"આહ.... "
કે. કે. ના મોઢે થી એક દર્દભરી સિસકારી નીકળી ગઇ. હાથમાં પકડેલી પેન છૂટી ગઈ. જમણા હાથના મૂળમાં, બગલ પાસે જોરદાર સણકો ઉપડ્યો અને આખા હાથમાં ઝણઝણાટી થવા માંડી. હાથની નસો બધી અંદરની બાજુ ખેંચાતી હોય એવું લાગ્યું. કાળી બળતરા થવા માંડી. થોડા સમય માટે જાણે હાથ પરનો કંટ્રોલ છૂટી ગયો. ઘણી કોશિશ છતાં દુખાવાના કારણે આંખમાં આછા ઝળઝળિયાં આવી ગયા. સમય જાણે થંભી ગયો અને દુખાવો વધતો ગયો. કે. કે. એ ડાબા હાથની હથેળી જમણી બગલ પર દબાવી દીધી. તેને અહેસાસ થયો કે બગલની ગાંઠ થોડી મોટી થઈ ગઈ હતી. તેના કાનમાં ડૉ. ભટ્ટ અને આદિત્ય ના અવાજ ગૂંજી રહ્યા...
"એક મહિના મા કેન્સર કેટલી હદે ફેલાશે અને કયા સ્ટેજમાં પહોંચશે તે નક્કી નહીં... "
થોડી વારે દુખાવો થોડો ઓછો થયો, પરંતુ કે. કે. ની મનોસ્થિતિ ડામાડોળ થઈ ગઈ . ફરી એક વાર કે. કે. ને પોતાના નિર્ણય પર પુનઃ વિચાર કરવાની ફરજ પડી. ડૉ. ભટ્ટ ની મુલાકાત ને પંદર દિવસ થઇ ગયા હતા. રોજ રાત્રે તેની અને આદિ ની મુલાકાત ફિક્સ થઈ ગઈ હતી. આદિ રેગ્યુલર તેનુ ચેક અપ કરતો અને તેને સમજાવવાની કોશિશ કરતો. કે. કે. ઉપર ઉપરથી તો પોતાની વાતને વળગી રહેતો, પરંતુ અંદર એક મનોમંથન સતત ચાલતુ રહેતુ. એમા પણ આ વધી રહેલા દુખાવાના કારણે તેનુ મનોબળ ડગવા માંડ્યું હતું. તેણે મનોમન પોતાની જાત સાથે જ સંવાદ સાધ્યો,
"ડેડી કાલેજ સિંગાપોર થી રીટર્ન થયા છે. ત્યાં નવી પ્રોડક્ટ ના લોન્ચ માટે અને ફેશન શો માટે જરૂરી બેઝ તૈયાર થઈ ગયો છે. વળી, કેયુર પૂરા ઉત્સાહ અને જવાબદારી પૂર્વક અહીંના ફેશન શો ની તૈયારી મા લાગ્યો છે. ઉપરાંત ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના હટકે આઈડિયાઝ થી એક ગ્રાન્ડ સક્સેસ ની ફિલિંગ મળી રહી છે. જો આ શો સક્સેસફુલ રહેશે, તો સિંગાપોર ખાતે સક્સેસની પ્રોબેબીલીટી પણ વધી જશે. ડેડીનુ રિટાયરમેન્ટનુ પ્લાનીંગ પણ આ પ્રોજેક્ટ કમ્પ્લીટ થયા પછીનું જ છે... "
આટલા બધા વિચારો ના અંતે તેણે પોતાની જાતને જ એક સવાલ પૂછ્યો,
" શું મારે ખરેખર વધુ સમય ઈલાજ થી દૂર રહેવાની જરૂર છે ખરી ? "
**************
" વ્હોટ નોનસન્સ! "
કેદાર ખન્ના નો અવાજ આખા રૂમમાં પડઘાઈ રહ્યો. એની સામે આદિત્ય નીચી મુંડીએ ઊભો હતો. કેદારે જમણા હાથની હથેળી જોરથી સ્ટડી ટેબલ પર પછાડી અને ફરી એટલા જ ગુસ્સાથી પૂછ્યું,
" હાઉ ઇરરિસ્પોન્સિબલ... તે પણ મને જણાવવાની દરકાર ન કરી! "
આદિત્ય ના હોઠ ધ્રુજતા હતા, પરંતુ એમાંથી એક પણ શબ્દ ની બહાર આવવાની હિંમત થતી નહોતી. તેની આંખોમાં ઝળઝળિયાં અને ચહેરા પર પસ્તાવો છલોછલ ભરેલા દેખાતા હતા.
"આન્સર મી. "
ફરી કેદાર ખન્ના નો પ્રભાવશાળી અવાજ આદિત્ય ના કાનમાં ગૂંજ્યો. આદિત્ય ના હોઠ સળવળ્યા, પરંતુ અવાજ બહાર આવે તે પહેલાં બંને ના મોબાઇલ એકસાથે જ વાઈબ્રેટ થયા, પણ કેદાર ખન્ના એ પોતાનો મોબાઈલ હાથમાં લેવાની દરકાર ન કરી અને તીક્ષ્ણ નજરે આદિ તરફ જોવાનું ચાલુ રાખ્યું, એટલે આદિની હિંમત પણ ન થઈ પોકેટમાંથી મોબાઈલ બહાર કાઢવાની. થોડીવારે બંને મોબાઈલ શાંત થઈ ગયા. અને પાંચ મિનિટ બાદ ફરી એકસાથે ધણધણી ઉઠ્યા.
આ વખતે ઇગ્નોર કરવું અઘરું હતું... બંને માટે! જેવો કેદાર ખન્ના એ મોબાઇલ હાથમાં લીધો કે તરતજ આદિએ પણ મોબાઈલ લીધો. તેની ઇચ્છા તો કોલ કટ કરવાની હતી, પણ કોલરનુ નામ જોઈને આપોઆપ કોલ રીસિવ થઈ ગયો. સામે છેડે ડૉ. ભટ્ટ હતા.
"હી ઈઝ બેક ટુ હીઝ સેન્સીસ. "
બસ, આટલી જ વાત અને સામે છેડેથી કોલ કટ થઈ ગયો, પણ આદિના આખા શરીરમાં આનંદના અતિરેક થી એક આછી કંપારી છૂટી ગઈ. તેણે તરતજ કેદાર ભાઈ સામે જોયું. હવે તેના શબ્દો તેની સાથે હતા. તેણે ડૉ. ભટ્ટ નુ જ વાક્ય રીપીટ કર્યું.
"અંકલ, હી ઇઝ બેક ટુ હીઝ સેન્સીસ. "
"આઇ નો. કેયુરનો જ કોલ હતો. "
કેદાર ભાઈનો અવાજ થોડો સંયત થયો હતો. કદાચ, ગુસ્સો થોડો ઓગળ્યો હતો. એ બંને સાથે જ હોસ્પિટલ જવા નીકળ્યા. આદિત્ય ડ્રાઇવર ની બાજુની સીટ પર ગોઠવાયો, જ્યારે કેદાર ભાઇ પાછળ ની સીટમાં. આખા રસ્તે બેમાંથી કોઈ કશું બોલ્યા નહીં. પરંતુ આદિત્ય નુ મગજ બમણા વેગથી દોડતું હતું. આજના દિવસની ઘટનાઓ તેની નજર સમક્ષ એક ચિત્રપટ ની જેમ પસાર થવા માંડી.
આદિત્ય નું આજનું શિડ્યૂલ એકદમ ટાઈટ હતું. આજે રોજ કરતાં વધારે પેશન્ટસને અપોઈનમેન્ટ આપી છે એવું રિસેપ્શનીસ્ટે જણાવ્યું, ત્યારે જ તેણે વિચાર્યું કે આજે ખાસ્સી ઉતાવળ રાખવી પડશે, નહિતર કે. કે. નો ટાઈમ નહીં સચવાય. કે. કે. ની તદ્દન ગેરવ્યાજબી જીદ સામે તેણે નમતુ તો જોખ્યું, પરંતુ એ શરત સાથે કે તે રોજ આદિ પાસે ચેક અપ કરાવશે, એક પણ દિવસ ના બ્રેક વગર. અને સામે કે. કે. એ પણ એક ફિક્સ ટાઇમની શરત મૂકી હતી. આદિ બહુ સારી રીતે જાણતો હતો કે જો નક્કી કરેલા સમયે તે કે. કે. પાસે નહી પહોંચે તો કે. કે. ચોક્કસ પણે ચેક અપ માટે ગલ્લા તલ્લા કરશે.
આદિત્ય શક્ય એટલી ઉતાવળ થી એક પછી એક પેશન્ટ તપાસતો હતો ત્યાં તેનો મોબાઇલ વાઇબ્રેટ થયો. તેણે જોયું તો કેયુરનો કોલ હતો. તેણે તરત જ કોલ રીસિવ કર્યો તો સામે કેયુરનો ગભરાટભર્યો અવાજ સંભળાયો...
"આદિ, ભાઇને કંઈક થઈ ગયું છે. તે.. તે... હી હેઝ બીકમ અનકોન્શિયસ... તું પ્લીઝ જલ્દી આવી જા. કમ ફાસ્ટ. ડેડ પણ ઓફિસમાં નથી. આઇ... આઇ જસ્ટ ડોન્ટ નો વ્હોટ ટુ ડુ... પ્લીઝ આદિ, કમ ફાસ્ટ.... "
કેયુરનો અવાજ ધીરે ધીરે ઢીલો થતો ગયો. આદિત્ય એ તેને હિંમત બંધાવતા કહ્યું,
"કેયુર, ડોન્ટ બી પેનિક. લિસન, મારા ત્યા આવવાથી કોઇ ફાયદો નહી થાય. હું તને એક લોકેશન મોકલું છું, ડૉ. ભટ્ટ ની હોસ્પિટલનુ. એક પણ મિનિટ બગાડ્યા વગર તુ કે. કે. ને લઈને ત્યાં પહોંચ. અંકલ આંટીને પણ ત્યાં જ બોલાવી લે. હું પણ પહોંચુ છું. "
કોલ કટ કરીને આદિત્ય એ પહેલુ કામ કર્યું બધીજ અપોઈનમેન્ટ કેન્સલ કરવાનું. એ માટે રિસેપ્શનીસ્ટ ને જરૂરી સુચના આપી તેણે ડ્રોઅરમાંથી કે. કે. ની ફાઇલ લીધી અને પાર્કિંગ સુધી પહોંચે ત્યાં સુધીમાં ડૉ. ભટ્ટ ને ટૂંકમાં જ આખી પરિસ્થિતિ ની જાણ કરી દીધી.
આદિત્ય પહોંચ્યો ત્યા સુધીમાં કે. કે. ની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ હતી. તે તરતજ ડૉ. ભટ્ટ ની કેબિન માં પહોંચ્યો અને કે. કે. ની ફાઇલ તેમના ટેબલ પર રાખી દીધી. આદિત્ય તરફ જોઇ ડૉ. ભટ્ટે નિરાશા થી માથું ધુણાવ્યુ.
"ગાંઠ ની સાઇઝ વધી ગઈ છે. દુખાવો પણ વધીજ ગયો હશે. પેનિક એટેકની ફ્રિક્વન્સી પણ વધી ગઈ છે. દુખાવાના અતિરેક ને કારણે... "
કેબિન નો દરવાજો ખૂલ્યો અને કેદાર ભાઇ તથ કેયુર અંદર ધસી આવ્યા.
"કોઇ મને કહેશે કે આખરે મારા દિકરાને થયું છે શું?"
પ્રત્યુત્તર મા ડૉ. ભટ્ટે કે. કે. ની ફાઇલ તેમને આપી. કેદાર ભાઈએ એક સરસરી નજર બધા રિપોર્ટ પર નાંખી. વધુ તો કંઇ ન સમજાયુ, પરંતુ એક રિપોર્ટ મા લાલ અક્ષરે લખેલુ હતું, કેન્સર ઈઝ પોઝિટિવ. તારીખ હતી ત્રણ અઠવાડિયા પહેલાની !
કેદાર ભાઇએ ધારદાર નજરે આદિત્ય સામે જોયું અને એટલું જ બોલ્યા,
"કમ વીથ મી. "
કેયુરને ત્યાં જ રહેવાની સૂચના આપીને કેદાર ભાઇ સીધા પાર્કિંગ તરફ આગળ વધ્યા. આદિત્ય પણ તેમની સાથે ગાડીમાં ગોઠવાયો અને ગાડી કે. કે. મેન્શન તરફ દોડવા માંડી.