Premchandjini Shreshth Vartao - 8 in Gujarati Short Stories by Munshi Premchand books and stories PDF | પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 8

Featured Books
Categories
Share

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 8

પ્રેમચંદજીની

શ્રેષ્ઠ વાર્તાઓ

(8)

યુક્તિ

પંડિત બાલકરામ શાસ્ત્રીની ધર્મપત્ની માયાને ઘણા દિવસોથી હારની લત લાગી હતી. અનેકવાર એ માટે પંડિતજીને આગ્રહ કરવા છતાં એમણે પત્ની વાત ગણકારી ન હતી. એમ તો શી રીતે કહેવાય કે પાસે પૈસા નથી. એમ કહેતાં તો એમના નામને બટ્ટો લાગે. એટલે તેઓ તર્ક અને બહાનાંનો આશરો લેતાં. ઘરેણાંથી શો ફાયદો? સોનું ચોખ્ખું મળે નહીં. તેમાંય સોની રૂપિયાના આઠ આના કરી આલે. વળી ઘરેણાં ઘરમાં રાખવાથી માથે ચોરીનોય મોટો ભય! ક્ષણવારના મોજશોખ માટે આટલી મોટી આફત વહોરી લેવી એ તો મૂર્ખતાની નિશાની ગણાય. બિચારી માયા તર્કશાસ્ત્ર ભણેલી ન હતી. પતિનાં એ બહાનાં આગળ કશું બોલી શકતી નહીં. પડોશણોને ઘરેણાં પહેરેલી જોઇ એનો જીવ લલચાઇ ઊઠતો હતો. પણ કહેવું કોને? પંડિતજી આળસુ જીવ હતા. વધારે મહેનત કરી શક્યા નહીં. ઘણો ખરો સમય ખાવાપીવામાં અને આરામ કરવામાં ગાળતા. પત્ની ઝઘડતી તોય એમના પેટનું પાણી હાલતું નહીં. આ સ્થિતિમાં માયા માટે હાર મેળવવો કઠિન હતો.

એક દિવસ પંડિતજી પાઠશાળામાંથી ઘેર આવ્યા અને જોયું તો માયાના ગળામાં સોનાનો હાર શોભી રહ્યો હતો. હારની સાથે સાથે પત્નીનું મુખ પણ વિશેષ ચમકી રહ્યું હતું. આ પહેલાં એમણે પત્નીને આટલી સુંદર ક્યારેય જોઇ ન હતી. એમણે પૂછ્યું આ હાર કોનો છે?

માયાએ જવાબ આપ્યો - ‘‘આ આપણી પડોશમાં રહે છે ને એમનાં ઘરવાળાંનો. આજે એમને મળવા ગઇ હતી હું. મેં એમના ગળામાં જોયો. મને એ ખૂબ જ ગમી ગયો તે તમને બતાવવા પહેરી લાવી છું. બલ, આવો જ એક હાર મને બનાવડાવી આપો.’’

પંડિતજીએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું - ‘‘અરેરેરે! બીજાની આટલી કિંમતી વસ્તુ નકામી માગી લાવી તું. કઇંક ચોરાઇ જાય તો હાર નવો કરાવી આપવો પડે ને સમાજમાં કપાળે કાળી ટીલી લાગે એ વધારામાં.’’

‘‘હું તો આવો જ હાર લેવાની છું. પૂરા વીસ તોલાનો છે.’’

‘જો, પાછી એની એ જ હઠ?’

‘‘બધાંય પહેરે છે ને હું કેમ ના પહેરું? જુઓને; કેવી અડવી અડવી લાગે છે ડોક’’

‘‘બધાં તો કૂવામાં પડશે, એટલે તુંય પડીશ. એમની પાછળ? જરા વિચાર તો ખરી. હાર કઇ એમને એમ નથી બનતો. રૂપિયા ૬૦૦/નો ખર્ચ થાય. પાંચ વર્ષ પછી એના રૂપિયા ત્રણસોય ના ઉપજે. આવો ખોટનો ધંધો કરવાનો શો અર્થ? જા, આ હાર હમણાંને હમણાં જ આપી આવ પાછો. જા, ખાઇ પીને લહેર કર. ને હારની વાત પડતી મેલ્ય.’’ આટલું કહીને પંડિતજી બહાર ચાલ્યા ગયા.

રાત પડી. બધાં ઊંઘી ગયાં હતાં. લગભગ મધરાતે માયાએ ઓચિંતી રાડ પાડી - ‘‘ચોર...ચોર...ચોર...! ઘરમાં ચોર છે. મને એ ખેંચીને લઇ જાય છે.’’

પંડિતજી હાંફળા ફાંફળા ઊઠ્યા. પૂછ્યું - ‘‘ક્યાં છે ચોર? દોડો...દોડો...દોડો...!’’

પત્નીએ કહ્યું - ‘‘મારા ઓરડામાં ગયો છે.’’

‘‘ફાનસ લાવ. મારી લાકડી પણ લાવજે જરા.’’

‘‘મને તો બીક લાગે છે. હું ગભરાઇ ગઇ છું. મારાથી ઊભા નહીં થવાય.’’ માયાએ કહ્યું.

એટલામાં બહારથી કેટલાક માણસોનો અવાજ સંભળાયો - ‘‘પંડિતજી, ક્યાં છે ચોર? ભીંત કોચીને પેઠો છે કે શું?’’

‘‘ના, ના. છાપરા પરથી ઊતર્યો હોય એમ લાગે છે. મારી આંખ ઊઘડી ગઇ ત્યારે મેં જોયું કે એ મારી છાતી ઉપર ઉભો હતો. હાય...હાય...!’’ માયાએ રડતી હોય એવા સ્વરે કહ્યું.

‘‘પણ રાત્રે સૂતા પહેલાં તેં હાર કાઢી કેમ ના મૂક્યો?’’

‘‘મને શી ખબર કે આજે જ આ આફત માથે ઉતરવાની હતી. હાય, ભગવાન!’’ અને એ રડવા લાગી.

‘‘હવે હાય...હાય... કરવાથી શું વળવાનું છે. હવે તો તારાં કર્મોને રડ. મારું માન્યું જ નહીં. બધા દહાડા કઇ સરખા નથી હોતા. ક્યારે શું થઇ જાય એની શી ખબર? હવે ઠેકાણે આવીને શાન? જા, જઇને જો કે બીજું કશું તો લઇ ગયો નથી ને?’’ પંડિતજીએ આશ્વાસન આપતાં કહ્યું.

પડોશમાંથી એક જણ ફાનસ લઇ આવ્યું. ઘરનો એકે એક ખૂણો જોઇ વળ્યા. પણ ચોરનો ક્યાંયથી પત્તો લાગ્યો નથી.

એક અનુભવી પડોશીએ કહ્યું - ‘‘પંડિતજી ! કોઇ જાણકાર માણસનો હાથ હોય તેમ લાગે છે.’’

બીજો બોલ્યો - ‘‘ભીંત કોચ્યા સિવાય તે કઇ ચોરી થતી હશે? અને ઘરમાંથી બીજું કશું તો લઇ ગયો નથી ને?’’

માયા બોલી - ‘‘બીજું બધું સલામત છે. વાસણ ફાસણ અને કપડાં લત્તા બધુંય ઠીકઠીક છે. પેટીેયે બંધ પડી છે. અક્કરમીને લઇ જવું હતું તો મારું લઇ જવું હતું ને કશુંક? પણ એ તો પારકી વસ્તુ લઇ ગયો અભાગિયો. હવે હું શું જવાબ આપીશ?’’

પંડિતજીએ ટોણો મારતા કહ્યું - ‘‘ઘરેણાંમાં શો સ્વાદ છે એ સમજાયું ને હવે?’’

‘‘નસીબમાં કાળો ડાઘ લાગવાનો હશે તે!’’

‘‘હું તો તને કહી કહીને થાકી ગયો પણ, તેં મારી વાત જ ના માની. વાત વાતમાં રૂપિયા ૬૦૦/ પડી ગયા. હવે ભગવાન શી રીતે લાજ રાખે છે એ જોવાનું રહ્યું.’’

‘‘બિચારીએ હાર નવો જ બનાવડાવ્યો હતો.’’ - માયાએ કહ્યું.

‘‘વીસ તોલાનો હતો એવી તને બરાબર ખબર છે?’’

‘‘હા, એ કહેતી હતી કે વીસ તોલાનો છે.’’

‘‘પનોતી બેઠી હવે, બીજું શું?’’

માયાએ જણાવ્યું - ‘‘કહી દઇશ કે ઘરમાં ચોરી થઇ. શું કરી લેવાની હતી એ? એના માટે કંઇ આપણાથી થોડું ચોરી કરવા જવાશે?’’

‘‘એમને કંઇ કહેવાતું હશે? તારી પારેથી વસ્તુ ગઇ છે એટલે આપવી પડે તારે. એને શી ખબર કે ખરેખર ચોર લઇ ગયો છે કે તેં સંતાડીને મૂકી દીધો છે. કઇંક! શી રીતે એને વિશ્વાસ બેસે?’’

‘‘તો હવે એટલા બધા રૂપિયા લાવવા ક્યાંથી?’’ - માયાએ ચિંતા વ્યક્ત કરતાં પૂછ્યું.

‘‘ગમે ત્યાંથી લાવવા તો પડશે જ! નહીં તો બહાર મોંઢું બતાવવા જેવુંય નહીં રહે. રસ્તો તો કાઢવો પડશે ગમે તે. પણ તેં ભૂલ તો ભારે કરી.’’

માયાએ બળાપો ઠાલવ્યો - ‘‘ભગવાને માગી આણેલી ચીજ પણ ના જોઇ. મારું નસીબ જ ફૂટેલું નહીં તો ઘડીક હાર ગળામાં નાખવાથી શું સુખ મળવાનું હતું? હું જ અભાગણી છું.’’

‘‘હવે પસ્તાવો કરવાથી શું વળાવાનું છે? પડોશણને કહી દે જે કે તમારો હાર પાછો નહીં આપીએ ત્યાં સુધી એમને જંપ નહીં વળે.’’

પંડિતજી બાલકરામને હવે હારની ચિંતા સદા સતાવવા લાગી. આમ તો પાઘડી ફેરવી દીધી હોત તો તો ચાલ્યું જાત. પોતે બ્રાહ્મણ હતા. પણ બ્રાહ્મણના ગૌરવને એ સત્તામાં વેચવા માગતા ન હતા. એ દિવસથી તેઓ આળસ છોડી ધન કમાવવાના કામમાં લાગી ગયા.

છ મહિના સુધી એમણે રાત દિવસ એક કર્યાં. પહેલાં એ પાઠશાળામાં જવા સિવાય બીજો કોઇ કર્મકાંડ કરતા નહીં. હવે એમણે ભાગવતની કથા કરવી શરૂ કરી. રાતે પણ બાર બાર વાગ્યા સુધી એ લોકોની જન્મ કુંડળીઓ બનાવવા લાગ્યા. વહેતી સવારે દુર્ગાપાઠ કરતા. આવી કઠોર મહેનત જોઇ માયાને પણ હવે પસ્તાવો થવા લાગ્યો. એને થયું કે કદાચ બિમાર પડી જશે તો નકામી ઉપાધિ થશે. દિવસે દિવસે શરીર ક્ષીણ થતું જોઇ એને ચિંતા થવા લાગી. આમને આમ પાંચ મહિના વીતી ગયા.

એકવાર સંધ્યાકાળે પંડિતજીએ ઘરમાં પગ મૂકતાં જ માયા સામે એક પડીકું નાખતાં કહ્યું - ‘‘લે આજે હું તારા દેવામાંથી મુક્ત થઇ ગયો છું.’’

માયાએ પડીકું છોડી જોયું તો એમાં હાર હતો. હાર જોઇને એ તો રાજીના રેડ થઇ ગઇ. એણએ પૂછ્યું - ‘‘ખુશ થઇને આપો છો કે નાખુશ થઇને?’’

બાલકરામે કહ્યું - ‘‘એની સાથે તારે શી લેવા દેવા? ખુશ થઇને આપું કે નાખુશ થઇને, પણ દેવામાંથી તો મુક્ત થવાશે ને?’’

‘‘આ દેવું નથી.’’

‘‘બીજું શું? બદલો માની લે.’’

‘‘બદલો પણ ના કહેવાય.’’

‘‘તો પછી?’’

‘‘તમારી નિશાની.’’ માયાએ કહ્યું.

‘‘તો શું ઋણમુક્ત થવા બીજો હાર બનાવડાવવો પડશે?’’

‘‘ના, ના. પેલો હાર ચોરાઇ ગયો નથી મેં તો ખોટી ખોટી બૂમો પાડી હતી.’’

‘‘સાચું?’’

‘‘હા. સાચું કહું છું.’’

‘‘મારા સમ?’’

‘‘તમારા ચરણોના સોગંદ.’’

‘‘તો તેં મારી સાથે બનાવટ કરી હતી? યુક્તિ અજમાવી હતી?’’

‘‘હા.’’

‘‘તને ખબર છે કે તારી યુક્તિની કેટલી કિંમત ચૂકવવી પડી મારે?’’

‘‘છસો રૂપિયાથી વધારે?’’ - માયાએ પૂછ્યું.

‘‘એથી પણ વધારે. હાર માટે તો મારે મારા આત્મસ્વાતંત્ર્યનું બલિદાન આપવું પડ્યું.’’

***