No return-2 Part-76 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | નો રીટર્ન-૨ ભાગ-૭૬

Featured Books
Categories
Share

નો રીટર્ન-૨ ભાગ-૭૬

નો રીટર્ન-૨

ભાગ-૭૬

અનેરી બોલી એ શબ્દોનો સંદર્ભ મારે સમજવો જોઇતો હતો, પણ અત્યારે મારૂં ધ્યાન બીજે હતું. અમારે જેમ બને એમ જલ્દીથી જોશને શોધીને અહીથી ભાગવાનું હતું. જો આદીવાસીઓ એક વખત જાગી ગયા તો ફરી પાછું સમરાંગણ ખેલાયા વગર રહે નહી. અને હવે એવું થાય એ હું બીલકુલ ઇચ્છતો નહોતો.

મારું સંપૂર્ણ ધ્યાન અમે પકડેલા આદીવાસી ઉપર હતું. તે ખામોશ બેઠો હતો પણ એનાં જીગરમાં બીક હતી કે ક્યાંક હું તેને ઉડાવી ન દઉં. મને ખ્યાલ નહોતો કે એ શું વિચારતો હશે, પણ તેનાં ચહેરાનાં ભાવ કંઇક અલગ જ હતાં. એ ભાગવાની ફીરાકમાં હતો. હું કોઇ ગફલત કરું એની જ એ રાહ જોતો હતો. અને... એ ભાગ્યો. અનેરી શું કરે છે એ જોવા હું સહેજ જ પાછળ ફર્યો હોઇશ કે એ સાથે જ તેણે તેનાં પડખામાં ખોસાયેલી રાઇફલને ધક્કો માર્યો હતો અને મોટા અવાજે બુમો પાડતો તેનાં સાથીદારો તરફ ભાગ્યો. તેનાં બુમ બરાડાથી ઘડીકમાં તો ધમાચકડી મચી ગઇ. એકાએક જ બધા આદીવાસીઓ જાગીને સાબદા થઇ ગયાં હતાં. પેલો આદીવાસી દોડતો એમની પાસે પહોચ્યો ત્યાં સુધીમાં તો તેમણે અમારી ઉપર રીતસરનો હલ્લો બોલાવી દીધો હતો. એકાએક જ અમે રક્ષણાત્મક સ્થિતિમાં આવી પડયા. જેનો ડર હતો એ જ પરિસ્થિતિ સર્જાઇ હતી અને આદીવાસીઓનું ટોળું અમારી ઉપર ભયંકર રીતે ત્રાટકી પડયું હતું. અમે તુરંત પોઝીશન બદલી લીધી. જે ઝાડ સાથે અનેરી બંધાયેલી હતી એ ઝાડની ઓથે અમે ભરાયા હતાં. અનેરીએ વિનીતને મહા મુસીબતે ઉંચક્યો હતો. એના તેને સાથ આપતી હતી અને એ બન્નેએ ભેગા મળીને વિનીતને ઝાડનાં ટેકે બેસાડયો હતો. એ દરમ્યાન મેં આદીવાસીઓ તરફ ફાયર ઓપન કર્યું હતું. પણ આ વખતે તેઓ વધું સાબદા હતાં. જેવી મેં ગોળીઓ વરસાવવાની શરૂઆત કરી કે તેઓ જૂદી-જૂદી દીશામાં વહેંચાઇ ગયાં અને દરેક જગ્યાએથી અમારી ઉપર તીરોનો વરસાદ વરસાવવા લાગ્યાં. ઘડીકમાં તો એ નાનકડો અમથો વિસ્તાર યુધ્ધ મેદાનમાં તબદીલ થઇ ગયો હતો.

બન્ને તરફથી સામસામાં વાર થતાં હતાં. અમે ચારેય જણાં એક જ ઝાડનાં થડ પાછળ મહા મુસીબતે એડજસ્ટ કરી શકતાં હતાં. એક તો થડ કંઇ એટલું વિશાળ નહોતું કે અમને બધાને રક્ષણ આપી શકે, એમાં સામેથી સતત એક પછી એક આવતા તીરનો મારો જાજો સમય અમને ટકાવી નહી શકે એની મને ખાતરી હતી, એટલે મેં તુરંત પેંતરો બદલ્યો.

અમે જે ઝાડ પાછળ હતાં બરાબર તેની બાજુમાં એક મોટો પથ્થર હતો. હું એ પથ્થર પાછળ ચાલ્યો ગયો. પણ અહી મુશ્કેલી એ નડી કે સામેની તરફ હું બરાબર નિશાન નહોતો તાકી શકતો. જેવું નિશાન લેવા હું ડોકું બહાર કાઢું કે તરત ક્યાંકથી એકાદ તીર આવીને પથ્થર સાથે ટકરાતું હતું. લગભગ દસ પંદર મિનિટ એ જદ્દો- જહેદ ચાલી હશે. આદીવાસીઓ અમારાથી બહેતર પોઝીશનમાં અને વધું સતર્ક હતાં. એ લોકો જંગલી હતાં છતાં અત્યારે લાગતું હતું કે ચોક્કસ યુધ્ધ કળામાં તેઓ નિપૂર્ણ હોવા જોઇએ. મારું માથું ભમતું હતું. જો આવું જ ચાલ્યું તો ચોક્કસ થોડા સમયમાં જ અમે પરાસ્ત થઇ જવાનાં હતાં કારણકે રાઇફલ હોવા છતાં એ બેઅસર જણાતી હતી અને આદીવાસીઓ સતત અમારી ઉપર હાવી થતાં જતાં હતાં. તેઓ મને પથ્થર આડાશેથી બહાર નિકળીને ફાયર કરવાની એક પણ તક આપતા નહોતાં. પેલાં ક્રેસ્ટો અને કાર્લોસ પણ ક્યાંય દેખાતાં નહોતાં. અહી હું એકલો જ એક ટોળા ઝઝૂમી રહયો હતો. આવી ભયાનક પરિસ્થિતિમાં શું કરવું જોઇએ એટલું વિચારવાનો સમય પણ મારી પાસે નહોતો. આદીવાસીઓનાં ભયંકર હુમલામાં ક્ષણ- પ્રતિક્ષણ અમારી હાલત નાજૂક બનતી જતી હતી.

એક તો અંધકાર, ઉપરથી ઝાડવાઓની પુષ્કળ આડાશો, અને તેમાં પણ સામેથી એકધારો થતો સામનો... તમે ક્યારેય આવી પરિસ્થિતિમાં ફસાયા હોંવ તો જ તમને મારી હાલતનો અંદાજ આવી શકે. હું કોઇ તાલીમબધ્ધ લડવય્યો નહોતો. મારી પાસે રાઇફલ જરૂર હતી પરંતુ એ સાવ અનાયાસે જ મારા હાથમાં આવી હતી જેનાથી આડેધડ, જેમ ફાવે તેમ હું ફાયરીંગ કરતો હતો. મને ખ્યાલ આવ્યો હતો કે અત્યારે ગોળીઓ સાવ વ્યર્થ જ વેડફાઇ રહી છે. એક પણ આદીવાસી તેનાથી મરાતો નહોતો કારણકે મને પથ્થરની આડાશેથી ફાવતું જ નહોતું. મારી એ મુંઝવણ એના સમજી હતી. તે હળવેકથી સરકીને મારી નજીક આવી.

“ ગીવ મી ધ રાઇફલ.. “ તેણે કહયું. એક ખચકાટ સાથે મેં રાઇફલ તેને આપી. તે મારા કરતાં બેહતર રાઇફલ ચલાવી જાણતી હતી એ સબૂત મને તુરંત મળ્યો હતો. તેણે રાઇફલને પથ્થરની ટોચેથી ચલાવાનાં બદલે નીચે જમીન ઉપર... પથ્થરની સાઇડમાં ટેકવી અને પોતે પણ જમીન સરસી ચોંટી ગઇ. તેણે જમીન ઉપર સૂતા સૂતા જ નિશાન લીધું અને ટ્રીગર દબાવ્યું. એ સાથે જ એક ચીખ વાતાવરણમાં ગુંજી ઉઠી. એક આદીવાસી તુરંત ઢેર થયો હતો. વળી એના એ પોઝીશન બદલી અને બીજી ચીખ મને સંભળાઇ. જોત જોતામાં તો તેણે ઘણાં આદીવાસીઓનો સફાયો બોલાવી દીધો. બહું ઝડપથી એના ગોળીઓ ચલાવતી હતી અને એટલી જ ઝડપે સામેની બાજું સન્નાટો છવાતો જતો હતો. ખબર નહી કેટલા લોકો એ ફાયરીંગમાં મરાયા હશે. લાગતું હતું કે અમે જીત તરફ આગળ વધી રહયાં છીએ. એનાએ લગબગ સપાટો બોલાવી દીધો હતો. પરંતુ...

@@@@@@@@@@

કાર્લોસ અને ક્રેસ્ટો ઝડપથી પાછા ફર્યા હતાં. બન્નેનાં હદયમાં ભયંકર દાવાનળ સળગતો હતો. તેમનાં માથે સાક્ષાત મોત સવાર હતું. જે દ્રશ્ય તેમણે જોયું હતું એ ક્રૂરતાની છેલ્લી સીમાને પણ વળોટી ગયું હતું.

તેઓ જોશ ની શોધમાં નિકળ્યાં હતાં અને જોશ તેમને મળ્યો પણ હતો. પણ... જોશ ની હાલત જોઇને તે કંપી ઉઠયાં હતાં. આદીવાસીઓએ બહું બેરહમીથી જોશ ને મારી નાંખ્યો હતો. જોશ ને મારીને તેને એક ઝાડની ડાળીએ લટકાવી દીધો હતો. એ બટકો આદમી ઉંચા ઝાડની ડાળીએ ઉંધે માથે લટકતો હતો. માત્ર ચારેક ફૂટનો તેનો દેહ વિચિત્ર રીતે ફાંગો થઇને ટીંગાઇ રહયો હતો. તેનાં આખા શરીર ઉપર ઉંડા ઘાવનાં અસંખ્ય નિશાનો હતાં. લાગતું હતું કે કોઇ ધાર વગરનાં બુઠ્ઠા હથીયારથી અસંખ્ય વાર તેનાં શરીર ઉપર કરવામાં આવ્યાં છે. એ ઘાવમાંથી સતત લોહી રીસતું હતું. લોહીનાં રગેડા તેનાં ચહેરા ઉપર થઇને નીચે જમીન ઉપર પડતાં હતાં. તેનો ચહેરો બેડોળ બન્યો હતો. કોઇ બોથડ પદાર્થ વડે તેનાં ચહેરાને પણ રીતસરનો છૂંદી નાંખવામાં આવ્યો હતો. ચહેરાની ચામડી તરડાઇને ફાટી ગઇ હતી અને તેમાથી માસ અને ચરબીનાં લોચા બહાર દેખાતા હતાં. તેની ડાબી આંખની બીલકુલ નીચે એક લાંબો કાપો પડયો હતો. કાપો એવી રીતે પડયો હતો કે એ તરફની આંખનો ડોળો બહાર નિકળીને લબડી રહયો હતો. એ ડોળો કંઇક અજબ દ્રષ્ટીથી નીચે... કાર્લોસને તાકી રહયો હતો. કાર્લોસ થથરી ઉઠયો હતો. પોતાનાં વર્ષો જૂનાં વફાદાર સાથીનું આવું ભયાનક મોત જોઇને એ રીતસરનો ખળભળી ઉઠયો હતો અને તેની રગેરગમાં ક્રોધનો જ્વાળામુખી ફાટયો હતો. તેનાં જડબા ભિંસાયા હતાં અને પિસ્તોલ ઉપર હાથ સખ્તાઇથી બીડાયો હતો.

એ અવસ્થામાં જ તેમણે નિરિક્ષણ કર્યું હતું કે આજુબાજું કોઇ છે નહી ને...! લાગતું હતું કે પહેલા જોશને ક્રૂરતાથી મારી નંખાયો હશે અને પછી તેને અહી લાવીને ટીંગાડી દેવાયો હશે. કાર્લોસે ક્રેસ્ટો પાસે જોશ નો દેહ ઝાડ ઉપરથી નીચે ઉતરાવ્યો હતો અને તેઓ પાછા ફર્યા હતાં. ક્રેસ્ટોએ જોશ ને પોતાના ખભે ઉપાડી લીધો હતો. જોશ નો નાનકડો અમથો દેહ વિશાળકાય ક્રેસ્ટોનાં ખભા ઉપર ઝૂલતો હતો અને ક્યાંય સુધી તેમાથી લોહી નિગળીને તેનાં ખભાને બભીંજવતું રહયું હતું. તે બન્નેનાં હદય પથ્થરથી પણ સખત હતાં છતાં આજે પહેલીવાર કોઇ અકળ લાગણી તેમને પજવી રહી હતી. એક એવી લાગણી જે પોતાના કોઇ અંગત સ્વજન ગુમાવવાથી ઉદભવતી હોય છે.

@@@@@@@@@@@@@@

“ પવન... સબૂર... ! “ એક જોરદાર ચીખ મને સંભળાઇ અને કોઇક આવીને મારી ઉપર પડયું.

( ક્રમશઃ )

મિત્રો..

બની શકે તો કોમેન્ટ કરજો કે આ કહાની તમને કેવી લાગે છે..?

રેટીંગ ચોક્કસ આપજો.

આપ રહસ્યમય કથાઓનાં રસીયા હોવ તો તમને મારી અન્ય નવલકથાઓ જેવી કે....

નસીબ

અંજામ

નગર

નો રીટર્ન

પણ ચોક્કસ ગમશે.