Nirnay in Gujarati Moral Stories by Kirangi Desai books and stories PDF | નિર્ણય-

Featured Books
Categories
Share

નિર્ણય-

દોઢ વર્ષ નાં અનિકેતને છાતી સરસો ચાંપી પોતે જાણે કોઈ ગુનો કર્યો હોય એમ રડી પડી. મનોમન નક્કી કર્યું હતું કે પોતાના બાળકના ભવિષ્યને પોતે કોઈ સંજોગોમાં ખરડાવા નહી દે, અને એના માટે એ કોઈ પણ હદ સુધી જશે.
અનિકેતને એકીટશે નિહાળતા એ 3 વર્ષ પહેલાંના પોતાના ભૂલ ભરેલા ભૂતકાળ માં ખોવાઈ ગઈ..

***

" અનાહિતા, તારા જન્મ પર મારી છાતી ફૂલી નહોતી સમાતી, પણ આજે એમ થાય છે કે તારા જેવું સંતાન હોય એના કરતા ના હોય એ વધુ સારું."

"તું એ છોકરા સાથે લિવ ઇન રિલેશન માં રહેવા કેમની સહમત થઈ, અને એ પણ તારી કોર્પોરેટ જોબ છોડીને.."

"જો અનહિતા, તારી ઈચ્છા ખાતર હું તારા લગ્ન એની સાથે કરાવી આપીશ. એ પછી તું એની સાથે જા, આ રીતે નહી.."

પિતા ની વાત સાંભળી-ના-સાંભળી કરીને પોતે એકદમ ગુસ્સા માં બોલેલી કે, " નમન સાચું જ તો કહે છે, લગ્ન કરીને સાથે જીવવુ અને લગ્ન વગર સાથે જીવવું એમા બહુ ફરક છે. અમે સાથે હોઈશું તો એકબીજાં ને વધુ સારી રીતે જાણી શકીશું. અને એમપણ લગ્ન કરીને એકબીજા ની સ્વતંત્રતા છીનવી લેવી એના કરતાં સાથે રહીને મુક્ત જીવવું વધારે સારું.."

" નમન નમન નમન..."
"બંધ થા. એ છોકરા ના લીધે તારું મગજ ભ્રષ્ટ થઈ ગયું છે." 

"જો અનાહિતા બંધન માં બંધાઈને પણ એકબીજાને પોતાની ઈચ્છા મુજબ જીવવાની સંપૂર્ણ છૂટ આપવી એજ આદર્શ લગ્ન સબંધ કહેવાય. માત્ર સાથે રહેવા કરતા તમારી જોડે તમારી પડખે કોઈક કાયમ છે એ નિશ્ચિન્ત અહેસાહ માત્ર લગ્ન જ આપી શકે."

"આવા લિવ ઇન રિલેશન માં તારા ભવિષ્ય ની કોઈજ દિશા નથી. કદાચ જો એ છોકરા ને તારી જોડે ના ફાવ્યું તો..... એ પછી શું ? તું ક્યાંયની નહી રહે બેટા.."

અનાહિતા તરડાયેલા અવાજે બોલી, "બસ પપ્પા, તમે નમન ને ઓળખતા નથી. હજુ તમે એને મળ્યા પણ નથી કે જોયો પણ નથી તો એના વિશે આમ નેગેટિવ બોલવાનો તમને કોઈજ હક નથી. મારો નમન મારા સિવાય બીજી કોઈ છોકરી ની સામે પણ નથી જોતો.."

અને આ ચર્ચા અટકવાનું નામ નહોતી લેતી. શબ્દશઃ સંવાદ આજેય અનહિતાને એમ જ યાદ છે. એ દિવસે પહેલી વાર તેની માતા એ તેના પર હાથ ઉગામયો હતો.

"બહુ ભરોસો છે એ છોકરા પર તો પૂછ એને કે એ લગ્ન કરવા કેમ નથી માંગતો?"

"કેમ પોતાની જવબદારી થી ભાગે છે એ ? "

"આવા છેલબટાઉ છોકરા ખાતાર તારું ભવિષ્ય અને અમારી ઈજ્જત બેવ ના ધજાગરા ના ઉડાવીશ.."

"એ છોકરાં ને તું કેટલું જાણે છે? માત્ર કોલેજ ના 3 વર્ષ નો સાથ કોઈકને નખશીખ ઓળખવા માટે પૂરતો નથી હોતો."

"મમ્મી બસ, મને અને નમનને અમારી મર્યાદા નો બહું સારી રીતે ખ્યાલ છે. ભલે હું એની સાથે હોઈશ પણ મારી મરજી વગર નમન મારી નજીક પણ નહી આવે. અને એમ પણ તમારી જોડે વાત કરવાનો મતલબ નથી કારણકે તમે કંઈજ નહી સમજો. આમ લિવ ઇન રિલેશન માં રેહવા વાળી હું પહેલી છોકરી નથી. દુનિયા ના બદલાવ ને સ્વીકારો અને સમજો બાકી હું નક્કી કરી ચુકી છું કે મારે શું કરવું." અને અનાહિતા તરત જ પોતાની બેગ લઇને ધડામ કરતો દરવાજો બન્ધ કરીને એ ચાલી નીકળેલી.

24 વર્ષ ના ઉછેર, મમતા, વાત્સલ્ય સામે માત્ર 3 વર્ષ નો પ્રેમસંબંધ જીતી ગયેલો. પોતે પોતાના માં બાપ ની પરવાહ કર્યા વગર સાવ નઠોર ની માફક નીકળી પડેલી.

             નમન સાથે શરૂઆત નું એક વર્ષ તો જાણે સપના ની જેમ ઉડી ગયેલુ. નાજુક ફૂલ ને જેમ માળી સાચવે તેવી રીતે નમન અનાહિતાને સાચવતો, તેની ઈચ્છા એજ નમન ની ઈચ્છા.!! જાણે કે સાચેજ પોતે દુનિયા ની સૌથી સુખી સ્ત્રી હોય એવું અનુભવતી. અનાહિતા ની સંમતિથી જ તેઓ પોતાના સંબંધ માં આગળ વધેલા, એ પછી તેની દરેક રાત નમન ની બાંહોમાં પસાર થતી. ધીમે ધીમે જાણે કે નમન એની આદત બનતો ગયો. પોતે નાનામાં નાની વાત માટે પણ નમન પર નિર્ભર થઇ ગઈ હતી અને આ વાતનો નમને ભરપૂર ફાયદો ઉઠાવેલો. એમ પણ કોઈ માણસ પોતાનો અસલ સ્વભાવ ક્યાં સુધી દબાવી ને રાખી શકે!!

          દિવસે ને દિવસે નમન ઓફીસ ના બહાને આખો વખત બહાર રહેવા લાગેલો. શરૂઆતમાં જ્યારે પોતે કઈ પૂછે તો ટૂંક માં જવાબ આપીને ટાળી દેતો.પણ ધીમે ધીમે તો ઘરમાં હોય ત્યારે પણ પોતાનામાં મસ્ત રહેતો. સતત જાણે પોતે એક્દમ વ્યસ્ત હોય એવો ડોળ કરતો. અનાહિતા પર નાની નાની વાત માં ગુસ્સે થઈ જતો. વાત ત્યાં સુધી નહોતી અટકી, જ્યારે પોતે પુછયુ કે , "નમન આ બધું શુ છે ? "

"તું આટલો ટાઇમ ક્યાં હોય છે ? "

તરત જ વળતો જવાબ આપતા નમને કહેલું કે "તું મારી પત્ની નથી અને પત્ની બનવાની કોશિશ પણ ના કર"

"હું તને કશુંજ કહેવા બંધાયેલો નથી, મારી મિનીટ-મિનીટનો હિસાબ માંગવા વાળી તું કોણ ?"

"તારી હેસિયત માં રહે.."

બુમો પાડીને બોલતા નમન ના શબ્દોએ જાણે કે અનાહિત ને સુન્ન કરી નાખેલી. વાત વાત માં ગુસ્સે થતો નમન ત્યાંથી નહતો અટક્યો. આવીજ એક વખતે અનાહિતા ને જાણ થયેલી કે પોતાને 2 મહિના ની પ્રેગ્નન્સી છે અને તેણે નમન ને લગ્ન કરી પોતાને અને આવનાર સંતાનને પોતાનું નામ આપવા જણાવેલું. પણ અનાહિતા કંઈક કહે એ પહેલાં જ નમને એક તમાચો ઝીંકી દીધેલો અને કહેલું, "એય, તારી જવાબદારી લેવી હોત તો તને લગ્ન કરીને જ રાખત ને મારી જોડે."

"તારા જેવી તો કેટલીય છોકરીઓ છે મારી લાઈફમાં, તો શું બધાંની સાથે લગ્ન કરતો ફરું!"

"બાકી આ પ્રેગ્નન્સીવાળા નાટક મારી સામે ના કર. અને એમ પણ હવે મને તારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તું નીકળ અહીંથી..!! "

અનાહિતાના વાળ ઝટકા સાથે ખેંચી તે બોલેલો, "તારી મરજીથી તું અહીં આવી અને તારી જ ઈચ્છા મુજબ તે તારી જાત મને સોંપી, તો આ બાળક પણ તને જ મુબારક.. !!"

"જેવી રીતે અહીં આવેલી એવી જ રીતે નીકળ અહીંથી, બાકી મને તારાથી હવે કોઈજ ફરક નથી પડતો."

નફ્ફટ ની માફક નમન બોલતો હતો અને એ સાથેજ એને પોતાની મમ્મી નાં કહેલા શબ્દો સાચા પડતા લાગ્યા. પણ હવે બહુ મોડું થઈ ગયેલુ. પાછા જવાના રસ્તા બંધ થઈ ગયેલા. ભમરો જેમ એક ફૂલ નો રસ ચૂસી ઉડીને બીજા ફૂલ પર બેસી જાય નમન એવો જ ભમરો નીકળેલો.

       તદ્દન ભાંગી પડેલી અનાહિતા ત્યાંથી પોતાનો સમાન સમેટીને નીકળી ગયેલી. ક્યાં જશે, શું કરશે એવી કશી જ સૂઝ વગર સાવ દિશા હીન અને નિઃસહાય.!! ચોધાર આંસુએ રડીને લાલ થઈ ગયેલી આંખો, પેટ માં ૨ મહિના નો ગર્ભ, અને સાવ અંધકાર મય ભવિષ્ય!!

કદાચ મનમાં ક્યાંક કોઈક ખુણે એને ખ્યાલ હતો કે હવે માત્ર એક જ વ્યક્તિ એને સાંભળી શકે એમ છે એટલે અનાયાસે એ વખતે આપોઆપ તેના ડગ નૈના નાં ઘર તરફ મંડાયેલા. એક નૈના જ હતી કે જે માતા પિતા નું ઘર છોડ્યા પછી પણ તેના સતત કોન્ટેકટ માં રહેતી. સબંધમાં પોતાના દૂર ના કાકા ની દિકરી પણ ખાસ મિત્ર કરતાય વધારે ક્લોઝ..!! થોડા સમય પહેલા બદલી થતા આ શહેર માં આવી હતી. કોણ જાણે કેમ એ દિવસે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી નૈનાના ઘર તરફ નો રસ્તો એને બહુજ લાંબો લાગેલો. દરવાજામાં જ બંને હાથમાં પકડેલી લઘર વઘર કપડાંની બેગ સાથે પોતે નૈના ને જોતાજ તેને વળગીને નાના બાળક ની જેમ રડી પડેલી. ભાંગી પડેલી અનાહિતા સાવ અસ્વસ્થ અવસ્થામાં હતી. તેની પુરી કથની સાંભળ્યાં પછી નૈના થોડા દિવસ તો એના પડછાયા ની જેમ સાથે રહી. પોતે જેવી થોડીક સ્વસ્થ થઇ કે તરત તેણે કહ્યું,
" અનાહિતા, જો તું ઇચ્છે તો કાયદા નો સહારો લઈ શકે છે, "

"એ બાસ્ટર્ડ ને એની જગ્યા બતાવી જ રહી, તારા જેવી તો કેટલીયે છોકરીઓ ને એણે ભરાઈ હશે."

"પણ આ સંજોગોમાં તારા કરતા વધારે આ બાળકનું ભવિષ્ય અનિશ્ચિત છે, એના ખાતર પણ નમન ની શાન ઠેકાણે લાવીજ રહી."

" આ સમાજ, આ દુનિયા બાળક સાથે છુટાછેડા વાળી સ્ત્રી ને અપનાવે છે, પણ કુંવારી માં ને તો ક્યારેય નહીં!!"

"અનુ , એટલો સરળ રસ્તો નથી. હજુ એટલું મોડું નથી થયું. જો તું ચાહે તો આ બાળક ને.....આઇ મીન યુ કેન એબોર્ટ ધિસ ચાઈલ્ડ."

નૈનાને એકદમ અટકાવી પોતે એકદમ સ્પષ્ટ શબ્દો માં કહ્યું હતું.. "ના, આ બાળક મારુ છે, હું એને જન્મ આપીશ. "

"એની બધી જવાબદારી નિભાવિશ, અને એમ પણ આ રસ્તો મેં અપનાવેલો તો એના દરેક પરિણામ માટે પણ હું જ જવાબદાર છું."

"નમન સાથે વિતાવેલી એ દરેક રાતો મારી જ તો ઈચ્છા હતી. એને ઓળખવામાં મેં થાપ ખાધી.."

એક ઊંડો નિઃસાસો નાખીને કહ્યું, "કાશ હું મારી મર્યાદા માં રહી હોત, કાશ એની પર આંધળો ભરોસો ના મુક્યો હોત."

" કા..શ...મમ્મી- પપ્પા ની વાત માની હોત..!!!!"

નૈના તરત જ અનાહિતાનો હાથ પોતાના હાથ માં લેતા બોલી, " અનુ, તારા દરેક નિર્ણય માં હું તારી સાથે છું."

"પણ હું એ નમનને એમનેમ તો નહીંજ છોડું, કાયદાકીય નહીં તો બીજી રીતે પણ આ દુનિયા એનો સાચો ચહેરો જોશે. ભલે ને એ માટે કોઇ પણ હદ સુધી જવું પડે પણ હું જઈશ..."

"તું એ બધું મારા પર છોડી દે, બસ તું ખાલી તારા અને આવનાર બાળક વીશે વિચાર. હવે આગળ તારે શુ કરવું છે એ, અને તે લીધેલો નિર્ણય તારી સાથે તારા સંતાન નું ભવિષ્ય નક્કી કરશે. બાકી હું તો તારી પડખે છું જ. સો ડોન્ટ વરી.."

નૈના એ પોતે કહેલા શબ્દો પ્રમાણે સતત નમન નો પીછો કરેલો, ફેસબૂક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ દરેક સોશિઅલ મિડિયા સાઈટ પર ફેક પ્રોફાઈલ બનાવી તે નમન સાથે કલાકો વાતો કરતી, દીલફેંક નમન નૈના ને પટાવાનો એક મોકો પણ જતો ના કરતો. ધીમે ધીમે નૈના નમનની દરેક ગતિ વિધીઓ થી વાકેફ થતી ગઈ. આ બધામાં લગભગ એકાદ વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો. અનાહિતા એક સુંદર દીકરા ની માતા બની ચૂકી હતી જે અદ્દલ નમન ના નાક નકશા સાથે જન્મ્યો હતો. નૈના તો પોતાના જ ધ્યેય માં મગ્ન હતી કે કેવીરીતે નમન ની હકીકત ચત્તી કરવી. એ સમયની આતુરતા થી રાહ જોતી હતી. એવે વખતે જ નમન સાથે ની વાત વાત માં એને જાણ થઈ કે તે પોતાના માતા પિતા દ્વારા નક્કી કરાયેલી છોકરી સાથે સગાઈ કરવા જઈ રહયો છે. બસ નૈના માટે આ જ તો વખત હતો જ્યાં નમન ની ઈજ્જત ના ધજાગરા ઉડાઇ શકે . એના માટે નો આખો પ્લાન અનાહિતા ને જણાવ્યો એ સાથેજ એને માનસિક એટલી મજબૂત કરી કે એક્યાંક તુટી ના જાય. આ બધું કરવામાં નૈના એ એમ પણ જણાવ્યું કે એ પોતે એકલી નહી હોય. એ સ્થળ પર એ ગમે તે રીતે અનાહિતા ના માતા પિતા ને પણ હાજર રાખશે. કોણ જાણે કેમ એક પછી એક વિચારો ની હારમાળા વાવાઝોડા ની માફક અનહીતાના મગજમાં ઉદભવતી હતી જે અટકવાનું નામ જ નહતી લેતી તેવામાં અનિકેત નાં રાડવાનાં અવાજે એને વર્તમાન સમય નું ભાન કરાવ્યું અને પોતે હકીકત માં પાછી ફરી..

***

તે સાથે જ તેણે જોયુ કે મોબાઈલ ની એકધારી રિંગ વાગે જતી હતી. સ્ક્રીન પર "નૈના" નું નામ જોતા બીજીજ મીનીટે ફોન ઉપાડી તે બબડી, "હું તારાજ ફોન ની રાહ જોતી હતી.."

"હેલો... હા અનાહિતા હું જાણું છું, બધુજ આપણા પ્લાન મુજબ થઇ રહ્યું છે, બસ થોડીક વાર માં નમન અને એનો પરિવાર આવતા જ હશે, આપણે બહુ રાહ નહી જોવી પડે. તું પણ હવે અનિકેત ને લઈને અહીં આવવા નીકળ. આજેતો એની સાચી હકીકત દુનિયા સામે આવીને જ રહેશે, બસ તું ઢીલી ના પડતી. "

અનાહિત તરત બોલી, "પણ નૈના ત્યાં પપ્પા પણ હશે, એમની સામે હું કેવીરીતે નજર મિલાઈ શકીશ."

"આ બધો પ્લાન કરતા તો કરી નાખ્યો પણ હવે મારા પગ નથી ઉપડતા. મારા લીધે જ તો એમનું સ્વમાન અને ઈજ્જત ધૂળ થઈ ગયા હતા અને ફરી ત્યાં એમની સામે આવવામાં બહુજ સંકોચ થશે."

"બસ અનુ.. તું ચિંતા ના કર. કોને ખબર કદાચ આજના દિવસ પછી એમનો અભિપ્રાય તારા માટે ફરી થી બદલાઈ જાય."

અનાહીતા: " ખરેખર જો એવું થાય તો હું આજીવન તારી આભારી રહીશ. અને એમપણ તારૂં ઋણ અદા કરવામાં આ જન્મ તો કદાચ ટૂંકો જ પડશે. તારા લીધે જ તો આટલા દિવસો નીકળ્યા નહીતો ખબર નહી હું..."

નૈના:  "શ શ શ..... અનુ બહુ ના વિચાર. આજનો દિવસ તારો છે. હિંમત કરી આ દુનિયા સામે આવ અને નમન નો અસલી ચહેરો છતૉ કર. ચાલ હવે હું ફોન મુકું છું. યુ પ્લીઝ ટેક કેર અને જલ્દી અનિકેત ને લઈને અહીં આવવાં નીકળ.."

નૈના સાથેના આટલા સંવાદ પછી પોતે માનસિક તૈયાર હતી ફરી 3 વર્ષે નમન નો ચહેરો જોવા. એ જ ચહેરો જે ક્યારેક એને પોતાના જીવ થી પણ વહાલો હતો. નમન માટે જ તો પોતે પોતાના મા બાપ ને છોડ્યા હતા. કદાચ એ રડતા ચહેરા ના જ નિઃસાસા હશે કે પોતે આમ સાવ રઝળપાટ વાળી સ્થિતિમાં આવી ગઈ. આટલુ વિચારતા ફરી એની નજર અફસોસ થી ઝૂકી ગઈ પણ પછી ઝડપથી અનિકેત ને લઈને ટેક્ષી માં બેસીને એ નિર્ધારિત જગ્યા એ પહોંચી ગઈ.

નમન પોતાની વાગદત્તા સાથે સ્ટેજ પર ઉભો હતો. અનાહિતા ને સામેથી આવતી જોઈને નમન પામી ગયો કે કંઈક ગડબડ છે. તેનો ચહેરો એકદમ જ ફિક્કો પડી ગયો. એક જગ્યા પર થોડી ક્ષણો માટે ફ્રીઝ્ડ થઈ ગયો. જે નજરો સાથે અનાહિતા તેને જોઈ રહી હતી તેનાંથી એ પામી ગયો કે હવે કંઈક તો અજુકતું થશે અને ભયંકર થશે, અનાહિતા નામનું તોફાન બઉ મોટા પાયાનું નુકશાન કરશે..!!

   અનાહિતા ની આંગળી પકડી ને ચાલતા દોઢ વર્ષ ના બાળક માં તેને તદ્દન પોતાનો ચહેરો દેખયો. નખશિખ પોતાની ઝાંખી થઈ! એકદમ જ જાણે એને પરસેવો છૂટી ગયો, આટલા બધા મહેમાનો વચ્ચે નજર દબાવી એ પોતે જાણે પોતાનાથી જ ભાગવાની ગડમથલ માં આમ તેમ નજર ઘુમાવવા લાગ્યો પણ અનાહિતા કોઈ વિચિત્ર ચાલે પોતાની એટલી નજીક પહોંચી ગઈ કે નમન ના પગ એમનેમ જ ધ્રૂજવા લાગ્યા. સાવ અકલ્પ્ય સંજોગો આકાર લઇ રહ્યા હતા..

    અનાહિતા ને આવી રીતે કલ્પવી અશક્ય હતું. હજુ પોતે કઈક સમજે તે પહેલાં એકદમ જ સટ્ટાક કરતો તમાચો એના ગાલે પડયો એ સાથે જ એની ઈજ્જત નાં ધજાગરા ઉડી ગયા. હજુ તો કઈક વિચારે એ પહેલાં બીજો તમાચો એના બીજા ગાલ પર પડ્યો. અનાહિતા ના આવા ઓચિંતા ઘા થી બઘવાયેલો નમન વીલા મોઢે અનાહિતા ને જોઈ રહ્યો હતો. આ રીતે તમાચો મારનારી અનાહિતા ચુપ બેસવા વાળી સ્ત્રી નથી રહી, એ કઈ હદે જશે એ વિચારો માં પોતાનો નીચેનો હોઠ દાંત વડે એટલો જોરથી દબાયો અને કહ્યું, " શીટ મેન, ડિઝાસ્ટર".

નમન ને થઈ ગયું કે આવનારું તોફાન ઘણું બધું સાફ કરી નાખશે,પોતાનો દબાયેલો ભૂતકાળ દુનિયા સામે આવતાં હવે કોઈ રોકી નઈ શકે. અત્યાર સુધી તમાશો જોતા નમન ના પપ્પા હતપ્રત થઇ ને બોલ્યા.

" એય છોકરી કોણ છે તું?"

" અમારી ઈજ્જત ની નિલામી લેવા કેમ તુલી છે ? "

"તારા જેવી ચારિત્ર્ય હીન બહું જોઇ, નીકળે છે કે તને તારી ઔકાત બતાવું.!"

"તારા જેવી રાખડેલો આવા રૂઆબદાર ઘર ના છોકરાઓની જ શોધ માં હોય છે."

અત્યાર સુધી શાંત ક્યાંક દૂર ઉભેલી નૈના ચીસ પાડીને બોલી ઉઠી,
"ઔકાત, ઈજ્જત જેવા શબ્દો તમને કે તમારા ખાનદાન ને શોભતા જ નથી,"

નૈના ને જોઈને નમન જાણે ભોંઠો જ પડી ગયો. તે સમજી ગયો કે પોતે એક જાળ માં ફસાઈ ચૂક્યો છે જે પોતાના ભુતકાળ ની બધીજ જાળ ખોલી નાખશે.

નૈના વગર અટકે બોલે જતી હતી કે "તમારા સંસ્કારી દિકરા ને જ પૂછો કે બે તમાચા ખાધા પછી પણ કેમ ચુપ છે?"

"અનાહિતા જોડે એને શુ સંબંધ હતા ?"

"અનાહિતા ની આંગળી પકડી ને ઉભેલો છોકરો પણ નમન નો છે એની સાબિતી કુદરતે એના ચહેરા થી જ આપી છે, એના માટે કોઈ મેડિકલ ટેસ્ટ કે કોઈજ પ્રૂફ ની જરૂર નથી."

અત્યાર સુધી ચૂપ અનાહિતા એકદમ જ બોલી ઉઠી,

"મારા હાથ માં નમન નું સંતાન છે પણ લગ્ન વગર સંતાન પેદા કરનાર ને જો "કુંવારી માંં" કહેવાય તો પુરૂષ માટે પણ "કુંવારો બાપ" શબ્દ હોવો જ જોઈએ.!"

"મારા ચારિત્ર્ય પર દાગ એક નમન ના લીધે જ પડ્યો તોય હું ચારિત્ર્ય હીન થઈ, પણ મારા જેવી કેટલીય છોકરીઓ થી નમન નો ભૂતકાળ ભરેલો છે, તો તમે એના ચારિત્ર્ય ને કયા ત્રાજવે તોલશો ?"

"લગ્ન વગરના માત્ર એક સંબંધના છત્તા થવાથી જો હું ઔકાત વગર ની કહેવાઉં, મારું સંતાન પણ ઈજ્જત વગર નું કહેવાય તો કઇ કેટલીયે છોકરીઓના શરીર ને રમકડું સમજી રમનાર આ છેલબટાઉ માટે તમે કયો શબ્દ વાપરશો ?"

"પૂછો તમારા નમન ને છે કોઇ જવાબ ?"

"હું એટલી તો સક્ષમ છું જ કે મારા સંતાન ને ઉછેરી શકું. નમન એ રમેલી રમત ની નિશાની તરીકે નહીં પણ મારા લીધેલા નિર્ણય ના પરિણામ રૂપે..! "

"અને મારો અહીંયા આવવાનો પણ એક જ ઉદ્દેશ હતો કે નમનનો સાચો ચહેરો બહાર આવે."

નમનના પિતાજી સાવ બેશુદ્ધ હાલત માં અનાહિતા ને જોઈ રહ્યા હતા. આ બધા સવાલો ના તેમની પાસે કોઈજ જવાબ નહતાં.
અનિકેત માં પણ અદ્દલ નમનની ઝંખી થતી હતી. સાવ અજાણ્યું પણ સમજી જાય એવો અદ્દલ નમન નો ચહેરો મહેરો લઈને જન્મ્યો હતો.
નમન નહીં પણ ત્યાં હાજર બધાજ વિલે મોઢે અનાહિતા તરફ જોઈ રહ્યા હતા, આટલી હિંમત આટલાં ધારદાર શબ્દો કદાચ અનાહિતા ના મુખેથી નીકળશે તે સાવ અકલ્પ્ય હતુ. જો કે આટલો મોટો તમાશો પણ વિચાર થી ઉપર હતો..પોતાની સાવ ધજાગરા ઊડેલી ઈજ્જત ને સમેટતા નમન નાં પિતાજી ત્યાં ઉભેલી ભીડ વચ્ચેથી ચાલી નીકળ્યાં. અત્યાર સુધી ચૂપ નમન પીઠ ફેરવીને જતી અનાહિતા ને જોઇ રહ્યો હતો. આ સ્ત્રી કઇ હદે બદલાઈ ચૂકી હતી. ક્યાં એ વખત ની પોતાના પર નિર્ભર રહેતી અનાહિતા અને ક્યાં અત્યારની સખત, કડક, નીડર અનાહિતા..!!!

આંખ માં આંસુ સાથે દૂર એક ખૂણા માં ઉભેેલાં પોતાના પપ્પા ને જોતા અનાહિતા ની અત્યાર સુધીની બધીજ હિંમત તૂટી ગઈ. વકબાણ ની માફક નીકળતાં એના ધારદાર શબ્દો જાણે એકદમ થીજી ગયાં. નૈના ના સહારે ઉભેલા પોતાન પિતા જેટલો જ આદર એને નૈના માટે ઉભરાઈ આવ્યો. આખરે આ જંગ એણે નૈના ના સહારે જ તો જીતી હતી.

અનિકેત નાં માથે હાથ મૂકીને તેના પિતા એ કહ્યું, " એ ઘર ના દરવાજા તું જાતે જ બંધ કરીને નીકળી હતી, હવે તું જ એને ફરી ખોલ. તારા એ લિવ ઇન રિલેશનના નિર્ણયને મેં જેટલો ધિક્કારેલો તેનાંથી વધારે તારા અનિકેત ને જન્મ આપવા ના નિર્ણય પર માન થઈ આવ્યું છે બેટા. હવે ફરી એક નિર્ણય લે, ચાલ અનિકેત સાથે પોતાના ઘર માં પાછી ફર. અનાહિતા પિતાને વળગી ને ચોધાર આંસુ એ રડી પડી. અને એ સાથેજ વિખરાયેલો માળો ફરી બંધાઈ ગયો.

(સમાપ્ત)

આપનો પ્રતિભાવ જરૂરથી જણાવશો
desaikirangi007@gmail.com