ બે તફાવતો સમગ્ર સંસારને ચલાવે રાખે છે. ગમે તેટલા યુગ પસાર થાય, ગમે તે દેશમાં જાઓ, ગમે તે ભાષા બોલો પણ સ્ત્રીનો સ્વભાવ સ્ત્રી જ રહેવાનો છે. તેની અંદર રહેલી સહજતા, ઋજુતાને કોઈ દૂર કરી શકતું જ નથી. પુરુષ સમાવડી બનવા તેણે પોતાના સ્વભાવ અને સંવેદના સાથે સમાધાન કરવા માંડ્યા છે તે પણ એટલી જ વાસ્તવિકતા છે. નીલમા સરવરે આ વિશે ખૂબ જ સુચક વાત કરી છે,

ઔરત અપના આપ બચાએ તબ ભી મુજરિમ હોતી હૈ

ઔરત અપના આપ ગવાએ તબ ભી મુજરિમ હોતી હૈ

પુરુષસમોવડી થવાની લ્હાયમાં સ્ત્રી પોતાની સ્ત્રીત્વ ગુમાવી રહી છે. ઘર-પરિવાર સાચવવો, બિઝનેસ કરવો કે જોબ કરવી, સંતાનોને ભણાવવા, તેમની કારકિર્દી બનાવવી, વાર-તહેવારો અને પ્રસંગોએ વ્યવહારો સાચવવા જેવા તમામ કામ કરી બતાવવા અને તેની ગણતરી પણ કરી બતાવવી. ક્યારેક આ મુદ્દે ચર્ચા થાય ત્યારે તમામ બાબતોનો ઉલ્લેખ કરીને પોતાની તમામ ક્ષમતાઓને મુલવવા પ્રયાસ કરવા લાગે છે. આવું કરવું જ શા માટે. સ્ત્રી પોતે જાણે છે કે, તેનામાં કેટલી ક્ષમતા છે તો પછી તેને સાબિત કરવા શા માટે જાય છે. તેણે તો માત્ર એ વાતનો ગર્વ કરવાનો છે કે તેની પાસે સર્જન અને વિસર્જન બંનેની ક્ષમતા છે. સ્ત્રી અને ધરતી એક સમાન છે. તમારે માત્ર સારા બીજ વાવવાના હોય છે પછી લાખોગણું કરીને પરત મળતું જ હોય છે. સ્ત્રી જ્યારે આ પોતાની ક્ષમતાનો આત્મસાક્ષાત્કાર કરી લેશેને ત્યારથી તેને આ દુનિયા ખૂબ જ નાની અને ક્ષુલ્લક લાગશે. સોશિયલ રિસ્પેક્ટ માટે જ્યાંત્યાં દોડાદોડ કરતી સ્ત્રીએ માત્ર સેલ્ફ રિસ્પેક્ટને પ્રાધાન્ય આપવાનું છે. દરેક સ્ત્રી પોતાની અંદર રહેલી સ્ત્રીનું માન જાળવતી અને તેને સાચવતી થઈ જશે, તે દિવસથી દરરોજ તેને દરરોજ વુમન્સ ડેનો જ અનુભવ થશે.

- ravi.writer7@gmail.com