Tara sathvare in Gujarati Moral Stories by Dhruvil Prabtani books and stories PDF | તારા સથવારે

Featured Books
Categories
Share

તારા સથવારે




           સાંજનો સમય છે.બગીચામાં ફૂલો ખીલેલાં છે, જે હવે આથમવાની તૈયારીમાં છે અને એમાં પણ પાછું શિયાળો એટલે બહુ ઓછા લોકો બગીચામાં હોય છે, પણ ત્યાં જ એક પતંગિયાની જોડ બેસવા આવે છે. એવું લાગે છે જાણે નવા નવા લગ્ન થયેલા હોય છે. જોકે કોઈ જોવે તેઓને તો એવું જ લાગે કે આ બંને વચ્ચે કોઈ જાતનો સંબંધ નથી. કારણકે બંને એકબીજાની સાથે પણ કોઈ અજાણ્યાની જેમ ચાલતા હતા.
      અંતે ચાલતા ચાલતા તે પાસેના બાંકડા પર બેઠા, પણ બંનેની વચ્ચે નુ અંતર જોઈને કોઈને પણ એવું લાગે કે, આ શું.? તેને જોઈને તો એવું લાગતું હતું કે લગ્નને બહુ જ થોડો સમય થયો છે તો આટલા સમયમાં શું સમસ્યા થઈ ગઈ હશે.? જો વધારે સમય લગ્નને થયો હોય તો વાત બરોબર છે. જોકે બંનેના મનમાં ઘણા બધા સવાલ હતા. બંને એકબીજા જોડે ઘણી બધી વાત કરવા માગતા હતા, પણ વાત શરૂ કોઈ નહોતું કરી શકતું.   
     આખરે વિનીતે વાત ચાલુ કરી, કારણકે શ્રદ્ધાની આંખોમાં તો અફસોસ, દુઃખ, પ્રેમ, ગુસ્સો, બધી મિશ્ર લાગણી દેખાઈ આવતી હતી જેને તે દેખાડવા નહોતી માગતી. જ્યારે વિનીતે પોતાના મનમાં રહેલી પ્રેમ, વિશ્વાસ અને સમજણપણાની બધી લાગણીને શ્રદ્ધા ની સમક્ષ ઢોળીને પૂરો એફર્ટ મારી અને સવાલ પૂછ્યો,


                વિનીત:
        શ્રદ્ધા કંઈ થયું છે તને...?? 
               શ્રદ્ધા:
              નહીં તો...
               વિનીત:
(થોડો અચકાતાં)મારે તને કંઇક કહેવું છે.
                શ્રદ્ધા:
    હા તો કહી શકો છો તમે મને..
                વિનીત:
આપણા લગ્નને બે મહિના થઇ ગયા છે છતાં પણ મને એવું કેમ લાગે છે કે તને કોઈ બહુ મોટી સમસ્યા સતાવી રહી છે. જેને તું મારી સાથે શેયર કરવા નથી માગતી. મને એવું લાગે છે તારા મન માં જે ઉથલપાથલ ચાલે છે તેને શાંત કરવા તારી ફિલિંગ્સ ને મારી સાથે શેયર કરવી જોઈએ.
                 શ્રદ્ધા:
          એવું કંઈ જ નથી વિનીત.
                વિનીત:
         તને ઘરમાં કોઈ પ્રોબ્લેમ તો નથી ને...??
                 શ્રદ્ધા:
       નહીં તો, એવી કોઈ જ વાત નથી, વિનીત
                 વિનીત:
 તો એવું તે શું છે કે જે તું મને પણ કહેવા નથી માગતી જો તું કહીશ નહિ તો એ પ્રોબ્લેમ નું કોઈ સોલ્યુશન નહી મળે આપણને.
                  શ્રદ્ધા:
અરે ના વિનીત એવું કંઈ પણ નથી જો એવું કંઈ પણ હોય તો મેં તને કહી દીધું હોત.
                 વિનીત:
તો હું વિશ્વાસ કોના પર કરું તારા પર કે તારી આંખો પર કે જે બહુ સારી રીતે તારા જ બોલેલા શબ્દોને ખોટા પાડી રહી છે. કોઈ સમસ્યા છે જે તેને સતાવી રહી છે જેને તું કહેવા પણ માંગે છે પણ કોણ જાણે બોલી નથી શકતી.
                 વિનીત:
જો, શ્રદ્ધા સામું જો મારી. હું તને એમ નથી કહેતો કે તું મને જ આ વાત કર પણ કોઈ પણ એવી વ્યક્તિને એક વાર વાત કર કે જેથી કરીને તારા મનમાં જે પ્રોબ્લેમ તને આવી રહ્યો છે તેનું નિરાકરણ તને મળે કારણકે વાત કરવાથી જ દુખ હળવા થાય છે, વધતું નથી એ તો સુખ હોય છે જે બે ગણુ થાય છે.
                  વિનીત:
 અને જો તું મને પણ વાત કરે તો કોઈ પ્રોબ્લેમ નથી તારા દુઃખનું સમાધાન તને હું આપી શકીશ એક પતિની જેમ નહિ પણ એક મિત્રની જેમ હું તારી વાતને સાંભળીશ અને જે પણ પ્રોબ્લેમ તને થઈ રહ્યો છે તેનું નિરાકરણ તને હું આપીશ, ઇનફૅક્ટ આપણે બંને બેસીને પ્રોબ્લેમ નું સોલ્યુશન કાઢીશું કારણ કે ગમાં અણગમા માં પણ હવે આપણે રહેવાનું તો સાથે જ છે, એટલે જ તો તને ઘર થી દૂર અહીં શાંત જગ્યા એ લાવ્યો છું જેથી કરીને તારા મન ને શાંતિથી વિચારવાનો મોકો મળે.


          આટલો જોરદાર એફર્ટ મારીને તો કોઈપણ વ્યક્તિને પોતાના મનની વાત કહી દેવાનું મન થાય અને થયું પણ એવું જ, કદાચ આટલા સમયથી શ્રદ્ધાના મનમાં રહેલા વિચાર ના વમળ થી તેણે બહુ ભાર ભેગો કર્યો હતો અને આજે એ નીકળી ગયો. જેમાં પહેલાં તો શબ્દ ના બદલે આંસુ નીકળી પડ્યા. (વિનીત શ્રદ્ધા ને રૂમાલ આપે છે) પણ પછી શ્રદ્ધા એ વાત કરી, જે તેના દિલમાં ઘણા સમયથી હતી. વાત કરી તેણે અંકિત ની અને તેના સંબંધની અને વાત કરતા શ્રદ્ધા કહે છે 

                  શ્રદ્ધા
અંકિત જેને હું બહુ જ પ્રેમ કરતી હતી. કોલેજમાં અમે બંને સાથે મળ્યા હતા. અમે સાથે એમ.બી.એ કરતા હતા, તેને સારી એવી જોબ પણ મળી ગઈ હતી અને અમે ઘરે અમારા મમ્મી પપ્પાને વાત પણ કરી હતી અમારા સંબંધ ની, અને અમે લગ્ન પણ કરવાના હતા. પણ ત્યાં જ વેલેન્ટાઈન ડે ના દિવસે તેણે મને સરપ્રાઈઝ ગિફ્ટ માટે બોલાવી હતી એ દિવસે અમે બંને બહુ જ ખુશ હતા અંકિત મારા માટે સરપ્રાઈઝ ગિફ્ટ લઈને આવતો જ હતો ત્યાં અચાનક જ રસ્તામાં તેનું એક્સિડન્ટ થઇ ગયું. અને અમારા બંનેના સંબંધમાં ત્યાં જ પૂર્ણવિરામ આવી ગયું. ધીમે ધીમે સમય જતો ગયો પણ એ સમય ની સાથે મારા મનમાં રહેલી અંકિત ની યાદો ને હું કાઢી નહોતી શકતી. મારા મમ્મી પપ્પાએ મને ઘણું સમજાવ્યું પણ મારું મન હતું કે જે અંકિત નો સાથ છોડવા કોઈ પણ કિંમતે તૈયાર જ નહોતું. એમ પણ મેં તો મનમાં નક્કી કરી લીધું હતું કે હવે હું જિંદગીભર લગ્ન નહીં કરું. પણ મારા મમ્મી પપ્પા ની હાલત અને તેના સમજાવાથી મને લાગ્યું આમ તો હું મારા મમ્મી-પપ્પા ઉપર ભાર બનીને રહી છું અને પછી મમ્મી પપ્પા ની ખુશી માટે મારે લગ્ન કરવા પડ્યા. હવે તું જ કહે કે હું એ વાતને જરા પણ સહન નથી કરી શકતી કે અંકિત મારી જોડે નથી. અને એવામાં તારા સાથે પરાણે બાંધેલા સંબંધમાં કેવી રીતે ખુશ રહી શકું?

 આટલું સાંભળ્યા પછી પણ વિનીત ની મનઃસ્થિતિમાં કોઈ ફેરફાર ના આવ્યો. ઉપરથી તેણે થોડું હળવું સ્મિત કર્યું એટલે શ્રદ્ધા એ તરત પૂછી નાખ્યું

                 શ્રદ્ધા:
            શા માટે હસે છે? 
તરત જ વિનિતે વળતો જવાબ આપતા કહ્યું કે 

                 વિનીત:
સોરી, આમાં તારી સાથે જે પણ થયું છે એ ખરેખર ખોટું જ થયું છે  પણ જે પણ થયું છે એમાં તારો વાંક પણ નથી, અને ના તો તું અંકિત ને પાછો લાવી શકવાની છે. તો સારું છે કે તું ધીમે ધીમે તારી લાઇફમાં આગળ વધ.
               શ્રદ્ધા: 
 આટલું પણ આસાન નથી જેટલું તું માને છે અને તું તેને સમજી પણ નહીં શકે કારણ કે તને કોઈ દિવસ પ્રેમ નથી થયેલો

                 વિનીત:
                 પિંકી...
 વિનીત વાતને ચાલુ કરતા કહે છે 
            અમે બંને મેડિકલ કોલેજમાં સાથે હતા જ્યારથી અમે મિત્ર બન્યા ત્યારથી જ મને ખ્યાલ હતો કે પીન્કીને કેન્સર છે છતાં અમે બંને એ વિચાર્યું હતું કે પિન્કીની જેટલી પણ જિંદગી છે અમે બન્ને સાથે વિતાવીશું બની શકશે તો લગ્ન પણ કરીશું અને જેટલો પણ સમય હતો અમે ખરેખર સાથે મનાવ્યો અને ખૂબ ખુશીથી મનાવ્યો પણ અફસોસ અમે લગ્ન ના કરી શક્યા... પિન્કીની એ છેલ્લી ખ્વાહિશ અધૂરી રહી ગઈ પણ આજે હું ખૂબ જ ખુશ છું મને એ વાતનું જરા પણ દુઃખ નથી કે પિંકી મારી જોડે નથી. દિલ માં તે હંમેશા મારી સાથે હોય છે. હા, જ્યારે મને ખબર પડી કે પીંકી હવે મારી જોડે નથી ત્યારે દુઃખ મને ખૂબ જ લાગ્યું હતું પણ થોડા સમય પછી મને જ વિચાર આવ્યો કે આમને આમ બેસી રહેવાથી કઈ જ ઉકેલ નહીં આવે એના કરતા સારું છે કે પિંકીની જે ઈચ્છા હતી સારી રીતે જિંદગી જીવવાની એને હું સાકાર કરું. પિંકીને આજે પણ એટલો જ પ્રેમ કરૂ છું જેટલો તેને પહેલા કરતો હતો. કદાચ અહીંયા તારો અને મારો બંનેનો પ્રેમ તો એક સમાન જ છે પણ બસ બંનેની જતાવવાની રીત થોડી અલગ છે તું મનમાં રાખીને પ્રેમ કરે છે હું એને માણી ને પ્રેમ કરું છું, તુ પ્રેમ કરીને પણ દુઃખી દેખાય છે અને હું પ્રેમ કરીને પણ સુખી દેખાવ છું. તો સારું છે ને કે તું પણ તારા પ્રેમને માણ પણ અને ખુશ પણ રહે. હા હું તારી એ વાત સાથે સહમત છું કે અચાનક કોઈ આપણને ફીલિંગ્સ આવી નથી જવાની એકબીજા માટે ની પણ પ્રેમ નો મતલબ મજબૂરી તો નથી હોતો, તેનો મતલબ તો હોય છે ખુશ રેહવું, ખુશ રાખવું. ભલે, અત્યારે તું અને હું એકબીજા ને પ્રેમ ના કરતા હોય પણ એક સારા મિત્ર તો બનીને રહી શકીએ છીએ ને, અને મિત્રતા એ પ્રેમ ની શરૂઆત જ છે ને..? જેમ અમુક સંબંધ ને ભાષા ની જરૂર નથી હોતી તેમાં બધું આપમેળે થઈ જાય છે તેવું જ કદાચ પ્રેમ નું પણ છે નહીં તો આપણે બન્ને નું મળવાનું થોડું નક્કી હતું.
 કદાચ આજે વર્ષો પછી તને તારી મૂંઝવણમાંથી બહાર નીકળવાનો રસ્તો મળ્યો હશે, હા હું તને એમ નથી કહેતો કે તું અંકિત ને ભૂલી જા કદાચ એ ભૂલવું અસંભવ રહેશે, પણ સાથે સાથે વર્તમાનમાં પણ જીવવું તો જરૂરી છે ને.! શ્રદ્ધા તું તારો સમય લઇ શકે છે આરામથી તું વિચાર, તારી સમસ્યાનું નિરાકરણ તારા જ વિચારોમાં રહેલું છે.


 થોડું વિચાર્યા પછી શ્રદ્ધા ના ચહેરા પર થોડી ચમક હોય એવું લાગતું હતું. જાણે ઘણા વર્ષો પછી આ ચમક જોવા મળી હતી 
                 શ્રદ્ધા:
(વિનીત ની બાજુમાં આવતા) મને ભુખ લાગી છે ચલ ને કંઈક જમવા જઈએ            
                 વિનીત:
               (શ્રદ્ધા ની સામું જોતા)  why not ...?
પછી એ લોકો ચાલતા ચાલતા આગળ નીકળે છે આ વખતે શ્રદ્ધા પોતાનો હાથ આગળ કરે છે અને વિનીત તેના હાથમાં પોતાનો હાથ આપે છે આ ઉપરથી એવું લાગે છે કે ઘણા સમય પછી એ જોડું પાછું ભેગું થયું છે થોડા સમય પછી આ જ પતંગિયાની જોડ ફરી બાંકડા પર બેઠી હોય છે પણ આ વખતે દ્રશ્ય થોડું અલગ હોય છે.



                                              ધ્રુવીલ પ્રબતાણી