Bewafa - 6 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | બેવફા - 6

Featured Books
Categories
Share

બેવફા - 6

બેવફા

કનુ ભગદેવ

પ્રકરણ - 6

ઇન્સ્પેક્ટર વામનરાવ !

ટોર્ચર રૂમમાંથી બહાર નીકળીને અમરજી સીધો વામનરાવની ઓફિસમાં પહોંચ્યો.

વામનરાવ તેની જ રાહ જોતો હતો. એ પોતાનાથી જુનિયર ઓફિસર સાથે આ રીતે જ ચર્ચા કરતો હતો. કોઇ પણ ગુંચવાયેલા કેસ વિશે તર્ક કરતો રહેતો હતો. કેસમાં આગળ વધવાની તેની આ પદ્ધતિ અમરજીને ખૂબ જ ગમતી હતી. કિશોર પર તેમણે છેલ્લો દાવ અજમાવ્યો હતો. અને આ દાવમાં અમરજીને ગુનેગાર સામે પણ પોતાના સિનિયર ઓફિસરને ખરાબ ચીતરવો પડતો હતો. આને પ્રેમની ભાષા કહેવામાં આવતી હતી. અને તેમાં ભલભલા ગુનેગારો ફસાઇ જતા હતા. પરંતુ આ છેલ્લા દાવ અજમાવ્યા પછી કિશોર સાચું બોલે છે, એની અમરજીને પૂરેપૂરી ખાતરી થઇ ગઇ હતી.

વામનરાવના ટેબલ પર ચાના બે કપ પડ્યા હતા.

‘બેસ...’વામનરાવે તેને પોતાની સામે બેસવાનો સંકેત કરતા કહ્યું, ‘ચા હજુ ગરમ જ છે.’

અમરજી તેની સામે ખાલી ખુરશી પર બેસી ગયો.

વામનરાવે પ્રશ્નાર્થે નજર તેની સામે જોયું.

‘સાહેબ...!’ અમરજીએ તેની નજરનો અર્થ સમજીને કહ્યું, ‘કિશોર સાચું કહેતો હોય એવું મને લાગે છે.’કહી, કપ ઊંચકીને એણે એક ઘૂંટડો ભર્યો.

‘બરાબર છે...મને પણ એ ખોટું બોલતો હોય એવું નથી લાગ્યું. તે અનવરના મૃત્યુના સમાચાર તેને જણાવી દીધાં છે ?’

‘હા...’અમરજી બોલ્યો, ‘સાહેબ, આ કેસ તો વધુ ને વધુ ગૂંચવાતો જાય છે.’

‘તારી વાત સાચી છે. આ મામલો ખરેખર જ ગૂંચવાતો જાય છે. કિશોર અને અનવર લખપતિદાસ તથા એની પત્ની આશાનું ખૂન કરવાનાં હેતુથી એનાં બંગલે પહોંચ્યા. કિશોરના કહેવા મુજબ જયારે તેમણે લખપતિદાસની રૂમમાં, બારીમાંથી જોયું ત્યારે તેમાં કોઇ જ નહોતું. ત્યારબાદ તેમણે બીજી રૂમમાં નજર કરી તો એ રૂમમાં લખપતિદાસની પુત્રી સાધના સૂતી હતી. એનું યૌવન જોઇને તેમની દાનત બગડી. કિશોરનો મિત્ર અનવર બારીનો કાચ તોડીને રૂમમાં દાખલ થઇ ગયો. બરાબર એ જ વખતે નીચે ઊભેલાં કિશોર પર કોઇકે ટોર્ચનો પ્રકાશ ફેંક્યો. પરિણામે તે ત્યાંથી ગભરાઇને નાસી છૂટ્યો. અનવર બંગલામાં ફસાઇ ગયો છે એવો ભય તેને સતાવતો હતો. પોતાનાં પર ટોર્ચનો પ્રકાશ ફેંકનાર બંગલાનો કોઇક નોકર અથવા તો પછી લખપતિદાસનું કોઇક કુટુંબીજન હશે એમ એણે માન્યું. ભય પર કાબૂ મેળવવા માટે તેને શરાબની સખત જરૂર હતી. પરિણામે શરાબ પીવા માટે તે નેશનલ પાર્ક તરફ ગયો. જો, પોતાની ડીકીમાં મૃતદેહ પડ્યો છે એવી તેને ખબર હોત તો તે બંદરરોડથી નેશનલ પાર્ક સુધીનો લાંબો માર્ગ પસાર ન કરત. ઉપરાંત નેશનલ પાર્ક તરફ જતાં રસ્તામાં જ નહેરૂ પાર્કવાળો જંગલનો વિસ્તાર આવે છે. આ વિસ્તાર તો દિવસે પણ સૂમસામને ઉજ્જડ રહે છે તો પછી રાતની તો વાત જ ક્યા રહી ? એ મૃતદેહને ગમે ત્યાં ઠેકાણે પાડી શકે તેમ હતો. મૃતદેહ ચાદરમાં પોટલાની જેમ બાંધેલો હતો.વળી પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આ મામલાને વધુ ગૂંચવી નાખે છે. મૃતદેહનો ચહેરો એકદમ કચડાયેલો, છુંદો થઇ ગયેલો છે. જ્યારે પોસ્ટમોર્ટમનાં રિપોર્ટ મુજબ લખપતિદાસનું મૃત્યુ ઊંઘની ગોળીઓથી થયું છે. વધારે પડતી ઊંઘની ગોળીઓ જ તેમનાં મૃત્યું કારણ બની છે. આ સંજોગોમાં તેમનો ચહેરો શા માટે છુંદી નાખવામાં આવ્યો એ સવાલ મહત્ત્વનો છે.’વામનરાવે કપ ખાલી કરીને ટેબલ પર મૂકતાં કહ્યું, ‘અનવરના મોતે, લખપતિદાસના કેસને વધુ ગૂંચવી નાખ્યો છે. જો એ બંને સાથે જ પકડાયા હોત તો કેટલી યે વાતોના ખુલાસા થઇ જાત.’

‘સાહેબ...!’સહસા કોઇક વાત સૂઝી હોય એમ અમરજી બોલ્યો, ‘લખપતિદાસનું ખૂન કિશોર તથા અનવરે જ કર્યું છે.’

‘કેવી રીતે ?’

‘સાંભળો...જો કે આ માત્ર મારું અનુમાન જ જણાવું છું. કિશોર અને

અનવર સૌથી પહેલાં સીધા લખપતિદાસની રૂમમાં ગયા. ત્યાં તેમણે

આશાને બેભાન કર્યા પછી લખપતિદાસનું ખૂન તેમનાં મૃતદેહને ચાદરમાં

બાંધી દીધો.’

‘વેરી ગુડ...આગળ બોલ !’

‘તેમણે મૃતદેહને ટેક્સીની ડેકીમાં મૂકી દીધો. ‘

‘બરાબર...અને પછી ટેક્સીમાં બેસીને નાસી છૂટ્યાં ખરૂં ને ?’

‘ના, સાહેબ ! ત્યારબાદ તેમને માલમત્તા મેળવવાની લાલચ જાગી.

પરિણામે મૃતદેહને ડીકીમાં મૂકીને તેઓ પાછા પંગલામાં દાખલ થયા.

રસ્તામાં તેમની નજર સાધનાની રૂમ પર પડી. અનવર બારીનો કાચ

તોડીને તેની રૂમમાં પ્રવેશ્યો. જોગાનુજોગ સાધનાની ઊંઘ ઊડી ગઇ. એણે

આમ અડધી રાતે પોતાનાં પલંગ પાસે એક અજાણ્યા માણસને એટલે કે

અનવરને ઊભેલો જોયો. એણે મદદ માટે બૂમ પાડવાનો પ્રયાસ કર્યોં પરંતુ અનવરે એનું મોં દબાવી દીધું. ભય અને ગભરાટથી સાધના બેભાન થઇ ગઇ. એ જ વખતે કિશોરના દિમાગમાં પોલીસને મૂરખ બનાવવાનો, થાપ આપવાનો વિચાર આવ્યો. એ પણ સાઇલેન્સરયુક્ત રિર્વોલ્વરથી અનવરનું ખૂન કરી નાખ્યું. ત્યારબાદ તે અનવરના મૃતદેહને લખપતિદાસના બેડરૂમમાં મૂકી આવ્યો. આશા એ રૂમમાં અગાઉથી જ બેભાન પડી હતી. બલ્કે બેભાન હોવાનું નાટક કરતી હતી. એ તથા કિશોર, બંને આ ષડયંત્રમાં સામેલ હતા એટલા માટે જ તે આવું નાટક કરતી હતી.’

‘વેરી ગુડ...! તેં જે કંઇ જણાવ્યું છે, તેમાં ઘણી વાત બંધ બેસી તેવી છે.

પરંતુ તેમ છતાંય તેં જે મુદ્દો જણાવ્યો છે, તેનાં પર વિચારકરી શકાય તેમ છે.

‘વાસના...!’અમરજી બોલ્યો, ‘આ આખાય ષડયંત્ર પાછળ વાસનાની પ્રચંડ આગ છૂપાયેલી છે સાહેબ ! અને આ આગ બે મૃતદેહને જન્મ આપીને ગૂંચવાયેલી છે. આપણે, આ કેસમાં આ કેસની આગળ જવું પડશે સાહેબ ! આપણને અત્યાર સુધીમાં જે કંઇ જાણવા મળ્યું છે તે મુજબ કિશોર અને આશા એકબીજાને પ્રેમ કરતા હતા. આશાએ પોતાની મરજીથી જ લખપતિદાસ સાથે લગ્ન કર્યા હતા એ વાત પણ આપણે જાણીએ છીએ. એ વખતે કિશોરને આશાના આ પગલાંથી ખૂબ જ ક્રોધ ચડ્યો હતો. એ ગમે તેમ તોયે ઝૂંપડપટ્ટીમાં રહેતી છોકરી છે. પરંતુ આજે તેની હેસિયત એવી છે કે આપ જેવાં સફળ ઓફિસરને પણ એની સાથે વાતચીત કરવા માટે તેનાં ડ્રોઇંગરૂમમાં બેસીને રાહ જોવી પડે છે. એટલું જ નહીં, મરતાં પહેલાં લખપતિદાસ પોતાનો નૂર મહેલ નામનો ભવ્ય શો રૂમ પણ તેનાં નામ પર કરતો ગયો છે. આશા તીવ્ર બુદ્ધિશાળી હોઇ શકે છે. પોતે લખપતિદાસને ફસાવે છે. અને પાછળથી તેને ઠેકાણે પાડી દેવામાં આવશે એવી યોજના એણે કિશોર સાથે મળીને બનાવી હોય એવું પણ બની શકે તેમ છે. આ બધું અગાઉથી જ ઘડી કાઢવામાં આવ્યું હશે સાહેબ !’ ‘તારી બધી વાતોમાં એક પોઇન્ટ ખૂબ જ મહત્ત્વનો તથા મજબૂત છે અમરજી !’વામનરાવ ગંભીર અવાજે બોલ્યો, ‘અને એ પોઇન્ટ છે વાસના આજે વાસના માટે જેટલા જેટલા ગુનાઓ થાય છે, એની તપાસનાં પરિણામો આશ્ચર્યજનક આવે છે. પરંતુ તેં જે કંઇ જણાવ્યું છે તેનું પરિણામ આશ્ચર્યજનક નહીં આવે.’

‘કેમ...?’

‘એટલા માટે કે જે રિર્વોલ્વરથી અનવરનું ખૂન થયું છે, તેના પરથી કિશોરનાં આંગળાની છાપ નથી મળી. બત્રીસ કેલિબરની એ રિવોલ્વર પરથી માત્ર અનવરનાં આંગળાની જ છાપ મળી છે. આનાં પરથી તો એવું પુરવાર થાય છે. કે અનવરનુ મૃત્યુ પોતાના હાથેથી જ થયું છે. જ્યારે આ વાત પણ અશક્ય છે. અનવરે લખપતિદાસ પાસે જઇ, તેની પાસે એની રિવોલ્વર ઉછીની લઇને પોતાની જાતને ગોળી ઝીંકી દીધી હોય એવું બને જ નહીં.’

‘બરાબર છે એવું બને જ નહીં. સાહેબ, આ આપઘાતનો નહીં પણ ખૂનનો મામલો છે.’

‘હા...પણ ખૂની કમ સે કમ કિશોર તો નથી જ ‘હા...પણ ખૂની કમ સે કમ કિશોર તો નથી જ !’વામનરાવે ટેબલ પર સ્હેજ આગળ નમીને કહ્યું, ‘ મારો અનુભવ છે ! અને આ અનુભવ પરથી જ હું કહું છું કે કિશોર જેવો યુવાન ખૂન કરે જ નહીં. ! એ તો ઊલટું જો આપણે કહીએ તો લખપતિદાસ તો શું બીજાં પણ બે-ચાર ખૂનનાં આરોપ પોતાના માથા પર લેવા માટે તૈયાર છે. ના, એણે ખૂન કર્યું હોય એ વાત કોણ જાણે કેમ મારે ગળે નથી ઉતરતી. હા...વાસના...આ એક મજબૂત પોઇન્ટ છે. આપણે આ પોઇન્ટ વિશે વિચારીશું. આપણે અત્યારે જ લખપતિદાસની પત્ની આશાને મળવાનું છે. એ કોઇ કરોડપતિ શેઠની પત્ની નહીં, પણ ઝૂંપડપટ્ટીમાં રહેતી હોય એ રીતે જ આપણે તેની પૂછપરછ કરવાની છે. તારે મારી સાથે જ આવવાનું છે તું સાધનાની જુબાની ફરીથી લે એમ હું ઇચ્છું છું. એને ખૂબ જ બારીકાઇથી પૂછપરછ કરવાની છે. જે રીતે છાશને વલોવવાથી માખણ નીકળે છે, એ જ રીતે આપણે આ કેસને વલોવીને તેમાંથી ગુના નામનું માખણ કાઢવાનું છે.’કહીને વામનરાવ ઊભો થયો. ત્યારબાદ બંને જીપમાં બેસીને લખપતિદાસના બંગલે જવા માટે રવાના થઇ ગયા.

દસેક મિનિટમાં જ તેમની જીપ લખપતિદાસનાં બંગલાના પોર્ચમાં પહોંચીને ઊભી રહી ગઇ.

બંને જીપમાંથી નીચે ઊતર્યા. આ દરમિયાનમાં બહાદુરે ફાટક બંધ કરી દીધું હતું.

વામનરાવે સંકેતથી તેને પોતાની પાસે બોલાવ્યો.

બહાદૂર ઝડપથી તેની પાસે આવી પહોંચ્યો.

અમરજીની નજર બંગલા તરફ હતી.

ડ્રોઇંગરૂમનું બારણું ઉઘાડું હતું. તેમાંથી બહાર નીકળીને એક રૂઆબદાર વ્યક્તિત્વ ધરાવતો માણસ તેમની તરફ આગળ વધ્યો. એ માણસ બીજું કોઇ નહીં, પણ કાશીનાથ હતો. વામનરાવની જીપ જોઇને જ તે બહાર નીકળ્યો હતો. કાશીનાથ વિશાળગઢનો પ્રતિષ્ઠિત માણસ છે. એ વાત વામનરાવ તથા અમરજી પણ જાણતા હતા.

ઉપરાંત એનો પુત્ર આનંદ લખપતિદાસનો ભાવિ જમાઇ હતો, તથા સાધના પ્રત્યે અપાર લાગણી હતી, એની પણ તેમને ખબર હતી.

‘આવો ઈન્સેપ્કટર સાહેબ!’કાશીનાથ નજીક આવીને બોલ્યો.

એની હાજરીમાં બહાદુરને પૂછપરછ કરવાનું વમનરાવને યોગ્ય ન લાગ્યું.

લખપતિદાસના મૃત્યુને ચાર દિવસ વીતી ગયા હતા. બીજે દિવસે જ પોસ્ટમોર્ટમ પછી પોલીસે એનો મૃતેહ તેમના કુટંબીજનોને સોંપી દીધો હત. એના અંતિમ સંસ્કારમાં હજારો માણસોએ ભાગ લીધો હતો. છાપાવાળાઓએ પણ આ કેસ બાબત પોલીસની કાર્યવાહી વિરુદ્ધ ઘણું બધું લખ્યું હતું. પોલીસ જાણી જોઈને જ તેના ખૂનીઓને છાવરે છે એવું પણ અમુક અખબારોએ લખ્યું હતું.

કિશોરને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરીને તેમના આદેશથી જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. લખપતિદાસનું ખૂન કિશોરે જ કર્યું છે એમ સૌ કોઈ માનતા હતા. ઉપરાંત બંગલામાંથી મળી આવેલા એના મિત્ર અનવરના મૃતદેહ વિશે બધા જાતજાતની અટકળો કરતા હતા.

બંગલામાં લખપતિદાસ શુભેચ્છકોની આવ-જા હજુ પણ ચાલુ હતી.

વામનરાવ તથા અમરજી કાશીનાથની પાછળ-પાછળ ડ્રોઇંગરૂમમાં પહોંચ્યા. ડ્રોઇંગરૂમમાં પાંચ માણસો હાજર હતા. કાશીનાથનો પુત્ર આનંદ પણ ત્યાં જ મોઝુદ હતો. બાકીનાઓ લખપતિદાસના સગા હતાં. એ બધા પૂનાથી આવ્યા હતા.

ડ્રોઈંગરૂમ ગહન ચુપકીદી છવાયેલી હતી.

બધા ઉદાસ ચહેરો બેઠા હતા.

‘ઈન્સ્પેક્ટર સાહેબ...!’કાશીનાથે પૂછયું, ‘કિશોર પાસેથી બીજું કંઈ જાણવા મળ્યું?’

‘અમારી તપાસ હજુઅધૂરી છે.’વામનરાવે એક સોફા પર બેસતાં જવાબ આપ્યો, ‘કિશોર અત્યારે જેલમાં છે.’

‘તમારે એને રીમાન્ડ પર લેવો જોઈએ.’એ હરામખોરે મારા જીગરી મિત્રને...’એના બાકીના શબ્દો મોંમાં જ રહી ગયા. એનો અવાજ રૂંધાઈ ગયો. એની આંખોમાં આંસુ ધસી આવ્યાં.

વામનરાવને તેની આ સલાહ જરા પણ નહોતી ગમી. પરંતુ તે ચૂપ રહ્યો.

‘અમારે હજુ થોડી વધુ પૂછપરછ કરવી છે.’છેવટે તે મુદ્દાની વાત પર આવતાં બોલ્યો. ‘શું શેઠાણી પોતાની રૂમમાં જ છે?’

આશાને ‘શેઠાણી તરીકે કરેલાં સંબોધનમાં કટાક્ષ હતો, એ વાત માત્ર અમરજી જ સમજી શક્યો.

ત્યાં બેઠેલા સગાંવ્હાલાઓનાં મોં બગડી ગયાં. તેમને કદાચ વામનરાવે આશાને કરેલું સંબોધન નહોતું ગમ્યું.

‘જી, હા...’આનંદે જવાબ આપ્યો, ‘તેઓ પોતાની રૂમમાં જ છે. શું તમે તેમને બીજી વાર પૂછપરછ કરવા માંગો છો?’

‘તમે...!’વામનરાવે પ્રશ્નાર્થ નજરે આનંદ સામે જોયું.

‘આ મારો પુત્ર આંદ છે ઈન્સ્પેક્ટર સાહેબ!’કાશીનાથ બોલ્યો, ‘હું નોકરને બોલાવું છું.’

એ જ વખતે દીનાનાથ નામનો એક નોકર ત્યાં આવી પહોંચ્યો. એના હાથમાં ચાના કપ ભરેલી ટ્રે જકડાયેલી હતી. એણે ટ્રેને સ્ટુલ પર મૂકી દીધી. પછી એક કપ ઊંચકીને વામનરાવ સામે લંબાવ્યો.

‘ના...મેં હમણાં જ ચા પીધી છે.’વામનરાવ બોલ્યો, ‘હું શેઠાણીને મળવા માગું છું.’

‘એક મિનિટ...!’આનંદે કહ્યું, ‘હું જઈને આંટીને પૂચી જોઉં છું.’કહીને તે બહાર નીકળી ગયો.

‘અને સાધના...!’વામનરાવ બોલ્યો, ‘સાધના ક્યાં છે?’

‘ઈન્સ્પેક્ટર સાહેબ...!’કાશીનથે શુષ્ક અવાજે કહ્યું, ‘તમે નાહક જ સાધનાને હેરાન કરો એ મને યોગ્ય નથી લાગતું.’

‘એટલે....?’વામનરાવે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતાં પૂછયું, ‘તમારા આ ‘હેરાન’શબ્દનો અર્થ હું ન સમજ્યો?’

‘ઈન્સ્પેક્ટર સાહેબ...!’કાશીનાથ બોલ્યો, ‘એક તો એ બિચારી પહેલાંથી જ દુઃખી છે. તમારા સવાલોથી એ માસૂમ વધુ અકળાઈ જશે.’

‘આપની માન્યતા ખોટી છે મિસ્ટર કાશીનાથ! અમને અમારું કામ કરવા દેવામાં તમારે કોઈને ય પરેશાન થવાની જરૂર નથી. અમે તો આપના સેવક છીએ. જનતાના સેવક છીએ. સમાજને ગુનેગારોથી બચાવવાની અમારી ફરજ છે. જો આપ રાજીખુશીથી અમને સહકાર નહીં આપો તો અમારી ફરજમાં વિઘ્ન ઊભું થશે. અને અમારી ફરજમાં વિઘ્ન ઊભું થાય અને ગુનાનું ઝેર આપણા સમાજને અપંગ બનાવી દે એમ કોઈ સમજદાર માણસ ન જ ઈચ્છે!’

‘આપની વાત એકદમ સાચી છે ઈન્સ્પેક્ટર સાહેબ!’ આશરે પચાસેક વર્ષની વય ધરાવતો એક માણસ બોલી ઊઠ્યો. ‘આપના કામથી કોઈનેય પરેશાન ન થવું જોઈએ. હું લખપતિદાસના મામાનો દિકરો છું. હું પૂના રહું છું. મારું નામ સેવકરામ છે. મેં હંમેશા તેને મારો ભાઈ જ માન્યો છે. તેના ખૂનીને પકડવા માટે આપને જે કંઈ સહકારની જરૂર હોય તે હું આપવા માટે તૈયાર છું. આપ ખુશીથી આપની ફરજ પૂરી કરો. આપ લખપતિદાસના ખૂનીને જરૂર શોધો કાઢશો એવું મને આપની વાત પરથી લાગે છે.’

‘થેંક્યૂ...’વામનરાવે સ્મિત ફરકાવીને તેની સામે જોતાં કહ્યું, ‘ખૂનીને પકડવા માટે હું મારી બનતા તમામ પ્રયાસો કરી છૂટીશ.’

એ જ વખતે આનંદ ડ્રોઈંગરૂમમાં દાખલ થયો.

‘તમે આંટી સાથે વાત કરી શકો છો.’જાણે કોઈક નોકરને કહેતો હોય એવા અવાજે એણે વામનરાવને ઉદ્દેશીને કહ્યું.

‘અમરજી...!’વામનરાવ બોલ્યો.

‘જી, હા.... સમજી ગયો...!’કહીને અમરજીએ નોકર સામે જોયું, ‘તું સાધના મેમસા’બ કહે કે હું તેને થોડી પૂછપરછ કરવા માગું છું.’

નોકર માથું હલાવીને ચાલ્યો ગયો.

વામનરાવ આનંદની સાથે આશાની રૂમમાં પહોંચ્યો. આશા એક સોફાચેર પર બેઠી હતી. એણે સફેદ સાડી પહેરી હી. એનો સેંથો ખાલી હતો. એ ખૂબ જ ભોળી, ખૂબ જ સુંદર. ખૂબ જ દુઃખી અને ખૂબ જ ગંભીર દેખાતી હતી.

આનંદ એક સોફા પર બેસી ગયો હતો.

વામનરાવ આશાની સામે એક સોફાચેર પર બેસીને આંદ સાને તાકી રહ્યો.

આશાએ પ્રશ્નાર્થ નજરે વામનરાવે સામે જોયું.

‘માફ કરજો...!’વામનરાવ ગંભીર અવાજે બોલ્યો, ‘થોડા સવાલો પૂછવાના બાકી રહી ગયા હતા એટલે ફરીથી તમને તકલીફ આપવા આવ્યો છું.’

‘પૂછો... હું તમારા દરેક સવાલોના જવાબ આપવા માટે તૈયાર છું.’આશાએ કહ્યું.

વામનરાવ, આનંદની હાજરીથી મનોમન ધૂંધવાઈને રહી ગયો. આનંદ જાણે ઊભો થવા ન માંગતો હોય એ રીતે સોફા પર ચોંટી ગયો હતો.

‘જુઓ...’કંઈક વિચારીને વામનરાવ બોલ્યો, ‘તમારું દુઃખ હું જાણું છું. તમે ફરીથી તમારી જુબાની આપો એમ હું ઈચ્છું છું. વચ્ચે હું જે સવાલ પૂછું, તેના જવાબ તમે આપજો...’

‘જુબાની...?’આનંદે રોષભર્યા અવાજે કહ્યું, ‘તમે બબ્બે વાર જુબાની લો છો ઈન્સ્પેક્ટર...!’તમે આંટીની હાલત જુઓ છો છતાં પણ...!’

‘ભાઈ આંદ...!’વામનરાવ તેને એક વચનમાં સંબોધીને કઠોર અવાજે બોલ્યો, ‘હું એક પોલીસ ઈન્સ્પેક્ટર છું. ગુનેગારોને પકડવા માટે ભારત સરકારે મારી નમણૂક કરી છે. હું કોઈ સામાન્ય માણસ નહીં, પણ ભારત સરકારનો એક વિભાગ જ તારી સામે બેઠો છું એટલું યાદ રાખઝે. એ પોલીસનો વિભાગ છે. પોલીસનું કામ દેશમાં વસતા લોકોનું રક્ષણ કરવાનું છે. અને જરૂર પડ્યે તે બે વખત તો શું, બસો વખત પણ જુબાની લઈ શકે છે સમજ્યો?’

‘ઈન્સ્પેક્ટર સાહેબ!’આશા બોલી, ‘પૂછો... તમારે શું પૂછવું છે? હું બીજી વખત પણ બધું જ જણાવવા માટે તૈયાર છું.’

‘તમે જે રાત્રે આ બનાવ બન્યો તેની વિગત વિસ્તારથી મને જણાવો.’

‘હું અને ‘એ’(લખપતિદાસ) આ રૂમમાં જ સૂતા હતા. સહસા બારણા પર ટકોરા પડ્યા. બારણું મારા પતિએ જ ઉઘાડ્યું. બારણું ઉઘડતા જ કિશોર અને તેનો સાથીદાર રૂમમાં ઘુસી આવ્યા. કિશોરે મને ધક્કો માર્યો. હું ભય અન ગભરાટથી બેભાન થઈ ગઈ. જ્યારે હું ભાનમાંઆવી ત્યારે કિશોરના સાથીદાર એટલે કે અનવરનો મૃતદેહ રૂમમાં પડ્યો હતો. ત્યારબાદ તમે આવીને મારા પતિના મૃત્યુના સમાચાર મને આપ્યા.’કહેતાં કહેતાં આશાની આંખોમાં આંસુ ધસી આવ્યાં. એનો અવાજ રૂંધાઈ ગયો, ‘મારા નસીબમાં આવું...’

‘મેડમ...!’વામનરાવે કહ્યું, ‘તમે સ્વસ્થ થાઓ. આ જગતમાં તૂટીની બૂટી નથી. ખેર, જે વખતે તમે રૂમમાં હતાં, ત્યારે ક્યાં હતાં?’

‘એટલે....?’

‘એટલે એમ કે તમે અને તમારા પતિ રૂમમાં ક્યાં હતાં?’

‘આ પલંગ પર!’

‘શું તમે સૂઈ ગયાં હતાં?’

‘હા....’

‘જ્યારે બારણા પર ટકોરા પડ્યા ત્યારે તમે તમારા પતિને બારણું ઉઘાડતાં પહેલાં બહાર કોણ છે એવું પૂછવાની સલાહ નહોતી આપી?’

‘જરૂર આપી હતી અને તેમણે પણ પૂછયું હતું. તો બહારથી જવાબ મળ્યો હતો કે હું દીનાનાથ છું. અમારા બંગલાના એક નોકરનું નામ દીનાનાથ છે.’

‘શું વાત છે એવું તમે લોકોએ નહોતું પૂછયું?’

‘ના... મારા પતિએ આ સવાલ નહોતો પૂછયો.’આશા બોલી, ‘એ અવાજ કિશોરનો હતો. એનો અવાજ દીનાનાથ જેવો જ હતો.’

‘ઓહ... તો એનો અર્થ એ થયો કે તે અવાજ દીનાનાથનો નહીં, પણ કિશોરનો હતો. એ વાત તમે જાણતા હતા.’

‘જી....ના...જો હું જાણી હોત તો તેમને શા માટે બારણું ઉઘાડવા દેત?’આશાએ ધ્રુસકાં ભરતાં કહ્યું, ‘મને શું ખબર કે એ શયતાન મારો સંસાર બગાડવા આવ્યો છે! કાશ... એણે મારો જીવ લઈ લીધો હોત તો સારું થાત....!’મને.... મને...’

‘તમે કિશોરની હાજરીમાં, અનવરન હાથમાં રિવોલ્વર જોઈ હતી?’

‘એટલે...? હું સમજી નહીં.?’

‘જ્યાં સુધી કિશોર તમારા પતિનું ખૂન કરી, તેમના મૃતદેહને ચાદરમાં બાંધીને બહાર લઈ ગયો, એ દરમિયાન તમે અનવરના હાથમાં કોઈ રિવોલ્વર જોઈ હતી ખરી?’

‘ઈન્સ્પેક્ટર સાહેબ...!’આશા ધૂંધવાયેલા અવાજે બોલી, ‘તમે તો મને ગાંડી કરી મૂકવા માંગતા હો એવું લાગે છે. મેં તમને કહ્યું તો ખરું કે હું બેભાન થઈ ગઈ હતી. પાછળથી શું થયું ને શું નહીં, એ વિશે હું કશું જ કહી શકું તેમ નથી. અનવરનું ખૂનકોણે કર્યું તેની મને ખબર નથી. તમે આમ ફેરવી ફેરવીને શા માટે પૂછો છો?’

‘ઓહ... સોરી...’જાણે પોતાનાથી થયેલી કોઈ ગંભીર ભૂલની માફી માંગતો હોય એવા અવાજે વામનરાવ બોલ્યો. ‘મારા પૂછવાનો અર્થ તમે માનો છો એ નહોતો. હું એમ કહેતો હતો કે જ્યારે એ બંને રૂમમાં પ્રવેશ્યા ત્યારે અનવરના હાથમાં રિવોલ્વર હતી?’

‘હું નથી જાણતી...’

‘આ કંઈ મારા સવાલનો જવાબ નથી.’

‘નહોતી... મેં એ બંનેનાં હાથમાં કંઈ જ નહોતું જોયું. એ બંને ખરાબ રીતે અમારી તરફ આગળ વધ્યા હતા.’

‘ખરાબ રીતે એટલે?’

‘જાણે અમારા બંનેનાં ખૂન કરી નાંખવા માંગતો હોય એવા હાવભાવ તેમના ચહેરા પર છવાયેલા હતા. હું બેભાન ન થઈ ગઈ હોત તો તેઓ કદાચ મને પણ મારી નાંખત. આના કરતાં તો હું પણ મારા પતિની સાથે મરી ગઈ હોત તો સારું થાત!’કહીને તે ફરીથી રડવા લાગી.

‘તમને મેં ખૂબ જ તકલીફ આપી છે.’વામનરાવ બોલ્યો, ‘અને એને માટે હું દિલગીર છું. ખેર, હું તમારા ભૂતકાળ સાથે સંબંધિત એક-બે સવાલ પૂછવા માગું છું.’

‘જુઓ ઈન્સ્પેક્ટર સાહેબ!’આશાનો અવાજ સ્હેજ કઠોર હતો, ‘હું એક ગરીબ કુટુંબમાં ઉછરેલી એવી છોકરી છું કે જેણે શેઠ લખપતિદાસ સાથે લગ્ન કરીને પોતાનો પ્રેમ મેળવ્યો હતો.’

‘તમે તેમને પ્રેમ કરતાં હતાં, એ તમારી મહાનતા હતી. તમે લખપતિદાસ શેઠના સૂના જીવનમાં ખુશી ભરી દીધી હતી. ખેર, મિસ્ટર...’વામનરાવ મનોમન ધૂંધવાઈ ને આનંદ તરફ ફર્યો, ‘તમારી શી માન્યતા છે?’

‘કઈ બાબતમાં?’

‘ખૂન વશે!’

‘તમે પણ ખૂબ વિચિત્ર માણસ છો ઈન્સ્પેક્ટર!’આંદ ભડકીને બોલ્યો, ‘તમારી સવાલ પૂછવાની રીત જેવી હોવી જોઈએ તેવી નથી. તમે જ સવાલો પૂછો છો, એ પૂછવાનો હક્ક માત્ર કોર્ટને જ છે. તમને માત્ર તપાસ કરવાનો જ હક્ક છે, આવા સવાલો પૂછવાનો નહીં, સમજ્યા?’

‘કેમ...? કેવી રીતે?’

‘જે રીતે તમે મને પૂછો છો એવી રીતે! ખૂન વિશે તમે મને મારી માન્યતા પૂછો છો? ખૂન વિશે કોઈ પણ માણસની શું માન્યતા હોય?’

‘ઓહ.... સોરી...!’વામનરાવે સ્મિત ફરકાવતાં કહ્યું, ‘હું એમ પૂછવા માંગતો હતો કે શું કિશોર બબ્બે ખૂન કરી શકે એવો છે ખરો?’

‘એ તમારા માથાનો દુઃખાવો છે.’

‘હા, એ તો છે...! મારે જ હવે આ દુઃખાવાનો કોઈક ઉપાય કરવો પડશે.’કહીને વામનરાવ ઊભો થયો, ‘ખેર, હવે મને રજા આપો.’

એ ડ્રોઈંગરૂમમાં પહોંચ્યો.

સબ-ઈન્સ્પેક્ટર અમરજીને સાધનાને પૂછપરછ કરીને આવી ગયો હતો.

ત્યારબાદ એ બંને ત્યાંથી રવાના થઈ ગયા.

એક મિનિટ પછી તેમની જીપ બંદર રોડ પોલીસ સ્ટેશન તરફ આગળ વધતી હતી.

‘સાહેબ...!’અમરજીએ કહ્યું.

‘બોલ...’

‘સાધનાની જુબાની જેમની તેમ જ છે.’અમરજી બોલ્યો, ‘એની જુબાનીમાં જરા પણ ફર્ક નથી. એના કહેવા મુજબ એની રૂમની બારી ઉઘાડીને અંદર આવેલા બદમાશે, આંખો ઉઘાડી, ગભરાઈને મદદ માટે બૂમ પાડે તે પહેલાં જ તેનું મોં દબાપી દીધું હતું અને તે બેભાન થઈ ગઈ હતી. ત્યાર પછી શું થયું, એની તેને ખબર નથી. મેં તેને આશા વિશે પણ પૂછપરછ કરી હતી. પણ એણે મારા એકેય સવાલનો જવાબ ન આપ્યો. એ પોતાની સાવકી માથી ખુશ હોય એવું નથી લાગતું.’

‘તેં જ્યારે એને પૂછપરછ કરી, ત્યારે એ પોતાની રૂમમાં જ હતી?’વામનરાવે પૂછયું.

‘ના, પૂછપરછ દરમિયાન એની વૃદ્ધ મામી પણ રૂમમાં હાજર હતી. એની હાજરીને કારણે હું તેને વધુ સવાલો પૂછી નહોતો શક્યો. બસ, એ પોતાની સાવકી માથી ખુશ નથી, આ એક જ વાત ધ્યાનમાં આવી છે.’

‘આવું એણે પોતે જ તને કહ્યું છે?’

‘ના... પણ આશાની કોઈ ચીસ સાંભળી હતી કે નહીં એવું મેં જ્યારે તેને પૂછયું હતું. ત્યારે એણે નફરતભર્યા અવાજે જવાબ આપ્યો કેન્ના, મેં આવી કોઈ ચીસ નહોતી સાંભળી હું બેભાન હતી. મને એના વિશે કંઈ જ ન પૂછો.’તેના જવાબ અને વાત કરવાની લઢણમાં નફરતનો સૂર હતો. અને આવી જ વાત આપણને અગાઉ પણ જાણવા મળી છે.

‘વાસના....!’વામનરાવે સ્મિત ફરકાવતાં કહ્યું, ‘તારો આ પોઈન્ટ ખૂબ જ મજબૂત છે. ખૂન કોણે ને કેવી રીતે કર્યાં ? શા માટે કર્યાં ? ક્યારે કર્યાં ?’શાના વડે ક્યાં ? આ બધું આપણે નથી જાણતા. પરંતુ આ બધાની પાછળન એક જ કારણ છે... અને એ છે વાસના!

‘એટલે....?’

‘સૌથી પહેલાં તો બંગલામાં કોના સંબંધો કોની સાથે કેટલા મધુર છે એ આપણે જાણવાનું છે. ખાસ કરીને આનંદ કે જે લખપતિદાસનો જમાઈ બનવાનો છે... આનંદ અને સાધના એકબીજાને ચાહે છે.’

‘હા, સાહેબ.... આ વાત તો આપણે જાણીએ જ છીએ. લખપતિદાસના શો રૂમમાં કામ કરતા માણસોને પણ આ વાતની ખબર છે. એ બંનેની સગાઈ થઈ ગઈ છે. અને ટૂંક સમયમાં જ તેમાં લગ્ન પણ થવાનાં હતાં. બલ્કે થશે.’

‘તું આંદ તથા સાધનાને પતિ-પત્કનીના રૂપમાં જો. મારો સંકેત તેમના શારીરિક પ્રેમ તરફ નથી.’

‘હું સમજું છું સાહેબ!’

‘આનંદ અને સાધના એકબીજાને સાચા હૃદયથી પ્રેમ કરે છે. બંને એકબીજાને પતિ-પત્નીની જેમ જ ચાહે છે. કારણ કે પોતાની સગાઈ થઈ ગઈ છે, અને નજીકના ભવિષ્યમાં જ લગ્નગાંઠથી બંધાવાનું છે એ વાત તેઓ જાણે છે. લગ્ન થઈ ગયા પછી ભલે તેઓ એકબીજાને નફરત કરવા માટે. પરંતુ અત્યારે તો તેઓ એકબીજાને ચાહે જ છે ને?’

‘હા, સાહેબ!’

‘સાધના પોતાની સાવકી મા અર્થાત્ આશાને નફરત કરે છે એ વાત સાચી છે ને?’

અમરજીએ હકારાત્મક ઢબે માથું હલાવ્યું.

‘પણ સાધનાનો પતિ એટલે કે આનંદ આશાને નફરત નથી કરતો. શું આ વાત વિચિત્ર કહેવાય?’

‘જરૂર કહેવાય! આવા સંજોગોમાં નફરત તો એ કરે કે ન કરે. પરંતુ કમ સે કમ એ તેના પ્રત્યે તટસ્થ જરૂર રહેશે. એ એટલે કે આનંદ આશાને નહીં તો નફરત કરે કે નહીં પ્રેમ! અર્થાત્ તેના પ્રત્યે સહાનુભૂતિ નહીં દાખવે ! આ બાબતમાં તે તટસ્થ જ રહેશે.’

‘આનંદ તટસ્થ નથી.’વામનરાવ બોલ્યો, ‘હું તારા પોઈન્ટથી વિચારું છું. વાસના ! ખરી રીતે આનંદને પણ આશા પ્પરત્યે નફરત હોવી જોઈએ. પરંતુ છે નહીં! સહાનુભૂતિ જરૂર છે. પ્રેમ છે એવું તો અત્યારે કહી શકાય તેમ નથી. પણ હા, એક વાત પ્રત્યે હું તારું ધ્યાન દોરું છું. સાંભળ, તેને સહાનુભૂતિ પણ વધારે સાધના પ્રત્યે હોવી જોઈએ કે આશા પ્રત્યે ?’

‘સાધના પ્રત્યે!’

‘કદાચ તેં ધ્યાન નહીં આપ્યું હોય, પણ મેં જરૂર આપ્યું છું. જ્યારે ડ્રોઇંગરૂમમાં આનંદે મને તેની આંટીની રૂમમાં જવાનું કહ્યું, ત્યારે તું પણ સાધનાને મળવા માટે ઊભો થઈ ચૂક્યો હતો અને તું સાધનાને પૂછપરછ કરવા માટે જાય છે એ વાત આનંદ પણ જાણતો હતો. પરંતુ તેમ છતાંય તેને સાધનાની ફિકર ન થઈ. એ જાણે કે મારા જેવા ચપળ ઈન્સ્પેક્ટરથી પોતાની આંટીનું રક્ષણ કરવા માંગતો હતો. હું તેની સાથે આશાની રૂમમાં ગયો. આનંદ ત્યાં જ એક સોફા પર ગુંદરની જેમ ચોંટી ગયો. હું આશા સાથે, જાણે તે ઝૂંપડપટ્ટીમાં જ રહેતી હોય એ રીતે તેની સાથે વાત કરીશ એમ મેં તને કહ્યું હતું. પણ આનંદની હાજરીમાં હું એમ ન કરી શક્યો. એ ત્યાંથી ઊભા થવાનું નામ જ નહોતો લેતો. મેં ત્યાં એક-બે મૂર્ખાઈ ભરેલા સવાલો પૂછીને તેને ખુશ કરી દીધો.’એણે પોતાની આંટી સાથે સહાનુભૂતિ દાખવીને હું મારી જાતને કોર્ટ પુરવાર ન કરું એમ પણ કહી નાંખ્યુ. હવે હું ફરીથી તારા પોઇન્ટ પર આવું છું. અર્થાત્ વાસના...! આશા સુંદર છે, યુવાન છે...! સાચી વાત તો એ છે કે યૌવનના મામલામાં સાધના તેવી સામે કંઇ જ નથી. સાધના પોતાની આંટીને નફરત કરે છે. સાધનાનો ભાવિ પતિ તેની આંટી પ્રત્યે સહાનુભૂતિ દાખવે છે. અને આ આંટી ઉંમરમાં મોટી હોત તો તો કોઇ વાંધો નહોતો પરંતુ આ આંટી તો તેની ઉમરની જ અને યુવાન છે.

‘વેરી ગુડ સાહેબ !’અમરજી ઉત્સાહભર્યા અવાજે બોલ્યો, ‘તમારી વાતમાં તથ્ય છે. જો આ કડી બંધ બેસી જાય તો પછી આગળ વધવા માટે આપણને આકી સાંકળ મળી જશે.’

‘આ કડી બંધ બેસશે ! અને માત્ર વાસનાના પોઇન્ટથી જ બંધ બેસશે ! મારે ત્યાં માત્ર આ પોઇન્ટ પર જ આગળ વધીને કડી શોધવાની છે. કડી મળી જશે તો સાંકળ પણ બની જશે. અને સાંકળ બની જશે તો તેની સાથે બંધાયેલી એ હોડીને પણ આપણે ઉપર ખેંચી લેશું કે જે ગુનેગારો દ્વારા ડૂબાડીને, કિશોરને બનાવટી સાંકળમાં બાંધીને કાયદાની આંખો બંધ કરી દેવાનું સપનું જોયું છે. પણ હવે ધીમે ધીમે આપણી આંખો ઉઘડી રહી છે.’વામનરાવે કહ્યું.

પાંચ મિનિટ પછી તેની જીપ પોલિસ સ્ટેશન પાસે પહોંચીને ઊભી રહી ગઇ.

***