Blind Game - 14 Via Bazuka Baar in Gujarati Fiction Stories by DHARMESH GANDHI (DG) books and stories PDF | બ્લાઇન્ડ ગેમ - ૧૪ વાયા બઝુકા-બાર

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

બ્લાઇન્ડ ગેમ - ૧૪ વાયા બઝુકા-બાર

બ્લાઇન્ડ ગેમ

(સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર નવલકથા)

(પ્રકરણ-૧૪ : વાયા બઝુકા-બાર)

--------------------

લેખક : ધર્મેશ ગાંધી

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

-----------------------

(પ્રકરણ-૧૩માં આપણે જોયું કે...

માથુરના મોબાઇલમાં આવેલા ઇન્સ્પેક્ટર જસપ્રીતના સાંકેતિક મેસેજનું કુરેશી સરળીકરણ કરે છે - સર પે આફતાબ ઔર ઘડી મેં સૂઈ એક, મતલબ– ખરા બપોર ને બાર વાગ્યે; આબુરોડ દરગાહ પે દુઆમેં યાદ, મતલબ- આબુરોડ નજીકની એક દરગાહમાં મળવું. બીજી તરફ નવ્યા અર્પિતાને સોળ શણગારે સજાવીને સહર્ષ અરમાનને સોંપે છે. અરમાન-અર્પિતા મધુરજનીની મીઠી પળો માણે છે. જયારે કુરેશી ઉપર ‘બઝુકા-બાર’માં તોડફોડ કરીને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, અને પોલીસ ઓફિસર એમને ગિરફ્તાર કરવા આવે છે...

હવે આગળ...)

દીવાલ ઉપર ટાંગેલી એન્ટીક વોલક્લોક સવારનો સાડા દસનો સમય બતાવી રહી હતી. કોટેજના પાર્કિંગમાંથી એકસાથે બે કાર નીકળી. એક એસ.યુ.વી. અને બીજી ભવ્ય કાર. થોડી જ મિનિટોમાં આબુરોડ તરફ જતા રસ્તા ઉપર થોડા એકાંતમાં બંને ગાડીઓ પાર્ક થઈ. પ્રવાસીઓની થોડીઘણી ચહલપહલ વચ્ચે કોઈના ખાસ ધ્યાન પર ન પડે એ રીતે બંને ગાડીઓના દરવાજા ખૂલ્યા. એસ.યુ.વી.માંથી અલખ અને કારમાંથી કુરેશી બહાર આવ્યા. બંનેએ એકબીજા તરફ ગતિ કરી. એકબીજાની નજીકથી પસાર થયા બાદ પણ તેઓ સીધી દિશામાં જ આગળ વધતા રહ્યા. વચ્ચે ક્ષણિક મળેલી ચાર આંખોએ અગાઉથી ચર્ચાયા હોય એવા કંઈક ઓળખીતા ઈશારા કરી લીધા. કુરેશીએ આગળ વધીને એસ.યુ.વી.નું સુકાન સંભાળ્યું. અને અલખે કુરેશીની ભવ્ય કારમાં જઈને સ્ટિયરીંગ હાથમાં લીધું. હવે સારથીઓ બદલાઈ ચૂક્યા હતા. વાહનો તો એ જ હતા, પરંતુ એમની દિશા બદલાઈ ચૂકી હતી. બંને સારથીઓની સફર એકસરખી કઠિન હતી, પરંતુ મંઝીલ બદલાઈ ચૂકી હતી. અને એનો આખરી મુકામ હતો – ફતેહ!

કુરેશીની એસ.યુ.વી. આબુરોડ તરફ લગભગ પાંત્રીસ કિલોમીટરની મજલ કાપવા માટેના ઢોળાવો ઉતરવા માંડી. જ્યારે અલખની કારના વ્હિલ હજુ પણ સ્થિર જ હતા. પરંતુ, કારની અંદર અલખ પોતાના બંને હાથને તેજીથી ચલાવી રહ્યો હતો. સામે ડેશબોર્ડ ઉપર કુરેશીનો હસતા ચહેરાવાળો એક તાજેતરનો ફોટોગ્રાફ મૂક્યો હતો. અલખે કાતર ઊઠાવી અને ફોટામાં જોઈને પોતાના લાંબા વાળને કુરેશીના વાળ જેટલી લંબાઈમાં કાપવા માંડ્યો. પછી માથાની પાછળની તરફ વાળને બાંધી દઈને પોની-ટેઇલ બનાવી. ચહેરા ઉપર ખુમારી અને રૂઆબ દર્શાવતો મેક-અપ કર્યો. કારની પાછલી સીટ ઉપર બેગમાં મૂકેલા કુરેશીના સફારી સૂટ તરફ એણે હાથ લંબાવ્યો અને થોડી જ વારમાં એણે કારની અંદર જ પોતાના વસ્ત્રો ઉતારીને સફારી સૂટ પહેરી લીધો. એમ પણ એને ઝડપભેર કપડાં કાઢવા અને પહેરવામાં મહારત હાસલ હતી, પછી એ કમલાબાઈનો કમરો હોય કે કુરેશીની કાર! પોતાના ગેટ-અપને એક આખરી અને અત્યંત આવશ્યક ઓપ આપવા માટે એણે પોતાની આંખો પર ગોલ્ડન ફ્રેમના ચશ્માં ચઢાવી દીધા.

‘ઓલ સેટ?’ કુરેશીનો અવાજ અલખના મોબાઇલમાં ગૂંજી ઊઠયો.

‘યસ, બોસ...’ અલખે લીલી ઝંડી બતાવી.

‘બસ તો, આજના દિવસનો થોડો હિસ્સો મારા નામે જીવી લે!’ કુરેશીએ જાણે કે પોતાની જિંદગીનો થોડો હિસ્સો અલખને જીવવા માટે ખુશીથી ખેરાત કરી.

‘જીઉંગા ભી ઔર પીઉંગા ભી.’ અલખે પોતાના ગળા ઉપર હાથ ફેરવ્યો.

ફોન ડિસકનેક્ટ થતાં જ અલખે મિરરમાં નજર મારી. માથું એક તરફ ઢાળીને મનોમન બબડ્યો, ‘કુરેશી... ધ ગ્રેટ હઝરત કુરેશી... બેલાશક!’ -અને એ સાથે જ કારના ટ્યૂબલેસ ટાયરોએ એક ચિચિયારી પાડીને આબુનો ઢોળાવ ચઢવા માટે તેજ રફતાર પકડી લીધી.

લગભગ વીસ-પચીસ મિનિટ બાદ અલખની કાર ઊંચાઈ ઉપર વસેલા હિલ-સ્ટેશન માઉન્ટ આબુના ફેમસ લિકવર-બાર ‘બઝુકા બાર’ આગળ આવીને ધીમી પડી.

‘સલામ સા’બ!’ વોચમેને સલામ મારી. પછી એ ગાડીને પાર્ક કરવા માટેની ‘સ્પેસ’ તરફ દોરી ગયો, અને મોટી ગાડીના ધનકુબેર પાસેથી વજનદાર ‘ટીપ’ મળવાની ખેવના કરવા માંડ્યો. અલખ ગાડીમાંથી ઉતરીને હઝરત કુરેશીની અદાથી પોતાના ગોલ્ડન-ફ્રેમ ચશ્માં ઠીક કરવા લાગ્યો. પછી હાથમાં વોકિંગસ્ટિક રમાડવા માંડ્યો, અદ્દલ કુરેશીની માફક!

‘નામ ક્યા હૈ તુમ્હારા?’ અલખે વોચમેનને પૂછ્યું.

‘ઉ... શાબ’જી... હમાર નામ સૂરમાસિંહ હૈ જી...’ વોચમેને જવાબ આપ્યો ને અલખે એની સાવ કૃશ થઈ ગયેલી કાયાને નખશીખ તાકતા ઉચ્ચાર્યું, ‘સૂરમાસિંહ! હમ્મ્મ...’

પછી અલખે પોતાનું પર્સ કાઢીને રૂપિયા પાંચસોની કડકડતી નોટ વોચમેનના હાથમાં થમાવી દીધી. નેપાળી વોચમેન ગદગદિત થઈ ગયો. પચાસની આશામાં પાંચસોએ એની ઝીણી આંખો વધુ ઝીણી બનાવી દીધી. પહેલેથી જ ચોક્ખી અને ચળકાટ મારતી કારને સૂરમાસિંહ શક્ય એટલી વધુ સાફ કરવાના ઝનૂન સાથે કાર ઉપર બ્રશ ફેરવવા માંડ્યો.

‘વખત આવ્યે કહેજે, આ દિવસે ને આ સમયે હું – હઝરત કુરેશી - અહીં હાજર હતો. પાંચસો રૂપિયા એનું વળતર સમજી લે!’ અલખે મનમાં બબડાટ કર્યો.

‘બઝુકા-બાર’માં પ્રવેશી કાઉન્ટર ઉપર જઈ અલખે કડક અવાજે ઓર્ડર આપ્યો, ‘વન સ્કોચ, લાર્જ...’

અડધો-એક કલાક બે-ત્રણ ડ્રીંક્સની મઝા માણ્યા બાદ અચાનક-

‘વેઇટર... ઇડીયટ, આ ગ્લાસમાં ક્રેક છે, સા... તૂટેલો ગ્લાસ...’ અલખ મોટેમોટેથી અપશબ્દો બોલવા માંડ્યો.

વેઇટર ગભરાયેલી અવસ્થામાં દોડ્યો, ‘જી, સર! સોરી... હું...’ –કહીને ગ્લાસ બદલી આપ્યો. મેનેજરે અલખને નશો થઈ ગયો છે એમ માનીને એની માફી માગી તેમજ રીક્વેસ્ટ કરીને શાંત પાડ્યો.

થોડી મિનિટો નવા ગ્લાસની જૂની મદિરામાં વીતી. ને ફરી રમખાણ થયું...

‘હાઉ ડેર યુ, નોનસેન્સ!’ અલખનો હાથ વેઇટરને અડી જતા ‘સર્વ’ કરતી વખતે બોટલ છલકાઈ, અને ચાર-પાંચ બૂંદ અલખના સફારી સૂટ ઉપર ઊડી. અલખ ધૂંધવાઈને ઊભો થઈ ગયો, ને ઓચીંતું જ વેઇટરના જમણા ગાલ ઉપર પોતાનો ડાબો હાથ ચોડી દીધો. વેઈટર તેમજ બારમાં આસપાસ બેઠેલા ગ્રાહકો આ ઘટનાથી સમસમી ઊઠ્યા.

એનું આ અણછાજતું વ્યવહાર બારનું વાતાવરણ ડહોળી રહ્યું હતું. થોડીવાર પછી ફરી એ ધમાલે ચઢ્યો. મેનેજરે કંટાળીને આખરી હથિયાર તરીકે બાઉન્સર બોલાવવા પડ્યા. અલખ એમની સાથે પણ બાખડી પડ્યો અને તોડફોડ કરવા માંડ્યો. અને અચાનક લાગ મળતા જ ગાડીને પૂરપાટ ઝડપે હંકારતો ત્યાંથી ભાગી છૂટ્યો.

***

સૂર્ય માથા ઉપર આવી ગયાને પણ ખાસ્સો સમય વીતી ચૂક્યો હતો. આબુરોડ એરિયામાં આવેલી પવિત્ર દરગાહ ખરા બપોરે આસપાસના વાતાવરણમાં ધૂપ-લોબાનની મીઠી મહેક ફેલાવી રહી હતી. એટલામાં એની જમણી તરફ થોડે દૂર આવેલી ઝાડીઓમાંથી એક પરદાનશીન બાનુ ચીલઝડપે દોડતી બહાર આવી. ચારેય દિશાઓમાં સાવચેતીભરી નજર દોડાવતી એ કાચી પગદંડી ઉપર ઝડપભેર થોડું ચાલી. પછી આગળ જતા એક વળાંકમાં ઊભી રહી ગઈ. કાળા બુરખાની અંદર રહેલી બંને ધારદાર આંખો ચોતરફ ફરી વળી. આસપાસ કોઈપણ અવરજવર નથી એની ખાતરી થતાં નજીકમાં પાર્ક થયેલી એક એસ.યુ.વી.નું ડોર-લોક રીમોટ-કીથી ખોલ્યું. અને ત્વરાથી દરવાજો ખોલી ડ્રાઇવીંગ સીટ ઉપર બેઠક જમાવી. સેકંડના સોમાં ભાગમાં ગાડીનો દરવાજો બંધ થયો ને ઊંડો શ્વાસોચ્છવાસ ચાલુ થયો. બીજી જ ક્ષણે શરીર ઉપરથી બુરખાનું આવરણ દૂર થયું, અને ગાડીએ માઉન્ટ આબુ તરફ જતા ઢોળાવો ચઢવા માટે એક તેજ રફતાર પકડી લીધી.

બે-ચાર વળાંકો પસાર થતાની સાથે જ ડ્રાઇવર સાઇડનો વિન્ડો-પાવરગ્લાસ નીચે તરફ સરક્યો. એમાંથી એક હાથ બહાર નીકળ્યો. જોકે એ હાથ ખાલી ન હતો. બુરખામાં છુપાવી રાખેલું એક કાચનું પારદર્શક ખંજર પણ એ હાથની સાથે બહાર નીકળ્યું હતું. ખંજર કોઈક તાજા જ માનવ-રક્તથી લથપથ હતું. એની કાતિલ ધાર ઉપરથી સરકી રહેલાં લોહીના ટીપાં પૂરેપૂરાં થીજી જાય એ પહેલાં વિન્ડોમાંથી નીકળેલા હાથે ખંજરનો એક આવેગપૂર્વકનો ઘા કર્યો. ખંજર એની આખરી પળો ગણતું હોય એમ હવામાં ફંગોળાયું. અને આબુના પહાડી રસ્તાની ધાર ઉપર આવેલા મજબૂત ખડકો સાથે જઈને અફળાયું. એ સાથે જ એનું અસ્તિત્વ સમયની નાજુક ક્ષણોમાં વેરવિખેર થઈ ગયું. અને એ વિખેરાયેલી ક્ષણોએ એક સત્યને પોતાની સાથે હંમેશને માટે એક ગહન રહસ્યમાં પરાવર્તિત કરી દીધું. આબુમાં જન્મેલું ખંજર આબુમાં જ પરલોક સિધાવી ગયું. જમીન ઉપર પછડાઈને કરચોમાં વહેંચાયેલા એ રહસ્યને પાછળ છોડતી એસ.યુ.વી. તેજીથી એક સાંકડો વળાંક વળી ગઈ...

હજુ કલાકેકના અંતરનું ઉપર તરફ ચઢાણ કરવાનું બાકી હતું. સમય સાચવવાનો હતો. પ્લાન મુજબનો તાલમેલ મેળવવાનો હતો...

***

કલાક-દોઢ કલાક જેટલો સમય વીત્યો હશે. કુરેશી એસ.યુ.વી. લઈને માઉન્ટ આબુના મુખ્ય પ્રવેશદ્વાર નજીક પહોંચી ચૂક્યા હતા. પ્રવેશદ્વારથી થોડે દૂર અલખ એની કાર લઈને રાહ જોતો ઊભો હતો. બંનેએ એકબીજાને પામી જતા ‘લાઇટ’ મારીને ખાસ સંકેતની આપ-લે કરી. પછી એકની પાછળ એક એમ બંને ગાડીઓ કોટેજ ભણી રવાના થઈ ગઈ.

ભરબપોરે દોઢ વાગ્યે પ્રસન્ન મુદ્રામાં રોકિંગચેરમાં ઝૂલતા અરમાનની ઘેરાયેલી આંખો ત્યારે અચાનક ઉઘડી ગઈ કે જ્યારે કારના ટાયરોની ચિચિયારી અચાનક એને કાને અથડાઈ. એણે ઊંઘરેટી આંખો ઉઘાડીને જોયું તો કોટેજના પાર્કિંગમાં બંને ગાડીઓએ લગભગ એકસાથે જ પ્રવેશ કર્યો.

પંદર-વીસ મિનિટ પછી કોટેજની સામે રાજસ્થાન પોલીસની જીપ ઊભી હતી.

‘મિ. કુરેશી...’ પોલીસ ઓફિસર કરડાકીભર્યા અવાજે બોલ્યા, ‘...બઝુકા-બાર’માં તોડફોડ કરીને નુકસાન પહોંચાડવાનો તમારી ઉપર આરોપ મૂકવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરાનું બપોરે બારથી લઈને એક વાગ્યાની આસપાસનું ફૂટેજ બિયર-બારના માલિક માટે તમારા વિરુદ્ધ એફ.આઈ.આર. નોંધાવવા માટેનો મહત્વનો પૂરાવો બની ચૂક્યું છે. તમારે પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે.’ ઓફિસર સપાટ અવાજમાં બોલી ગયા.

હઝરત કુરેશીએ પોતાની સિગારનો એક ઊંડો કશ લઈને તીવ્ર ધૂમાડો છોડ્યો. એ ધૂમાડાના ગોળ ચકરડાઓ જાણે કે અનેક રહસ્યોને પોતાનામાં સમાવી લેવા માટે આંધળુકિયા કરવા માંડ્યાં...

(ક્રમશઃ) દર શુક્રવારે...

---------------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------

(બ્લાઇન્ડ ગેમ : પ્રકરણ-૧૫ વાંચવાનું ચૂકશો નહિ.)