કર્મયોગી કાનજી-૪
શેઠ ધરમચંદ, વેવાઈ અને શ્વેતા બેઠા છે ત્યાં શેઠાણીજી આવે છે અને કાંઈક અનુરોધ કરવા ઈચ્છે છે.હવે આગળ,
'શેઠ, આજ દિન સુધી મેં ક્યારેય તમારી સામે બોલવાનો પ્રયત્ન કર્યો છે અને ક્યારેય કોઈ નિર્ણય પર આશંકા કરી નથી પરંતુ આજે મારુ મન વ્યાકુળ થઇ ગયું છે. આજે વાત મારી દીકરીના ઘરની છે, એના સંસારની છે અને હું મારી દીકરીના આંખના આંસુ જોઈ નથી શક્તિ એટલે આજે મારે બોલવું પડ્યું છે એની માફી ઈચ્છું છું.', શેઠાણી નમ્રતાથી બોલ્યા.
'બોલો શેઠાણી, શું કેહવું છે તમારે?', શેઠ આજુ-બાજુ જોઈને બોલ્યા.
'શેઠ, હું સાચી છું કે ખોટી એ વાતની પુષ્ટિ તમે જ કરજો પરંતુ જ્યાં સુધી હું સમજી શકું છું મને એવું લાગે છે કે આપણા સારા-ખરાબ કર્મોનું ભુગતાન આપણા સંતાનોને કરવું પડે છે. 'કર્મના સિદ્ધાંત' પણ સનાતન સત્ય છે ને શેઠ? 'જેવા બીજ વાવીશું એવા જ પાક થશે' એટલે 'જેવા કર્મો એવું ફળ'. તમને તો ખબર જ છે કે આપણે જમીન સંબંધી થોડી મગજમારી તો ચાલે જ છે. તમે ગામના પૂજનીય વડીલ સમુદાયના મુખી છો અને આખું ગામ તમારા થી થરથર કંપે છે. તમે બધાને સાથ-સહકાર આપ્યો છે એટલો જ એમની પાસેથી વસુલાત પણ કરી છે. મને અંદરખાને એવું અનુભવાય છે કે અત્યારે પણ તમારા કોઈ એવા કર્મોની સજા આપણા દીકરી-જમાઈ અને એમનો પરિવાર ભોગવી રહ્યા છે. શેઠ, મારો કહેવાનો મતલબ એ નથી કે તમે સમજદાર નથી સરકાર, તમે
આજ સુધી જે નિર્ણય લીધો છે એ બધો જ બહુ સમજી વિચારીને લીધો હશે પરંતુ આજે વાત આપણા ઘરની આવી છે, આપણી દીકરીના ભવિષ્યની આવી છે ત્યારે આપણે આપણા 'કર્મ'નું ભુગતાન સંતાનો પાસેથી ના કરાવી શકીએ. આપણા પતિ-પત્ની જે સહન કરવું પડે એ કરી લઈશુ પંરતુ સંતાનો દુઃખી થઈ એ કેમ ચાલે સરકાર??? મને પણ ખબર છે કે તમે શ્વેતાને મારા કરતા વધારે લાડ લડાવ્યા છે અને વધારે પ્રેમથી ઉછેરી છે એટલે તમને પણ અત્યારે એટલું જ દુઃખ થાય છે. સરકાર, મને તમારા કામ, પ્રેમ કે વ્યવહાર પર સંદેહ નથી. હું તમને કોઈ સલાહ આપવાના ઉદેશથી આ બધું નથી કહી રહી. જ્યારથી શ્વેતાના પરિવારની વાત સાંભળી છે ત્યારથી મારુ મન બસ આ જ વિચારોમાં જકડાઈ ગયું છે. તમે સમજી શકો છો એક 'માં'ની વેદના એને બોલવા પર મજબુર કરે છે સરકાર. હું હાથ જોડી આજે એક જ વિંનતી કરું છું કે ગમે તે કરો પરંતુ મારી દીકરીના ઘરને વેરાન થતા બચાવી લો શેઠ.', શેઠાણી રડતા-રડતા હાથ જોડી બેસી ગયા.
શ્વેતા પણ 'માં'ના શબ્દોથી પોતાના આંખના આંસુ રોકી ના શકી અને ધ્રુસકે રડી પડી પછી શેઠાણીને ઉભા કરી બાજુમાં બેસાડ્યા.
'માં', તે આજે કેટલું બધું કહી દીધું. પહેલા તો તું આંસુ સારવાનું બંધ કરી દે. તારા આં આંસુથી હું વધારે કમજોર થઇ જાઉં છું. હવે રડવાનું મૂકીને મારી વાત સંભાળ. તું જ કઈ બોલી એ બધું જ સાચું છે કે ખોટું એ તો હું જજ નથી કરી શકવાની પરંતુ તારા દિલની વેદના હું પારખી ગઈ છું અને હોય પણ કેમ નહિ?? 'માં' તરીકે જેટલી લાગણી હોય એટલી તો કોને હોય ?? તું જ કહે... પરંતુ એનો મતલબ એ નથી કે તું અને બાપુ બધો જ દોષનો પોટલો પોતાની ઉપર લઈને પોતાની જાતને કોસ્યા કરો. બાપુ પણ કઈ અમથા તો નથી જ દોડતા ને આખો દિવસ ! એમને પણ તારી અને મારી ચિંતાઓ સતાવતી હોય ને! હા, માન્યું કે બાપુ થોડા વધારે ગુસ્સા વાળા છે અને એમને મારી વધારે જ ચિંતા છે અને મને દુનિયાની દરેક ખુશી આપવા માંગે છે. લગ્ન પછી બધી જ જવાબદારી સંદીપ અને એમને પરિવારની હોય છતાં આજે મારી પડખે અડીખમ ઉભા છે એટલે પ્રેમ તો તારો અને બાપુનો સરખો જ છે બસ પ્રેમ જતાવવાનો રસ્તો અલગ છે. 'માં' હંમેશા પોતાના સંતાનોના ભાગની ખુશી જ એમને આપવા માંગતી હોય જયારે 'બાપુ' દુનિયા ભરીની દરેક ખુશીઓથી સંતાનોની ઝોળી ભરવા માંગતા હોય છે. એટલે હવે તું શાંત થઇ જા.', શ્વેતા ખૂબ શાંતિથી બોલી.
કેટલી સમજણી હોય છે ને દરેક દીકરી, દોસ્ત? પરિવારની ખુશીઓને કેવી રીતે સંજોડી રાખવી એ તો ખાલી એમને જ આવડે છે. આટલી કપરી પરિસ્થિતિમાં પણ પોતાની જાતને સંભાળવી સાથે પરિવારને પણ સમજાવવા એ બધું દીકરી કરી શકે. આં બાજુ માં-દીકરી બેઠા છે અને સામે વેવાઈ, સંદીપ અને શેઠ બેસીને સાંભળે છે. શેઠ મનોમન કાંઈક વિચારમાં હોય એવું લાગે છે અને સંદીપ-વેવાઈ ચૂપ બેસી સમયની સત્યતાને અનુભવે છે અને અચાનક જ શેઠ ઉભા થાય છે.
'શેઠાણી, તમે આરામ કરો. અમે હમણાં આવીએ છીએ. ચાલો, જમાઈ રાજ અને વેવાઈ.', શેઠ હાલ્યા. (ત્રણે ચાલી નીકળે છે)
'શ્વેતા, મેં કઈ વધારે તો નથી બોલી લીધું ને?? આજે કઈ અનર્થ ના થઇ જાય. તારા બાપુનો ગુસ્સો તો તું જાણે જ છે ને? પળમાં આખો માળો પીંખી નાખે ને પળમાં સિંહાસને બેસાડી દે. મને બહુ ચિંતા થાય છે. તું સંદીપકુમાર ને ફોન લગાડ.', શેઠાણી ચિંતિત સ્વરે બોલ્યા.
*****************************
આં બાજુ વિજય અને કાનજી ખેતરમાં ફરે છે. પાકની દેખરેખ રાખતા ઝીણવટથી તાપસ કેમ કરવી એ કાનજી પાસેથી વિજય શીખી રહ્યો છે. પાકમાં કોઈ રોગ તો નથી લાગ્યો ને એ વાતની તાપસ કેમ કરવી એ બધું જ આજે કાનજી પાસેથી વિજય શીખે છે અને બાપ-દીકરો બંને ખૂબ ખુશ-ખુશાલ થઈને વાતું કરે છે ત્યાં જ શેઠ ધરમચંદ એમના વેવાઈ અને જમાઈ સાથે આવી પહોંચે છે.
* શેઠ અચાનક અહીંયા શા માટે?
* શું શેઠાણીનો શક સાચો પડશે?
* બંને વચ્ચે શું થશે ??
* ફરી સમય શું લઈને આવે છે.
એ જોવા મળીને આપણે આગળના ભાગમાં. ત્યાં સુધી વાંચનની સાથે અભિપ્રાય પણ આપશો એ આશા સાથે.
-બિનલ પટેલ